Operation Cycle Season 2 - 3 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 3

ભાગ 3

હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન

દુબઈના બે માલેતુજાર શેખના વેશમાં અર્જુન અને નાયક આબાદ અભિનય થકી પહેલા ગોંગ, પછી યાંગ લી અને છેલ્લે લોન્ગને છેતરીને પોતાને સોંપવામાં આવેલા મિશનને પૂર્ણ કરી ચૂક્યા હતા. લોન્ગની ડ્રગ્સ ફેક્ટરીથી જેવા એ લોકો પોતાની હોટલ તરફ જવા અગ્રેસર થયા એ સાથે જ લોન્ગને જાણકારી મળી કે રહેમાની અને હુસેની નામનાં બંને શેખ પોતાને આબાદ રીતે છેતરી ગયા છે.

આજસુધી ક્યારેય નહીં છેતરાયેલો લોન્ગ આ વાતથી ભારે ઉશ્કેરાઈ ગયો. એનો ચહેરો તંગ બની ગયો, જેમાં પેદા થયેલા ભાવમાં ગુસ્સો હતો, અકળામણ હતી અને આછેરો ડર પણ હતો; ઈન્ટરપોલ દ્વારા પોતાની ફેક્ટરી સુધી પહોંચી જવાનો ડર.

લોન્ગે અર્જુન અને નાયકને વળાવવા ગયેલા પોતાના ભાઈ લીને કોલ કર્યો..બીજી જ રીંગે જેવો લીએ લોન્ગનો કોલ રિસીવ કર્યો.

"યાંગ, પેલા બંને શેખ ક્યાં છે.?"

પોતાના ભાઈના સ્વરમાં રહેલી બેચેની અને ગુસ્સો લી પારખી ગયો હતો..નક્કી કંઈક ખોટું બન્યું છે એવું એની છઠ્ઠી ઈન્દ્રિય એને જણાવી રહી.

"ભાઈ શું થયું છે એ જણાવીશ.." લીએ જિજ્ઞાસાવશ પૂછ્યું.

"એ બંને મા@#@!@##, કોઈ શેખ નથી..તું એમને જલ્દી રોક નહીં તો આપણી પત્તર ઠોકાઈ જશે." લોન્ગના અવાજમાં ભારે વ્યગ્રતા હતી.

પોતાને તત્ક્ષણ કંઈક કરવું પડશે એમ વિચાર કરતા લીએ લોન્ગનો કોલ કટ કર્યો અને શેખના વેશમાં આવેલા અર્જુન અને નાયકને બોટમાં ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ તરફ લઈ જનારા જેક નામના પોતાના સાગરીતનો નંબર ડાયલ કર્યો. બે-ત્રણ વખત પ્રયાસ કરવા છતાં જેકનો નંબર સ્વીચઓફ આવ્યો એટલે યાંગ લી ગુસ્સામાં જેકને મા-બહેનની ગાળો દેતો પોતાની કાર તરફ આગળ વધ્યો.

"લ્યુકી, બોથા, ટીમ..તમે ત્રણેય મારી સાથે ચાલો." કાર તરફ આગળ વધતા-વધતા લીએ ફેક્ટરીની બહાર મશીનગન લઈને ઊભેલા પોતાના ત્રણ સાગરીતોને આદેશ આપતા કહ્યું.

લીના સ્વરમાં ભળેલી ક્રુદ્ધતા અને ચિંતા પરથી લ્યુકી, બોથા અને ટીમ નામનાં એના માણસો સમજી ગયા કે નક્કી કંઈક મોટી વાત છે જેના લીધે લી આટલો ગુસ્સે છે. એ લોકો વધુ કંઈ પ્રશ્ન કર્યાં વિના કારમાં આવીને ગોઠવાઈ ગયા.

કારની ડ્રાઈવિંગ સીટ પર લી પોતે બેઠો અને એને પોતાની બુગાટી કારને ફૂલ સ્પીડમાં દરિયાકિનારા તરફ ભગાવી મૂકી. કાર ચલાવતા-ચલાવતા જ લીએ પોતાની બાજુની સીટમાં બેસેલા લ્યુકીને ઉદ્દેશીને કહ્યું.

"લ્યુકી, ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ પર આપણા જેટલા પણ માણસો છે એમને સાબદા કરી દે. જેક જે બંને શેખને લઈને અહીં આવ્યો હતો એ બંને બેહરૂપિયા છે. એમને જોતા જ ગોળીએ દેવાનું જણાવી દે."

લીના કહ્યા મુજબ લ્યુકીએ ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ પર ઊભેલા પોતાના ડ્યુક નામક સાથીદારને કોલ કરી ટૂંકમાં લી દ્વારા જે કંઈપણ કહેવામાં આવ્યું એ વિશે જણાવી દીધું.

લ્યુકી જ્યારે ડ્યુકને આ બધું કહી રહ્યો હતો ત્યારે લોન્ગનો કોલ યાંગ લી પર આવ્યો..કાર હંકારતા-હંકારતા જ લીએ લોન્ગનો કોલ રિસીવ કર્યો. લોન્ગ વધુ કંઈ પૂછે એ પહેલા તો લીએ સઘળી સ્થિતિનો ચિતાર આપી દીધો. સાથે કોઈપણ ભોગે એ બંને શેખ ત્યાંથી જીવિત નહિ નીકળી શકે એવી બાંહેધરી પણ લોન્ગને આપી. આ દરમિયાન પોતે લોન્ગને આપેલી બાંહેધરી પર અવશ્ય ખરો ઉતરશે એવો આત્મવિશ્વાસ લીના મુખ પર જણાતો હતો.

દરિયાકિનારે પહોંચતા જ લીએ કારને થોભાવી અને વિજળીવેગે કારમાંથી હેઠે ઉતર્યો..લ્યુકી, બોથા અને ટીમ નામના એના માટે કામ કરતા એના સાગરીતો પણ કારમાંથી હેઠે આવ્યા.

"ફટાફટ, બોટમાં બેસો.." દરિયાકિનારે લાંગરેલી યમાહા કંપનીની સ્પીડબોટ તરફ આગળ વધતા લી બોલ્યો. "ટીમ, તું બોટને ચુવાંગજિયાંક્ષુ તરફ લઈ લેજે."

જેવા એ લોકો બોટમાં બેઠા એ સાથે જ ટીમે બોટની કળ ખેંચી, કળ ખેંચતા જ એ પાવરબોટનું એન્જીન ધડધડાટી સાથે ચાલુ થયું..સમય વ્યય કર્યાં વિના ટીમે તુરંત બોટને ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ તરફ ભગાવી મૂકી; જ્યાં જવા અર્જુન અને નાયકને સ્પીડબોટ પર લઈને જેક  નીકળ્યો હતો.

 

પોતાના બોસનો આદેશ મળતા જ ડ્યુક પોતાના પાંચ સાથીઓ સાથે ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડના પોર્ટ પર ગોઠવાઈ ગયો. ડ્યુક અને એના પાંચેય સાથીઓના હાથમાં નાની-મોટી ગન પણ દ્રશ્યમાન થઈ રહી હતી.

*************

ભુજથી વીસ કિલોમીટર દૂર, ગુજરાત

રૉ ચીફ શેખાવત, ડીઆઈજી શર્મા, કમિશનર વણઝારા, એસીપી રાજલ અને રૉ એજન્ટ કેવિન જેને મૃત સમજી રહ્યા હતા, જેને એમની આંખો સમક્ષ આત્મહત્યા કરી હતી એ અફઝલ સદેહ ભુજથી વીસ કિલોમીટર દૂર એક ફાર્મહાઉસ પર પોતાના નવ સાગરીતો સાથે કોઈ ગંભીર વિષયમાં ચર્ચા કરી રહ્યો હતો.

અફઝલ જે લોકો સાથે મોજુદ હતો એ બધા જ ગુજરાતમાં લશ્કર-એ-તોયબા માટે કામ કરતા સ્લીપર સેલ હતા. સ્લીપર સેલ એવા છૂપા આતંકવાદીઓ હોય છે જે અલગ-અલગ વેશ ધરીને પોતાના દેશના દુશ્મન દેશમાં રહેતા હોય છે. કોઈ નાયીનો ધંધો કરે તો કોઈ સુથારનો, કોઈ મંદિર જોડે ભીખ માંગે તો કોઈ લિફ્ટમેન બનીને ક્યાંક નોકરી કરે. કોઈ નાનો-મોટો ધંધો કરતો હોય તો કોઈ કાસમની માફક માછીમારનો વેશ ધારણ કરીને રહે.

આ લોકોને સ્પષ્ટ ચેતવણી હોય છે કે જ્યાં સુધી એમના આકાઓ દ્વારા એમને કોઈ સૂચના ના મળે ત્યાં સુધી એ લોકોએ પોતાનો નકલી વેશ છોડવાનો નથી. જ્યારે કોઈ ખાસ મિશન બને ત્યારે આ સ્લીપર સેલને એક્ટિવ કરવામાં આવે છે, તેઓ પોતાનો નકલી ચહેરો બદલી અસલી રૂપમાં આવી જાય છે.

ઘણીવાર આ સ્લીપર સેલને પાંચ-સાત વર્ષ સુધી લોકોની વચ્ચે રહેવું પડતું હોય છે. પોતાના કામમાં જોખમ રહેલું હોવાનું જાણતા હોવા છતાં મઝહબ, કોમ અને ઈસ્લામના નામે આ લોકોને ભોળવીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરવામાં આવે છે. ક્યારેય જન્નતની તો ક્યારેક મોત બાદ મળનારી બોત્તેર હૂરની લાલચ આપી આ લોકોનું બ્રેઇનવોશ કરવામાં આવે છે.

હકીકતમાં આ સ્લીપર સેલ બેટરી વગરના મોબાઈલ જેવા હોય છે..જેમને વખત આવે ચાર્જ કરવામાં આવે છે. ગુજરાતના અલગ-અલગ ઠેકાણેથી આ સ્લીપર સેલ અહીંયા ઉપસ્થિત થયા હતા. આમ તો આ લોકોની સંખ્યા દસ હતી પણ કાસમની મોત બાદ એ ઘટીને દસની જગાએ નવ થઈ ગઈ હતી. નવાઝ અને ટાઈગર પણ એક સ્લીપર સેલ જ હતા. જેમને એક ખાસ નંબર અને કોડનેમ મળેલું હતું.

ટાઈગર અને નવાઝને બેઠકમાં સ્થાન લેવાનું કહી અફઝલ પાશા મુદ્દાની વાત તરફ આગળ વધ્યો.

"તમે લોકો એ વાતથી વાકેફ જ છો કે આપણે અહીં શા માટે એકઠા થયા છીએ.."

"આ મુલકમાં આપણી કોમ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ અસહ્ય છે..ઉત્તરપ્રદેશમાં થતા કોમી રમખાણોમાં આપણા માસૂમ ભાઈ-બહેનનો જીવ લેવામાં આવે છે. આપણી બહેન દીકરીઓની આબરૂ લૂંટાય છે.. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં નિર્દોષ મુસ્લિમોના લોહી રેડાય છે..દક્ષિણમાં ઉઠતો આપણો અવાજ દબાવવાની ભરચક કોશિશો થાય છે છતાં આપણે આ બધું બાયલાની માફક જોયા સિવાય કંઈ નથી કરી શકતા." અફઝલ પોતાને મળેલી તાલીમ મુજબ ત્યાં હાજર સ્લીપર સેલને ઉશ્કેરી રહ્યો હતો.

પોતાની વાતની ધારી અસર ત્યાં બેસેલા લોકો પર થઈ રહી હતી એ એમના ચહેરાના ભાવ પરથી અનુમાન લગાવી અફઝલ એક પ્રખર નેતાની માફક આગળ બોલવા લાગ્યો.

"કશ્મીરમાં આપણા લોકોને કેદ કરીને રાખવામાં આવ્યા હોય એવી દોજખની જીંદગી તેઓ વિતાવે છે..તો એ લોકોની સ્વતંત્રતા માટે, ઈસ્લામના વિસ્તરણ માટે હવે આપણે શું કરીશું.?"

"જેહાદ..જેહાદ...જેહાદ..!" અફઝલના ઉશ્કેરવાથી ક્રોધે ભરાયેલા સ્લીપર સેલ એક સૂરમાં જેહાદ..જેહાદ બોલી પડ્યા. જેહાદના નામે તેઓ માસૂમ લોકોની જીંદગી બરબાદ કરી રહ્યા હતા એ અંગે એમને થોડો-ઘણો પણ અંદાજો નહોતો.

"આમ તો આપણે આપણું કાર્ય એક સપ્તાહ પછી કરવાનું હતું..પણ," આટલું કહી અફઝલ બે ઘડી અટક્યો..ત્યાં હોલમાં મોજુદ સર્વેનું ધ્યાન એના પણ પછીનું વાક્ય સાંભળવામાં છે એની બરાબરની ખાતરી કર્યાં બાદ અફઝલે કહ્યું.

"પણ, રૉના કૂતરાઓને મારી ગુજરાતમાં હાજરીની ગંધ આવી ગઈ છે.." અફઝલના આમ બોલતા જ ત્યાં એકઠા થયેલા તમામને ભારે આંચકો લાગ્યો, એમના ભવા ઊંચા થઈ ગયા અને મોં ખુલ્લું રહી ગયું.

"એ લોકો મને ધર દબોચવા જુહાપુરા પહોંચી ગયા હતા અને એ લોકોએ મારા હમશકલ રહેમાનને જીવતો પણ પકડી લીધો."

"રહેમાન જીવતો પકડાઈ ગયો..!" નવાબ અને બાકીના ત્રણ-ચાર સ્લીપર સેલના મુખમાંથી શબ્દો સરી પડ્યા.

"હા એના ચારેય સાથીદારોનું ચાલાકીથી ઢીમ ઢાળી દેવામાં આવ્યું અને રહેમાનને જીવતો પકડીને ક્યાંક લઈ જવામાં આવ્યો. પણ.., સિંગાપોર જઈને રહેમાન અકબર ભાઈના કહેવાથી જે પ્લાસ્ટિક સર્જરી કરી આવ્યો હતો એના લીધે કોઈ એ જાણી નહિ શકે કે એ અફઝલ પાશા નથી." આ બોલતી વખતે અફઝલના મુખ પર ભેદી હાસ્ય હતું.

"રહેમાન જોડેથી એ લોકો સત્ય ઓકાવી લેશે તો..!" ટાઈગરના અવાજમાં આછો થડકારો હતો.

"ટાઈગર, આ સંજોગોમાં તું હોય તો તું શું કરે..?" ટાઈગરના પ્રશ્નનો જવાબ આપવાના બદલે અફઝલ એની નજીક ગયો, એની પીઠ પર હાથ મૂકીને બોલ્યો. "જો તું રૉ કે આઈ.બીના હાથે જીવતો પકડાઈ જાય તો તું શું કરે.?"

"ભાઈજાન, કસમ અલ્લાહની એ લોકો મારા પૂરા શરીરની ચામડી જીવતેજીવ નીકાળી લે તો પણ હું સત્ય ના જણાવું..હું મારી સાચી ઓળખ છતી થાય એ પહેલા કોઈપણ રીતે આત્મહત્યા કરી લઉં." આ બોલતી વખતે ટાઈગરના અવાજમાં કંઈક ગજબનો ઉત્સાહ હતો, ઝનૂન હતું.

"બસ તો પછી રહેમાન પણ એવું જ કરે..મારો અંદાજો છે ત્યાં સુધી રહેમાને અત્યાર સુધી આત્મહત્યા પણ કરી લીધી હશે અને રૉ અને ગુજરાત પોલીસને એ વિચારવા મજબૂર કરી મૂક્યા હશે કે અફઝલ પાશા મરી ગયો." આટલું કહી અફઝલ પાશા સહેજ વાર અટક્યો..એક પછી એક પોતાના સાગરીતોને મુખ તરફ જોયા બાદ એ પોતાના સ્વરમાં આક્રોશ, મક્કમતા અને દૃઢતા લાવીને બોલ્યો.

"આ સંજોગોમાં આપણે સાત દિવસ બાદ નહિ પણ ચાર દિવસ પછી આપણા મિશનને અંજામ આપીશું..ચાર દિવસ પછીની તારીખ હિન્દુસ્તાનના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે. કાફિરો માટે એ દિવસ ગુલામીનો દિવસ હશે..અને આપણા માટે ફતેહનો, આઝાદીનો અને પ્રતિશોધનો દિવસ..!"

"અલ્લાહ હુ અકબર..અલ્લાહ હુ અકબર..!" અફઝલે જેવી જ પોતાની વાત પૂર્ણ કરી એ સાથે જ અલ્લાહ હુ અકબરના બુલંદ નારાથી ફાર્મહાઉસ નીચેનો એ હોલ ગરમાઈ ગયો.

અફઝલ પાશા મૃત છે અને આતંકવાદી હુમલો આશરે એક સપ્તાહ પછી થવાનો છે આ બે તદ્દન ખોટા અનુમાનમાં રાચતા રાજવીર શેખાવત અને ગુજરાત પોલીસના નિષ્ટવાન કર્મીઓ સત્યના મૂળ સુધી પહોંચી શકવાનાં હતા કે પછી પોતાની ખોટી ધારણાઓને લીધે આંતકવાદી હુમલાના સાક્ષી બનવાના હતા એનો ફેંસલો તો સમયના હાથમાં હતો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)