Aatmhatya books and stories free download online pdf in Gujarati

આત્મહત્યા

આત્મહત્યા

 

                    આત્મહત્યા ! શબ્દ તો ફક્ત આત્મ એટલે પોતાની સાથે જ જોડાયેલો છે પરંતુ આ પગલું ઘણા બધાના જીવન હચમચાવી મૂકે છે. "આત્મહત્યા" એ કોઈપણ અર્થે એવું પગલું નથી જેનાથી જે તે વ્યક્તિનું પોતાનું અથવા પરિવારનું ભલું થાય !

                    લોકો કહે છે આત્મહત્યા જેવું કૃત્ય કોઈ ડરપોક જ કરે, હા! પણ આ વાતની અંદર હું થોડો ઉમેરો કરીશ કે સાચા અર્થમાં જોઈએ તો મિત્રો "આત્મહત્યા કરવા માટે પણ હિમ્મત જોઈએ" (દરેકને જણાવવાનું કે હું જરાય પણ આત્મહત્યા જેવા કૃત્યને સમર્થન નથી આપતો પરંતુ આ બાબત પર થોડો ઊંડો પ્રકાશ પાડવા માંગુ છું) કારણ કે તમે બે ઘડી વિચારો પોતાની જાતને ખતમ કરવી એ કંઈ નાનીસૂની વાત છે ? દીવો કે અગરબત્તી કરતા ભૂલથી જો દીવાસળી આંગળી પર પડે તો ૨ સેકન્ડ માટે પણ કેવી બળતરા થાય છે, અને એક દિવસ દીવાસળીની બળતરાથી બચવાનો પ્રયત્ન કરતો વ્યક્તિ જયારે આવું આત્મહત્યા જેવું મોટું અને ગંભીર પગલું ભરે તો એકદમ નવાઈની સાથે દુઃખદ ઘટના કહેવાય.

                    હમણાં ગણતરીના થોડાક દિવસો પહેલા જ આપણે આયેશા નામની યુવતીનો વીડિયો જોયો એણે પોતાની આપવીતી વીડિયોમાં આપણી સમક્ષ રજુ કરી અને પછી આત્મહત્યા જેવું દુઃખદ પગલું ભર્યું. હવે આવી આત્મહત્યાની દરેક ઘટના પછી વોટ્સએપ અને સાથે સાથે તમામ સોશિયલ મીડિયામાં એવા જ વીડિયો અને મેસેજ ફરતા થાય છે કે જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ કે મૂંઝવણ હોય તો બિન્દાસપણે મિત્રો અને પરિવારને જણાવો જેથી તમારું દુઃખ હળવું થાય અને આત્મહત્યા જેવા કૃત્યનો વિચાર સુધ્ધા મગજમાં ના આવે. (બધું પછી જ કેમ)

પરંતુ......પરંતુ.......પરંતુ....

                    તમે એમ વિચાર કર્યો કે છે કે જે વ્યક્તિ આ કૃત્ય માટે પોતાની જાતને તૈયાર કરે છે તો એને પોતાને જાણ તો હશે જ ને કે આવું પગલું ના ભરાય અને કોઈપણ તકલીફ હોય તો પ્રિયજનો સાથે વાત કરીએ તો કદાચ કંઈક ઉકેલ મળી આવે. તોપણ કેમ જે તે વ્યક્તિ આવું પગલું ભરે છે ? કારણ કે પગલું તો તરત જ માણસ ભરી લે છે પરંતુ તેનું બીજ ઘણા સમયથી મનમાં રોપાયેલું હોય છે. લાંબા સમયથી માણસ અંદરોઅંદર પીડાતો હોય છે અને જયારે પીડા અસહ્ય થઈ જાય પછી આ પ્રકારનું પગલું ભરે છે અને તમને શું લાગે છે કે એ વ્યક્તિએ પોતાની વ્યથા કોઈકને નહીં જણાવી હોય અરે મિત્ર ! સો એ સો ટકા જણાવી જ હશે એક નહીં એના કરતા વધારે વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે જણાવી હશે પરંતુ આ બધાનો સરવાળો જયારે શુન્ય પ્રતીત થયો હશે ત્યારે જ આવા દુઃખદ કૃત્ય માટે કોઈપણ વ્યક્તિ તૈયાર થયો હશે, કે નહીં યાર બસ જીવનમાં કંઈ જ નથી અને હા અમુક અપવાદરૂપ કિસ્સામાં હોય કે વ્યક્તિએ કંઈપણ વિચાર કર્યા વગર આ પગલું ભર્યું.

                    તો હવે વાત એમ છે કે આપણે પોતાના સ્વજનો અને મિત્રોને જણાવીએ છીએ કે જીવનમાં કોઈપણ તકલીફ હોય તો જણાવજો પરંતુ ક્યાંક આપણે જ તકલીફ સમજવામાં મોડા તો નથી પડતા ને અથવા નથી સમજતા એટલે જ શાયદ આવું પગલું લોકો ભરતા હોય છે, નહીં તો તમે જ બોલોને કે જયારે ભાવનાત્મક રીતે જો સમર્થન અને પ્રેમ હોય તો શાયદ આ કિસ્સાઓની સંખ્યા ઘટી જાય.

                    મેં એક વીડિયોમાં જોયું હતું કે એક છોકરી રડતી હોય છે અને એવામાં જ એનો મિત્ર એની પાસે આવે છે એટલે એ છોકરી તરત જ ચશ્માં પહેરી લે છે જેથી એના મિત્રને ખબર ના પડે કે તે રડે છે. પરંતુ એ મિત્ર એ ચશ્માં કાઢી દે છે અને છોકરી સામે ભાવનાત્મક નજરે જોવે છે અને તરત જ એ છોકરી એ મિત્રને ગળે મળે છે અને એને સાંત્વનાની અનુભૂતિ થાય છે કારણ કે એ વખતે છોકરી મનોમન સમજી ગઈ કે એણે પોતાનું દુઃખ છુપાવ્યું છતાં છોકરાને ખબર પડી ગઈ. શાયદ તમે પણ આ વિડીયો જોયો જ હશે તો તમે મને જણાવો કે સાચે આપણે એ રડતી આંખોના ચશ્માં (દુઃખના) ઉતારીને સાંત્વનાનો પ્રેમ આપીએ છીએ. ઘણીવાર સુખરૂપી ચશ્માં ("દેખાવના" કોઈને ખબર ના પડે એટલા માટે) પાછળ આપણે એ આંસુ જોઈ શકતા નથી અથવા જોઈએ તો પણ નજરઅંદાજ નામના ચશ્માં આપણે પોતે પહેરી લઈએ છીએ અને એ વખતે આપણા શબ્દ એમ જ હોય છે કે આ તો દુઃખી આત્મા છે જયારે જોઈએ ત્યારે ગંગા ચાલુ ને ચાલુ !

                    આપણે એક બાજુમાં એમ કહીએ છીએ કે આપણે એકબીજાના દુઃખને સમજીએ છીએ તો પછી આ કિસ્સાઓ કેમ બની રહ્યા છે ? અરે દોસ્ત ! જયારે આપણા સ્વજનનો સ્વભાવ કે રીતભાત અલગ પ્રતીત થાય તો કેમ આપણે સમજી શકતા નથી કે યાર કંઈક તો છે જ. કારણ કે સામાન્ય દુઃખની લાગણીથી લઈને આત્મહત્યા સુધીના ગાળામાં એ વ્યક્તિની ચિંતા શાયદ એના ચહેરા પર તો હોય જ છે. બધાના હોવા છતાં જયારે વ્યક્તિ પોતાની જાતને એકલું અટુલું સમજે તો એ ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ છે કે આપણે આપણા સ્વજનનું દુઃખ ના સમજી શક્યા. હા ! ૨૪ કલાક સામે બેસી રહેવાનું એમ નથી કહેતો હું અથવા એમ તો કેવી રીતે ખબર પડે કે જે તે વ્યક્તિ દુઃખી છે, તો આ પ્રશ્નોનો જવાબ એ છે કે અમુક વ્યક્તિ હોય છે કે જે પોતાનું દુઃખ નથી જણાવી શકતા અને મનમાં ને મનમાં મૂંઝાતાં રહે છે, અને અમુકવાર શાયદ ચહેરા પરથી પણ સમજવું મુશ્કેલ બની જાય પરંતુ એક વાત તો છે કે જયારે વ્યક્તિ માનસિક તણાવ કે દુઃખમાંથી પરેશાન થતો હોય છે ત્યારે એના સ્વભાવ અને ચાલચલગત માં ચોક્કસ પણે ફરક પ્રતીત થાય જ છે.

                    દોસ્ત ! ઘણીવાર વ્યક્તિને સલાહની નહીં પરંતુ હૂંફ અને પ્રેમની જરૂર હોય છે, એને હોય છે કે સામેની વ્યક્તિ ફક્ત એની વાત સાંભળે જેનાથી એનું મન હળવું થાય. ટૂંકમાં તમારી આજુબાજુમાં જેટલા પણ વ્યક્તિ હોય જયારે એમને મળો ત્યારે સામેવાળું વ્યક્તિ ખુશ થઈ જાય એવો પ્રયત્ન કરો એનો અર્થ એવો નહીં કે એ જ કામ કરે જ જવાનું પરંતુ આ વસ્તુ આપણા સ્વભાવમાં શામેલ કરવાની છે. કદાચ તમારા પ્રેમાળ શબ્દો સાંભળીને કોઈ વ્યક્તિને અહેસાસ થાય કે કોઈ તો છે મારુ આ દુનિયામાં !

