Adhurap - 4 in Gujarati Novel Episodes by Dr. Pruthvi Gohel books and stories PDF | અધૂરપ. - 4

અધૂરપ. - 4

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૪

ભાર્ગવીની વાત સાંભળીને અપૂર્વને પણ થયું કે, પોતે પોતાની બહેનને જ ન સમજી શક્યા... જન્મથી પોતાની બહેન સાથે જ છે છતાંયે બંને ભાભીઓ અમારા કરતા પણ વધુ વિશ્વાસ બહેન પર અને આ ઘરની પરવરીશ પર રાખે છે.. અપૂર્વ અનુભવી રહ્યો કે, સંબંધ ગમે તેટલો જૂનો કેમ ન હોય, પણ એ સંબંધ કેટલો મજબૂત છે એ વાત વધુ અગત્યની હોય છે. અપૂર્વ આમ વિચારીને તરત બોલી ઉઠ્યો કે, 'ગાયત્રી. બેન મને માફ કરી દે. મારાથી આજે મોટી ભૂલ થઈ ગઈ... તે રક્ષાનો દોરો બાંધ્યો છે મારે હાથે, એની પણ હું લાજ ન રાખી શક્યો! કહેવાય છે, ભાઈબહેનનો સંબંધ સ્નેહનો સંબંધ છે પણ હું તો તને ખરા અર્થમાં સ્નેહ પણ ન કરી શક્યો ને ઊલટું તારા પર જ વરસી પડ્યો. તારા પર સ્નેહનો વરસાદ કરવાને બદલે હું તો ક્રોધની વર્ષા કરી ઉઠ્યો. મને માફ કરી દે. અને ભાભી! હું તમારી પણ માફી માંગુ છું, ભાઈઓ તરીકે અમારે જે સાથ બહેનને આપવો જોઈએ એ ફરજ તમારે બજાવવી પડી.. મને માફ કરો..'

રાજેશ પોતાના નાના ભાઈની વાત સાંભળીને વધુ શરમીંદગી અનુભવવા લાગ્યો. પણ ઘમંડ શું ન કરાવે? અભિમાન બધા જ સંબંધને તોડવા માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને રાજેશ!? રાજેશને પોતાની પત્નીની સમજદારીથીએ બધાના મનમાં રોપાઈ રહેલ ખોટી વાતનું વર્ચસ્વ હટાવ્યું એ એને દેખાયું નહીં. કદાચ એની એ દ્રષ્ટિ હજુ સુધી ખૂલી જ ન હતી. પણ અમૃતા શા માટે એની મમ્મી સામે બોલી એ જ વાત એને અત્યારે વધુ મહત્વની લાગી રહી હતી. એ મોઢું ચડાવી રૂમમાં પગ પછાડતો જતો રહ્યો.

રાજેશ તો ગુસ્સામાં રૂમમાં જતો રહ્યો, આથી રમેશભાઈએ પોતાની ચિંતા જણાવતા કહ્યું, માનસકુમાર સાથે વાત કેમ કરવી મને તો એ જ સમજાતું નથી. કેવી રીતે તેમનો સામનો કરવો? ક્યારની એ જ ચિંતા મને સતાવી રહી છે.

અમૃતાના સાસુ છણકો કરી તરત બોલી ઉઠ્યા, "કેમ? આ તમારી લાડલી વહુ અમૃતા છે ને? એ જ બધું સંભાળી લેશે.. તમે શા માટે ચિંતા કરો છો? કાલે સવારે જ અમૃતા અને ભાર્ગવી બંને ગાયત્રીને માનસકુમારની જોડે વાત કરીને મૂકી આવશે.. કેમ ખરું ને વહુ? હવે તો આ કામની જવાબદારી તને જ સોંપી અમૃતા.. આટલું કહી રુઆબ દાખવતા અંદાજમાં ભારપૂર્વક બોલ્યા કે, "ભવ્યા અને સોનાલી અંદર એકલા રમી રહ્યા છે. હું એમની જોડે જાવ છું. વડીલોનું બધે ધ્યાન હોવું જોઈએ ને! જતા જતા મનમાં બબડતા ગયા કે, હું પણ જોઉં છું હવે કે, "કેમ તું મારી મદદ વગર કામને પાર પાડે છે?? આજે જે તે સાહસ મારી વિરુદ્ધ જવાનું કર્યું છે એ જોજેને તને કેવું ભારે પડે છે! અને મૂછમાં મલકાતાં દીકરીઓ પાસે ગયા..

