VEDH BHARAM - 34 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 34

રિષભ તેના ભૂતકાળના વિચાર કરતો સૂતો હતો. તે અત્યારે ગૌતમ અને મિત્તલના વિચાર કરતો હતો આ ગૌતમ અને મિત્તલ બંને તેના મિત્રો હતા. ગૌતમ અને રિષભ તો જિગરી દોસ્તો હતા. મિત્તલ રિષભની જુનિયર હતી. મિત્તલ ગૌતમ અને રિષભ કરતા એક વર્ષ પાછળ હતી પણ મિત્તલ અને રિષભ વંથલી રોડ પર આવેલ મધુરમ સોસાયટીમાં રહેતા હતા એટલે એકબીજાને ઓળખતા હતા. જ્યારે મિત્તલે કૉલેજમાં એડમિશન લીધુ ત્યારે તેણે રિષભ પાસેથી બધીજ બુક્સ અને નોટ્સ લઇ લીધેલી. ત્યારબાદ તે બંને કૉલેજમાં પણ ઘણીવાર મળતા. એક વર્ષમાં તો રિષભ અને મિત્તલની મિત્રતા ગાઢ થઇ ગઇ હતી. ગૌતમ પણ મિત્તલ સાથે વાતો કરતો પણ તે ક્યારેય ખુલ્લીને વાત કરી શકતો નહોતો. જો કે તેની પાછળનું કારણ રિષભને પણ ખબર નહોતી. આ વાત યાદ આવતા જ રિષભના ચહેરા પર સ્મિત આવી ગયું. રિષભની વિચારયાત્રા આગળ વધે તે પહેલા જ મોબાઇલમાં રીંગ વાગી. રિષભે બંધ આંખોએ જ ફોન રીસીવ કર્યો. સામે છેડેથી મીઠી ઘંટડી જેવો અવાજ આવ્યો. આ અવાજથી તે એકદમ પરિચિત હતો. આ અવાજ સાંભળવા માટે તે ઘણો તરસ્યો હતો પણ આ અવાજ તેને ક્યારેય સંભળાયો નહોતો. ઘણા વર્ષો પછી આજે અનેરીનો ફોન સામેથી આવ્યો હતો. રિષભે ફોન ઊંચકી સીધુ જ કહ્યું “ઓહો, વર્ષો પછી ફોન કર્યો છે.”

“શું વાત છે મારો અવાજ ઓળખી ગયો? મને તો એમ કે આ નંબર તારી પાસે નહીં હોય એટલે તું એવુ પૂછીશ કે કોણ બોલે છે?” અનેરીએ કહ્યું.

"જે અવાજની વર્ષો સુધી આતુરતાથી રાહ જોઇ હતી. ઘણીવારતો આ અવાજે મને રાત આખી જગાડ્યો છે. એ અવાજ તો કેમ ભૂલી શકાય?” રિષભે નિખાલસ રીતે કબૂલાત કરી.

આ સાંભળી અનેરીએ કહ્યું “સોરી યાર, મને ખબર છે કે મે તને ઘણો દુઃખી કર્યો છે. જો કે સોરી શબ્દ પણ તેની પાસે એકદમ નાનો કહેવાય. પણ હું શું કરું..” અનેરી હજુ આગળ બોલવા જતી હતી ત્યાં વચ્ચેથી જ રિષભે વાત કાપતા કહ્યું “સોરીની જરુર નથી. ચાલ જવા દે તે વાત બોલ ફોન શું કામ કરેલો?”

“કેમ કોઇ કામ સિવાય મારે તને ફોન ના કરી શકાય?” અનેરીએ સીધૂ જ પૂછી લીધુ.

“ના કરી શકાયને પણ મને લાગતુ નથી કે તે એમજ ફોન કર્યો હોય.” રિષભે કટાક્ષમાં કહ્યું.

“અરે યાર સાચે જ એમજ ફોન કરેલો. કદાચ તુ મને વધુ પડતી ખરાબ સમજી બેઠો છે. શું હું મિત્રને ફોન પણ ના કરુ એટલી ખરાબ છું?”

“ના હું તને સારી જ સમજુ છું પણ મને મારા નસીબ પર ભરોશો નથી.” રિષભે કહ્યું.

“ના યાર તારુ નસીબતો સારુ જ છે એટલે તો મારા સાથે ના જોડાયો. તું મારા કરતા ઘણી સારી છોકરી ડીઝર્વ કરે છે.” અનેરીએ લાગણીશીલ થઇને કહ્યું.

