Anant Safarna Sathi - 1 in Gujarati Novel Episodes by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 1

અનંત સફરનાં સાથી - 1

પ્રસ્તાવના

દુનિયામાં દરેક લોકો સપનાં જોતાં હોય છે. સપનાંઓ જોયાં પછી તેને પૂરાં કરવાની હિંમત અમુક લોકોમાં જ હોય છે. કારણ કે સપનાં બે પ્રકારનાં હોય છે. એક ખુલ્લી આંખોએ જોયેલાં સપનાં અને એક બંધ આંખોએ જોયેલાં સપનાં.!! જેમને પૂરાં કરવાં જે લોકો હિંમત બતાવે છે. એ લોકો પર દુનિયા હસવાનું જ કામ કરે છે. તેમને પાગલ જ સમજે છે.
સપનાં જોવામાં કંઈ ખોટું નથી. સપનાં જોયાં પછી તેને પૂરાં કરવાં કોઈ ગુનો નથી. છતાંય સપનાંની દુનિયામાં જીવતાં લોકો માટે દુનિયા તેમને પાગલ કહ્યાં વગર રહેતી નથી. એમાંય જ્યારે સપનું બંધ આંખોએ જોયેલું હોય.‌ ત્યારે તેને પૂરાં કરવામાં બહું બધી તકલીફો આવે છે. પણ જે લોકો ખરેખર સપનાં જોયાં પછી તેને પૂરાં કરવાની હિંમત બતાવે છે. તેનાં સપનાં પૂરાં થવાથી કોઈ રોકી શકતું નથી.
તો આજે હું તમને એક એવી સપનાંની દુનિયાની સફરે લઈ જઈશ. જ્યાં સપનાંની એક અલગ દુનિયા છે. તેને પૂરાં કરવાં આંખોમાં એક જુનૂન છે. પરિવાર સાથે પણ બગાવત કરી જવાની હિંમત છે. દુનિયાની વાતોથી પરે રહીને સપનાંની સફર ખેડવાની ઈચ્છા છે. જેમાં સપનું હકીકતથી પરે છે. તો સપનામાં જ હકીકત સિદ્ધ થતી જોવાં મળે છે. કેટલીયે મુસીબતો, દુનિયાની કડવી વાતો, પરિવાર સંબંધી તાણાવાણા બધાંથી પરે રહીને એક નવી સફર ખેડવાનો ઉત્સાહ છે. એક એવું સફર જેનો કોઈ અંત નથી. એ સપનાંની સફરમાં જ સપનાંનો રાજકુમાર પણ છે. સપનાનાં રાજકુમારની વાત આવે એટલે દરેક છોકરીની આંખમાં એક ચમક આવી જાય છે. તેણે પોતાનાં સપનાનાં રાજકુમાર એટલે કે પોતાનાં ભાવિ પતિને લઈને ઘણાં સપનાંઓ જોયાં હોય છે. તેની સાથે એક અલગ સફર પર જવાં માટે, જીંદગીને અનેક ખુશીઓ સાથે જીવવા માટે ઘણાં અરમાનો સજાવી રાખ્યાં હોય છે. જે બંધનમાં બંધાયાં પછી છોકરીની જીંદગી એક નવી જ દિશા પકડી લેતી હોય છે. એ બંધનને લઈને તેણે ભવિષ્યનાં ઘણાં સપનાંઓ પોતાની આંખોમાં સજાવ્યાં હોય છે. એ સપનાંની દુનિયા જ્યારે હકીકત બની જાય.‌ ત્યારે દુનિયાની કોઈ પણ છોકરીને ખૂબ જ ખુશી થતી હોય છે. જેનો અંદાજો કોઈ વ્યક્તિ નાં લગાવી શકે.
આ કહાની પણ એક એવી જ છોકરીની છે. જેણે પોતાનાં સપનાનાં રાજકુમારને બંધ આંખોએ સપનામાં જોયો છે. બસ તેને જ મળવાં એ કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. જેની સાથે જ એક એવાં સફરની શરૂઆત છે. જેનો કોઈ અંત નથી. એકબીજાને મળ્યાં પછી સપનું પૂરું થયાનાં એક સુખદ અંત પછી પણ એક નવી શરૂઆત છે.

તો આવો સાથે મળીને આ અનંત સફરનો આનંદ માણીએ. તો અંત સુધી બન્યાં રહો મારી સાથે..અને વાંચતા રહો મારી નવી નવલકથા અનંત સફરનાં સાથી. કેમ કે દરેક કહાનીની અંદર એક બીજી કહાની છુપાયેલી હોય છે. અને તેને અમુક લોકો જ સમજી શકે છે. અને જે વ્યક્તિ સમજી જાય. એ વ્યક્તિને સમજી શકવો દુનિયાની કોઈ પણ વ્યક્તિ માટે સરળ નથી હોતું.અનંત સફરનાં સાથી


