Exotic aquatic - 4 books and stories free download online pdf in Gujarati

સાગરસમ્રાટ - 4 - કેદ પકડાયા


હું દરિયામાં પડ્યો પણ મારું ભાન ન ભૂલ્યો. પડતાંની સાથે જ હું દસ-પંદર ફૂટ ઊંડો ઊતરી ગયો પણ પાછો તરત જ હાથનાં હલેસાં મારીને સપાટી ઉપર આવી પહોંચ્યો. હું તરવામાં ખૂબ હોશિયાર હતો એટલે હિંમત હાર્યો નહિ. મેં તરતાં તરતાં ચારે બાજુ નજર નાખી પણ આસપાસ ક્યાંયે વહાણ દેખાયું નહિ. દૂર પૂર્વમાં કાંઈક ઝાંખો પ્રકાશ ધીમે ધીમે અદશ્ય થતો દેખાતો હતો. મેં મોટેથી, બૂમ પાડી : ' મદદ, મદદ !' એ અમારું વહાણ હતું. હું તે દિશામાં જોરથી હાથ વીંઝતો તરવા લાગ્યો, પણ મારાં કપડાંએ મને ખૂબ હેરાન કરવા માંડ્યો. ભીનાં કપડાં મારા શરીર સાથે ચોંટી ગયાં હતાં અને તેનું વજન અત્યારે ઉપાડવું એ એક બીજા માણસને ઉપાડવા કરતાંય વધારે લાગતું હતું. મારું તરવાનું કામ સાવ અશક્ય બની ગયું. હું ડૂબવા લાગ્યો. મેં છેલ્લી બૂમ મારી : ‘મદદ !' મારા મોંમાં પાણી ભરાઈ ગયું; મેં જીવનની છેલ્લી ક્ષણ અનુભવી. ત્યાં એકાએક જાણે કોઈએ મારાં કપડાં પકડીને મને ઊંચો કર્યો હોય એમ લાગ્યું. હું પાછો સપાટી ઉપર આવ્યો. મારા કાન પર કંઈક અવાજ આવ્યો : ' આપને જો ખાસ વાંધો ન હોય તો મારા ખભા ઉપર ટેકો આપો, એટલે આપને તરવું સુગમ પડશે.'

એ મારો નોકર-મિત્ર કૉન્સીલ જ હતો. મારામાં નવો પ્રાણ આવ્યો. ‘કોણ, તું કૉન્સીલ ?'

હા જી. આપની સેવામાં.'

‘તું પણ મારી જેમ જ દરિયામાં પડી ગયો હતો કે ?”

‘ના જી, આપને પડેલા જોયા એટલે હું આપની પાસે હાજર રહેવા પાછળ પડ્યો.”

‘સ્ટીમરનું શું થયું ?” મેં પૂછ્યું.

' હવે સ્ટીમરનો તો વિચાર જ ન કરતા, કારણ કે હું આપની પાછળ પડ્યો કે તરત જ મેં અવાજ સાંભળ્યો : 'સ્ટીમર ડૂબે છે, સ્ટીમર ડૂબે છે !'

‘ત્યારે તો આપણું આવી બન્યું !' મેં નિરાશ થઈને કહ્યું.

‘કદાચ એમ પણ હોય. પણ આપણે ડૂબી મરીએ ત્યાં સુધી હાથ તો હલાવ્યા જ કરવા, એમ મને લાગે છે.’

કૉન્સીલના શરીરમાં અજબ જોર હતું. તેને ટેકે તરવામાં મને જરાયે શ્રમ નહોતો પડતો. કૉન્સીલે એક હાથે પોતાના ખિસ્સામાંથી ચપ્પ કાઢીને દાંતથી તે ખોલી નાખી મારાં કપડાં ચીરી નાખ્યાં. મારા શરીર પરનું વજન સાવ હલકું થઈ ગયું. મેં પણ તે જ પ્રમાણે તેનાં કપડાંનું કર્યું. અમને તરવામાં હવે વધારે અનુકૂળતા મળી.

