Our Excellencies - Part 6 - Saint Kabir books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - ભાગ 6 - સંત કબીર


ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આપણાં દેશનાં મહાનુભાવો વિશેની ચર્ચા આગળ વધારતા આજે જોઈશું હિંદુ તેમજ મુસ્લિમ અને સૂફી ધર્મનાં સાહિત્યમાં જેમનો પ્રભાવ છે એવા સંત કબીર વિશે. એમનો સમયગાળો 1440 થી 1518નો ગણાય છે.

લોકવાયકા પ્રમાણે એમનો જન્મ એક વિધવા બ્રાહ્મણ સ્ત્રીને ત્યાં કાશીમાં થયો હતો. પરંતુ તેમની માતાએ તેમને ત્યજી દીધા હતા. એમનો જન્મદિવસ ગણાય છે વિક્રમ સંવત 1297નાં જેઠ માસની પૂનમ. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે કબીરનો જન્મ ઈ. સ. 1398માં થયો હતો અને મૃત્યુ ઈ. સ. 1518માં. આમ, સંત કબીર 120 વર્ષ જીવ્યા હતા. કાશીના લહરતારા પાસે ત્યજી દેવાયેલ બાળક ત્યાંના એક મુસ્લિમ વણકર દંપતિ નીરૂ અને નીમાને મળ્યું. તેમણે આ બાળકને દત્તક લઈને એનાં પાલક માતા પિતા બની ઉછેર કર્યો. આથી વ્યવસાયે તેઓ વણકર બન્યા હતા. પરંતુ પહેલેથી જ ભક્તિભાવ ધરાવતા હોવાથી પાછળથી સંત કબીર તરીકે ઓળખાયા.

તેમણે રામભક્ત એવા સંન્યાસી રામાનંદ અને શેખ તકીને પોતાનાં ગુરુ માન્યા હતા. અરબી ભાષામાં કબીરનો અર્થ 'મહાન' થાય છે. કબીરના પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેમનાં અનુયાયીઓ ધર્મદાસ અને સુરતી ગોપાલ દ્વારા કબીરપંથની સ્થાપના કરાઈ હતી. આથી જ તેમનાં અનુયાયીઓ કબીરપંથી તરીકે ઓળખાયા.

તેઓ રૂઢિવાદ અને કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કરતા. તેઓ કોઈની પણ પરવા કર્યા વગર પોતાની વાત સ્પષ્ટપણે રજુ કરતા. કાશી માટે આપણે સૌ જાણીએ જ છીએ કે ત્યાંનું મરણ મોક્ષ અપાવે છે. સંત કબીર તો ત્યાંના જ રહેવાસી હતા. જ્યારથી એમને આ બાબતની જાણ થઈ ત્યારથી એમણે કાશી છોડી દીધું, કારણ કે એઓ આવી કોઈ અંધશ્રદ્ધામાં માનતા ન હતા. ત્યાંથી તેઓ મગહર ગયા અને દેહત્યાગ પણ ત્યાં જ કર્યો. આજે પણ તેમની સમાધિ મગહરમાં આવેલી છે અને તેને હિંદુ અને મુસલમાન બંને પૂજે છે.

તેઓનાં વિચારો અને દોહાઓ એ સ્પષ્ટ કરે છે કે તેઓ રામનામમાં વધુ માનતા. તેઓ એક જ ઈશ્વરને માનતા અને કર્મકાંડનાં સખ્ત વિરોધી હતા. દેવ અવતાર, મૂર્તિપૂજા, રોજા, ઈદ, મંદિર, મસ્જિદ વગેરેમાં તેઓ માનતા ન હતા.

કબીર આટલા મોટા સંત હોવા છતાં પણ એમનાં જન્મને લઈને ઘણાં વિરોધાભાસ જોવા મળે છે. કેટલાકના મતે તેઓ બ્રાહ્મણ સ્ત્રીનાં ત્યકત પુત્ર હતા તો કેટલાકના મતે ભક્ત પ્રહલાદનો અવતાર. કેટલાંક લોકો અનુસાર તેમનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો પરંતુ રામાનંદને ગુરુ બનાવ્યા પછી તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો હતો.

માન્યતા અનુસાર કબીર ભણ્યા નહોતા, એટલે એમની વાણી મૌખિક જ હતી. એમનાં ભક્તો અને શિષ્યોએ એમનાં તમામ ગ્રંથો લખ્યા હતા. તેમની વાણી અને મૌખિક ઉપદેશ તેમની સાખી, રમૈની, બીજક, બાવન - અક્ષરી અને ઉલટબાસીમાં જોઈ શકાય છે. ગુરુગ્રંથ સાહેબમાં પણ તેમનાં 200 પદો અને 250 સાખીઓ છે. હિંદુ સાહિત્યમાં સંત તુલસીદાસ પછી એકમાત્ર કબીર જ આટલા મહિમાવાન વ્યક્તિત્વ ધરાવે છે.

કબીરના સમયમાં હિંદુ જનતા પર મુસ્લિમોનો આતંક છવાયેલો રહેતો. જે તેમને પસંદ ન હતું. તેઓ બધા મનુષ્યોને સમાન જ ગણતા હતા. તેમણે પોતાની ભાષા એટલી સરળ રાખી હતી કે કોઈ પણ વ્યક્તિ સમજી શકે. આથી જ તેઓ હિંદુ અને મુસ્લિમોને એક કરી શક્યા હતા અને આજે પણ તેઓ આ બંને ધર્મના લોકો દ્વારા પૂજાય છે. તેઓ શાંતિમય જીવન જીવવામાં માનતા હતા. સદાચાર, સત્ય, અહિંસાના તેઓ હિમાયતી હતા. તેમની સંત પ્રવૃત્તિ, સાધુતા અને સરળતાને લીધે જ તેઓ આજે પણ માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આદર મેળવે છે.

તેમનાં મતે રામ અગમ છે. પૃથ્વીના કણ કણમાં રામ વસે છે. કબીરના રામ હિંદુ કે મુસ્લિમનાં કોઈ ઐક્યવાદને સમર્થન આપતાં નથી, પરંતુ સમસ્ત જીવો અને જગતથી અલગ ક્યારેય નથી. તેમનાં મતે રામ એ બધામાં સમાયેલા રમતા રામ છે.

વૃદ્ધાવસ્થા દરમિયાન તેમણે ઘણાં કષ્ટો વેઠ્યા. આવી જ હાલતમાં તેઓ બનારસ છોડી દેશનાં વિવિધ ભાગોમાં ફર્યા. બધી જગ્યાએ તેમણે આત્મપરીક્ષણ અને આત્મનિરીક્ષણ કર્યું. તેઓ કાલિનજર જિલ્લાના પિથોરાબાદ શહેરમાં પહોંચ્યા. ત્યાં રામ કૃષ્ણનું એક મંદિર હતું, જ્યાંનાં સંત ભગવાન ગોસ્વામીનાં ભક્ત હતા. કબીર સાથે તેમનો વિચાર વિનિમય થયો.

કબીરની સાખી

બન તે ભાગા બિહરે પડા, કરહા આપની બાન |
કરહા બેદન કાસોં કહે, ને કરહા ને જાન ||

અર્થાત, મનથી ભાગેલો, બહેમાટા દ્વારા ખોદેલા ખાડામાં પડેલો હાથી પોતાની વ્યથા કોને કહે?

ની અસર એ મંદિરના સંત પર ખૂબ ઊંડી થઈ હતી.

ભારતભ્રમણ દરમિયાન ગુજરાતમાં તેમનો ભેટો કબીરવડ મુકામે તત્વા અને જીવા નામનાં બે ભાઈઓ સાથે થયો. અહીં કબીરજીએ દાતણ કરી તેની ચીરી નર્મદા નદીનાં પટમાં વાવી દીધી. તેમાંથી વડ ઊગી નીકળ્યો હતો. એની દરેક વડવાઈમાંથી પણ વડ ઊગી નીકળે છે. આજે પણ આ વડ ત્યાં હાજર છે. વર્ષ દરમિયાન ઘણાં લોકો આ સ્થળની મુલાકાત લે છે. આ વડ અને જગ્યાનું નામ જ કબીરવડ પડી ગયું. કારતક સુદ પૂનમે આ સ્થાને અનેક કબીરપંથીઓ આવે છે. તેમને માલપુઆનો પ્રસાદ આપવામાં આવે છે. ગુજરાતમાં તેમનાં અનુયાયીઓ રામકબીર સંપ્રદાયથી ઓળખાય છે. કાયાવરોહણ પાસેના પુનીયાદ ધામમાં આજે પણ રામકબીર સંપ્રદાયની ગુરુગાદી આવેલી છે. આ ઉપરાંત, મહેસાણાના વિજાપુર તાલુકાનાં ઘણાં ગામો રામકબીર સંપ્રદાય પાળે છે. તેમનાં અનુયાયીઓ કર્મકાંડમાં માનતા નથી.

એવી જ રીતે કાશીમાં આજે પણ 'કબીર ચોરો' તરીકે ઓળખાતો એક મહોલ્લો આવેલો છે.

તેમનાં મૃત્યુનો સમય પણ રહસ્યમય ઘટનાવાળો હતો. ઈ.સ. 1518માં કબીર મગહર ખાતે મૃત્યુ પામ્યા ત્યારે તેમનાં હિંદુ ભક્તો અગ્નિસંસ્કાર કરવા માંગતા હતા, જ્યારે મુસ્લિમ ભક્તો તેમને દફનાવવા માંગતા હતા. બંને ધર્મોના ભક્તો જ્યારે આ બાબતની એક બીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાંક અનુયાયીઓનું ધ્યાન કબીરજીનાં મૃતદેહ તરફ ગયું. એમને કંઈક આશંકા થઈ. ત્યાં જઈને જોયું તો મૃતદેહ ફૂલોના ઢગલામાં ફેરવાઈ ગયો હતો. એ જ સ્થાને તેમની સમાધિ બનાવવામાં આવી, જે આજે પણ મગહરમાં છે. હિન્દુઓ અને મુસ્લિમો તેનાં દર્શનાર્થે આવે છે.

કબીર-વાણી:-

1. મારી પાસે તો આ હરિના નામનું ધન છે. નથી હું એને ગાંઠે બાંધી રાખતો કે નથી એ વેચીને હું પેટ ભરતો. નામ જ મારી ખેતી છે ને નામ જ મારી વાડી છે!

2. શાકભાજીના બજારમાં હીરો ન દેખાડાય! રામરૂપી હીરાનું ત્યાં ઘરાક કોણ?

3. જે નથી જન્મતો, નથી મરતો કે નથી સંકટમાં સપડાતો, જે નિરંજન નિરાકાર છે, જેને નથી મા કે નથી બાપ, તે મારો સ્વામી છે.

4. છાપાં, ટીલાં, મુદ્રા વગેરે કરવાથી શું? વિભૂતિ ચોળવાથી શું? જેનું ઈમાન (ચારિત્ર્ય) સાચું છે તે જ હિંદુ છે, તે જ મુસલમાન છે.

5. કેશે તારું શું બગાડયું છે કે તું મૂંડાવ કરે છે? વિકાર બધા મનમાં ભર્યા છે, તે મનને જ ભૂંડી નાખને!

6. મરતાં મરતાં જગત મરી ગયું, પણ મરતાં કોઈને આવડયું નહિ! ફરી ફરી મરવું ન પડે એવું જ મર્યો તે જ ખરું મર્યો!

7. હે અલ્લાહ! હે રામ! હું તારા નામ પર જીવું છું. બ્રાહ્મણ ચોવીસે એકાદશીઓ કરે છે, અને મુલ્લાં રમજાનના રોજા કરે છે. તો શું બાકીના અગિયાર મહિના ખાલી અને એકમાં જ બધું આવી ગયું? જો ખુદા મસીદમાં જ રહે છે, તો બાકીનો મુલક કોનો છે? પૂર્વ દિશામાં હરિનો નિવાસ છે ને પશ્ચિમમાં અલ્લાહનો મુકામ છે તો બીજે શું છે? માટે, ભાઈ, દિલમાં જ શોધો, દિલમાં રહીમ છે, દિલમાં જ રામ છે.

8. પોતાની નાભિમાં કસ્તુરી છે, પણ મૃગ એને વનમાં શોધે છે.

9. હું આંખો બંધ કરું કે તું અંદર આવી જા! બસ, પછી હું બીજા કોઈને જોઉં નહિ અને તને પણ બીજા કોઈને જોવા ન દઉં!

10. દોજખનો મને ડર નથી, તારા વિના મારે સ્વર્ગ પણ ન જોઈએ.

11. બજાવનારો ચાલી ગયો, પછી વાજું બિચારું શું કરે? વાસણનો ઘડનાર ગયો, પછી વાસણનાં ઠીકરાં જ રહ્યાં કે બીજું કંઈ?

12. મનુષ્ય જન્મ ફરી ફરી નથી મળતો. જે ફળ પાકીને ગરી પડયું તે પાછું ડાળ પર લાગતું નથી.

13. ખુમારી ઊતરે જ નહિ ત્યારે જાણવું કે હરિરસ પીધો!

14. પ્રેમ નથી ઝાડ પર ઊગતો કે બજારમાં વેચાતો એ તો માથા સાટે લેવાનો હોય છે.

15. જેમ કાપડ (જિંદગી) વણાતું જાય છે તેમ એનો બીજો છેડો (મૃત્યુ) નજીક આવતો જાય છે.

16. ગુરુ બિન કૌન બતાવે બાટ? બડા વિકટ યમ ધાટ!

17. ઘૂંઘટકા પટ ખોલ રે, તોકો રામ મિલેંગે!

18. જો સુખ પાયો રામ ભજન મેં સો સુખ નાહિ અમીરીમેં!

19. ભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ!

20. સબ ધરતી કાગઝ કરું, કલમ કરું વનરાય.સબ સમુદ્ર શાહી કરું, હરિગુણ લીખ્યો ન જાય.

વાંચવા બદલ આભાર.
ભૂલ ચૂક માફ🙏
સ્નેહલ જાની