Exotic aquatic - 7 books and stories free download online pdf in Gujarati

સાગરસમ્રાટ - 7 - કેપ્ટન નેમો


કેપ્ટન નેમો


એ શબ્દો બોલનાર આ વહાણનો ઉપરી હતો. નેડ પણ આ શબ્દો સાંભળતાં જ ચમકીને ઊભો થઈ ગયો, એટલો તેના શબ્દોમાં સત્તાનો પ્રભાવ પડતો હતો. નેડના પંજામાંથી છૂટેલો પેલો નોકર કૅપ્ટનના ઇશારાથી બહાર ચાલ્યો ગયો. નેડલૅન્ડના આ તોફાનનું શું પરિણામ આવશે તેની રાહ જોતાં અમે ઊભા. કેપ્ટન પણ અમારા ટેબલ પર એક હાથ મૂકીને અમારી સામે શાંત નજરે જોતો ઊભો રહ્યો. થોડી વાર સુધી શાંતિ ફેલાઈ; પછી શાંત અને ગંભીર અવાજથી કૅપ્ટન બોલ્યો : 'ગૃહસ્થો ! હું બધી ભાષાઓ સારી રીતે બોલી શકું છું. મેં પહેલી વખતે તમારી સાથે જાણી જોઈને વાતચીત નહોતી કરી. ફક્ત તમારા ત્રણેના મોઢે તમારો વૃત્તાંત બરાબર સાંભળી લીધો. પ્રોફેસર સાહેબ જેવા વિદ્વાન અને નેડલેન્ડ જેવા ઉત્તમ શિકારીને અકસ્માતે મારા વહાણમાં આવી ચડેલા જોઈને મને આનંદ થાય છે. પહેલી વાર તમને મળ્યા પછી તમારું શું કરવું તેનો વિચાર હું કરતો હતો. તમે નસીબજોગે એક એવા માણસ પાસે આવી પહોંચ્યા છો કે જેણે દુનિયા સાથેનો પોતાનો સંબંધ ઘણાં વરસોથી સાવ તોડી નાખ્યો છે. હું જાણું છું કે તમારો ઇરાદો અમારો નાશ કરવાનો હતો...”

“નહિ, કૅપ્ટન સાહેબ ! તમારી ભૂલ થાય છે. અમારો વિચાર ઇરાદાપૂર્વક તમારો નાશ કરવાનો નહોતો. તમને ખબર નથી કે તમે આખી દુનિયામાં કેવો હાહાકાર મચાવી દીધો છે; તમારા વહાણને એક મોટું રાક્ષસી દરિયાઈ પ્રાણી સમજીને અમે તેના શિકારે નીકળ્યા હતા.’ મેં ખુલાસો કર્યો.

કેપ્ટનના હોઠ ઉપર એક ઝીણું હાસ્ય ફરક્યું. ધીમેથી પણ વીંધી નાખે તેવા અવાજમાં તે બોલ્યો : ‘પ્રોફેસર સાહેબ, ધારો કે તમને ખબર હોત કે આ વહાણ જ છે, તો તમે તેના ઉપર હુમલો ન કરત, કેમ ?”

આનો મારી પાસે ઉત્તર નહોતો. મને લાગે છે કૅપ્ટનનું માનવું સાચું હતું.

કેપ્ટને વળી આગળ ચલાવ્યું: ‘તમારી સાથે શત્રુઓના જેવું વર્તન ચલાવવાનો મને હક્ક છે. તમને કોઈ પણ જાતની સગવડ આપવા માટે હું બંધાયેલો નથી. હું તમને પાછો દરિયા ઉપર તરતા મૂકીને ચાલ્યો જાઉં તોપણ મને તેમાં કાંઈ ખોટું લાગતું નથી. તમે કદાચ મને જંગલી કહેશો, પણ મને તેમાંયે વાંધો નથી. હું સુધરેલો રહેવા માગતો નથી અને સુધરેલી દુનિયા સાથે મારે કશો સંબંધ પણ નથી. સુધરેલી દુનિયાના કાયદાઓ મને લાગુ પડતા નથી તમારી સુધરેલી દુનિયાની એક પણ વાત મને કરવાની જરૂર નથી.'

કેપ્ટનની આંખમાંથી જાણે આગ ઝરતી હતી. દુનિયાનો આવો કટ્ટર વેરી અમારી સામે ઊભો છે અને અમે તેના હાથમાં કેદી છીએ. એનો ખ્યાલ આવતાં હું થરથરી ઊઠ્યો. આની પાસેથી બચવું એ તેના હાથની જ વાત હતી. થોડી વાર પછી પાછો કેપ્ટન બોલ્યો : ‘પણ મારો વિચાર તમને મારવાનો નથી. તમે આ વહાણમાં રહો. તમારે ક્યાં સુધી અહીં રહેવું તે હું કહી શકતો નથી. કદાચ જિંદગીભર રહેવું પડે. તમે અહીં છૂટથી હરીફરી શકશો. ફક્ત એક જ શરત કે તમને થોડા દિવસો પૂરી રાખવામાં આવે તો તેમાં તમારે કશો વિરોધ કરવો નહિ. તમને આ વહાણમાંનો કેટલો ભાગ જોવા દેવો તે મારે નક્કી કરવાનું છે.'

મેં વચ્ચે પૂછ્યું : 'પણ આ તો એક કેદીને અપાય એટલી જ સ્વતંત્રતા થઈ ! એ પૂરતી નથી.'

‘તો તમારે તે પૂરતી છે એમ માની લેવું પડશે.” કૅપ્ટને કહ્યું.

‘એનો અર્થ એમ જ ના, કે અમારે પણ દુનિયા સાથેનો અને અમારા સગાંવહાલાં સાથેનો સંબંધ પૂરો થયો સમજી લેવો ?” મેં પૂછ્યું.

હા જી, એમ જ. મને લાગે છે કે એમાં બહુ દુઃખ પામવા જેવું નથી.’

હું જાહેર કરું છું.' નેડે હાથ ઊંચો કરીને કહ્યું, કે હું નાસી જવાનો પ્રયત્ન નહિ કરું એવું વચન નહિ આપું.”

‘મિસ્ટર લેન્ડ ! મેં તમને આવું વચન આપવાનું કહ્યું જ નથી.'

નેડ ચૂપ થઈ ગયો.

કૅપ્ટન સાહેબ ! તમે અમારી દયામણી સ્થિતિ જોઈને અમારા ઉપર જુલમ કરો છો. ' મેં કહ્યું.

“ના સાહેબ ! તમે ભૂલો છો. હું તો તમારા તરફ ઊલટી દયા રાખું છું. ખરું જોતાં તો તમે મારા યુદ્ધના કેદી છો. હું ધારું ત્યારે દરિયાને તળિયે તમને ડુબાવી દઈ શકું છું. તમે મારા ઉપર હુમલો કર્યો છે એટલું જ નહિ, પણ દુનિયામાં હું જે વસ્તુની કોઈ માણસને ખબર પાડવા દેવાનો નહોતો તે વસ્તુ તમે જાણી ગયા છો. હવે તમને કેદ પૂરી રાખવા એ એક જ રસ્તો મારી પાસે ખુલ્લો છે. એમાં બીજું કાંઈ થઈ શકે તેમ નથી.”

થોડી વાર શાંતિ પથરાઈ ગઈ. થોડી ક્ષણ પછી તે બોલ્યો : પ્રોફેસર સાહેબ ! તમને તથા તમારા સાથીઓને અહીંથી નાસી જવા સિવાયની બીજી દરેક સ્વતંત્રતા મળે છે. તમારા સાથીઓને વિષે હું નથી કહી શકતો, પણ તમને તો જરૂર કહી શકું કે તમારા જેવા વિજ્ઞાનશાસ્ત્રીને મારી સાથે રહેવામાં જરાયે ગુમાવવાપણું નથી, ઊલટું દુનિયા ઉપર વિજ્ઞાનશાસ્ત્રીઓએ કદી નહિ જોયેલાં અને નહિ કલ્પેલાં દશ્યો જોવાની તમને તક મળશે.'

કૅપ્ટનના આ શબ્દોએ મારા ઉપર ખૂબ અસર કરી. દરિયાની અંદર રહેલી સૃષ્ટિનો અનુભવ થશે એ વિચારથી મારું મન પ્રફુલ્લિત થયું.

‘આપને મારે કયે નામે બોલાવવા ?” મેં પૂછ્યું.

'કૅપ્ટન નેમોને નામે બોલાવશે તો ચાલશે.’ કૅપ્ટને કહ્યું.

આ પછી તરત જ મારા સાથીઓ તરફ ફરીને બોલ્યો 'તમારે માટે તમારી ઓરડીમાં ભોજન તૈયાર છે. આ માણસ તમારી સાથે આવશે અને પ્રોફેસર સાહેબ ! તમે નાસ્તા માટે મારી સાથે ચાલો.'

હું કૅપ્ટન નેમોની સાથે ચાલ્યો. સાંકડી એવી ઓસરી ઉપર થઈને થોડી વારમાં અમે ભોજનના ઓરડામાં આવી પહોંચ્યા. વીજળીની બત્તીથી આખો ઓરડો પ્રકાશિત હતો. ઓરડાની અભરાઈઓ ઉપર જાતજાતનાં ચકચકિત વાસણો ચળકાટ મારતાં હતાં. ઓરડાની વચ્ચે કિંમતી ટેબલ હતું ને તેના ઉપર નાસ્તાનો થાળ મૂકેલો હતો. અમે નાસ્તો શરૂ કર્યો.

નાસ્તામાં શી શી ચીજો છે તે હું પૂછું તે પહેલાં જ કૅપ્ટન બોલી ઊઠ્યો: ‘તમે આ બધાથી અજાણ્યા હશો, પણ આ બધી વાનગીઓ મને સમુદ્રમાંથી મળી છે. દરિયો મને જે જોઈએ તે પૂરું પાડે છે. કોઈ કોઈ વાર હું દરિયાની અંદરના જંગલોમાં જઈને શિકાર પણ કરી લાવું છું. મને સમુદ્ર ખાવાનું આપે છે, એટલું જ નહિ પણ કપડાંઓ પણ મને તેમાંથી જ મળી રહે છે. આ તમે પહેરેલાં કપડાં પણ દરિયાની અંદર થતા એક પ્રકારના ઘાસના. રેસાઓમાંથી થયેલાં છે. દરિયામાં અત્તર પણ મળે છે. તમારી પથારીનું ગાદલું પણ દરિયાના એક પ્રકારના ઘાસમાંથી જ બનાવેલું છે. હોલ્ડર પણ વ્હેલ માછલીના હાડકામાંથી બનાવેલું છે. શાહી પણ કેલેમારી નામની માછલીમાંથી નીકળતા પદાર્થની બનાવેલી છે. મને બધું દરિયામાંથી મળી રહે છે અને એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આ બધું પાછું દરિયામાં જ મળી જશે.’

‘તમને દરિયા ઉપર ખૂબ પ્રેમ લાગે છે !' મેં કહ્યું.

‘પ્રેમ તો શું, દરિયો એ મારું સર્વસ્વ છે. દરિયામાંથી હું મારું જીવન મેળવું છું. દરિયા ઉપર મનુષ્યો સત્તા મેળવવા ભલે સામસામા કપાઈ મરે, પણ દરિયાની નીચે તેમનું બળ નકામું છે. ત્યાં આગળ સત્તા જેવી વસ્તુ જ નથી. ત્યાં હું સ્વતંત્ર છું.”

આમ બોલતાં બોલતાં જાણે મને ભૂલી ગયો હોય એમ લાગ્યું. થોડી વારે પાછો તે સ્વસ્થ થયો અને બોલ્યો : ‘પ્રોફેસર સાહેબ ! તમારી ઇચ્છા હોય તો આપણે હવે આ મારું “નૉટિલસ” વહાણ જોવા જઈએ.”