Apradh - 1 books and stories free download online pdf in Gujarati

અપરાધ - 1 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

નમસ્કાર મિત્રો,
પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.
આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્યો તેમ જ આ નવલકથાને પણ સૌ નો સહકાર મળશે...
તો ચાલો શરૂ કરીએ એક સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર સફર.
નોંધ- આ નવલકથાના દરેક પાત્ર કાલ્પનિક છે. જેઓ કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધિત નથી.
“અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન”

“અપરાધ-1"
અમદાવાદ-વડોદરા હાઈ-વે પર એક બ્લેક રંગની સ્કોર્પિઓ કાર પુરપાટ ઝપડે દોડી રહી છે. રસ્તા પર એક નાનકડી ચાની લારી પાસે કાર ચાલકે અચાનક બ્રેક લગાવી. રોડ પર ટાયર ઘસડાવવાના કર્કશ ભર્યા અવાજ સાથે કાર થંભી ગઈ. કારને જોઈને લારીના માલિકને પહેલાં જ ખ્યાલ આવી ગયો હોય તેમ ત્યાં કામ કરતાં છોટુને કહ્યું, ફટાફટ બે કડક મસાલેદાર ચા બનાવ.
થોડીવારમાં કારમાંથી બે નવયુવાન ઉતરી અને લારી તરફ આગળ ચાલ્યા. તેમાંથી એકે ચહેરા પર મંદ મંદ સ્મિત સાથે કહ્યું, “કાકા બે કડક.........”
લારીના માલિકે વચ્ચે જ અટકાવતા કહ્યું,“દીકરા તમે આવ્યા ત્યારે છોટુ ને કહી દીધું તમારી કડક મસાલેદાર ચાનું”
ત્યાં બીજા યુવાને કહ્યું, “ભાઈ અનંત, આપણે અહી અઠવાડિયામાં બે વખત તો આવીએ જ છીએ એટલે હવે કાકાને પહેલા જ ખબર પડી જાય કે આપણે અહી આવીએ છીએ તો માત્ર કાકાની આ કડક મસાલેદાર ચા પીવા”
“સંદીપ, આપણી અમદાવાદ થી વડોદરા વચ્ચેની 200 કિલોમીટરની સફરનું સૌથી બેસ્ટ પાર્ટ હોય તો આ કાકાની લારી અને એમની ચા”
ચાની લારી તો નાનકડી હતી પણ બરાબર હાઈ-વેની બાજુમાં જ અને માહી નદીની કેનાલથી સહેજ આગળ એટલે આજુબાજુનો વિસ્તાર પણ લીલાછમ ખેતરોથી ઘેરાયેલો અને ચોવીસ કલાક રસ્તા પર દોડતા વાહનોના ઘોંઘાટ છતાં પણ કઈક અંશે હાઈ-વે પરનો સૌથી શાંત પોઈન્ટ. અનંત અને સંદીપ બંને મિત્રો જયારે અમદાવાદ થી વડોદરા કે વડોદરા થી અમદાવાદ જતા ત્યારે અહી ચા પીવા અચૂક આવતાં. એટલે જ લારી વાળા કાકા પણ પરિચિત હતા કે બંને મિત્રો અહી માત્ર ચા પીવા જ આવે છે. એ કારણે જ માત્ર કાર જોઇને છોટુને ચા બનાવવાનું કહ્યું હતું.
છોટુ એ બંનેના હાથમાં ચાની પ્યાલી થમાવી બંને મિત્રો લારી પાસે જ ખુલ્લી જગ્યામાં ટેબલ પાસે બેસીને એમની પસંદીદા ચાનું લુફ્ત ઉઠાવી રહ્યા હતા.
