Confidence books and stories free download online pdf in English

વિશ્વાસ

ડૉ. ભૂમિ જોબનપુત્રા આજે ક્લિનિક પહોંચવામાં મોડા પડ્યા હતા. એક સફળ ગાયનેક સર્જન તરીકે તેમનું બહુ મોટું નામ હતું. આવતા જ બધા પેશંટ્સને તપાસતા લગભગ બે વાગી ગયા. તેમના આસિસ્ટન્ટએ એક અમંત્રણપત્ર અને તેની સાથે એક પત્ર ટેબલ પર મૂક્યો. ભૂમિ ને અક્ષર જાણીતા લાગ્યા.આતુરતાથી પત્ર ખોલ્યો . દિપક નામ વાંચતા જ એ હસમુખો અને માસૂમ ચહેરો તેની સામે આવી ગયો. તે આજથી પંદર વર્ષ પહેલાંની ઘટના આંખો સામે તરી આવી.
' ચોર ચોર ' નો અવાજ સાથે ભૂમિ રસ્તા પર ચાલતા પાછળ ફરી. એક મોટું ટોળું તેની તરફ ધસી આવી રહ્યુ હતું. ટોળું પસાર થતાં તેની પાછળથી એક નાનો છોકરો બ્રેડ ના પેકેટ સાથે બહાર નીકળ્યો. ભૂમિને કાકલૂદી કરતા કોઈને ન કહેવાની આજીજી કરવા માંડ્યો. ભૂમિને તેની દયા આવી અને તેનું નામ પૂછ્યું. 'દિપક' તે છોકરાએ જવાબ આપ્યો. ઊંચો, ઘઉંવર્ણો રંગ, મોટી આંખો પણ ચહેરા પરનું નૂર ગાયબ હતું. સાથે સાથે એણે જણાવ્યું કે પાસે આવેલી ઝૂંપડપટ્ટી જનતાનગરમાં રહે છે. ભૂમિએ તેને ચોરી કરવાનું કારણ પૂછ્યું.
'દીદી , ચાર દિવસથી ઘરમાં કોઈએ કંઈ ખાધું નથી. જે બેકરી પર કામ કરતો એના માલિકે છેલ્લા પાંચ દિવસથી મારી મજૂરીનો વારંવાર માંગવા છતાં એક પણ રૂપિયો આપ્યો નહિ એટલે આજે ભૂખથી તડપતા ભાઈ બહેનો માટે આ બ્રેડ લઈ જાવ છું.' દિપક બોલ્યો. ભૂમિ વિચારતી રહી. હજુ કાલે જ મમ્મી સાથે ખૂબ માથાકૂટ અને દલીલ કરી હતી. મિત્રો સાથે મળી અલગ અલગ પકવાન બહારથી મંગાવ્યા હતા, જે બાકી રહેતા મમ્મીએ બધું છેલ્લે જે સારું હતું એ કચરોવાળવા વાળા બેનને આપ્યું. આજે આ છોકરો બિચારો ચાર દિવસ ભૂખ્યો બ્રેડ લઈ જાય છે અને એ પણ વ્યવહારિક ગણીએ તો એની મજૂરી સ્વરૂપે તો એને ચોર તરીકે ગણી ને લોકો એની પાછળ પડ્યા છે.
ભૂમિથી વધારે કંઈ બોલાયુ નહિ. તેણે દિપકને ગાડીમાં બેસવા ઈશારો કર્યો. દિપક ને પણ પાછી આવતી ભીડ થી બચવું હતું એટલે એ પણ ચૂપચાપ ગાડીમાં બેસી ગયો. ભૂમિને જનતાનગરનો રસ્તો ખબર ન હતો એટલે દિપકએ બતાવેલા રસ્તે આગળ વધી. રસ્તામાંથી બ્રેડ સાથે ખાવા ભાજી અને બીજા થોડા બિસ્કિટ અને ચેવડાના પડીકા લીધા. જનતાનગરમાં તેનું ઘર રોડ પર જ હતું એટલે તેને ઘરના બારણાં પાસે ઉતાર્યો. દિપક તેનો ઘણો આભાર માની ઘર માં ગયો. તેને આવેલો જોઈ ઘરમાંથી ભૂમિને તેના નાના ભાઈ બહેનના અવાજ આવવા લાગ્યા સાથે એક સ્ત્રીનો અવાજ પણ સંભળાયો જે તેને કદાચ વઢી રહ્યો હતો. ભૂમિ ગાડી થોડી આગળ પાર્ક કરી દિપકના ઘર પાસે આવી. થોડી ઝીઝક સાથે બારણાંને ધક્કો મારી બારણાં વચ્ચે ઉભી રહી.
