VEDH BHARAM - 40 in Gujarati Novel Episodes by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 40

વેધ ભરમ - 40

રિષભ ઘરમાં તલાસી લેતા લેતા જેવો રસોડામાં પહોંચ્યો એવો જ ચોંકી ગયો. રસોડામાંથી પાછળ વાડામાં જવાનો એક દરવાજો પડતો હતો અને આ દરવાજો એમજ અટકાવેલો હતો. દરવાજામાં ઘણા બધા પગલાની છાપ પડેલી હતી. ત્યાં આજુબાજુ એટલી ધુળ જમા નહોતી થઇ જેટલી આખા ઘરમાં હતી. આ જોઇ રિષભ ચોંકી ગયો અને દરવાજો ખોલી બહાર વાડામાં ગયો એ સાથે જ તેણે રાકેશને બુમ મારી કહ્યું “રાકેશ, પેલા માસીને બોલાવ. મને લાગે છે તે પણ આમા સામેલ છે.” આ સાંભળી રાકેશ રિષભ પાસે આવ્યો અને બોલ્યો “કેમ તુ એવુ શેના પરથી કહી શકે છે?”

“જો આ રસોડાનો દરવાજો ખુલ્લો હતો અને અહી ઘણા બધા પગલાની છાપો છે. અહી કોઇ રસોડામાંથી અંદર આવ જા કરે છે. મને લાગે છે તે બાજુવાળા માસીને ખબર છે.” રિષભે કહ્યું.

“અરે એવુ પણ હોઇ શકે ને બીજુ કોઇ આવ્યુ હોય જે આ માસીને પણ ના ખબર હોય.” રાકેશને લાગતુ હતુ કે રિષભ માસી પર ખોટો શક કરે છે.

“ના જે પણ આવ્યુ છે તે આ માસીના ઘર બાજુની દિવાલ કુદીને જ આવ્યુ છે. જો આ પાછળની દિવાલ તો કુદી શકાય એમ જ નથી. આ માસીના ઘર બાજુની દિવાલ જ એકદમ નીચી છે.” રિષભે રાકેશને બંને દિવાલ બતાવતા કહ્યું.

આ જોઇ રાકેશને પણ હવે રિષભની વાતમાં તથ્ય હોઇ એવુ લાગ્યુ એટલે તે દિવાલ કુદીને પેલા માસીને બોલાવવા ગયો. થોડીવારમાં તે માસી દિવાલની પેલી બાજુ પ્રગટ થયા એટલે રિષભે કહ્યું “માસી તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવુ પડશે.”

આ સાંભળી પેલા માસીના મોતિયા મરી ગયાં અને બોલ્યાં “મે શું ગુનો કર્યો છે કે મારે પોલીસ સ્ટેશન આવવુ પડે?”

“તમે અહીંથી આ ઘરમાં આવ્યા છો અને ઘરમાં ચોરી કરી છે.” રિષભે સીધો જ આક્ષેપ કર્યો.

આ સાંભળી પેલા માસી એકદમ ઢીલા થઇ ગયા અને બોલ્યા “અરે મે કોઇ ચોરી કરી નથી. હું તો આ ઘરમાં આવી જ નથી.”

“જો માસી સીધી રીતે જે હોય તે સાચુ બોલી દો. જો અમે તમને પોલીસ સ્ટેશન લઇ ગયા અને તમારા ઘરની તલાસી લીધી તો બધી જ સાચી હકીકત બહાર આવી જશે.” રિષભે ધમકી આપતા કહ્યું.

“મે કશુ કર્યુ નથી. મારા પર તો ફોન આવેલો એટલે એક જ વાર હું આ ઘરમાં આવેલી.” માસીએ ડરતા ડરતા કહ્યું.

“કોનો ફોન હતો? અને તેણે શું કહેલું.” રિષભે કડકાઇથી પૂછ્યું.

“કોનો ફોન હતો એ તો મને નથી ખબર પણ તેણે મને કહેલુ કે હું કાવ્યાની સંબંધી બોલુ છું. તમારે મારુ એક કામ કરવાનું છે. કાવ્યાના ઘરમાં એક ફોટો આલ્બમ અને બીજા ફોટોગ્રાફસ છે તે તમારે મને પહોંચાડવાના છે. હું તે ફોટોગ્રાફ્સ લેવા એક જ વાર આ ઘરમાં આવેલી.” માસીએ ડરતા ડરતા કહ્યું.

“તમે કોઇ અજાણી વ્યક્તિના કહેવા પર ઘરમાં ચોરી કરવા માટે તૈયાર થઇ ગયા એમ. શું તમે અમને મુરખ સમજો છો. જો સીધી રીતે સાચી વાત જણાવો નહીતર હવે બીજો મોકો નહીં આપુ.” રિષભે એકદમ ગુસ્સામાં કહ્યું. રિષભના હાવભાવ જોઇ પેલા માસીની હાલત એકદમ કફોડી થઇ ગઇ અને તે બોલ્યા “તે ફોન આવ્યો તે પહેલા હું અહીથી એક બે વસ્તુ લઇ ગયેલી. તે વાત તે સ્ત્રી જાણતી હતી. તેણે મને ફોન પર કહ્યું કે જો હું તેનુ આ કામ કરી દઇશ તો તે બધી વસ્તુ મારી પાસે જ રહેશે. નહીંતર તે પોલીસ ફરીયાદ કરી દેશે. આ વાત સાંભળી હું ડરી ગઇ અને મે તે ફોટો અને આલ્બમ આ ઘરમાંથી લઇ લીધેલો.”

“તે આલ્બમ હજુ તમારી પાસે જ છે?” રિષભે પૂછ્યું.

“ના ના તે તો મે મોકલાવી આપ્યો હતો.” માસીએ જવાબ આપતા કહ્યું.

“કઇ રીતે મોકલાવ્યો હતો?” રિષભ કોઇ પણ રીતે લીંક મેળવવા માંગતો હતો.

“અરે એ તો તેણે એક છોકરો મોકલ્યો હતો તે આવીને લઇ ગયો.” આ સાંભળી રિષભની રહી સહી આશા પણ પડી ભાંગી. છતા તેણે એક્વાર પ્રયત્ન કરતા પૂછ્યું “તે છોકરી કે સ્ત્રી વિશે તમે કંઇ પણ જાણતા હોય તો કહો.”

“ના મને તો એજ નવાઇ લાગે છે કે તેને કેમ ખબર પડેલી કે મે ઘરમાંથી વસ્તુ કાઢી છે?” આ સાંભળી રિષભે કહ્યું “એ તમને ઉલ્લુ બનાવી ગઇ.” અને પછી રિષભે રાકેશ સામે જોયુ એટલે રાકેશે તે માસીને ઘરમાં પાછા મોકલી દીધા. અને ફરીથી બંને તલાસી લેવા લાગ્યા ઘણી મહેનત કરી પણ કોઇ અગત્યની વસ્તુ મળી નહી. અંતે કંટાળીને તે લોકો બહાર નીકળ્યા. બહાર નીકળી રાકેશે કહ્યું “બોલ હવે શું કરવુ છે?”

“ચાલ ક્યાંક સારી બેસવાની જગ્યા પર લઇ લે બેસીને વાત કરીએ.” રિષભે કહ્યું.

આ સાંભળી રાજુએ બુલેટ સ્ટાર્ટ કર્યુ અને રિષભ તેની પાછળ બેસી ગયો. રાજુએ બાઇકને આવ્યા હતા તે રસ્તા પર જવા દીધુ અને થોડીવાર બાદ ભુતનાથ પાસે બહાઉદ્દીન કોલેજની સામે ચામુંડા લસ્સી સેંટર પર ઊભુ રાખ્યું. આ જોઇ રિષભ બોલ્યો “અરે યાર, આ શોપીંગ ખૂબ સરસ બન્યુ છે. અમે જ્યારે અહી કોલેજ કરતા ત્યારે તો અહીં કાગડા ઉડતા હતા. બંને શોપની બહાર મુકેલી ખુરશીમાં ગોઠવાયા એટલે રાકેશે બે સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપ્યો અને બોલ્યો “તને શુ લાગે છે. આ માસી કેટલુ સાચુ બોલે છે?”

