Transition - 10 books and stories free download online pdf in Gujarati

સંક્રમણ - 10

શહેરના એક એપાર્ટમેન્ટમાં એક પુત્ર અને તેની માતા ઘરની તમામ વસ્તુઓને ધ્યાનથી મૂકી રહ્યા છે. કેટલીક વસ્તુ પર માતા એમની રીતે યોગ્યતા મુજબ વસ્તુઓને મૂકી રહી છે તો પુત્ર વારંવાર તેમને ટોકી રહ્યો છે.

"અરે મમ્મી, તને ખબર નથી પડતી તો શું કામ એ વસ્તુઓને અડે છે? તને કીધું તો ખરી કે તારી વસ્તુને જ સરખી કર. મારી વસ્તુને ન અડીશ. તું બગાડીશ બધું." પોતાના મિત્ર, ભાઈ કે સહકર્મી સાથે વાત કરતો હોય તેમ તે પુત્ર તેની માતા પર વાતે વાતે ગરજી રહ્યો છે. માતા બિચારી સારું કરવાના ચક્કરમાં પુત્રના કટાક્ષ સાંભળીને અપમાનનો ઘૂંટ પીને અને મનને મનાવીને પોતાનું કામ ચાલુ રાખે છે.

"બેટા, એ લોકો કેટલા વાગે આવવાના છે?" માતા પૂછે છે.

"નજીક આવી ચૂક્યા છે એટલે હવે થોડી જ મિનિટોમાં આવી જશે. ફોન આવશે એટલે મારે નીચે લેવા જવાનું છે." પુત્ર બોલે છે.

"ઠીક છે. પણ બેટા જરા એકવાર..."

"યાર તું પ્લીઝ અત્યારે કંઈ ન બોલીશ. અને એ લોકો આવે એટલે કોઈ એવો પ્રશ્ન ન કરતી કે મારી ઈજ્જતનો કચરો થાય. હું કહું તો જ બોલજે બાકી મોંઢા પર સ્મિત રાખજે બસ. અને જો ખાસ તો એ બોલવાનું છે તારે એમની સામે કે તારો પુત્ર બહુ જ પરિશ્રમ કરે છે અને આખા ઘર ને ચલાવે છે. તારી સેવા પણ કરે છે. બસ, તારે ખાલી મારા વખાણ કરવાના છે." પુત્ર એક મોટા સાહેબની જેમ પોતાના નોકરને કઈક કરવાનો આદેશ આપતો હોય તેમ પોતાની માતાને આદેશ આપે છે. તેના ચહેરા પર ઘમંડ અને માતા પ્રત્યે આક્રોશ દેખાય છે.

"ઠીક છે પણ મને એમના વિશે કઈક તો કહે તો હું મારી રીતે પણ પૂછી શકું. કેટલીક વસ્તુમાં તમને ખબર ન પડે. મોટા ની વાત મોટા જોડે રાખવી પડે." માતા શાંતિથી પુત્રને સમજવવાની કોશિશ કરે છે પણ પુત્રને આ સમજણ અપમાનજનક લાગે છે જેથી તે માતા સામે મોટી આંખો કરે છે.

"તને તો મારે કઈ ભાષામાં સમજાવું એ જ ખબર નથી પડતી. આટલું તો કોઈ કૂતરાને કીધું હોય તો એ પણ સમજી જાય પણ તારી અક્કલ તો ભેંશ ચરાવા ગઈ છે. હું કહું છું એટલું જ કર તું. અને જો, એ મારા સાહેબનો પરિવાર છે. એમની છોકરીનો રિસ્તો લઈને આવે છે. હું સૌથી સારું કામ કરુ છું અને એમને ગમ્યો એટલે એમણે મને વાત કરી કે એમની છોકરી માટે મારા જેવો એક છોકરો જોઈએ છે. હવે સાહેબની છોકરી વિદેશમાં ભણેલી છે બોલો. મૈં એનો ફોટો જ જોયો છે. અને એ લોકો પહેલી વાર આપણા ઘરે આવે છે એટલે કોઈ પણ ભૂલ ન થવી જોઈએ, સમજી ને?" પુત્ર સિંહની જેમ દહાડ પાડીને બોલતો હોય તેમ માતાને કહે છે.

"બેટા, તે એમને એ નથી કહ્યું કે તું તારી માતાને એક જાનવર સાથે સરખાવે છે?" માતા ના આ શબ્દો સાંભળીને પુત્રનો પારો આસમાને ચડી ગયો.

"હા બસ. તારે આ જ કરવું છે. મારી સફળતા દેખાતી જ નથી. એકતો પપ્પા ના ગયા પછી તો શી ખબર તારા રંગ જ બદલાઈ ગયા છે." પુત્ર બોલે છે.

