Apradh - 8 books and stories free download online pdf in Gujarati

અપરાધ. - 8 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-8

(કદાચ કોઈ વાંચકમિત્રને વચ્ચે પ્રશ્ન થતો હોય તો નિરાકરણ માટે જણાવું છું કે આ નવલકથા બે ટાઇમલાઈનમાં એક સાથે ચાલી રહી છે આગળ જતા બંને મિક્ષ થઈ જશે તેની ખાસ નોંધ લેવી. આગળના ભાગને વાંચકમિત્રોએ જે સહકાર આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર)
(આગળ જોયું કે ગાયકવાડ અને નાયક અનંતની પુછપરછ કરી રહ્યા હતા. ત્યારે આગળ જણાવ્યું તેમ બીજા દ્રશ્યમાં સંજનાને એડમીશન મળી જતા. કોલેજ જોઈન કરે છે. ત્યાં સંદીપ અને અંનત સાથે થોડી વાતચીત કરે છે. અને તેમના મિત્રોનો પરિચય મેળવે છે.)

હવે આગળ......

અનંત, સંદીપ, સંજના વગેરે લોકોનું હવે એક ગ્રૂપ બની ગયું હતું. જે રોજ બ્રેકના સમયે કેન્ટીનમાં જ બેસતાં. ધીમે ધીમે બધા એકબીજા વિશે બધું જાણતાં થયા હતા.
એક દિવસ કોલેજથી છૂટીને સંદીપ પાર્કિંગમાં બાઇક લેવા ગયો ત્યારે અનંત તેની રાહ જોઈ રહ્યો હતો. અને સંજના પણ ત્યાં જ ઉભી હતી.

“હમણાં કંઈક વિચારોમાં ખોવાયેલી હોય એવું લાગે છે. ઓલ ઓકે ને?" સંજનાને વિચારમગ્ન ઊભેલી જોઈ અનંતે પૂછ્યું.
“હાસ્તો, મને વળી શું પ્રોબ્લેમ હોય!" સંજનાએ જવાબ આપ્યો.
“અરે યાર! મને એવું લાગ્યું એટલે જ કહ્યું, કઈ પણ પ્રશ્ન હોય તો કહેજે."
“બીજું કંઈ ખાસ તો નહીં પણ.."
સંજના કદાચ વાત કરવામાં ખચકાટ અનુભવતી હશે એમ સમજી અનંતે પૂછ્યું, “પણ શું સંજના, કહીશ હવે?"
“ભાઈની સ્ટડી સાથે મારી સ્ટડી અને ઘર બધું મેનેજ કરવું થોડું અઘરું લાગે છે. હું વિચારું છું કે ક્યાંય પાર્ટ ટાઈમ જોબ શોધીને બધું મેનેજ કરી શકાય ને?"
“હા ચોક્કસ, તો એમાં આટલું બધું વિચારવા જેવું શું છે?"
“ટાઈમ મેનેજમેન્ટ થાય એ રીતે જોબ શોધવી થોડી મુશ્કેલ છે."સંજનાએ કહ્યું.

"થઈ જશે બધું અને મને એવી કોઈ જોબ વિશે જાણકારી મળશે એટલે તને કહીશ. એમાં એટલી બધી ચિંતા કરવાની ન હોય."
સામેથી રોડ પર રીક્ષા એ તરફ આવતી દેખાઈ એટલે સંજનાએ કહ્યું, “આઈ હોપ કે જલ્દી મળી જાય, સારું ચલો બાઈ."
“બાઈ, હું તપાસ કરીશ ક્યાંક"
સંજના ત્યાંથી નીકળી પછી થોડીવાર બાદ સંદીપ બાઇક લઈને ગેટ પાસે બહાર આવ્યો.
અનંતે પૂછ્યું,“પાર્કિંગમાં બાઈક બનાવવા ગયો હતો?"
"ના ના, બાઈક તો ત્યાં જ હતી. પણ આ બીજા કોઈને એટલી ભાન ન હોય કે આપણી બાઈક એ રીતે પાર્ક કરીએ કે આગળ મુકેલી આસાનીથી નીકળી શકે. બે-ત્રણ બીજી બાઈક હટાવવી પડી, ત્યારે ચક્રવ્યૂહમાંથી બહાર આવ્યો એમ લાગ્યું."
અનંતે બાઈક પર બેસતા કહ્યું, “એ બસ બસ, હવે કલાક એક કથા નથી સાંભળવી મારે!"
કોલેજથી બંને મિત્રો રૂમ તરફ જવા નીકળ્યા.
બંને સાંજે જમીને ટેરેસ પર બેસતા. તેમનું આ નિત્યક્રમ હતું.
વાત વાતમાં અચાનક અનંતને સંજના જોડે થયેલ વાત યાદ આવતાં કહ્યું, “સંજનાને પાર્ટ ટાઈમ જોબ કરવી છે."
સંદીપની આદત હતી કે નાની નાની વાતોમાં પણ મજાક-મસ્તી આવી જ જાય. તેથી એણે કહ્યું, “વાહ, તો આ બધું તમને કેમ કહે છે?"
“અરે યાર! એ ચિંતામાં લાગી થોડી તો મેં પૂછ્યું એટલે મને કહ્યું એમાં શું આભ તૂટી પડ્યું વળી?"
સંદીપે ફરી એના જ હસમુખીયા અંદાજમાં કહ્યું, "ના આભ તો ઉપર જો બરાબર જ છે. પણ જસ્ટ કહું છું કે, તને કહ્યું એટલે સારું જ ને, આજે જોબનું કહ્યું, કાલે બીજું, પરમદિવસે ત્રીજું."
“તારે બસ એક પોઇન્ટ જ જોઈએને શરૂ થવા માટે?"

“તો જોબ શોધવામાં હેલ્પ કરવાની છે ને?"
અનંતે પણ પ્રત્યુત્તરમાં કહ્યું, “ના ના એને એક નવી કંપનીની બોસ બનાવવાની છે. અરે જો ક્યાંય સારી જોબ ધ્યાનમાં હોય તો કહીશું બીજું શું!"

“બીજું તો તમને ખબર, પણ જોબ આઈ થિંક મારા ધ્યાનમાં એક ખરી"
“ક્યાં છે?"
“અરે એનજીઓમાં જ! કાલે જ અંકલનો કોલ હતોને? કંઈક કમ્પ્યુટર ઓપરેટરનું કહેતા હતા. બધી એનજીઓની માહિતી વગેરે કંઈક એના માટે એક ઓપરેટરની જરૂર છે."

“ગુડ, તો એને કહીએ ત્યાં જ કદાચ પાર્ટ ટાઈમ ચાલશે તેને."

“અરે કોલ કરીને અત્યારે જ કહી દે! ઉતાવળો તો એમ જ થાય છે."

“યાર તને દરેક વાતમાં તારી જેમ જ બધા લાગે ને? આમ તો પેલી વાત સાચી છે ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ', તને બધા તારા જેવા લાગવાના જ!"

“હવે કાલે કોલેજે વાત કરી લઈશું, અત્યારે હવે ઊંઘ આવે છે મને."સંદીપે બગાસું ખાતા ખાતા જ કહ્યું.

“સારું ચલો કાલની વાત કાલે કરશું."

બંને મિત્રો નીચે રૂમ તરફ ચાલ્યા.

*****

અનંતે આગળ વાત કરતા કહ્યું, “સર, સાંજે હું, મમ્મી, સંદીપ, સંજના અને બીજા મારા મિત્રો અમે બધાએ જ પાર્ટીની બધી જ તૈયારી કરી હતી. પપ્પાએ કેક કટ કર્યું અને પછી ડાન્સ, મ્યુઝિક વગેરે અને સાથે સાથે એક કોર્નર પર ડ્રીંક વગેરેની વ્યવસ્થા હતી. અમે બધા કોર્નર પાસે જ ઉભા હતા. બધા ખૂબ જ ખુશ હતા. ખાસ તો પપ્પા!" આટલું કહેતા અનંતની આંખો ભરાઈ આવી. પાણીનો ગ્લાસ એક શ્વાસે ગટકાવી, થોડો સ્વસ્થ થયો અને તેણે ફરી પોતાની વાત આગળ વધારી....


વધુ આવતાં અંકે...

શું અનંતે પોતાના પિતાની હત્યા કરી હશે? શું થયું આટલા વર્ષોની વચ્ચે?
જાણવા માટે વાંચતા રહો અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન……

આપના પ્રતિભાવો ચોક્કસ આપશો.
આ સિવાય મારી અન્ય એક નવલકથા પ્રેમ કે પ્રતિશોધ પણ ચોક્કસ વાંચશો.
‘સચેત’