૧.સપનું

"મેરે ખ્વાબો મેં જો આયે, આકે મુજે છેડ જાયે, કભી કહો ઉસે સામને તો આયે..." નીલકંઠ વિલા....જેની શરૂઆત કંઈક આવાં જ ગીતોથી થતી. રોજ સવારે રાધિકા આવાં ગીતો વગાડીને, બેડ પર ચડીને ડાન્સ કરતી. ડાન્સની શોખીન એવી રાધિકા ડાન્સમાં જ પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. જે આજ સુધી બન્યું ન હતું.
"આયે..હાયે...આ એક નામ કાનમાં પડતાં જ મારી તો સવાર બની જાય છે." લાંબા રેશમી વાળ જેને નીચેથી થોડાં બ્રાઉન કરેલાં હતાં. તેને પાછળથી આગળની તરફ લેતાં જ રાહીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.
"આવું સપનું દર સોમવારે જ મને કેમ આવે છે. એ તો આજ સુધી નાં જાણી શકી. પણ આ સપનું મારો દિવસ સુધારી દે છે. શિવ...આ એક નામથી મારાં દિલનાં તાર ઝણઝણી ઉઠે છે. કોણ છે આ શિવ? ક્યારે મળશે મને? માત્ર નામનાં સહારે તેને શોધવો મુશ્કેલ છે. મેં તેનો ચહેરો પણ નથી જોયો. હાં, આછો પાતળો ચહેરો ક્યારેક દેખાઈ જાય છે. પણ તેને મળું છું પણ ક્યાં!? સપનામાં..! ખેર, હું પણ રાહી સિનોજા છું. ગ્રેટ એન્ડ ફેમશ ફેશન ડિઝાઈનર, મારાં માટે બધું સરળ છે. હું તેને શોધી કાઢીશ. મારાં નામ માત્રથી જ લોકો મારાં વખાણ કરતાં નથી થાકતાં. પણ મારે તો એકવાર તેનાં મોંઢે મારાં વખાણ સાંભળવા છે." રાહી તકિયાને બાથ ભરીને બોલતી રહી.
"તારાં નહીં તારાં કપડાંની ડિઝાઈનના વખાણ કરે છે લોકો. તો સપનાંની દુનિયામાંથી બહાર આવીને એક નજર સમય ઉપર પણ કરી લે." રાહી ખુદની સાથે વાતોમાં વ્યસ્ત હતી. એવામાં ગૌરીબેને આવીને કહ્યું. તેમણે રાહીની ગ્રીન ટી ટેબલ પર મૂકી અને જતાં રહ્યાં.

રાહી અમદાવાદની સૌથી મોટી ફેશન ડિઝાઈનર હતી. જે હંમેશા સપનાંની દુનિયામાં ખોવાયેલી રહેતી. તેને એક શિવ નામનાં છોકરાનું સપનું આવતું.‌ જે દર સોમવારની સવારે સપનામાં આવીને તેને પ્રપોઝ કરતો. પચ્ચીસ વર્ષની રાહી એ એક નામ પાછળ પાગલ હતી. જ્યારે ગૌરીબેન તેનાં આ સપનાનાં લીધે પરેશાન રહેતાં. સોમવારનો દિવસ તેમનાં માટે બહું કપરો જતો.
ગૌરીબેન સિનોજા, મોટી છોકરી રાહી અને નાની છોકરી રાધિકાના વ્હાલા મમ્મી. બબ્બે દિકરીઓના માતા ગૌરીબેન તેમની લાડકી દિકરીઓને બહું પ્રેમ કરતાં. જ્યારે તેમની બંને લાડકી દીકરીઓએ બનાવેલી સપનાંની દુનિયાથી તેમને ખૂબ ડર લાગતો.
"એ કહું છું. નાસ્તો બની ગયો હોય. તો ટેબલ પર લગાવો. મારે દુકાને જવામાં મોડું થાય છે." મહાદેવભાઈએ આવીને કહ્યું.
મહાદેવભાઈ સિનોજા, ગૌરીબેનના પતિ પરમેશ્વર અને રાધિકા સહિત રાહીના પપ્પા. આખાં ઘરની ડોર તેમનાં જ હાથમાં હતી. વર્ષોથી ઘર અને બબ્બે દુકાન તેમણે જ સંભાળી હતી. એક સાડીઓનો શોરૂમ અને બીજી મીઠાઈની દુકાન એ એકલાં હાથે ચલાવતાં. એમાંથી જ તેઓ આ ઘર ચલાવતાં. રાહી અમદાવાદની સૌથી મોટી ફેશન ડિઝાઈનર હતી. પણ મહાદેવભાઈએ આ ઘરનો બોજ હજી પણ પોતાનાં સિરે જ રાખ્યો હતો.
ગૌરીબેન મહાદેવભાઈને ચા નાસ્તો આપી ગયાં. મહાદેવભાઈ એક હાથમાં ન્યૂઝ પેપર અને બીજાં હાથમાં ચાનો કપ લઈને બધી મોટાં અક્ષરે છપાયેલી ખબરો વાંચવા લાગ્યાં.
"દાદી...દાદી...કેમ છો તમે?" રાહીએ તૈયાર થઈને દોડતાં દોડતાં આવીને તેનાં વ્હાલા દાદીને ગળે લગાવતાં કહ્યું.
"લાગે છે આજે પણ‌ તને એનું સપનું આવ્યું છે." માળા ફેરવી રહેલાં દાદીએ એક આંખ ખોલીને ધીરેથી કહ્યું.
"હાં દાદી, તમે સાચું કહ્યું." રાહીએ સ્માઈલ આપતાં કહ્યું.
પાર્વતીબેન સિનોજા.. મહાદેવભાઈના બા(મમ્મી), ગૌરીબેનના સાસુ અને રાધિકા, રાહીના રોક્સ દાદી. રાહી અને રાધિકા બંનેનું પાર્વતીદાદી સાથે સારું એવું બોન્ડિંગ હતું. જે વાત મહાદેવભાઈને કંઈ ખાસ પસંદ ન હતી. તેની પાછળ પણ એક લાંબી કહાની હતી.