રમેશભાઈએ અમૃતાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલી ઉઠ્યા, "દીકરી! તે મારી આંખ ઉઘાડી નાંખી.. નહીં તો આજે જે અજાણતા મારે હાથે પાપ થાત એ ક્યાં જન્મમાં ચૂકવવું પડત એ તો કોણ જાણે! મેં ખરેખર કંઈક સારા કર્મ કર્યા જ હશે કે તમે બંને સમજદાર દીકરીઓને અમે આ ઘરની વહુ તરીકે પામી શક્યા.
ગાયત્રીને કહ્યું, "બેટા, તારા મમ્મીએ કીધું એમ બંને ભાભીઓ તારી સાથે આવશે. મને ખાતરી છે કે એ જે કરશે એ તારે માટે સારું જ કરશે..બંને ભાભીઓ ને તારા માટે ખૂબ લાગણી છે. આજે આ ઘરની આવી હાલતનું કારણ કદાચ મારા આટલા વર્ષોનું મૌન છે. ઘરમાં શાંતિ જળવાઈ રહે એ માટે હું હંમેશા મૌન જ રહ્યો પણ એ ન સમજી શક્યો કે, મારું આ મૌન જ એક દિવસ આખા ઘરનો ભોગ લેશે. મને માફ કરી દે દીકરી."

આજની રાત ગાયત્રી માટે ખુબ કપરી રાત હતી. એ ઊંઘવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી પણ ઊંઘ તો આવવાનું નામ જ નહોતી લેતી.. મનમાં ખુબ ઉત્પાત થઈ રહ્યો હતો. વિચારોની દુવિધામાં એ અટવાઈ રહી હતી. ઘડીક એવા વિચાર આવે કે, મમ્મીને અને ભાઈને મારાથી વિશેષ પોતાનો ઘમંડ છે? તો વળી થાય કે આ બંને ભાભીએ મને સાથ ન આપ્યો હોત તો શું થાત મારુ? મારી દીકરી ભવ્યા ને લઈને હું ક્યાં ભટકત? આવા વિચારોમાં એ વર્ષો પહેલાના એક બનાવમાં ગરકાવ થઈ ગઈ...

before 12 years ...

રાતનાં ૧.૩૦ વાગ્યે અમૃતા અને રાજેશના જોર જોરથી થતા સંવાદોએ શોભાબેનના કાન સરવા કર્યાં ... બંનેના બેડરૂમ એક દીવાલે અડીને જ હતા. અવાજ એટલો બધો મોટો નહોતો પણ મોડી રાત્રે એકદમ નીરવ શાંતિના લીધે સંવાદો સંભળાઈ રહ્યા હતા. શોભાબહેને બારી ખોલી વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો..

રાજેશ કહે, ' તું એમ સમજે છે કે હું ઓફિસે હોવ તો મને કઈ ખબર ન પડે? મારુ તારી બધી વાત પર ધ્યાન હોય જ છે, તું શાક લેતી હોય, દૂધ લેતી હોય, ગાર્ડનમાં વોક કરતી હોય.. મારી આંખે પાટા નથી હો..'

અમૃતા એ રડમસ અવાજે જવાબ આપ્યો, ' હા, હું હસતા મોઢે શાક લેતી હોવ છું એ શાકવાળાભાઈ મારા પપ્પાની ઉંમરના છે, અને દૂધવાળા ભાઈ! એ મારાથી કેટલી નાની ઉંમરનો છે.. વર્ષોનો આ ઘર સાથે સબંધ પણ છે તો કદાચ મારાથી દૂધ લેતા કઈ વાત થઈ તો એનો મતલબ... શું રાજેશ તમે પણ.. ને બાકી રહી ગાર્ડનની વાત! તો એ તો આપણી સોસાયટીના બધા જાણીતાને સારા માણસો જ છે એમની સાથે કદાચ હું હસું કે બોલું તો શું ખોટું થયું?"

રાજેશ ભડકેલા અવાજે બોલ્યો, ' તું તો તારી ટણી ઉંચી જ રાખવાનીને? મને ખબર જ હતી કે, તું આવા જ જવાબ આપીશ.. તું ભારે હોશિયાર છો...

અમૃતા વાતનો ખુલાસો કરતા બોલી, ના હું હોશિયાર છું એમ સાબિત નથી કરતી પણ જે સાચું છે એ તમને કહું છું. તમે કંઈક તો વિચારો હું તમારી પત્ની છું.. મને શું રસ હોય બીજામાં?

