All is well - 7 books and stories free download online pdf in Gujarati

ઓલ ઈઝ વેલ - ૭ - જાયે તો જાયે કહાં

જાયે તો જાયે કહાં

બસ પૂરપાટ દોડી રહી હતી. પલ્લવીનું મગજ એથીયે વધુ ઝડપે દોડી રહ્યું હતું. અનેક ઘટનાઓ, બારી બહાર દોડી જતાં દૃશ્યોની જેમ મગજના પડદા પર દોડી જતી હતી.

સવારે જ પોતે પૂજા પાઠ કરી, ભગવાનની છબી આગળ હાથ જોડી કહ્યું હતું ‘‘હે પ્રભુ, મારી માની રક્ષા કરજે, કંઈક એવો ચમત્કાર કરી દેખાડ કે ભાન ભૂલેલો મારો ભઈલો ફરી ભાનમાં આવે, ભાભી પાછડ ગાંડો થઈ માના જીવતરને ઝેર જેવું બનાવનાર ભઈલો ફરી ડાહ્યો થાય, ભાભી પણ સુધરી જાય તો હું પગે ચાલીને તારા દર્શને આવીશ.’’
છબી ઉપરનું પીળું ફૂલ સરકીને પડયું ત્યારે ક્ષણાર્ધ તો પોતાની આંખ ચમકી હતી, તો પણ પોતે ત્યારે ક્યાં ઈશ્વરનો સંકેત સમજી હતી...! સમજાયું તો ત્યારે જ્યારે ઓફિસેથી પતિદેવ વૈભવનો ફોન આવ્યો કે તારા ભાઈ-ભાભીની હાલત સિરીયસ છે. ઘરે આવું છું, કલાક પછીની બસમાં રવાના થવું પડશે. કદાચ તારે રોકાવું પડશે, તારા બે'ક જોડી વધુ કપડાં ભરી લેજે.

એ પછી પતિદેવ ઘરે આવ્યા. તાબડતોબ રિક્ષા બાંધી એસ.ટી. પહોંચ્યા ત્યાં સુધીમાં પોતે કેટલાં પ્રશ્નો વૈેભવને પૂછ્યાયે ખરાં! "કોણ હતું? કોનો ફોન હતો? શુ વાત છે?"
પણ પતિદેવ, "કંઈ ખાસ નથી, ફોન પર બહુ વાત થઈ નથી." કહી બીજી વાતે ચઢી જતા હતા. બસે વળાંક લીધો અને પલ્લવીને ત્રણ મહિના પહેલાનું એ દૃશ્ય યાદ આવ્યું કે જયારે પોતાની સમજાવટથી ભાઈની આંખ ઉઘડી હતી. પત્નીની લુચ્ચાઈ, પત્નીનું દબાણ, પત્નીના મોહમાંથી ભાઈને પહેલીવાર બહાર આવેલો, તે દિવસે પોતે જોયેલો.
ઘટનો જો કે સારી તો નહોતી જ, ભાઈએ ભાભીના ગાલ પર સબોસબ ચાર તમાચા ઝીંકી દીધાં હતાં. ચિબાવલી લથડિયું ખાઈને પડી ગઇ હતી. નાટકડી ‘‘હવે નહીં થાય. ભૂલ થઈ ગઈ.’’ એવું બોલતી રૂમમાં સરકી ગઈ હતી. ભાઈ પણ પાછળ ગયો, પણ પોતે તરત જ ભાઈને ક્ષણાર્ધ અટકાવી કહ્યું હતું, ‘‘ભાઈ, તને મારા સમ છે, હાથ ના ઉપાડતો. સમજાવજે ભાભીને.’’

રાત્રે બે વાગ્યા સુધી રૂમમાંથી ડૂસકાં સંભળાયા હતાં. માએ પોતાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો હતો, ધ્રુજતો હાથ. જાણે હું એની તારણહાર હોઉં એમ બિચારું વૃધ્ધ મોં મારી સામે જોઈ રહ્યું હતું.