"મમ્મી, મારાં કોર્ન ફ્લેક્સ આપોને." સીડીઓ ઉતરીને આવી રહેલી રાધિકાએ કહ્યું.
મહાદેવભાઈને ડાઇનિંગ ટેબલની ચેર પર બેસેલા જોઈને રાધિકા ધીરેથી તેમનાથી બે ચેરનુ અંતર રાખી ત્રીજી ખુરશી પર બેસી ગઈ. ગાયત્રીબેન આવીને રાધિકાને કોર્ન ફ્લેક્સ આપી ગયાં. તે નજર નીચી રાખીને ખાવાં લાગી. બરાબર સાડા આઠના ટકોરે મહાદેવભાઈનો દુકાને જવાનો સમય થતાં તેઓ નીકળી ગયાં. તેમનાં જતાંની સાથે જ રાધિકાએ એક ઉંડો શ્વાસ લીધો.
રાહી અને દાદી વચ્ચે કંઈક વાતચીત ચાલી રહી હતી. રાધિકા એ તરફ નજર કરીને કોર્ન ફ્લેક્સ ખાવાં લાગી. તેને કોલેજ જવામાં મોડું થતું હતું.
"બેટા, તું તારાં પપ્પાને ઓળખે છે. તો એ એક સપનાંને એટલું મહત્વ કેમ આપે છે. તારાં ફેશન ડિઝાઈનર બનવાનાં સપનાંને લીધે તે ઘણીવાર તારાં પપ્પા સાથે ઝઘડો કર્યો છે. કારણ કે તેમને લાગતું ફેશન ડિઝાઈનરમા તારું કોઈ કરિયર નથી. છતાં તે તેમની વિરુદ્ધ જઈને તે સપનું સાકાર કરવાં રાત-દિવસ એક કર્યા. આખરે તું ફેશન ડિઝાઈનર બની પણ ગઈ. માત્ર ફેશન ડિઝાઈનર નહીં અમદાવાદની ટોપ ફેમશ ફેશન ડિઝાઈનર બની ગઈ. પણ..."
દાદી આગળ કંઈ કહે એ પહેલાં જ રાહીએ તેમની વાત વચ્ચે જ કાપતાં કહ્યું, "તમે કહેવા‌ શું માંગો છો. જે હોય તે ટૂંકમાં કહી દો. વાતને લાંબી કરીને કોમ્પલિકેટેડ નાં બનાવો."
"તે ફેશન ડિઝાઈનરનુ સપનું જોયું. એ ખુલ્લી આંખોએ જોયું હતું. તારી મંઝિલ ક્યાં છે. તારે ક્યાં રસ્તે જવાનું છે. તારું લક્ષ્ય શું છે. એ બધું તું જાણતી હતી. એટલે તારું એ સપનું સાકાર થયું. જ્યારે તું બંધ આંખોએ જે શિવનું સપનું જુએ છે.‌ તેની મંઝિલ, રસ્તો, લક્ષ્ય કંઈ પણ તને ખબર નથી. તો તું તેને કેવી રીતે શોધીશ?" દાદીમાએ માળા મંદિરમાં મૂકતાં કહ્યું.
"બસ દાદી, મારું લક્ષ્ય શિવને શોધવાનું છે. મારી મંઝિલ શિવ છે. મારે તેનો હાથ પકડીને એ રસ્તે આગળ વધવાનું છે. જે રસ્તે એ મને લઈ જાય. રહી વાત પપ્પાની તો જેમ ફેશન ડિઝાઈનર બનીને મેં તેમને વિશ્વાસ અપાવી દીધો, કે મારું સપનું એ જ મારું કરિયર છે. તેમ શિવને પણ એક દિવસ શોધીને હું તેમને બતાવી દઈશ, કે શિવનું સપનું જ મારું ભવિષ્ય છે. તમને યાદ નાં હોય. તો એ પણ જણાવી દઉં. કે ફેશન ડિઝાઈનરનુ સપનું ખુલ્લી આંખોએ જોયાં પહેલાં તેને મેં બંધ આંખોએ જ જોયું હતું." રાહીએ દાદીને ફરી ગળે લગાવતાં કહ્યું.
"તો તારું ભવિષ્ય મોટી મુસીબતમાં છે. એ વાત પણ તું સમજી લે." અચાનક જ દરવાજે ઉભેલાં મહાદેવભાઈએ કહ્યું.
તેમનો અવાજ સાંભળી આખાં ઘરમાં કોઈને પણ અંદર સુધી હચમચાવી દે. એવી નિરવ શાંતિ પ્રસરી ગઈ. મહાદેવભાઈ અંદર આવ્યાં. તેમણે પોતાનો ટેબલ પર પડેલો મોબાઈલ લીધો. અને દરવાજાની વચ્ચે ઘરની અંદરની તરફ પીઠ બતાવી ઉભાં રહીને કહ્યું, "ફેશન ડિઝાઈનર બનવાનું સપનું એ તારી જીદ્દ હતી. જે તે મહેનતથી પૂરી કરી. જ્યારે બંધ આંખોએ ભર નિદ્રામાં સપનામાં જોયેલાં શિવને શોધવો એ તારી નાદાની છે. અને નાદાની ઉપર લોકો હસે છે. એ ક્યારેય કોઈને કંઈ જ આપતી નથી. બસ તમારું ઘણું એવું છીનવી લે છે. જે તમારાં માટે જરૂરી હોય."
મહાદેવભાઈએ 'છીનવી લે છે' એ વાક્ય પર કંઈક વધારે પડતો જ ભાર આપ્યો. તેમની વાતથી બધાનાં ચહેરા ગંભીર થઈ ગયાં. પણ રાહી એમ જ અડિગ ઉભી હતી. ફેશન ડિઝાઈનર બનવા સુધીની સફર તેણે જે મુશ્કેલીઓથી પાર કરી હતી. તેનો સામનો કર્યા પછી તેનામાં એક અલગ જ જોશ આવી ગયો હતો. જે કોઈ પણ વ્યક્તિનાં બે કડવાં કે ગુસ્સા ભરેલાં વેણથી ઓછો થાય એમ ન હતો.
મહાદેવભાઈ જતાં રહ્યાં. તો રાહી પણ પોતાનાં રૂમમાં જઈને પર્સ લઈને પોતાનાં બુટિક પર જવા નીકળી ગઈ. જ્યાં તે કપડાં અને તેની ડિઝાઈન બનાવતી. રાહીને નાસ્તો કર્યા વગર જ જતી જોઈને ગૌરીબેન, રાધિકા અને દાદીમા ત્રણેયને બહું તકલીફ થઈ. પણ એય બિચારાં શું કરે!? મહાદેવભાઈ આગળ એકલી રાહી જ બોલી શકતી. કારણ કે તેને એક જગ્યાએ ઉભા રહીને દુનિયાને આગળ વધતાં નહતી જોવી. તેને તો‌ દુનિયાની સાથે આગળ વધવું હતું. પોતાની મંઝિલ સુધી પહોંચવું હતું. એક એવું સફર ખેડવું હતું. જેનો કોઈ અંત જ નાં હોય.