"બેટા, મને નહોતી ખબર કે મારા સંસ્કાર માં કોઈ ખોટ રહી ગઈ હશે. જે રીતે તને બધાની સામે હું મોટો માણસ કહીને બોલાવતી, તારા વિશે લોકોને કહેતી કે મારો પુત્ર આખું ઘર સંભાળી રહ્યો છે. મારી અત્યાર સુધી ની તકલીફો દૂર કરી રહ્યો છે મારો પુત્ર. મારો પુત્ર. મારો પુત્ર. પણ હકીકત તો એ જ છે કે તે ક્યારેય મારી ઈજ્જત નથી કરી. બહારનું જ્ઞાન લેવાથી મોટા માણસ નથી બની જવાતું. હ્રદય માં લાગણી, સ્નેહ, કરુણા અને સચ્ચાઈ હોવી જોઈએ. તારા સાહેબ સામે તું એટલા માટે સારો બને છે કે જેથી તે તને વધારે પૈસા આપી શકે. પણ હું જોઉં છું. તારો સાહેબ કંઈ કમ નથી. તારી પાસેથી એમના કેટલા કામ કઢાઈ નાખે છે એ તું નથી જોતો. જેટલા તું આપણા ઘરના કામ નથી કરતો એટલો તો તું તારા સાહેબના ઘરનું કામ કરે છે." માતાએ આખરે કટુવચન કહેવા પડ્યા પણ ઘમંડ અને લાલચના પડદા સામે શું માતા અને શું સંબંધ.

"પૈસા એમ નથી કમાવાતા. તું ચાર દીવાલમાં રહી છું એટલે તને ન ખબર પડે. એટલે ચૂપચાપ બેઠી રહે. મારો સાહેબ જેટલી મારી કદર કરે છે ને એટલી તું નથી કરતી," ત્યાંજ ફોનની રીંગ વાગે છે. ફોન જોઈને પુત્ર,"જો એ લોકો આવી ગયા છે. હું લેવા જાઉં છું. અને મૈં કીધું એ ધ્યાન રાખજે." કહીને અરીસામાં પોતાને ઠીક કરીને તે નફ્ફટ પુત્ર બહાર જાય છે. અને થોડીવારમાં મહેમાનોને લઈને ઘરે આવે છે.

માતા દરવાજો ખોલે છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ની વાસ્તવિક છબી દર્શાવતી પળ ત્યારે દેખાય છે જ્યારે માતા પોતાના પુત્રના ભલા માટે દિલથી સ્મિત કરીને મહેમાનોને આવકારે છે. અને પુત્ર બનાવટી સ્મિત કરીને મહેમાનોને ઘરમાં બેસાડે છે.

સાહેબ, તેમની પત્ની, કન્યાનો નાનો ભાઈ અને તે કન્યા ઘરમાં બેસીને ઘરને અને યુવકની માતા તરફ જુએ છે. માતા પાણી લેવા જાય છે ત્યાંજ પુત્ર તેમને રોકે છે,"અરે મમ્મી, તમે બેસો હું પાણી લઈને આવું છું." સ્મિત દઈને સંસ્કારી પુત્ર માફક તે પાણી લેવા જાય છે.

ત્યારબાદ, બધા એકબીજાની આમને સામને બેઠા હોય છે. માતાએ પહેલાં જ ટેબલ પર નાસ્તો અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી દીધેલી છે.

બંને પરિવાર વચ્ચે વાતો શરૂ થઈ. માતાને પ્રશ્નો પૂછવામાં આવતા ઘણીવાર તેનો પુત્ર વચ્ચે બોલતો. ક્યારેક માતાને કોઈ વાત પર અટકાવવા માટે અડધી વાત વચ્ચે ખોંખારો ખાતો, કોણી મારતો યા તો કોઈ બીજી વાત પર ધ્યાન કેન્દ્રિત કરાવીને વાત કાપી નાખતો. ઘણી વાત થયા બાદ હવે કન્યાના પિતા આખરી વાત પર આવ્યા.

"તમારો પુત્ર અમારી ઓફિસમાં સૌથી શ્રેષ્ઠ માણસ છે. કામમાં એનો કોઈ જવાબ નથી. હું તેને જોઇને જ ઓળખી ગયો હતો કે આના કામમાં કોઈ ભૂલ નહિ થાય. અને આટલો સમય વીત્યા પછી મને લાગ્યું કે મારી પુત્રીને આના જોવો વર બીજે નહિ મળે એટલે મૈં એને આ સંબંધની વાત કરી. એણે તો હા કહી પણ અમારે તમને મળવું પણ જરૂરી હતું એટલે અમે તમને મળવા આવ્યા. આ અમારી પુત્રી છે. તમે જુઓ અને કહો જો તમને કોઈ પ્રશ્ન હોય હજી તો કરી શકો છો." કન્યાના પિતાએ ખૂબ જ સહજતાથી માતા તરફ જોઈને કહ્યું.

સામે પુત્ર મુખ પર પરાણે સ્મિત ફરકાવીને બાજુમાં બેઠેલી માતા તરફ તીરછી આંખ કરીને જુએ છે અને જાણે મનમાં બોલી રહ્યો છે કે આ કંઈ બગાડે નહિ તો સારું.

