Anant Safarna Sathi - 18 in Gujarati Novel Episodes by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 18

અનંત સફરનાં સાથી - 18

૧૮.જુદાઈની પળો
શિવાંશ અને રાહી એકબીજાની બાહોમાં ખોવાઈને ઉભાં હતાં. ત્યારે જ રાધિકા, શ્યામ, તન્વી અને શુભમ તે બંનેની પાસે આવ્યાં. ચારેયના ચહેરાં પર શિવાંશ અને રાહીનાં મિલનની ખુશી નજર આવી રહી હતી.
"હવે ઘરે જઈએ?? આન્ટીને કંઈ કહીને નથી આવ્યાં. તો એ પરેશાન થતાં હશે." અચાનક જ રાધિકાએ કહ્યું. તો શિવાંશ અને રાહી એક ખચકાટ અનુભવતાં દૂર થયાં. શિવાંશ અને રાહીનાં ચહેરાનો ઉડેલો રંગ જોઈને રાધિકા, શ્યામ, તન્વી અને શુભમ હસવા લાગ્યાં.
"આમ દાંત બતાવવાનું બંધ કર. તારો સમય આવશે ત્યારે તને પણ જોઈ લઈશ." રાહીએ રાધિકાનાં ખંભે ટપલી મારતાં કહ્યું.
"હું તો એ જ ક્ષણની રાહ જોઈ રહી છું." રાધિકા શ્યામ સામે જોઈને સ્માઈલ કરતાં મનમાં જ બોલી ઉઠી. રાધિકા શું વિચારી રહી છે. એ વિચાર કરતાં જ શ્યામ પણ સ્માઈલ કરવાં લાગ્યો.
"તું પણ બહું હસવાનું રહેવા દે. મારાં પછી તારો જ નંબર લાગવાનો છે." શિવાંશે તન્વીનો કાન ખેંચીને કહ્યું. તો એ પણ શુભમ સામે જોઈને સ્માઈલ કરવાં લાગી.
રાહીની પાછળ ઊભા રાધિકા અને શ્યામ એકબીજાને જોઈને સ્માઈલ આપી રહ્યાં હતાં. તો શિવા‍ંશની પાછળ ઉભાં તન્વી અને શુભમ એકબીજાને જોઈને સ્માઈલ આપી રહ્યાં હતાં. એ ચારેયને એ રીતે જોઈને શિવાંશ અને રાહી એકબીજા સામે જોઈને આ બધું શું ચાલી રહ્યું છે? એવું વિચારવા લાગ્યાં.
"હવે આન્ટી ચિંતા નથી કરતાં??" રાહીએ રાધિકાનો ચહેરો શ્યામ પરથી હટાવીને પોતાની તરફ ફેરવતાં પૂછ્યું. રાહીનો અવાજ સાંભળીને બધાં આમતેમ નજર કરવાં લાગ્યાં. તો રાહી અને શિવાંશનાં ચહેરાં પર સ્માઈલ આવી ગઈ.
"અમે લોકો જઈએ છીએ. તમે જલ્દી આવજો." શ્યામે કહ્યું અને ચાલતો થયો. તેની પાછળ શુભમ, તન્વી અને રાધિકા પણ ચાલતાં થઈ ગયાં.
"લાગે છે આપણાં પછી બે નવી લવ સ્ટોરી ચાલું થવાની છે." શિવાંશે રાહી સામે જોઈને કહ્યું. તો રાહી હસવા લાગી. શિવાંશ રાહીને ચાલવાનો ઈશારો કરતાં ખુદ તેની આગળથી પસાર થઈને ચાલતો થયો. તો રાહીએ તેનો હાથ પકડીને કહ્યું, "શિવાંશ.."
"હં, બોલ." શિવાંશે રાહી સામે જોતાં કહ્યું.
"આજે મારી બપોર પછીની ૦૩:૩૫ ની ટ્રેન છે. હું આજે જ અમદાવાદ જવાં નીકળી રહી છું." રાહીએ થોડાં ઉદાસ સ્વરે કહ્યું. હજું તો બંનેને આજે જ જાણ થઈ હતી કે તે વર્ષોથી જેને શોધી રહ્યાં હતાં. એ બંને ખુદ પોતે જ છે. વર્ષોની ઈંતેજારી પછી બંને મળ્યાં હતાં. ત્યાં જ ફરી અલગ થવાનો સમય આવી ગયો. એ વાતનું બંનેને દુઃખ હતું. રાહીનાં મોંઢે અમદાવાદ જવાની વાત સાંભળીને શિવાંશ પણ ગંભીર થઈ ગયો. તેનાં ચહેરા પર થોડીવાર પહેલાં જે ખુશી હતી. એ અચાનક જ ઓસરી ગઈ.
"તું મારી સાથે મારી કારમાં અમદાવાદ નાં આવી શકે??" શિવાંશે રાહીનાં બંને હાથ પકડીને પૂછ્યું. રાહીની પણ ઈચ્છા હતી કે પોતે શિવાંશ સાથે અમદાવાદ સુધી જાય. પણ મહાદેવભાઈ રાહીની જાણ વગર રચનાને કહીને રાહી અને રાધિકાની ટિકિટ અગાઉ જ બુક કરાવી ચુક્યાં હતાં. એટલે તેને કેન્સલ કરવાનો કોઈ મતલબ ન હતો. કારણ કે રાહી મહાદેવભાઈની શિવાંશ સાથે મુલાકાત કરાવ્યાં પહેલાં જ બંને વચ્ચે કોઈ મતભેદ ઉભાં કરવાં માંગતી ન હતી.
"પપ્પાએ ટિકિટ બુક કરાવી દીધી છે. હું તારી સાથે નહીં આવી શકું. પણ વારાણસી જંકશન સુધી તો તારે જ મને મૂકવાં આવવાની છે. અને હું ઘરે જઈને પપ્પા સાથે આપણી વાત કરીશ. જો પપ્પા માની ગયાં. તો આ વખતની હોળી હું તારી સાથે જ મનાવીશ." રાહીએ શિવાંશનાં ગાલ પર હાથ રાખીને એક સુંદર મુસ્કાન સાથે કહ્યું.
"ઓકે, મારાં હાથને ઠીક થતાં હજું થોડાં દિવસનો સમય લાગશે. તો હું થોડાં દિવસ અહીં જ છું. કાર લઈને આવ્યો છું. તો હું હાલ તો મુંબઈ નહીં જઈ શકું. તો તન્વી તમારી સાથે આવશે.‌ તેની કોલેજ વધું સમય બંધ નાં રાખી શકાય. તેણે પણ કદાચ ટિકિટ બુક કરી જ લીધી હશે." શિવાંશે કંઈક વિચારતાં કહ્યું.
"ઓકે." રાહીએ કહ્યું અને બંને કાર તરફ આગળ વધી ગયાં.
રાધિકા અને તન્વી તો શિવાંશની કારમાં ગોઠવાઈ ગઈ હતી. શુભમ અને શ્યામ બહાર ઉભાં રહીને રાહી અને શિવાંશની રાહ જોઈ રહ્યાં હતાં. રાહી અને શિવાંશનાં આવતાંની સાથે જ શુભમે કહ્યું, "હવે હું નીકળું."
"એક મિનિટ શુભમ, આ કારને અંકલની ઓફિસ સુધી પહોંચાડી દઈશ? હું જલ્દી જલ્દીમાં તેમની કાર લઈને આવી ગઈ હતી." રાહીએ શુભમને રોકતાં પૂછ્યું. તો શુભમ માત્ર ડોક હલાવીને કારની અંદર બેસી ગયો. શ્યામ શિવાંશની કારમાં ડ્રાઈવર સીટ પર બેઠો. શિવાંશ તેની બાજુની સીટ પર બેસી ગયો.