રાહી પોતાનાં બુટિક પર આવી પહોંચી. તેનો દરવાજો ખુલતાં જ કેટલાંય અલગ અલગ પ્રકારનાં કપડાઓ પૂતળાને પહેરાવીને તો લટકાવીને રાખેલાં હતાં. એ રાહીની નજરે ચડ્યાં. રાહી એ બધાં કપડાં પર હાથ ફેરવતી પોતાની કેબિનમાં ગઈ. તેની આંખમાંથી એક આંસુ ટેબલ પર સરકી પડ્યું. તેણે આ ઉપલબ્ધી સુધી પહોંચવા ઘણી મહેનત કરી હતી. પોતાનાં જ પપ્પા સાથે બગાવત કરી હતી. હવે ફરી બીજાં સપનાં માટે પણ રાહી એ જ કરી રહી હતી.
"મેમ, હું અંદર આવી શકું?" દરવાજે ઉભી રચનાએ પૂછ્યું. રાહીએ એ તરફ નજર કરી. તેણે ડોક હલાવી રચનાને અંદર આવવાં કહ્યું.
"મેમ, આ ઓર્ડર ચેક કરી લો. આ લહેંગો પ્રેરણાના લગ્ન માટે મોકલવાનો છે." રચનાએ એક‌ મોટું બોક્ષ રાહી સામે મૂકતાં કહ્યું.
રાહી એ બોક્ષ ખોલીને લહેંગો જોવાં લાગી. બધું પરફેક્ટ હતું. રાહીએ જ એ લહેંગાની ડિઝાઈન તૈયાર કરી હતી. લહેંગો પણ તેણે જ બનાવ્યો હતો. લહેંગો જોઈને રાહીએ એક ઉંડો શ્વાસ લઈને ફરી બોક્ષ બંધ કરી દીધું.
આ લહેંગો પ્રેરણાના લગ્ન માટે તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રેરણા અમદાવાદનાં સૌથી મોટાં બિઝનેસમેનની છોકરી છે. તેણે અત્યાર સુધી રાહીએ ડિઝાઈન કરેલાં જ કપડાં પહેર્યા હતાં. જેનાં લીધે પોતાનાં લગ્નનાં લહેંગાનો ઓર્ડર પણ તેણે રાહીને જ આપ્યો હતો.

"બધું બરાબર છે.‌ લહેંગો કેતનના હાથે પ્રેરણાના ઘરે પહોંચાડી દે." રાહીએ કહ્યું.
"પણ...મેમ, પ્રેરણા મેડમે તમને ખુદ લહેંગો આપવા કહ્યું હતું." રચનાએ થોડાં અચકાતાં અવાજે કહ્યું.
"જો રચના તું મારી સેક્રેટરી જ નહીં. મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. તો હું એકલી હોય. ત્યારે પહેલાં તો‌ આ મેમ.. મેમ.. કહેવાનું રહેવા દે. બીજું હું પ્રેરણાની ઘરે નહીં જઈ શકું. એ તું અને પ્રેરણા તમે બંને જાણો છો. તો શાં માટે વારેવારે એક જ વાત કરો છો." રાહીએ થોડાં ગંભીર અવાજે કહ્યું.
રચના રાહીને પરેશાન જોઈને લહેંગો લઈને જવાં લાગી. તો રાહીએ તેને રોકતાં કહ્યું, "મેં પ્રેરણા માટે લહેંગો બનાવ્યો. તેને મોકલાવ્યો એ વાત મારી ઘરે કોઈને ભૂલથી પણ ખબર નાં પડવી જોઈએ. લહેંગાના બોક્ષ પર આપણાં બુટિકનુ સ્ટીકર પણ નાં લગાવતી."
રચના રાહીની વાત પૂરી થતાં લહેંગો લઈને નીકળી ગઈ. રાહી ફરી ઉંડા વિચારોમાં ખોવાઈ ગઈ. કાચનાં બનેલાં આરપાર જોઈ શકાય એવાં દરવાજામાંથી રચના બહારની તરફ ઉભાં રહીને પણ કેબિનની અંદર બેઠેલી રાહીને જોઈ શકતી હતી.
"આજે ફરી અંકલે કંઈક કહ્યું લાગે છે." રચના રાહીને પરેશાન જોઈને મનોમન જ બોલી ઉઠી. તેણે લહેંગો કેતનના હાથે પ્રેરણાની ઘરે મોકલાવી દીધો. છેલ્લાં એક વર્ષથી આ જ રીતે ચોરીછૂપીથી પ્રેરણા માટે રાહીના બુટિકમાથી કપડાં જતાં. રાહી દર વખતે બોક્ષ પર સ્ટીકર લગાવવાની નાં પાડતી. જ્યારે બુટિકનો આખો સ્ટાફ હવે આ વાત જાણી ચૂક્યો હતો. તો રચનાએ કોઈને કંઈ સમજાવવાની જરૂર નાં રહેતી.

રચના કેતનના ગયાં પછી પોતાનાં કામે વળગી. રાહી પણ જૂની કડવી યાદો પરથી મન હટાવીને કામમાં મન પરોવવાની કોશિશ કરવાં લાગી. જ્યારે રાહી પરેશાન હોય. ત્યારે ઘણાં બધાં ડિઝાઈન બનાવી લેતી. આજે પણ એવું જ થયું.
"કોફી કે ચા?" રચનાએ રાહીને છેલ્લાં પાંચ કલાકથી કામમાં ડૂબેલી જોઈને તેની કેબિનમાં આવીને પૂછ્યું.
"કોફી ચાલશે." રાહીએ રચના સામે જોયાં વગર જ કહ્યું.
રચના થોડીવારમાં બે કોલ્ડ કોફી લઈને રાહીની કેબિનમાં આવી પહોંચી. રાહી હજું પણ કામમાં જ વ્યસ્ત હતી.
"હવે બસ કર. બહું કર્યું કામ." રચનાએ ડિઝાઈનના પેપર સંકેલીને એક તરફ મૂકી દીધાં. રાહીએ એક નજર રચના તરફ કરી. રચનાએ તેનાં હાથમાં ટેબલ પર પડેલો કોફી મગ પકડાવી દીધો. રાહીએ એમાંથી એક ઘૂંટ ભર્યો.
"આજે ફરી અંકલે કંઈ કહ્યું?" રચનાએ ક્યારનો તેને સતાવી રહેલો સવાલ આખરે પૂછી જ લીધો.
"હાં, હવે તો આદત પડી ગઈ છે. જ્યાં સોમવાર મારાં માટે ખુશીનો દિવસ હોય. ત્યાં આ જ દિવસ પપ્પા ગુસ્સામાં કાઢે છે. કંઈ સમજાતું નથી શું કરું." રાહી આંખો બંધ કરીને બેસી ગઈ.
"એક વર્ષથી તું એ સપનું જુએ છે. યાર..કોઈ છોકરાંને નામ માત્રથી શોધવો સહેલું નથી. આમેય શિવ નામથી અંકલને કંઈક વધારે પડતી જ નફરત છે. એ તું જાણે છે. તો ફરી એ જ નામ પાછળ તું પાગલ બનીને ફરે. એ કેમ કરી તે બરદાસ્ત કરી શકે." રચનાએ રાહીને સમજાવવાના ઈરાદાથી કહ્યું. પણ રાહીને ગુસ્સો આવી ગયો.
"મેં જ્યારે ફેશન ડિઝાઈનરનુ સપનું જોયું.‌ ત્યારે પણ બધાં મને કંઈક આવી જ રીતે સમજાવતાં. પણ હું અડગ રહી. એટલે આજે હું આ જગ્યા પર બેઠી છું. એવી જ રીતે હું શિવને પણ શોધી લઈશ. ક્યારેક તેની આંખ, ક્યારેક અવાજ તો ક્યારેક માત્ર પડછાયો જોયો છે. આછો પાતળો ચહેરો પણ જોયો છે. એ બધું એકઠું કરતાં હું શિવને પણ શોધી લઈશ. એક જ નામની હજાર વ્યકિત હોય છે. એ નામનો એક વ્યક્તિ દગો આપે. તો બધાં એવાં હોય. એ જરૂરી નથી. આમ પણ શિવમ્..." કહેતાં કહેતાં રાહી અટકી ગઈ. તેનાં ગળે ડૂમો ભરાઈ ગયો.
રાહી એક એક દિવસ નવી નવી જંગ લડતી. છતાંય ક્યારેય થાકતી નહીં. તકલીફ તેને પણ થતી. દિલ તેનું પણ તૂટતું. આંસુ તેનાં પણ વહેતાં. પણ કોઈ તેને સમજવાની તેનો સાથ આપવાની કોશિશ જ નાં કરતું. રાહીએ અહીં સુધી પહોંચવા ઘણું બધું ગુમાવ્યું હતું. જેની તેણે ક્યારેય કોઈ શિકાયત કરી ન હતી. છતાંય કોઈએ તેની તકલીફ જાતે સમજવાની કોશિશ નાં કરી.
રાહીને એ હાલતમાં જોઈને રચનાએ તેને પોતાનાં ગળે લગાવી લીધી. રાહી થોડીવાર રચનાને વળગીને રડી. પછી જાતે જ શાંત થઈ ગઈ. તેને શાંત થવું પડ્યું. આજે તેની પાસે બધું હતું. દોલત, શોહરત, ઈજ્જત બધું હોવાં છતાંય એ એકલી હતી. કારણ કે મહાદેવભાઈએ તેનો એક પણ રૂપિયો ઘરની જરૂરિયાતોમાં વાપરવાની મનાઈ કરી હતી. જેનું કારણ રાહી તેમની નાં હોવાં છતાં ફેશન ડિઝાઈનર બની એ હતું.

"આઈ એમ સોરી. મને માફ કરી દે. મારે તારો સાથ આપવાનો છે. ને હું તને જ સમજાવવામાં લાગી ગઈ." રચનાએ રાહીનો હાથ પોતાનાં હાથમાં લઈને કહ્યું.
"ઈટસ્ ઓકે." રાહીએ સ્માઈલ કરતાં કહ્યું.
રાહી આટલાં સમયમાં એટલું તો સમજી ગઈ હતી. કોઈ આવીને તમારો સહારો નહીં બને. અમુક સમયે તમારે જાતે જ તમારી જાતને સંભાળવી પડશે. રાહી પણ એ જ કરતાં શીખી ગઈ હતી.
"તો આજે આઈસ્ક્રીમ પાર્ટી થઈ જાય!? આજે ખુશીનો દિવસ પણ છે. એ તો તું જાણે જ છે." રચનાએ કહ્યું.
"હાં, જરૂર. આજે પ્રેરણાના લગ્ન છે. તેનાં લગ્નની મીઠાઈ નાં સહી મોટેરાના હેવમોરનુ આઈસ્ક્રીમ તો ખાવું જ પડે." રાહીએ ચહેરા પર સ્માઈલ સાથે કહ્યું.
રાહીને ત્યાંનું આઈસ્ક્રીમ બહું પસંદ હતું. રાહી અવારનવાર રચના સાથે ત્યાં આઈસ્ક્રીમ ખાવાં પહોંચી જતી. એ આઈસ્ક્રીમ પાર્લર રાહીના બુટિકથી નજીક પણ હતું. આઈસ્ક્રીમ શબ્દ કાને પડતાં જ રાહી ફરી ખુશ થઈ ગઈ. એ નાની-નાની વાતમાં ખુશી શોધતાં શીખી ગઈ હતી.

