Adhurap - 10 books and stories free download online pdf in Gujarati

અધૂરપ. - ૧૦

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૦

ગાયત્રી અને માનસ વચ્ચે ફરી એક વખત પ્રેમનો સેતુ રચાઈ ગયો હતો. ગાયત્રીએ ધીરજ રાખી તેનું ફળ તેને મળ્યું જ. વળી ગાયત્રીએ સમજણ રાખીને મન મોટું રાખ્યું અને સંબંધમાં ઘમંડને દૂર રાખીને સંબંધને જીત્યો હતો. સંબંધોમાં મોટે ભાગે પહેલ હંમેશા સ્ત્રીએ જ કરવી પડે છે. કારણ કે, કદાચ સ્ત્રી પાસે જ એ કુદરતી શક્તિ છે.

નારી તું નારાયણી, કદી ના તું છો હારી.
ખાટી મીઠી, તીખી કડવી ને કદીક ખારી.
તારી જિંદગી છે અનેક સ્વાદથી ભરીભરી!
નવરસભરી જિંદગી સાથે કેવી તારી યારી!

અને અહીં તો પ્રેમ જીતમાં મળી રહ્યો હતો તો પહેલ કરવામાં ગાયત્રી કેમ પાછળ રહે? અને આ વખતે તો પહેલ કર્યા બાદ માનસને પશ્ચાતાપ પણ થઈ રહ્યો હતો. પણ દરેક વખતે એવું શક્ય નથી હોતું. પુરુષને પસ્તાવો છે કે નહીં એ સ્ત્રીએ જરૂર નોંધવું જોઈએ અને જરૂર પડે તો સાચો રસ્તો પુરુષને દેખાડવા પાઠ પણ ભણાવવો પડે તો તે પણ એણે જરૂર ભણાવવો જોઈએ. ક્યારેક રાઈના દાણા જેટલી સમજફેર પણ એક સમયે ખુબ મોટી સમસ્યા બની સામે આવે છે ત્યારે બધું જ કેવું વેરવિખેર થઈ જાય છે!

આખરે ૭માં દિવસની સવારે માનસકુમાર ગાયત્રીના પિયરે ગાયત્રીને લેવા આવ્યા. ઘરના બાકીના સદસ્યો રાતની જે ગાયત્રી અને માનસ વચ્ચે વાત થઈ એ વાતથી હજુ અજાણ હતા, અને વહેલી સવારે જ માનસકુમાર હાજર થતા વાત કરવાનો સમય જ ન રહ્યો. માનસકુમારે જેવી બેલ વગાડી કે શોભાબહેન દરવાજો ખોલવા ગયા, દરવાજો ખોલતા વેત માનસકુમારને જોઈને વિચારમાં જ પડી ગયા. એમને થયું કે, ૧૫ દિવસ હજુ થયા નહીં ને આ હાજર થઈ ગયો? એ મનોમન ખૂબ સમસમી ગયા કે મારા ફોન વગર કામ થાય કેમ? એક ક્ષણમાં તો કેટલાય નકારાત્મક વિચાર આવી ગયા. અને જેવા વિચાર એવું વર્તન. એમના સ્વભાવ મુજબ બોલ્યા, "આવો કુમાર. કેમ છો? હું વિચારતી જ હતી કે ગાયત્રીને કહું કે પત્ની તો પતિના ચરણે જ શોભે, તું માફી માંગ અને બોલજે કે આવી ભૂલ બીજી વાર નહીં થાય." કુમાર ઘરના સોફામાં બેસે એટલી વારમાં તો આટલું બધું જ સડસડાટ એકી શ્વાસે બોલી ગયા.

માનસ પોતે જ થોડા શરમિંદગી અનુભવતા હતા. ગુસ્સામાં કેવું વર્તન કર્યું એ હવે એમને ચોખ્ખું સમજાતું હતું. પણ જે થયું તે થયું હવે સુધારવું તો પોતાને જ જોઈએને! આ બધા વિચારોમાં મગ્ન માનસ કુમાર શોભાબેન શું બોલ્યા એમાં એમનું ધ્યાન જ ન ગયું.

કુમાર બોલ્યા, "સોનાલી ઉઠી ગઈ? કે હજુ ઊંઘી રહી છે?"

સોનાલી હજુ ઊંઘી જ રહી હતી, પણ જ્યાં લાગણી મનને સ્પર્શતી હોય ત્યાં અહેસાસ થઈ જ જાય એમ સોનાલીને પણ પપ્પા આવ્યા એવો ભાસ થયો અને એ ઉઠી ગઈ. આંખ ચોળતી પોતાની મમ્મીને શોધવા લાગી. ગાયત્રી પૂજા કરી રહી હતી. સોનાલી ગાયત્રી પાસે ગઈ અને એને હાથથી હલાવી બોલાવવા લાગી. ગાયત્રીએ સોનાલીને તેડી અને વહાલથી એના માથે ચુંબન કર્યું અને દીવાની જ્યોતને હાથ ફેરવી અને સોનાલીના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને એ બહાર હોલમાં આવી. હોલમાં આવતા વેંત માનસને જોઈને ગાયત્રીના ચહેરા પર ચમક આવી ગઈ અને સોનાલી તો પપ્પા નામની ચીસ પાડી અને મમ્મીના હાથમાંથી છટકી અને પપ્પાને ભેટી પડી. ખુબ પ્રેમાળ અને નિર્દોષ પિતાપુત્રીનું મિલન હાજર રહેલ દરેક ના હૃદયને સ્પર્શે એવું આહલાદક હતું. થોડી જ વારમાં આખો પરિવાર હોલમાં હાજર થઈ ગયો.

રમેશભાઈ હોલમાં પ્રવેશતાં જ બોલી ઉઠ્યા, "આવો... આવો.. કુમાર." કહીને માનસને પ્રેમ સભર આવકાર આપવા લાગ્યા.

માનસ આજે ફરી એક વાર પોતાની જ નજર માંથી ઉતરી રહ્યો હતો. એની આંખો જમીનને તાકી રહી હતી. એ મનોમન શબ્દો ગોઠવી રહ્યો હતો પણ એને કેમ વાત કરવી કે શું બોલવું તે કઈ સમજાતું નહોતું.. એની વ્યથા એના ચહેરા પર અમૃતાભાભી વાંચી ચુક્યા અને એમણે વાતાવરણને સામાન્ય કરવા માટે કીધું કે, માનસકુમાર ચાલો ડાયનિંગટેબલ પર જ આવી જાવ. ત્યાં જ ચા નાસ્તો કરો એ બહાને તમારી અને ગાયત્રીની આટલા દિવસની જે ચા જોડે પીવાની બાકી છે એનો પણ હિસાબ બરાબર થઈ જાય.

ભાભીના મુખેથી આવું સાંભળી ગાયત્રી અને માનસ થોડું હળવું હસ્યા પણ આખું ઘર ખડખડાટ હસી પડ્યું. શોભાબહેન અત્યારે સાવ ચૂપ હતા પણ મનમાં અમૃતા માટે ખુબ ગુસ્સો હતો કારણકે છેલ્લા થોડા દિવસોથી અમૃતાના લીધે પોતાની મોટપ અને ખોખલી છાપને સંતોષ નહોતો થતો..

જોને તારા વિના જીવનમાં છે જ ઉણપ,
સ્ત્રીપુરુષ બન્નેને એકબીજા વિના છે જ અધૂરપ!