VEDH BHARAM - 47 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 47

વિકાસને હજુ તે માણસ પર વિશ્વાસ નહોતો આવતો. આમપણ જે માણસને હજુ સુધી તેણે જોયો જ નહોતો તેના પર વિશ્વાસ કઇ રીતે થઇ શકે.

“તમે જેટલા કહેશો તેટલા પૈસા મળશે પણ મારે એ જાણવુ છે કે મારુ અપહરણ કોણે કરાવ્યુ હતુ. અને આ માટેના તમારી પાસે પ્રુફ હોવા જોઇએ.” વિકાસે કહ્યું.

“હા તમને પ્રુફ મળી જશે. પણ પૈસા મને કેસમાં મળવા જોઇએ.” સામેથી કહેવાયુ.

“હા, મને મંજૂર છે બોલો કેટલા પૈસા જોઇએ અને ક્યાં મળવુ છે?” વિકાસે તરત જ કહ્યું.

આ સાંભળી સામેવાળો માણસ હસવા લાગ્યો અને પછી બોલ્યો “જુઓ મિ. વિકાસ તમે કોઇ ચાલાકી કરવાનુ વિચારતા હોય તો ભુલી જજો. કેમકે જો તમે એવુ કોઇ પગલુ ભર્યુ તો તે તમારી જીંદગીની બહુ મોટી ભુલ હશે. કેમ કે તમારા દુશ્મન કોણ છે તે તમે હજુ સુધી જાણતા નથી. તમારા અપહરણ થયા પછી કેવી કેવી ઘટના બની છે તેનો તમને ખ્યાલ નથી. દુનિયા માટે તમે હવે ભુલાઇ ગયેલુ પાત્ર છો. આ સમયે જો તમે મારી સાથે ચાલાકી કરવાની કોશિષ કરશો તો તેનુ પરિણામ બહુ સારુ તો નહી જ આવે.” પેલાએ ધમકી આપતા કહ્યું.

“હું કોઇ ચાલાકી નહીં કરુ. મને તો એ જ જાણવામાં રસ છે કે એ વ્યક્તિ કોણ છે જેણે મારી જીંદગી નર્ક સમાન બનાવી દીધી છે. તમે કહો ત્યારે આપણે મળીશું.” વિકાસે ફરીથી મુદ્દા પર આવતા કહ્યું.

“તે હું તમને ફરીથી ફોન કરી જણાવીશ. પણ ત્યાં સુધી કોઇ ચાલાકી કરવાની કોશિષ નહીં કરતા. મને તમારી દરેક હિલચાલની જાણ થાય છે. ઓકે બાય.” સામેથી ફોન કટ થઇ ગયો.

થોડીવાર વિકાસ એમ જ મોબાઇલ હાથમાં પકડી બેસી રહ્યો. ત્યારબાદ અચાનક તેને વિચાર આવતા તે ઊભો થયો અને રુમ લોક કરી બહાર નીકળ્યો. તેણે હોટલ રિસેપ્શન પર જઇ એક ટેક્સી મંગાવી આપવા કહ્યું. ટેક્સી લઇ તે સૌ પ્રથમ એક એટીએમમાં ગયો અને કાર્ડમાં બેલેન્સ ચેક કર્યુ. બેલેન્સ જોઇ તેને નવાઇ લાગી. ખોવાઇ ગયેલ કાર્ડ બ્લોક તો નથી કરાવ્યુ પણ આટલુ મોટુ બેલેન્સ પણ તેમા રહેવા દીધુ છે આ જોઇ તેને અનેરી પર ગુસ્સો આવ્યો. આમ છતા અત્યારની પરિસ્થિતિમાં તો આ તેના માટે બહુ સારુ હતુ. ત્યારબાદ ત્યાંથી નીકળી તે પેન્ટાલુન્સમાં ગયો અને પોતાના માટે સારા કપડા ખરીદ્યા. ત્યાંથી તે એક સારા હૈર સલુનમાં ગયો. છેલ્લે તે એક મોબાઇલના શોરુમ પર ગયો અને પોતાના માટે એક બીજો મોબાઇલ અને કાર્ડ લીધુ. ત્યારબાદ તે હોટલમાં જઇ જમ્યો અને પછી પોતાના રુમ પર આવ્યો.

રુમ પર પહોંચી તેણે કપડા કાઢી નવો લીધેલો નાઇટ ડ્રેસ પહેર્યો અને બેડ પર લાંબો થયો. તેણે નવો માબાઇલ હાથમાં લીધો અને મોબાઇલમાં જરુરી સેટીંગ્સ કરવા લાગ્યો. તે બે મિનિટ મોબાઇલ મચેળ્યો ત્યાં જ તે મોબાઇલમાં રીંગ વાગી આ જોઇ વિકાસ ચોંકી ગયો. આ મોબાઇલ અને કાર્ડતો તેણે હજુ કલાક પહેલા જ ખરીદ્યા હતા. તેનો નંબર હજુ તેણે કોઇને આપ્યો નહોતો તો પછી આ કોનો કોલ આવ્યો હશે. કદાચ કંપનીવાળાનો કોલ હશે તેમ વિચારી તેણે કોલ રિસિવ કર્યો.

“ગુડ જોબ વિકાસ, નવા કપડા, નવા સુઝ, નવો લુક અને નવો મોબાઇલ. શું વાત છે? મોબાઇલ બદલીને તુ એમ માને છે કે મને કંઇ ખબર નહીં પડે.”

આ પેલો માણસ જ હતો. આ અવાજ સાંભળી વિકાસ વિચારવા લાગ્યો કે આ માણસને કેવી રીતે ખબર પડી કે મે નવો મોબાઇલ ખરીદ્યો છે. ચાલો એ તો ખબર પડી પણ તેની પાસે મારો આ નંબર કઇ રીતે આવ્યો.

“કેમ તને નવાઇ લાગે છે ને કે તારો આ નંબર મને કઇ રીતે મળ્યો. મે તને કહેલુને કે તારી દરેક હિલચાલ પર મારી નજર છે.”

“તમે શું કામ મારા પર નજર રાખો છો. મારે તમારી સાથે કોઇ સોદો નથી કરવો. મને તમારા પર વિશ્વાસ નથી. મારે નથી જાણવુ કે મારુ અપહરણ કોણે કરાવ્યુ છે. પ્લીઝ તમે મને એકલો છોડી દો.” વિકાસે એકદમ ગુસ્સામાં કહ્યું.

“ઓકે મિ.વિકાસ તો મને કોઇ પ્રોબ્લેમ નથી આજ પછી હું તમને કોલ નહી કરુ. પણ જો તમારુ મન બદલાઇ તો આ નંબર કોલ કરજો. અને હા ફરીથી તમને એજ સલાહ આપુ છું કે કોઇનો વિશ્વાસ કરતા નહી કેમ કે તમારુ અપહરણ કરાવનાર તમારો અંગત જ છે. ગુડબાય મિ. વિકાસ.” અને પછી સામેથી ફોન કટ થઇ ગયો. ત્યારબાદ વિકાસ ઘણીવાર સુધી એમ જ બેસી રહ્યો. તેને સમજાતુ નહોતુ કે શું કરવુ. એકબાજુ એ જાણવુ તેના માટે જરુરી હતુ કે તેનુ અપહરણ કોણે કરાવ્યુ હતુ અને બીજી બાજુ આ માણસ તેને જે રીતે ફોલો કરી રહ્યો હતો તે જોતા તેના પર વિશ્વાસ બેસતો નહોતો. પણ પછી તે જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ તેને પેલા માણસની મનોસ્થિતિ સમજાતી ગઇ. વિકાસે પોતાને તે માણસની જગ્યાએ મૂકીને વિચાર્યુ એ સાથે જ તેને સમજાઇ ગયુ કે પેલો માણસ તેના પર તેની સલામતી માટે જ નજર રાખી રહ્યો હતો. આ સમજાતા જ તેણે થોડીવાર પહેલા જે નંબર પરથી ફોન આવ્યો હતો તે ફરીથી જોડ્યો.

“મને ખબર જ હતી કે તમારુ મગજ શાંત થશે એટલે તમે મને કોલ કરશો.” સામેથી ફોન ઉંચકી સીધુ કહેવાયું.

“સોરી, થોડીવાર માટે મને ગુસ્સો આવી ગયો હતો.” વિકાસે કહ્યું.

“કોઇ વાંધો નહીં. ગુસ્સો હંમેશા ખોટા નિર્ણયો લેવડાવે છે.” સામેથી કહેવાયુ.

“મને તમારી વાત મંજૂર છે. આપણે તમે કહેશો ત્યાં મળીશું.” વિકાસે કહ્યું.

“ઓકે, સમય સ્થળ અને રકમ હું તમને જણાવીશ.” સામેથી કહેવાયુ. વિકાસ હજુ આગળ કંઇ પણ કહેવા જાય ત્યાં ફોન કટ થઇ ગયો. પણ હવે વિકાસને સમજાઇ ગયુ હતુ કે તેનો કોઇ માણસ વિકાસ પર નજર રાખી રહ્યો છે. વિકાસે નક્કી કર્યુ કે હવે એકદમ સાવધાની રાખી આજુબાજુ નજર રાખવી છે. ત્યારબાદ વિકાસ થોડીવાર ઊંઘી ગયો.