શું થાય?
દિકરી કેટલો સમય માવતરે રોકાઈ શકે? પોતે ફરી સાસરે ગઈ અને છઠ્ઠા જ દિવસે માનો ફોન આવ્યો હતો. ભઈલો ભાભીને લઈ હોટેલ્સમાં પૈસા ઉડાવતો હતો અને મા બિચારી ઘરે ભૂખી મરતી હતી. વહુના
હાથે ગરમાગરમ ખીચડી, કઢી ને બદલે હોટેલ્સના ઈડલી ને ભજીયાના પડીકા વહુ મા સામે પીરસી દેતી અને માએ મૂંગા મોઢે કોળિયા ગળે ઉતારવા પડતા. જુવાન ભાભી સામે વૃધ્ધ મા કેટલી ઝીંક ઝીલે?

ઘરમાં ગોંધાઈ રહેવું ના પડે એ માટે ભાભીએ સ્કૂલમાં નોકરી શોધી લીધી હતી. અરે રે..! મારી મા..! બિચારી પરણીને આવી ત્યારથી પતિનો ત્રાસ ભોગવ્યો, અને હવે બુઢાપામાં દિકરાનો. દિકરી વહાલનો દરિયો વાળા અશ્વિનભાઈ જોષી સાચું જ કહે છે. ‘‘પતિ નામનું પાત્ર, સૌથી અણગમતું પાત્ર.’’ મા-બાપને વહુના ઈશારે વૃધ્ધાશ્રમમાં મૂકી આવનાર
પુત્ર પર અશ્વિન જોષીએ જે ચાબખાં માર્યાં છે એ ખરેખર સાચાં જ છે.

પલ્લવીને એ દૃશ્ય યાદ આવી ગયું. ભાઈની સગાઈ પછી એક દિવસ સૌ ભેગાં થયેલાં. અશ્વિનભાઈ જોષીની ‘‘દિકરી વહાલનો દરિયો’’ સીડી જોતાં જોતાં ભાઈ-ભાભી બંને રડતા હતાં. આમેય ભઈલો જરા ઇમોશનલ માણસ તો હતો જ. થોડો કાચાં કાનનોયે ખરો. પહેલા-પહેલા તો હોંશિયાર ભાભી મેળવ્યા બદલ પલ્લવીને ગૌરવ પણ થયું હતું, પણ
પછી ભાઇના બે'ક વાક્યોએ પલ્લવીની છઠ્ઠી ઈન્દ્રિયને જાગૃત કરી હતી. એ અંદેશો ખરેખર સાચો પડેલો.

લગ્નના ત્રણ જ મહિનામાં ભાભીએ ભઈલા અને મા વચ્ચે તિરાડ પડાવી દીધેલી. તે દિવસે પલ્લવી લકીલી માવતરે પહોંચી હતી અને મામલો સંભાળાઈ ગયો હતો. ભાઈએ પોતાનો ખોટો બચાવ કર્યો હતો. પણ ચાલાક પલ્લવીએ સમાધાન કરાવી આપ્યું હતું. પાછા ફરતી વખતે પલ્લવી માને શિખામણ આપતી આવેલી. ‘‘મા.. તું બહુ આસક્તિ ન રાખ. ખાઈ-પીને પ્રભુભક્તિમાં મન પરોવ. ચિંતા ન કરતી. કંઈ હોય તો મને કહેજે.’’

પણ ચાર જ દિવસ બાદ માએ રડતા-કકડતા ફોન કરેલો. બિચારી પંદરેક મિનીટ રડેલી. "ન પતિનું સુખ મળ્યું, ન પુત્રનું. આખી જિંદગી રડી-રડીને આંખ સૂજી ગઈ. આસું ખૂટી ગયા. હવે તો ભગવાન શ્વાસ અટકાવી નાખે તો સારું." ફટ રે ભઈલા.. ધૂળ છે તારી જિંદગી ઉપર. કીડા પડશે તારા રુંવાડે રુંવાડે. બિચારી મા સામું નથી જોતો. જેણે તને જન્મ આપ્યો. પલ્લવીએ ભાઈને ફોન પર સમજાવ્યો ત્યારે એ ડૂસકાં ભરવા માંડ્યો હતો. પલ્લવી બોલેલી ‘‘બંધ કર તારા આ મગરમચ્છના આંસુ. ઊભો થા અને કર કાંઈક ઉકેલ.’’