                    આપણા સ્વભાવમાં જ પ્રેમ શામેલ થઈ જાય ને તો તમે વિચારો કે આત્મહત્યા સુધીના વિચારો સુધી જે તે વ્યક્તિ પહોંચે જ નહીં. પણ સત્ય એ જ છે કે ક્યાંક ને ક્યાંક સમજવાની લાગણીથી આપણે ઘણા દૂર છીએ તેથી આત્મહત્યા જેટલું ભયાનક પગલું ભરતા માણસ વિચારતો નથી. અને ફરી ફરીને એ જ વાત કહીશ કે "આત્મહત્યાના વિચારનો વિચાર" એ કંઈ એક દિવસની પ્રક્રિયા નથી જયારે સાચા અર્થમાં પ્રત્યક્ષ અને પરોક્ષ જણાવવા છતાં કોઈ સમજી ના શકે ત્યારે જ જે તે વ્યક્તિ આ પગલું ભરતું હોય છે અને આ ઘટના બની જાય એના પછી આપણે કહીએ છીએ કે કોઈને કંઈ તકલીફ હોય તો બિન્દાસપણે રજૂઆત કરવી.

                    માણસની આંખ પણ ઘણું બધું જણાવી દેતી હોય છે. બસ ! બધાને સમજવાનો પ્રયત્ન કરો, પ્રેમની લાગણી બહુ જ સરસ લાગણી છે એનો ભરપૂર ઉપયોગ કરો. નહીં તો લોકો આવા પગલાં ભરતા જરાય પણ અચકાશે નહીં કારણ કે આપણે જ એમના માટે એકેય વિકલ્પ રાખ્યો નથી. જયારે વ્યક્તિના મનમાં આત્મહત્યાનો વિચાર આવે એ જ ક્ષણે એ વાત તો ખરી જ કે કોઈ એની લાગણીને સમજી શક્યું નથી અથવા સમજ્યું તો સહકાર આપી શક્યું નથી.

                    મૃત્યુ એ સનાતન સત્ય છે જેને કોઈ બદલી શકવાનું નથી, તો મિત્રો આપણને ખબર જ છે કે એક દિવસ મૃત્યુને ગળે મળવાનું જ છે તો કેમ આજે જીવી ના લઈએ. એટલું તો પાક્કાપાયે સમજી જ લેવું કે દુઃખ કે સુખ એ ખાલી ક્ષણનો જ ખેલ હોય છે. બસ ! જયારે દુઃખની અનુભૂતિ થાય ત્યારે એ સમજી લો આ પણ થોડા સમય માટે જ છે એક ક્ષણ એવી પણ આવશે કે આ દુઃખ તરત જ સુખમાં ફેરવાઈ જશે.

                    તમે આ ધરતી પર જન્મ લીધો એ તમારા હાથમાં નહોતું તો મૃત્યુ પણ તમારા હાથમાં કેમનું હોય ? કુદરતને પોતાનું કામ કરવા દો, તમે બિન્દાસ જીવોને વ્હાલા ! આત્મહત્યાનો વિચાર જે દિવસે આવે એ દિવસે કાયદેસર તમે પોતાનો જ સાથ છોડી દીધો કહેવાય ખરું ને ? જયારે આખી દુનિયા તમને ના સમજી શકી એટલે તમે આ પગલું ભરવા પ્રેરિત થયા તો દોસ્ત એકવાર પોતાની જાતને પૂછ્યું કે હું શું કરી રહ્યો/રહી છું. તમે એ ભૂલી જ ગયા કે ભલે આખી દુનિયા તમને સમજી ના શકે પરંતુ તમારો સૌથી મોટો સાથીદાર તમે પોતે જ છો મારા વ્હાલા.

                    તો હવે...........એ સમજી જાઓ કે તમે એકલા નથી છેવટે તમે પોતે જ પોતાની સાથે છો અને આ વસ્તુ મગજમાં નાખી દો કે "જે વ્યક્તિ પોતાને પ્રેમ કરે છે એને આખી દુનિયા પ્રેમ કરે છે" તો મારો લાત આવા આત્મહત્યા નામના દુષણ ને !

 

 

 સ્માઈલ પ્લીઝ
(જયારે પણ આત્મહત્યાનો ખરાબ વિચાર ભૂલથી પણ આવે ત્યારે હું કહું એ કરજો....એક મસ્ત સ્માઈલ સાથે મમ્મી અથવા પપ્પા પાસે જજો અને ગળે મળજો )

 

 

 

દરેક વાચકમિત્રોને મારા સાદર પ્રણામ.
parthkapadiya0004@gmail.com પર તમે પોતાના મનગમતા ટોપિકના નામ મોકલી શકો છો અને એ ટોપિક પર હું લેખ લખીશ.