UNREGISTERED CRIME - 2 books and stories free download online pdf in Gujarati

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨

આપણા દેશમાં જ્યારે રાજાશાહી હતી ત્યારથી આ વાતની શરૂઆત કરીએ. રાજા રજવાડાઓ તો રાજ કરીને જતા રહ્યા. પરંતું રાજા રજવાડાઓએ તેમના વારસો માટે જે સંપત્તિઓ વસાવી હોય તે સંપત્તિઓનું શું? કહેવાય છે કે “ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જવાનું છે.” તો સાથે શું હતું, શું રહ્યું અને શું રહેશે? શું પૂર્વજોએ તેમના વારસો માટે વસાવેલી કે વિકસાવેલી સંપત્તિ તેમના વારસોને મળે છે..! રાજાશાહીમાં તો વિશ્વાસ અને જુબાનની ખુબ જ કિંમત હતી પરંતું હાલના સમયમાં તો વિશ્વાસ અને જુબાનની તો એક પાઇ પણ ન આવે. એમાં પણ જ્યારે સંપત્તિનો સવાલ હોય...! સંપત્તિની બાબતમાં તો ભાઇ ભાઇ નો નથી રહેતો અને દિકરો બાપનો નથી રહેતો. તો વિચાર એ આવે કે આ “સંપત્તિ” એવી કેવી ચીજ છે જે સંબંધોના તાંતણાના લીરેલીરા ઉડાવી દે છે....! શું સંતતિ કરતા સંપત્તિ વધુ મૂલ્યવાન હોય છે? શું સંપત્તિ સંબંધોની મજબુતાઇ નક્કી કરે છે.? શું લાગણીઓની ડોર સંપત્તિથી જોડાય છે? સવાલો તો ઘણાં હોય છે.... પણ આ સવાલો કેમ હોય છે.... કોના દુર્વવહાર કે દુરાચારના કારણે આવા સવાલો જન્મ લે છે....! શું આ સંપત્તિની જંજાળમાં એવા પણ કૃત્યો બનાતા હોય છે જે સામાજીક દ્રષ્ટિએ ગુન્હો હોય અને કાનૂની દ્રષ્ટિએ ના હોય...! અથવા કાનૂનની દ્રષ્ટિએ ગુન્હો હોય પણ કોઇના ધ્યાનમાં જ આવ્યો ન હોય...! કોઇની કહેવાની હિંમત થતી ન હોય...! અથવા લડવાની તાકાત ન હોય...! અથવા લાગણીનાં તાંણા તૂટવાની બીકે સહન કર્યે રાખતો હોય...! શું ગુન્હાનો ભોગ બનનાર પણ ગુન્હેગાર કહેવાય...! આવા ઘણાં સવાલો આ લેખની વાર્તાના પાત્રોમાં ઉભા થાય છે. આ લેખની વાર્તા શરૂ કરીએ....!

આ વાર્તાનું મુખ્ય પાત્ર એક ન્યાય મેળવવા માટે લડનાર વ્યક્તિનું છે. જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય મેળવવા-અપાવવા પૂરેપૂરી પડત આપનાર વ્યક્તિ. સીધી રીતે કે આડકતરી રીતે, પણ ન્યાય થવો જોઇએ. કારણ વગર કોઇને હેરાન-પરેશાન કરતો નથી. પણ જ્યાં અન્યાય થતો જુએ છે. ત્યાં જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા પહોંચી જાય છે. ભણતર તો માત્ર ગ્રેજ્યુએટ જ છે. પરંતું વાંચનના શોખના કારણે ઘણાં બધા વિષયોનું ઉચ્ચ કોટિનું જ્ઞાન ધરાવે છે. જેવા કે, Law, Account, Civil Engineering, Automobile Engineering, Aviation, Foreign Law, Medical, etc. તથા ચાર થી પાંચ ભાષાઓ પણ જાણે છે. આ વ્યક્તિ પોતાની એક કન્સલ્ટન્સી ચલાવે છે. જરૂરીયાતમંદ વ્યક્તિ માટે સજજન અને અન્ય લોકો માટે દુર્જન છે. આ વ્યક્તિ આવું વ્યક્તિત્વ કેમ ધરાવે છે તે અંગે જાણવાની સહજ રીતે ઇચ્છા દરેકને થાય. પરંતું તે માટે આપણે તેના ભૂતકાળમાં જવું પડે. પરંતું હાલ આપણે તેના વર્તમાનની વાત કરીએ.