“ઘણીવાર સારાની વ્યાખ્યા માણસ પ્રમાણે બદલાઇ જતી હોય છે. જે તને સારુ લાગતુ હોય તે મને ના પણ લાગતુ હોય. મારા માટે શું સારુ છે તે નક્કી કરવાનો હક માત્ર મારો જ છે.” રિષભે એકદમ કટાક્ષમાં કહ્યું અને પછી બોલ્યો “ચાલ આ વાતનો કોઇ અંત નહી આવે છોડ. બોલ બીજુ શુ ચાલે છે?”

“કશુ નહી એમ જ ચાલે છે. તારો ફોન ના આવ્યો એટલે મને થયુ કે ચાલ હું ફોન કરી વાત કરુ.” અનેરીએ કહ્યું.

“હા યાર હમણા આ કેસમાં કામે લાગેલા છીએ એટલે કંઇ સમય મળતો નથી.” રિષભે જવાબ આપતા કહ્યું. જો કે રિષભને ફોન કરવાનુ મન તો થતુ પણ પછી સારુ નહી લાગે એમ લાગતા તે મનને વાળી લેતો.

“હા, ભાઇ તુ તો પબ્લીકમાં સુપર હિરો બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં તારી અને પ્રેશ કોન્ફરન્સની જ વાતો થાય છે.” અનેરીએ કહ્યું.

“લોકો તો હંમેશા અમને ગાળો જ આપે છે. હવે અમને તો તેની આદત પડી ગઇ છે.” રિષભે મજાક કરતા કહ્યું.

“ના યાર મારા સ્ટાફમાં મે વાતો સાંભળી છે તેના પરથી કહું છું કે લોકો તારા પર વિશ્વાસ કરે છે. તારામાં તે લોકોને સીંઘમ દેખાય છે.” અનેરીએ કહ્યું.

“સિંઘમને કોઇ ખાલી મુવી જ કરવાનુ હોય છે જ્યારે અમારે અહી 58 વર્ષ સુધી નોકરી કરવાની હોય છે. સિંઘમ જેવા બનીએ તો બીજા વર્ષે છુટા કરી દે.” રિષભે આક્રોસ વ્યકત કરતા કહ્યું.

“ના યાર સાચે જ લોકો તને હિરો સમજે છે. તે જે કહ્યું તેમાં લોકોને વિશ્વાસ બેઠો છે. તારી ઇમાનદારી પર લોકોને ભરોશો છે.” અનેરીએ એકદમ દિલથી કહ્યું.

“હું તો મારુ કામ પૂરી ઇમાનદારીથી કરુ છું બાકી લોકોએ ભરોશો મૂક્યો એ માટે આભાર. પણ આમા કાલે ઉપરથી ઓર્ડર આવે તો મારે કેસ મૂકીને ભાગવુ પણ પડે. ત્યારે આ લોકો મને ગાળો દેશે અને કહેશે કે પૈસા ખાઇ ગયો છે.” રિષભે વાસ્તવિકતા રજુ કરી.

“ઓકે ચાલ એ તો બધુ ચાલ્યા જ કરે. બોલ બીજુ કાલનો શું પ્લાન છે?” અનેરીએ વાત બદલતા પૂછ્યું.

“કાલે વહેલી સવારે જુનાગઢ જવા નીકળુ છું. ત્યાં થોડુ કામ છે.” રિષભે કહ્યું.

“ઓહ જુનાગઢ, તારુ ફેવરીટ સીટી કેમ? સારુ તો આવીને ફોન કરજે આપણે મળીશું.” અનેરીએ વાત પૂરી કરતા કહ્યું.

“તારે કંઇ કામ તો નહોતુને?” રિષભે પુછ્યું.

“ના ના ખાલી અમસ્તી વાતો કરવા જ ફોન કરેલો. હવે તુ ઊંધી જા તારે સવારે વહેલુ ઉઠવાનું છે.” અનેરી કહ્યું.

ત્યારબાદ બંનેએ એકબીજાને ગુડનાઇટ વિશ કર્યુ અને ફોન મૂકી દીધો. રિષભ પણ ફોન મૂકીને ઊંઘી ગયો.

