Asamanjas.... - 8 books and stories free download online pdf in Gujarati

અસમંજસ.... - 8 - અંતિમ ભાગ

આગળ આપણે જોયું કે કનકના ભાઈ નરેનને કનકના અતીતને જોડતી કડી મળતા બંને ભાઈબહેન વચ્ચે કેટલીક અનબંધ થઈ જાય છે અને કનક પોતાના નામના અર્થ વિશે પોતાની માતા નિર્મલાબેન સાથે વિચારવિમર્ષ કરે છે. હવે આગળ જેમાં કનક પોતાના અસમંજસમાંથી કઈ રીતે પસાર થઈ.

●●●

કેટલાક અંશે વિચારોના વમળમાં કનક ગૂંચવાઈ રહી ને એ અતીતના ચક્રથી બહાર આવી. અતીત યાદ કરતા કનકની આંખોમાં અશ્રુની મૌન ધારા વહી ગઈ. ફરી ફરીને કનક હતી ત્યાં ને ત્યાં જ આવીને અટકી. પોતાને હંમેશા સોનાની જેમ ઉજ્જવળ માનતી કનક પોતાને અચાનક વિષ માનતી થઈ ગઈ. તેના મનમાં એ જ વિચાર હતો કે ભાઈના સુખમાં પોતે ઝેર બનીને પ્રસરી ગઈ છે. ભાઈ બધી વાત ઘરમાં નહિ કરે ને મનમાં દુઃખી થશે. ઘરમાં કહે તો માબાપની ખુશીમાં પણ ગ્રહણ લાગશે એ ભય મનમાં ઘર કરી બેઠો છે.

કનક આ બધી મૂંઝવણોમાંથી નીકળવા એક ઉપાય વિચારે છે. એના મનમાં થયું કે જો પોતે લગ્ન કરી લેય તો આ મનોમંથન નહિ કરવું પડે. આમ પણ ઘણા સમયથી જગદીશભાઈ અને નિર્મલાબેન કનકને લગ્ન માટે પૂછતાં હતા. કનક પોતાની મંજૂરી આપી દે છે. પછી તો કેટલા દિવસનો બોજ જાણે ઉતરી ગયાનો હાશકારો લીધો. ફરી પોતાના વાંચનલેખનની પ્રક્રિયામાં પરોવાઈ ગઈ.

બીજા દિવસે પરીક્ષા માટે કનક તૌયર થઈને કોલેજ જવા નીકળે છે. વચ્ચે કાન્હાનું મંદિર આવતા તે ત્યાં પગે લાગવા જાય છે. પગે લાગીને બહાર આવી કે તેની સામે તેની સહેલી રિયા ઊભી હતી. કનકને મંદિરમાંથી આવતી જોઈ કહેવા લાગી...

" કનક..! તું હજી ભગવાન પર હજી વિશ્વાસ કરે છે..?" - ઝીણી આંખો કરીને નારાજગી દર્શાવતી રિયા કનકને પૂછે છે.

" ભગવાન પર ના કરું તો કોના પર કરું? તું જ કહે મને..." - વિશ્વાસની દ્રઢતાથી હળવા સ્મિત સાથે કનક જવાબ આપે છે.

" પણ કનક, તું જ વિચાર કરને. તને શું મળ્યું?" - રિયા કનકને શંકા સાથે પૂછે છે.

" કંઈક મળે તો જ ભગવાનને યાદ કરવાના એમ?" - આમ કહેતી કનક ચાલવા લાગી અને તેની સાથે રિયા પણ ચાલવા લાગી.

" તું તો કાન્હાને માને છે અને નક્ષિતને સાચો પ્રેમ કરે છે. તો કાન્હા તને તારો પ્રેમ કેમ નથી આપતા...?" - કનક સાથે ચાલતા ચાલતા પૂછે છે અને બંને વાતો કરતા કરતા કોલેજ તરફ જાય છે.

" પ્રેમ તો મારા કાન્હાને પણ નથી મળ્યો. તો શું એટલી નાની વાત માટે હું કાન્હા પરથી વિશ્વાસ ઉઠાવી લઉં..?"

" મને તો જરાય વિશ્વાસ નથી ભગવાન જેવીવસ્તુ પર..." - રિયા મોઢું મચકોડીને થોડી ઉદાસ થઈને વળતો ઉત્તર આપે છે.

" કેમ તને વિશ્વાસ નથી કહે જરા મને."

" તેં જેમ નક્ષિતને પ્રેમ કર્યો એમ મેં પણ કર્યો હતો આયુષને. રોજ એના માટે પ્રાર્થના કરતી પણ ભગવાને મારી વાત સાંભળી જ નહીં." - આટલું કહેતા રિયા રડી પડી.

" ઓહ..! પ્રેમ શીખવનાર પર જ વિશ્વાસ નથી..?" - અચંબિત થઈ કનક હસતા હસતા પૂછે છે.

" ના, પહેલા હતો હવે નથી."

" તું એક વાર વિશ્વાસ કરી તો જો, બધું સારું થઈ જશે."

" નય થાય કનક. તારા જેવી હિંમત નથી."

" એમાં હિંમતની શું વાત આવી.? પ્રેમ તો વિશ્વાસનો સંબંધ છે. "

" તારી બધી વાત સાચી કનક. પણ શું કરું આયુષ વગર નહિ રહી શકું."

" કંઈ કરવાની કોઈ જરૂર જ નથી ને. બસ તું પ્રાથના કર કે આયુષ જ્યાં રહે અને જેની પણ સાથે રહે બસ ખુશ રહે."

" હા."

" પછી જોજે તારા મનને એક અદ્દભુત ને અનેરો આનંદ અને સંતોષ મળશે."

" હમ્મ " - ટૂંકમાં ઉદગાર કરે છે.

" ચાલ હવે કોલેજ જવાનું છે. પરીક્ષા આપવી છે કે નહીં. " - રિયાને જરા હસાવવા પોતાના દુઃખને છુપાવી કનક હસતા મુખે કહે છે.

" હા ચાલ."

બંને કોલેજ જાય છે અને પરીક્ષા ખંડમાં બેસે છે અને પરીક્ષા આપે છે. કનક એક આત્મસંતોષ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે છે અને બીજી તરફ રિયા કંઈક વિચારોમાં મુંજાતી હતી જેથી તેનું ધ્યાન પરીક્ષા આપવામાં ખાસ હતું જ નહીં. પણ પરીક્ષા તો અપાઈ ગઈ એટલે બંનેને શાંતિ થઈ. છૂટીને બન્ને ફરી મળ્યા અને રિયાએ તરત વિદાય લીધી કેમ કે તેને એની બીજી બેનપણી સાથે જવાનું હતું. તેથી કનક એકલી જ ઘરે જવા નીકળી કે અડધા રસ્તામાં અચાનક જ નક્ષિત સાથે મુકલાત થઈ.

" કેમ છે કનક?" - નક્ષિત પૂછે છે.

" સારી છું. મારે તને એક વાત કરવી છે."

" હા બોલ ને. શું થયું ? "

" મેં મમ્મી પપ્પાને લગ્નની મંજુરી આપી દીધી છે. હવે કદાચ આપણે ક્યારેય નહિં મળીએ." - અવાજમાં દર્દ છુપાવતી કનક બોલી દે છે.

આ સાંભળતા જ નક્ષિત સ્તબ્ધ થઈ ગયો. પણ થોડીજ ક્ષણમાં ભાન આવ્યો.

" કોંગ્રેચ્યુલેશન..." - નક્ષિત પણ આંસુ છુપાવવાની કોશિશ કરે છે અને જરા હસીને શુભેચ્છા પાઠવે છે.

" કંઈ કહીશ નહિ..?"

" ના, બસ તું ખુશ રહેજે એટલે મને ચિંતા નહિ."

" ખબર નહિ ખુશ રહીશ કે નહીં પણ પરિવાર અને તારા ખાતર દુઃખી નહિ રહું."

" સારું. તારા પતિને ખુશ રાખજે અને પ્રેમથી આખી જિંદગી પસાર કરજો." - કનકને જાણે સલાહ આપતો હોય એમ કહે છે.

" પતિ તરીકે તને માંગ્યો હતો. બીજાને નહિ કે...." - આગળ બોલતા કનક અટકી જાય છે.

" હા જાણું છું. પણ જેની સાથે લગ્ન થાય એનામાં તું મને જ જોજે એટલે તને તારો પત્નીધર્મ નિભાવવો સરળ બની રહેશે."

" તું ખરેખર એટલા વિશાળ હૃદયનો છે કે તને ભૂલવું શક્ય નહિ બને. પણ હા મારા લીધે હવે કોઈને જ કંઈ તકલીફ નહિ થાય એની હું ખાતરી આપીશ."

" બસ આ જ આત્મવિશ્વાસ રાખજે અને જીવનમાં આગળ વધજે."

" હા." - કનકથી વધુ બોલી શકાયું નહિ.

" સારું ચાલ આવજે. ધ્યાન રાખજે તારું. કિસ્મતમાં હશે તો મળશું નહિતર આવતા જન્મારે તો મળીશું એ તો પાક્કું જ છે." - કનકને આશ્વાસન આપતા નક્ષિત વિદાય લે છે. કનક બસ નક્ષિતને જતા જોયા કરે છે.

બસ આ જ છેલ્લી યાદ, છેલ્લી વાત ને છેલ્લી મુલાકાત...

બન્ને હમેશા માટે અલગ થયા. પણ છતાં આજે ય બંને એકમેકના હ્ર્દયમાં ધબકતા હતા. કોષોની દુરી છતાં બંને વચ્ચે અંતર હતું જ નહીં. કનક મોક્ષ સાથે લગ્ન કરીને તેના સાસરે ચાલી ગઈ. આ બાજુ નક્ષિત પણ કનકની ખુશી માટે ઋક્ષાલી સાથે લગ્ન કરી લે છે. બન્ને પોતપોતાના પરિવારમાં આનંદથી રહેવા લાગ્યા. અને હૈયાના કોઈક ખૂણે એકબીજાને સાચવી રાખ્યા છે.

★સમાપ્ત★

સાચો પ્રેમ બલિદાન માંગે એમાં કોઈ નવાઈ નહિ. સાચા પ્રેમને તો માત્ર લાગણીની હૂંફ જ કાફી છે. ક્યારેક બને એવું કે બે વ્યક્તિ નજીક હોવા છતાં બંને વચ્ચે કોઈ ભાવ કે સંવેદના હોતી નથી. તો ક્યારેક એવું પણ બને કે હજારો વર્ષો અને હજારો માઈલો દૂર રહેવા છતાં બે વ્યક્તિના હૃદયની લાગણી એકબીજાને જોડી રાખે છે.

કનક પણ આવા જ અસમંજસમાંથી પ્રેમના વિશ્વાસ થકી નીકળી શકી. જીવનમાં આવા ઘણા પડાવ આવે છે જ્યાં પ્રેમ કે પરિવારમાંથી એકનું ચયન કરવાનું હોય ત્યારે એ પાત્ર શું કરશે એ પ્રશ્નમાં ઘેરાય છે. પ્રેમ માટે પરિવારને ન છોડતા પરિવાર માટે પ્રેમને છોડી દેનાર પર વિશ્વાસ ન મૂકે તો એ સમાજ કેવો? એ પરિવાર કેવો?... બસ ત્યારે આ અસમંજસમાંથી પસાર થઈને પણ વિશ્વાસ અને પ્રેમથી આગળ વધતા રહેવું એનું જ નામ 'જિંદગી...'

★ મારી રચનાને વાંચીને પ્રતિભાવ આપવા બદલ આપ સૌ વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.★

- પરમાર રોહિણી " રાહી "