Exotic aquatic - 6 books and stories free download online pdf in Gujarati

સાગરસમ્રાટ - 6 - ભૂખના માર્યા

અમે કેટલું ઊંધ્યા તેની મને ખબર નહોતી, પણ મને લાગે છે કે અમે બારથી પંદર કલાક ઊંધ્યા હોઈશું. મારો બધો થાક ઊતરી ગયો હતો. હું ઊઠ્યો ત્યારે પણ મારા સાથીઓ તો ઘોરતા જ હતા.

મેં ઊઠીને આસપાસ જોયું. બધું એમનું એમ જ હતું. ફક્ત અમારાં ખાવાનાં વાસણો ત્યાંથી ઊપડી ગયાં હતાં. અમે હજુ પાંજરામાં જ પુરાયેલા હતા. જોકે મારો થાક ઊતરી ગયો હતો પણ મારી છાતી ભારે લાગતી હતી. શ્વાસ મુશ્કેલીથી લેવાતો હતો, તેનું કારણ તપાસતાં મને એમ જણાયું કે ઓરડામાં રહેલો ઑક્સિજન (પ્રાણવાયુ) ખૂટવા આવ્યો હતો. એક માણસ એક કલાકમાં ૧૭૬ પિંટ જેટલો ઑક્સિજન હવામાંથી લે છે. જ્યારે એ હવામાં એટલો જ કાબનિક ઍસિડ થાય ત્યારે શ્વાસ લેવો મુશ્કેલ થઈ પડે છે અને થોડા જ વખતમાં માણસ ગૂંગળાઈ મરે છે. અર્થાત્ જો થોડા વખતમાં અમારા ઓરડામાં નવી તાજી હવા ન આવે તો અમારે કમોતે મરવાનું હતું. પણ મને એક નિરાંત હતી. આ વહાણનો કેપ્ટન અમને આમ કમોતે મારે એવો સંભવ નહોતો, કારણ કે નહિ તો તે અમને ખાવાનું ને કપડાં ન મોકલત. વળી જેમ અમારા ઓરડામાં નવી હવાની જરૂર હતી તેમ આખા વહાણમાં પણ તેની જરૂર હશે, એટલે જ આખા વહાણનું થશે તે અમારું થશે એમ વિચારીને મેં સંતોષ માન્યો. આ વહાણનો કેપ્ટન કઈ રીતે આ બધી વ્યવસ્થા કરતો હશે તેનો હું વિચાર કરતો હતો, તેવામાં એકાએક નવી તાજી હવાથી આખો ઓરડો ભરાઈ ગયો. તે હવામાં દરિયાના તાજા પવનની સુગંધ હતી. મારું શરીર અને મન પ્રફુલ્લિત થઈ ગયાં. આ નવી હવાના પ્રભાવથી મારા બંને સાથીઓ પણ આળસ મરડીને બેઠા થયા અને આંખો ચોળતા ઊભા થઈ ગયા. નેડલેન્ડ ઉઠતાંવેેંત જ બોલી ઉઠ્યો : ' દરિયાની હવા આવતી હોય એમ લાગે છે. ' નેડલેન્ડનુ કહેવું સારું હતું . ઓરડીની ઉપર એક નાનું જાળિયું હતું તેમાંથી આ હવા આવતી હતી અને વહાણમાંથી જાણે કોઈ મોટું પ્રાણી શ્વાસ લેતું હોય તેવો અવાજ પણ આવતો હતો. અમે દરિયાની સપાટી ઉપર હતા એમ લાગ્યું.

નેડલેન્ડ ઊઠતાંવેંત ભૂખ્યો થઈ ગયો હતો. તેણે કહ્યું : ' પ્રોફેસર સાહેબ ! હવે નાસ્તો આવે તો ખાસ વાંધો નથી.'

‘મારે તો નાસ્તો કે ભોજન ગમે તે આવે તોયે વાંધો નથી.' કૉન્સીલે કહ્યું.

‘એમાં આપણે વાંધો હોય કે ન હોય તે બંને સરખું જ છે. એ તો એમનો ભોજનનો વખત થશે ત્યારે જ આપણે માટે ભોજનનો સમય થયો સમજવો. ત્યાં સુધી બારણું ઊઘડવાની રાહ જોતાં આપણે બેસી રહેવાનું છે.' મેં કહ્યું.