"તમારી પુત્રી ખૂબ જ સુંદર છે. મારી અનુભવી આંખે તો એને પહેલી નજરે જ પારખી લીધી. સાંભળ્યું છે કે વિદેશમાં ભણીને આવી છે પણ ઘરમાં પ્રવેશતા જ મારા પગે લાગીને આશીર્વાદ લીધા એ દેખાય આવે છે કે તેણી આપણી સંસ્કૃતિ નથી ભૂલી. વડીલોને માન આપે એ આજની જનરેશનમાં બહુ ઓછું જોવા મળે છે આજકાલ. મને કોઈ વાંધો નથી. મને ગર્વ થશે કે તમારી પુત્રી મારા ઘરની વહુ બનશે તો. હવે તમારી પુત્રી પર છે કે તેણીનો શું જવાબ છે." માતાએ કહ્યું. એ પછી બધાનું ધ્યાન કન્યા પર જાય છે અને તેણી હસવા લાગે છે.

"તમારા જેવા સાસુમા ના રૂપમાં માતા મળે એ કન્યા તો ભાગ્યશાળી કહેવાય પણ હું દિલથી ક્ષમાપ્રાર્થી છું કે હું માત્ર તમારી વહુ દીકરી નહિ પણ એક ભાગ્યશાળી પત્ની પણ બનવા માંગુ છું જે તમારા આ નફ્ફટ પુત્રની પત્ની બનીને નહિ થઇ શકે," કન્યાની વાત સાંભળીને પેલો યુવક ચોંકી ઊઠે છે. કન્યા આગળ બોલે છે,"હું આવી ત્યારની જોવું છું કે તમારો આ પુત્ર તમારી સાથે કેવું વર્તન કરી રહ્યો છે. અને મને જ નહિ પણ મારા પરિવાર ને પણ તમારા આ પુત્રના સ્વભાવની ઓળખ થઈ ચૂકી છે. અમે આજે એ જ જોવા આવ્યા હતા કે આ બાહ્ય સુંદરતા પાછળ છુપેલા ઘમંડ અને લાલચનું મૂળ કયાંક ઘરેથી તો નથી ઉપજ્યું. પણ હવે દેખાય છે કે આ મારો પતિ શું તમારો પુત્ર બનવાને પણ લાયક નથી."

"આ તમે શું બોલી રહ્યા છો? સાહેબ તમે કંઇક કહો તમારી છોકરી ને." પેલો યુવક થથરી ગયો.

"એણે ખોટું શું કહ્યું એમાં? તને શું લાગે છે કે તારી બનાવટી હસી અને વધારે પડતું મારું કામ કરવું મારી નજર માં નહિ આવ્યું હોય. તું મારી સામે શું કહે છે અને મારી પીઠ પાછળ શું કહે છે એની મને બધી જ જાણ છે." કન્યાના પિતા ઊંચા સ્વરે બોલે છે.

"તું દેખાવે સારો છે. સારા ઘરથી છે પણ તું તારી હોશિયારીમાં ભાન ભૂલી ચૂક્યો છે. તને સંબંધોની મહત્તાની કીમત નથી. તું ગમે તેટલો મોટો બિઝનેસમેન બની જા પણ જે પોતાની મમ્મી કે પરિવારના સદસ્યોની કદર કે ઈજ્જત નથી કરતો એ વળી બીજા ને શું માન આપવાનો હતો. તારા જેવા સાથે પરણવા કરતા આખી જિંદગી કુંવારી રહીશ એ મને પોષાશે." આટલું કહીને કન્યાની આંખમાં આંસું આવી જાય છે અને તેણી યુવકના મમ્મીને ભેટી પડે છે અને કહે છે,"મને માફ કરજો. આજે તમારે તમારા પુત્રની આ દશા જોવાનો વારો આવ્યો. હું તમારાથી અનુભવમાં નાની છું પણ એટલું તો મહેસૂસ કરી શકું છું કે સંતાન ગમે તેવું હોય, જો લોકો એનું અપમાન કરે તો સૌથી પહેલા માતા નું હ્રદય ચિરાતું હોય છે પણ આ કરવું જરૂરી હતું. આને બતાવવાની જરૂર હતી કે બધી જગ્યાએ મમ્મી નથી હોતી કે જે દુઃખના ઘૂંટ પીને પણ મુખ પર સ્મિત રાખતી હોય છે. માફ કરજો."

કન્યા અને તેના પિતા ઘરની બહાર જાય છે અને કન્યાની માતા પેલા યુવકના માથા પર હાથ મૂકીને કહે છે,"બેટા, હજી સમય છે. માતાની સેવા એક દુનિયાના હોશિયાર વ્યક્તિ બનીને નહી પરંતુ એક સાચા સંતાન બનીને કર. જોજે, મારી પુત્રી કરતા પણ ગુણી કન્યા તારા ભાગ્યમાં લખાય જશે." આટલું કહીને તેણી આશીર્વાદ આપીને ત્યાંથી જતા રહે છે.

પેલો યુવક ઘૂંટણિયે પડે છે અને રોવા લાગે છે. તેની માતા તેના માથા પર હાથ રાખે છે અને કહે છે,"બેટા, ચલ એક નવી શરૂઆત કરીએ. હું તારી સાથે છું."

* * *