Mangal - 30 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 30

મંગલ - 30

મંગલ
Chapter 30 – વિયોગ
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં ત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. વાચક મિત્રો, પ્રકરણ ૧૬ થી લઈને પ્રકરણ ૨૯ સૂધી મંગલનાં પોતાનાં સંસ્મરણો અને તે વતનથી કઈ રીતે આફ્રિકા આવ્યો, તેનો પરિવાર કેવો હતો તેનાં પર લખાયા હતા. પરિવારથી દૂર કમાવવા માટે તેણે વતન છોડ્યું અને આફ્રિકા બાજું પ્રયાણ કર્યું. આફ્રિકામાં શું થયું હતું તે તો આપ લોકોએ પ્રકરણ ૧ થી ૧૫ સૂધી વાંચ્યું હતું. આજે મંગલ નિર્જન ટાપુ પર છે. શું તે હવે પોતાનાં ઘરે જઈ શકશે ? કે પછી એ જ નિર્જન ટાપુ પર એકલતાની સોડ તાણી જિંદગી પૂરી કરી નાખશે ? મંગલનાં મૃત્યુંનાં સમાચારથી તેનાં પરિવાર પર શું વીતી રહી હશે ? જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ત્રીસમું પ્રકરણ
મંગલ Chapter 30 – વિયોગ
Chapter 30 – વિયોગ
ગતાંકથી ચાલુ
એ નિર્જન ટાપુ પર બેસીને રેત પટ પર મંગલ પોતાનાં પરિવાર સાથેની એ હૂંફાળી યાદોને વાગોળતો રહ્યો. આફ્રિકા જતી વખતે જહાજ પરથી તેણે પોતાને વિદાય આપી રહેલી ધાનીની આંખોનાં ભીના થયેલા ખૂણાઓને તે જોઈ શકતો હતો. પોતાની વ્હાલસોયી દીકરીનાં એ નિર્દોષ ચહેરો તેની સામે તરી આવ્યો. જિંદગીની હાડમારી અને વિધાતાની કસોટીમાં મૂંગા મોઢે, ખુમારીથી લડી રહેલો માડીનો કરચલીવાળો ચહેરો તેમની નજર સામે તરી આવ્યો. તેની તરફ માડીનાં હાથ જાણે આશીર્વાદ આપવા લંબાયા હોય એવું તેને લાગી રહ્યું હતું. મંગલ ભાવુક થઈ ગયો. પરિવારનો વિયોગ, મિત્રોનો વિયોગ તેમને સાલવા લાગ્યો.
પુરૂષ કોઈનાં રહેતા પોતાનું મન મોકળું કરીને તો રડી શકતો નથી. સ્ત્રીઓ તો ખુલ્લેઆમ રડીને પોતાનું મન મોકળું કરી શકે છે, પણ પુરૂષ એ કરી શકતો નથી. તે અંતરનાં ભંડકિયામાં સઘળા દુ:ખોને સમાવી મુખ પર સ્મિત ફરકાવી શકે છે. તે રડી ના શકે, રડવા પર તેનો અધિકાર ન હોઈ શકે. તે કોઈનાં ખભે માથું પણ ના મૂકી શકે. તેણે ચોતરફ દ્રષ્ટિ ફેરવી. તેને સાંભળનારું ત્યાં કોઈ ન હતું. પણ છતાં તે હવે પોતાની પીડાને વાચા આપવા માંગતો હતો. પોતાનાં બાપુંથી તેનું છૂટું પડી જવું, માડી, પત્ની અને પોતાની વ્હાલી દીકરીથી પણ દૂર હોવું અને હવે તો તે આખી દુનિયાથી વિખૂટો પડી ગયેલો જીવ હતો. કલબલાટ કરતાં પક્ષીઓને સાંજ પડ્યે પોતાનાં માળામાં બચ્ચા સાથે મળીને રહેતાં જોઈને આજે તેને સાચા અર્થમાં એકલતા સાલવા લાગી હતી.

