VEDH BHARAM - 37 in Gujarati Novel Episodes by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 37

વેધ ભરમ - 37

રિષભ વિચારમાં ખોવાયેલો હતો ત્યાં ડ્રાઇવરે કહ્યું “સાહેબ કંઇ નાસ્તો કરવો છે તો હોટલ પર રોકુ?”

“ના મારે રાજકોટમાં એક મિત્રને ત્યાં જમવાનું છે. તમારે કરવો હોય તો કરી લો.” રિષભે જવાબ આપ્યો.

“ના સાહેબ તો હું પણ રાજકોટમાં જ કંઇક કરી લઇશ.” ડ્રાઇવરે કહ્યું અને જીપ ચલાવવા લાગ્યો.

રિષભ પણ આંખો બંધ કરી ફરીથી વિચારોમાં ખોવાઇ ગયો. તે દિવસે તે મિત્તલને મળવા ગયો હતો. મિત્તલના રુમમાં બેસતા જ મિત્તલે કહ્યું “મને ખબર છે કે તું મને શું કામ મળવા આવ્યો છે, પણ હવે તેમાં કશું થઇ શકે એમ નથી” આ સાંભળી રિષભે કહ્યું “પેલા મને એ કહે કે શું કામ કંઇ થઇ શકે એમ નથી?”

“તુ સમજતો કેમ નથી મારી સગાઇ નક્કી થઇ ગઇ છે. મારા મમ્મી પપ્પા કેટલા ખુશ છે. હવે હું તેનુ દિલ તોડી શકુ એમ નથી. ગૌતમ આટલા વર્ષ સુધી ના બોલ્યો તો હવે તેને આટલા વર્ષે શું કામ પ્રપોઝ કર્યુ?”

આ સાંભળી રિષભે કહ્યું “એ બુદ્ધિનો લઠ છે. તુ માનીશ નહી પણ મને તારા કરતા પણ વધારે ગુસ્સો આવ્યો હતો તેના પર. પણ હવે સવાલ એ નથી કે તેણે લેટ કેમ કર્યુ પણ સવાલ એ છે કે તેણે પ્રપોઝ કરી દીધુ છે. અને હવે તારે શુ કરવાનુ છે?” આટલુ બોલી તે થોડો રોકાયો અને પછી બોલ્યો “જો તુ એમ સમજતી હોય કે હું ગૌતમ તરફથી તને સમજાવા માટે આવ્યો છું તો તુ મને સમજવામાં ભૂલ કરે છે. હું અહીં તારા માટે આવ્યો છું. જો તે કાલે મને ના કહ્યું હોત કે તુ પણ ગૌતમને પસંદ કરે છે તો હું અહી સુધી આવ્યો જ ન હોત. તને જીંદગીમાં ક્યારેય અફસોસ ન થાય કે મે આ ખોટું કર્યુ એની ચિંતાથી જ હું અહી આવ્યો છું.” ફરીથી રિષભ થોડો અટક્યો અને પછી બોલ્યો “તુ વિચાર કે તારા મમ્મી પપ્પાને જ્યારે ખબર પડશે કે તારી સગાઇ તે છોકરા સાથે નથી થતી જેને તુ પસંદ કરે છે ત્યારે તે ખુશ હશે?” આટલુ બોલી રિષભ મિત્તલના પ્રતિભાવ માટે રોકાયો પણ મિત્તલ કંઇ જ બોલી નહી એટલે રિષભે કહ્યું “ચાલ મમ્મી પપ્પાની વાત જવા દે પહેલા તુ એ વિચાર કે આજે તો તુ સગાઇ કરી નાખીશ પણ થોડા વર્ષો પછી તને જ અફસોસ થશે કે જો મે થોડી હિંમત કરી હોત તો અત્યારે મારી પ્રિય વ્યક્તિ મારી સાથે હોત.” આ સાંભળી મિત્તલ બોલી “યાર, મને સમજાતુ જ નથી કે હું શું કરુ?”

“ચાલ તેનો જવાબ પણ હું તને તારી પાસેથી જ અપાવુ છું. ચાલ આંખો બંધ કર.” રિષભે કહ્યું.

“તુ શું કરવા માંગે છે યાર?” મિત્તલે પૂછ્યું.