"દીદુ, આજે તમને હેરાન કરવા બદલ માફ કરી દેજો. પણ જ્યાં સુધી જીજુનાં હાથનો પાટો નાં છૂટે. ત્યાં સુધી તમે બંને એકલાં લોંગ ડ્રાઈવ પર નહીં જઈ શકો. તો અત્યારે અમારી પાસે બેસી જાઓ." રાધિકાએ રાહીને પરેશાન કરતાં કહ્યું.
"લગ્ન પહેલાં જ જીજુ.!! બહું ફાસ્ટ હો તું." રાહીએ રાધિકાની બાજુમાં બેસતાં તેનો કાન મરોડીને કહ્યું. બંનેની એ હરકતથી બધાં હસવા લાગ્યાં. અને શ્યામે કારને મિશ્રા નિવાસ તરફ આગળ વધારી દીધી.

શ્યામે મિશ્રા નિવાસની સામે કાર રોકી. ત્યાં જ દામિનીબેન અંદરથી દોડતાં બહાર આવ્યાં. રાહી જે રીતે કાર લઈને ભાગી અને રાહી સહિત તન્વી અને રાધિકા તેની પાછળ ગઈ. એ પરથી તે બહું પરેશાન હતાં.
"તમે બધાં ઠીક તો છો ને?" જેવાં બધાં કારમાંથી નીચે ઉતર્યા. એ સાથે જ દામિનીબેને પૂછ્યું.
"હાં આન્ટી, પણ એક બહું મોટી ખુશખબરી છે. પહેલાં તમે શીરો બનાવો. પછી માંડીને વાત કરીએ." તન્વીએ દામિનીબેનનાં બંને ખંભે હાથ મૂકીને કહ્યું. પછી એ દામિનીબેનનો હાથ પકડીને તેમને કિચનમાં લઈ ગઈ. શ્યામ અને રાધિકા પણ તેમની પાછળ ગયાં.
શિવાંશ પણ તેમની પાછળ ચાલતો થયો. પણ બે કદમ આગળ ચાલતાં જ તેનાં પગ થંભી ગયાં. તેણે પાછળ ફરીને જોયું. તો રાહી હજું પણ કાર પાસે જ કંઈક વિચારતી ઉભી હતી. શિવાંશ તેની પાસે ગયો.
"હેય, શું વિચારે છે??" શિવાંશે રાહીનાં ચહેરાં આગળ હાથ હલાવીને પૂછ્યું.
"આ બધાં કેટલાં ખુશ છે. આજે વર્ષો પછી મારાં બધાં સપનાં પણ પૂરાં થઈ ગયાં. બનારસ ફરી લીધું. કાશી વિશ્વનાથનાં દર્શન કરી લીધાં. કોમ્પિટિશન જીતી ગઈ. આખરે બનારસ છોડવાનો સમય આવ્યો. એ પહેલાં જ મારો શિવ પણ મને મળી ગયો. પણ..."
"પણ શું??" શિવાંશે વાત કરતાં અટકી ગયેલી રાહીનાં બંને હાથ પકડીને પૂછ્યું.
"પણ મારાં પપ્પા...એ આ વાતને લઈને શું રિએક્ટ કરશે? એ સમજ નથી આવતું." રાહીએ મનની દુવિધા જણાવતાં કહ્યું.
"આપણે તેને મનાવી લેશું. પણ હાં આપણાં લીધે કોઈને દુઃખી નહીં કરીએ. મારાં લીધે મારો પરિવાર ઘણો દુઃખી થયો છે. તે જે રીતે એક સપનાંને લક્ષ્ય બનાવીને શિવને શોધ્યો. એ પરથી તારો પરિવાર પણ ઘણો પરેશાન થયો હશે. પણ હવે નહીં. આપણે મળીને બધું સરખું કરી દેશું." શિવાંશે રાહીનો હોંસલો વધારતાં કહ્યું.
"કાશ...કાશ બધું સરખું થઈ જાય. કોઈને પણ દુઃખી કર્યા વગર બધું સરખું થઈ જાય." રાહીએ ફરી એક ઉમ્મીદ બાંધતા કહ્યું.
"આપણે સાથે મળીને કોશિશ કરશું. તો બધું થઈ જાશે." શિવાંશે રાહીનાં ગાલને પ્રેમથી સ્પર્શ કરતાં કહ્યું.
"થેંક્યું શિવાંશ, મારાં જીવનમાં આવવાં બદલ. મારો સાથ આપવા બદલ. અજાણતામાં પણ હંમેશા મારી મદદ કરવાં બદલ." રાહીએ પોતાનાં ગાલ પર રાખેલાં શિવાંશનાં હાથ પર પોતાનો હાથ મૂકીને કહ્યું.
"અરે...અરે...બસ. મેં કોઈ ઉપકાર નથી કર્યો. જેમ તે કહ્યું કે, આ બધો મહાદેવનો જ ઈશારો હતો. એમ જ મેં એમનાં ઈશારાને સમજતાં તારી મદદ કરી. અને બીજી વાત...હવે શિવાંશ નહીં શિવ કહેવાની આદત પાડી દે. મને ઘરે પણ બધાં શિવ જ કહે છે. અને તું પણ શિવ નામને જ પ્રેમ કરે છે." શિવાંશે કહ્યું. તો રાહી અપલક નજરે તેની આંખોમાં જોઈ રહી. આજે શિવાંશની આંખોમાં રાહીને અપાર પ્રેમ નજર આવી રહ્યો હતો. આજે રાહીને શિવાંશની વાતો તીખી કે એટિટ્યૂડથી ભરેલી નહીં. ચાસણી જેવી મીઠી લાગી રહી હતી.

"હવે તમે બંને ત્યાં શું કરી રહ્યાં છો. શીરો બની ગયો છે. અંદર આવીને શું ખુશખબરી છે. એ પણ જણાવી દો." દામિનીબેને બહાર ઉભેલા શિવાંશ અને રાહીને કહ્યું. તો દામિનીબેનનાં અવાજથી બંને હેબતાઈ ગયાં. પછી બંને ચહેરાનાં હાવભાવ સરખાં કરતાં અંદર ગયાં.
"એય શીરો જ ખાઈશ કે પછી ખુશખબરી પણ જણાવીશ??" રાધિકાને શીરો ઝાપટતી જોઈને દામિનીબેને તેનાં ખંભે ટપલી મારીને પૂછ્યું. તો રાધિકાએ તન્વીને ઈશારો કર્યો. એ ટેબલ પર પડેલાં ન્યૂઝ પેપરનું ભૂંગળું વાળીને સોફા પર ચડી ગઈ.
"તો આજની ખુશખબરી એ છે કે ભાઈ છેલ્લાં પંદર વર્ષથી જે છોકરીને શોધી રહ્યાં હતાં. એ છોકરીની તલાશ આજે પૂરી થઈ છે. અને આજે એ છોકરી આપણાં બધાંની વચ્ચે ઉપસ્થિત છે. જે બીજી કોઈ નહીં પણ...." તન્વી સસ્પેન્સ વધારવા માટે બોલતી બોલતી અટકી ગઈ.
"હવે કહીશ કે પછી શીરાનાં બદલે મારાં હાથનો મેથીપાક ખાવો છે??" દામિનીબેને તન્વીનો કાન પકડીને તેને સોફા પરથી નીચે ઉતારતાં કહ્યું.
"આન્ટી...છોડો ને દુઃખે છે. એ છોકરી રાહી છે. હવે તો કાન છોડો." તન્વીએ કરગરતા અવાજે કહ્યું. તો દામિનીબેન તરત જ તેનો કાન છોડીને રાહી તરફ ગયાં.
"શું?? એ છોકરી રાહી છે." દામિનીબેન રાહીને પગથી માથાં સુધી નિહાળીને બોલ્યાં. જાણે કે એ વર્ષો પછી રાહીને જોઈ રહ્યાં હોય.
"તન્વી સાચું કહે છે?? જેને શિવા‌ંશ શોધતો હતો. એ તું જ છે??" દામિનીબેને રાહીનાં ગાલ પર હાથ મૂકીને પૂછ્યું. રાહીએ બદલામાં માત્ર ડોક જ હલાવી. ત્યાં તો દામિનીબેને તેને પોતાની છાતી સરસી ચાંપી લીધી. તેમને તો શિવાંશ માટે રાહી પહેલેથી જ પસંદ હતી. એમાં શિવા‍ંશ જે છોકરીને શોધતો હતો. એ રાહી જ છે. એવી જાણ થયાં પછી તેમની ખુશીનો તો પાર જ નાં રહ્યો.
"પણ આ બધી ખબર તમને કેવી રીતે પડી??" અચાનક જ દામિનીબેને રાધિકા સામે જોઈને પૂછયું. તો રાધિકાએ રાહીનાં સપનાથી લઈને અહીં આવવાં સુધીનાં કારણ સુધીની બધી વાત દામિનીબેનને જણાવી દીધી.
"દીદુ, બીજું બધું તો ઠીક છે. પણ તમને અચાનક શિવાંશ જ શિવ છે. એવું કેવી રીતે લાગ્યું?? તમે શિવાંશની બનાવેલી પેઇન્ટિંગમાં તમારાં બાળપણનો ફોટો જોઈને શિવાંશનો બાળપણનો ફોટો કેમ માંગ્યો??" બધી વાત પૂરી કરતાં રાધિકાએ આખરે પોતાને ક્યારનો સતાવી રહેલો સવાલ પૂછી જ લીધો.
"મને આજે ફરી સપનું આવ્યું હતું. જે સપનું હું માત્ર સોમવારનાં દિવસે જ જોતી. એ હવે સતત બે દિવસથી આવે છે. આજે પણ આવ્યું હતું. જેમાં મેં એક નાનાં છોકરાંને મારી સાથે અમદાવાદનાં લો ગાર્ડનમાં જોયો હતો. એટલે શિવાંશની પેઇન્ટિંગમાં મારો ચહેરો જોઈને મેં શિવાંશનો બાળપણનો ફોટો માંગ્યો. એ ફોટાં સાથે જ બધું સાફ થઈ ગયું. મને સપનામાં જે નાનો છોકરો આવ્યો. એ શિવાંશ જ હતો. હું આજથી પંદર વર્ષ પહેલાં શિવાંશને અમદાવાદમાં મળી ચુકી છું. ત્યારે હું શિવમ્..." રાહીએ ચોખવટ કરતાં કહ્યું. પણ અચાનક જ તે શિવમ નામ પર આવીને અટકી ગઈ. રાધિકાએ પણ એ નામ સાંભળીને આગળ કંઈ પૂછ્યું નહીં. રાહીએ એક નજર ઘડિયાળ તરફ કરી. જેમાં બે થઈ ગયાં હતાં.
"હવે અમારી ૦૩:૩૫ ની ટ્રેન છે. તો અમે જવાની તૈયારી કરીએ." રાહીએ કહ્યું અને તે રૂમમાં જતી રહી. રાધિકા પણ તેની પાછળ ગઈ. રાહીનાં મોંઢે શિવમનું નામ સાંભળીને શિવાંશ પણ કંઈક વિચારમાં પડી ગયો. પણ રાહીએ વાત અધૂરી છોડી હતી. તો તેની પાછળ કંઈક મોટું કારણ હશે. એમ સમજીને તેને રાહીને બધાંની વચ્ચે કંઈ પૂછવું યોગ્ય નાં લાગ્યું.
"આન્ટી, હું પણ રાહી અને રાધિકા સાથે જ જાવ છું. તો હું પણ જવાની તૈયારી કરું." તન્વીએ કહ્યું. પછી તે પણ પોતાનાં રૂમમાં જતી રહી.
"તે આગળ શું વિચાર્યું??" દામિનીબેને શિવાંશનાં ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"હું એકવાર રાહી સાથે વાત કરી લઉં." શિવાંશને અચાનક જ કંઈક યાદ આવતાં તે રાહી સાથે વાત કરવા જવાં માટે ઉભો થયો.
"માસી, હું પણ મારો સામાન પેક કરી લઉં." શ્યામે પણ જવાની વાત કરી. તો દામિનીબેન થોડાં ભાવુક થઈ ગયાં. શ્યામ તરત તેમની પાસે ગયો. દામિનીબેનની આંખો ભીની થઈ ગઈ હતી.
"તું તો રોકાઈ જા. બધાં એક સાથે જતાં રહેશો તો..." કહેતાં દામિનીબેનનું ગળું રૂંધાઈ ગયું. તેમની આંખમાંથી એક આંસુ શ્યામનાં હાથ પર પડ્યું.
"માસી, મારી કોલેજનું છેલ્લું વર્ષ છે. પપ્પા કેટલાં દિવસથી દુકાન પણ એકલાં જ સંભાળે છે. તો હવે મારે જવું જોઈએ." શ્યામે દામિનીબેનનાં આંસુ સાફ કરીને કહ્યું.
"ઠીક છે. બધાનું ધ્યાન રાખજે." દામિનીબેને ભારે હૈયે કહ્યું. શ્યામ જઈને તેનો સામાન પેક કરવા લાગ્યો.
રાહી તેનો સામાન પેક કરી રહી હતી. ત્યારે જ શિવાંશ જઈને તેની પાસે ઉભો રહી ગયો. રાહીએ એક ઉંડો શ્વાસ લઈને શિવાંશ સામે જોયું. પણ તેની આંખો સાથે આંખો નાં મેળવી શકતાં તે નજર નીચી કરી ગઈ.
"મેં તને પહેલીવાર લો ગાર્ડનમાં જોઈ. ત્યારે તારી સાથે એક બીજો છોકરો પણ હતો. શું એ જ શિવમ..." શિવાંશ પણ શિવમનું નામ આવતાં જ અટકી ગયો.
"હાં, એ જ શિવમ હતો. તે પપ્પાનાં મિત્રનો છોકરો છે. અમદાવાદમાં જ રહે છે. તેની બહેન પ્રેરણા હું અને શિવમ ત્રણેય સારાં મિત્રો હતાં. શિવમ એ બધાંની વચ્ચે ક્યારે મને પસંદ કરવાં લાગ્યો. એ મને પણ ખબર ન હતી. પણ તેનાં મમ્મીને જાણ હતી. તો તેમણે મારી ઘરે વાત કરી. બધું નક્કી જ હતું. ત્યાં જ શિવમનાં પપ્પાએ અમારા સંબંધનો વિરોધ કર્યો. જેનું કારણ મારું ફેશન ડિઝાઈનર બનવાનું સપનું હતું. તેમનું કહેવું હતું, કે તેમનાં ઘરની વહું હાઉસ વાઈફ બનીને જ રહેશે. જે મને કે મારાં પરિવારને મંજૂર ન હતું. પપ્પાએ તેમને બહું સમજાવ્યાં. પણ તે નાં સમજ્યાં. આખરે એ દિવસથી અંકલે અમારાં પરિવાર સાથે બધાં સંબંધ તોડી નાંખ્યાં. સાથે જ અમારી દોસ્તી પણ તૂટી ગઈ. અને અંકલે શિવમનાં એ જ મહિનાની અંદર બીજે લગ્ન પણ નક્કી કરી દીધાં." રાહીએ ભૂતકાળમાં એક ડોકિયું કરતાં આખી કહાની શિવાંશને જણાવી દીધી. ત્યાં સુધીમાં રાહીનું ગળું સુકાઈ ગયું.‌ તેની આંખો પણ ભીની થઈ ગઈ. શિવાંશે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ લઈને રાહી તરફ આગળ વધાર્યો. રાહીએ એમાંથી પાણી પીધું. પછી શિવાંશે તેને બેડ પર બેસાડી અને પોતે જમીન પર જ રાહી સામે રાહીનાં ઘૂંટણ પર હાથ મૂકીને બેસી ગયો.
"આટલી વાતમાં આટલી બધી પરેશાન કેમ થાય છે. ભૂતકાળ દરેક વ્યક્તિનાં જીવનમાં હોય છે. પણ તેનાંથી કંઈ જીવન રોકાઈ નથી જતું. મને તારાં કોઈપણ ભૂતકાળથી કોઈપણ પ્રકારની તકલીફ નથી. હું આજે પણ તારી સાથે છું અને કાલે પણ રહીશ." શિવાંશે રાહીનો હાથ પકડીને પ્રેમથી કહ્યું. શિવાંશ એકદમ સરળતાથી રાહીની મુશ્કેલી સમજી ગયો હતો. એ જોઈને રાહીને શાંતિ અને ખુશી થઈ.
"હવે જલ્દી અમદાવાદ જવાની તૈયારી કર. આપણે બહું જલ્દી તારી ઘરે મળીશું. બસ આ બંધનથી છૂટકારો મળી જાય." શિવાંશે વાતાવરણ હળવું કરવાં પોતાનાં હાથનો પાટો જોઈને મોઢું બગાડતાં કહ્યું. તો રાહી પણ હસવા લાગી.
"આટલાં સમય પછી એક સાથે આટલી ખુશીઓ મળશે. એવું વિચાર્યું ન હતું." રાહી શિવાંશને જોતી મનોમન વિચારવા લાગી.
"દીદુ, આઇ એમ રેડી. હવે નીકળીએ??" રાધિકાએ આવીને પૂછ્યું.
"હાં." કહેતાં રાહી પોતાનું બેગ લઈને બહાર હોલમાં આવી. રાજુભાઈ અને શુભમ પણ આવી ગયાં હતાં. તન્વીનાં હાથમાં બેગ જોઈને શુભમ પણ થોડો ઉદાસ થઈ ગયો.
"અંકલ, કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય. તો માફ કરજો. હવે અમે નીકળીએ." રાહીએ રાજુભાઈ સામે હાથ જોડીને કહ્યું. તો તેમણે રાહીને પોતાનાં ગળે લગાવી લીધી. તન્વી, શ્યામ અને રાધિકા પણ રાજુભાઈને ભેટી પડ્યાં.
"બનારસે મને બહું બધું આપ્યું છે. ફરી મોકો મળ્યો તો તમારું ઋણ ચૂકવવા ફરી ક્યારેક બનારસ જરૂર આવીશ." રાહીએ ચહેરાં પર સ્મિત સાથે કહ્યું.
"તમારી રાહ જોઈશું. પણ આ વખતે શિવાંશ સાથે લગ્ન કરીને બંને કાશી વિશ્વનાથનાં દર્શન માટે આવજો." દામિનીબેને રાજુભાઈને બધી હકીકત જણાવી દીધી હતી. તો રાજુભાઈએ રાહી અને શિવાંશનાં માથે હાથ મૂકીને કહ્યું. બંનેએ રાજુભાઈ અને દામિનીબેનનાં આશીર્વાદ લીધાં. પછી બધાં વારાણસી જંકશન તરફ જવા રવાના થયાં.
શુભમ, તન્વી અને રાધિકા રાજુભાઈની કારમાં તો શ્યામ, શિવાંશ અને રાહી શિવાંશની કારમાં બેસીને વારાણસી જંકશન તરફ જતાં રસ્તે આગળ વધી ગયાં. શુભમ ઉદાસ આંખોએ ક્યારેક તન્વી સામે નજર કરી લેતો.
"તુમ દોનોં ચાહો તો બાત કર સકતે હો. મૈં ગાને સુનતી હૂં." રાધિકાએ કહીને હેડફોન કાનમાં લગાવી લીધાં.
"તુમ્હારે સાથ ઈતના સફર બહુત અચ્છા રહા. અબ જીંદગીભર કા સફર તુમ્હારે સાથ તય કરને કે લિયે તુમ્હારા ઈંતેજાર કરુંગા." શુભમે તન્વી સામે જોઈને કહ્યું.
"એક બાર ભાઈ કી શાદી હો જાયેં. ફિર ઘર પર બાત કરુંગી. વૈસે ભી બનારસ છોડકર તો મૈં ભી જાના નહીં ચાહતી." તન્વીએ કારની વિન્ડોની બહાર એક નજર કરીને કહ્યું.
તન્વીનાં એક વાક્ય પછી કોઈ કંઈ નાં બોલ્યું. રાધિકા ગીતો સાંભળતી રહી. તન્વી વિન્ડોની બહાર નજર કરીને પાછળ છૂટતાં બનારસને જોઈ રહી. ત્યાં વારાણસી જંકશન પણ આવી ગયું. બધાં સામાન લઈને પ્લેટફોર્મ તરફ આગળ વધ્યાં. જ્યાં અંકિતા અને અભિનવ તેમની જ રાહ જોતાં ઊભાં હતાં.
"આખિર દો પ્યાર કરને વાલે મિલ હી ગયે. તુમ દોનોં કે બારે મેં જાન કર ખુશી હુયી. અબ જલ્દી સે શાદી કરો. તો મુજે અહમદાબાદ આને કા મૌકા મિલે." અંકિતાએ રાહીને ગળે લગાવીને કહ્યું. દામિનીબેને કોલ કરીને તેને પણ બધું જણાવી દીધું હતું.
"એક બાર હમારી એન્ટ્રી અહમદાબાદ મેં હો જાયે. ફિર તો તુમ્હારી દોસ્ત કો અપના બનાકર હી ઉસકે સાથ હી મુંબઈ વાપસ જાયેંગે." શિવાંશે રાહી સામે જોઈને સ્માઈલ કરતાં કહ્યું.
"યે દેખો, જનાબ તો એક હી દિન મેં બદલ ગયે. અબ ઈનકો બિઝનેસ નહીં બલ્કી સભી જગહ રાહી હતી નજર આયેંગી." અભિનવે શિવાંશની કમર પર કોણી મારીને કહ્યું. તો બધાં હસવા લાગ્યાં. ત્યાં જ ટ્રેન આવી ગઈ. શુભમ અને શ્યામે બધો સામાન અંદર મૂક્યો. અહીંથી બે જોડી અલગ થઈ ગઈ. શુભમ અને શિવાંશ બનારસમાં જ રહી ગયાં. રાહી અને તન્વી ટ્રેનમાં બેસીને બીજાં રસ્તે આગળ વધી ગયાં. બધાંની મંજિલ તો એક જ હતી. બધાં પ્રેમની કસ્તીમાં જ સવાર હતાં. પણ અમુક સફર તેમણે એકલાં જ ખેડવાનું હતું.
ટ્રેન ધીમે ધીમે તેની ગતિ પકડી રહી હતી. બનારસ પાછળ છૂટી રહ્યું હતું. તન્વી અને રાહી બંને થોડી ઉદાસ હતી. તેમની ઉદાસી જોઈને શ્યામ અને રાધિકાને પણ તકલીફ થતી હતી. હાં, આ વખતે શ્યામ પણ રાધિકા, રાહી અને તન્વી સાથે જ બેઠો હતો.
"યાર, તમે બંને આમ ઉદાસ નાં રહો. બનારસથી આપણને કેટલીયે સારી યાદો મળી છે. સાથે જ જીવનભરનો સાથ પણ મળ્યો છે. તો આમ ઉદાસ થઈને તેમનાં પર પાણી નાં ફેરવો." રાધિકાએ રાહી અને તન્વીનો મૂડ સારો કરવાનાં ઈરાદાથી કહ્યું. પછી તો શ્યામ અને રાધિકાએ પોતાની ઉટપટાંગ વાતો અને હરકતોથી રાહી અને તન્વીને ખુશ કરી જ દીધી.(ક્રમશઃ)_સુજલ બી.પટેલ

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 10 months ago

JAGDISH.D. JABUANI

JAGDISH.D. JABUANI 10 months ago

Sheetal

Sheetal 11 months ago

Trupti Ashara

Trupti Ashara 12 months ago

Arti Patel

Arti Patel 12 months ago