તે સાહસી જીવ હતો. પોતાનાં સાહસની અદમ્ય ઝંખનાઓને પૂરી કરવા માટે તે આફ્રિકા આવ્યો હતો. શેઠ હરખચંદે તેને કામે રાખ્યો અને તેની સાહસિકતા ખીલવા લાગી. વહાણમાં બે બે વાર ચાંચિયાઓ સામે જીવ સટોસટની બાજી લગાવી વહાણને બચાવનાર એ પોતે હતો. જ્યારે ઘેરા અંધારિયા, અડાબીડ જંગલમાં જઈને પેલા માણસને જાનવરોથી પણ ખૂંખાર અને ડરામણા લાગતાં આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવવા માટે કોઈ તૈયાર થતું ન હતું ત્યારે એ દુર્ગમ પંથે પોતાનાં પગલાં પાડનાર અને સફળ થનાર એકલવીર પોતે હતો. એ બધી એવી ઘડી હતી જ્યારે જીવનું જોખમ સામે હતું પણ મંગલ અભય રહ્યો, અડગ રહ્યો. તેને હૈયે હામ હતી, ખારવાની ખુમારી હતી. દરિયાની ખારાશમાં ઉછરનાર એ દરિયાપુત્રનાં હૈયે માનવતાની મીઠાશ હતી. નિર્દોષ પ્રજાનું રક્ષણ કરીને દુષ્ટ લોકોનો સંહાર કરવાની ધર્મભાવના તેનામાં હતી. પણ આજે તેની સામે કોઈ આદમખોર આદિવાસીઓ ન હતા, ચાંચિયા ન હતા, કોઈ તોફાન ન હતું, સમુદ્ર પણ શાંત હતો, છતાં મંગલ ડરતો હતો. તે એકલતાનાં ભયથી ડરી રહ્યો હતો. શું પોતાનું જીવન આમ જ આ એકલતાની ખીણમાં પટકાઈને નિર્જન ટાપુ પર જ સમાપ્ત થઈ જશે ? શું તે પોતે ક્યારેય પાછો જઈ નહીં શકે ? આવા વિચારો તેને રોજ આવવા લાગ્યા અને તેને વિહવળ કરવા લાગ્યા.
એક દિવસ મંગલ આ ભયાનક વિચારોથી ત્રસ્ત થઈને માથું પકડીને રડ્યો, ખૂબ રડ્યો. હૈયાફાટ રૂદન કર્યું. વર્ષોથી પોતાનાં અંતરનાં ભંડકિયામાં રહેલાં જખમ આંસુ સાથે વહેવા લાગ્યા. પોતાને ઘણું કહેવું હતું પણ કોઈને પોતાની વ્યથા કહી શકે તેમ ન હતું. આજે કોઈ હતું નહીં પણ મંગલે જાતને રોકી નહીં. આક્રંદને પોતાની અભિવ્યક્તિ બનાવી દીધો અને ક્યાંય સૂધી તેને અભિવ્યક્ત થવા દીધો. આજે તેને કોઈ રોકનાર ન હતું, કોઈ ટોકનાર ન હતું. તે મન મૂકીને રડ્યો અને રેતપટ પર માથું ઢાળીને સૂઈ ગયો. તેની આંખોમાંથી ટપકતાં ખારા આંસુઓ કિનારે આવેલા મોજાઓની ખારાશ સાથે ભળીને દૂર ચાલ્યા ગયા.
****
બે વર્ષ બીજા વીતી ગયા. ‘મારો દીકરો આવશે, મારો મંગલ જરૂર આવશે.’ એવી આશા સાથે લાખીબહેન હજું પણ જીવી રહ્યા હતા. શરૂઆતમાં તો પાડોશીઓને પણ થોડી ઘણી એવી આશા હતી. “મારો દીકરો મંગલ આવશે ને ?” એવા લાખીબહેનનાં વેધક પ્રશ્નો સામે કોઈ પાસે સંતોષકારક ઉતર ન હતો. સૌ મૂંગા મોઢે એક મા ની અવદશા જોઈ રહ્યા હતા. ઘરમાં ત્રણ હતભાગી સ્ત્રીઓ એકલતામાં જીવી રહી હતી. કોઈએ પોતાનાં પતિને ગુમાવ્યો હતો, કોઈએ પોતાનાં પુત્રને તો કોઈએ પોતાનાં પિતાને. દીકરાનાં આવવાની આશા સાથે ગાંડા જેવા થઈ ગયેલા લાખીબહેનને ભૂલથી પણ એમ કોઈ કહી દે કે તેનાં દીકરાને દરિયો ભરખી ગયો છે અને પાછો આવવાનો નથી, ત્યાં લાખીબહેન વીફરી જતાં અને તેને ન કહેવાનું કહી જતાં. લોકો તેની આ હાલત પર દયા ખાતા, તો કોઈ વળી કહેતા, “ભગવાન આવા દિવસો કોઈને ના દેખાડે. પહેલા પતિ ગયો અને હવે જુવાનજોધ દીકરો. આ ભવમાં હજી કેટલા દુ:ખ સહન કરવા પડશે લાખીબેનને ?”