એક નાની ઓરડીમાં ચાર વ્યક્તિઓ રહેતી હતી. ભૂમિને જોઈ દિપકની મમ્મી જરા છોભીલી પડી ગઈ. દિપક તો માથું ઝુકાવી તેની મમ્મી વઢી રહી હતી તે સાંભળી રહ્યો હતો. અચાનક તેની નજર ભૂમિ પર પડી. પછી તેણે તેની મમ્મીને કીધું , "હું કહેતો હતો એ આ દીદી છે. તને વિશ્વાસ નથી આવતો તો આ બહેનને પૂછી લે. હું આ બધું ખાવાનું ચોરી કરી લાવ્યો નથી. " ભૂમિ આ સાંભળતા જ બોલી ઉઠી . " હા, આન્ટી દિપક સાચું કહે છે. આ બધું ખાવાનું મે જ એને અપાવ્યું છે. મહેરબાની કરી તમે એને કંઈ બોલશો નહિ. " દિપકની મા તો છોભીલી પડી ગઈ. એ આગળ કંઈ બોલી શકી નહિ.
ભૂમિ પણ એવી કંઈ અનુભવી વ્યક્તિ હતી નહિ. પણ તેણે વાતાવરણ હલકું બનાવવા વાત ચાલું કરી. વાતવાતમાં તેને ખબર પડી કે દિપકના બાપુજી વીસ દિવસ પહેલા અચાનક મૃત્યું પામ્યા. તેના આઘાતમાં બીમાર પડેલી દિપકની મા કોઈ કામ શોધવા જઈ શકી હતી નહિ. દિપકએ જેમતેમ કરી બેકરીમાં નોકરી મેળવી પણ માલિક પહેલા દિવસે સીધો ચાલ્યો. મજૂરીના પચાસ રૂપિયા એણે દિપકને આપ્યા પણ પછી બીજા દિવસથી કાલે કાલે કરી ચાર દિવસ સુધી કોઈ રૂપિયા આપ્યા નહિ. અને આજે........એમ બોલતાં તો દિપક ની મા ને ડૂમો ભરાઇ ગયો.
ભૂમિને કંઈ વધારે સૂઝયું નહિ. દિપક ને તેની સાથે બહાર આવવા ઈશારો કર્યો. દિપક બહાર આવે ત્યાં સુધી પોતાના ફેમીલી ડોક્ટર સાથે વાત કરી દવાઓ સમઝી લીધી. દિપક આવતા તેને બેસાડી પાસેની દવાની દુકાને થી જરૂરી દવાઓ , દૂધ અને બીજી જરૂરી વસ્તુઓ અપાવી પાછો તેના ઘરે છોડ્યો. તેની મા ને તેણે તે દવા લેવા અને જરૂરી સામાન પૂરો પાડ્યો તેને તેનું ઋણ ન સમજવા વિનંતી કરી અને બે દિવસ પછી પોતાનું સરનામું આપી ઘરે આવવા સમજાવી ત્યાંથી નીકળી ઘરે આવી.
ઘરે આવતા રસ્તામાં તે વિચારતી હતી કે તેણે ક્યારેય વિચાર્યુ ન હતું કે તે આ રીતે કોઈને મદદ કરશે. મમ્મીને બધી વાત કરી. મમ્મીને પણ લાગ્યુ કે હશે કોઈ ને ભૂમિ મદદ કરી આવી ગઈ. આજના સમયમાં ખાનદાની ક્યાં જોવા મળે છે! તેવું ભૂમિની મમ્મી વિચારી વાતત્યાં જ પડતી મૂકી.
બે દિવસ પછી બપોરના ઘરનો ડોર બેલ વાગ્યો. બારણું ખોલતાં સામે એક બહેન હતાં. તેમણે તેમની ઓળખાણ દિપકની મા તરીકે આપી. ભૂમિ ની મમ્મીએ તેમને અંદર આવવા વિનંતી કરી. તે તેમની સાથે નાના ડબ્બામાં ભૂમિ માટે ખીર બનાવી લાવ્યા હતા. તે પણ તેભૂમિ ની મમ્મીને આપતા ખચકાતા હતા. ભૂમિ ની મમ્મીએ એ ડબ્બો જોયો અને પ્રેમથી તેમને આપવા કહ્યુ. તેમણે ભૂમિ પોતાના રૂમમાં હતી તેને બોલાવી. ભૂમિ આવતા તેમણે તેના હાથમાં ડબ્બો મૂક્યો. દિપકની મા ને જોઈ તે ખુશ થઈ ગઈ અને પોતાની મમ્મી સાથે ઔપચારિક ઓળખાણ કરાવી.
હાથમાં રહેલો ડબ્બો યાદ આવતા ભૂમિ ચમચી લઈ તે ચાખવા લાગી.ભૂમિતો એ ખીર ખાતાં તેના સ્વાદમાં ખોવાય ગઈ. તે આન્ટીના વખાણ કરતા થાકી નહિ. ભૂમિની મમ્મી એ પણ તેને ચાખી. તેમણે પણ તેના ખૂબ વખાણ કર્યા. ભૂમિને તેની બહેપણીનો ફોન આવતા તે ત્યાંથી થોડીવાર માટે ત્યાંથી પોતાના રૂમમાં ગઈ. ભૂમિની મમ્મીને જે થોડી હીચ દિપકના પરિવાર માટે હતી તે દૂર કરવા તેમણે દિપકની મા ને થોડા આડા અવળા પ્રશ્નો પૂછી તેમના વિશે પૂછવાનું શરૂ કર્યું.
દિપકની મા જાણે તેમના મનની વાત કળી ગઈ. તેણે ભૂમિ ની મમ્મીને કહ્યુ ," બેન હું જાણું છું કે તમારા મનમાં શું અસમંજસ ચાલે છે. જો મારી વાત કરું તો હું પણ એક ખાતા પીતા ઘરની વહુ હતી. મારા પતિની વાયર બનાવવાની ફેક્ટરી હતી. મારા પતિને કેન્સર થતાં બધો ધંધાનો ભાર તેમનાં મિત્ર અને પાર્ટનર એવા મનસુખભાઇ એ ઉપાડી લીધો. મારા પતિ જીવતા ત્યાં સુધી બરાબર અમારા ભાગના રૂપિયા અમને મળતા રહ્યાં. દિપક ના પપ્પાના મૃત્યુ પછી ખ્યાલ છે ને બેન રૂપિયો સૌ કકળાટનું મૂળ હોય છે. બસ મનસુખભાઇના મન માં લાલચનો કીડો સળવળ્યો અને કેમે કરી મારા વિશ્વાસનો લાભ લઈ કંપની અને ઘરના કાગળિયાં પર મારી સહી લઈ તેના પપ્પાનું તેરમું પતતા અમને અમારા ઘરમાંથી તગેડી મૂક્યા. જેમતેમ કરી મે જનતાનગરમાં રહેવાનું ઠેકાણું શોધ્યું. "
એક શ્વાસે દિપકની માં આ બધું બોલી ગઈ. ભૂમિની મમ્મી ને રાહત થઈ કે તેણે કોઈ ખોટા વ્યક્તિને મદદ કરી હતી નહિ. પોતાની દીકરીના ભગીરથ કાર્યને કેવી રીતે આગળ ધપાવવું તે વિચારતી એ ભૂમિના રૂમમાં ગઈ. ભૂમિ સાથે વિચાર વિમર્શ કરી દિપકની મા ને કાલે ફરી સહપરિવાર આવવાનું સૂચન કર્યું.
દિપકની મા પોતાના છોકરાઓને લઈ બીજા દિવસે ભૂમિના ઘરે આવી પહોંચી. ભૂમિ તેમને પોતાના બંગલાની પાછળ આવેલી ઓરડીમાં લઈ ગઈ. ત્યાં તેમણે તેમના રહેવાની બધી વ્યવસ્થા કરી દીધી હતી. ભૂમિની મમ્મી એ તેમને જણાવ્યું કે ભૂમિ ને તેમના હાથની રસોઈ બહુ ભાવી તેથી તેઓ તેમને ત્યાં રસોઈ બનાવવાનું કામ કરી શકે છે. સાથે સાથે ભૂમિએ તેમને એ પણ જણાવ્યું કે , નજીકમાં આવેલા ગૃહઉદ્યોગમાં તે તેમની પાકકળા વિશે જણાવી ત્યાં પણ તેમની નોકરી પાકી કરી આવી છે. આ ખુશખબરી આપતા તેણે દિપક અને તેના ભાઈ બહેન નાં હાથમાં ચોપડા મૂકી કાલથી સ્કૂલે જવા તૈયાર થઈ જવાનું સૂચન કર્યું.
