Operation Cycle Season 2 - 25 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 25

ભાગ 25

કમિશનર કચેરી, અમદાવાદ, ગુજરાત

પ્રથમ વેણુએ કાગળ પર મેઈલમાં મોજુદ ન્યુમેરિકલ કોડને ત્રણ ટુકડાઓમાં લખ્યો.

".9 .10 1 .10 ..1 5

.5 6

..1 .4 9 .10 ..5"

શેખાવત અને આહુવાલીયા ધ્યાનથી વેણુ જે કંઈપણ લખીને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો એ નિહાળી રહ્યા હતા. એક અભણ બુઝુર્ગ વ્યક્તિએ વેણુની આ કોયડો ઉકેલવામાં મદદ કરી હતી એવું વેણુએ જ્યારે કહ્યું ત્યારે એ અંગે પ્રશ્નોત્તરી કરવાનું બંને સિનિયર્સને મન તો થયું પણ અત્યારે એ જાણ્યા કરતા વેણુએ કઈ રીતે એ કોયડો ઉકેલી આંતકવાદી હુમલાનું સ્થળ શોધ્યું એ જાણવામાં એમને વધુ રસ હતો.

.9 .10 1 .10 ..1 5

"સર, આ દરેક લાઈન એક વર્ડને રિપ્રેઝન્ટ કરે છે." પ્રથમ લાઈનના આંકડા તરફ આંગળી કરી વેણુએ કહ્યું. આમાંનો દરેક ડોટ ન્યુમેરિકલ નંબર દસને દર્શાવે છે."

"એક સ્પેસ આપીને નંબરોને અલગ કરવામાં આવ્યા હતા..એ મુજબ આગળ વધીએ તો.."

.9

.10

1

.10

..1

અને 5; એમ છ ન્યુમેરિકલ નંબર બને."

વેણુની વાતને અને એ શું કહેવા માંગી રહ્યો હતો એને શેખાવત અને આહુવાલીયા ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા..અને સમજી રહ્યા હતા.

.9 એટલે 10+9 મતલબ 19 એ જ રીતે

.10 એટલે 20, 1 એટલે 1, ફરીથી .10 એટલે 20, ..1 એટલે 21 અને 5 મતલબ 5

આ રીતે પ્રથમ લાઈનના નંબરને ગોઠવીએ તો બને

19,20,1,20,21 અને 5.

 

"બરાબર.." વેણુની વાતને પોતે સમજી રહ્યા હોય એમ હુંકારો ભરતા શેખાવત અને આહુવાલીયા બોલ્યા.

પોતાના બંને સિનિયર પોતાની વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હોવાનું અનુભવતા વેણુએ પોતાની વાત આગળ ધપાવતા કહ્યું.

"હવે આપણે અંગ્રેજી આલ્ફાબેટને એમના ક્રમ મુજબ નંબર આપી દઈએ.." આટલું કહી વેણુએ કાગળ પર આખી ABCD લખી દીધી.

"A ને 1 ગણીએ..B ને 2...C ને ત્રણ અને આ રીતે આગળ વધતા Zને 26 લઈ શકાય."

"આપણે ડોટ અને નંબર પરથી જે ફૂલ નંબર ડિકોડ કર્યાં એને જો એમના નંબર મુજબનો એક-એક આલ્ફાબેટનો મૂળાક્ષર આપી દઈએ તો બને.."

"S..T..A..T..U..E"

"ઓહ માય ગોડ..." વેણુએ જે રીતે મેઈલમાં લખેલ ન્યુમેરિકલ કોડ ઉકેલી દીધો હતો એ જોઈ શેખાવતની આંખો પહોળી થઈ ગઈ અને મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું.

".5 અને 6 ને આ રીતે જોડીએ તો બને O..F" વેણુએ બીજી લાઈનના ન્યુમેરિકલ કોડને ઉકેલ્યો હતો ત્યાં આહુવાલીયા બોલી પડ્યા.

"ત્રીજો વર્ડ ડેફીનેટલી બનશે U..N..I..T..Y.."

"ફૂલ વર્ડ બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી..." શેખાવતના સ્વરમાં હવે થડકારો પ્રવેશી ચૂક્યો હતો. "ભારતના લોખંડી યુગપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું જ્યાં સ્મારક બનેલું છે..જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઊભી છે ત્યાં આતંકવાદીઓ હુમલો કરશે તો નક્કી આ હુમલો ભારતના સ્વમાનને ખંડિત કરનારો સાબિત થશે."

"આજે 29 ઓક્ટોબર છે અને આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાર દિવસ ચાલનારા પ્રદર્શનનું આયોજન થવા જઈ રહ્યું છે." આંચકાજનક માહિતી આપતા આહુવાલીયાએ કહ્યું. "ત્યાં લાખોની ભીડ આ દરમિયાન આવશે...જો આ સમયે કંઈક થશે તો નક્કી હજારો લોકોનો જીવ લેવાશે."

"કોલ ઓલ ધ ઑફિસર્સ એસ ફાસ્ટ એઝ પોસીબલ...આઈ નીડ ઓલ હિયર ઈન હાફ એન અવર." આટલું બોલતા જ શેખાવત પોતાનો મોબાઈલ નીકાળી કેવિનને કોલ કરવા લાગ્યા..આહુવાલીયા અને વેણુ પણ પોતપોતાની રીતે શક્ય એટલા ઑફિસર્સને ત્યાં બોલાવવાના પ્રયાસમાં લાગી ગયા.

ગુજરાતમાં થનારો આ આતંકવાદી હુમલો જો સફળ થશે તો આતંકવાદીઓ વર્ષો સુધી પોતાની આ સફળતાનું જશ્ન મનાવવાના હતા અને સમગ્ર ભારતવાસીઓ માતમ એ હકીકત હતું. આવું કોઈકાળે ના બને એના પ્રયત્નમાં લાગેલા રૉ, આઈબી, ગુજરાત પોલીસ અને એટીએસના બાહોશ અને જાંબાઝ કર્મચારીઓ સફળ થશે કે નહીં એ આગામી થોડા સમયમાં ખબર પડી જશે.

************

(દોસ્તો, અહીં જે ન્યુમેરિકલ નંબર ડિકોડ કરવાની, ઈમેઈલ આઈ.ડીમાંથી મળેલ ભેદી મેઈલ, ડાયરીમાંથી મેઈલ આઈડી મળવું.. આ બધી જ ઘટનાઓ સત્ય ઘટના સાથે સંબંધિત છે..અને સાચું કહું તો એ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ મને ઑપરેશન ચક્રવ્યૂહ નવલકથાનું સર્જન કરવાની પ્રેરણા મળી.

એ ઘટના અંગે સંક્ષિપ્તમાં જણાવું તો દિલ્હી સ્પેશિયલ સેલના એસીપી પ્રમોદ કુશવાહા સન.2002માં એક ઓફિશિયલ કામકાજ માટે કાશ્મીર જાય છે. કાશ્મીરમાં બી.એસ.એફના એક અધિકારી જોડેથી એમને એન્કાઉન્ટરમાં મૃત પામેલા એક આતંકવાદીની ડાયરી મળે છે; જેના છેલ્લા પાને એક મેઈલ આઈડી લખેલો હતો.એ સમયે દિલ્હી પર આતંકવાદી હુમલો થવાની ભીતિ હતી; કેમકે થોડા સમય પહેલા જ સંસદભવન પર આતંકવાદી હુમલો થઈ ચૂક્યો હતો.

આ મેઈલ આઈડી સંદિગ્ધ લાગતા પ્રમોદ કુશવાહા સ્પેશિયલ સેલના હેડ નીરજ કુમારને મળ્યા અને એમની સહાયતાથી એમને આ મેઈલ આઈડીને આઈટી ટીમ થકી ઓપન કરાવ્યું..જેમાં આપણી ઑપરેશન ચક્રવ્યૂહની માફક અમુક મેઈલ હતા જે આતંકવાદીઓ વચ્ચે ગર્ભિત સંદેશાવ્યવહાર તરફ આંગળી કરતા હતા..જ્યારે એક ઈન્ક્રીપ્ટેડ ન્યુમેરિકલ કોડ હતો, જે આતંકવાદી હુમલાના સ્થળ તરફ દિલ્હી આઈટી સેલને લઈ જવાનો હતો; પણ, એ માટે એ કોડ ઉકેલવો આવશ્યક હતો.

એ સમયે ભારતમાં એટલા આઈ.ટી તજજ્ઞો નહોતા કે આવો કોઈ કોડ એ લોકો ડિકોડ કરવામાં સમર્થ હોય. આથી આ કોડને ડિકોડ કરવા યુ.એસ મોકલવાનું નક્કી થયું. યુ.એસમાં આઈ.ટી તજજ્ઞોએ આ માટે મોટી ફી માંગી જે અંગે ચર્ચા કરવા અને વધુ મદદ માટે નીરજ કુમાર અને પ્રમોદ કુશવાહા  દિલ્હી પોલીસ કમિશનરને જઈને મળ્યા. કમિશનરે એમને મદદ કરવાની તો હામી ભરી પણ ઓફિશિયલી આટલી મોટી રકમ ચૂકવવાની પરમિશન મેળવવામાં ઘણો સમય નીકળી જશે એવું જ્યારે કમિશનર દ્વારા કહેવામાં આવ્યું ત્યારે હતાશ વદને પ્રમોદ કુશવાહા પોતાની ઓફિસે પાછા આવ્યા.

આતંકવાદીઓ નક્કી દિલ્હીમાં ક્યાંક હુમલો કરવાના હતા અને એ સ્થળ કયું છે એ જાણ્યા વિના પોતે એ હુમલો નહિ રોકે શકે એ વિચાર મનમાં આવતા કુશવાહા હેરાન-પરેશાન અને વ્યથિત હતા. આમ ને આમ થોડા દિવસ પસાર થઈ ગયા..પોતાને તપાસ કેટલે સુધી આવી એની માહિતી આપવા પોલીસ હેડક્વાર્ટર જવાનું હતું એ કારણથી તેઓ ચિંતિત હતા.

એવામાં એમનો એક સ્કૂલ સમયનો મિત્ર વિવેક ઠાકુર ત્યાં આવ્યો, વિવેક પોતે કોમ્યુટર એક્સપર્ટ હતો પણ થોડા સમયથી બેકાર હતો. કુશવાહા જોડે એને જ્યારે વાતચીત કરી ત્યારે એને લાગ્યું કે પોતાનો મિત્ર કોઈ ચિંતામાં છે..આ ચિંતાનું કારણ જ્યારે વિવેક ઠાકુરે જાણ્યું ત્યારે એને પ્રમોદ કુશવાહા જોડે એ કોડ માંગ્યો અને પોતે કોડને ડિકોડ કરવા બેસી ગયો.

થોડા કલાક વીત્યા એટલે પ્રમોદ કુશવાહાને પોલીસ હેડક્વાર્ટર જવાનું થયું..વિવેકે જોડે આવવાની જીદ કરી અને પ્રમોદ સાથે જીપમાં બેઠો. રસ્તામાં પણ વિવેક આ કોડ ડિકોડ કરવાની પળોજણમાં લાગેલો હતો. છેક પોલીસ હેડક્વાર્ટર આવી ગયું ત્યાં સુધી વિવેક એ કોડ ડિકોડ ના કરી શક્યો પણ જેવા જ એ અને પ્રમોદ કુશવાહા હેડક્વાર્ટરની સીડીઓ ચડતા હતા ત્યાં એ જોરથી ખુશીમાં આવીને બોલી પડ્યો.."મેં આ કોડ ડિકોડ કરી દીધો."

સંજોગોવશાત ભેટો થયેલા એક બેકાર મિત્રની મદદથી એ કોડ ઉકેલાયો જેને ભારતના આઈ.ટી તજજ્ઞો નહોતા ઊકેલી શક્યા. આ કોડ ઉકેલાતા જે સ્થળનું નામ સામે આવ્યું એ હતું દિલ્હી ગેટ. દિલ્હી સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસે સ્થળ માલુમ પડતા જ દિલ્હી ગેટને લશ્કરી છાવણીમાં ફેરવી દીધું..શહેરીજનોનો ત્યાં પ્રવેશ અટકાવી દીધો. પોલીસની આ ગતિવિધિઓથી આતંકવાદીઓ સમજી ગયા કે એમની યોજના અંગે પોલીસકર્મીઓ જાણી ગયા છે; અને આ જાણ્યા બાદ એમને હુમલો કરવાનો વિચાર પડતો મૂક્યો.

આમ એક પોલીસકર્મીની ધગશ અને સંજોગોવશાત મળેલી મિત્રની કોઠાસૂઝની મદદથી દિલ્હીમાં થનારો એક મોટો ટેરરિસ્ટ અટેક અટકી ગયો. હું આવા દિલેર અને દેશપ્રેમી પોલીસકર્મીઓ તથા ઈન્ડિયન આર્મીને અંતઃકરણની પ્રણામ કરું છું. સદાય એમની સુરક્ષા અને એમના પરિવારની ખુશહાલીની પ્રાર્થના કરું છું.)

**************

રતનપુર, વડોદરા-કેલણપુર હાઈવે

અકબર પાશાનો કોલ આવ્યા બાદ અફઝલ ધૂંધવાઈ ગયો હતો..ભારતીય ગુપ્તચર સંસ્થાઓની કાબેલિયત અંગે એ પૂર્ણતઃ વાકેફ હતો. મુંબઈ હુમલા બાદ જે રીતે ભારતમાં સુરક્ષાને લગતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી એમાં પોતે બાકોરું પાડવામાં સફળ તો થયો હતો પણ પોતે ધાર્યું નિશાન તાકી શકશે કે નહીં એ અંગે હજુપણ અફઝલ મૂંઝવણમાં હતો.

નક્કી આયોજન મુજબ એ લોકોને સરદાર પટેલ જન્મજયંતીના ત્રીજા દિવસે ત્રાટકવાનું હતું કેમકે એમને કરેલા સર્વે મુજબ ત્યાર પછીના ચાર દિવસ ખૂબ જ જનમેદની આ ભવ્ય સ્મારકની મુલાકાત લેતી હતી. જમાલપુર અને કાલી તલાવડીની ઘટના બાદ અફઝલે આ હુમલો બે દિવસ વહેલા એટલે કે સરદાર પટેલ જન્મજયંતીના દિવસે જ કરવાનું મન બનાવી લીધું હતું.

પોતે નક્કી દિવસે હુમલો કરવાનું આયોજન ઘડી રહ્યો હતો ત્યારે પોતાના ભાઈ અકબરના ફોને એને આયોજન વધુ બે દિવસ આગળ ખસેડવા મજબૂર કરી દીધો હતો. આવતીકાલ એટલે કે 29 ઓક્ટોબરે જ પોતે પોતાના સ્લીપર્સ સેલ તથા ચીની શસ્ત્ર ગ્રીન ડ્રેગન સાથે આતંકવાદી હુમલો કરી દેશે એવું નક્કી કરી અફઝલ પોતાના સ્થાનેથી ઉભો થયો અને રૂમમાંથી બહાર નીકળી ગયો.

પોતાના આરામ ફરમાવી રહેલા સાથીદારોને પોતાના બે દિવસ અગાઉ ટેરરિસ્ટ અટેક કરવાની માહિતી અને એ માટેનું કારણ જણાવવા અફઝલ જ્યારે બાકીના સ્લીપર્સ સેલના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એને સહેજ પણ અંદાજો નહોતો કે એમના હુમલાના સ્થળ અંગે ભારતીય ગુપ્તચર સંસ્થાઓને જાણકારી મળી ચૂકી હતી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)