Meeranu morpankh - 18 books and stories free download online pdf in Gujarati

મીરાંનું મોરપંખ - ૧૮

રૂહી આજ મીરાંને મળવા આવી હતી. બધાએ રૂહી સાથે બેસી ઘણી વાતો કરી. મીરાંને રૂહીએ નરેશની ઘણી અંગત વાતો પણ કરી હસી - મજાકવાળી. રૂહી જતાં જતાં નરેશે આપેલી ગિફ્ટ મીરાંના હાથમાં આપે છે હવે આગળ...

મીરાં અને સંધ્યા બેય ઉપરના માળે જાય છે. દાદર ચડતા ચડતા બેય મસ્તી કરે છે. કુમુદને જરા પણ ન ગમ્યું કે મીરાંએ નરેશની આપેલી ગિફ્ટ વિશે કુમુદને ન જણાવ્યું. એ મોં ચડાવીને પોતાના ઓરડામાં જઈ બારણું જોરથી ધકેલે છે. રીટાને ભાસ થયો કે ક્યાંક વાત બગડી હોય એવું લાગે છે. એ કુમુદના ઓરડા તરફ જાય છે કે રાજવી એને જતા રોકે છે. એ રીટાને સમજાવે છે કે 'અમુક વાતો પતિ પત્નીની ખાનગી હોય એમાં શું દખલગીરી કરવી?' મીરાં અને આપણા સ્વભાવ અલગ છે એ અને કુમુદ અલગ પડશે ત્યારે જ બેયને એકબીજાની કિંમત સમજાશે.

બન્ને પોતપોતાના કામે વળગે છે. બપોર પછી જ્યારે મીરાં બનીઠનીને પર્સ લઈને બહાર જવાની તૈયારી કરે છે ત્યારે કુમુદ એના હાથમાં એક લિસ્ટ થમાવે છે. મીરાં કહી દે છે કે 'એ શોપિંગ માટે નથી જતી.' પોતે નરેશને મળવા જાય છે. નરેશ એને લેવા આવવાનો છે. મીરાં એ પોતાના જમણા હાથને આગળ ધરતા ફોઈની સામે આંગળીઓ નચાવી. કુમુદ જોઈ રહી કે મીરાં એ બીજી આંગળીમાં સરસ મજાની હાર્ટ શેપની ડાયમંડવાળી વીંટી પહેરી હતી. એ બતાવતા બોલી " ફોઈ હજી આમાં સિક્રેટ છે એમ કહેતા એ વીંટીના ડાયમંડને ટચ કર્યા તો નીચે નાનેરુ મોરપંખ હતું સોનાનું. વીંટીના ડાયમંડને ફરી સ્પર્શ કર્યો કે બધા ડાયમંડ હાર્ટ શેપમાં ગોઠવાઈ ગયા."

મીરાં : " ફોઈ, તમને ગમી આ રીંગ?"

"હાં"

" તો રાણાને કહેજો લઈ આવે." (કુમુદને ખીજવે છે.)

" રાણાનું નામ લઈને મને પજવે છે. એમ જ ને?"

" ના, ફોઈ તમારા રાણાને કહેજો એમ કહું છું."

" મીરાં, યાદ રાખજે.. રાણો કોઈનો ન થાય. તંબુરો લઈને ફરતી મીરાં પણ ભટકી જ હતી યાદ તો છે ને તને ! ક્યાંક તું પણ -"

"ફોઈ ,આ શું બોલો છો ?" સંધ્યા આ સાંભળીને દોડતી આવી.

" તે કાંઈ ખોટું કહ્યું મેં, આ હરખપદૂડી જ્યાં જાય ત્યાં ટકે તો સારું.... બાકી હું ને એ બેય સરખા લાગીશું.( વાળની લટને વળ આપતા આપતા પોતાની રૂમ તરફ જતી રહે છે.)

મીરાં તો આ શબ્દો સાંભળી ઢગલો થઈને ફસકી પડે છે સોફા પર. એ મૌન રહી મોરપંખને જોયા કરે છે. સંધ્યા એને સમજાવે છે કે એની સાથે વાત જ ન કર.એની જીભ રોજ કારેલું જ ચાટે છે. એ વિચારે એવું કંઈ નથી બનવાનું.

મીરાં પણ સંધ્યાના બેય હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે " આ શબ્દો યાદ રાખજો મારા, હું જે થશે એ ભોગવી જ લઈશ પણ આ ઘરે તો પાછી આના જેમ કાયમ માટે રહેવા નહીં જ આવું."( સંધ્યાના ખભે માથું ઢાળી રડી પડે છે.)

બનીઠનીને બેઠેલી મીરાં પોતે નરેશને આજ ફરવા નથી જવું એવો કોલ કરી દે છે. નરેશ વિચારે છે કે કદાચ શરમના હિસાબે ના પાડી હશે. એ પણ કોઈ જ દલીલ નથી કરતો. મીરાં પોતાના રૂમમાં જઈને ખૂબ રડે છે. કુમુદ બધું જાણે છે પણ એક શબ્દ નથી બોલતી. સંધ્યા પણ સમજાવે છે મીરાંને.

સાંજ પડી ગઈ છે. બધા આવીને હોલમાં બેઠા છે. જમવાના સમયે મીરાં નીચે જ નથી આવતી. કોઈને કશું કારણ પણ નથી જણાવતી. એ ફરિયાદ કરીને જીવવામાં માનનારી વ્યકિત નથી એટલે એ પોતાના માટે વપરાયેલા શબ્દોને પોતા પુરતા જ સિમિત રાખે છે.

મોહિતને એવું લાગે છે કે મીરાં કારણ વગર ભોજનનો અનાદર નથી કરતી. એ તો આ ઘરની અન્નપૂર્ણાની જેમ રસોડાને મસાલાની સોડમથી મહેંકાવે છે. અન્નપૂર્ણાની જેમ જ આ ઘરને ધનધાન્યથી ભરપૂર રાખવા એની નાની બેનના પગલાનો જ કમાલ છે. એ મીરાં માટે થાળી લઈને એના રૂમમાં જમાડે છે. થોડી નાની નાની મસ્તીથી બેય ભાઈ-બહેન એકબીજાને સમજતા અને સતાવતા. આજે એ બેય હવે અલગ થશે એ વિચારે કોઈપણ દલીલબાજી વગર જ આંખોમાંથી આંસુ સાથે એકબીજાને જમાડે છે..

------------- ( ક્રમશઃ) ---------------

લેખક : શિતલ માલાણી
21/11/2020
જામનગર