Aage bhi jaane na tu - 25 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 25

પ્રકરણ - ૨૫/પચીસ

ગતાંકમાં વાંચ્યું......

વલ્લભરાય કમરપટ્ટો લઈ ખીમજી પટેલને આપવા જાય છે અને અનંત ખીમજી પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. અનંતની ફરિયાદના આધારે ઇન્સપેક્ટર ખીમજી પટેલ પાસે જઈ એમની તલાશી લે છે....

હવે આગળ......

"હવાલદાર, ઓરડીની તલાશી લ્યો.. એકે ખૂણો બાકી ના રહેવો જોઈએ." ઇન્સ્પેક્ટરે આદેશ આપતાં જ બંને હવાલદાર અંદર ઘુસી ગયા અને ઓરડીની તપાસ શરૂ કરી. થોડીક જ વારમાં બંનેમાંથી એક હવાલદાર એક હાથમાં ખીમજી પટેલનો બગલથેલો અને બીજા હાથમાં કમરપટ્ટાની પેટી લઈ પલંગ પાસે આવ્યો જ્યાં ઇન્સપેક્ટર ઉભા હતા. પેટી ખોલી અંદર કમરપટ્ટો જોતાં જ ઇન્સ્પેક્ટરે ખીમજી પટેલને હથકડી પહેરાવી દીધી.....

"આ શું છે......?" ઇન્સ્પેક્ટરે ખીમજી પટેલને હથકડી પહેરાવી અને પોતાની સાથે ખેંચી લઈ જઈ જીપમાં બેસાડ્યા અને હવાલદારે જીપ પોલીસ સ્ટેશન તરફ મારી મૂકી.

"આ પેટી મને વલ્લભશેઠે આપી છે અને આ કમરપટ્ટો મારી તરાનાનો છે." ખીમજી પટેલ પોતાની સફાઈ આપવાની કોશિશ કરી રહ્યા હતા.

"સફેદ જૂઠ.... દિવા જેવી ચોખ્ખી વાત છે. વલ્લભરાય પારેખના પુત્ર અનંતરાય પારેખે આ પોલીસ સ્ટેશનમાં તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે," ઇન્સ્પેક્ટરે લાકડાનો ડંડો ખીમજી પટેલના બરડામાં ફટકાર્યો. ખીમજી પટેલના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.

"સાહેબ... હું એકદમ સાચું કહું છું," પોતાનો બરડો પસવારતા ખીમજી પટેલ કરગરી રહ્યા.

"પોતાનો ગુનો કબૂલ કરી લો પટેલ..."

"જે ગુનો મેં કર્યો જ નથી તો એ હું કેમ કબૂલ કરું."

"અશક્ય, તમે કમરપટ્ટા સાથે રંગે હાથ પકડાયા છો."

"સાહેબ.... ક્યારેક આંખે દેખેલું પણ જૂઠ હોઈ શકે."

"ગુનેગાર પોતાનો ગુનો ક્યારેય કબૂલ નથી કરતો."

"સાચું કહું છું સાહેબ, આ કમરપટ્ટો મને વલ્લભશેઠે જ આપ્યો છે."

"છે કોઈ સાક્ષી કે સાબિતી જે આ વાત સાચી પુરવાર કરી શકે?"

"ન.....ના.....સાહેબ, કોઈ સાક્ષી નથી. પ....ણ.... મારા પર વિશ્વાસ કરો. જો મેં કમરપટ્ટો ચોર્યો હોત તો અહીંયા થોડી હોત? ક્યારનો આ શહેર છોડી દીધું હોત."

"એ જે પણ હોય..... વાત સાવ સાફ છે કે આ ચોરી તમે જ કરી છે. હવાલદાર આમને કોટડીમાં લઈ જાઓ." ઇન્સ્પેક્ટરે હવાલદારને બૂમ પાડી,"અને મારા માટે ચા મંગાવજો, સ્પેશિયલ, કડક, મસાલાવાળી." ઇન્સ્પેક્ટરે પોતાની ટોપી અને ડંડો ટેબલ પર મુક્યા અને પગ લંબાવી ખુરશીમાં બેઠા.

"આ ગુનેગારો પાસેથી ગુનો ઓકાવવો એટલે મોઢામાં આંગળીઓ નાખીને કબૂલ કરાવવું પડે. પણ એ નથી સમજાતું કે પટેલે કમરપટ્ટાની ચોરી કરી શા માટે અને એ પણ છે.....ક..... રાજપરા જેવા ગામડેથી આવીને આ વડોદરા જેવા શહેરોમાં? વાતનો ક્યાંય તાળો નથી મળતો. કાંઈક તો ખૂટે છે." ઇન્સપેક્ટર મનોમન વિચારતા બેસી રહ્યા એટલામાં ચાવાળો છોકરો ચા લઈ આવ્યો.

"સલામ સાહેબ....આ લ્યો તમારા હારુ એકદમ કડક, મસાલાદાર, ફક્કડ, સ્પેશિયલ ચા..." ચા ના વખાણ કરતા કરતા છોકરાએ ચાનો ગ્લાસ ટેબલ પર મુક્યો.

ઇન્સપેક્ટર પોતાનો શારીરિક થાક અને માનસિક તણાવ ચાની ચૂસકીઓ વડે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા.

"સાહેબ.......ઇન્સપેક્ટર સાહેબ..... " અનંતનો અવાજ સાંભળી ઇન્સપેક્ટર તંદ્રામાંથી બહાર આવ્યા.

"આવો....પારેખસાહેબ, તમારો ગુનેગાર ઝડપાઇ ગયો છે, અત્યારે કોટડીની હવા ખાઈ રહ્યો છે. હવે જ્યારે મુકદમો ચાલશે પછી જોઈએ જજસાહેબ શું સજા સંભળાવે છે? હવાલદાર, પારેખસાહેબ માટે પણ ચા મંગાવો."

"અરે....ના...ના સાહેબ, હમણાં પેઢીએથી ચા પીને જ નીકળ્યો છું."

"એકવાર હજી પી લ્યો, પોલીસવાળાની મહેમાનગતિ પણ માણી જુઓ અને...ઉભા કેમ છો...બેસો પારેખસાહેબ,"

"જી..." અનંત ઇન્સપેક્ટરની સામેની ખુરશીમાં બેઠો, "પોલીસ, વકીલ અને ડોકટરથી તો જેટલા છેટે રહીએ એટલું જ સારું."

"પારેખસાહેબ, એક વાતની હજી ગડ નથી બેસતી. આ ખીમજી પટેલ આટલે લાંબેથી.. એટલે કે...છેકે રાજપરાથી કમરપટ્ટાની ચોરી કરવા અહીં સુધી લાંબા થયા, વાત હજમ નથી થતી. તમને એમના વિશે કોઈ માહિતી હોય તો જણાવો જેથી અમને આ કેસ ઉકેલવામાં સરળતા રહે."

અનંતે ઇન્સપેક્ટરને વલ્લભરાયે કહેલી આઝમગઢ થી રાજપરા, તરાના અને કમરપટ્ટાનું અને વેજપરથી વડોદરા સુધીની આમિર અલીથી ખીમજી પટેલની સફરનું વર્ણન કર્યું.

"હમમમ.... તો આમ વાત છે. ઠીક છે. હમણાં તો આ કમરપટ્ટો અમારા કબ્જામાં રહેશે. એકવાર કોર્ટનો ચુકાદો આવી જાય પછી જ તમને સોંપવામાં આવશે."

"જી સાહેબ... એક વિનંતી છે... ઘરે જતા પહેલા હું એકવાર ખીમજી પટેલને મળવા માંગુ છું." અનંતે ઇન્સ્પેક્ટરે આપેલા કાગળ પર એક નજર નાખી ઇન્સ્પેક્ટરે જણાવ્યા મુજબ સહી કરી.

"હા....હા....જરૂર મળી શકો છો. હવાલદાર.... પારેખસાહેબને ખીમજી પટેલની કોટડીમાં લઈ જાઓ અને ધ્યાન રાખજો એ પટેલ પારેખસાહેબને કોઈ નુકસાન ન પહોંચાડે."

હવાલદાર અનંતને ખીમજી પટેલ સાથે ભેટ કરાવવા કોટડીમાં લઈ ગયો.

"ઓ....હ.... તો તમે જ છો આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ." અનંત એમની સામે જઈ ઉભો રહ્યો. ખીમજી પટેલ એક લુચ્ચા સ્મિત સાથે એની આંખોમાં આંખો નાખી જોઈ રહ્યા.