“આ માસી સાચુ તો બોલતા હતા કેમકે તેના ઘરમાં આપણને એકપણ ફોટોગ્રાફ મળ્યો નથી.” રિષભે કહ્યું. અને પછી થોડુ રોકાઇને કહ્યું “આ સ્ત્રી કોણ હોઇ શકે? તેના વિશે માહિતી કઇ રીતે મળી શકે?”

તે હજુ આગળ બોલે ત્યાં લસ્સીનો ઓર્ડર આવી જતા બંને લસ્સી પીવા લાગ્યા.

“તુ એક કામ કર એકાદ દિવસમાં મને કાવ્યાના સગા સંબંધી વિશે જે પણ માહિતી મળે તે મેળવી આપ. એટલુ તો નક્કી છે કે તે કોઇ નજીકનું જ છે. અને હા પેલા માસીએ કાવ્યાની માસીની દિકરીનો ઉલ્લેખ કરે લો તેના વિશે પણ તપાસ કર.” ત્યારબાદ થોડીવાર આડા અવળી વાતો કરી બંને ત્યાંથી બહાર નીકળ્યા એટલે રિષભે કહ્યું “રાકેશ આજે હવે મારે અહીં જુનાગઢમાં મારા બધા મિત્રોને મળવુ છે. એટલે મારે એક બાઇકની જરુર છે. તુ મને તે વ્યવસ્થા કરી આપ.”

“અરે, આ બાઇક જ લઇ જાને મારી પાસે બીજુ બાઇક છે.”રાકેશે બુલેટની ચાવી રિષભ તરફ લંબાવતા કહ્યું.

“અરે, ના ભાઇ આ નહીં મારે તો કોઇ બીજુ બાઇક જોઇએ. આ તો બહુ ભારે છે.” રિષભે કહ્યું.

“ઓકે, તો ચાલ મારી પાસે બીજી બાઇક હોન્ડા સાઇન છે તે લઇલે.” રાકેશે કહ્યું.

“ઓકે ચાલ તે ચાલશે.” એમ કહી રિષભ રાકેશની પાછળ ગોઠવાઇ ગયો.

ત્યારબાદ બંને રાકેશના ઘરે ગયા અને પછી ત્યાંથી તેણે રાકેશનુ બાઇક લઇ લીધુ. બાઇક લઇ રિષભ સૌ પ્રથમ તે જ્યાં રહેતો તે સોસાયટીમાં ગયો. જો કે ઘર તો ઘણા વર્ષોથી બંધ હતુ એટલે ત્યાં તો જવાનુ ન હતુ પણ ઘરની આજુબાજુ જે મિત્રો હતા તેને મળવા માંગતો હતો. તે બાઇક લઇને તેની મધુરમ સોસાયટીના ખુણા પર આવેલ રીલાયેબલ મોબાઇલ શોપ પર ગયો. આ શોપ તેના મિત્ર નિમિશની હતી. નિમિશ પહેલા ટેલીફોન બુથ ચલાવતો પણ પછી તેનો જમાનો જતો રહ્યો એટલે તેણે મોબાઇલ શોપ ચાલુ કરી. રિષભને આવેલો જોઇને નિમિશ તો ઉભો થઇ ગયો અને રિષભને ભેટી પડ્યો.

“નિમિશ આજે આખી આપણી ગેંગને ભેગી કર. મારી પાસે સમય નથી પણ બધાને મળવુ છે.” રિષભે બેસતા જ કહ્યું.

“અરે, ભાઇ હમણા અડધા કલાકમાં બધા અહી મળશે તને.” એમ કહી નિમિશ બધાને ફોન કરવા લાગ્યો. લગભગ અડધા કલાકમાં તો આઠ દશ મિત્રો ભેગા થઇ ગયા. રિષભ પણ બધાને મળી ખુશ થઇ ગયો.

બધા ગપ્પ્પ મારતા હતા ત્યાં નિમિશ બોલ્યો “એલા ગપ્પા પછી મારજો પહેલા બધા રાત્રે ઘરે જમવાની ના પાડી દો. અને ચાલો બધા આપણે ગીરીરાજમાં બેસીએ.”

