Meeranu morpankh - 23 books and stories free download online pdf in Gujarati

મીરાંનું મોરપંખ - ૨૩

આપણે આગળ જોયું કે મીરાં અને સંધ્યા નરેશના પિતા સાથે વાત કરી એમના ખબર અંતર પૂછે છે. બેયને લાગે છે કે નરેશની ચિંતા વ્યાજબી જ છે. મીરાં પણ વિચારે છે કે હવે પોતે કેમ મનાવશે બધાને સાદગીપૂર્ણ લગ્ન માટે.

મીરાંને પોતાના ભાવિ સસરા સાથે વાત કર્યાનો સંતોષ હતો. એ સંધ્યાને પણ આ બાબતે સાથે રાખી ઘરમાં વાત કરવાના મૂડમાં હતી. આજ ફરી રવિવાર હતો. આજ આખો પરિવાર એક છતની નીચે ધમાલ મચાવવા તૈયાર જ હતો. બધા ફરી ગાર્ડનમાં બેઠા હોય છે ત્યારે જ મીરાં બધા માટે સ્નેકસ અને કોફી લાવે છે.

રાજવીએ મીરાંને બેસવા કહ્યું. એણે જોયું કે મીરાં કંઇક કહેવા ઈચ્છે છે પણ શું ? એ નહોતી ખબર... બધાએ મીરાંની સામે જોયું. રાજુભાઈએ હાથ ખેંચીને મીરાંને બેસાડી બાજુમાં. કુમુદ તો બોલ્યા વગર રહેવાની જ નહોતી એ ઊકળી પડી..." જોઈતો હશે રૂપિયાનો ઢગલો ! એટલે જ મુંગી ઊભી છે નહીંતર આ કબુતર ઘું...ઘું...ઘું..ઘું.. ચાલુ જ હોય સતત..... એમ કહી બટાટાપૌંઆ પોતાની પ્લેટમાં ઠાલવે છે.

રાજુભાઈ પોતાનું વોલેટ મીરાંના હાથમાં આપતા બોલે છે " જેટલા જોઈ એટલે લઈ લે.. આપણે તો તું એક જ લક્ષ્મી છે આ ઘરની ! તારાથી કાંઈ જ કિંમતી નથી."

મીરાં : " ના, ના, મારે કશું નથી જોતું હું તો ફક્ત એક જ વાત કહેવા ઈચ્છું છું કે-"

રાહુલભાઈ : " શું થયું મીરાં, રાણાએ કાંઈ કહ્યું તને?"

મોહિત : " મીરાં, સગાઈથી નાખુશ હો તો એમ પણ કહી દે જે મીરાં ! તારું અમે પહેલા જ વિચારીશું."

બધા અસમંજસમાં હતા. એક જ વ્યક્તિ ખાવામાં મશગૂલ હતી એ પણ હાં, હોંકારા સાથે નાસ્તામાં વ્યસ્ત હતી. મીરાંએ મૌન તોડ્યું અને કહ્યું કે " કાકા, મારી અને નરેશની ઈચ્છા લગ્ન માટેની સાવ સાદગીભરી છે. એમના થોડા મહેમાન અને આપણા થોડા મહેમાન ! લગ્ન પણ અહીં જ સંપૂર્ણપણે સાદગીથી જ."

બધા એકીટશે એની સામે જોતા રહ્યા. મોહિતે કારણ પુછ્યું તો એનો જવાબ એટલો જ મળ્યો કે ખોટા ખર્ચ નથી કરવા એ જ. બધાને ન ગમી વાત. કુમુદને મજા આવી અને તાળી પાડતા બોલી કે " બાવો બાર વર્ષ પછી બોલ્યો પણ મુદ્દાની વાત બોલ્યો. બચાકડી કાંઈ નથી માંગતી તો પણ ધરાર આપવું છે તમારે. એની ખુશી સાથે ચાલો એમાં શું લાંબી ટૂંકી કરો છો ?"