"વલ્લભશેઠે આ સારું નથી કર્યું છોકરા..., જઈને કહી દેજે તારા બાપને... આ ખીમજી પટેલ બહુ જલ્દી પાછો આવશે. આ કમરપટ્ટો તો એમને ભલે પાછો મળશે પણ એમનો એક નો એક..ખોટનો દીકરો, એમના ઘડપણની લાકડી એવા આ દીકરાને કોણ બચાવશે?" ખીમજી પટેલે પોતાની કમરે ખોસેલી કટાર કાઢી અનંત પર વાર કરવા હાથ ઉગામ્યો, પણ અનંત સમયસૂચકતા વાપરી ખસી ગયો એટલે ખીમજી પટેલનો વાર નિષ્ફળ ગયો એથી એ ભૂરાયા બની ઘાયલ વાઘની જેમ ઝનૂનથી ફરી હુમલો કરવા પાછળ ફર્યા પણ અનંત અને હવાલદાર બંનેએ એમને હુમલો કરવાનો મોકો જ ન આપ્યો. હવાલદારે પાછળથી એમને પકડી લીધા અને અનંતે એમના હાથમાંની કટાર છીનવી લઈ કોટડીમાંથી બહાર નીકળી ઇન્સપેક્ટર પાસે આવીને ટેબલ પર મૂકી દીધી. હવાલદારે પણ ખીમજી પટેલને પાછો કોટડીમાં બંધ કરી તાળું મારી ચાવી ઇન્સપેક્ટરને આપી દીધી. ઇન્સ્પેક્ટરે અનંતના ખભે હાથ મૂકી એને સાંત્વના આપી અને અનંત ત્યાંથી નીકળી ઘરે પાછો ફર્યો.

"બાપુ...હું હમણાં જ પોલીસ સ્ટેશને જઈને આવ્યો છું. કલાકેક પહેલા ઇન્સપેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો કે ખીમજી પટેલને હિરાસતમાં લેવામાં આવ્યા છે એટલે જરૂરી કાગળપત્રો પર મારી સહીની જરૂર હતી એટલે મને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. માસી....જમના... એક ગ્લાસ પાણી લાવજો." અનંત બહાર લાકડાની પાટ પર બેસી ગયો.

" બાપુ, કેમ કોઈ દેખાતું નથી?

"દીકરા, ચારેય બૈરાં એકસાથે ખરીદી કરવા બજારે ગયા છે."

"તો તો બાપુ, વડોદરાની બજાર ઉઠી ગઈ સમજો. ચારેય એકીહારે ગઈ છે તો આજે કોકનું ને કોકનું આવી બનશે. ચાર મળે ચોટલા ને ભાંગે ઘરના ઓટલા અને આ ચારેય તો ચોટલા ઝાલીને ઓટલા ભાંગે એમાંની છે. એમની સાથે રહીને સુજાતા પણ જબરી બની જશે. ચાલ ભાઈ અનંત... આજે જાતે જઈને પાણી પી લે. બાપુ, તમારા માટે લાવું પાણી?"

"લેતો આવજે..." વલ્લભરાયે પગને ઠેસ મારી હીંચકો ધકેલ્યો.

"લ્યો બાપુ," અનંતે આવી પાણીનો ગ્લાસ વલ્લભરાયના હાથમાં આપ્યો.

"અનંત, પોલીસ સ્ટેશનમાં શું થયું? તું ખીમજી પટેલને મળ્યો?"

અનંતે ખીમજી પટેલે કટારથી કરેલા હુમલાની વાત વલ્લભરાયને કરી.

"આ પટેલને જજસાહેબ આકરી સજા આપે તો સારું, એક નંબરના હરામી માણસ છે. આટઆટલા વર્ષો મારી સાથે કામ કર્યું. એમને મેં આશરો આપ્યો ને મારી સામે જ એમણે..... અરે ગાય ઘાસ ખાઈનેય દૂધ આપે છે અને આ માણસે તો દૂધ પીને પણ સાપની જેમ ઝેર જ ઓક્યું." વલ્લભરાય પોતાનો બળાપો ઠાલવી હૃદયની વ્યથા હળવી કરી રહ્યા હતા, "અને...કમરપટ્ટો ક્યાં છે. સાહેબે તને આપ્યો કે નહીં?"

"ના બાપુ, કોર્ટનો ચુકાદો આવ્યા પછી જ આપણને કમરપટ્ટો પાછો મળશે અને આજે શુક્રવાર છે લગભગ સોમવાર સુધી આપણે રાહ જોવી પડશે."

"માતાજી, સહુ સારાવાનાં કરજો." વલ્લભરાય સાથે અનંતના પણ હાથ જોડાઈ ગયા.

આશરે પોણા કલાક પછી ચારેય સ્ત્રીઓ બજારમાંથી પાછી આવી.

"આજે તો ઘરમાં પરમ શાંતિ હતી. આ બોબડી જમનાની બકબક સાંભળીને મારા તો કાન પાકી ગયા હતા." જમનાએ ઘરમાં પગ મુક્તાવેંત અનંતને એની મશ્કરી કરવાનું સૂઝ્યું.

"સો દા'ડા સાસુના તો એક દા'ડો વહુનો એમ સો દા'ડા જમનાના તો એક દા'ડો તમારો." જમનાએ પણ સામે મશ્કરી કરી. "એ તો હું પરણીને સાસરે જતી રહીશ ને પછી ખબર પડશે આ શાંતિ કેવી અશાંત લાગે છે સમજ્યા..." ખભે લટકતો થેલો બાજુએ મૂકીને જમના પરસાળમાં જ બેસી ગઈ.

