Adhurap - 2 books and stories free download online pdf in Gujarati

અધૂરપ. - 2

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૨

ભાર્ગવી તેની જેઠાણીને ભેટી પડી અને જાણે બંને એકબીજાની સાથે જ છે એમ મૂક સંમતિ આપી રહી. બંનેએ જાણે એકબીજાના તરફ એક અતૂટ ઉર્જા અનુભવી. જાણે બંને એક જ મા ની દીકરીઓ હોય એમ એવો જ એકસરખો અનુભવ કરી રહી હતી. હા,પણ જે ભાર્ગવી સાથે થયું એનો વસવસો તો બંનેના મનમાં હતો જ અને એમાંથી ઉદભવેલું દર્દ જાણે બંનેની અંદર શૂળની જેમ ભોંકાઈ રહ્યું હતું. પણ હવે આગળ એવું કઈ જ નહીં બનવા દે એ વિચાર પર બંનેનું મન મક્કમ થઈ ચૂક્યું હતું.

રાત્રિના ભોજનનો સમય થઈ ગયો હતો. રાતનાં ભોજન માટે આખો પરિવાર ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો હતો. પરિવાર આખો ડાઈનીંગ ટેબલ પર સાથે જ જમવા બેસતો એ શિરસ્તો એમના ઘરમાં વર્ષોથી ચાલ્યો આવતો હતો. આજેતો બધાંની પસંદગીનું ભોજન બનાવવામાં આવ્યું હતું. બધાંની થાળીઓ પીરસાઈ ગઈ હતી અને બધા જ જાણે કઈ જ બન્યું ન હોય એમ ભોજનનો સ્વાદ માણી રહ્યા હતા. પણ ભાર્ગવી અને અમૃતા?!! એ બંનેના ગળેથી તો એક કોળિયો પણ ક્યાં ઉતરી રહ્યો હતો?
બંનેના હૃદયમાં એક નાનકડા જીવની હત્યાનું આક્રંદ ગૂંજી રહ્યું હતું. હજુ થોડા સમય પહેલા જ થયેલ એક નિર્દોષ જીવની મૌન ચિચિયારીઓ એમના કાનોમાં ગૂંજી રહી હતી. અને બંને પોતાને કશું જ કરી શકવા માટે અસમર્થ અનુભવી રહ્યા હતા. ભાર્ગવી જે 3 મહિનાથી પોતાના ગર્ભમાં રહેલ જીવને અનુભવી રહી હતી એ માત્ર દીકરી ઉછરી રહી છે એ જાણ થતાં જ "દીકરી તો આ ઘરમાં ન જ જોઈએ" એવું બોલાયેલ પોતાના પરિવારના શબ્દો ફરી ફરી એના મન પર હાવી થઈ રહ્યા હતા. એને વારંવાર એ પળો યાદ આવી રહી હતી. અને એ યાદ આવતાં જ એ અંદરથી ખૂબ જ ધ્રુજી ઉઠતી અને એને દુઃખ તો એ વાતનું હતું કે, એનો પતિ પણ આ વાતમાં એનો સાથ આપવાને બદલે પોતાના પરિવાર ને જ સાથ આપી રહ્યો હતો. જાણે બાળક એનું હોય જ નહીં.

ખરેખર તો દીકરી કે દીકરાના જન્મ માટે જવાબદાર તો પુરુષ જ હોય છે. પુરુષની અંદર રહેલા x કે y રંગસૂત્ર પર જ બાળકની જન્મની જાતિ નક્કી થતી હોય છે. પણ આ ભણેલો કહેવાતો સમાજ હજુ પણ સ્ત્રી ને જ શા માટે જવાબદાર ઠેરવે છે? ભાર્ગવીને બધી જ વસ્તુઓમાં પણ એ જ દ્રશ્ય તેની નજર સમક્ષ ઉદ્દભવી રહ્યું હતું કે જે હોસ્પિટલમાં એની સાથે બધી સર્જરી કરી હતી દરેક ક્રિયા અને એ થી પણ વધુ પોતે અનુભવી એ પીડા.. એવી પીડા કે જે પોતાના શરીરને તો કષ્ટ પહોંચાડી રહી હતી પણ મનને તો ચારણીથી ચાળી નાખ્યા જેવી વેદના આપી ગઈ હતી. અપૂર્વના શબ્દોએ ભાર્ગવીની જાગૃત મૂર્છા અવસ્થાને ઢંઢોળી.. " ભાર્ગવી ખીર આપને થોડી. બહુ મસ્ત બની છે."

ભાર્ગવી એ ખીર પીરસી... અપૂર્વ ખીર પી રહ્યો હતો અને ભાર્ગવી પોતાના આંસુ..... અને આ વેદના દૂર બેઠેલી અમૃતા અનુભવી રહી હતી.

૨/૪ દિવસ આમને આમ જતા રહ્યા.. હવે ફરી પહેલાની જેમ અમૃતા અને ભાર્ગવી પોતાની હકીકતને બહુ જલ્દી પચાવીને નોર્મલ જીવન જીવવા લાગી હતી. પણ કહેવાય છે ને કે, માતાપિતાના પુણ્યોનું ફળ બાળકને મળે એમ એમના પાપનું ફળ પણ બાળકોને અનિચ્છાએ મળે જ છે. કારણકે કુદરતની લાકડી સીધી ન વાગે પણ પછડાટ આપે એ બહુ જૂજ લોકો જ સમજી શકે.. અને આ મનુષ્ય અવતાર બીજાની જિંદગીને બખૂબી સમજી શકે પણ પોતાની જિંદગીની શીખને સમજતા એટલી વાર લગાડે કે ત્યાં સુધીમાં તો પ્રભુ ધામ પહોંચવાનું તેડું આવી જાય છે.. ચાલો જોઈએ આ પરિવારમાં કેવી રીતે પ્રભુની લાકડીની પછડાટ પડે છે.

રાતનાં સમયે આખો પરિવાર રોજની જેમ જ ભોજન કરી રહ્યો હતો. હજી બધાએ અડધું ભોજન માંડ કર્યું હશે ત્યાં જ ઘરની ડોર બેલ રણકી..

ભાર્ગવીએ દરવાજો ખોલ્યો. સામે તેની એકની એક નણંદ પોતાની એકની એક દીકરી સાથે એક બેગ સાથે ઉભી હતી. ભાર્ગવીએ પ્રેમથી હસતા મોઢે આવકાર આપ્યો પણ તેની નણંદ ગાયત્રીની આંખ ભીની હતી. અને એના હાવભાવથી સ્પષ્ટ જણાતું જ હતું કે જરૂર કોઈ તકલીફ પામી એ અહીં પોતાને પિયર આવી હતી. અમૃતા તરત ઉભી થઈને ત્યાં દોડી આવી હાથમાંથી બેગ લીધી. ગાયત્રી પોતાના અમૃતાભાભીને ભેટીને ખુબ રડવા લાગી. છેક હવે આખા પરિવારનું ધ્યાન ગયું કે કોણ આવ્યું છે. હજુ સુધી કોણ આવ્યું છે એ તરફ કોઈનું ધ્યાન નહોતું. હજુ બધાં જમવામાં જ મશગુલ હતા. થોડીવાર પછી બધાનું ધ્યાન પોતાના ઘરની લક્ષ્મી તરફ ગયું. બારણામાં ગાયત્રીને આવેલી જોઈને સૌએ તેને આવકાર આપ્યો.
અપૂર્વ એ કહ્યું, "આવ અંદર આવ શાંતિથી વાત કરજે ચાલ પેલા જમી લે".
ગાયત્રી અંદર આવી અને સૌ એ કીધું એમ જમી અને પોતાની દીકરી ભવ્યાને પણ જમાડ્યું. બધાંની નજર હવે ગાયત્રી પર મંડાઈ.