દિવસો વીતતા ગયા. હાલત બદતર થતી ગઈ. દર બે દિવસે ને ચાર દિવસે માનો ફોન પલ્લવી પર આવતો. પલ્લવી જયારે પણ મોકો મળે કાં ફોન પર અને કાં પછી રૂબરૂ ભાઈને સમજાવતી. દર વખતે ભાઈ રડતો, ભાભી રડતી, પણ આ નાટક પલ્લવીને વધુ ને વધુ ગુસ્સો અપાવતું. એક વાર તો વૈભવ-પલ્લવી, ભઈલો અને ભાભી ભઈલાના રૂમમાં આખી રાત જાગ્યા હતા. એકડે એકથી બધી વાતો થયેલી. આ વખતે તો વૈભવનો ગુસ્સોયે સાતમા
આસમાને હતો. "નફ્ફટાઈની કંઈક તો હદ હોય કે નહીં? કોઈ કહેવા વાળું જ નથી તમને? ઈશ્વરના દરબારમાં તમારેય જવાનું જ છે.’’
વૈભવ મા આગળેય બોલેલા, ‘‘મા બહુ ત્રાસ વધી જાય તો તમે મારી સાથે રહેવા આવી જજો. હુંયે તમારો દિકરો જ છું ને!’’

આ ઘટનાના દસેક દિવસ બાદ બાએ ફોન પર કહેલું વાક્ય પલ્લવીના હૃદયને ચીરી ગયું હતું. બાએ આજે ભાઈના ખિસ્સામાં ‘‘હરિ ઓમ્‌ વૃધ્ધાશ્રમ’’નું કાર્ડ જોયું હતું.
અરે રે...!!
તો શું મારી મા હવે વૃધ્ધાશ્રમમાં જશે?
બસ પલ્લવીના શહેરમાં પ્રવેશી એટલે પલ્લવીના વિચારો અટકી ગયા.
============= ==============

છેલ્લા દસ કલાકથી પલ્લવી ખામોશ હતી. દર વીસમી મિનીટે આસુંનું ટીપું તેની આંખમાંથી સરી પડતું હતું. અઢાર કલાક પહેલા બસ, આ શહેરમાં પ્રવેશી ત્યારના પલ્લવીના વિચારો અને અત્યારે જયારે બસ પાછી ફરી રહી હતી, ત્યારના પલ્લવીના વિચારોમાં જમીન આસમાનનો ફર્ક હતો.
ઘરે પહોંચતા જ પલ્લવીએ જોયું કે પડોશી શિક્ષક રાઘવજીકાકા અને એમના પત્ની દમયંતીબહેન માની આજુબાજુ બેઠા હતા. મા રડમસ ચહેરે અન્યમનસ્ક બેઠી હતી. પલ્લવીને જોતાં જ બા સહેજ સળવળી. પણ શરીરમાં બળ ન હોવાથી હલી-ચલી ના શકી. રાઘવજીકાકાએ તરત જ ઊભા થઈ, પલ્લવી અને વૈભવ જે રિક્ષામાંથી ઉતર્યા
હતા એ રિક્ષાવાળાને રોક્યો. એમની સાથે કંઈક વાત કરી અને પાંચમી જ મિનીટે રિક્ષામાં રાઘવજી કાકા, પલ્લવી અને વૈભવ જઈ રહ્યા હતા.
"પણ થયું છે શું?" પલ્લવીએ જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શહેરની વચ્ચોવચ - ટ્રાફિકમાં ચાલતી હોવા છતાં રિક્ષામાં સન્નાટો પ્રસર્યો હતો. રાઘવજીકાકાના ભીડાયેલા હોઠમાંથી અતિ ગંભીર પણ સ્પષ્ટ વાક્ય નીકળ્યું. ‘‘તારો ભઈલો અને ભાભી... બંને પાગલ થઈ ગયા." બસ.. રિક્ષા દોડતી રહી.. ઘટના બનતી રહી.. પલ્લી હવે ત્યાં મોજૂદ નહોતી. જલારામ મૅન્ટલ હોસ્પિટલના સાધારણ કમરામાં દિવાલના ખૂણે બેઠેલા, લાંબા વાળ-દાઢી વાળો પોતાનો ભઈલો જ્યારે પલ્લવીને અજાણ્યાની જેમ કેટલીયે ક્ષણો સુધી તાકી રહ્યો ત્યારે પલ્લવીની આંખમાં ઝળઝળિયા આવી ગયા, હોઠ સૂકાઈ ગયા, જીભ તાળવે ચોંટી ગઈ. આટલી બધી અંગત આંખમાં આટલો બધો અજાણ્યો ભાવ! એ જાણે પલ્લવીને ઓળખતો જ ન હોય એમ ત્રણેય સામે વારાફરતી ચકળવકળ જોઈ રહ્યો હતો. ત્રણેયને અવાક
જોઈ ભઈલો ઊભો થયો. લોખંડી જાળીની નજીક આવ્યો. ફરી તાક્યા કર્યું. એક સહજ ગાંડા જેવું અજાણ્યું સ્મિત કરી, અજાણ્યા માણસની જેમ ફરી ખૂણામાં જઈને બેસી ગયો. ડોકટરનું વાક્ય હતું. ‘‘એને ઘણું બધું ભૂલાઈ ગયું છે.’’
એ પછીના કમરાઓ વટાવતી પલ્લવી જ્યારે સ્ત્રીઓના વોર્ડમાં આવી ત્યારે એણે ભાભીને જોઈ. એ દોરાને શેમાંક વીંટતી હતી, ફરી ખોલતી હતી. ગબી જેવડી મોટી આંખ એકાગ્ર થઈ દોરાને તાકતી હતી. વાળ છૂટાં હતાં. એણે તો આ ત્રણેયની સામે જોયું પણ નહીં. કાર્યમાં મશગૂલ હતી. પલ્લવીને ચકકર આવી ગયા.
વૈભવ તેને હોસ્પિટલની બહાર લઈ ગયો. ચા-પાણી પીવડાવ્યા. પલ્લવીને હજુ ભઈલાનું પેલું નિર્દોષ, અજાણ્યું, ગાંડુ સ્મિત દેખાતું હતું. લગભગ અર્ધી કલાક પછી પલ્લવી અને વૈભવની સામે શિક્ષક રાઘવજીભાઈ સહિત કુલ પાંચ વ્યકિતઓ બેઠા હતા. ધ્યાનમંડળ વાળા યુવા કાર્યકર વ્યોમેશભાઈ વ્યાસ, ભઈલો જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાંના સહકર્મચારી પ્રહલાદભાઈ પટેલ, ભાભીની સ્કૂલના હેડ શિક્ષિકા પૂર્વીબહેન પારેખ અને ભઈલાનો ખાસ મિત્ર હિમાંશુ આચાર્ય.
ધ્યાન કેન્દ્રવાળા વ્યોમેશભાઈએ ભઈલાની આદર્શવાદી વિચારધારાની કેટલીક વાતો કરી. આ છોકરામાં આદર્શો બેહદ ઊંડા ઉતરી ચૂક્યા હતા. ધ્યાન દરમિયાન કયારેક આંખ ખૂલી રહી ગઈ હોય તોયે એનું વ્યવસ્થિત રીતે નિદાન એ કરતો. ‘‘ભૂલો ભલે બીજું બધું..’’ ગાતી વખતે ચોધાર આંસુએ રડી પડતો. પ્રહલાદભાઈ, ભઈલાના સહકર્મચારીએ પણ આવી જ વાતો કરી. ઓફિસ ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી આ માણસે કદી ઓફિસ છોડી નહોતી. ખાર-દાવા અને પોલિટિક્સને કારણે આ માણસને અવાર નવાર ઠપકો મળતો, પૈસા કપાતાં અને વિના વાંકે મેમો મળતાં.
સ્કૂલના હેડ શિક્ષિકા પૂર્વીબહેને ભાભીની ચીવટ વાળી કાર્ય પદ્ધતિના ખૂબ વખાણ કર્યા. પણ હિમાંશુ આચાર્ય, ભઈલાનો મિત્ર બહુ આખાબોલો નીકળ્યો. આ માણસ, પાગલ નહીં, મરી જવાને લાયક હતો. પલ્લવી ઝબકી. "શું બોલતો હતો હિમાંશુ? ભઈલા-ભાભીના મા સાથેના વર્તાવ વિશે કંઈક કહેવા માંગતો હતો?"