બે કલાક સુધી અમે સતત તર્યા કર્યું. મારી શક્તિની હવે હદ આવી ગઈ. કૉન્સીલને હવે મને ઊંચકવો જ પડ્યો. મારા હાથપગ જાણે ઠીકરું થઈ ગયા હતા. હું ક્યારે બેભાન થઈ જઈશ તે કહેવાય એમ નહોતું. કૉન્સીલ પણ હવે ખૂબ જોરથી હાંફતો હતો. મેં તેને કહ્યું : 'તું મને છોડી દે; તું તારે એકલો તરવા માંડ.'

'આપ શી વાત કરો છો ? એ તે બને ?'

ઝાંખો ચંદ્ર આકાશમાં કોર કાઢીને ઊભો. તેનાં કિરણો દરિયામાં મોજાં ઉપર રમતાં હતાં. મેં આસપાસ કરુણ દૃષ્ટિ ફેરવી મદદ માગી. મોઢેથી બોલવાની તો તાકાત જ ક્યાં હતી ? ર્કાન્સીલ પણ મહામહેનતે બૂમ પાડી શક્યો : “મદદ, મદદ ! સામેથી કાંઈ અવાજ આવ્યો હોય એમ પણ લાગ્યું. કૉન્સીલે ફરી બૂમ પાડી; સામેથી માણસનો અવાજ આવતો હોય એમ સ્પષ્ટ લાગ્યું, ‘આ તે કાંઈ ભ્રમ હશે ?' કૉન્સીલે પોતાનું બધું જોર અજમાવ્યું; પાણીમાંથી અરધો ઊંચો થઈને તેણે સાદ ફાટી જાય એવી બૂમ મારી. હું મારું ભાન ગુમાવતો જતો હતો. મારું આખું શરીર ઠૂંઠવાઈ ગયું. મારી ઉપર દરિયાનું પાણી ફરી વળ્યું. હું અંદર ઊતરવા લાગ્યો.

એટલામાં એકાએક મારા પગ સાથે કંઈક કઠણ વસ્તુ અથડાઈ. આવેશમાં ને આવેશમાં હું તેને વળગી પડ્યો. જાણે કોઈક મને ઉપર ખેંચી લાવ્યું હોય એમ લાગ્યું. હું મૂર્છિત થઈ ગયો. થોડી વારે હું ભાનમાં આવ્યો હોઈશ. મેં આંખો ઉઘાડી ત્યારે . કૉન્સીલ મારા શરીરને જોરથી ઘસી રહ્યો હતો. ચંદ્રના ઝાંખા પ્રકાશમાં મેં કૉન્સીલની પડખે એક બીજા માણસને ઊભેલો જોયો. જરા સ્વસ્થ થયા પછી જોયું તો તે બીજો કોઈ નહિ પણ નેડલેન્ડ જ હતો !

' કોણ નેડ ? તું ક્યાંથી ?'

‘હાસ્તો. મારા શિકારની પાછળ પાછળ.’

‘તું પણ મારી જેમ દરિયામાં પડી ગયો હતો ?”

' હા. પણ સાવ તમારી પેઠે નહિ. હું તો પડ્યો કે તરત જ તરતા બેટ ઉપર આવી પહોંચ્યો.'

‘તરતો બેટા ?”

'હા, તમે જેને રાક્ષસી માછલી કહો છો તે.”

'એટલે ? હું સમજ્યો નહિ.'

'એટલે એમ કે મેં જેવું હારપૂન તાકીને તમારા રાક્ષસી પ્રાણી ઉપર ફેંક્યું, તેવું જ અથડાઈને બટકી ગયું.’

'એમ કેમ ?'

‘તે પ્રાણી લોઢાનાં મજબૂત પતરાંનું બનાવેલું છે તેથી. અત્યારે આપણે એના ઉપર જ ઊભા છીએ.'

હવે જ મને ખબર પડી કે અમે બધા કોઈક ચીજ ઉપર ઊભા છીએ. મેં મારો પગ પછાડ્યો. અમે બધા કોઈક ચીજ ઉપર ઊભા હતા; તે વસ્તુ અતિશય કઠણ હતી. દુનિયામાં કોઈ પણ પ્રાણીની ચામડી આવી કઠણ ન હોઈ શકે. આ તે શું હશે ? મારા આશ્ચર્યનો પાર નહોતો. આ કોઈ દરિયાઈ પ્રાણી નથી એ તો નક્કી જ થયું. પણ એથી તો ઊલટું મને વધારે આશ્ચર્ય થયું. દુનિયામાં કયો મનુષ્ય આવી અદ્ભુત વસ્તુ ઉપજાવી શક્યો હશે ? ઈશ્વરની રચના કરતાંયે વધારે આશ્ચર્ય ઉપજાવે એવી આ રચના હતી.