સવારે સાડા પાંચ વાગે રિષભ જુનાગઢ જવા નીકળી ગયો હતો. હાઇવે પર પહોંચ્યા એટલે રિષભે ડ્રાઇવરને જીપ સાઇડમાં રાખવા કહ્યું. જીપ ઊભી રહી એટલે રિષભ નીચે ઉતર્યો અને પાછળની સીટ પર બેસી ગયો. રિષભ અત્યારે ભૂતકાળની યાદોની સફર કરવા માગતો હતો. પાછળની સીટ પર બેસતા જ તે જુનાગઢની યાદોમાં ખોવાઇ ગયો. ગૌતમ રિષભ અને કપિલ ત્રણેય મિત્રો કૉલેજમાં એક જ બેંચ પર બેસતા. ત્રણેયમાં કપિલ ખૂબ હોશિયાર અને અભ્યાસમાં રેગ્યુલર હતો. કપિલ બધા જ લેક્ચર એકદમ ગંભીરતાથી ભરે અને નોટ્સ બનાવે. રિષભ અને ગૌતમ તો કપિલની નોટની ઝેરોક્ષ કરીને પરીક્ષામાં વાંચે. ત્રણેય મિત્રો હંમેશા સાથે જ હોય. જ્યારે પણ મિત્તલ મળે ત્યારે કપિલ અને રિષભ મજાક મસ્તી કરે પણ ગૌતમ બને ત્યાં સુધી ચુપ રહે. રિષભને આ વાતની નવાઇ લાગતી. રિષભે એક બે વાર ગૌતમને પુછ્યુ પણ ખરુ પણ ગૌતમે વાતને ટાળી દીધી. ત્યારબાદ તો ત્રણેય મિત્રોએ ભણવાનુ પણ પૂરુ કરી દીધુ અને જોબ પર પણ લાગી ગયા. રિષભને એસ.પી તરીકે પ્રથમ નિમણુક આણંદ જીલ્લામાં થઇ હતી. તે આણંદમાંજ તેના કવાર્ટરમાં રહેતો હતો. એક દિવસ ગૌતમનો રિષભ પર ફોન આવ્યો કે હું અને કપિલ કાલે ત્યાં આવીએ છીએ. વિદ્યાનગરમાં બે દિવસ ફરવુ છે તું કઇક વ્યવસ્થા કરી દે જે.”

રિષભને પણ નવાઇ લાગી કે આ બંને આમ અચાનક કેમ આવે છે પણ તેણે કંઇ પૂછ્યું નહી. રિષભે વિચાર્યુ ચાલ તેને સરપ્રાઇઝ મળે તેવુ કંઇક ગોઠવુ. એમ વિચારી રિષભે બે ત્રણ ફોન કરી આખુ આયોજન ગોઠવી દીધુ.

બીજા દિવસે ગૌતમ અને કપિલ આવ્યાં એટલે રિષભે તેની બે દિવસની બધી જ મિટીંગ કેન્સલ કરી દીધી. રિષભ કપિલ અને ગૌતમ સાથે બહાર આવ્યો એટલે ડ્રાઇવર જીપ લઇને આવ્યો. રિષભે ડ્રાઇવરને કહ્યું ચાલ ચાવી મને આપી દે અને તું જા. હવે તારે બે દિવસની રજા છે.” આ સાંભળી ડ્રાઇવરને પહેલા તો એવુ લાગ્યુ કે સાહેબ મજાક કરે છે. જો કે એમા ડ્રાઇવરનો પણ કોઇ વાંક નહોતો જે માણસે એક વર્ષની નોકરીમાં કલાકની પણ રજા ના લીધી હોય તે બે દિવસ રજાની વાત કરે તો કોઇપણને વિશ્વાસ ના આવે. ડ્રાઇવરને ઉભેલો જોઇને રિષભે કહ્યું “સાચે જ તારે બે દિવસ રજા છે. આ મારા મિત્રો આવેલા છે એટલે બે દિવસ હું ફરવા જાઉ છું.” આ સાંભળી ડ્રાઇવરને વિશ્વાસ આવ્યો અને તેણે ચાવી રિષભને આપી દીધી.

ચાવી લઇને રિષભ ડ્રાઇવિંગ સીટ પર બેઠો એટલે ગૌતમ તેની બાજુમાં બેસી ગયો અને કપિલ પાછળની સીટ પર ગોઠવાઇ ગયો. રિષભે જીપને આગળ જવા દીધી એટલે કપિલે મજાક કરતા કહ્યું “એલા આ જીપમાં તો એવુ લાગે છે કે આપણે કંઇક ગુનો કર્યો છે અને પોલીસ પકડીને લઇ જઇ રહી છે.”