બધાએ કમને હા પાડી. આ સાથે જ મીરાંએ નરેશને મેસેજ કરી દીધો બધાની સહમતીનો. નરેશ પણ એક પડાવ પાર કરી લીધો હોય એવો ખુશ હતો. બરાબર પંદર દિવસ પછી લગ્ન લેવાયા. નરેશે જણાવી દીધું હતું કે 'ભારતથી મારા સગાભાઈ કે બહેન નહીં આવી શકે પપ્પાની તબિયત ખરાબ છે એટલે.'

રાજુભાઈ હવે ખરા મુંઝાયા હતા કે આ મીરાં નરેશના પગલે આટલી જલ્દી કેમ ડાયવર્ટ થઈ જાય છે. કોની પાસે ભારતમાં આટલી જલ્દી તપાસ કરાવવી અને લગ્ન પાછળ ઠેલવવા. એ વિચારે છે ત્યાં જ અમદાવાદથી એની બહેન પ્રભાનો ફોન આવે છે. એને પણ આમંત્રણ અપાઈ ગયું છે એ તો ત્રણ દિવસ પછી તો નીકળવાની તૈયારીમાં જ હોય છે. રાજુભાઈએ ફોર્માલિટી પૂરતી વાત કરી અને પછી એમના બનેવી રસિકલાલ સાથે વાત કરવા જણાવ્યું. પ્રભા પૂરેપૂરી કુમુદની મોટી બહેન હતી એણે ફોન સ્પીકર પર જ રાખ્યો.

રાજુભાઈ : " બનેવી, આપે એક કામ કરવાનું છે?"

બનેવી : " બોલોને સાળાસાહેબ, જે હુકમ કરો એ મંજૂર!"

રાજુભાઈ : " મીરાંના સાસરિયે એના સસરા વિશે થોડી માહિતી જોતી હતી."

બનેવી : " કેમ પહેલા ક્યાંય તપાસ નથી કરાવી કે શું?"

રાજુભાઈ :" એવું નથી. આ લગ્નની ખોટી ઉતાવળ નથી સમજાતી. બીજું કાંઈ નથી ઘટે એમ."

બનેવી : " ભલે, ભલે આપ નામ ,ઠામ અને ગામ જણાવો પછી આગળ વાત."

રાજુભાઈ : " આજનો ધંધો બંધ રાખી આ કામ કરી દો બે દિવસમાં."

બનેવી : " ભલે, ભલે..."

રાજુભાઈએ ફોન મૂકયો અને હૈયે ધરપત થઈ. પ્રભાએ પણ સાથે જવાની જીદ કરી. બેય સાથે જ જાણકારી શોધશે એમ કહી બેય કામકાજે વળગ્યા.

આ બાજુ મીરાંને ખરીદીની વાત થઈ તો એણે સાદગી એટલે સાદગી એ નિયમાનુસાર જ ખોટો ખર્ચો બંધ જ એવું કહી સ્મિત આપ્યું. એણે જરૂરી કપડાં, દરદાગીના અને થોડી કામચલાઉ ચીજ વસ્તુઓ સિવાય તમામ વધારાના દેખાવ પાછળ પૂર્ણવિરામ મુક્યું. રીટા અને રાજવી બેય બધી વસ્તુઓ લેવા પર ભાર મૂકતા પણ મીરાં શાંતિથી ના જ પાડતી.

આ બાજુ રૂહીએ પણ નરેશને ખરીદીમાં મદદ કરી. નરેશે બહુ જ સરસ કપડાં અને જ્વેલરી મીરાં માટે ખરીદી. નરેશના કહ્યા મુજબ બેય એ લગ્નનો ડ્રેસકોડ સરખો જ રાખ્યો. નરેશે પોતાના ભાઈ -બહેન સાથે વાત કરી પણ પરિણામ શૂન્ય જ હતું. નરેશ કાંઈ પાછો પડે એમ થોડો હતો એણે તો રૂહી અને શ્યામની જ દોસ્તી અને બીજા મિત્રો, કલીંગ સાથે આ પ્રસંગ પૂરો કરવાનું વિચાર્યું.

હવે આવતા ભાગમાં લગ્નની વાટ રહી...

------------- ( ક્રમશઃ) --------------

શિતલ માલાણી
૩/૧૨/૨૦૨૦
જામનગર