આટઆટલું ભૂમિ અને તેની મમ્મીએ કર્યું પછી કઈ ખટકો આવ્યો અને સહજતાથી દિપકની મા ને પૂછાઈ ગયું, " બેન, અમે આ બધી વ્યવસ્થા તમે સરળતાથી નવા જીવનની શરૂઆત કરી શકો એટલે કરી છે. તમને કે તમારા કોઈ સગાવહાલા ને આમાં કોઈ વાંધો તો નથી ને?" આ સાંભળતા દિપકની મા બોલી ઉઠી, " મારા કોઈ સગાવહાલા બેન મદદ કરે એવા નથી. સૌને મારી પરિસ્થિતિનો ચિતાર હતો છતાં કોઈ મારી મદદે આવ્યું નહિ. ભાઈ - બહેન, માતા - પિતા મારું કોઈ નથી. તેથી તમે આજે વ્યવસ્થા મારા તથા મારા છોકરાઓ ઉપર મૂકી છે તેને અમે ખોટી પડવા દઈશું નહિ."
ભૂમિં આ વાત અને તેમના ઉપર મુકેલા વિશ્વાસને આજે ગર્વથી યાદ કરી એક હાશની લાગણી સાથે હરખાઈને પત્ર ખોલી વાંચવા લાગી.પત્રમાં લખ્યું હતું,

વ્હાલી ભૂમિ દીદી
પહેલા તો ઘણો લાંબા સમયથી તમારી સાથે કોઈ વાત ન થઈ કે કોઈ પત્ર વ્યવહાર ન થઈ શક્યો તેના માટે તમારી માફી માંગુ છું. આજે હું તમારો ઉપકાર માનું એટલો ઓછો છે. વર્ષો પહેલાં કોઈ અજાણ્યા પર વિશ્વાસ તમે ન મૂક્યો હોત અને એ ચોર બોલાવેલા છોકરાને ભીડથી ન બચાવ્યો હોત તો તે આજે એક સફળ વ્યક્તિત્વ ધરાવતો પ્રતિભાશાળી તમારા જેવો ડોક્ટર બની શક્યો ન હોત. તમારા ચીંધેલા નકશા કદમ પર ચાલી, તમે મારા અને મારા પરિવાર પર મૂકેલા અતૂટ વિશ્વાસ ને કારણે અને તમારા ડગલેને પગલે આપેલા માર્ગદર્શન અને અથાગ પરિશ્રમથી આજે હું પણ તમારી જેમ સમાજ ની સેવા કરી શકું તેના માટે ' ભૂમિ મલ્ટી
સ્પેશિયાલીટી હોસ્પિટલ'ની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તેટલો તમે મને સક્ષમ કર્યો છે. તેથી અંધકારમય અમારા જીવનમાં અજવાળું પથવનાર ભુમિ દીદી તેનું ઉદ્ઘાટન તમારે જ કરવાનું છે. હું તમને ૨૪મી એ સવારે ૯ વાગે લેવા આવીશ.
તમારો નાનો ભાઈ એવો
દિપક

નીચે પત્રમાં દિપકએ પોતાનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો.

ભૂમિ પત્ર વાચતા ગળગળી થઈ ગઈ. આજે બહુ દિવસો પછી ફરી દિપક સાથે સંપર્ક થયો હતો. બધી વ્યવસ્થા ભૂમિ અને એની મમ્મી એ કરી પણ દિપક , એની મા અને એના ભાઈ બહેન કોઇએ મહેનત કરવામાં કચાશ રાખી ન હતી. દિપકને જ્યાં જરૂર હોય ત્યાં બરાબર ભૂમિ તેને મદદ કરતી. આજે ભૂમિ ની ભલમનસાઈથી કરેલી મહેનત રંગ લાવી હતી. તેણે એક માસૂમ છોકરા પર અજાણતા મૂકેલો વિશ્વાસ ડંકાની ચોટ પર કહી રહ્યો હતો કે હજી માણસ વિશ્વાસ કરવા અને કરાવવા લાયક રહ્યો છે.
ભૂમિએ પત્રના અંતમાં લખેલો નંબર આંખમાં આંસુ સાથે દિપકને અભિંનંદન આપવા લગાવ્યો.

લિખિત - નિધિ શાહ