Operation Cycle Season 2 - 16 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 16

ભાગ 16

ચમન બોર્ડર, અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર

પોતાને આબાદ રીતે છેતરીને અસદ આઝમે કુવૈતનું નાગરિકત્વ ધરાવતા બે નાગરિકોને કવેટાથી ચમન બોર્ડર જતી ટ્રેઈનમાં બેસાડી દીધા હોવાના અનુમાન સાથે ગુલામઅલી ઈકબાલ મસૂદની સાથે ચમન બોર્ડર તરફ રવાના થઈ ચૂક્યો હતો. આ દરમિયાન અસદ આઝમે એક નંબર ડાયલ કરી સ્ટેજ ટુ તરફ આગળ વધવાનો સંદેશો આપી દીધો હતો.

કવેટાથી નીકળેલી ટ્રેઈન પોતાના નિયત સમય કરતા એક કલાક મોડી ઉપડી હોવા છતાં રસ્તામાં આવતા બે સ્ટેશનો પરથી પણ સારી એવી સંખ્યામાં ભીડ ટ્રેઈનમાં બેસી હતી. આ બંને સ્ટેશન પર પાંચ-પાંચ મિનિટના વિરામ બાદ ટ્રેઈન જ્યારે ચમન બોર્ડર સુધી પહોંચવાની અણી ઉપર હતી ત્યારે ગુલામઅલી અને મસૂદ ટ્રેઈનને આંબી ગયા હતા.

રેલવે ટ્રેકને સમાંતર આવેલા રોડ પર ચાલતી જીપમાંથી જ ગુલામઅલીએ ટ્રેઈનની બારીમાંથી બહાર જોઈ રહેલા મુસાફરોને ચેઈન ખેંચવાનો આદેશ આપ્યો. લશ્કરી પોશાકમાં સજ્જ અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને બોનેટ પર ધરાવતી જીપમાં સવાર અલીના આદેશને અવગણવાની હિંમત ટ્રેઈનમાં સવાર મુસાફરો જોડે ક્યાંથી હોય...?

એક પચ્ચીસેક વર્ષના યુવકે અલીનો આદેશ સાંભળી તુરંત પ્રતિક્રિયા દર્શાવતા ટ્રેઈનની ઈમરજન્સી ચેઇનને બળપૂર્વક ખેંચી લીધી..આમ થતાં જ ટ્રેઈનની ઇમરજન્સી બ્રેક લાગી. ટ્રેઈનના ટાયરના રેલવે ટ્રેક પર ઘસડાવવાના કકર્ષ અવાજ સાથે ટ્રેઈન થોભી..ટ્રેઈન જ્યાં અટકી ત્યાંથી ચમન બોર્ડર માંડ અડધો કિલોમીટર દૂર હતી.

ટ્રેઈનને અટકાવી ટ્રેઈનનો ચાલક ઇમરજન્સી બ્રેક કોને અને કેમ લગાવી એ જાણવા નીચે આવ્યો ત્યારે ગુલામઅલી અને મસૂદને જોઈ એના ચહેરા પરની રેખાઓ તંગ બની ગઈ. એનું મુખ એ વાતની ચાડી ખાતું હતું કે લશ્કરી ઓફિસરોની આ મનમાની એને બિલકુલ પસંદ નથી આવી. આમ છતાં એ ચૂપચાપ જઈને પાછો પોતાના એન્જીન રૂમમાં જઈને ગોઠવાઈ ગયો.

"જાઓ, જઈને દરેક ડબ્બા ચેક કરો.." જીપમાંથી કૂદકો મારી ટ્રેઈન તરફ આગળ વધતો અલી પોતાના અને મસૂદના સાગરીતોને ઉદ્દેશીને બોલ્યો. "કોઈપણ સંદિગ્ધ જણાય તો એને નીચે ઉતારો..અને જો વાત ના માને તો ગોળીએ વીંધી નાંખો."

અલીના આ શબ્દો ટ્રેઈનમાં સવાર મુસાફરોએ પણ સાંભળ્યા; જેના લીધે એ લોકોની અંદર ભયનું મોજું ફરી વળ્યું. પાડા ના વાંકે પખાલીને ડામ આ કહેવતને ચરિતાર્થ કરતા પાકિસ્તાન આર્મી અને આઈ.એસ.આઈના ઓફિસરોના વલણથી માહિતગાર મુસાફરોને ખબર હતી કે ગુલામઅલી અને એના સાથીદારો બધા મુસાફરોને રંઝાડવામાં કોઈ કસર નહિ છોડે.

એ લોકોની ગણતરી મુજબનો વ્યવહાર અલીના અને મસૂદના માણસોએ કર્યો. લોકોના ઓળખપત્ર માંગવામાં આવ્યા..જેમની પર શક ગયો એવી મહિલાઓ અને પુરુષોને ધોલ-ધાપટ લગાવી ટ્રેઈનમાંથી નીચે ઉતારવામાં આવ્યા. એ લોકોની ભારે તલાશી લેવામાં આવી પણ એમનમાંથી કોઈ માધવ કે નગમા ના નીકળ્યું એટલે ગુલામઅલીનું મગજ ગુસ્સાથી ફાટ-ફાટ થઈ ગયું.

આખરે એ બંને ગયા ક્યાં? એ પ્રશ્નનો જવાબ શોધતા અલીએ ટ્રેઈનના પ્રથમ ડબ્બાથી લઈને આખરી ડબ્બા સુધી એક ઊડતી નજર ફેંકી..એન્જીન ધરાવતા મુખ્ય ડબ્બાની પાછળ આવેલા બીજા અને ત્રીજા નંબરના ડબ્બા પર અનાયાસ અલીની નજર સ્થિર થઈ.

માલસામાન ભરેલા એ બંને ગુડ્સ કંપાર્ટમેન્ટની પોતે કે પોતાના સાથીદારોએ કવેટા રેલવે સ્ટેશન પર પણ તલાશી નહોતી લીધી એ યાદ આવતા જ ભારે આતુરતા સાથે અલી ગુડ્સ કંપાર્ટમેન્ટ તરફ અગ્રેસર થયો. મસૂદ અને બાકીના લોકો પણ એની પાછળ દોરવાયા.

અલીએ ત્યાં પહોંચીને જોયું તો ગુડ્ઝ કંપાર્ટમેન્ટ પર નાનકડું તાળું લટકતું હતું..આ તાળાની ચાવી ટ્રેઈનના ચાલક જોડે હશે એ જાણતા હોવા છતાં અધીરા બનેલા ગુલામઅલીએ પોતાના જોડે રહેલી નાઈન એમ.એમ પિસ્તોલમાંથી ગોળી ફાયર કરી ગુડ્ઝ કંપાર્ટમેન્ટનું તાળું ખોલી નાંખ્યું.

તાળું તોડીને મસૂદે કંપાર્ટમેન્ટનો દરવાજો ખોલ્યો અને ઉપર ચડી ગયો. મસૂદ પણ અલીની સહાયતાથી ઉપર ચડી ગયો. ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં દોઢસો-બસો જેટલા મોટા-મોટા પોટલા પડ્યા હતા..થોકબંધ ગોઠવેલા આ પોટલાઓ વચ્ચે છુપાવવું સરળ બની રહે એવું અનુમાન લગાવતા અલીએ નીચે ઊભેલા પોતાના સાગરીતોને ઉદ્દેશીને કહ્યું.

"તમે લોકો બીજા ડબ્બાનું લોક તોડીને એમાં ચેક કરો..એ લોકો આ બે ડબ્બામાં જ ક્યાંક હોવા જોઈએ.."

અલીનો આદેશ સાંભળી એના અમુક સાગરીતો એ જ્યાં હતો એ ડબ્બામાં ચડી ગયા અને બાકીના સાગરીતો બાજુના ગુડ્ઝ કંપાર્ટમેન્ટનો લૉક તોડી એમાં આવી ગયા.

 

આ બધી ધાંધલ-ધમાલથી ટ્રેઈનમાં મોજુદ બધા મુસાફરો વ્યાકુળ અને ભયભીત હતા..પણ, સૌથી વધુ બેચેની ટ્રેઈનના ચાલક બશીર ખાનના મુખ પર હતી.

બશીર ખાન એ જ વ્યક્તિ હતો જેની પર બે-અઢી કલાક પહેલા જ અસદ આઝમનો કૉલ આવ્યો હતો.

**************

અમદાવાદ, ગુજરાત

"મને જણાવો કે તમને શું જાણવા મળ્યું છે.?"

શેખાવતે જિજ્ઞાસાવશ પૂછેલા આ પ્રશ્નના ઉત્તરમાં આહુવાલીયા જે કંઈપણ જણાવતા ગયા એ સાંભળી શેખાવતના ભવા ખેંચાઈ ગયા, જડબા સખત થઈ ગયા અને આંખોમાં લોહી દોડી આવ્યું.

"તમારા કહેવા મુજબ અમુક સંદિગ્ધ લોકો ભુજની જોડે આવેલા કાલી તલાવડી ખાતે હાજર છે.?" આહુવાલીયાની પૂર્ણ વાત સાંભળ્યા બાદ શેખાવતે જે પ્રશ્ન કર્યો એ પરથી સ્પષ્ટ હતું કે અફઝલ પાશા અને લશ્કર-એ-તોયબાના સ્લીપર સેલ અત્યારે જ્યાં હતા એની માહિતી આઈ.બીના ચાલાક અને ચપળ જાસૂસોને મળી ચૂકી હતી જે અંગે આઈ.બી ચીફ આહુવાલીયા અત્યારે રો ચીફ રાજવીર શેખાવતને જણાવી રહ્યા હતા.

"હા..એ લોકો હજુ ત્યાં જ મોજુદ છે...એ લોકો કોણ છે અને ત્યાં કેમ એકત્રિત થયા છે એની જાણકારી નથી મળી પણ દુબઈ રહેતા એક મુસ્લિમ વેપારીના ફાર્મહાઉસ પર અચાનક દસ-બાર લોકોનું એકઠું થવું વિચિત્રની સાથે શંકાસ્પદ પણ છે." આહુવાલીયાએ કહ્યું. "બે દિવસ પહેલા આ અંગે અમારા ભુજમાં મોજુદ એજન્ટને જાણવા મળ્યું હતું..સચ્ચાઈની ખાતરી કરવા એ કાલી તલાવડી પહોંચ્યો..જ્યાં ચોવીસ કલાક સુધી તો એને ત્યાં બે સ્ત્રીઓ અને બે-ત્રણ બાળકો સિવાય કોઈ નજરે ના ચડ્યું."

આટલું કહી આહુવાલીયા દસેક સેકંડ અટક્યા અને પછી વાત આગળ ધપાવતા બોલ્યા.

"પણ એક દિવસ સુધી એકધાર્યા મોનીટરીંગ કરવા પર અમારા એજન્ટને ત્યાંથી નીકળતી બે યુવતીઓ જોવા મળી..જેનો પીછો કરીને એમની કડક શબ્દોમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એ બંને કોલગર્લ હતી અને ફાર્મહાઉસમાં હાજર દસેક લોકોને ખુશ કરવા ત્યાં ગઈ હતી."

"આ તમામ લોકો મુસ્લિમ હોવાનું પણ એ કોલગર્લ થકી જાણવા મળ્યું એટલે અમારા એજન્ટે તુરંત મને જાણ કરી અને મેં તમને..બોલો હવે આગળ શું કરવાનું છે..?"

આહુવાલીયાનો આ સવાલ સાંભળી શેખાવતનું દિમાગ બુલેટ ટ્રેઇનની ગતિએ દોડવા લાગ્યું..એમને મનોમન કંઈક ગણતરી કરી અને આઈ.બી ચીફ ના સવાલનો જવાબ આપતા કહ્યું.

"નક્કી એ લોકો લશ્કરના સ્લીપર સેલ છે, જે અફઝલ પાશાની આગેવાનીમાં ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાને એના યોગ્ય અંજામ સુધી પહોંચાડવાની આખરી તૈયારી રૂપે ત્યાં એકઠા થયા છે."

હવે ચમકવાનો અને વિસ્મય પામવાનો વારો આહુવાલીયાનો હતો.

"અફઝલ પાશા ગુજરાતમાં..?આ વિશે તમે આટલા સ્યોર કઈ રીતે? ક્યાં થવાનો છે હુમલો..?

આહુવાલીયાએ પૂછેલા આ સવાલો એ વાતની ચાડી ખાઈ રહ્યા હતા કે શેખાવતની વાત સાંભળી એમને કેટલો મોટો આંચકો લાગ્યો હતો.

આહુવાલીયાના પ્રશ્નોના જવાબમાં શેખાવતે એમને ટૂંકમાં ઑપરેશન ચક્રવ્યૂહ અંગે માહિતી આપી..અફઝલની હાજરીની ગંધ આવતા એની કરેલી ધરપકડ અને ધરપકડ કરેલ વ્યક્તિ અફઝલની હમશકલ નીકળવી આ બધું ટૂંકમાં આહુવાલીયાને જણાવ્યા બાદ રાજવીર શેખાવતે ગંભીર સ્વરમાં કહ્યું.

"આતંકવાદી હુમલો ક્યાં થવાનો છે એની હજુસુધી કોઈ હિન્ટ મળી નથી..એટલે અફઝલ તથા સ્લીપર સેલના તમામ આતંકવાદીનો ખાતમો કરી આ હુમલાને રોકવાની જે ઉત્તમ તક મળી છે એને વહેલી તકે ઝડપી લેવી જોઈએ."

"તમારી વાત સાચી છે...બાકી એ મા#$@&! ત્યાંથી નીકળી ગયા તો હાથમાં નહિ આવે." આહુવાલીયાએ ગંદી ગાળનો પ્રયોગ કરતા કહ્યું. "તો આગળ શું કરવાનું છે.?"

"તમારો જે એજન્ટ અત્યારે ફાર્મહાઉસ પર છે એનું નામ શું છે?" શેખાવતે પૂછ્યું.

"ગગનસિંહ.." આહુવાલીયાએ કહ્યું.

"તમે ગગનની મદદ માટે ભુજ પોલીસ કમિશનરને વાત કરી પોલીસ ટીમ મંગાવી લો..હું અહીંથી કેવિન નામક રૉ એજન્ટ અને અમદાવાદ પોલીસની રાજલ દેસાઈ નામક મહિલા કર્મચારીને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કૉવડના પાંચ-છ કર્મચારીઓ સાથે વહેલી તકે તમારા જણાવેલા સ્થળે રવાના કરું છું."

"ઓકે..તો તમે એ લોકોને અમદાવાદથી રવાના કરો." શેખાવતની વાત સાંભળી આહુવાલીયાએ કહ્યું. "હું ભુજ પોલીસ કમિશનરની મદદથી ફાર્મહાઉસને ચારે તરફથી ઘેરવાની કામગીરી ચાલુ કરાવી દઉં છું."

"ઓકે...સારું ત્યારે હું અત્યારે કોલ રાખું." શેખાવતે કહ્યું. "જય હિંદ."

"જય હિંદ ઓફિસર..!" આહુવાલીયાના આમ બોલતા જ શેખાવતે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

આહુવાલીયા સાથે થયેલી ચર્ચા બાદ જાણે મોટો ખજાનો હાથ આવ્યો હોય એવી ચમક શેખાવતના મુખ પર પથરાઈ ગઈ..શેખાવતે તુરંત પહેલા કેવિનનો, ત્યારબાદ રાજલનો અને છેલ્લે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કૉવડના મુખ્ય અધિકારી અબ્બાસ ગનીવાલાને કોલ લગાવી ટૂંકમાં તમામ જાણકારી આપી ફટાફટ કમિશનર ઓફીસ આવી જવા જણાવ્યું..જ્યાંથી એમને અડધા કલાકની અંદર ભુજ નજીક આવેલા કાલી તલાવડી ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસમાં છુપાઈને બેસેલા અફઝલ પાશા અને લશ્કરના આતંકીઓને ઢેર કરવા નીકળવાનું હતું.

આખરે શતરંજની બીસાત પર કોનો દાવ કેવો પડવાનો હતો એની જાણકારી ફક્ત સમય પાસે હતી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)