Operation Chakravyuh - 2 - 1 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 1

સિઝન 1 સંક્ષિપ્તમાં....

રૉ ચીફ રાજવીર શેખાવતને પાકિસ્તાનમાં મોજુદ બલવિંદર નામક એક જાસૂસ જોડેથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે જાણકારી મળે છે. આ હુમલાને રોકવા શેખાવત એક સિક્રેટ મિશન તૈયાર કરે છે જેમાં સામેલ થવા તેઓ એસીપી અર્જુન અને માધવ દેસાઈને અમદાવાદ બોલાવે છે, એ મિશનનું નામ રાખવામાં આવે છે ઑપરેશન ચક્રવ્યૂહ.

બલવિંદર સાથે શું થયું હતું અને બલવિંદર ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે બીજું શું જાણતો હતો એ અંગે માહિતી મેળવવા શેખાવત નગમા નામની રૉ એજન્ટ અને માધવને પાકિસ્તાન જવાનું જણાવે છે. આ હુમલાના તાર ચીનના જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ નામનાં ડ્રગ ડીલર સાથે જોડાયેલા હોવાની જાણકારી મળી હોવાથી શેખાવત અર્જુન અને નાયકને ચીન મોકલે છે.

શેખ વેપારીઓનો વેશ ધારણ કરી અર્જુન અને નાયક હિચેન નામક વેઈટરની મદદથી ગોંગ નામક ડ્રગ સપ્લાયર સુધી પહોંચે છે અને ગોંગને પોતાની વાતોમાં ફસાવી યાંગ લી નામના ડ્રગ ડીલર સુધી. યાંગ સાથેની મુલાકાત દરમિયાન અર્જુન અને નાયક પોતાની ચાલાકી અને રૉની આઈ.ટી ટીમની મદદથી લીના બેન્ક એકાઉન્ટનો પાસવર્ડ મેળવવાની સાથે લીની કંપનીના અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકના એક ખાતાધારક સાથેનું કંઈક કનેક્શન હોવાનું પણ શોધી કાઢે છે.

પાકિસ્તાનમાં માધવ અને નગમા કુવૈતના મુસ્લિમ દંપતીનો વેશ ધરી રાવલપિંડી પહોંચે છે..જ્યાં તેઓની મદદ માટે દિલાવર ખાન નામનો BLAનો કમાન્ડર આગળ આવે છે. દિલાવરની મદદથી તેઓ બલવિંદરના ઘરે તલાશી માટે જાય છે જ્યાં એમને એ ડાયરી મળતી નથી જેમાં ગુજરાતમાં થનારા આંતકવાદી હુમલા અંગેની જાણકારી હોવાનો અંદેશો હોય છે. આ ઓછું હોય એમ  ઇકબાલ મસૂદ નામના લશ્કર-એ-તોયબાના આતંકવાદીની નજરોમાં તેઓ આવી જાય છે.

બલવિંદરના ઘરેથી મળેલા તાવીજમાં મોજુદ ગુપ્ત સંદેશાને ઉકેલી નગમા નાથન નામના મોસાદના જાસૂસ અંગે જાણકારી મેળવે છે. નાથન જોડે બલવિંદરની ડાયરી હોવાનું અનુમાન કરી માધવ અને નગમા નાથનને મળવા ક્રિસ્ટ ચર્ચ પહોંચે છે. જ્યાં એમનો સામનો લશ્કરના આતંકવાદીઓ જોડે થાય છે. જેમાં મહાપરાણે બચી તેઓ નાથનના ઘરે આવે છે જ્યાં નાથન એ લોકોને બલવિંદરની ડાયરી આપે છે.

ડાયરીમાં ખૂબ જ ગુપ્ત રીતે લખાયેલા ઈમેઈલ આઈડીને ઉકેલવામાં માધવ સફળ થાય છે..એ લોકો આ મેઈલ આઈડી અંગે વધુ જાણકારી મેળવે એ પહેલા એમને જાણવા મળે છે કે આઈ.એસ.આઈ અને રાવલપિંડી પોલીસ એમને શોધી રહી છે. બચવા માટે તેઓ બ્લૂચીસ્તાનના કવેટા તરફ પ્રયાણ કરે છે. એ લોકો રાવલપિંડીમાંથી તો સફળતાપૂર્વક બહાર નીકળી જાય છે પણ મસૂદ એમની પાછળ-પાછળ કવેટા આવવા નીકળી પડે છે.

જુહાપુરાના જે બેન્ક એકાઉન્ટમાં લીની કંપનીએ પૈસા ટ્રાન્સફર કર્યા હોય છે એ એકાઉન્ટ લશ્કર-એ-તોયબાના કમાન્ડર ઈન ચીફ અકબર પાશાના ભાઈ અફઝલ પાશાનું હોય છે એ જાણ્યા બાદ શેખાવત તુરંત દિલ્હીથી અમદાવાદ પહોંચે છે. અમદાવાદ પહોંચતા જ તેઓ અફઝલ પાશાને પકડવા એક મિશન બનાવે છે; જેમાં તેઓ રૉના અમદાવાદ ખાતેના એજન્ટ કેવિન અને એસીપી રાજલ દેસાઈને સામેલ કરે છે.

રાજલ અને કેવિન બહાદુરી અને ચાલાકીથી અફઝલને જીવતે-જીવ ધર દબોચે છે..અફઝલને ટોર્ચર કરી શેખાવત અને એમની ટીમ વધુ કંઈ નક્કર માહિતી મેળવે એ પહેલા તો અફઝલ એમની આંખો સામે આત્મહત્યા કરે છે.

આ તરફ જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ જોડેથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલામાં એનો હાથ હોવાથી યોગ્ય માહિતી સાથે અર્જુન અને નાયક એના ગુપ્ત અડ્ડા પરથી નીકળીને હોટલ તરફ પ્રયાણ કરે છે. હજુ અર્જુન અને નાયક ત્યાંથી નીકળ્યા જ હોય છે ત્યાં લોન્ગને માલુમ પડે છે કે પોતાને મળવા આવેલા બંને શેખની સાચી ઓળખ કંઈક જુદી જ હોય છે..!

હવે વાંચો આગળ....

 

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2

ભાગ 1

અમદાવાદ

અફઝલ પાશાની અચાનક થયેલી મોતના લીધે રૉ ચીફ રાજવીર શેખાવતની સાથે રૉ ઓફિસર કેવિન, એસીપી રાજલ, ડીઆઈજી શર્મા અને કમિશનર વણઝારા સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની નજરો સામે અફઝલે કઈ રીતે પોતાનો જીવ લીધો એ વાત ત્યાં ઊભેલા દરેક માટે એક મોટો સવાલ હતી.

અફઝલનું જડબું અકડાઈ ગયું હતું અને એની આંખો પહોળી થઈ ગઈ હતી. એની કપાયેલી અંગળીઓમાંથી હજુ પણ રક્ત ટપકી રહ્યું હતું. ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાને અટકાવવા અફઝલ કેટલો મહત્વનો હતો એ જાણતા શેખાવતનું મગજ આ ઘટના બાદ સુન્ન મારી ગયું.

"સર, લાગે છે આને સાયનાઈડ લીધું છે..!" અફઝલના પગ નજીક પડેલા પ્લાસ્ટિકના પીળા રંગના દાંતને નાનકડા ચિપિયા વડે ઉપાડીને કેવિન બોલ્યો. "એ સાયનાઈડ નક્કી આ પોલા પ્લાસ્ટિકના દાંત વચ્ચે એ કારણથી જ રાખવામાં આવ્યું હશે કે જો પોતે અફઝલ આવી કોઈ પરિસ્થિતિમાં ફસાય તો સત્ય જણાવવાના બદલે સરળતાથી જીવ આપી દે."

"તારી વાત સાચી છે કેવિન...અફઝલે ખૂબ સાવચેતી સાથે પોતાના દાંતની અંદર એક પ્લાસ્ટિકનો દાંત લગાવી એની અંદર ખૂબ જ ઘાતક વિષ સંઘર્યું હશે. જેથી, મુસીબત આવે એ આ રીતે આત્મહત્યા કરી શકે." શેખાવતે ધ્યાનથી અફઝલનું મુખ જોતા કહ્યું. "પણ, અફઝલનું મોત સાયનાઈડથી નથી થયું."

"તો પછી..?" શેખાવતની વાત સાંભળી આશ્ચર્ય સાથે કેવિને પૂછ્યું.

"અફઝલના મોતનું કારણ પોઈઝન જ છે પણ એ પોઈઝન સાયનાઈડ નહિ પણ હુરેબા છે." શેખાવતે કહ્યું. "ઈરાનમાં હુરેબાબા નામક જંગલી જડીબુટ્ટી ઊગે છે એમાંથી આ ઘાતક વિષ તૈયાર થાય છે. અફઝલના શરીરમાં વિષ જતા જ જે રીતે એનું જડબું અકડાઈ ગયું અને આંખો પહોળી થઈ ગઈ, એ પરથી હું પાકું કહી શકું કે અફઝલનું મોત હુરેબા નામક વિષથી જ થયું છે."

જે રીતે મૃતકનો ચહેરો જોઈ એની મોત માટે જવાબદાર વિષનું તારણ શેખાવત દ્વારા કાઢવામાં આવ્યું હતું એ પરથી ત્યાં ઊભેલા બાકીના લોકોને રૉ ચીફ પદે શેખાવતની જ વરણી કેમ થઈ હતી એનું એક નક્કર કારણ નજરો સમક્ષ નિહાળવા મળ્યું.

"સર, અફઝલની મોત બાદ આતંકવાદીઓની યોજના અંગે આપણે કંઈ નહિ જાણી શકીએ." રાજલ હતાશાભર્યા સ્વરમાં બોલી. "જો અફઝલ જોડેથી આપણે વધુ માહિતી મેળવી શક્યા હોત તો એ માહિતી આતંકવાદી હુમલાને રોકવામાં અવશ્ય આપણી મદદ કરત."

"વાત તો તમારી સાચી છે ઓફિસર.." શેખાવતના અવાજમાં ઝાઝો ફરક નહોતો આવ્યો. આવી પરિસ્થિતિમાં પણ તેઓ પોતાની જાતને શક્ય એટલી વધુ સ્વસ્થ રાખીને બોલ્યા. "પણ, હોની ને કોણ ટાળી શક્યું છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આખરે આપણે આગળ કરવાનું શું છે?"

શેખાવતની વાત સાંભળી હોલમાં બે મિનિટ સુધી સન્નાટો પથરાઈ ગયો. બધા પોતપોતાની રીતે હવે આગળ શું થઈ શકે એમ છે એની શક્યતાઓ શોધવા લાગ્યા. અચાનક શાંતિનો ભંગ કરતા રાજલે કહ્યું.

"સર, એકરીતે જોઈએ તો અફઝલ પાશાની મોત બાદ આપણને નુકશાન જરૂર થયું છે પણ એની સાથે ફાયદો એ થયો છે."

"અફઝલ પાશાની મોતથી ફાયદો..!" રાજલની કહેલી વાતનો પ્રતિભાવ આપતા ડીઆઈજી શર્માએ કહ્યું.

જાણે પોતે રાજલની વાત સમજી ગયા હોય એમ શેખાવતના મુખ પર મોજુદ હતાશાનું સ્થાન હવે આશાએ લઈ લીધું..આખરે રાજલના આમ કહેવા પાછળનો મર્મ શું હતો એ જણાવતા શેખાવતે ત્યાં હાજર અન્ય લોકોને સમજાવતા કહ્યું.

"અફઝલની મોત આપણા સૌ માટે હાથમાં આવેલી બાજી હારી જવા જેવી ઘટના અવશ્ય છે પણ આપણે આ ઘટનાથી વિચલિત ના થવું જોઈએ. રાજલ સાચું જ કહે છે કે અફઝલની આત્મહત્યા આપણા માટે ફાયદેમંદ પણ છે."

આટલું કહી શેખાવત પાંચેક સેકંડ માટે અટક્યા..એક પછી એક ત્યાં ઉપસ્થિત દરેક અધિકારીના ચહેરાને જોયા બાદ પોતાની વાત આગળ ધપાવતા બોલ્યા.

"દરેક યુદ્ધ લડવા માટે સૈન્યની આવશ્યકતા છે..પણ એ સૈન્યને યોગ્ય રીતે માર્ગદર્શન આપવા કુશળ સેનાપતિની જરૂર છે. કોઈપણ યુદ્ધ હોય કે યોજના એની સફળતાનું રહસ્ય એ યોજનાને માર્ગદર્શન પૂરું પાડતી વ્યક્તિમાં રહેલું છે."

"ગુજરાતમાં જે સ્લીપર સેલ છે એમને એક તાંતણે બાંધવાનું, એમને માર્ગદર્શન અને જરૂરી ફન્ડીંગ પૂરું પાડવાનું કામ અફઝલ કરતો. જો અફઝલ જ નહીં હોય તો એ લોકો સંચાર વિહોણા થઈ જશે અને એમની આતંકવાદી હુમલાની યોજના ખાળે પડશે અથવા તો યોગ્ય રીતે આગળ નહિ ધપે."

"ઓફિસર રાજલ, તમારા કહેવાનો આ જ અર્થ હતો ને..?"

"હા સર, હું એમ જ વિચારતી હતી." રાજલે સસ્મિત જવાબ આપ્યો.

આખરે અફઝલ દ્વારા આત્મહત્યા કરવાથી જે હતાશા ત્યાં મોજુદ સર્વેના ચહેરા ઉપર હતી એ દૂર થઈ ગઈ હતી. આમ છતાં આતંકવાદી હુમલો નહીં જ થાય એવી શક્યતાઓને ત્યાં મોજુદ કોઈપણ અધિકારી નકારી શકે એમ નહોતો.

"સર, અફઝલના મૃતદેહનું શું કરવાનું છે?" કેવિને શેખાવતને ઉદ્દેશીને કહ્યું.

"એનું પોસ્ટમોર્ટમ કરાવી એના મૃતદેહને થોડા દિવસ મોર્ગમાં રખાવી દે, પછી જોઈશું એનું શું કરવું..! શેખાવતે જવાબ આપતા કહ્યું. "કોઈને ભૂલેચૂકે ખબર ના પડવી જોઈએ કે અફઝલનું મૃત્યુ થયું છે."

શેખાવતના ઓર્ડરને અનુસરતો કેવિન અફઝલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થામાં પરોવાઈ ગયો.

************

ભુજથી વીસ કિલોમીટર દૂર, ગુજરાત

ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના પાટનગર એવા ભુજથી વીસેક કિલોમીટર દૂર આવેલા કાલી તલાવડી નામક ગામની સીમમાં આવેલ એક ભવ્ય ફાર્મહાઉસના ગેટ નજીક એક વ્યક્તિ આવીને ઊભી રહી ગઈ.

કાળા રંગના જીન્સ પેન્ટ અને લાલ રંગની ટીશર્ટ પહેરેલી ત્રીસીએ પહોંચેલી એ વ્યક્તિનો ચહેરો સફાચટ હતો, વાળ વાંકળિયા હતા અને નાક પોપટની ચાંચ જેવું લાંબુ. પોણો છ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી એ મધ્યમ બાંધાની વ્યક્તિના હાથમાં એક થેલો પણ હતો.

"કોનું કામ છે?" ફાર્મહાઉસના ગેટ પર ઊભેલા ચોકીદારે રુક્ષતાથી ત્યાં આવેલ વ્યક્તિને સવાલ કર્યું.

"ભાઈજાનનું.." એ વ્યક્તિએ ધીરા પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"નંબર..?"

"સાત."

"નામ?"

"ટાઈગર."

પોતાના સવાલોના જે કંઈપણ જવાબ આવનાર વ્યક્તિએ આપ્યા હતા એ સાંભળી ચોકીદારને સંતોષ થયો હોય એવું એના મુખ પરથી પ્રતીત થયું. એને રસ્તા પર આવી ચારેતરફ નજર કરી; કોઈ આવતું નથી એની ખાતરી કર્યાં બાદ એ ચોકીદાર ત્યાં આવનાર વ્યક્તિ જોડે આવ્યો અને એને ઉદ્દેશીને કહ્યું.

"ચાલ મારી સાથે અંદર.."

આટલું કહી એ ચોકીદાર ગેટ ખોલીને અંદર પ્રવેશ્યો, આવનારી વ્યક્તિ પણ એને અનુસરતી અંદર આવી. ચોકીદાર એ વ્યક્તિને ફાર્મહાઉસની મુખ્ય ઈમારત સુધી લઈ ગયો. મુખ્ય ઈમારતના મેઈન ગેટ જોડે ઊભા રહી એને પહેલા ત્રણ, પછી બે અને પછી ચાર વાર દરવાજા પર નોક કર્યું..એના આમ કરતા જ બીજી મિનિટે દરવાજો ખૂલ્યો.

દરવાજો ખૂલતા જ ચોકીદાર ત્યાંથી પાછો ગેટ તરફ અગ્રેસર થયો..એના જતા જ આવનારી વ્યક્તિએ દરવાજો ખોલનારી વ્યક્તિને ગળે લગાવી લીધી. દરવાજો ખોલનારી વ્યક્તિનો ચહેરો રુક્ષ, બાંધો મજબૂત અને ચામડીનો રંગ શ્યામવર્ણો હતો. એની ઉંમર લગભગ ચાલીસેક વર્ષની હતી પણ માથાના આછા વાળના લીધે એની ઉંમર દસેક વર્ષ વધુ જણાતી હતી.

"ઈનશાઅલ્લાહ..તું તો દાઢી વગર એકદમ ચીકનો લાગે છે વસીમ." દરવાજો ખોલનારી વ્યક્તિએ ત્યાં આવનારી વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું. આમ બોલતી વખતે એના અવાજમાં ગજબનો ઉમળકો હતો.

"પણ નવાઝભાઈ..તમારા માથે હવે ટાલ દેખાવા લાગી છે." વસીમે મજાકિયા અંદાજમાં કહ્યું.

"સારું ચાલ હવે અંદર.." નવાઝે વસીમને ઉદ્દેશતા કહ્યું. "ભાઈજાન તારી રાહ જોવે છે.

આ સાથે જ નવાઝ વસીમને લઈને ફાર્મહાઉસની મુખ્ય ઈમારતની અંદર આગળ વધ્યો. આ ફાર્મહાઉસની મુખ્ય ઈમારતમાં એક વિશાળ હોલ હતો જેની અંદર સુંદર મજાના સોફા ગોઠવેલા હતા. આ ઉપરાંત હોલની અંદર વિવિધ કલાત્મક વસ્તુઓ પણ નજરે ચડી રહી હતી.

વસીમે ચારે તરફ નજર ઘુમાવી તો એને જોયું કે ત્યાં આવેલા રસોડામાં બે મુસ્લિમ મહિલાઓ રસોઈ કરી રહી હતી..જેમાંથી એક મહિલા જૈફ વયની હતી તો બીજી મહિલા પચ્ચીસેક વર્ષની. આ ઉપરાંત ત્યાં આવેલા રૂમમાં ત્રણ બાળકો રમતા હતા, જેમાંથી સૌથી મોટું બાળક આઠ વર્ષનું અને સૌથી નાનું ત્રણેક વર્ષનું હતું.

વસીમની હાજરીની નોંધ લીધી હોય એમ જૈફ મહિલાએ અને બાળકોએ એની તરફ નજર કરી અને પછી તુરંત પોતપોતાના કામમાં લાગી ગયા. આ મહિલાઓ અને બાળકોની ઉપસ્થિતિ વસીમને ખટકી હોય એવું એના મુખ પરથી જણાતું હતું.

વસીમને લઈને નવાઝ રસોડાની જમણી તરફ આવેલા એક રૂમમાં પ્રવેશ્યો..જેમાં એક તિજોરી અને એક લાકડાનો પલંગ પડ્યો હતો. નવાઝે રૂમમાં પ્રવેશી એ રૂમનો દરવાજો બંધ કર્યો અને દરવાજાની ડાબી તરફની દીવાલ સામે આવીને ઊભો રહી ગયો.

આ દીવાલ પર હરણના મુખની બે મુખાકૃતિ લગાવવામાં આવી હતી..નવાઝે સમય ગુમાવ્યા વિના એમાંથી એક હરણનું મોં પકડી એને એકસો એંસી ડીગ્રી ઘુમાવી દીધું. નવાઝના આમ કરતા જ વસીમે આસપાસની જમીન ધ્રૂજતી અનુભવી. આ સાથે જ એ દીવાલ એક તરફ ખસી ગઈ અને ત્યાં નીચેની તરફ જતા દાદરા વસીમની નજરે ચડ્યા.

"બહાર જે મહિલાઓ અને બાળકો છે એ એટલા માટે રાખ્યા છે જેથી કોઈને આ ફાર્મહાઉસમાં હકીકતમાં શું ચાલી રહ્યું છે એની ખબર ના પડે." દાદરાની તરફ આગળ વધતા નવાઝે વસીમને ઉદ્દેશીને કહ્યું. પોતાના મનની વાત નવાઝે સમજી લીધી એ વાતનું આશ્ચર્ય વસીમને થયું.

"ભાઈજાનનું પ્લાનિંગ ગજબનું છે." આટલું કહી વસીમ નવાઝની પાછળ દોરવાયો. એ બંને પગથિયા ઉતરી ફાર્મહાઉસના બેઝમેન્ટમાં આવી પહોંચ્યા. અહીં પહોંચતા જ નવાઝે પગથિયા નજીક દીવાલમાં રહેલી એક સ્વીચ દબાવી, આ સ્વીચ દબાવતાની સાથે જ ઉપરનો દરવાજો પુનઃ હતો એમ બંધ થઈ ગયો.

બેઝમેન્ટમાં મોટા-મોટા ચાર પાંચ રૂમ હતા અને એક મોટો હોલ..આ હોલની અંદર સાત-આઠ લોકો બેઠા હતા. છતમાં લટકતી ટ્યુબલાઈટના પ્રકાશમાં વસીમ દૂરથી તો એ લોકોના ચહેરા ના ઓળખી શક્યો..પણ, જેવો એ નવાઝની સાથે એ લોકો જ્યાં બેઠા હતા એ તરફ આગળ વધ્યો એ સાથે જ એના ચહેરા પર ઉત્સાહ અને ઉમળકાના ભાવ દોડી આવ્યા.

વસીમને જોતા જ ત્યાં ગોઠવેલા સોફાઓ પર બેસેલી વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ પોતાની જગ્યાએથી ઊભી થઈ. કાળા રંગની પઠાની, છ ફૂટ હાઈટ, કાજળ લગાવેલી આંખો, વ્યવસ્થિત સેટ કરેલા વાળ અને દાઢી ધરાવતી એ વ્યક્તિએ વસીમની તરફ જોઈ પોતાના બંને હાથ પહોળા કરી એને ગળે લાગવાનું મૂક નિમંત્રણ આપ્યું.

એ પ્રભાવશાળી વ્યક્તિના આ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતો હોય એમ વસીમના હાથમાં રહેલી બેગ આપોઆપ મૂકાઈ ગઈ, એ દોડીને એ વ્યક્તિ તરફ આગળ વધ્યો અને કસકસાવીને એના ગળે લાગી ગયો.

"વસીમ, મારા ટાઈગર...અમે તારી જ રાહ જોતા હતા." વસીમથી અળગા થતા જ એ વ્યક્તિએ કહ્યું. એના અવાજમાં સંમોહનશક્તિ હતી.

પોતે જેને ભાઈજાન કહી રહ્યો હતો, જેના કહેવાથી, જેને મળવા પોતે અહીં આવ્યો હતો, જેના માટે પોતે કામ કરતો હતો એવા પોતાના ભાઈજાનને મળવાની ખુશીમાં વસીમ ઉત્સાહિત સ્વરે બોલ્યો.

"હું પણ તમને મળવા છેલ્લા બે વર્ષથી આતુર હતો અફઝલ ભાઈ..!"

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)