MEDITATION MYTHS - 1 books and stories free download online pdf in Gujarati

ધ્યાનવિશ્વમાં વિહાર - 1 (લેખાંક 1: ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

::પ્રાસ્તાવિક::

મારી એક અન્ય લેખમાળા 'સમગ્ર જિંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા' અન્યત્ર પ્રસિદ્ધ થઈ ચુકી છે, આ પોર્ટલ પર પણ શરુ છે. આ લેખમાળા, અનેક સુધારા વધારા સાથે, એક વ્યવસ્થિત માળખામાં, પુસ્તક રૂપે ટૂંક સમયમાં બહાર આવી રહી છે. તેને મળેલા અતિ વ્યાપક પ્રતિસાદ અને 'ધ્યાન' વિષે લખવાના સૂચનને લક્ષ્યમાં લઈ હવે આ લેખમાળા શરુ કરી રહ્યો છું. 'વિસ્મય' અને 'સૃજન' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આ લેખ હજારો વાંચકો સુધી પહેલાં જ પહોંચી ગયા છે અને આ અંગેનું પુસ્તક પણ થોડા સમય એ પછી તૈયાર થઈ જશે.

સમગ્ર જિંદગી ૭ ચક્રોમાં સમાયેલી છે. ચક્ર સંતુલન માટેનો સૌથી મહત્ત્વનો માર્ગ છે 'નિયમિત ધ્યાન'. તો હવે વિહાર કરીએ ઘ્યાનવિશ્વમાં. જે મુદ્દાઓને આવરી લેવાનો વિચાર છે તે છે:

1) આ વિષયમાં પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ, તેની સામે હકીકત
2) ધ્યાનના ફાયદાઓ, સાંપ્રત વિજ્ઞાનની દ્રષ્ટિએ તેનાં લેખાં-જોખાં, કોરોના ઉપલક્ષ્યમાં ધ્યાનના ફાયદા
3) ધ્યાન બાળકો કે ઉંમરલાયક, સ્ત્રી કે પુરુષ દરેક માટે કેમ ઉપયોગી છે
4) સમાજના ક્યા વર્ગ માટે અનિવાર્ય છે
5) ધ્યાનની વિવિધ પદ્ધતિઓ
6) ધ્યાન દરમ્યાન થતા અનેરા અનુભવો
7) નિયમિત ધ્યાનના પરિપાકરૂપે, થોડી ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી મળતી આશ્ચર્યજનક ઉપલબ્ધીઓ (Psychic Powers),
8) ધ્યાન અંગે લોકોના મનમાં ઉઠતા સામાન્ય સવાલો (FAQ)
9) મગજના તરંગો (Brain Waves) પર ધ્યાનની અસર
10) પ્રગતિના માપદંડ
11) ધ્યાનમાં સફળતાનાં સૂત્રો
12) અંતિમ (મૃત્યુનું) ધ્યાન

આ સિવાયના કોઈ આનુસંગિક મુદ્દા બાકી રહેતા હોય તો જરૂરથી ધ્યાન દોરવા વિનંતી છે, યોગ્ય સમયે તેને આવરી લેવાનો પ્રયત્ન રહેશે.

યોગ અને ધ્યાન વિષે સમાજમાં સમજણ અધૂરી હોય તેવું જણાય છે. 'યોગ એટલે આસનો' એવી માન્યતા મૉટે ભાગે છે. અષ્ટાંગ યોગના અત્યંત અગત્યના અંગ એવા ધ્યાન વિષે સામાન્ય ખ્યાલ એવો છે કે ધ્યાનથી આધ્યાત્મિક ઉન્નતિ થાય. એ સિવાય વધીને કોઈને એવો ખ્યાલ છે કે ધ્યાનથી માનસિક શાંતિ* મળે. બંને વસ્તુ તદ્દન સાચી છે. પરંતુ સર્વશ્રેષ્ઠ પ્રકારના ફોનમાંથી 2 જ કામ એટલે કે ફોન થાય અને SMS મોકલી શકાય, તેટલો મર્યાદિત આ ખ્યાલ છે. અમુક ભ્રામક માન્યતાઓ અને અપૂર્ણ માહિતીને કારણે સમાજનો એક અત્યંત બહોળો વર્ગ ધ્યાનના અગણિત ફાયદાઓથી વંચિત રહી જાય છે.