રાજેશ રીતસર પોતાના અંકુશ માંથી છટકી ગયો હતો એટલા ગુસ્સામાં હતો કે એ શું બોલે છે એનું પણ એને ભાન નહોતું, ' મને પણ એ જ નથી સમજાતું કે તને મારી કઈ વાતનો સંતોષ નથી? તું એ બે ટકાના લોકો સામે હસી હસીને બોલે છે???? હું તારી રગ રગ ઓળખી ગયો છું.. કાલ હું તારે ઘરે અને અહીં બધાને તારા કરતૂત જણાવી દેવાનો છું.. પછી તું તારે રસ્તે અને હું મારે રસ્તે...'

અમૃતા રીતસર ડઘાઈ જ ગઈ હતી.. એ રોતાં અવાજે બોલી ઉઠી, ' મારા મમ્મીને ઠીક નથી અને પપ્પાને પણ એકવાર એંજિયોગ્રાફી કરાવી છે. તમે પ્લીઝ ઘરે કઈ જ વાત ન કહેતા, હું કાલથી શાક લેવા પણ નહીં જાવ, અને દૂધ પણ નહીં લવ, અને બહાર તમારી સાથે જ નીકળીશ એ સિવાય આ ઘરનું ઉંબરું પણ નહીં વટુ.. પણ ખરેખર રાજેશ હું સાચું જ કહું છું. મને તમારા સિવાય કોઈ માં રસ છે જ નહીં.. અમૃતાનો રોવાનો અવાજ કેટલીવાર સુધી આવતો રહ્યો પણ રાજેશ ટસ નો મસ ન થયો..

શોભાબહેન આખો સંવાદ સાંભળ્યા બાદ બબડ્યા, "હાશ! હવે શાક અને દૂધના બિલમાંથી હું રૂપિયા ભેગા કરી શકીશ... બહુ આવી હતી ઘરની ચાવીને સાચવવાવાળી..પહેલાં વરને તો સાચવ. એ જ કામ છે તારું.." આ બધું જ શોભાબહેનની સામે બેઠેલી તેની દીકરી ગાયત્રી સાંભળી રહી હતી.. એ 12th સાયન્સ માં હતી વાંચતા વાંચતા એ પણ બોલી ઉઠી,"શું મમ્મી! આવું શું ભાભીને હેરાન કરે છે?

શોભાબહેન દીકરીના આવા સવાલનો જવાબ દેતા બોલ્યા, "તું તો ચૂપ જ રે જે. નહીં તો તને આગળ ભણવા નહીં દઉં ને પરણાવી દઈશ.. હું તારી મા છું. આ બધી ઘરની વાતમાં તારે માથું નહીં મારવાનું સમજીને??? તું તો પારકા ઘરની વહુ થવાની છો. આ ઘર તારું નથી." ગાયત્રી હવે કશું જ બોલી ન શકી. મા ની આ વાત એ એના મોઢા પર કાયમ માટે તાળું મારી દીધું હતું.

ગાયત્રી પોતાના ભણવાના રસના લીધે કઈ જ બોલી નહોતી પણ ભાભીએ તે દિવસે જે ભાઈને વચન આપ્યું હતું એ આજ સુધી મૂંગા મોઢે પાળી રહ્યા હતા.. એ રાતનો સંવાદ ભાઈ, ભાભી અને શોભાબહેન તથા ગાયત્રીના મનમાં જ દબાઈ ગયો હતો.

ગાયત્રીને આજે પોતાની ભૂલ સમજાઈ કે, "પોતે ભાભી સાચા હતા છતાં એમનેસાથ ન આપ્યો..અને મૌન રહેવું જ પસંદ કર્યું. ભાભી મોટા બંગલામાં કેદમાં જ પોતાનું જીવન વિતાવવા લાગ્યા..ચરિત્ર પરનું મેણું કેટલું વસમું હોય એ આજે સ્વાનુભવ ને કારણે ખૂબ જ સારી રીતે સમજી શકતી હતી.

સવારના ૬ વાગ્યાના એલાર્મ ના અવાજથી ગાયત્રી પથારી માંથી બેઠી થઈ ગઈ.. અને મનમાં જ બોલી ઉઠી, "જાગ્યા ત્યારથી સવાર..."


Rate & Review

Parash Dhulia

Parash Dhulia 3 months ago

bhavna

bhavna 4 months ago

TGT

TGT 5 months ago

Amritlal Patel

Amritlal Patel 6 months ago

Vijay

Vijay 7 months ago