રાતનાં દશ વાગ્યે બુટિક બંધ કરીને રાહી રચના સાથે આઈસ્ક્રીમ ખાવાં નીકળી પડી. બંને ચાલીને જ હેવમોર આઈસ્ક્રીમ પાર્લર પર પહોંચી ગઈ. રાહી ત્યાં જઈને ધડામ કરતી ટેબલ પર બેસી ગઈ.
"વન હેવમોર કુલ્ફી સિગ્નનેચર ટબ આઈસ્ક્રીમ" રચનાએ જઈને ઓર્ડર આપ્યો.
આઈસ્ક્રીમ આવતાં જ બંને જણી આઈસ્ક્રીમ પર તૂટી પડી. રાહી તો ઉમમ..આહહ..કરતી કરતી ખાતી હતી. તેનાં અવાજો સાંભળી આઈસ્ક્રીમ પાર્લરવાળા ભાઈ પણ હસતાં હતાં. રાહી દર વખતે આવી જ નોટંકી કરતી. રાહીને આખું અમદાવાદ ઓળખતું. એમાં આ જગ્યા સાથે રાહીની ઘણી જૂની યાદો જોડાયેલી હોવાથી રાહીને આ જગ્યા પ્રત્યે એક અલગ જ લગાવ હતો.
"દીદી,‌ મારું આઈસ્ક્રીમ?" મેલું ઘેલું ફ્રોક પહેરેલી એક નાની છોકરી રાહી પાસે આવીને માસૂમ ચહેરો બનાવીને ઉભી રહી ગઈ.
"તને કેમ ભૂલી શકું. ભાઈ, આને જે આઈસ્ક્રીમ જોઈતું હોય. એ આપી દો. અને.."
"પૈસા તમે આપશો." ભાઈએ રાહીનું અધૂરું છોડેલુ વાક્ય પૂરું કરતાં કહ્યું. રાહી હસી પડી. પેલી સાત વર્ષની છોકરી આઈસ્ક્રીમ લઈને રાહી પાસે આવી‌. તેનાં ચહેરા પર આઈસ્ક્રીમ મેળવી લીધાનું નિર્દોષ હાસ્ય રમતું હતું.
"થેંકુ દીદી, ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે." એ છોકરી રાહીને માસૂમિયત ભરેલાં આશીર્વાદ આપીને ભાગી ગઈ. તેને થેંક્યું કહેતાં પણ રાહીએ જ શીખવ્યું હતું. તે થેંક્યું બોલતાં તો નાં શીખી શકી. પણ થેંક્યુંનુ થેંકુ કહી દેતી. રાહી જ્યારે પણ‌ અહીં આવતી. એ છોકરી ગમે ત્યાંથી અહીં આવી પહોંચતી.
"ભોલેનાથ કરે તારાં આ આશીર્વાદ કોઈ દિવસ તો મને પણ ફળે." રાહીએ મનોમન કહ્યું. પછી ફરી આઈસ્ક્રીમ ખાવાં લાગી.
આઈસ્ક્રીમ ખતમ કરીને બિલ પે કરીને રાહી રચના સાથે જ પગપાળા ચાલીને બુટિક પર પહોંચી. રાતે અમદાવાદનો નજારો જ કંઈક અલગ જોવાં મળતો.‌ ચારેતરફ બધી દુકાનો અને રોડ પર રોશની છવાઈ જતી. ઉપર તારાં ભરેલું આકાશ અને નીચે લાઈટોના પ્રકાશથી અમદાવાદ રોશન થઈ ઉઠતું. બુટિક પર પહોંચીને રાહી તેની કારમાં તો રચના તેની એક્ટિવા પર સવાર થઈને ઘરે જવા નીકળી ગઈ. રાહીએ કારમાં મ્યુઝિક સિસ્ટમ પર રોમેન્ટિક ગીતો વગાડવાનું શરૂ કરી દીધું. 'આપકી નજરો ને સમજા, પ્યાર કે કાબિલ હમેં' એ ગીતનાં સથવારે રાહી ઘરે પહોંચી ગઈ.
મહાદેવભાઈ તો ક્યારના જમીને સુઈ ગયાં હતાં. દાદી અને ગૌરીબેન બે જ જાગતાં હતાં. રાહીના આવતાં જ ગૌરીબેન જમવાનું માઇક્રોવેવમાં ગરમ કરીને ટેબલ પર લગાવવા લાગ્યાં.

ગૌરીબેને જમવાનું ટેબલ પર લગાવી દીધું. તો રાહી જમવા બેસી ગઈ. રાહી આવતી ત્યાં સુધીમાં બધાં જમીને સુઈ જતાં. એક દાદી અને ગૌરીબેન બે જ રાહીની રાહ જોઈને બેસી રહેતાં. દાદીને દવા લેવાની હોય. એનાં લીધે એ જમી લેતાં. પણ ગૌરીબેન રાહીની સાથે જ જમતાં. આજે પણ તે રાહીની રાહમાં ભૂખ્યાં જ બેઠાં હતાં.
"આ લે તું પણ મારી સાથે જમી લે. મને ખબર છે મારી રાહમાં તું પણ ક્યારની ભૂખી હતી." રાહીએ એક કોળિયો ગૌરીબેન તરફ લંબાવતા કહ્યું.
ગૌરીબેન મહાદેવભાઈની બધી વાત માનતાં. જ્યારે રાહીને એકલી મૂકીને જમી લેવાની વાત પર તેમણે ક્યારેય સહમતી નાં આપી. રાહી અને મહાદેવભાઈ વચ્ચે જ્યારથી એક માનસિક દૂરી કાયમ થઈ ગઈ. ત્યારથી ગૌરીબેને રાહીને જમાડ્યા વગર જમવાનું નહીં. એવો મનોમન નિર્ણય કરી લીધો હતો.
ગૌરીબેન રાહીને જમતી જોઈને ઉંડા વિચારોમાં સરી પડ્યાં. જ્યારે આ ઘરમાં રાહીની મહાદેવભાઈ સાથે પહેલીવાર લડાઈ થઈ હતી.‌ રાહીથી ભૂખ સહન નાં થતી. છતાંય તે સતત બે દિવસ અને બે રાત સુધી ભૂખી રહી હતી. જેનું કારણ મહાદેવભાઈ સાથેની લડાઈ હતું.