કૉન્સીલે ખાવામાંથી મનને હટાવવા બીજી વાતો કાઢવા માંડી. તેણે પૂછ્યું: ‘આપણે અહીં શું થશે? આપણને કેદ કરનાર આ માણસો કોણ હશે ? તે સંબંધી આપનો શો અભિપ્રાય છે ?”

હું એનો જવાબ આપું તે પહેલાં નેડલેન્ડ બોલી ઊઠ્યો : “મને તો ખાતરી છે કે આપણે ભયંકર રાક્ષસી માણસોના પંજામાં આવી પડ્યા છીએ. તેઓ આપણને ખાવાનું આપે છે, તે પણ આપણને જાડા કરીને પછી મારી નાખવા માટે ! મેં નક્કી જ કર્યું છે કે મરવું તોપણ આમાંથી થોડાકને મારીને જ મરવું.'

મેં કહ્યું: ‘નેડ ! તારી ધારણા સાવ ખોટી છે. હું માનું છું કે જે માણસમાં આવું ચમત્કારિક વહાણ બનાવવાની અને ચલાવવાની શક્તિ હશે, તે માણસ રાક્ષસ હોય જ નહિ. તે આપણને અહીં રાખીને આપણું શું કરવા માગે છે તે હજુ મને સમજાયું નથી; પણ મને લાગે છે કે કદાચ તે થોડા વખત પછી આપણને કયાંક દૂર જમીન ઉપર છોડી દેશે. મારી એવી સૂચના છે કે જે થાય તે જોયા કરવું. અહીંથી નાસી જવાનો પ્રયત્ન કરવો એ ખોટાં ફાંફાં છે, ને એમાં આપણે પકડાઈ ગયા તો વધારે હેરાન થશું. જો આકળા થઈને કોઈકના ઉપર હુમલો કરશું તો આપણે એમને પહોંચી શકવાના નથી; ઊલટા આપણો જીવ જોખમમાં નાખશું. નેડ ! મને તો તારી જ બીક લાગે છે કે તું કાંઈક આડુંઅવળું કરી બેસીશ.”

નેડે શાંત રહેવાનું વચન તો આપ્યું પણ તેના ઘૂંધવાટનો પાર નહોતો. તેના જેવા ઘડીકે નવરા ન બેસી શકે તેવા માણસને આ લોઢાની મજબૂત દીવાલોની અંદર ભૂખે પેટે બેસી રહેવું પડે એ મોટામાં મોટી તપશ્ચર્યા હતી. ઓરડામાં બબડતો બબડતો તે જોરથી આંટા મારવા લાગ્યો. કલાક ઉપર કલાક વીતવા લાગ્યા. મારી ધીરજ પણ ખૂટવા આવી ત્યાં નેડલેન્ડની શી સ્થિતિ થઈ હશે ? પાંજરામાં પુરાયેલા સિંહની જેમ તે ઘૂરકતો હતોઃ ઓરડાના બારણા ઉપર મુક્કી તથા લાતો લગાવતો હતો; વચ્ચે વચ્ચે જોરથી બૂમ પાડતો હતો, પણ લોઢાની બહેરી દીવાલો ઉપર તેની કશી અસર થતી નહોતી. આ વહાણના કેપ્ટનને વિષે પહેલી વાર મારા પર જે સારી છાપ પડી હતી તે પણ ભૂંસાવા લાગી. તે માણસ હવે મને ક્રૂર લાગવા માંડ્યો; અમને રિબાવી રિબાવીને મારવા એ જ એનો ઉદ્દેશ હોય એમ મને લાગ્યું.

આખરે બારણું ઊઘડ્યું. નોકર દેખાયો. હું નેડને વારું તે પહેલાં તો નેડ પેલા નોકર તરફ કૂદ્યો અને તેને ગળે વળગી પડ્યો. નોકરની આંખો અધ્ધર ચડી ગઈ. હું અને કૉન્સીલ બંને જણ નેડલેન્ડના પંજામાંથી પેલા નોકરને છોડાવવાનો પ્રયત્ન કરતા હતા. તેવામાં પાછળથી ફ્રેન્ચ ભાષામાં નીચેના શબ્દો અમારા કાન પર પડ્યા : 'મિસ્ટર લેન્ડ ! જરા ધીરા પડો અને પ્રોફેસર સાહેબ ! મારે તમને કંઈક કહેવું છે તે સાંભળશો ?”