Apradh - 6 in Gujarati Novel Episodes by Vijay Shihora books and stories PDF | અપરાધ - 6 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ - 6 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ- 6

(આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં અનંત પર તેના જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.)

હવે આગળ...

બરાબર પોલીસ સ્ટેશન પાસે આવીને જીપ ઉભી રહી. કોન્સ્ટેબલ જાની અને દિવાકરે અનંતને નીચે ઉતાર્યો. તેના હાથમાં હાથકડી પહેરાવેલી હતી. અનંત તો હજી આ એક અત્યંત ખરાબ સ્વપ્ન છે કે પછી હકીકત એ જ નહોતો સમજી શક્યો. પોલીસ સ્ટેશન બહાર મોટી માત્રામાં ભીડ જમા હતી. આખા વડોદરા શહેરમાં આ સનસની ખેઝ સમાચાર પહોંચાડવા માટે તમામ ન્યૂઝ ચેનલના રિપોર્ટર્સ પોતપોતાના કેમેરામેન સાથે હાજર હતા. રાકેશભાઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેથી આ સમાચારથી ઘણાને આઘાત લાગ્યો હતો. અને હકીકત જાણવા માટે બધા પોલીસ સ્ટેશન આસપાસ જાણે કોઈ નેતાની રેલી હોય તેવો કાફલો સર્જાયો હતો. જેવો અનંતને નીચે ઉતાર્યો કે રિપોર્ટર્સ પ્રશ્નોની ઝડીઓ વરસાવતા તેની આગળ પાછળ ચાલવા લાગ્યા.
"તમે તમારા પિતાનું ખૂન શા માટે કર્યું? સંપતિની લાલચ એટલી વધી કે તમે તમારા જ હાથે તમારા પિતાને મોતને ઘાટ ઉતાર્યા? આ ક્રૂર કાર્ય કરતી વખતે તમારા હાથના ધ્રુજયા? તેમના જન્મ દિવસની જ રાત્રે શા માટે તેમને પરલોકના દ્વાર બતાવ્યા? આવા તો કેટલાય પ્રશ્નો અનંતને તીરની જેમ ખૂંચવા લાગ્યા. જેમતેમ કરી ધકા-મૂકી માંથી બહાર કાઢી અનંતને પોલીસ સ્ટેશન અંદર લઈ જવામાં આવ્યો.

પોલીસ સ્ટેશનમાં અંદર પ્રવેશતા જ અનંતે જોયું કે એક બાજુ લાઈનમાં ત્રણ વ્યક્તિઓ એક બીજાને આશ્વાસન આપી રહ્યા હતા. અનંતના મમ્મી સવિતાબેન, સંજના અને સંદીપ.

અનંતને હાથકડી પહેરેલ અવસ્થામાં અંદર આવતો જોઈને તેના મમ્મી સીધા તેની તરફ ચાલ્યા.
“મ..મ..મી.."આટલા શબ્દો તો માંડ એના મુખમાંથી બહાર આવ્યાને તેના ગળે ડૂમો ભરાઈ આવ્યો. આટલી વારથી અંદર દબાયેલી બધી પીડા બહાર આવી હોય તેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેના મમ્મી પણ આક્રંદ રુદન કરવા લાગ્યા. ત્યાં તો સંજના અને સંદીપ પણ તેમની પાસે આવીને તેમને આશ્વાસન આપવા લાગ્યા. ગાયકવાડે જાની સામે જોઈને ઇશારો કર્યો જેથી જાનીએ અનંતને સવિતાબેનથી અળગો કરી જેલમાં અંદર કેદ કરવામાં આવ્યો.
સંદીપ, સંજના અને અનંતના મમ્મી બધા જ અનંત સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. ખુદ અનંતને પણ મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવતા હતા પરતું અત્યારે બધું જ એની સમજથી પરે થઈ રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું.
“ઇન્સ્પેકટર મારો દીકરો ક્યારેય તેના પપ્પા સામે ઊંચા અવાજે વાત નહોતો કરતો. એ પોતના જ પિતાની હત્યા કરે તેવું શક્ય જ નથી.” સવિતાબેને કહ્યું.
ગાયકવાડે અંત્યત ધીરજપૂર્વક પ્રત્યુતર આપતાં કહ્યું,“તમારી લાગણીઓ અમે સમજી શકીએ મેમ, પરતું અમારું કામ લાગણીઓમા વહેવાનું નથી.”
અત્યાર સુધી શાંત ઉભેલા સંદીપે તેનું મૌન તોડતાં કહ્યું,“મારા મિત્રને નક્કી કોઈએ ફસાવ્યો હશે !”
“તમે અનંતના મિત્ર સંદીપ, રાઈટ?”ગાયકવાડે સંદીપનું એક નજરે અવલોકન કરતાં કહ્યું.
“જી હા સર.. હું સંદીપ. અમે કોલેજ ટાઇમથી એકબીજાને ઓળખીએ. અંનત સ્વપ્નમાં પણ અંકલનું ખોટું ના વિચારી શકે”
“પણ હકીકતમાં હત્યા તો થઈ છે. મિ.સંદીપ અને અમે કોઈ વ્યક્તિને એમ જ તો ન પકડીએ. પૂરતા સબૂતો સાથે તમારા મિત્ર ઝડપાયા છે.”
અનંતે ગમગીન સ્વરે કહ્યું,“મેં મારા પપ્પાનું ખૂન નથી કર્યું સર..અરે મને તો એ પણ ખબર નથી કે હું અમારા ફાર્મહાઉસ પર કેમ પહોચ્યો.”
“એક વખત પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવશે એટલે બધું સાફ થઈ જશે...અને પછી અમે બધું યાદ અપાવીશું..” દિલાવરે અનંતને ઉદ્દેશીને કહ્યું.
“સર, અંનત તેના પપ્પાને અગ્નિ સંસ્કાર આપવા...”સવિતાબેન આટલું બોલી અટકી ગયા.
“એક વખત પી.એમ. રીપોર્ટ થઈ જાય પછી આપને ડેડ બોડી સોંપી દેવામાં આવશે. અને અનંતને કાલે સવારે રાકેશભાઈની અંતિમ ક્રિયામાં લઈ જવા માટે તમારે કોર્ટમાંથી પરવાનગી મેળવવી પડશે અને અત્યારે અમે કોઈને અનંતને મળવા નહી દઈએ માટે તમે બધા ઘરે જઈ શકો છો.”ગાયકવાડે થોડા કડક સ્વરે કહ્યું.