::ધ્યાન અંગેની ભ્રામક માન્યતાઓથી શરૂઆત કરીએ::

(1) "ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે."

સાચું એ છે કે ધ્યાન અને ધર્મ તે બંનેમાં મોટું અંતર છે. ધ્યાન આધ્યાત્મિક છે, ધાર્મિક નહિ. કોઈ પણ ધર્મમાં માનતી અથવા તદ્દન નાસ્તિક વ્યક્તિ પણ ધ્યાન કરી તેના લાભ મેળવી શકે. શું ફક્ત યોગાસન કરવાથી કોઈ યોગી બની જાય? જો એમ ન હોય તો ધ્યાન કરવાથી કોઈ વ્યક્તિને ધાર્મિકનો સિક્કો મારી શકાય? અનેક લોકો ફક્ત શારીરિક/માનસિક તંદુરસ્તીના ઉદ્દેશથી વિવિધ પ્રકારે ધ્યાન કરે છે.

(2)“અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.”

અનેક પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે કે 2 મહિના જેટલા ટૂંકા ગાળામાં પણ નોંધપાત્ર શારીરિક અને માનસિક ફાયદા થયેલા છે. એ ચોક્કસ છે કે ટૂંકા ગાળામાં ધ્યાન દ્વારા Enlightened થવાની અપેક્ષા ન રખાય; તેટલું જ સાચું છે કે અલ્પ સમયમાં પણ માનસિક શાંતિ, નવો ઉત્સાહ, વધુ કાર્યક્ષમતા વિગેરે ફાયદા તો ખુદ અનુભવી શકાય. થોડા સમય પહેલાં, 21 દિવસ માટે મેં એક Abundance Meditation ગ્રુપ ચાલુ કરેલું જેમાં વિવિધ ક્ષેત્રના અનેક લોકો જોડાયેલા અને નિયમિત ધ્યાન કરતા. તે બધા જ લોકોએ 21 દિવસમાં જ અનેક ફાયદા મળ્યા તેવું જણાવ્યું છે, તેમાંના ઘણાંખરાં લોકોએ ત્યાર બાદ ધ્યાનને જીવનમાં હંમેશ માટે અપનાવી લીધું છે. માટે કહી-સુની વાતો પર વિશ્વાશ કરવાને બદલે જાતઅનુભવ કરીએ તો કંઈ ખોટું નથી!

3) “ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલો-મોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઉડી જાય).”

જિમમાં કરોડો લોકો જાય છે, તેમાંથી કેટલા વેઈટ લિફ્ટિંગમાં ઇનામ મેળવવા જાય છે? નગણ્ય? બસ.... એ જ રીતે દુનિયામાં કરોડો લોકો એવા છે કે જે સામાન્ય જિંદગી જીવે છે અને નિયમિત ધ્યાન કરે છે, જયારે આંગળીના વેઢે *ગણાય તેટલાં લોકો મોનાસ્ટ્રીમાં કે આશ્રમમાં કાયમી વસવાટ કરવા ગયા છે. આવો ભય રાખવાનું કોઈ કારણ ખરું? (૧૯૯૮થી, એટલે કે ૨૪ વર્ષથી તો હું પણ ધ્યાન કરું છું અને હજી તો સાધુ થયો નથી. )

આજે અહીં અટકીએ, વિશેષ ભ્રમણાઓમાં ભ્રમણ આવતા હપ્તે કરીશું.


(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwar…