Operation Cycle Season 2 - 21 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 21

ભાગ 21

અમદાવાદ, ગુજરાત

ગુજરાતમાં કાસમ નામક સ્લીપર સેલના સભ્યની ઓળખ છતી થયા બાદ રૉ ચીફ રાજવીર શેખાવત દ્વારા જે ઑપરેશન આરંભવામાં આવ્યું હતું એનું નામ એમને ઑપરેશન ચક્રવ્યૂહ રાખ્યું ત્યારે એમને સહેજ પણ અંદાજો નહોતો કે સાચેમાં મહાભારતના યુદ્ધમાં અભિમન્યુનો વધ કરવા ગુરુ દ્રોણાચાર્ય થકી રચવામાં આવેલા ચક્રવ્યૂહની માફક આ ઑપરેશન પણ સરળતાથી પૂર્ણ કરવું ખૂબ જ કપરું હતું.

પાકિસ્તાન અને ચીનમાં તો પોતાના દ્વારા મોકલવામાં આવેલા માધવ, નગમા, અર્જુન અને નાયકે ખૂબ જ ઉત્તમ રીતે પોતાનું કામ પૂર્ણ કર્યું હતું..એમાં પણ ચીનમાં ગયેલા અર્જુન અને નાયકે જે કર્યું એ તો સ્વપ્નમાં પણ શેખાવતે વિચાર્યું નહોતું..આમછતાં, ગુજરાતમાં પોતાને પહેલા જુહાપુરા, અમદાવાદ અને ત્યારબાદ કાલી તલાવડી ખાતે જે નિષ્ફળતા મળી હતી એને શેખાવતને અકળાવી મૂક્યા હતા.

અફઝલ પાશા અને એના તમામ સાગરીતો કાલી તલાવડીથી નીકળીને ક્યાં ગયા હોવા જોઈએ એનો કયાસ મેળવવાની સઘળી કોશિશો શેખાવતે કરી જોઈ પણ તેઓ કોઈ ચોક્કસ અનુમાન ના કરી શક્યા.

હવે આગળ જે કંઈપણ થવાનું હતું એને કોઈપણ ભોગે રોકવા પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક હતો એ સમજતા શેખાવતે પોતાની જોડે તમામ શક્તિઓને હવે મેદાને ઉતારવાનું મન બનાવી લીધું.

શેખાવતે સૌપ્રથમ આહુવાલીયાને કોલ કરી કાલી તલાવડી ખાતે જે કંઈપણ થયું એ અંગે જણાવ્યું. પોતાના ત્યાં હાજર ગગનસિંહ નામક એજન્ટે મોટી ભૂલ કરી હતી એવી કબૂલાત કરવામાં આહુવાલીયાએ કોઈ જાતની નાનમ ના અનુભવી. પોતે શેખાવતની શું મદદ કરી શકે એવો પ્રશ્ન જ્યારે આહુવાલીયાએ કર્યો ત્યારે શેખાવતે આહુવાલીયાને અમદાવાદ આવી જવા જણાવ્યું..ભારતમાં થતા આતંકવાદી હુમલાને રોકવાની જવાબદારી રૉની માફક કરતા આઈ.બીની પણ છે એમ કહી આહુવાલીયાએ તુરંત અમદાવાદ આવવાનો શેખાવતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

આહુવાલીયા સાથે વાત કર્યા બાદ શેખાવતે રૉ આઈ.ટી ટીમના હેડ એવા વેણુને પણ તાકીદે અમદાવાદ આવી જવા જણાવ્યું.

ચીનમાં ગયેલા અર્જુન અને નાયક..પાકિસ્તાન ગયેલા નગમા અને માધવ.. કાલી તલાવડી ખાતે નિષ્ફળતાનું મોં જોનારા કેવિન, રાજલ, અબ્બાસ ગનીવાલા, ગગનસિંહ..આઈબી ચીફ આહુવાલીયા અને રૉ આઈ.ટી હેડ રાજવીર શેખાવતની મદદે અમદાવાદ આવવા નીકળી ચૂક્યા તો હતા પણ એમાંથી કોઈને એ અંગે થોડી પણ જાણકારી નહોતી કે આગળ એમને કરવાનું શું છે.?

આમ છતાં બે એવી માહિતીઓ રાજવીર શેખાવતને નજીકમાં મળવાની હતી જે શક્યવત ઑપરેશન ચક્રવ્યૂહને એના ગંતવ્ય સ્થાને લઈ જવા સાર્થક બની શકે એમ હતી. નગમા અને માધવને મળેલી બલવિંદરની ડાયરીમાં લખેલો છૂપો ઈમેઈલ આઈડી અને સ્લીપર સેલના એક સભ્યનું નામ નવાઝ હોવું આ બંને વસ્તુઓ આગળ જતાં ખૂબ જ કારગર બનવાની હતી એ નક્કી હતું.

પણ, સૌથી મોટો પ્રશ્ન હતો કે એ બંને માહિતીઓનો ઉપયોગ કેમ અને કઈ રીતે કરવાનો છે એ અંગેની સમજ કોને અને ક્યારે આવે છે.?

************

રતનપુર, વડોદરા-કેલણપુર રોડ

નવાઝના રતનપુર પહોંચ્યાના દોઢેક કલાક બાદ અફઝલ પણ હેમખેમ રીતે ત્યાં આવી પહોંચ્યો. આતંકવાદી હુમલાની છેલ્લી તૈયારી જ્યાં કરવાની હતી એ સ્થળે સુખરૂપ પહોંચવાની ખુશી અફઝલના મુખ પર સાફ વર્તાતી હતી. જે રીતે અફઝલ નવાઝ જ્યાં પહોંચ્યો એ મકાનની અંદરની વસ્તુઓનો અભ્યાસ કરી રહ્યો હતો એ પરથી સાફ હતું કે એ અહીંયા પહેલા પણ આવી ચૂક્યો હતો.

"નવાઝ, અહીં કોઈ વસ્તુની કમી તો નથી ને..?" મકાનના હોલમાં ગોઠવેલા સોફા પર લંબાવતા અફઝલે નવાઝને ઉદ્દેશીને પૂછ્યું.

"ભાઈ, તમે જાતે જ્યાં બધી વ્યવસ્થા ગોઠવી હોય ત્યાં અગવડ શેની? અને અલ્લાહને ઘરે જનારાને ક્યાં સગવડોની જરૂર હોય છે?" નવાઝ અફઝલની ખુશામત કરતા બોલ્યો.

"અને આમપણ જન્નતમાં તો બોત્તેર હૂરો સાથે લીલાલહેર જ થવાના." મુખ પર મોટી સ્મિત સાથે ચાનો કપ અને નાસ્તાની પ્લેટમાં ખારી લઈને હોલમાં આવેલો સૈયદ બોલ્યો.

પોતાની સામે મૂકેલી ત્રિપાઈ પર ચા-નાસ્તો મૂકવાનો સૈયદને આંખોથી ઈશારો કરીને અફઝલ હસીને બોલ્યો.

"એ તો પાકું છે...કે બોત્તેર હૂરો મળશે. પણ, શું આટલી બધી હૂરો સામે તું ટક્કર લઈ શકીશ..?

"ભાઈજાન, બંદૂકને કાટ નથી લાગ્યો હજુ..વચ્ચે-વચ્ચે સમારકામ કરતો રહું છું." દ્વિઅર્થી ભાષામાં સૈયદે કહેલી આ વાત સાંભળી નવાઝ અને અફઝલ બંને ખખડાટ હસી પડ્યા.

કકડીને ભૂખ લાગી હોવાથી અફઝલને ફટાફટ ચા-નાસ્તાને ન્યાય આપ્યો અને ત્યારબાદ ફ્રેશ થવા બાથરૂમમાં પ્રવેશ્યો. અફઝલના ત્યાં આવતા જ નવાઝ સાથે અહીં આવેલા તમામ આતંકીઓ આરામ ત્યજીને એક પછી એક હોલમાં આવી ચૂક્યા હતા. અહીં આવ્યા પછી મજાક-મસ્તી કરતા એ બધાના ચહેરા અફઝલની હાજરીના લીધે ગંભીર થઈ ચૂક્યા હતા.

"અસલ્લામ વાલેકુમ.." સ્નાન લઈને આવેલા અફઝલે હોલમાં મોજુદ પોતાના બાકીનાં સદસ્યોને ઉદ્દેશીને કહ્યું..જેના પ્રત્યુતરમાં એ બધાએ પણ વાલેકુમ અસલ્લામ કહ્યું.

એક પછી એક બધાના હાલચાલ પૂછીને અફઝલ નવાઝની જોડે સોફા પર ગોઠવાયો..કાળા રંગની પઠાણી અને ક્રીમ કલરની મોજડીમાં અફઝલ અત્યારે આકર્ષક લાગી રહ્યો હતો. એનો ચહેરો સાઉથ ઈન્ડિયન મુવીના એક્ટર કિચ્ચા સુદીપને મળતો આવતો હતો અને સાથે એનું સુદઢ શરીર એના ચહેરાને વધુ નિખારવાનું કામ કરતું.

"વસીમ હજુસુધી કેમ નથી આવ્યો?" નવાઝ ભણી જોઈ અફઝલે પૂછ્યું.

"ભાઈજાન, અહીં પહોંચતા મેં તમારી સાથે એને પણ કોલ કરીને અમારા અહીં હેમખેમ પહોંચવાની ખબર આપી દીધી હતી." નવાઝે કહ્યું. "પણ, એ લાંબો રસ્તો લઈને આવે છે તો શક્યવત એને મોડું થશે."

"સારું, ત્યારે એ આવે પછી જ તમને એ વસ્તુ બતાવું જેની પર આપણા મિશનની સફળતાનો સઘળો મદાર રહેલો છે." અફલઝના આ શબ્દો સાંભળી ત્યાં મોજુદ તમામ આતંકીઓનાં ચહેરા પર વિસ્મય તરી આવ્યું.

"શું એ હથિયાર અહીં છે..?" નવાઝે પૂછેલા આ સવાલનો અર્થ એ હતો કે અફઝલ જે હથિયારની વાત કરી રહ્યો હતો એ અંગે નવાઝ અને બાકીના સાથીદારો જાણતા હતા.

"હા, એ ગ્રીન ડ્રેગન નામક હથિયાર અહીં જ છે." અફઝલે આટલું કહી પોતાના ખિસ્સામાંથી સિગરેટ કેસ નીકાળી એમાંથી એક સિગરેટ મોંઢામાં રાખી, સિગરેટનો એક ઊંડો કસ ભર્યો અને પોતાની વાત આગળ ધપાવતા કહ્યું.

"ચીની સરકારના હુકમથી જિયોન્ગ લોન્ગે જે અદ્યતન હથિયાર બનાવડાવ્યું હતું એ અલગ-અલગ રસ્તે, અલગ-અલગ ભાગમાં ગુજરાત સુધી આવ્યું હતું..જેને મેં એક-એક કરીને અહીં લાવવાની તુરંત વ્યવસ્થા કરી હતી."

"આ બધા પાર્ટ્સને એક કરવાનો વીડિયો મને લોન્ગના ભાઈ લીએ મોકલાવ્યો હતો..જેનાં પરથી મેં એ પાર્ટ્સ એકઠા કરીને ગ્રીન ડ્રેગનને એના મૂળ આકારમાં લાવી દીધું."

વીડિયો હોવા છતાં એક અદ્યતન શસ્ત્રના વિવિધ પાર્ટ્સને ગોઠવીને એને મૂળ હથિયાર સ્વરૂપમાં લાવવાનું કામ કંઈ સરળ નહોતું..આથી જ જ્યારે અફઝલે આ અંગે જણાવ્યું ત્યારે ત્યાં હાજર આતંકવાદીઓના મોં ખુલ્લા જ રહી ગયા.

"એ હથિયાર એકસાથે હજારો લોકોનો જીવ લઈ શકે એમ છે એવું તમારું કહેવું છે ત્યારે તો એ હથિયાર જોવું જ રહ્યું." સૈયદે કહેલ આ શબ્દો ત્યાં હાજર દરેકના મનમાં ઘુમતા હતા.

"જીવ હજારોના લેશે અને એની અસર લાખો લોકોને થશે..!" આટલું બોલતા જ અફઝલના મુખ પર રાક્ષસી સ્મિત દોડી આવ્યું.

વસીમ અને બાકીના આતંકવાદીઓ ત્યાં આવે પછી જ એ હથિયારના દર્શન કરાવવામાં આવશે એવું કહી અફઝલ આંખો બંધ કરીને કંઈક ગહન મનોમંથન કરવા લાગ્યો. અફઝલ ઘણીવાર આવું જ કરતો હોવાથી કોઈને આમાં નવાઈ ના લાગી.

બીજો એક કલાક વીતી ગયો પણ વસીમ ત્યાં ના આવ્યો એટલે એની ચિંતા હવે નવાઝને સતાવવા લાગી..એ ઈચ્છે તો પણ વસીમ સાથે સંપર્ક કરી શકે એમ નહોતો..કેમકે, વસીમના જે મોબાઈલ નંબર પર એને અહીં આવ્યા બાદ સંપર્ક કર્યો હતો એ નંબરનું સીમકાર્ડ વસીમે એમની વાત થયા બાદ તુરંત તોડી નાંખ્યું હશે એ વાત નવાઝ જાણતો હતો.

વીતતી દરેક મિનિટ હવે કલાક સમી બની ચૂકી હતી..રસ્તામાં વસીમ અને એની સાથે હાજર બાકીનાં સ્લીપર સેલને કંઈ થયું તો નહીં હોયને? આ પ્રશ્ન નવાઝની સાથે અફઝલને પણ સતાવી રહ્યો હતો.

આ અંગે એ લોકો અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા ત્યાં નવાઝના કાને મકાનના પાછળના દરવાજા તરફ આગળ વધતા પગરવનો ધ્વનિ સંભળાયો..ચાર કરતા વધુ લોકોના આવવાનો આ પગરવ સાંભળી નવાઝના કાન સરવા થયા.

આ પગરવનો અવાજ સાંભળતા વસીમ સાથે નક્કી કંઈક અનહોની બની હશે એવા વિચારોમાં ડૂબેલા અફઝલ, નવાઝ અને એમની સાથે હાજર તમામ આતંકવાદીઓએ પોતપોતાના હથિયાર હાથમાં લઈ લીધા.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

Share

NEW REALESED