અમે એક દરિયાની અંદર ચાલી શકે એવા વહાણ ઉપર ઊભેલા હતા. વહાણનો આકાર માછલી જેવો હતો. તેના ઉપર મજબૂત લોઢું જડેલું હતું. જે વાત નેડલેન્ડ કહેતો હતો તે હવે અમારે માનવી પડી. પણ એક મને શંકા થઈ કે જો આ કોઈ વહાણ હોય તો તેની અંદર યંત્રો અને માણસો હોવાં જોઈએ. પણ હજુ સુધી આ વહાણમાં કોઈ હોય તેવું ચિહ્ન જણાયું ન હતું. આ વહાણની ઝડપ તથા શક્તિનો પરચો તો અમે સ્ટીમરમાં હતા ત્યારે જ અમને તેણે બતાવી દીધો હતો. અત્યારે તો તે નિરાંતે દરિયાનાં મોજાં ઉપર પડ્યું પડ્યું ઝૂલતું હતું. વહાણનો ઉપરનો ભાગ દરિયાની સપાટી ઉપર લગભગ એક ફૂટ બહાર હતો; અને એના ઉપર જ અમે નિરાંતે બેઠા હતા. પણ જો વહાણ પાણીમાં એકાએક ડૂબકી મારી જાય તો અમારી શી દશા થાય? કોઈ પણ રીતે અંદરના માણસોને અમારી ખબર પડે એમ કરવું જોઈએ. પણ તે કઈ રીતે ? મેં તેની અંદર જવા માટેના રસ્તાની તપાસ કરવા માંડી, પણ બધેય લોઢાનાં પતરાંમાં મોટા મોટા બોલ્ટ જડી દીધેલા હતા. અંધારામાં વધારે તપાસ પણ થઈ શકે તેમ નહોતું. અમારે સવાર સુધી રાહ જોયા સિવાય બીજો ઉપાય નહોતો.

એકાએક વહાણ ચાલવા માંડ્યું. અમે એકબીજાને પકડીને બરાબર ઊભા રહ્યા. દરિયાનાં મોજાં અમારા ઉપર જોરથી અથડાતાં હતાં. વહાણની ઝડપ લગભગ કલાકના બાર માઈલની હોવાનું મેં અનુમાન બાંધ્યું.

આખરે તે લાંબી અને ભયંકર રાત પૂરી થઈ. આ ભેદી વહાણમાં શું હશે તે જાણવાની કેટલી આતુરતા અમને થઈ હશે ? સવારના પ્રકાશમાં અમે વહાણનો આકાર બરાબર જોઈ શક્યા. હું તે વહાણની પીઠ બરાબર તપાસતો હતો, ત્યાં વહાણ એકાએક અંદર ઊતરવા લાગ્યું. અમે ગભરાયા; નેડલેન્ડના ક્રોધનો પાર ન રહ્યો.

“હરામખોરો ! ઉઘાડો.' તેણે જોરથી પગ પછાડીને બૂમ મારી. અમારા સદ્ભાગ્યે તે બૂમની અસર થઈ. વહાણ ડૂબતું અટકી ગયું.

એકાએક લોઢાની ભોગળો ઊઘડતી હોય એવો અવાજ થયો. લોઢાનું એક મોટું બારણું ગોળ ઊઘડ્યું અને એક માણસનું ડોકું બહાર દેખાયું. તેણે અમને જોઈને ચીસ પાડી ને બારણું પાછું દેવાઈ ગયું. અમે બાઘાની જેમ ઊભા રહ્યા !

પાછું થોડી વારે પતરાનું બારણું ફરી ઊંચું થયું અને તેમાંથી આઠ મજબૂત બુરખાવાળા માણસો બહાર આવ્યા અને અમે હજુ વિચાર કરીએ તે પહેલાં તો ઢસડીને અમને અંદર ખેંચી ગયા ! અમારી પાછળ બારણું બંધ થઈ ગયું.