થોડીવાર બાદ બધા મિત્રો વાડલા ફાટકથી આગળ વંથલી રોડ પર જતી ગીરીરાજ હોટલમાં બેઠા હતા. વચ્ચે રિષભે ગૌતમને ફોન કરી જમવા માટે આવી જવા કહ્યું પણ ગૌતમે કહ્યું કે તુ જમીલે પછી આપણે બધા રાત્રે ભેગા થઇશુ. એકસાથે આખુ મિત્રોનુ ગૃપ મળી જતા રિષભ એકદમ ખુશ હતો. બધા મિત્રો પણ તેનો મિત્ર એસ. પી બની ગયો છે તે બાબતે ગર્વ લેતા હતા. આ એવા મિત્રો હતા જેની વચ્ચે કોઇ પણ જાતનુ આવરણ નહોતુ. આ મિત્રો એ રિષભના સારા નરસા બધા દિવસો જોયા હતા અને તેમા રિષભને સાથ આપ્યો હતો. બધા જુદા જુદા ક્ષેત્રમાં હતા કોઇને મેડીક્લ સ્ટોર હતો, કોઇ ઓફિસમાં જોબ કરતો હતો કોઇને રેડીમેડ કપડાની દુકાન હતી, કોઇ પપ્પાનો કંટ્રક્શનનો ધંધો સંભાળતો હતો. બધા અલગ અલગ જ્ઞાતિના અને અલગ અલગ ધંધાના માણસો હતા પણ એક મિત્રતાની લાગણી હતી જે એક બીજાને જોડતી હતી. બધા જુના દિવસો યાદ કરતા કરતા ગપ્પા મારતા રહ્યા. રિષભ ઘણા વર્ષો પછી આટલો ખુલીને હસ્યો હતો. આજે તેને લાગતુ હતુ કે આવા મિત્રો સાથે હોય તો દુનિયાની કોઇ મુશિબત માણસને તોડી શકતી નથી. ત્યારબાદ બધા જમ્યા અને પછી રિષભે જવા માટે કહ્યું તો બધા મિત્રોએ ખૂબ આગ્રહ કર્યો કે આજે રોકાઇ જા આખી રાત જાગીશુ. રિષભે તે લોકોને માંડ સમજાવ્યા અને ત્યાંથી નીકળ્યો. છુટા પડતી વખતે રિષભ બધાને ભેટ્યો. રિષભ ત્યાંથી નીકળી કાળવા ચોકમાં પહોંચ્યો ત્યારે ગૌતમ અને કપિલ તેની રાહ જોઇને ઊભ હતા. રિષભે તે લોકોની પાસે જઇને બાઇક રોક્યુ એટલે ગૌતમે કહ્યું “ક્યાં બેસવુ છે?” આ સાંભળી રિષભે હસતા હસતા કહ્યું “આ કાઇ પુછવાનુ હોય? આપણે તો આપણા અડ્ડા પર જ જવાનું હોય ને?” આ સાંભળી ગૌતમ અને કપિલ હસી પડ્યા અને પછી બાઇકને ડાબી બાજુ વાળી જવા દીધી. થોડીવાર બાદ તે લોકો ભવનાથમાં આવેલ બાલવી ટી સ્ટોલ પર પહોંચી ગયા. આ એ જગ્યા હતી જ્યાં તે લોકો કોલેજમાં હતા ત્યારે દર શનિવારે રાત્રે આવીને બેસતા. આ જગ્યા રિષભના ફેવરીટ સ્થળોમાંથી એક હતી. બધા બેઠા એટલે રિષભે કહ્યું “હું એક ફોન કરી લઉ પછી આપણે શાંતિથી વાતો કરીએ.” આટલુ બોલી રિષભે હેમલને ફોન કરી થોડી સુચના આપી. સુચના સાંભળી હેમલ તરત જ કામે લાગી ગયો. ફોન પૂરો કરી રિષભ બંને મિત્રો સાથે વાતે વળગ્યો. પણ અચાનક કંઇક યાદ આવતા તેણે રાકેશને ફોન જોડ્યો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Vishwa

Vishwa 7 months ago

fenils80@gmail.com

fenils80@gmail.com 11 months ago

Nicky Mehta

Nicky Mehta 12 months ago

Bijal Patel

Bijal Patel 1 year ago

Mehul Katariya

Mehul Katariya 1 year ago