“તને મારા પર ભરોશો છે કે નહીં?” રિષભે પૂછ્યું.

“હા છે.” મિત્તલે કહ્યું.

“તો બસ આંખો બંધ કરને હું જે કહું છું તે તુ ઇમેજીન કર.” રિષભની વાત સાંભળી મિત્તલે આંખો બંધ કરી એટલે રિષભ બોલ્યો “વિચાર કે આજે તારી સગાઇ છે. તે મસ્ત પીંક કલર કે જે તારો ફેવરીટ છે તેનો ડ્રેસ પહેર્યો છે અને એકદમ પરીની જેમ તૈયાર થઇ છો. બધા જ સગા સંબંધી આજુ બાજુ બેઠા છે અને તારી સગાઇની વિધી ચાલી રહી છે. હવે તારી રીંગ સેરીમની થઇ રહી છે. તારો ફિયાન્સ રીંગ પહેરાવવા માટે તારો હાથ પકડે છે અને એકદમ ધીમેથી તારી આંગળીમાં રીંગ પહેરાવે છે. તુ તેના હાથનો સ્પર્શ મહેસુસ કરી શકે છે. હવે ધીમે ધીમે તું નજર ઉંચી કરે છે અને તારુ ધ્યાન તારા ફિયાન્સ પર પડે છે.” રિષભ આ બોલ્યો એ સાથે જ મિતલની આંખ ખુલી ગઇને તે રિષભ સામે આશ્ચર્યથી જોવા લાગી. આ જોઇ રિષભને સમજાઇ ગયુ કે તેનો આઇડીયા કામ કરી ગયો છે એટલે તે બોલ્યો “હવે એ કહે કે તારો ફિયાન્સ કોણ હતો? ગૌતમ કે પછી તું જેની સાથે સગાઇ કરવા જઇ રહી છો તે?” આ સાંભળી મિત્તલ નીચુ જોઇ ગઇ અને કંઇ બોલી નહીં એટલે રિષભે ફોર્સ કરતા કહ્યું “મિત્તલ વિચાર કે તુ તારી કલ્પનામાં જેને ફિયાન્સ તરીકે જોવે છે તે જ વાસ્તવિકતામાં તારો ફિયાન્સ બની જાય તો જીંદગી કેટલી સુંદર હશે?”

આ સાંભળી મિત્તલ બોલી “યાર પણ હું મારા મમ્મી પપ્પાને શરમથી માથુ નીચુ કરવુ પડે તેવુ કોઇ કામ કઇ રીતે કરી શકું?” આ સાંભળી રિષભ બોલ્યો “ઓકે તો તને માત્ર તારા પપ્પા મમ્મીનો જ પ્રોબ્લેમ છે ને?” આ સાંભળી મિત્તલે હકારમાં માથું હલાવ્યું. આ જોઇ રિષભે કહ્યું “ચાલ એ પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઇશ. મને તો આ પ્રોબ્લેમ જ નથી લાગતો. તારા અને ગૌતમની જ્ઞાતી એક જ છે અને બંને પરિવાર વેલ સેટ છો એટલે કોઇ પ્રોબ્લેમ આવશે નહીં. હું તારા પપ્પા મમ્મીને સમજાવી દઇશ. ચાલ હવે આમ સોગીયુ મોઢુ રાખીને નહીં બેસ તારી સગાઇ છે એટલે ખુશ થા.” રિષભ હજી બોલવાનુ પૂરુ કરે ત્યાં તો મિત્તલ તેને ભેટી પડી અને તેની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. થોડીવાર બાદ તે રિષભથી અલગ થઇને બોલી “થેંક્યુ યાર. તારા જેવો મિત્ર મેળવીને હું નસીબદાર થઇ ગઇ. પણ યાર તું પપ્પાને વાત કરીશ તો તેને એવુ નહી લાગે ને કે મારી દિકરીની વાતો મને બીજો કોઇ આવી કહે છે.” આ સાંભળી ગૌતમ હસી પડ્યો અને બોલ્યો “યાર હવે તુ ટેન્સન છોડી દે. માસા અને માસીને હું સમજાવી દઇશ.” આટલુ બોલી રિષભ ઊભો થવા જતો હતો ત્યાં મિત્તલના પપ્પા સુરેશભાઇ રુમમાં દાખલ થયા અને બોલ્યા “અરે શું વાત છે એસ.પી સાહેબ અમારી ઘરે પધાર્યા? હવે તમારી બંનેની સિક્રેટ વાત પૂરી થઇ હોય તો બહાર આવ મારે પણ તારી સાથે થોડી સિક્રેટ વાતો કરવી છે.” આ સાંભળી રિષભ ઊભો થતા બોલ્યો “ હા માસા ચાલો મારે પણ તમારી અને માસી સાથે થોડી વાતો કરવી છે.” તે બહાર જવા નીકળ્યો અને મિત્તલને ઇશારો કરી શાંતીથી બેસવા કહ્યું. રિષભ બહાર નીકળ્યો અને સુરેશભાઇ પાસે સોફામાં બેઠો એટલે સુરેશભાઇ બોલ્યા “શું રિષભ જોબ કેવી ચાલે છે? અમને તારા પર ગર્વ થાય છે. તુ ક્યાંથી ક્યાં પહોંચી ગયો.”

“જોબ તો સારી ચાલે છે માસા. તમારી લાગણી માટે થેંક્યુ.”

રિષભ વાતની શરુઆત ક્યાંથી કરવી તે વિચારતો હતો ત્યાં રસોડામાંથી ચા અને નાસ્તાની પ્લેટ લઇને મિત્તલના મમ્મી આવ્યા. ટેબલ પર પ્લેટ મુકી તે સામેના સોફા પર બેઠા અને બોલ્યા “દિકરા સારુ થયુ તુ આવ્યો. કદાચ ભગવાને જ તને મોકલ્યો છે. હું અને તારા માસા થોડા દિવસથી પરેશાન હતા. અમે વિચારતા જ હતા કે આ વાત કોઇને કહીએ ત્યાં જ તુ આવી ગયો.” આ વાત સાંભળી રિષભ પણ નવાઇમાં પડી ગયો. તેને જે કહેવુ હતુ તે તો બાજુ પર રહી ગયુ.

“દિકરા તુ તો ઘરનો માણસ છે એટલે કહી શકાય.” આટલુ બોલી શોભનાબેન સુરેશભાઇ સામે જોઇ બોલતા રોકાઇ ગયા. રિષભને તેનો ખચકાટ પામી જતા બોલ્યો “માસી હું તો તમારા દિકરા સમાન છું. કોઇ જાતનો ખચકાટ રાખ્યા વિના કહો. જે પણ કહેશો તે વાત આ ઘરની બહાર નહી જાય તેનુ હું પ્રોમીશ આપુ છું.” રિષભની વાત સાંભળી શોભના બહેનનો ખચકાટ દૂર થતા તે બોલ્યાં “દિકરા તને તો ખબર છે મિત્તલ અમારુ એક જ સંતાન છે. તેની ખુશીથી વધુ અમારા માટે શું હોઇ શકે? અમે તો તેને બધુ પૂછીને જ તેની સગાઇ નક્કી કરી છે. પણ ખબર નહીં કેમ તેના ચહેરા પર હોવી જોઇએ તેવી ખુશી દેખાતી નથી. મે તેને બે ત્રણ વાર પુછ્યુ પણ તે કંઇ જણાવતી નથી. તું જ તેને પૂછને કે તેને શું સમસ્યા છે. તુ તેનો મિત્ર છે તે તને કદાચ સાચી વાત જણાવશે.”

