Kavya Sangrah - 5 books and stories free download online pdf in Gujarati

કાવ્ય સંગ્રહ - 5

મોબાઈલના આ આધુનિક વોટ્સઅપ યુગમાં ક્યાં છે સમય કોઈની પાસે એકબીજાને ઘરે જવાનો...???અને એવા સમયમાં કોઈ ગમતી વ્યક્તિ અચાનક દરવાજે દસ્તક આપે ત્યારે વિસ્મયતા સાથે રોમે રોમમાં જે હાસ્ય છવાઈ જાય છે તે ક્ષણ અદ્ભૂત હોય છે. અને કોઈ ઓળખીતું પણ, અચાનક બારણે ટકોરા મારે ત્યારે ગમે છે....

" ત્યારે ગમે છે "
કોઈ બારણે ટકોરા મારે ત્યારે ગમે છે.
કોઈ ઉભું રાહ જોતું દેખાય ત્યારે ગમે છે.
ક્યાં છે સમય કોઈની પાસે...??
અટવાયા સૌ આ જીવનની ભાગદોડમાં..
વ્યસ્ત આ જીવનમાં કોઈ ફોન કરી પૂછે,
" કેમ છો ? " ત્યારે ગમે છે.
ક્યાં જાય છે એક-મેકના ઘરે કોઈ હવે...??
ક્યાં છે સમય કોઈની પાસે...!!
આમ, અચાનક રસ્તામાં કોઈ
ઓળખીતું મળી જાય ને મોં મલકાવી
જાય ત્યારે ગમે છે.
આમ,અચાનક
કોઈ બારણે ટકોરા મારે ત્યારે ગમે છે.

- જસ્મીના શાહ

વળાવી માતા-પિતાએ નિશ્ચિંત થઈ તારા આંગણે..
ઘણાં કોડ લઇ આવી હું તારા બારણે...
ગૂંથાયા હું અને તું એકમેકથી પ્રેમના તાંતણે..
ભૂલ થાય મારી તો કરજે મને માફ...
જીવીશું સુંદર જીવન આપણે બન્ને આજ...
તારા ને મારા હાથમાં છે આપણાં ઘરની લાજ..
મુશ્કેલીમાં પકડશું એકબીજાનો હાથ..
ન થાય કોઈ કોઈનું અહીં, પહેલે અને છેલ્લે..
બસ, આપણ બન્ને સાથ...

- જસ્મીન

" ગમતું કરીએ "

ચાલ, એકબીજાને ગમતું કરીએ,
ગુસ્સો છોડી થોડું નમતું કરીએ,
અમૂલ્ય આ માનવજીવન થોડું હસતું કરીએ.
ક્રોધ અને ધૃણાને છોડી થોડું ઘટતું કરીએ.
ભેદભાવ છોડી થોડું બનતું કરીએ.
આમ, અમથું જ કરીએ
પણ
એક બીજાને ગમતું કરીએ.
-જસ્મીના શાહ

" અજ્ઞાતની ખોજમાં..."

આ જીવન એક નાટકનો ભાગ છે.

બેસ્ટ રોલ પ્લે કરી, જાવું પેલે પાર છે.

જ્યાં બસ ફક્ત સુખ-શાંતિનો જ અહેસાસ છે.

હરેક મન અજ્ઞાતની ખોજમાં આજ છે....

સમજી શકો જો ખુદને તો બેડો પાર છે.

હું માત્ર આત્મા એ જ સાચું જ્ઞાન છે.

આત્મા થી પરમાત્મા સુધીનો રાહ_

એ જ સાચો રાહ છે.

- જસ્મીન

" કોણે આપ્યું "
વાવી'તી વસંત ફોરમ થઇને ઉગી,
આ પાનખરને સરનામું કોણે આપ્યું?
ખીલી'તી સંધ્યા રંગબેરંગી રંગોને લઇને,
કાળી રાત્રિને સરનામું કોણે આપ્યું?
આવી'તી નીંદર મધૂરા સપનાઓ લઇને,
આ સવારને સરનામું કોણે આપ્યું?
શીખ્યો હતો એકલા જિંદગી જીવતા..
આ યાદોને, સરનામું કોણે આપ્યું?
જીવ્યો ભૂતકાળને સહારે જિંદગી..
ભૂતકાળને ભૂલવાના સમ કેમ આપ્યા?
શબ્દો અધૂરા રહ્યા જ્યારે...
આ મૌનને વાચા કોણે આપી?
વાવી'તી વસંત ફોરમ થઇને ઉગી,
આ પાનખરને સરનામું કોણે આપ્યું?

~ જસ્મીન

" પ્રભુ તે કેવી કમાલ કરી...!! "

વગર પીંછીએ મેઘધનુષ બનાવી આકાશને રંગ્યું ને...
રંગબેરંગી ફૂલો બનાવી, તે મહીં ખૂશ્બુ ભરી
ફુલોને પણ ઝાકળથી ધોઇ,
પ્રભુ તે કેવી કમાલ કરી...!!
અંધારા પછી અજવાળું ને
અજવાળા પછી રાત ઘોર અંધારી કરી..
પ્રભુ તે કેવી કમાલ કરી...!!
જીવ-જંતુ બનાવ્યા, પશુ-પક્ષી બનાવ્યા
ચતુર ચારેકોર માણસને બનાવી..
અજોડ બેનમૂન ' મા ' ને ઘડી,
પ્રભુ તે કેવી કમાલ કરી...!!
ફેરવી સમગ્ર સૃષ્ટિ ઉપર જાદુઈ છડી,
પ્રભુ તે કેવી કમાલ કરી...!!

- જસ્મીના શાહ 'જસ્મીન'

" તારી ભીની યાદ.. "
જૂના એ સંસ્મરણો અને
તારી ભીની યાદ...છે મારી પાસે...!!
તારું નાહકનું ગુસ્સે થવું અને
મારું નિખાલસ હાસ્ય છે મારી પાસે...!!
તારું અમસ્તું જ ટોકવું અને
મને ખોટું લાગવું છે મારી પાસે...!!
તારું પ્રેમ ભર્યું નશીલું હાસ્ય અને
મારી પલકોમાં છૂપાયેલા આંસું છે મારી પાસે...!!
તું નથી તો કંઇ નંઇ, તારી ઘણીબધી યાદો
છે મારી પાસે...!!

- જસ્મીન