“એલા હવે આપણને હાથ લગાવવાની કોઇની હિંમત નથી બોસ. આપણે એસ.પીના મિત્રો છીએ.” ગૌતમે પણ મજાક આગળ વધારી.

“ઓય બોવ હવામાં નહી ઉડો હજુ હું ટ્રેઇનીંગ પીરીયડમાં છું તમે તો જશો જ સાથે મારી નોકરી પણ જશે.” આ સાંભળી બધા હસી પડ્યા. તે લોકો વાત કરતા હતા ત્યાં જીપ આણંદ વિદ્યાનગર હાઇવે પર પહોંચી ગઇ હતી. આ જોઇ ગૌતમ બોલ્યો એલા આ તો વિદ્યાનગર રોડ છે. પેલા આપણે રહેવાનુ ક્યાં છે ત્યાં લઇલે ફ્રેસ થઇને પછી વિદ્યાનગર ફરીશું.”

“ભાઇ શાંતિ રાખ તને ત્યાં જ લઇ જાવ છું.” રિષભે કહ્યું.

“એલા વિદ્યાનગરમાં પણ હોટલ બની ગઇ છે કે શું? કે પછી તારુ ક્વાર્ટર ત્યાં છે?” ગૌતમે ફરીથી પૂછ્યું.

“એલા ભાઇ દશ મિનિટ શાંતિથી બેસને તને બધી ખબર પડી જશે.” રિષભે કહ્યું.

“એલા ભાઇ પૂછવાનુ બંધ કર અને આ કયો રસ્તો છે તેના વિશે મને કહે. તમે તો અહીં બહુ જલસા કરેલા મને પણ તેના વિશે કહો. આ સાંભળી ગૌતમે કહ્યું “જો આ આણંદ વિદ્યાનગર રોડ છે. જે અમે ભણતા ત્યારે આટલો ભરચક નહોતો. અહી બધુ જ ખુલ્લુ હતુ. અહીથી આગળ જતા ખાઉધરા ગલી આવશે. આ ગલીમાં ખુણા પર નાયલોન પાઉંભાજી આવશે. આ નાયલોન પાઉંભાજીની એક આખી સ્ટોરી છે.

જો કે વિદ્યાનગરની દરેક ગલીની એક સ્ટોરી છે." ગૌતમ આગળ બોલવા જતો હતો ત્યાં રિષભે તેને રોકતા કહ્યું "એ સ્ટોરી બધી રાતે કહેશું પહેલા આ સામે ખાઉંધરા ગલી છે તે તેને બતાવ." જીપ ખાઉધરા ગલી પાસેથી પસાર થતી હતી. ગૌતમ કપિલને ત્યાની બધી ખાવાની દુકાન બતાવવા લાગ્યો અને વાતો કરવા લાગ્યો. તે સમયે જ ગૌતમે જીપને ખાઉધરા ગલીની બરાબર સામે આવેલી ગલીમાં જીપને વાળી અને આગળ જવા દીધી. ગૌતમ અને કપિલ વાતોમાં હતા એટલે તે લોકોને આ વાત ધ્યાન બહાર રહી ગઇ. રિષભે બે ત્રણ વળાંક લઇને જીપને એક બીલ્ડીંગના કમ્પાઉન્ડમાં ઊભી રાખી. જીપ ઊભી રહેતા જ રિષભે કહ્યું "ચાલો આપણે આજે અહીં જ રહેવાનું છે." આ સાંભળી ગૌતમે વાતમાંથી બહાર આવી જીપની બહાર જોયુ એ સાથે જ તે કુદકો મારીને બહાર આવી ગયો અને સામેનુ બિલ્ડીંગ જોઇને બોલી ઉઠ્યો "ઓહ માય ગોડ. શું વાત છે તે તો મારી કલ્પના બહારનુ આયોજન કરી નાખ્યું છે મે તો સ્વપ્નમાં પણ નહોતુ વિચાર્યુ કે તુ મને આ જગ્યાએ રહેવા લઇ આવીશ. થેંક્યુ વેરી મચ યાર." આ બિલ્ડીંગ જોઇને ગૌતમ આટલો ઉત્સાહિત કેમ થઇ ગયો તે કપિલને સમજાયુ નહીં એટલે કપિલે પૂછ્યું "એલા આ ખખડધજ બિલ્ડીંગમાં એવુ શું છે?" આ સાંભળી રિષભે કહ્યું "પેલા ઉપર ચાલ પછી તને બધુ સમજાવુ છું."

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM