Operation Cycle Season 2 - 11 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 11

ભાગ 11

જિશાન ડિસ્ટ્રીકટ, શાંઘાઈ, ચીન

રાજવીર શેખાવતે બનાવેલી યોજના મુજબ અર્જુન અને જિશાન ડિસ્ટ્રીકટના દરિયાકિનારેથી ફુશાન આઈલેન્ડ જવા માટે જિશાન આવી પહોંચ્યા. ચીનના અવ્વલ નંબરના ડ્રગ્સના ધંધાદારી એવા લોન્ગ અને લીને આબાદ છેતરવાની સાથે એમના બેન્ક બેલેન્સને તળિયાઝાટક કરવાનો પારાવાર આનંદ અર્જુન અને નાયકને હતો.

"શાહિદ, તું અહીં કાર ઊભી રાખ..!" સામે દેખાઈ રહેલા દરિયાને જોતાવેંત જ અર્જુને કાર હંકારી રહેલા શાહિદને ઉદ્દેશીને કહ્યું.

અર્જુનના આમ બોલતા જ શાહિદે જિશાન ડિસ્ટ્રીકટના દરિયા કિનારા નજીક આવેલ લીકર બાર નજીક કાર થોભાવી. અહીંથી દસેક ડગલા દૂર દરિયાનો બીચ શરૂ થતો હતો. અર્જુન અને નાયકે પોતપોતાના હોલ્ડઓલને ખભે નાંખ્યા અને દરિયાકિનારે ઊભેલી ફેરી બોટ તરફ પગ ઉપાડ્યા.

જતા પહેલા અર્જુને શાહિદને ત્યાંથી નીકળી જવા જણાવ્યું અને અત્યાર સુધી શાહિદે કરેલી પોતાની મદદ માટે એનો ગળે લગાવી આભાર માન્યો. શાહિદે ભાવવિભોર થઈને અર્જુન અને નાયકને વિદાય આપી.

અર્જુન અને નાયક દરિયા કિનારે ઊભેલી એક ફેરી બોટ પાસે આવ્યા..ફેરી બોટનો માલિક એક તાત્સુ નામનો મોંગોલીયન હતો. આછા પીળા રંગની ચામડી, ઊંડે ઉતરેલી આંખો અને માથે નામ માત્રના વાળ ધરાવતો તાત્સુ હસમુખા સ્વભાવનો હોવો જોઈએ એવું એના ચહેરા પર દર બીજી મિનિટે ઊભરી આવતા સ્મિત પરથી સમજવું સરળ હતું.

"બોલો ક્યાં જવું છે.?" અર્જુન અને નાયકને ઉદ્દેશીને તાત્સુએ સવાલ કર્યો.

પોતાને ફુશાન આઈલેન્ડ જવું છે એવું નાયક કહેવા જતો હતો પણ અર્જુને આંખના ઈશારાથી જ એને આમ બોલતો અટકાવ્યો..વાતચીતની કમાન સંભાળતા અર્જુન તાત્સુને પ્રત્યુત્તર આપતા બોલ્યો.

"મિત્ર, સાંભળ્યું છે અહીં એક ફુંગશાન કરીને એક રમણીય આઈલેન્ડ છે..મને ફોટોગ્રાફીનો બહુ શોખ છે તો ઈચ્છા હતી કે ત્યાંની મુલાકાત લેતા આવીએ." અર્જુને જાણીજોઈને ફુશાનની જગ્યાએ ફુંગશાન કહ્યું હતું.

"હા એ આઈલેન્ડ ખૂબ જ સુંદર છે..અને એનું નામ ફુશાન છે; ફુંગશાન નહિ.!" તાત્સુએ જણાવ્યું.

"હા એ જ..!" અર્જુને ટૂંકમાં પતાવ્યું.

"તો રાહ શેની જોવો છો." તાત્સુ પોતાની બોટ તરફ પગ માંડતા બોલ્યો. "બેસી જાઓ બોટમાં."

"પણ ભાઈ ભાડું કેટલું લઈશ.?" નાયકે છેવટે પોતાનું મૌન તોડ્યું.

"ત્રણસો યુઆન." તાત્સુ બોલ્યો.

"સારું અમને મંજુર છે." બોટમાં બેસતા અર્જુન બોલ્યો..નાયક પણ પોતાના સિનિયરને અનુસરતો બોટમાં ગોઠવાયો.

એ ફેરી બોટ એક મધ્યમ કદની મોટર બોટ હતી..જેમાં એક સાથે છ-સાત લોકો બેસી શકે એટલી જગ્યા હતી. મોટર થકી ચાલતી એ બોટ કલાકના ચાલીસ કિલોમીટરની ગતિએ ચાલતી, એ મુજબ ગણતરી કરીએ તો જિશાનથી સાઠ કિલોમીટર દૂર આવેલા ફુશાન પહોંચતા એ લોકોને દોઢેક કલાક થવાનો હતો.

અર્જુન અને નાયક જોડે જે બેગો હતી એમાં ઓટોમેટિક મશીનગન, ગ્રેનેડ, રિવોલ્વર જેવા અદ્યતન શસ્ત્રો મોજુદ હતા. પોતે ક્યાં હતા એની જાણકારી અત્યારે લોન્ગને થઈ ચૂકી હતી અને લી પોતાના ક્રૂર માણસોને લઈને પોતાની પાછળ આવી રહ્યો હતો એનો સ્વપ્નેય ખ્યાલ નહિ હોવાથી અર્જુન તથા નાયક બંને નિશ્ચિન્ત હોય એ સ્વાભાવિક હતું. આમ છતાં માનવસહજ વૃત્તિના લીધે એ બંને વારંવાર પાછળ નજર ફેરવીને એ જોઈ લેતા કે કોઈ એમનો પીછો તો નથી કરી રહ્યું ને.?

અર્જુન અને નાયકને લઈને તાત્સુની બોટ જિશાનથી દસેક કિલોમીટર દૂર પહોંચી હતી ત્યારે યાંગ લી પોતાના સાગરીતો સાથે જિશાન ડિસ્ટ્રીકટના દરિયાકિનારે આવી પહોંચ્યો હતો. દરિયાકિનારે પહોંચતા જ એમને અર્જુન અને નાયક અંગેની પૂછપરછ આરંભી દીધી.

બીચની નજીક સનબાથ રહી રહેલ એક ચીની યુગલ જોડેથી લીનો સાગરીત લ્યુકી જાણી લાવ્યો કે પંદરેક મિનિટ પહેલા બે વ્યક્તિ બોટમાં બેસીને ફુશાન ભણી ગઈ છે. એ બોટ એક સાદી ફેરી બોટ હતી એ અંગે પણ લ્યુકીને એ યુગલ જોડેથી જાણવા મળ્યું હતું.

લ્યુકીએ આ માહિતી જેવી જ યાંગ લીને આપી એ સાથે જ લી એ ઈશારાથી ડ્યુક અને ટીમને કિનારે ઊભેલી એક સ્પીડ બોટ આંચકી લેવા આદેશ આપ્યો. એ લોકો રિવોલ્વરની અણીએ આ કામ સરળતાથી કરી શક્યા. એ લોકોએ જે સ્પીડબોટ આંચકી હતી એમાં માત્ર ચાર વ્યક્તિ સવાર થઈ શકે એવી હોવાથી લીએ બોથાને કાર જોડે ઊભા રહેવા જણાવ્યું.

લીની સાથે લ્યુકી, ડ્યુક અને ટીમ સ્પીડબોટમાં સવાર થયા..ટીમ સારો ચાલક હોવાથી લીએ એને જ બોટ હંકારવા આદેશ આપ્યો. ટીમે બોટની કળ ખેંચી એ સાથે જ ધમધમાટી બોલાવતું સ્પીડબોટનું એન્જીન ચાલુ થયું અને પાણીને ચીરતી બોટ ફુશાન આઈલેન્ડ તરફ ચાલી નીકળી.

એ બધા જોડે રિવોલ્વર મોજુદ હતી, ડ્યુક જોડે અમેરિકન બનાવટની એક સેમી ઓટોમેટિક મશીનગન પણ હતી. આ શસ્ત્રો સાથે એ પોતાને છેતરીને જનારા બંને શેખનું ઢીમ ઢાળી દેવાનું સ્વપ્ન યાંગ લી સેવી રહ્યો હતો. આ સ્વપ્ન સાકાર થવાનું હતું કે માત્ર દિવા સ્વપ્ન બની રહેવાનું હતું એનો ફેંસલો ટૂંકમાં જ થઈ જવાનો હતો.

તાત્સુ જેમ-જેમ બોટને ફુશાન આઈલેન્ડ તરફ હંકારી રહ્યો હતો એમ-એમ અર્જુન અને નાયક આઈલેન્ડની અદ્ભૂત સુંદરતાને જોઈ અવાચક બની રહ્યા હતા. જો પોતે મિશન પર ના હોત તો આ સ્થળે ઘુમવાની મજા અવશ્ય લેત એવું પણ અર્જુન વિચારવા લાગ્યો. અર્જુને વિલાડને કોલ કરીને પોતે ફુશાન આવી રહ્યો હતો એની જાણકારી આપી દીધી હતી.

ફુશાનથી વિલાડ પોતાને અને નાયકને ક્યાં લઈને જવાનો હતો? અહીંથી આગળ શેખાવતની યોજના શું હતી? આ પ્રશ્નો ફુશાન તરફ આગળ વધતી બોટમાં સવાર અર્જુનને મૂંઝવી રહ્યા હતાં.

*********

BLA સેફ હાઉસ, કવેટા, પાકિસ્તાન

મુસ્તફા અસદ આઝમને મળીને એ સમાચાર સાથે સેફ હાઉસ પાછો આવ્યો હતો કે આજે રાતે ઉપડતી ટ્રેઈનમાં જ માધવ અને નગમાએ પાકિસ્તાન બોર્ડર પાર કરવાનું હતું. રઝાએ તો આ માટે આનાકાની કરી પણ નગમા અને માધવે તુરંત આ પ્રપોઝલ સ્વીકારી લીધી, કેમકે..બીજી ટ્રેઈન ત્રણ દિવસ પછી હતી અને ત્યાં સુધી સમય વેડફવો એમને પોષાય એમ જ નહોતો.

સાંજે સાત વાગે પોતાના ક્લિનિક પર પહોંચી જવાનું ડૉક્ટર આઝમે જણાવ્યું હોવાથી માધવ અને નગમા બપોરનું ભોજન લઈને પરવારી ગયા. ત્રણેક કલાકની ઊંઘ બાદ તેઓની આંખ ખૂલી ત્યારે પાંચ વાગી ગયા હતા..છ વાગે ત્યાંથી નીકળવાનું હોવાથી નગમા અને માધવ ફટાફટ ફ્રેશ થઈ ગયા અને પોતાનો સામાન ત્વરાથી પેક કરી લીધો.

દિલાવર ખાન હવે ભાનમાં આવી ચૂક્યો છે એવું જ્યારે માધવ અને નગમાએ જાણ્યું તો એ બંને સેફહાઉસ છોડતા પહેલા દિલાવર ખાનને મળવા ગયા. દિલાવર ખાનની મદદ વિના તેઓ પોતાનું મિશન પાર ના પાડી શક્યા હોત એ વાત સમજતા માધવ અને નગમા માટે દિલાવર માટે હૃદયમાં એક ખાસ સ્થાન બની ચૂક્યું હતું. એ બંને દિલાવરને મળવા ગયા ત્યારે ડૉક્ટર મહરુમ દિલાવરની પાસે હાજર હતી.

"કેમ છો કમાન્ડર..?" રૂમમાં પ્રવેશતા જ માધવે પૂછ્યું.

"બસ આમ તો સારું છે..પણ અહીં થોડી કળતર થાય છે." દિલાવરે ખભા તરફ જોઈ, સ્મિત આપી કહ્યું. "સાંભળ્યું છે તમારે અત્યારે જ નીકળવાનું છે?"

"હા..આજે રાતની ટ્રેઈનમાં જ અમારે અફઘાનિસ્તાન પહોંચવું પડશે." નગમાએ જવાબ વાળતા કહ્યું. "બીજી ટ્રેઈન ત્રણ દિવસ પછી છે અને તમે તો જાણો છો કે અમારે ત્યાં સુધી રોકવાય એવું નથી."

"મને સારું હોત તો હું અવશ્ય તમને છેક અફઘાનિસ્તાન સુધી મૂકી જાત.." દિલાવરના અવાજમાં પીડા હતી, ન સમજાય એવી ગ્લાની હતી.

"કમાન્ડર, તમે અત્યાર સુધી અમારા માટે જે કંઈપણ કર્યું છે એ ઘણું છે..હવે તમારે આરામ કરવાનો છે." દિલાવરના હાથને પોતાના હાથમાં લઈ માધવે મૈત્રીભાવે કહ્યું. "તમે ચિંતા ના કરો, અમે સહી-સલામત હિન્દુસ્તાન પહોંચી જઈશું."

"હવે જો નસીબ સાથ આપે તો એકવાર હિન્દુસ્તાન આવવું છે..એ પવિત્ર ભૂમિના દર્શન કરવા છે, જ્યાં દરેક ધર્મ એક સમાન સત્તા ભોગવે છે..જ્યાં માનવતા હજુ જીવે છે." એક પાકિસ્તાની નાગરિક હોવા છતાં એના મુખેથી ભારતના વખાણ સાંભળી માધવ અને નગમાના ચહેરા પર ગર્વ છવાઈ ગયો.

"સારું તો પછી અમે રજા લઈએ.." માધવે દિલાવરને ઉદ્દેશીને કહ્યું.

"અલ્લાહ તમારી હિફાઝત કરે..ખુદાહાફીઝ." દિલાવરના સ્વરમાં માધવ અને નગમા પ્રત્યેની લાગણી વર્તાતી હતી.

માધવ અને નગમા દિલાવરની રજા લઈને ત્યાંથી નીકળ્યા..જેવા એ લોકો દિલાવરને રખાયો હતો એ રૂમના દરવાજે આવ્યા એ સાથે જ નગમાએ પહેલા દિલાવર અને પછી ડૉક્ટર મહરુમ ખાન ભણી જોતા કહ્યું.

"કમાન્ડર, એક સ્ત્રી વિના જીવન હંમેશા રુક્ષ હોય છે..દરેકના નસીબમાં શીદ્દતથી ચાહનારું પાત્ર હોતું નથી તો યોગ્ય સમય આવે એવા પાત્રને હમસફર બનાવી લેવામાં જ ભલાઈ છે. હિન્દુસ્તાન હનીમૂન કરવા ચોક્કસ આવજો."

નગમાના આ શબ્દો કોના માટે હતા એ દિલાવરને સમજાઈ ગયું હતું..નગમાના બહાર જતા જ એને મહરુમ તરફ નજર કરી અને આંખોનાં ઈશારાથી જ એને પોતાની પાસે બોલાવી. મહરુમ જાણે એ પળની રાહ જોઈ રહી હોય એમ એને દિલાવરને ગળે લગાવી દીધો. રણની સૂકી જમીન પર આ સાથે જ ધોધમાર મેહુલો વરસી પડ્યો.

**********

સાત વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યાં મુસ્તફા માધવ અને નગમાને લઈને ડૉક્ટર અસદ આઝમને ત્યાં આવી પહોંચ્યો. આઝમની ક્લિનિક બે મંજીલા ઈમારતમાં હતી, જ્યાં ગરીબ દર્દીઓ માટે શક્ય એટલી દાક્તરી સુવિધાઓ ઉપલબ્ધ હતી. આઝમ ખૂબ ખાનગી ધોરણે છેલ્લા પચ્ચીસ વર્ષથી ગરીબ બલૂચવાસીઓની સાથે BLAની પણ મદદ કરી રહ્યા હતા.

પંચાવન વર્ષની ઉંમરે પહોંચેલા અસદ આઝમને જોતા જ લાગી આવતું કે એ દાક્તરી પેશામાં હોવા જોઈએ. અસદ આઝમ ખૂબ મોટી જમીનના માલિક હતા, જ્યાં ફળો અને સૂકા મેવાની ખેતી થતી. આ ખેતીમાંથી મળતી આવકને તેઓ ગરીબ લોકોની સેવામાં ખર્ચી નાંખતા. એમના મતે ગરીબોની સેવાથી જ અલ્લાહને પામી શકાય અને જન્નત પણ નસીબ થાય.

મુસ્તફા નક્કી સમયે માધવ અને નગમાને લઈને બીજા માળે જમણી તરફ કોર્નરમાં આવેલા આઝમના પર્સનલ રૂમમાં પહોંચ્યો. નગમા અને માધવને જોઈ આઝમે સ્મિત વેર્યું અને કહ્યું.

"દોસ્તો, આપણી જોડે વધુ સમય નથી..આપણે ફટાફટ અહીંથી કવેટા રેલવે સ્ટેશન જઈશું. પેસેન્જર ટ્રેઈનમાં મેં તમારૂ બુકીંગ કરાવી દીધું છે. તમારા બંને માટે પાકિસ્તાની નાગરિકના આઈડી પણ તૈયાર છે અને એ જ નામે તમે આગળની સફર કરશો."

માથે અને દાઢીમાં આવેલા સફેદ વાળ, ચહેરા પર કરચલી ધરાવતા અસદ આઝમે આમ કહી નગમા અને માધવના હાથમાં પાકિસ્તાનનું વોટર આઈડી મુક્યું. માધવ અને નગમા પોતાના આ વોટર આઈડી જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા..કેમકે, આઈડી પર સાચેમાં એમનો જ ચહેરો હતો.

એમના મુખ પર આવેલા આશ્ચર્યના ભાવ વાંચી ગયો હોય એમ મુસ્તફા બોલ્યો.

"દાક્તર સાહેબ માટે કશુંય અશક્ય નથી..તમારા ફોટોસ મેં જ એમને આપ્યા હતા અને એમને આટલા ઓછા સમયમાં તમારું આઈડી બનાવી દીધું."

જે વ્યક્તિ પોતાના કામમાં આટલી કુશળ હોય એ પોતાને સલામત રીતે પાકિસ્તાન બોર્ડર પાર કરાવી દેશે એવી આશા સાથે માધવ અને નગમા ડૉક્ટર આઝમની સાથે કવેટા રેલવે સ્ટેશન જવા માટે તૈયાર થયા.

ડૉક્ટર અસદ આઝમની કારમાં બેસી મુસ્તફા, માધવ અને નગમા કવેટા રેલવે સ્ટેશન જતા રસ્તે હજુ અડધે પણ નહોતા પહોંચ્યાં ત્યાં આઈ.એસ.આઈનો કવેટાનો એજન્ટ ગુલામઅલી તથા ઈકબાલ મસૂદ પોતપોતાના ગુર્ગાઓ સાથે રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો.

********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)