પણ પછીના હિમાંશુના શબ્દોએ પલ્લવીને હલબલાવી નાંખી. "આદર્શવાદી, ઇમોશનલ, ભોળપણ અને ઓછાબોલા હોવાને કારણે દરેક માણસે, ખુદ એની મા અને એની બહેને પણ આ માણસને સમજવામાં થાપ ખાધી. એકલી
ભાભલડી.. બિચારી વગર વાંકે, જેણે જેવી ચીતરી એવી ચીતરાતી ગઈ. મારી પાસે કલાકોના કલાકો રડ્યા છે આ બંને. અને માની ખુશી માટે પ્રાર્થનાઓ કરી છે. ભૂતકાળ, નબળી માનસિકતા અને સહાનુભૂતિની ભૂખમાં ડૂબેલી મા કોઈ રીતે આ છોકરાની ભીતરના અજવાળાને, આ દિકરીની ભીતરની ભવ્યતાને સમજવા, સ્વીકારવા તૈયાર જ ન થઈ. બે એટેક આવી ચૂક્યા છે આ માણસને. ત્રીજો એટેક હતો આ, પણ મરવાને બદલે ડાગળી ચસકી ગઈ. હું ખુદ લઈ ગયેલો આ માણસને હરિ ઓમ્‌ વૃધ્ધાશ્રમમાં, પણ ત્યાં જુવાનીયાઓને નહીં, વૃધ્ધોને જ દાખલ કરાય છે. વાહ રે સમાજ! તારી વ્યવસ્થા! ખોલ તો ખરો જુવાનીયાઓ માટેનો આશ્રમ.. વૃધ્ધો કરતાં બમણી ઝડપે સંખ્યા વધી જશે, સભ્યોની અને આશ્રમોની. ભીંસાતો હતો ભઈલો તારો, ચુંથાતી હતી ભાભી તારી, પણ સહાનુભૂતિ તો વૃધ્ધો તરફ જ ઢળે ને! દસ મહિના પહેલા ડોક્ટરે કહેલું કે, આ માણસનું ઓપરેશન કરાવી લો, નહિંતર કાં મરી જશે અને કાં ગાંડો થઈ જશે. ઓપરેશનના દોઢ લાખ રૂપિયા આ માણસ ક્યાંથી કાઢે? ભાભી નોકરીએ ગઈ. બે-ત્રણ કલાક ટ્યુશન પણ ઢસડવા માંડી. પણ ઓહોહો... ભૂતકાળમાં થયેલા ઢસરડાનું ધ્યાન જ નહોતું જતું વર્તમાન ઢસરડા પર. માને વિશ્વાસ બેસે, બહેનને વિશ્વાસ બેસે, જીજાજીને વિશ્વાસ બેસે કે ભઈલો ભાભીનો નથી થઈ ગયો એટલા ખાતર મેં જ એને એકવાર કીમિયો બતાવેલો કે દિલ ઉપર પથ્થર રાખીને, તારી અપાર લાગણી તારી પત્ની પ્રત્યે હોવા છતાં, તું એકવાર આ બધાની સામે તારી પત્નીને ધમરોળી નાંખ. એય કરી જોયું. પણ નસીબની બલિહારી.. જેના નસીબમાં જે લખ્યું હોય છે એ થઈને જ રહે છે. કોઈ ના સમજી શક્યું. હર કોઇ પ્રેશર વધારતું જ ગયું. રોજરોજ તાણ વધતું જ ગયું. અંતે ચસકી ગયું મગર બિચારાનું."

રૂમમાં એ પછી કલાકો સુધી સન્નાટો છવાયેલો રહ્યો. ફરી આંસુનું એક બુંદ પલ્લવીની આંખમાંથી સરકી ગયું. બસે ફરી વળાંક લીધો.

============== ===============