અચાનક સંદીપે અનંતને વિચાર મગ્ન જોઇને કહ્યું, “કેમ ભાઈ, ક્યાં ખોવાય ગયા છો?”
“ક્યાય નહી બસ હું વિચારું છું યાર, આ કાકા એક નાનકડી દુકાનમાંથી પોતાનું ગુજરાન ચલાવે, એમના શોખ તો દુર જરૂરિયાત જ પૂરી થતી હશે. છતાં કેવા સંતુષ્ટ ! અને બીજી તરફ પપ્પા, આટલું મોટું બીઝનેસ એમ્પાયર છે. લાખોની આવક છે છતાં બસ બીઝનેસ આગળ વધારવા દોડ્યે જ રાખવું. તું જ કહે વધુ સુખી કોણ પપ્પા કે આ કાકા?”
“અંનત તું બવ વિચારે યાર, બંને પોત-પોતાની ફિલ્ડમાં સુખી પણ અને દુઃખી પણ. એક રીતે જોઈએ તો અંકલને જેટલી બિઝનેસની ચિંતા એટલી જ કાકાને એમની આ નાનકડી લારીની. અંકલે જેટલું રોકાણ કર્યું મહેનત કરી એનું પરિણામ મેળવીને સુખી જ હશે જયારે કાકા પણ સાંજ પડતાં જે પણ આવક થાય એનાથી સંતુષ્ટ થતા જ હશે.”
“હા એ પણ બરાબર, છતાં મારું કહેવું તો એમ છે કે ભલે બવ મોટું બીઝનેસ ન થાય પણ આ કાકાના ચહેરા પર જે સંતુષ્ટિનો ભાવ છે ને એમ જે છે એમાં ખુશ રહી શકીએ એવું થાય તો પણ બસ. આપણું જ ઉદાહરણ જોઈ લે બાળપણમાં પપ્પાના પ્રેમ માટે સન-ડેની રાહ જોવી પડતી કારણ કે આખા વિકમાં ઘરે તો માત્ર જમવા અને આરામ કરવા જ આવતાં બાકીનો બધો સમય એમણે બીઝનેસને સોંપી દીધો. બીજી બાજુ તારા પપ્પા ભલે મોટા બીઝનેસમેન નથી પણ તને પુરતો સમય તો મળ્યો ને? એમણે પોતાની જોબમાંથી જરૂરીયાત પણ પૂરી કરી અને તારા શોખ પણ..”
સંદીપે ટેબલ પર પ્યાલી મૂકતા અનંત સામે જોઇને પૂછ્યું, “તો પણ, તારા શોખ, જરૂરીયાત વગેરે અંકલ કહેવા પહેલા પૂર્ણ કરી આપતાને?
“કાશ... એમણે પૂછ્યું હોત ક્યારેક કે તારે શું જોઈએ? મારા માટે મોંઘા મોંઘા રમકડા, કપડાં એ બધું પપ્પા લાવી આપતાં જ પણ મને તો એ મોંધી ઘડિયાળો કરતા પપ્પાનો એ સમય જોઈતો હતો. અને એ ક્યારેય એમને મળ્યો જ નહી.”
“એ ભાઈ, ભૂતકાળને યાદ કરીને આમ ઈમોશનલ ના થઈ જવાય. અત્યારે તારી પાસે બધું જ છે ને, ચલ હજી વડોદરા પહોચવું છે. અને ફરી આ MBAના ચક્કરમાં અમદાવાદ પણ ખરું જ”
“હા ચાલો નહીંતર મમ્મીની ટેન્શન અલગ જ” અનંતએ વોલેટ કાઢતાં કહ્યું.
અનંત એ વોલેટમાંથી 100 રૂપિયાની નોટ છોટુને આપી ચાના પૈસા બાદ કરતા વધારાના પૈસા અનંત તરફ લંબાવ્યા.
અનંતે છોટુનો હાથ પાછો વળતાં કહ્યું, “આ બાકીના પૈસા તારી ટીપ.” છોટુ જાણે આભાર વ્યક્ત કરતો હોય તેમ એના ચહેરા પર એક નિસ્વાર્થ અને નિખાલસ હાસ્યનું મોજું ફરી વળ્યું.