*****

રાહી સવારે ઉઠીને સીડીઓ ઉતરી રહી હતી. ત્યારે અચાનક તેને ચક્કર આવતાં તે પડી ગઈ.‌ તેનાં માથા પર ઉંડી ઈજા થઈ. લોહીથી લથબથ રાહીને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
"સતત બે દિવસ અને બે રાત સુધી ભૂખ્યાં રહેવાનાં લીધે ચક્કર આવી ગયાં હતાં. માથામાં ઈજા થઈ છે. જેની સારવાર કરીને ગ્લુકોઝ ચડાવવાનું ચાલું કરી દીધું છે. સાંજ સુધીમાં ભાનમાં આવી જશે." ડોક્ટરે રાહીની સારવાર દરમિયાન જે જાણવાં મળ્યું. એ આવીને કહ્યું.
રાહી શાં માટે ભૂખી હતી. તેનું કારણ ગૌરીબેન જ જાણતાં હતાં.‌ તેમણે મહાદેવભાઈને એ બાબતે ઘણું સમજાવ્યાં. રાહી હોસ્પિટલમાં હતી. ત્યાં સુધી મહાદેવભાઈ કંઈ નાં બોલ્યાં. થોડાં દિવસ ઘરમાં શાંતિ રહી. એ દિવસ પછી રાહી અને મહાદેવભાઈ વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યાં. જે આજ સુધી ચાલું હતાં.

"મમ્મી, શું થયું?" રાહીના હાથનો સ્પર્શ પોતાનાં ખંભા પર અનુભવતાં ગૌરીબેન ફરી વર્તમાનમાં આવ્યાં.
"કંઈ નહીં." ગૌરીબેન એટલું કહીને પરાણે સ્માઈલ આપી ઉભાં થઈ ગયાં.
રાહીએ જ્યારથી પોતાની ઈચ્છાઓ ઘરમાં રજુ કરવાનું શરૂ કર્યું. ત્યારથી આ બધું શરૂ થયું હતું. મહાદેવભાઈ અને રાહીના વિચાર ક્યારેય મળ્યાં નહીં. પરિણામે તેમની વચ્ચે ઝઘડાઓ વધવા લાગ્યાં. જેની વચ્ચે હંમેશાંથી ગૌરીબેન પીસાતા રહ્યાં.
રાહી જમીને પોતાનાં રૂમમાં જતી રહી. ટાઈટ જીન્સ અને કુર્તો કાઢીને તેણે પાયજામો અને લૂઝ ટી-શર્ટ પહેરી લીધું. રૂમની ખુલ્લી બારી સામે બેસીને રાહી ખુલ્લાં આકાશ તરફ જોવાં લાગી. એ સમયે તેનાં મોબાઈલની રિંગ વાગી. 'હાં તેરા ઇંતેજાર હૈ, કહાં કરાર હૈ, હૈ તેરી આસ હી દિલ કો, હાં બેશુમાર હૈ, બયાં કરું કૈસે.' ગીતની રિંગ ટોન સાંભળતાં જ રાહીએ તરત જ કોલ રિસીવ કર્યો.
"હાં, બોલ."
"તારે માર્ચ મહિનામાં બનારસ જવાનું છે. ત્યાં આપણી જે રેગ્યુલર કસ્ટમર અંકિતા મિશ્રા છે. તેનાં લગ્ન છે. તો તેણે તને મેઈલમાં તેનું વેડિંગ કાર્ડ મોકલ્યું છે. તું એકવાર જોઈ લેજે. તેનો લહેંગો પણ તારે જ ડિઝાઈન કરવાનો છે. બનાવવાનો પણ તારે જ છે. તેને લઈને જ તારે ૩ માર્ચ પહેલાં બનારસ જવાં નીકળવાનું છે." મોબાઈલમાં સામેના છેડે રહેલી રચના એક જ શ્વાસમાં બધું બોલી ગઈ.
"અરે જરાં બ્રેક લગાવ. તું તો સુપર ફાસ્ટ એક્સપ્રેસની જેમ બધું બોલી ગઈ. મારો જવાબ તો જાણી લે." રાહીએ હસીને કહ્યું.
"જવાબ તું અંકિતાને જ આપજે. તેણે કહ્યું છે, 'કોઈ વિચારવિમર્શ નાં જોઈએ. બસ ૩ માર્ચ પહેલાં તારે બનારસ પહોંચી જવાનું છે. પાંચ માર્ચે તેનાં લગ્ન છે. લગ્ન પહેલાંની બધી રસમમા તારે સામેલ થવાનું છે." રચનાએ ફરી બધી વાત એક સાથે કરી દીધી.
ફેબ્રુઆરી મહિનો તો ચાલું હતો. એ પણ ૨૮ જ દિવસનો હતો. જેમાં દશ દિવસ તો પહેલાં જ નીકળી ગયાં હતાં. રાહી પાસે ઘરમાં આ વાત કરવા માટે અઢાર દિવસ જ બચ્યાં હતાં. એટલાં દિવસમાં આખાં પરિવારને મનાવવો સરળ વાત ન હતી.
રાહીએ કંઈ કહ્યાં વગર કોલ કટ કરી નાખ્યો. રચના કંઈ સાંભળવાની નહીં માત્ર બોલવાની જ હાલતમાં હતી. તે અંકિતાને જાણતી હતી. રાહી સામે આજ સુધી રચનાનું કંઈ ચાલ્યું ન હતું. તો અંકિતા સામે રાહીનુ કંઈ ચાલ્યું ન હતું.
રાહી એક ઉંડો શ્વાસ લઈને લેપટોપ ઓન કરીને મેઈલ ચેક કરવાં લાગી. સૌથી ઉપર અંકિતાનો મેઈલ હતો. જે એક કલાક પહેલાં જ આવ્યો હતો. જેમાં તેનાં લગ્નનું ઇન્વિટેશન કાર્ડ હતું. ત્રણ તારીખે હલ્દી, ચાર તારીખે મહેંદી અને સંગીત તો પાંચ તારીખે તેનાં લગ્ન હતાં. છ તારીખે રિસેપ્શન હતું. જે બનારસમાં જ રાખવામાં આવ્યું હતું. અંકિતાનો થનારો પતિ અભિનવ ત્રિપાઠી બનારસનો જ હતો. જેનાં લીધે રિસેપ્શન બનારસમાં જ રાખવામાં આવ્યું હતું.
રાહીએ મેઈલ જોઈને એક ઉંડો શ્વાસ લીધો. તેની પાસે અઢાર દિવસ હતાં.‌ જેમાં પરિવારને મનાવવાનો, પેકિંગ કરવાની, ટિકિટ બુક કરવાની, બુટિકનુ પેન્ડિંગ કામ પૂરું કરવાનું જેવાં ઘણાં કામ તેને અઢાર દિવસમાં કરવાનાં હતાં. સાથે જ પહેલી માર્ચે જ તેને નીકળવાનું હતું. ત્યારે જ તે ત્રણ તારીખ પહેલાં બનારસ પહોંચી શકે એમ હતી.

રાહીએ લેપટોપ બંધ કરીને કેલેન્ડર હાથમાં લીધું. એમાં તે કેટલાં દિવસમાં કયું કામ ખતમ કરવું. એ નક્કી કરવાં લાગી. અમુક તારીખો પર લાલ માર્કર વડે રાઉન્ડ કરીને રાહીએ બુટિક, પેકિંગ, સફરની શરૂઆત એવાં અમુક શબ્દો લખ્યાં. અચાનક જ ૧૧ માર્ચ પર નજર પડતાં તેની નજર એ તારીખ પર ચોંટી ગઈ. એ દિવસ મહાશિવરાત્રીનો દિવસ હતો.
"સુના હૈ, બનારસ મેં બને કાશી કા મંદિર બારહ જ્યોતિર્લિંગો મેં સે સાતવા જ્યોતિર્લિંગ હૈ, વહાં જાકર ભોલેનાથ સે જો માંગો વો મિલ જાતા હૈ, ક્યાં પતા મુજે ભી..." બોલતાં બોલતાં રાહી અચાનક જ અટકી ગઈ. તેનાં ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. રાહી અત્યારથી જ બનારસની હિંદી ભાષા બોલવાં લાગી હતી. તેનાં પર બનારસનો રંગ ચડવા લાગ્યો હતો.
રાહી કંઈક વિચારીને બાજુમાં પડેલ નાઈટ લેમ્પના ટેબલ પર કેલેન્ડર મૂકીને, થોડીવાર આંખો બંધ કરીને સૂઈ ગઈ. તેનાં મગજમાં ઘણાં સવાલો ચાલી રહ્યાં હતાં. તેણે બનારસ જવાની તૈયારી કરી લીધી. સપનાં જોવાનું પણ શરૂ કરી દીધું. પણ એ બધું મહાદેવભાઈની પરમિશન વગર શક્ય ન હતું. એ વાત રાહી સારી રીતે જાણતી હતી.
અંકિતા સાથે બહું ઓછાં સમયમાં રાહીનો એક એવો સંબંધ બંધાઈ ગયો હતો. જેમાં અંકિતાને રાહીના લીધે કોઈ તકલીફ થાય. એવું રાહી ઈચ્છતી ન હતી. અંકિતા બ્રાહ્મણ પરિવારની હતી. તે રાજકોટનાં ગુજરાતી પરિવારની રહેવાસી હતી. જે છેલ્લાં બે વર્ષ પહેલાં જ તેનાં પપ્પાના બિઝનેસના કારણે પરિવાર સહિત બનારસ શિફ્ટ થઈ હતી.
અંકિતા ઘણાં સમયથી કહેતી. 'તારે મારાં લગ્નમાં બનારસ આવવાનું જ છે.' ત્યારે રાહી લાંબુ નાં વિચારીને એમ કહી દેતી, કે જ્યારે સમય આવશે. ત્યારે જોયું જાશે. આજે એ સમય આવી ગયો હતો. જ્યારે રાહી જવાં માટે તૈયાર તો હતી. પણ મહાદેવભાઈ કેવું રિએક્શન આપશે. એ વાતનો તેને ડર હતો.
સમય તેની રીતે ચાલતો રહે છે. આપણે આપણી ઈચ્છા પૂરી કરવા સમયનાં સથવારે ચાલવું પડે છે. છેલ્લાં એક મહિનાથી સમય આવ્યે જોયું જાશે એમ કહેવાવાળી રાહીએ એ જ વાક્યના સહારે એક મહિનો પસાર કરી દીધો. જ્યારે આજે બનારસ જવાનો સમય આવી ગયો. તો તેનાં મનને હજારો સવાલોએ ઘેરી લીધું.

(ક્રમશઃ)

Rate & Review

aayushi gohel

aayushi gohel 10 months ago

rimpal kevadiya

rimpal kevadiya 10 months ago

Nipa Upadhyaya

Nipa Upadhyaya 11 months ago

835 SUTHAR. MESHVA.

835 SUTHAR. MESHVA. 11 months ago

Arzoo baraiya

Arzoo baraiya 11 months ago

so intrasting 👍🥰