"અનંત, જા દીકરા બધા માટે પાણી લઈ આવ. રોજ તો આ ચારેયમાંથી કોઈને કોઈ આપણી સેવામાં હાજર જ હોય છે આજે આપણને એમની સેવા કરવાનો મોકો મળ્યો છે."

"હા બાપુ, સાચી વાત છે. આજે તો હું મારા હાથે ચા પણ બનાવીને પીવડાવીશ."

"બનાવતાં તો આવડે છે ને?...ચા.." જમનાએ પાછી અનંતની ફીરકી લીધી.

"અરે...એવી સરસ ચા બનાવીશ કે બધા તારા હાથની બેસ્વાદ ચાનો સ્વાદ પણ ભૂલી જશે."

"એ....મ.... તો તો મારે આજે તમારા હાથની જ ચા પીવી છે." જમનાએ સુજાતાને તાળી આપતા કહ્યું.

"હમણાં જ બનાવી લાવું, તમારો બધો થાક ઉતરી જશે."

"આ લ્યો.... ગરમાગરમ, મસાલેદાર, કડક મીઠી ચા," થોડીવાર પછી અનંત એક ટ્રેમાં ચા ભરેલા કપ લઈને રસોડામાંથી બહાર આવ્યો.

"આ પહેલો કપ જમના માતાજીનો... માતાજી રીઝે તો સહુ કામ કીજે," અનંતે જમનાના હાથમાં ચાનો કપ આપ્યો ને પછી વારાફરતી બધાના હાથમાં એક એક કપ આપ્યો.

"આ શું....ચા માં ખાંડ નાખી છે કે મીઠું?" જમનાએ પહેલે જ ઘૂંટડે ચાનો કપ બાજુએ મૂકી દીધો.

"એ તો જેનામાં જે ઓછું હોય એ નખાય. પી લે, આવી ટેસ્ટી ચા તને જિંદગીભર ક્યાંય નહીં મળે."

"એ....મ.... એટલે કે મારામાં મીઠું ઓછું છે....બતાવું હમણાં." હજી જમના ઉભી થવા જતી હતી ત્યાં અનંતે એના હાથમાં પોતાના હાથમાં રહેલો ચાનો કપ પકડાવી દીધો.

"લે ચિબાવલી, પી લે આ ચા... અને માફ કરજે, તારા એકલીની જ ચામાં મેં થોડું મીઠું ભેળવ્યું હતું." અનંત કાન પકડી જમના સામે ઉભો રહ્યો.

"જાઓ માફ કર્યા... તમે પણ યાદ કરશો કે જમના જેવી કોઈ નાની નટખટ બેન તમારી મસ્તી કરવાનો હક ધરાવતી હતી." જમનાની આંખો ભરાઈ આવી એની સાથે હાજર રહેલા સહુ અનંત અને જમના વચ્ચેના પવિત્ર સંબંધના સાક્ષી બની પોતાની આંખોના ભીના ખૂણા લૂછી રહ્યા હતા.

ચા પીને સહુ કામે લાગ્યા. રાત્રે જમી પરવારીને બધા થોડીવાર વાતો કરી પોતપોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યા.

રાત્રીના અઢી-પોણા ત્રણ વાગ્યા હતા ત્યારે વલ્લભરાયના રૂમમાં રહેલા ફોનની રિંગ ધણધણી ઉઠી. રિંગના એકધારા અવાજથી વલ્લભરાય અને નિર્મળા ઘેરી ઊંઘમાંથી જાગી ગયા પણ ત્યાર સુધી રિંગ બંધ થઈ ગઈ.

"અટાણે... આટલી રાતે કોનો ફોન હશે?" બેઉ એકમેક તરફ પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા એટલામાં ફરીવાર રિંગ વાગી. વલ્લભરાયે ઉઠીને લાઈટ ચાલુ કરીને ફોનનું રિસીવર ઉપાડી કાને માંડ્યું.

ફોનના સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાંભળી વલ્લભરાયના હાથમાંથી રિસીવર છટકી ગયું ને ટેબલ નીચે લટકી રહ્યું. નિર્મળાએ જોયું તો વલ્લભરાયના કપાળે પરસેવો વળી રહ્યો હતો, આંખો ચકળવકળ થઈ રહી હતી. વલ્લભરાયની આંખે અંધારા આવી ગયા અને એ પલંગ પર ફસડાઈ પડ્યા.

વધુ આવતા અંકે.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.