*****

સંજનાએ સાંજે ઘરે જઇને એનજીઓમાં થયેલ વાતચીત વિશે પોતાના ભાઈ અને મમ્મીને વાત કરી. અને સવારે કોલેજ જઈ અંનત અને સંદીપને મળીને જ આભાર વ્યક્ત કરવાનું મનોમન નક્કી કર્યું.
બીજા દિવસે સવારે કોલેજમાં રાબેતા મુજબ વિદ્યાર્થીઓની ચહેલ-પહેલ ચાલુ હતી. સંદીપ અને અનંત કોલેજ પહોચ્યાં. અનંત પાસે મોંઘીદાટ ગાડીઓનું કલેક્શન હતું પણ બંને મિત્રો કોલેજ સદીપની બાઈક લઈને જ જતા. નિત્યક્રમ અનુસાર સંદીપે બાઈક પાર્ક કરી બંને મિત્રો મેઈન બિલ્ડીંગ તરફ ધીમે ધીમે જઈ રહ્યા હતા. અચાનક સંદીપની નજર સામે ઉભેલી સંજના પર પડી.

“જો તો તે સંજના જ છે ને?”સંદીપે અનંતને ઉદ્દેશીને કહ્યું.
“લાગે છે તેનું એડમીશન થઈ ગયું હશે.”અનંતે અનુમાન લગાવતાં કહ્યું.
બંને વાત કરતાં કરતાં સંજના પાસે પહોચ્યાં ત્યાં સંજનાએ જ સસ્મિત બંને સામે જોઇને કહ્યું, “ હેય ગાયઝ્! થેન્ક યુ એન્ડ લાસ્ટ મેં થોડી રુડલી વાત કરી એ બદલ સોરી !”
“ઓહ, મતલબ એડમીશન માટે હેલ્પ મળી ગઈ?”સંદીપે પ્રત્યુતર સ્વરૂપે સામે પ્રશ્ન પૂછતા કહ્યું.
“ના, હજી તો નહી. બટ હોપ કે મળી જશે.”
“તો આજે કોલેજ આવવાનું કારણ?”સંદીપના પ્રશ્નો ચાલુ જ હતા.
સંજનાએ અનંત સામે જોઇને કહ્યું, “તમારા આ મિત્ર હંમેશા પ્રશ્નો જ પૂછતા રહે છે. મે લાસ્ટ જે રીતે તમારી જોડે વાત કરી એ બદલ માફી માગવાની ઈચ્છા થઈ. અને તમારા કારણે એનજીઓનું તાત્કાલિક સંપર્ક થયું એ બદલ થેન્ક્સ કહેવાની પણ ઈચ્છા થઈ. સો મને એમ કે રૂબુરુ જ જઈ આવું.”
“ઓહ સરસ, ચાલો અમારો ક્લાસનો સમય થઈ ગયો..ફરી મળીશું”સંદીપે રિસ્ટ વોચમાં સમય જોતાં કહ્યું.
“ઓકે, બાય”આટલું કહી સંજના તેના ઘરે જવા માટે ત્યાંથી નીકળી ગઈ.
સંદીપે ગેટ તરફ જતી સંજનાને જોઇને ધીમેથી અનંતને કહ્યું,“આ તો આટલી જલ્દી થેન્ક યુ કહેવા પણ આવી ગઈ.. લાગે છે વધુ મહેનત નહી કરવી પડે.”
“તું નહી સુધરે ક્યારેય....ચાલ હવે..”
બંને મિત્રો તેમના ક્લાસ તરફ આગળ વધ્યા.

સંજનાને એનજીઓની મદદ મળશે કે નહી? શું અનંતે પોતાના પિતાની હત્યા કરી હશે? શું થયું આટલા વર્ષોની વચ્ચે?
જાણવા માટે વાંચતા રહો અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન……

આપના પ્રતિભાવો ચોક્કસ આપશો.
આ સિવાય મારી અન્ય એક નવલકથા પ્રેમ કે પ્રતિશોધ પણ ચોક્કસ વાંચશો.