નામ- રઘુભા. સાચુ નામ- રાઘવરાય દિનેશભાઇ ઠક્કર. પિતાનું પૂરૂ નામ- દિનેશભાઇ જીવણભાઇ ઠક્કર. માતાનું નામ- શકુબેન દિનેશભાઇ ઠક્કર. દાદાનું નામ- જીવણભાઇ ઇશ્વરપ્રસાદ ઠક્કર. (આ વાર્તાના દરેક પાત્રો તથા વિષય-વસ્તુના નામ કાલ્પનિક છે. તેને કોઇ વ્યક્તિ, વિષય, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સીધો કે આડકતરો સંબંધ નથી.) આ સ્ટોરીના આ મુખ્ય પાત્રો. બાકી વચ્ચે વચ્ચે અન્ય પાત્રોનો પરિચય આપતો રહીશ. આ લેખ કોઇ બે કે ત્રણ વ્યક્તિઓ વચ્ચેના વાર્તાલાપની નથી. પરંતું મારા લેખના સવાલોનાં જવાબો શોધવા માટેની છે. એટલે આમાં કોઇ ખાસ વાર્તાલાપ આવશે નહી.

રાઘવરાયના વર્તમાનની વાત કરીએ તો રાઘવરાય હાલ રઘુભાના નામથી ઓળખાય છે. તેઓ પૈસેટકે હવે પ્રમાણમાં સુખી છે. તેમની પાસે કેટલીક સ્થાવર તથા જંગમ મિલકતો પણ છે. છતાં તેઓએ મધ્યમ વર્ગના લોકોની વસ્તિ ધરાવતા એરિયામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં રોડ ટચ આવેલ દુકાનમાં તેમની ઓફિસ રાખેલ છે. ઓફિસમાં સ્ટાફ વધુ હોવાથી બાજુ-બાજુની ત્રણ દુકાનો લઇ તેમાં રિનોવેશન કરાવી એક જ ઓફિસ બનાવેલ. તેમની ઓફિસમાં કુલ અગિયાર જણાનો સ્ટાફ. જેમાં એક ઓફિસનાં પિયૂન (કાકા). આ પિયૂન (કાકા)ની વાત ટૂંકમાં કરીએ તો સને-૨૦૦૧ માં ગુજરાતમાં આવેલ ભૂકંપમાં પિયૂન કાકાનો એકનોએક દિકરો, વહુ અને પૌત્રનું મરણ થઇ ગયેલ. અને આ કાકા એકલા પડી ગયેલ. કાકાની પત્નિ તો બહુ પહેલા શારિરીક બિમારીના કારણે ગુજરી ગયેલ. દિકરા-વહુ અને પૌત્રના અવસાન બાદ કાકા મંદિરોનાં ઓટલે બેસી રહેતાં અને રડ્યા કરતાં. ટેવામાં અચાનક જ એવા જ એક મંદિરે રઘુભા ભગવાનનાં દર્શને ગયા. અને તેમની નજર આ કાકા પર પડી. રઘુભાએ પૂજારીને કાકા વિશે પૂછ્યું અને કાકાની આ વાત જાણી એટલે રઘુભાને તેમના પર દયા આવી એટલે કાકાને ઓફિસમાં પિયૂનનું કામ અને રહેવા માટે ઓફિસની બાજુમાં જ એક મકાન લઇ આપ્યું. પિયૂન કાકા આ રીતે રઘુભાની સાથે છેલ્લા સાતેક વર્ષથી છે. રઘુભા તેમના દરેક મહત્વના કામોમાં કાકાનો ઓપિનિયન લે અને કાકા પણ તેમના દિકરાને સલાહ આપતા હોય તે રીતે રઘુભાને સાચી અને સારી જ સલાહ આપે. આ રીતે પિયૂન કાકા રઘુભા સાથે જોડાયા અને પોતાના દુઃખ દર્દ ભૂલીને રઘુભાને જ પોતાના દિકરાની જેમ માનવા લાગ્યા.

-ક્રમશઃ