આ સાંભળી રિષભ ખુશ થઇ ગયો. તેને જે વાત કહેવી હતી તેની પહેલ સામેથી જ થઇ ગઇ હતી. હવે રિષભને તો માત્ર આ વાત સાચા રસ્તા પર આગળ વધે તે જ જોવાનું હતુ. રિષભે ચાનો કપ ટીપોઇ પર મૂકતા કહ્યું “પહેલા તમે એ કહો મિત્તલ કદાચ એમ કહે કે તેને આ સગાઇ નથી કરવી તો તમને કેટલુ દુઃખ થશે?” આ વાત સાંભળી સુરેશભાઇ અને શોભનાબેન ચોંકી ગયા. એકાદ મિનીટ પછી સુરેશભાઇએ જ તેનો જવાબ આપતા કહ્યું “દુઃખ તો થશે પણ દિકરીની ખુશીથી વિશેષ અમારા માટે બીજુ કંઇ નથી. તું તારે જે કહેવુ હોય તે ખુલીને કહે.” આ સાંભળી રિષભે કહ્યું “જો મિત્તલને એક છોકરો પસંદ છે પણ તમને દુઃખ થવાના ડરથી તે કહી શકતી નથી.” આ સાંભળી સુરેશભાઇ બોલ્યા “ પણ તેણે અમને પહેલા કેમ ના કહ્યું. આ સગાઇ તેની સંમતિથી જ તો અમે કરી છે.” ત્યારબાદ રિષભે સુરેશભાઇ અને શોભનાબહેનને ગૌતમ અને મિત્તલની આખી સ્ટોરી કહી સંભળાવી. આખી વાત સાંભળી સુરેશભાઇ બોલ્યા “છોકરો અમારી જ્ઞાતિનો જ હોય અને વેલસેટ હોય તો અમને શું વાંધો હોય. અમારે તો અમારી દિકરી સુખી થવી જોઇએ બાકી દુનિયાને જે કહેવુ હોય તે કહે.” ત્યારબાદ રિષભે મિત્તલને બહાર બોલાવી. મિત્તલને જોઇ સુરેશભાઇ બોલ્યા “દિકરા તે અમારાથી આટલી મોટી વાત છુપાવી? તારા પપ્પા શું એટલા ખરાબ છે?” આ સાંભળી મિત્તલ દોડીને સુરેશભાઇને ભેટી પડી. બંનેની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. રડતા રડતા જ મિત્તલ બોલી “સોરી પપ્પા. મારી ભૂલ થઇ ગઇ.” આ સાંભળી સુરેશભાઇએ કહ્યું “અરે દિકરી અમને તો તારા માટે માન છે. અત્યારે યુવાનીયાઓ મમ્મી પપ્પાની લાગણીઓની કોઇ દરકાર લેતા નથી તેના બદલે તુ અમારા માટે આટલી મોટી કુરબાની આપતી હતી. તારા જેવી દિકરી તો નસીબદારને જ મળે.” શોભનાબેન અને રિષભ બાપ દિકરીનું પ્રેમાળ મિલન જોતા રહ્યા.

“ચાલ હવે છોકરાનો ફોટો તો અમને બતાવ.” શોભનાબહેને રિષભ સામે જોઇને કહ્યું.

“ફોટો શું છોકરો જ અહી મારી સાથે આવ્યો છે. તમે કહો તો તેને બોલાવી લઉં.” રિષભે કહ્યું.

“અરે એમા પૂછવાનુ હોય બોલાવ ચાલ અમે પણ જોઇએ કે અમારી દિકરીની પસંદગી કેવી છે?” સુરેશભાઇએ મિત્તલ સામે જોઇને હસતાં હસતાં કહ્યું.

આ સાંભળી રિષભે ગૌતમને ફોન લગાવ્યો અને મિત્તલના ઘરે આવી જવા કહ્યું.

અડધા કલાક પછી ગૌતમ અને કપિલ મિત્તલના ઘરે આવ્યા. રિષભે ગૌતમને ઇશારો કર્યો એ સમજતા જ ગૌતમ સુરેશભાઇ અને શોભનાબહેનને પગે લાગ્યો. સુરેશભાઇ અને શોભના બહેન પણ ગૌતમને જોઇને ખુશ થઇ ગયા. થોડીવાર બધાએ મજાક મસ્તીની વાતો કરી અને પછી સુરેશભાઇએ કહ્યું “ગૌતમ હવે તમને અનુકૂળતા હોય ત્યારે તમારા ફેમિલીને લઇને આવો તો સાથે જમીશુ અને બધી ચર્ચા પણ કરી લઇશું.” આ સાંભળી ગૌતમ બોલ્યો “મારા મમ્મી પપ્પાને તો મે વાત કરેલી છે તેને તો મિત્તલ પસંદ જ છે. તમે જ્યારે કહો ત્યારે હું મમ્મી પપ્પા બહેન અને જીજાજીને લઇને આવી જઇશ.” ત્યારબાદ થોડીવાર બધી વાતો થઇ પછી રિષભે કહ્યું “માસા તમને વાંધો ન હોયતો ગૌતમ મિતલને લઇને ભવનાથ મંદિરે દર્શન કરતો આવે?” આ સાંભળી સુરેશભાઇ બોલ્યા “હા, હા, ભલેને બંને જતા અમને શું વાંધો હોય.”

આ સાંભળી ગૌતમ જવા માટે ઊભો થયો ત્યા મિત્તલ બોલી “રિષભ મારે તારી અને ગૌતમ સાથે થોડી વાત કરવી છે.” આ સાંભળી રિષભ અને ગૌતમ મિત્તલની પાછળ તેના રૂમમાં ગયા. ત્રણેય બેઠા એટલે મિતલે કહ્યું “જો આ સંબંધની શરુઆત થાય છે તેનો પુરો શ્રેય રિષભ તને જાય છે. તુ ના હોત તો હું અને ગૌતમ કયારેય મળી શક્યા ના હોત. પણ તે આ સંબંધ બંધાવ્યો છે તો તારે મને એક પ્રોમિશ આપવુ પડશે કે મારા સુખ દુઃખમાં મને જયારે તારી જરુર પડશે ત્યારે તુ મારી સાથે હોઇશ.” આટલુ બોલી મિત્તલે હાથ લંબાવ્યો. આ જોઇ રિષભે મિત્તલના હાથમાં હાથ મુક્યો અને બોલ્યો “હું પ્રોમિશ આપુ છું. બસ.” ત્યારબાદ મિત્તલે ગૌતમ સામે જોઇને કહ્યું “ગૌતમ તને મારે એટલુ જ કહેવાનુ છે કે અમારી આ મિત્રતાથી ભવિષ્યમાં તને કોઇ પ્રોબ્લેમ થવો જોઇએ નહીં. કેમકે પ્રેમીઓ પતિ બની ગયા પછી બદલાઇ જતા હોય છે.”

આ સાંભળી ગૌતમ બોલ્યો “અરે તારા અને રિષભના સંબંધ તો હું વર્ષોથી જાણુ છું. મને તારી અને રિષભ પર પૂરો વિશ્વાસ છે. ભલે મે તને પ્રપોઝ કરવામાં લેટ કરી નાખ્યુ પણ હવે પછી ક્યારેય તને કે રિષભને ફરીયાદનો મોકો નહીં આપુ.”

આ વાત યાદ આવતા જ રિષભને ગીલ્ટી ફીલ થઇ કેમકે તે પોતાનુ પ્રોમિશ નીભાવી શક્યો નહોતો. લગ્ન બાદ મિત્તલને પહેલુ બાળક મૃત જન્મ્યુ હતુ ત્યારે તે મિત્તલ પાસે જઇ શક્યો નહોતો. ત્યાર બાદ એક છોકરાનો જન્મ થયો. ત્યારે પણ રિષભ જઇ શક્યો નહોતો. મિતલે તેને ફરીયાદ પણ કરી હતી. રિષભ આજે મિત્તલને મળવાનો હતો ત્યારે તેના પ્રશ્નનો શો જવાબ આપશે તે જ તેને સમજાતુ નહોતુ.

“સાહેબ રાજકોટ આવી ગયુ હવે કઇ બાજુ જવાનું છે?” ડ્રાઇવર બોલ્યો એ સાથે રિષભ વિચાર યાત્રામાંથી બહાર આવી ગયો અને બોલ્યો “સાઇડમાં ઊભી રાખ હું આગળ આવી જાવ છું.”

આ સાંભળી ડ્રાઇવરે જીપ ઊભી રાખી એટલે રિષભ ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી ગયો અને બોલ્યો “આ સીધા રસ્તા પર જ જવા દે. હોસ્પીટલ ચોક આવશે.”

તે હજુ આગળ બોલે ત્યાં રિષભના મોબાઇલમાં રિંગ વાગી. રિષભે કોલ રિસિવ કર્યો અને સામે છેડેથી જે કહેવાયુ તે સાંભળતો રહ્યો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Vishwa

Vishwa 7 months ago

Vraj Patel

Vraj Patel 11 months ago

Nicky Mehta

Nicky Mehta 12 months ago

Sunita

Sunita 12 months ago

Nicky Mehta

Nicky Mehta 12 months ago