Lockdown books and stories free download online pdf in Gujarati

લોકડાઉનના કરતૂત

ડરતાં ડરતાં આમથી તેમ દસ ડગલા ને ફરી તેમથી આમ દસ ડગલા. કંઈક અલગજ મુંઝવણ ફીલ થતી હતી...

એ મૂંઝવણ પણ સ્વાભાવિક હતી. ચાલતા ચાલતા નજર કરી તો હજુ સવારના સાડા પાંચ જ થયા હતા ને જીવનમાં આજે આ પહેલો બનાવ હતો. આમ તો સાવ એવું પણ ના કહેવાય કારણ કે આવા ઘણાં કિસ્સા અગાઉ જોયેલા હતા પણ આજે આમ લોકડાઉનમાંં આવું બનશે તે સપને પણ વિચાર્યુ ન હતું!!!!
એજ બધી મુંંઝવણ દિમાગમાં ચાલતી હતી ત્યાં અંદરથી એક ભાઈ આવ્યો ને કહ્યું હવે તમારે અંદર આવીને ચેક કરવુું હોય તો ચાલો કંડીશન બહું ક્રિટિકલ છે !!! આ શબ્દો સાંભળતાજ મારૂ દિમાગ શૂન્યાવકાશ થઈ ગયું.

આમ તેમ નજર કરી પણ મારા સિવાય કોઈ ત્યાં દૂર દૂર સુધી દેખાતું ન હતું એ જોઈને મનમાં આમ તો થોડી હાશ થઈ તોય ડરના મારે મુુંઝાતા અવાજેે કહ્યું "ભાઈ તમનેે જે યોગ્ય લાગે તે કરો." એ ભાઈ હળવુું માથુંં હલાવી અંદર જતા રહ્યા ને હું ફરીથી ચારેબાજુ નજર રાખતા બહાર આમથી તેમ આંટા મારવા લાગ્યો. ચાલતા ચાલતા ફરી મન વિચારે ચડયુંં. જીવનમાં બીજી વખત આવી અસમંજસની પરિસ્થિતિ આવી હતી જેમાં ડર અને ગભરામણે મારા મગજને સાવ જ સુન્ન કરી દીધું હતું. પહેલી વખત મારી વાઈફની ડીલવરી સમયે ને બીજી વખત આજે. બરાબર એવો જ ડર અને એવી જ મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી આજે આટલા વર્ષે મારી કોઈ સીધી સંડોવણી વિના હું ફરી પસાર થઈ રહ્યો હતો.

આ કેેેવી રીતે બન્યું ના વિચારો એ મને ઘેરી લીધો અને મેં આજ સવારની ઘટના પર નજર કરી...

"મૂઆ, નખ્ખોદ જાય આ કોરોનાનું. સાલો મરતોય નથી ને કોઈને શાંતિથી જીવવા દેતોય નથી." પાંચ વાગ્યાનું એલાર્મ વાગતા જ એને બંધ કરતા અડધી ઊંઘમાં હું બબડ્યો. બાજુમાં જોયું તો શ્રીમતીજી ઘોડા વેચીને ઊંઘતા હોય એમ ઊંઘતા હતા. કમને, મહામહેનતે હું પથારીમાંથી ઉભો થયો અને એ સાથે જ શ્રીમતીજી પથારીમાં સળવળ્યા, એમનો મોબાઈલ હાથમાં લઈને ટાઈમ જોયો અને ઊંઘરેટા પણ સત્તાવાહી આવજે બોલ્યા, "શું નાસી જાય છે તો આટલા વહેલા ઉઠ્યા.?"

ગજબ છે શ્રીમતીજી પણ! ફોનના એલાર્મના અવાજથી હરામ બરાબર જો એમની ઊંઘમાં કંઈ ખલેલ થયો હોય ને મારા પથારીમાંથી ઉઠતા જ છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થઈ જાય. વિચારતા વિચારતા મેં કબાટમાંથી પેન્ટ અને ટી શર્ટની જોડ કાઢી ને શ્રીમતીજીના અવાજનો ટોન એકદમ બદલાઈ ગયો, "સવાર સવારમાં કોને મળવા ઉપડ્યા.?" એના અવાજમાં રહેલો શંકાનો રણકો મારા દિલ સુધી પહોંચી ગયો અને એ સાથે જ મનમાં એક અવાજ આવ્યો, "ભાવલા હજી તું હેન્ડસમ લાગે ખરો બાકી શ્રીમતીજી આમ શંકા ના કરે." વિચારમાં ને વિચારમાં શ્રીમતીજી ને જવાબ આપવાની જગ્યાએ હું અરીસામાં જોઈને માથું ઓળતા સિટી મારવા લાગ્યો ને આ જોઈને પેટમાં તેલ રેડાયું હોય એમ શ્રીમતીજી એક જ ઝાટકે પથારીમાં બેઠા થઇ ગયા. બેડની ડાબી બાજુ આવેલા ડ્રેસિંગ ટેબલના અરીસામાં અમારી આંખો ચાર થઇ અને એમની આંખોમાંથી નીકળતી શંકાની આગ મને ભસ્મીભૂત કરે એ પહેલા જ મેં એમને જવાબ આપવાનું ઉચિત માન્યું.

"કાલે કહ્યું હતું ને ડાર્લિંગ કે મારે જાવું પડશે." મેં વાત અધ્યાહારમાં છોડતા અવાજમાં બને એટલી મીઠાશ ઘોળીને કહ્યું..

"હા તો એનું સવારમાં પહોરમાં શું છે.?" મારી વાત સમજમાં ના આવતી હોય એમ શ્રીમતીજી ઉવાચ..

"એમને આ સમયે જ ફાવે એવું છે." તૈયાર થતા જ મેં જવાબ આપ્યો..

"કેમ.?" મારા જવાબથી થોડો સંતોષ થયો હોય એમ પાછા ઊંઘ તરફ પ્રયાણ કરતા હોય એમ શ્રીમતીજીએ પૂછ્યું..

"લોકડાઉન ડિયર.. કેમ ભૂલી ગઈ સરકારે કોરોનાના લીધે અમુક નિયંત્રણ લાદ્યા છે. "મેં કહ્યું...

હવે તમને થશે આ કોણ મહાશય છે અને એવું શું કામ કરવા નીકળ્યા છે જે સવારના સાડા પાંચે કરવું પડે અને એય ડરતાં ડરતાં. આમ તો માનવસહજ સ્વભાવના લીધે તમને મારા પરિચય કરતા મારા કાંડમાં જ વધુ રસ હશે એટલે હું વધુ સમય નહીં લઉં. હું ભાવલો એટલે ભાવેશ પરમાર અને શ્રીમતીજી એટલે મારા એકલૌતા ધર્મપત્ની નિલા પરમાર.

હા.. તો વાત આજથી સાત દિવસ પહેલાની હતી. રાતના સમયે હું મારા કારખાનેથી ઘરે આવતો હતો. મારા ઘરની નજીક જ એક સુમસાન ગલી જ્યાં હમણાં જ રોડ ખોદેલો ત્યાંથી પસાર થતાં મને સ્સસ્સ અવાજ આવ્યો અને હું કંઈ સમજુ એ પહેલા એકદમ જ મારા બાઈકનું પાછળનું વ્હીલ બેસી ગયું ને સાથે દિલ પણ. જેમતેમ કરીને એને ખેંચતા ખેંચતા હું ઘરે પહોચ્યો. થાક અને ચિંતાના કારણે મને થોડો નંખાઈ ગયેલો જોઈને શ્રીમતીજી મારી સામે શંકા અને ચિંતાથી જોવા લાગ્યા. મારા હાથમાં રહેલું ટિફિન અને બીજો સામાન લઈને એ રસોડામાં ચાલ્યા ગયા અને પાણીના ગ્લાસ જોડે બહાર આવ્યા. પાણી પીતા જ જીવમાં જીવ આવ્યો હોય એમ સઘળી બીના મેં એમને વર્ણવી.

પછીના સાત દિવસ તો મેં જ્યાં ત્યાં કામચલાઉ ધોરણે કાઢી નાખ્યા પણ પછી સરકારે લોકડાઉન લંબાવ્યું ને નવી ઉપાધી આવી. મારા માટે એ વિચાર જ અસહ્ય બની રહ્યો કે મારે હજી એના વિના થોડા દિવસ કાઢવા પડશે. બાવીસ વર્ષનો અતૂટ સાથ હતો અમારો. એક અલગ જ સ્નેહનું બંધન હતું જે મને એની જોડે જોડાયેલા રહેવા મજબૂર કરતું હતું. ભાઈ અને પપ્પાના ઘણા સમજાવ્યા છતાં પણ હું એનાથી અલગ નહતો થઈ શક્યો અને આ સાત દિવસનો વિયોગ. અને એક દિવસ એનો તોડ કાઢવાના આશયથી કારખાનેથી આવતા મારા મિત્રએ કહેલા આ ભાઈને મળ્યો. થોડી આનાકાની પછી એ ભાઈ માની તો ગયા પણ એમની શરતો મને થોડી અજીબ લાગી. પણ મારા માટે તો એજ અત્યારે મારા ભગવાન હતા અને મારી ગરજ અને સમય બંને એવા હતા કે એમની વાત સ્વીકાર્યા વિના મારી જોડે છૂટકો નહતો.

આ બધા વિચારોમાં હતો ત્યાં ફરી દૂકાનના શટર ખૂલવાનો અવાજ આવ્યો ને પેલા ભાઈ દુકાનમાંથી ને હું વિચારોમાંથી બહાર આવ્યા.

કોઈ મોટા સર્જન ઓપરેશન થીયેટરમાંથી બહાર આવે બસ અદ્દલ મને એવો જ ભાસ થતો હતો. અને હું રાહ જોતો હતો ક્યારે એ મને ઓપરેશન સક્સેસ્ફૂલ ના શુભ સમાચાર આપશે અને હું મારા એ સાથીને જોઈ શકીશ.

પણ તને શબ્દો હતા, "ટયુબ પતી ગઈ હતી તો નવી નાખી દીધી છે."

મેં એના હાથમાં બનતા રૂપિયા કરતાં પણ એક સો ની નોટ વધુ પકડાવી અને મારા બાઈક ના બહાર આવવાની રાહ જોવા લાગ્યો. બીજો કારીગર હજી બાઈક લઈને બહાર આવીને દુકાનનું શટર બંધ જ કરે છે ને દૂરથી પોલીસની ગાડીની સાયરન સંભળાઈ. ઝાઝો સમય બગાડ્યા સિવાય અમે ત્રણે પોતપોતાની મંઝિલ તરફ ભાગ્યા.

ઘરે આવીને માંડ શ્વાસ ખાવા બેઠો અને શ્રીમતીજી ની બુમ સંભળાઈ, "જાય આવ્યા મારી સૌતનને લઈને ડૉક્ટર જોડે." ને આ સાંભળીને એજ વખતે સીડીથી નીચે આવતા ભાઈ અને પપ્પાની હસાહસ ચાલુ થઈ ગઈ.

તો આ હતો મારો અને મારી પ્યારી સ્પ્લેન્ડરનો લોકડાઉન વખતનો યાદગાર પ્રસંગ.

©ભાવેશ પરમાર
*****