Menka - Ek Paheli - 6 books and stories free download online pdf in Gujarati

મેનકા - એક પહેલી - 6





હિમાંશુ મેનકાના ઘરની બહાર કારની વિન્ડોમાથી મેનકાને જોતો હતો. મેનકા તેનાં રૂમની બારી પાસે ઉભી હતી. અચાનક જ મેનકાનુ ધ્યાન રોડ પર પડ્યું. એ સાથે જ તે બારી બંધ કરીને રૂમની અંદર જતી રહી.

મેનકાએ બારી બંધ કરી દીધી. એ જોઈને હિમાંશુનુ મોં લટકી ગયું. તે કાર લઈને પોતાની ઘરે જતો રહ્યો. તેનાં મનને ક્યાંય ચેન પડતું ન હતું.

મેનકા રૂમમાં જઈને બેડ પર બેસી ગઈ. એ સમયે તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. જેમાં હિમાંશુના બે મિસ્ડ કોલ હતાં. જે મેનકાએ અવગણી કાઢ્યાં. તેણે હિમાંશુને કોલ બેક કરવાની તસ્દી પણ નાં લીધી.

મેનકા કાલે કાર્તિકનો જન્મદિવસ હતો. એ માટેની તૈયારી કરવા લાગી. મેનકા કોલેજમાં હતી. ત્યારે તેણે જે રીતે કાર્તિકનો જન્મદિવસ ઉજવ્યો હતો. એ રીતે જ તે ફરી તેનો જન્મદિવસ ઉજવવા માંગતી હતી. જેની તેણે બધી તૈયારી પણ કરી લીધી હતી.

બીજી તરફ બધી વાતોથી અજાણ એવો કાર્તિક સ્વીટી સાથે મસ્તી કરી રહ્યો હતો. સ્વીટી સાથે રહીને કાર્તિક પણ એક નાનાં બાળક જેવો બની ગયો હતો. કાર્તિકને સ્વીટી સાથે રમતાં જોઈને કેતન ખૂબ જ ખુશ હતો. પણ તેનાં જ લીધે કાર્તિક મેનકાથી દૂર થઈ ગયો હતો. એ વાતનું કેતનને ભારોભાર દુઃખ હતું.

"કે.ટી. મેના ફલી ક્યાલે આવશે??" મેનકાના ગયાં પછી સ્વીટી રોજ સાતથી આઠ વખત કાર્તિકને આ સવાલ કરતી. સ્વીટીને કાર્તિક બરાબર બોલતાં નાં આવડતું. એટલે મેનકાના કહેવાથી સ્વીટી કાર્તિકને કે.ટી. કહીને બોલાવતી.

સ્વીટીનો સવાલ સાંભળીને કાર્તિક ઉંડા વિચારોમાં ખોવાઈ ગયો. તેને પણ મેનકાની રાહ હતી. પણ મેનકા ક્યારેક જ કાર્તિકને મળવાં આવતી. એ પણ ક્યારે આવતી. તેનું કાંઈ નક્કી નાં રહેતું. જેનાં લીધે કાર્તિક પાસે સ્વીટીને આપવા કોઈ જવાબ ન હતો.

"બેટા, એ તારાં માટે એક સરપ્રાઈઝ છે. પણ મેનકા ફરી જલ્દી આવશે." કાર્તિક અને સ્વીટીની વાત સાંભળી રહેલાં કેતને સ્વીટીને એક આશ બંધાવીને ચુપ કરાવી દીધી.

સ્વીટી તો ચુપ થઈ ગઈ. પણ કાર્તિકના વિચારોનો દોર ચાલું જ હતો. જ્યાં સુધી ફરી મેનકા તેની પાસે નાં આવી જાય, અને તેની લાઈફ પહેલાં જેવી નોર્મલ નાં થઈ જાય. ત્યાં સુધી કાર્તિકના એ વિચારોનો દોર બંધ થવો પણ મુશ્કેલ હતો.

એક તરફ કાર્તિક મેનકાના વિચારોમાં ખોવાયેલો હતો. તો બીજી તરફ હિતેશ પણ મેનકાના જ વિચારો કરી રહ્યો હતો. હિતેશે ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. પણ મેનકા જેવી છોકરી તેને ક્યાંય જોવા મળી ન હતી.

હિતેશ પણ કાર્તિકની જેમ મેનકાને દિલોજાનથી પ્રેમ કરતો હતો. પણ ફરક માત્ર એટલો જ હતો, કે કાર્તિકે મેનકાને પોતાનાં દિલની વાત કહી દીધી હતી. જ્યારે હિતેશ એ કરી શકતો ન હતો.

"તારી માસૂમ આંખો, તારો નાદાન સ્વભાવ...એ બધું હું કેવી રીતે અવગણી શકું?? તને મારાં દિલની વાત કહીને, હું તને કેવી રીતે દુઃખી કરી શકું??" હિતેશ મેનકાનો ફોટો હાથમાં રાખીને, એ ફોટા સાથે વાતો કરી રહ્યો હતો.

હિતેશ મેનકાને પ્રેમ કરતો હતો, ને માત્ર ને માત્ર તેની જ ખુશી માટે તે તેનાંથી બધી વાત છુપાવતો હતો. મેનકા હિતેશ માટે આમ તો એક પહેલી હતી. કારણ કે, મેનકા ક્યારેય કોઈ વાત પર કાંઈ રિએક્ટ જ નાં કરતી. વાત કોઈ પણ હોય. મેનકા તેની અલગ જ દુનિયામાં ખોવાયેલી રહેતી.

હિતેશ અમદાવાદમાં એકલો જ રહેતો. તેનું અમદાવાદમાં કોઈ જાણીતું ન હતું. હિતેશ જ્યારે ફિલ્મી દુનિયામાં નવો હતો. ત્યારે મેનકાએ જ હિતેશની મદદ કરી હતી. એ વાત હિતેશ ક્યારેય ભૂલી શકે એમ ન હતો. મેનકા હંમેશા બધાંની મદદ કરતી. એ વાતનાં લીધે જ હિતેશ મેનકાને પસંદ કરતો હતો. એ પસંદ પ્રેમમાં ક્યારે પરીણમી. તેની જાણ હિતેશને ખુદને ન હતી.

પહેલી નજરનો પ્રેમ, એક કાતિલ સ્માઈલ પર મોહી જવું, કોઈની સાદગી પર ફિદા થવું, કોઈની નાદાની ઉપર જાન ન્યોછાવર કરવી, કોઈની ખુશી પાછળ પાગલ બનવું, કોઈની એક ઝલક જોવાં તડપી ઉઠવું, પ્રેમનાં એવાં તો કેટલાંય પ્રકાર છે. હિતેશનો પ્રેમ પણ એમાંનો જ એક હતો. એ મેનકાના નાદાન સ્વભાવ પર પોતાનો જીવ આપવા પણ તૈયાર હતો.

હિતેશ મેનકાના ફોટાને જ છાતી સરસો ચાંપીને સૂઈ ગયો. તેનાં માટે મેનકા જ તેનું સર્વસ્વ હતી.



(ક્રમશઃ)