બંને મિત્રો ત્યાંથી રવાના થયા. લગભગ સાંજના 7 વાગ્યા આસપાસ બંને અનંતના ઘરે પહોચ્યાં.
અનંત વડોદરાના જાણીતા બીઝનેસમેન રાકેશભાઈનો એકનો એક પુત્ર હતો. અને સંદીપ સાથે તેની મુલાકાત કોલેજ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ તે મુલાકાત છેલ્લા 4 વર્ષોમાં ગાઢ મિત્રતામાં ફેરવાઈ ગઈ હતી. સંદીપ મુળ અમદાવાદનો જ રહેવાસી હતો. બંને મિત્રોએ MBA પણ સાથે જ શરૂ કર્યું હતું. અનંત જયારે પણ અમદાવાદથી વડોદરા જતો ત્યારે સંદીપને તેની સાથે અચૂકપણે લઈ જતો.
સાંજનું ભોજન પૂર્ણ કરી બંને બંગલોમાં જ પાર્કિંગ પાસે એક નાનકડું ગાર્ડન હતું ત્યાં આમ તેમ ટહેલી રહ્યા હતા.
થોડીવાર બાદ અનંતે કહ્યું, મને તો આ ટ્રાવેલિંગના કારણે બવ થાક લાગ્યો છે. અને ઊંઘ પણ બવ આવે છે. ચાલને સુઈ જઈએ.”
સંદીપે પોતાનાં પેટ પર હાથ ફેરવી ખડખડાટ હસતાં કહ્યું,“અરે આન્ટીએ એટલું પ્રેમથી ખવડાવ્યું કે મારે તો આ ચહેલકદમી જ કરવાની રહી, આ ભાવ ભરેલા ભોજનને પચાવતાં વાર લાગે દોસ્ત”
“હા તો હું સુઈ જવ છું. તું મારા જ રૂમમાં આવીને સુઈ જઈશ કે?”
“હા ભાઈ, તું સુઈ જા હું પણ ઘરે કોલ કરી લવ મમ્મીને ઘરે વાત કરીને થોડીવાર પછી આવીશ.”
અનંત પોતાના રૂમ તરફ ચાલ્યો. અને સંદીપે પોતાનો ફોન કાઢી અને નંબર ડાયલ કરી સામે ફોન રીસીવ થવાની રાહ જોવા લાગ્યો.
ફોન રીસીવ થતાં જ આજુબાજુ ચાંપતી નજરે જોઇને જાણે કોઈ સાંભળી ન લે એમ ધીમા સ્વરે કહ્યું, કેમ આટલી વાર લાગી કોલ રીસીવ કરવામાં ? ક્યાં હતી?”
સામેથી એક યુવતીનો અવાજ સંભળાયો, “ અરે બેબી સોરી, ફોન ચાર્જમાં હતો.”
“હા ઓકે, તને ખ્યાલ છે ને બધું પ્લાન મુજબ જ થવું જોઈએ. હું અને અનંત અમદાવાદ આવશું ત્યારે તને જાણ કરીશ અને હા સામેથી કોલ કે મેસેજ કઈ જ નહી. હું નથી ઈચ્છતો કે એક નાનકડી ભૂલના કારણે મારું બધું પ્લાન ચોપટ થાય.”
“ડોન્ટ વરી, હું ખ્યાલ રાખીશ.”
“ગૂડ ગર્લ, ચાલ અત્યારે વધુ વાત કરીને કોઈ રિસ્ક નથી લેવું મારે”
“ઓકે, ટેક કેર”
“યુ ટુ ડીયર” સંદીપે કોલ કટ કરી ફોન ખિસ્સામાં મૂકી એક ગુઢ હાસ્ય સાથે અનંતના રૂમ તરફ ચાલ્યો.



ક્રમશઃ

સંદીપ શું પ્લાન બનાવી રહ્યો હતો?
કોણ હતી એ યુવતી?
શું સંદીપ અનંત માટે રચી રહ્યો હતો કોઈ સાજીશ? શા માટે?

જાણવા માટે વાંચતા રહો “અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન”
આપના પ્રતિભાવો ચોક્કસ આપશો.
તેમજ મારી અન્ય એક નવલકથા “પ્રેમ કે પ્રતિશોધ” માતૃભારતી પર અવશ્ય વાંચશો.
“સચેત”