લાખીબહેન જેવી હાલત ધાનીની પણ હતી. મંગલ આફ્રિકા ગયા પછી બે વખત વચ્ચે મળવા આવેલ પણ પછી માત્ર કાગળો જ આવતા. ઘર ચલાવવાનાં પૈસા મંગલ સમયસર પહોંચાડી દેતો. એટલે તેનું ઘર પણ ચાલતું રહેતું. મંગલનાં સ્વમાની સ્વભાવને કારણે તે પોતાનાં માવતરનો પૈસો પણ ના લેતી અને ગમે તેમ છેડા ભેગા કરીને ઘર ચલાવતી. લગ્ન પછી તે પોતાનાં પતિ સાથે ખાસ્સો સમય પણ પસાર કરી ન શકી હતી. તેને પણ રડવું હતું, પોતાનું દુ:ખ હળવું કરવું હતું પણ કોઈનાં ખભે માથું મૂકી શકાય તેવું ન હતું. માડીની હાલત પણ એટલી સારી ન હતી. મનથી તે ભાંગી ચૂક્યા હતા, હિંમત હારી ચૂક્યા હતા. તેની સ્થિતિ એવી ન હતી કે તેની પાસે તે રડી શકે.

લોકો તેને પાગલમાં ખપાવી લેતા, કોઈ દયા ખાય પણ તેની વ્યથાને ધાની સિવાય કોઈ સમજી શકતું નહીં. દર વખતે તે માડીનાં એક નાં એક પ્રશ્નોથી કંટાળ્યા વગર તેને દિલાસો આપતો જવાબ આપતી, “હા, માડી, મંગલ આવશે, જરૂર આવશે. આ તો બધા ખાલી એમ ને એમ કહે છે. તમે જોજો. આવીને તમારી પાસે જ પહેલા આવશે. આવશે ને ત્યારે આપણે એને દોરડેથી બાંધી દઈશું. પાછો ક્યાંય જવા નહીં દઈએ.” ”
“સાચે ? આવશે ને ? તું જ મારી દીકરી સાચું કહે છે. આ બધા તો ખોટાડા છે. મારુ મન કહે છે કે એ આવશે.” લાખીબહેન બાળકની જેમ આશાભર્યા સ્વરે કહેતા.
માડીને પંપાળતા તે દીવાલ પર ટીંગાડેલા મંગલનાં ફોટા સામે જોઈને આંખોનાં ખૂણા ભીના કરી લેતી, પણ બીજી પળે તે સ્વસ્થ હોવાનો ડોળ કરી લેતી. બહારથી શાંત રહીને પોતાની અંદર જ કેટલાંય તોફાનોને સંઘરી રાખ્યા હતા. મંગલની યાદોમાં જ પાગલ બનીને જીવી નાખવાનું તેને પરવડે એમ ન હતું. તેનાં માટે બાહ્ય વિશ્વ કે સંપતિ કે સમૃદ્ધિની કોઈ કિંમત રહી ન હતી. હજું તે યુવાન હતી. નવ વર્ષની દીકરી હતી પણ તેની ઉંમર હજું બત્રીસની જ હતી. કોઈ ને કોઈ યુવક તેને પાછો મળી પણ શકે એમ હતો. તેની નાતમાં હજું ઘણા યુવકો હતા જે કાં તો વિધુર હતા કાં તો છૂટાછેડા લીધેલા હતા. ધાનીને ફરીથી બીજા લગ્ન કરીને પોતાનો સંસાર ફરીથી વસાવી લેવાની કોઈ વણમાગી સલાહ આપતા હતા. ધાનીને શરૂઆતમાં તો ગુસ્સો આવતો પણ પછી તે તેને પણ પચાવતા શીખી ગઈ. તેને લગ્નની પ્રથમ રાત્રે એક બીજાને આપેલા કોલ બરાબર યાદ હતા. તેની નિષ્ઠા અને પ્રેમ મંગલ અને તેનાં પરિવાર પ્રત્યે હતી. તેણે પોતાનું જીવન તેનાં પરિવારને સમર્પિત કરી દીધું અને પોતાનું ભવિષ્ય વિધાતાનાં હાથમાં મૂકી દીધું.

કમાણી બંધ થઈ ગઈ હતી. તેણે સિલાઈ કામ અને સીંદરીઓ વણવાનું કામ શરૂ કરી દીધું. ક્યારેક ક્યારેક તેને માછીમારોની માછલી પકડવાની જાળ ગૂંથવાનું કામ પણ મળી જતું. આમ ને આમ તેનું ઘર ચાલ્યા કરતું. અતિ કરકસરથી રહીને તે પોતાનું ગુજરાન ચલાવ્યે જતી હતી. થીગડા લગાડેલી જૂની પુરાણી સાડીમાં ગજા બહારનો શ્રમ કરતી દીકરીને છુપાઈને જોતા રંભાબહેન પણ ખૂબ દુ:ખી થતાં. ‘ક્યાં પોતાની અલ્લડ, તોફાની મિજાજની એ ધાની અને ક્યાં આ યુવાન વયે ઢસરડા કરીને જેમ તેમ પોતાની જિંદગી જીવી નાખતી વિધવા ધાની !’ રંભાબહેન ઘરે આવીને ખૂબ રડતાં. તે ક્યારેક ધાનીને કહેતા, “દીકરી, ક્યાં સૂધી આવું ચાલશે ?”
“શું માડી ? હું સમજી નહીં.”
“તને બધી ખબર છે કે હું શું કહું છું. હું તારા બીજા લગ્નની વાત કરું છું. જો ધાની, હું તારી મા છું. આ હાલત મારાથી જોવાય તેમ નથી. આપણી નાતમાં ઘણા છોકરાઓ છે. કોક તો તને હા પાડશે જ. એની સાથે પરણીને ઘર માંડી દેવાય.” રંભાબહેને કહ્યું.
તેનાં આ વચનો સાંભળીને ધાનીએ થોડી વાર તેની સામે જોયું. તેની આ નજરથી થોડા વિચલિત થઈને રંભાબહેને કહ્યું, “જો ધાની, તને એમ હોય કે તારા સાસુને આ હાલતમાં મૂકીને કેમ જવું, તો એનો પણ ઉપાય છે મારી પાસે. તું જરાય મૂંઝાઈશ નહીં. તેનું ધ્યાન પણ અમે રાખીશું. કિંજલનું ધ્યાન પણ અમે રાખીશું. હવે તો તેનો મામો પણ મોટો થઈ ગયો છે. તેનાં પણ લગ્ન થઈ જશે. મારી વાત માન, હું તારા માટે કહું છું.”
“માડી, હું મારી માડીને મૂકીને કેમ જાઉં ? હું મારી ફૂલ જેવી દીકરીને મૂકીને કેમ જાઉં ? હું મંગલને મૂકીને કેમ....?” ધાની આટલું બોલતાં અટકી ગઈ.
“ધાની, મંગલ હવે નથી રહ્યો. લાખીબહેન નહીં તો તું તો સમજ. ક્યાં સૂધી તારા મનને આમ જ મનાવ્યા કરીશ ?” રંભાબહેને કહ્યું.
“માડી, એ મારી જવાબદારી નથી કે હું એને તમારા ભરોસે મૂકીને હાથ ખંખેરી લઉં. એ મારી માડી છે. લગ્ન સમયે અમે એકબીજાને વચન આપેલા કે હું તેને અને તેનાં પરિવારનું ધ્યાન રાખીશ, એને મારો પોતાનો માનીશ. તારી ચિંતા તારી જગ્યાએ સાચી છે. હું મારી જગ્યાએ સાચી છું. હું મનથી તેને વરી ચૂકી છું. આ જન્મમાં તેનાં સિવાય હવે બીજાનું મોઢું પણ મારાથી નહીં જોવાય. અમે આ ભવમાં નહીં તો આવતા ભવમાં પણ મળીશું ખરા.” ધાનીએ કહ્યું.

રંભાબહેન ધાનીની નિષ્ઠા જોઈ રહ્યા. તેણે પછી ક્યારેય આ વિષય પર તેની સાથે ચર્ચા કરી નહીં. પિતા કેશવજી માલમને પણ તેની આ સ્થિતિ ખૂંચતી હતી. પોતે આખા ગામનાં ખારવા સમાજનાં યુવક યુવતીઓનાં સમૂહલગ્ન કરાવવાની સમિતિમાં સેવા પણ આપતા. તેનાં ધ્યાનમાં ઘણા યુવકો પણ આવ્યા હતા પણ ધાનીની હઠ સામે તે હંમેશા પરાસ્ત થતાં. રંભાબહેને ધાનીની લાગણીઓ સમજી અને તેનાં પિતાને પણ સમજાવી. દીકરીની સમજદારી પ્રત્યે માન ઉપજી આવ્યું.

કિંજલ પણ ધીરે ધીરે મોટી થઈ રહી હતી. નજીકની સરકારી નિશાળમાં તે ભણવા લાગી હતી. હવે શાળામાં પણ તેને કોઈ પૂછતાં કે તેનાં બાપું શું કરે છે, તો તેની પાસે કોઈ ઉત્તર ન હતો. ધાનીએ એટલું જ કહ્યું હતું કે એ દરિયાની પેલે પાર પરદેશ ગયા છે. તેને જેટલું કહેવામાં આવ્યું હોય એટલું જ એ કહેતી. તેની પાસે વધારે કંઈ જાણકારી ન હતી. મૃત્યું શું છે એની આ નાના જીવને ખબર ન હતી. પણ હવે પ્રશ્નો વધવા લાગ્યા હતા.

કિંજલે હજું તેનાં બાપુંનો ચહેરો માત્ર ફોટામાં જ જોયો હતો. નાની હતી ત્યારે પરદેશથી આવીને થોડો દિવસ તેની સાથે મંગલે સમય પસાર કર્યો હતો પણ એ સમયે તે ખૂબ નાની હતી.કિંજલ પોતાની સાથે ભણતાં છોકરા કે છોકરીઓને તેનાં બાપા સાઈકલમાં બેસાડીને ફેરવવા લઈ જાય એ દ્રશ્ય જોઈને કિંજલને પણ થતું કે મારા બાપા ક્યારે આવશે ? ઘરે આવીને એ ધાનીને પૂછતી, “મા, મારા બાપુ ક્યારે આવશે ? પેલી ચંપાને એનાં બાપા સાઈકલ પર બેસાડીને ફેરવવા લઈ જાય છે. મારા બાપું મને ક્યારે સાઈકલમાં બેસાડીને ફેરવવા લઈ જશે ? બોલ ને મા...બોલ ને... ક્યારે આવશે મારા બાપું ?” તેનાં પ્રશ્નો ધાનીને સોઈની જેમ ખૂંચતા હતા. તેની પાસે કોઈ ઉત્તર ન હતો છતાં તે કહેતી, “તારા બાપું દરિયાને સામે કાંઠે પરદેશ ગયા છે. ત્યાંથી સરસ મજાની સાઈકલ લઈને આવશે ને, પછી તને ફેરવશે.” એટલું સાંભળીને કિંજલ ખુશ થતી કૂદકા મારતી ચાલી જતી. પણ ધાનીને થતું, ‘આવા ખોટા દિલાસા પણ ક્યાં સૂધી આપ્યા કરશે ? ક્યારેક તો તેણે પણ સ્વીકાર કરવું જ પડશે ને કે હવે તેનાં બાપું...’

કિંજલ પોતાની બહેનપણીઓ સાથે દરિયાકિનારે રમી રહી હતી. એ જ રમત જે વર્ષો પહેલા ધાની અને મંગલ રમી રહ્યા હતા. કિંજલે મહામહેનતે રેતીથી એક ઘર બનાવ્યું પણ દરિયાનું એક મોટું મોજું આવ્યું અને બધું વેરવિખેર કરીને ચાલ્યું ગયું. તેણે બીજી વાર પ્રયત્નો કર્યા પણ થોડી વારમાં દરિયાનું મોજું આવ્યું ને એ નાનકડાં ઘરને પાછું તાણી ગયું. કિંજલ રીસે ભરાઈને રડમસ અવાજે દોડતી ગઈ પોતાનાં ઘર ભણી. ધાની તેની માડી રંભાબહેન સાથે વાત કરી રહી હતી, ત્યાં જ કિંજલ રડતાં રડતાં કહેવા લાગી, “મા... મા... મેં કેટલી મહેનતથી ઘર બનાવ્યું હતું ને આ દરિયો મારુ ઘર તાણી ગયો.”

ધાનીને કિંજલનાં સામાન્ય લાગતાં શબ્દો ‘દરિયો મારું ઘર તાણી ગયો’ તીરની જેમ ખૂંચ્યા. પોતે પણ કેટલાં અરમાનોથી, કેટલાં ઉમંગોથી પોતાનું ઘર સજાવ્યું હતું ને આ દરિયાએ એક પળમાં જ બધું વેરવિખેર કરી દીધું ! ઘર કિંજલનું નહીં પણ ધાનીનું તણાઈ ગયું હતું. તેનાં સઘળા સુખો સાથે તણાઈ ગયા હતા. આજ સૂધી પોતાનાં અંદર રહેલા અઢળક પ્રશ્નોનો બંધ આખરે તૂટ્યો.

ધાનીની ભ્રૂકુટિ ખેંચાઈ. ભવા તંગ થયા. તે પોતાની જગ્યાએથી ઊભી થઈ અને ડેલા પાસે રહેલા પથ્થર તરફ નજર પડી. તીવ્ર ગતિથી તેની પાસે જઈને પથ્થર હાથમાં લઈને સીધી ચાલતી પકડી દરિયા તરફ...

રંભાબહેન ધાનીનું આવું અચાનક બદલાયેલું સ્વરૂપ જોઈને થોડી વાર તો સાવ અવાચક જ રહી ગયા. તે કંઈ સમજી શકે એ પહેલા તો તે ડેલા બહાર નીકળી ચૂકી હતી. તેણે પણ ધાની પાછળ દોટ લગાવી. તેની પાછળ કિંજલ “મા... મા...” કહેતી દોડી. શેરીનાં સૌ લોકો હાથમાં પથ્થર, ક્રોધથી તમતમતાં ચહેરા અને લાલ આંખ સાથે તીવ્ર ગતિથી ચાલતી ધાનીને જોઈને ઊભા જ રહી ગયા. પાછળ રંભાબહેન “ધાની... ધાની... ઊભી રહે... આમ ક્યાં જાય છે પથ્થર લઈને ? ઊભી રહે...” કહેતા તેની પાછળ જતાં હતા.

આખરે તેનાં પગ થંભ્યા. મોજાઓ ઘેરા અવાજ સાથે કિનારે અથડાઈ રહ્યા હતા. ધાનીએ પોતાનાં હાથમાં રહેલો પથ્થર દરિયા બાજુ ફેંક્યો અને જોરથી ત્રાડ નાખી, “એ દરિયા, તારી કેટકેટલી પૂજા અમે કરી ? છતાં તને દયા ન આવી ? એક બાઈનો પતિ, એક ફૂલ જેવી છોકરીનો બાપ, એક દુખિયારી, અભાગણ માનો એક નો એક દીકરો છીનવી લેતા તને લાજ ન આવી ? અરે, કેવડું મોટું પેટ છે તારું ? બોલ. હજું પણ ના ધરાયું હોય તો અમને ત્રણેયને પણ સમાવી લે. તારું પેટ તો ભરાશે. તું દેવ નથી, દાનવ છો, દાનવ.” આટલું કહેતાં તે દરિયાનાં કિનારે જ પડી ભાંગી. ક્ષણભર તો ધાની વેગથી ધસમસતી એ નદી સમી ભાસી રહી હતી જે તીવ્ર વેગથી દરિયામાં મળે તો છે પણ મોજાઓને પણ પાછળ ધકેલી દે છે. ક્ષણભર તો દરિયાને પણ પોતાનાં ગુમાનભર્યા ઘેઘૂર અવાજને શાંત કરીને સ્ત્રીનાં દર્દને અનુભવવું પડ્યું.

રંભાબહેન ધાનીની વ્યથાઓને સમજી ચૂક્યા હતા. તે તેની પાસે ગયા અને પાસે બેસીને દીકરીને હૈયાસરસો ચાંપીને બોલ્યા, “દીકરી, તારું દુ:ખ હું સમજું છું. તું શું જીરવી રહી છો એ તો તું જ સમજી શકે. બાઈ માણસ તો રડીને દુ:ખ હળવું કરી લે પણ તું અભાગણ એ પણ ના કરી શકી.”
“માડી, આ દરિયાએ મારું બધું છીનવી લીધું છે. આ રાક્ષસ…” ધાનીનાં મોઢે રંભાબહેને આંગળી મૂકી તેને અટકાવતાં કહ્યું, “બસ ધાની, એવું ના બોલ. દરિયો તો આપણો દેવ છે, આપણો બાપ કહેવાય. આપણે સૌ દરિયાનાં છોરું કહેવાય. દરિયો જ આપણું ઘર ચલાવે છે. તે જ તારે ને તે જ મારે. જેણે તને દુ:ખ આપ્યા, એ જ તને ખુશી પણ આપશે. મારું માન. ઘરે ચાલ. બધું સારા વાના થઈ જશે.” સાંત્વના આપતા રંભાબહેન બોલ્યા. ધાની નાના બાળકની જેમ તેને વળગીને ખૂબ રડી. મા એ તેની દીકરીને મુક્ત મને રડવા દીધી. થોડી વાર પછી તે સ્વસ્થ થઈ. રંભાબહેન તેને સમજાવીને ઘરે પાછા લઈ ગયા.

To be Continued…
Wait For Next Time…

Rate & Review

Hardas

Hardas 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Viral

Viral 1 year ago

Satish Patel

Satish Patel 1 year ago

ashit mehta

ashit mehta 1 year ago