ઉમરા પોલીસ સ્ટેશનમાં રિષભ હેમલ અને અભય ત્રણેય ઓફિસમાં બેઠા હતા. રિષભે વસાવા સાહેબને કબીર અને શિવાનીની પૂછપરછ માટે મોકલેલા હતા. આમ જોઇએ તો અત્યારે મળેલી આ બેઠક સિક્રેટ બેઠક જેવુ જ મહત્વ ધરાવતી હતી. જ્યારે પૂરતા કારણો હોવા છતા શિવાની અને કબીરની રીમાન્ડ લંબાવવામાં ન આવી ત્યારે જ રિષભે નક્કી કરી લીધેલુ કે આ કેસમાં સીધી આંગળીથી ઘી નીકળશે નહીં. કાયદાકીય રીતે આ કેસ કયારેય સોલ્વ થશે નહી. એટલે જો સાચે જ ગુનેગારને સજા આપવી હશે તો પોલીસે પણ થોડા નિયમોમાં બાંધછોડ કરવી પડશે. જો કે આ કેસમાં ગુનેગાર કોણ છે તે કોર્ટ પણ નક્કી કરી શકે એમ નહોતી. કેમકે દર્શનનું ખૂન અને વિકાસનુ અપહરણ કરાવનાર ગુનેગાર છે કે પછી નિર્દોશ છોકરીઓ પર બળાત્કાર કરનાર આ નરાધમો ગુનેગાર છે? આ કેસ કોર્ટમાં જશે તો પણ તેનો ચુકાદો તો પૈસા અને લાગવગથી જ થવાનો હતો. આ વાત રિષભને સમજાઇ ગઇ હતી એટલે જ તેણે આ એક કેસ માટે જુદો રસ્તો પસંદ કર્યો હતો. તે માટે તેણે કોર્ટથી સ્ટેશન પર પહોંચીને હેમલ અને અભયને બોલાવ્યા હતા અને આ આખો કેસ કઇ રીતે આગળ વધે છે તે સમજાવ્યુ હતુ. ત્યારબાદ તેણે બંનેને કહેલુ કે હવે અહીયાથી મારો અને તમારો રસ્તો કદાચ જુદો પડશે. આ કેસમાં હું હવે જે કરવા જઇ રહ્યો છું તે કદાચ કાયદા વિરુધ્ધ કહી શકાય પણ મારો અંતરાત્મા મને કહે છે કે મારે આમ જ કરવુ જોઇએ. હવે તમારે નક્કી કરવાનુ છે કે તમારે આ કેસ પર રહેવુ છે કે નહી. જો મારાથી ડરીને કે શરમ રાખીને કોઇ પગલુ ભરવાનુ નથી. તમે બંને પોલીસ ડીપાર્ટમેન્ટના જાંબાઝ અફસર છો મને તમારા માટે માન છે અને રહેશે. આ કેસના તમારા ડીસીઝનની તેના પર કોઇ અસર પડશે નહીં. અને હા ખાસ વાત કે હું જે રસ્તા પર જવા માંગુ છે તેના પર ખતરો છે. તમારે મને હમણા જવાબ આપવાની જરુર નથી. એકાદ દિવસ વિચારીને જવાબ આપજો. પણ એક વાત યાદ રાખજો કે આ રસ્તો વન વે છે. જો તમે મારી સાથે જોડાશો તો પછી અધવચ્ચેથી છોડી શકશો નહી. કેમકે તમે મારી યોજના જાણી લો પછી તમે છોડી શકો નહીં.” આ વાત થયાના બીજા જ દિવસે હેમલ અને અભય તેની યોજનામાં જોડાઇ ગયા હતા. રિષભે તે બંનેને એક કામ સોંપેલુ અત્યારે તે જ કામના અનુસંધાનમાં હેમલ અને અભય રિષભને વાત કરી રહ્યા હતા.

“સર, કામ થઇ ગયુ છે તમે જ્યારે કહેશો ત્યારે તે વસ્તુ આપણને મળી જશે.” હેમલે કહ્યું.

“ઓકે, હવે તમારે એક કામ કરવાનુ છે. હેમલ તારે આ માણસનો પીછો કરવાનો છે.” એમ કહી રિષભે હેમલને એક ફોટો બતાવ્યો અને તેની બધી વિગત આપી. અને ત્યારબાદ રિષભે અભયને કહ્યું “અભય, તારે કબીર પર ધ્યાન રાખવાનુ છે. તેની એકે એક મિનિટની વિગત આપણી પાસે હોવી જોઇએ. તમારે કોઇપણ વસ્તુની જરુર પડે તે તમને મળી જશે. પણ કોઇ પણ એક્શન લેતા પહેલા મને જાણ કરવાની. અને હા તમારા રિસોર્સિસનો ઉપયોગ કરવાની છૂટ છે પણ એકદમ કેરફૂલ રહેવાનુ કે તે માણસને આપણા પ્લાનનો સહેજ પણ ખ્યાલ આવવો જોઇએ નહીં.” રિષભે બંનેને આગળનો પ્લાન સમજાવતા કહ્યું.

ત્યારબાદ થોડુ રોકાઇને બોલ્યો “કદાચ તમને એમ થતુ હશે કે સાહેબ અમને આખો પ્લાન કેમ નથી કહેતા? પણ તેમા તમારા પર અવિશ્વાસ છે એવુ નથી. તમારા પર મને પૂરો વિશ્વાસ છે. પણ આ પ્લાન જરુર મુજબ બદલવો પડે એમ છે. એટલે જેમ જેમ આગળ વધશુ તેમ પ્લાનમાં ફેરફાર થશે. એટલે અત્યારથી આખો પ્લાન કહેતો નથી.” ત્યારબાદ મિટીંગ પૂરી થઇ એટલે હેમલ અને અભય પોતપોતાના કામે નીકળી ગયા.

આ બાજુ વિકાસ ઊંઘીને પછી હોટલની બહાર નીકળ્યો. આ વખતે સાવચેત હતો. તે આજુબાજુ જોતો જતો હતો. તેને પાકો વિશ્વાસ હતો કે કોઇ તો તેનો પીછો કરી રહ્યુ છે. જો એકવાર ખબર પડી જાય કે કોણ પીછો કરી રહ્યું છે તો પછી તેને ચકમો આપવો સહેલો પડે. તે હોટલની બહાર નીકળી થોડીવાર ઊભો રહ્યો અને પછી સામેથી આવતી રીક્ષા રોકી તેમા બેસી ગયો. અને આજુબાજુ જોવા લાગ્યો તે જ વખતે હોટલના ગેટમાંથી એક બાઇક નીકળી અને રીક્ષાની પાછળ થોડા અંતરે આવવા લાગી. આ વિકાસના ધ્યાનમાં આવ્યુ પણ તે આટલી જલ્દી કોઇ ડીસીઝન લેવા નહોતો માંગતો. તે એકવાર કન્ફર્મ થઇ જવા માંગતો હતો. વિકાસે રિક્ષાને ગુજરાત ગેસ સર્કલ પર ઊભી રાખી અને તેમાંથી નીચે ઉતર્યો અને ભાડુ ચુકવ્યુ. ભાડુ ચૂકવતી વખતે વિકાસે ત્રાસી આંખે જોઇ લીધુ કે પેલી બાઇક તેનાથી દૂર થોડા અંતરે રોકાઇ ગઇ છે. ત્યારબાદ વિકાસ એક બીલ્ડીંગમાં ઘુસ્યો અને ત્રીજા માળ પર રહેલી ઓફિસમાં દાખલ થયો. તે એક વકીલની ઓફિસ હતી. જો કે વકીલ તો તે માત્ર નામનો હતો. પણ હકીકતે તે એક ડીટેક્ટીવ હતો. વિકાસ તે ઓફિસમાં ગયો અને થોડીવાર રોકાયો. ત્યારબાદ તે ઓફિસમાંથી નીકળી અને બિલ્ડીંગમાં આવેલી બીજી સીડી પરથી નીચે ઉતર્યો. આ સીડી જ્યાં ઉતરતી હતી તે જગ્યાએથી પેલો બાઇકવાળો વ્યક્તિ એકદમ નજીક હતો. વિકાસ તેને ખબર ન પડે તે રીતે તેની એકદમ નજીક જઇને તેનુ નિરીક્ષણ કર્યુ. વિકાસ એ વ્યક્તિને એકદમ નજીકથી જોઇ લેવા માંગતો હતો. વિકાસે તેને જોયો અને પછી ધીમે ધીમે તેનુ ધ્યાન નીચે તે વ્યક્તિએ પહેરેલા સુઝ તરફ ગયુ. એ સાથે જ વિકાસના ચહેરા પર ગુસ્સો ધસી આવ્યો. તેની આંખોમાં લાલ દોરા ઉપસી આવ્યા અને તેની મુઠ્ઠી વળી ગઇ. તેની નસમાં લોહી ગરમ થવા લાગ્યુ.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM