VEDH BHARAM - 50 in Gujarati Novel Episodes by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 50

વેધ ભરમ - 50

બીજા દિવસે સવારે રિષભ હજુ તૈયાર થઇને સ્ટેશન પર જવાની તૈયારી કરતો હતો ત્યાં તેના પર અભયનો ફોન આવ્યો.

“સાહેબ ગીફ્ટ શોપમાંથી ગીફ્ટ લઇ લીધી છે અને થોડીવારમાં ગીફ્ટ યજમાનને ત્યાં પહોંચાડી દઇશ.” અભયે ફોન પર કહ્યું.

“ઓકે, નો પ્રોબ્લેમ હજુ મહેમાન જવા માટે નીકળ્યા નથી. પણ તુ ઝડપ રાખજે.” રિષભે સુચના આપતા કહ્યું.

“ઓકે સર, બીજી કાંઇ સુચના છે?” અભયે પૂછ્યું.

“હા, ગીફ્ટ પહોંચાડી તારે ત્યાં થોડા અંતરે રોકાવાનું છે. કાંઇ ઇમરજન્સીમાં જરુર પડે તો તું બે મિનિટમાં પહોંચી જવો જોઇએ.” રિષભે છેલ્લી સુચના આપી અને પછી કોલ કટ કરી નાખ્યો.

ત્યારબાદ તે તૈયાર થયો અને સ્ટેશન પર ગયો. તે સ્ટેશન પર પહોંચ્યો અને તેની ઓફિસમાં બેઠો ત્યાં જ તેના મોબાઇલમાં રીંગ વાગી. રિષભે સ્ક્રીન પર જોયુ તો હેમલનો ફોન હતો.

“હેલો સર, ગુડમોર્નીંગ. મહેમાન જવા માટે અહીંથી નીકળી ગયા છે. હવે મારા માટે શું સુચના છે?” હેમલે પુછ્યું.

“તું પણ થોડા અંતરે રહીને તેનો પીછો કર. અભય ત્યાં હશે જ એટલે બહું ચિંતા નથી. તું સેફ ડીસ્ટન્સ રાખજે તે લોકોને સહેજ પણ શક જવો ના જોઇએ.” રિષભે સુચના આપતા કહ્યું.

“નો પ્રોબ્લેમ સર. હું સિવિલ ડ્રેસમાં છું અને મારી પાસે બાઇક છે એટલે તે લોકોને મારા પર શક નહીં જાય. છતા હું ધ્યાન રાખીશ.” હેમલે કહ્યું.

“ઓકે.” ત્યારબાદ રિષભે ફોન કટ કરી નાખ્યો.

હેમલ વાત કરતો હતો ત્યારે વિકાસ અને બહાદુરસિંહ પેલા નાનુસિંઘને લઇને કામરેજ તરફ જવા નીકળી ગયા હતા. આગલા દિવસે બહાદુરસિંહે તેના મિત્રની કાર માંગી લીધી હતી. અને તેની લાઇસન્સવાળી ગન પણ લઇ આવ્યો હતો. આમ તો તે લોકો રાત્રે જ જવા માંગતા હતા પણ નાનુસિંઘની હાલત ખરાબ હતી એટલે તે સવારે પેલા દાસ બાબુ પાસે જવા નીકળ્યા હતા.

વિકાસે નક્કી કર્યુ હતુ કે આ દાસબાબુ પાસેથી બધીજ માહિતી કઢાવી લેવી છે. તે લોકોએ રાત્રે જ પ્લાન બનાવી લીધો હતો. તે લોકો કામરેજ ચોકડી પહોંચ્યા એટલે નાનુસિંઘે કારને જમણીબાજુ બોમ્બે તરફ જતા રસ્તા પર લેવડાવી. થોડા જ આગળ જતા ફરીથી જમણી બાજુ વળાંક લઇ તે લોકો ઉધ્યોગ નગરમાં દાખલ થયાં. ઉધ્યોગનગરમાં છેલ્લી ગલી પાસે તે લોકો પહોંચ્યા એટલે ત્યાં કાર પાર્ક કરી દીધી. કારના અવાજથી લોકો ચેતી ના જાય એટલે કાર દૂર ઉભી રાખી દીધી અને પછી તે ગલીમાં ચાલતા ગયા. ગલી પૂરી થતી હતી ત્યાં એક બંધ ફેક્ટરી હતી. નાનુસિંઘે ઇશારાથી જ કહ્યુ કે આ જ ફેક્ટરી છે. આ સાંભળી બહાદુરસિંહે તેની ગન બહાર કાઢીને નાનુસિંઘને ધમકી આપતા કહ્યું “જો કોઇ ચાલાકી કરવાની કોશિસ કરી છે તો સીધો જ શૂટ કરી દઇશ. ચુપચાપ અમારી સાથે ચાલતો આવજે.” અને પછી બહાદુરસિંહ એકદમ ચોર પગલે આગળ ચાલ્યો અને ગેટ પાસે પહોંચી ધીમેથી ગેટને ધકો માર્યો. ગેટ ખાલી વાસેલો જ હતો એટલે ધકો મારતા જ ગેટ અંદરની તરફ ખુલી ગયો. ગેટના ખુલવાથી થોડો અવાજ થયો એટલે ત્રણેય દિવાલ પાછળ લપાઇને ઊભા રહી ગયા. થોડીવાર ઊભા રહ્યા પણ અંદરથી કોઇ હિલચાલ ન થઇ એટલે ત્રણેય અંદર દાખલ થયા. અંદર જઇ બહાદુરસિંહે નાનુસિંઘ સામે જોયુ. નાનુ સિંઘે ઇશારાથી જ ઉપર જવા કહ્યું. ત્રણેય ધીમે ધીમે ઉપર એકએક પગથિયુ ચડી ઉપર ગયા. ઉપર પહોંચતા જ એક દરવાજો આવ્યો. ત્રણેય તેમા દાખલ થયા એ સાથે જ સામે એક મોટો કમરો હતો. તે લોકોએ કમરામાં નજર કરી પણ કોઇ દેખાયુ નહીં. હોલમાં સામે એક રીશેપ્શન જેવુ કાઉન્ટર હતુ રીશેપ્શન પર એક કોપ્યુટર પડેલુ હતુ અને તેની બાજુમાં જે વસ્તુ પડેલી હતી તે જોઇને બહાદુરસિંહ ચમક્યો. કોમ્પ્યુટરની બાજુમાં ગન પડેલી હતી પણ ત્યાં કોઇ માણસ દેખાતો નહોતો. ગન જોતાજ બહાદુરસિંહને સમજાઇ ગયુ કે આટલામાં કોઇ માણસ છે. જો ગન તેના કબજામાં આવી જાય તો પછી પેલા માણસને કાબુમાં કરવો સહેલો પડશે. આ વિચાર કરી બહાદુરસિંહ ધીમેથી પેલા રિશેપ્શન તરફ સરક્યો અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. તે રિશેપ્શન સુધી પહોંચ્યો ત્યાં સુધી તેને કોઇ દેખાયુ નહીં. તેણે રિશેપ્શન પર પહોંચી ગન હાથમાં લીધી. ત્યાં સુધીમાં વિકાસ અને નાનુસિંઘ પણ તેની પાછળ આવી ગયા હતા. બહાદુરસિંહે ગન વિકાસને આપી. તે હજુ કોઇ નિર્ણય પર પહોંચે ત્યાંજ સામે રહેલા ટોઇલેટમાં પાણી ચાલુ થવાનો અવાજ આવ્યો. આ અવાજ આવતા જ વિકાસે બહાદુરસિંહ સામે જોયુ. બહાદુરસિંહે તે હાથના ઇશારાથી ત્યાં જ ઊભા રહેવા કહ્યું અને તે પોતે બાથરુમના બારણાની પાસે લપાઇને ઊભો રહી ગયો. બરાબર તે જ સમયે બાથરુમનો દરવાજો ખુલ્યો અને અંદરથી એક માણસ બહાર નીકળ્યો. તે માણસે વિકાસ અને નાનુસિંઘને જોયા. તે સાથે જ તેના ચહેરાના ભાવ બદલાયા. તેને નાનુસિંઘ ઉપર ખૂબજ ગુસ્સો આવ્યો. તેણે નાનુસિંઘ તરફ એકદમ ગુસ્સાભરી નજરથી જોયુ. આ જોઇ નાનુસિંઘે તેની નજર નીચી કરી નાખી. હવે શું કરવુ તે તે વિચારતો હતો ત્યાં પાછળથી બહાદુરસિંહે એકદમ કડક અવાજમાં કહ્યું “કોઇ ચાલાકી કરવાની જરુર નથી. હાથ ઉંચા કરી દો.” એમ કહી બહાદુરસિંહે તેની પીઠમાં ગન દબાવી. હવે તે માણસ એકદમ ઢીલો થઇ ગયો હતો. તેણે હાથ ઉંચા કર્યા. એટલે પાછળથી બહાદુરસિંહે કહ્યું “ચાલ આગળ અને પેલી સામે દિવાલ પાસે પડેલી ખુરશીમાં બેસી જા. આ સાંભળી તે આગળ ચાલ્યો અને સામે પડેલી ખુરશીમાં બેસી ગયો. તે બેઠો એટલે બહાદુરસિંહે નાનુસિંઘ તરફ જોઇને પુછ્યુ. “કોણ છે આ?”

“આજ દાસબાબુ છે.” નાનુસિંઘે ગભરાતા ગભરાતા કહ્યું.

આ સાંભળી વિકાસનો મગજ ગયો અને તે આગળ આવ્યો. તેણે દાસ સામે જોયુ અને પછી એક જોરદાર મુકો તેના જડબા પર માર્યો. ગુસ્સામાં મારેલો મુક્કો એટલો જોરદાર હતો કે તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યુ. પણ દાસે આવા કેટલાય માર સહન કરેલા એટલે તેને બહુ અસર થઇ નહી તે જોઇ. વિકાસે આજુબાજુ નજર કરી. ખુણામાં એક મોટો ડંડો પડ્યો હતો. વિકાસે આ ડંડો ઊઠાવ્યો અને તેને લઇને દાસ પાસે આવ્યો. આમ છતા દાસના ચહેરા પર કોઇ ફેરફાર થયો નહીં. આ જોઇ વિકાસને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે દાસને ડંડાથી મારવાનુ ચાલુ કર્યુ. તેણે થોડીવાર ખૂબ જોરથી ડંડા માર્યા પણ દાસને કોઇ ફર્ક પડ્યો નહીં. આ જોઇ બહાદુરસિંહે કહ્યું “સાહેબ તમે રહેવા દો. મને જ આની ધોલાઇ કરવા દો. આમ બોલી તેણે દાસને બોચી પકડી ઊભો કર્યો અને પછી જોરદાર લાત તેના બે પગ વચ્ચે મારી. આ સાથે જ દાસના મોઢામાંથી ચીસ નીકળી ગઇને તે ક્પાયેલા ઝાડની જેમ નીચે પડ્યો. તેના મોઢામાંથી લાળ નીકળવા લાગી અને તે થોડીવાર ટુટીયુવાળીને પડ્યો રહ્યો. આ જોઇ બહાદુર સિંહે ફરીથી તેને ઊભો કર્યો અને ખુરશીમાં બેસાડ્યો. હવે દાસના ચહેરા પર ડર દેખાતો હતો. એકદમ સચોટ જગ્યાએ લાગેલા મારને લીધે તેનાથી સરખુ બેસી શકાતુ નહોતુ. આ જોઇ બહાદુરસિંહના ચહેરા પર સ્મિત આવી ગયુ. તેણે ફરીથી દાસને બોચીથી પકડ્યો અને ઊભો કર્યો. તે હવે ઊભો રહી શકે તેવી સ્થિતિમા પણ નહોતો. બહાદુરસિંહ ફરીથી લાત મારવા જતો હતો ત્યાં દાસ બોલ્યો “નહીં પ્લીઝ મને છોડી દો. તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું. પ્લીઝ હવે મને મારતા નહીં.” આ સાંભળી બહાદુરસિંહે તેની બોચી છોડી દીધી. એ સાથે જ દાસ વસ્તુનુ પોટલુ નીચે પડે તે રીતે ખુરશીમાં ફસડાઇ પડ્યો. ત્યારબાદ બહાદુરસિંહે વિકાસ સામે જોયુ એટલે વિકાસ આગળ આવ્યો અને બોલ્યો. “જો હું કહું છું તેના મારે સાચા જવાબ જોઇએ નહીંતર હજુ તારી દશા આનાથી પણ ખરાબ થશે.”

દાસે માથુ હલાવી હા પાડી એટલે વિકાસે કહ્યું “ મારુ અપહરણ કોણે કર્યુ હતુ?”

“મે અને મારા માણસોએ કર્યુ હતુ?” દાસે જવાબ આપ્યો.

“તમે કઇ રીતે અપહરણ કરેલુ?” વિકાસને આ પ્રશ્ન ક્યારનો સતાવતો હતો.

“અમે ડુમસના ફાર્મ હાઉસ પર હોડી ભાડે કરીને આવ્યા હતા. અમે ફાર્મ હાઉસ પહોંચ્યા ત્યારે તમે અને તમારી પત્ની ડોક પર બેસી વાત કરી રહ્યા હતા એટલે અમે હોડીને દૂર ઊભી રાખી રાહ જોઇ. તમે જ્યારે અંદર જઇ સુઇ ગયા ત્યારે અમે હોડી ડોક સાથે બાંધી અને ફાર્મ હાઉસમાં આવ્યા. તમે ઉપરના રુમમાં સુતા હતા. અમે રુમમાં આવ્યા અને પહેલા તમને બંનેને ક્લોરોફોર્મ સુંઘાડી બેહોશ કરી દીધા ત્યારબાદ અમે તને ઉંચકીને હોડીમાં લઇ ગયા. હોડી લઇ ત્યાંથી થોડે દુર કિનારા પર પહોંચ્યા. જ્યા અમે અમારી કાર પાર્ક કરી હતી. ત્યાંથી કારમાં અમે તમને અહીં લાવેલા.”

વિકાસને આ વાત સાંભળી દાસ પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેને શૂટ કરી દેવાનુ મન થયુ પણ તેને હજુ અગત્યની બાબત જાણવાની બાકી હતી એટલે તેણે આગળ પૂછ્યુ.

“મારુ અપહરણ તમે શું કામ કર્યુ હતુ?”

“અમને તેના પૈસા આપવામાં આવ્યા હતા.” દાસને ખૂબ દુઃખાવો થતો હતો એટલે તે માંડ બોલી શકતો હતો.

“તમને કોણે પૈસા આપ્યા હતા?” વિકાસે હવે તેનો મુખ્ય સવાલ પૂછ્યો હતો.

આ સાંભળી દાસ કંઇ બોલ્યો નહીં એટલે વિકાસે બહાદુર સામે જોયુ. વિકાસનો ઇશારો સમજી જતા બહાદુર આગળ આવ્યો અને બોલ્યો “ચાલ બોલ નહીતર મારે ફરીથી તને ઊભો કરવો પડશે.” આ સાંભળી દાસ બોલ્યો “મને ખબર નથી કોણે પૈસા આપ્યા હતા. મને તો ફોન આવ્યો હતો. અને પછી પૈસાનો ચેક મોકલ્યો હતો.”

આ સાંભળી બહાદુર આગળ આવ્યો અને દાસને બોચીથી પકડી ઊભો કર્યો આ જોઇ દાસ બોલ્યો “હા પણ તે ફોનનુ રેકોર્ડીંગ અને ચેકની ઝેરોક્ષ મારી પાસે છે.”

આ સાંભળી વિકાસે બહાદુરને રોકી દીધો અને બોલ્યો “ચાલ બતાવ મને.”

આ સાંભળી દાસ ઊભો થવા ગયો પણ તેને એટલો જોરદાર માર લાગ્યો હતો કે તે ઊભો થઇ શક્યો નહીં. તેણે વિકાસને કહ્યું “આ રીશેપ્શન ડેસ્કના નીચેના ખાનામાં એક લીલા કલરનુ કવર હશે. તેના પર તમારુ નામ લખ્યુ હશે. તે કવરમાં બધુ જ હશે.” આ સાંભળી વિકાસ રીશેપ્શન ડેસ્ક પર ગયો અને તેનુ સૌથી નીચેનુ ખાનુ ખોલ્યું. તેમા ઘણા બધા કવર હતા. વિકાસ એક પછી એક કવર જોતો ગયો. છેક છેલ્લે એક લીલા કલરનુ કવર હતુ. તે બહાર કાઢ્યુ. વિકાસે કવર બહાર કાઢી જોયુ તો તેના પર તેનુ નામ લખ્યું હતું. વિકાસે તે કવર ખોલ્યુ તો તેમા એક ડીવીડી હતી અને એક ચેકની ઝેરોક્ષ હતી. વિકાસે ચેકની ઝેરોક્ષ હાથમાં લીધી અને તેના પર રહેલી ચેક ધારકની સહી અને નામ જોયુ એ સાથે જ તે ચોંકી ગયો અને તેના હાથની મુઠ્ઠી વળી ગઇ. તેણે બહાદુરને બોલાવ્યો અને ચેક બતાવ્યો. ચેક જોઇને બહાદુર પણ ચોંકી ગયા. તે લોકોને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ વ્યક્તિ આવુ કરી શકે. બહાદુરે ફરીથી ચેક પર નામ જોયુ. ચેક પર નામ હતુ કબીર કોઠારી. આ જોઇ બહાદુર અને વિકાસ બંને એટલા સ્તબ્ધ થઇ ગયા હતા કે થોડીવાર આજુબાજુની પરિસ્થિતિ તે ભૂલી ગયા. આ મોકાનો ફાયદો ઉઠાવી નાનુસિંઘ અને દાસ સેડની બારીમાંથી નીચે કુદી ગયા. અચાનક બહાદુરસિંહનુ ધ્યાન તેના પર ગયુ પણ હવે મોડુ થઇ ગયુ હતુ તે લોકો નીચે કુદી ગયા હતા. બહાદુરસિંહ દોડીને બારી પાસે ગયો પણ તે બંને ઊભા થઇને એક છાપરા નીચે જતા રહ્યા હતા. હવે તેને કંઇ કરી શકાય એમ નહોતુ. તેને પકડવા પાછળ દોડવુ પડે એમ હતુ અને એમ કરતા આજુબાજુવાળાને ખબર પડ્યા વિના રહે નહીં. વિકાસને પણ હવે તેનામાં રસ નહોતો તેને જે જાણવુ હતુ તે જાણી લીધુ હતુ. જે નામ સામે આવ્યુ હતુ તે એકદમ આંચકા જનક હતુ. બહાદુરસિંહને હવે અહી વધારે રોકાવુ યોગ્ય ના લાગ્યું.

“ચાલો હવે આપણે ઝડપથી અહીંથી નીકળી જવુ જોઇએ.” બહાદુરસિંહે કહ્યું.

“ઓકે, ચાલો જઇએ.” એમ કહી વિકાસે ડીવીડી અને ચેકની ઝેરોક્ષ ફરીથી લીલા કવરમાં નાખી અને ડેસ્ક પર પડેલી દાસની ગન ઉઠાવી અને તે લોકો ત્યાંથી બહાર નીકળ્યા. બહાર નીકળી બહાદુરસિંહે આજુબાજુ જોયુ. ત્યાં હવે કોઇ નહોતુ એટલે તેણે ફરીથી ગેટને ઠાલો વાસ્યો અને પછી આવ્યા હતા તે જ રીતે ચાલીને તેની કાર પાસે ગયા અને પછી ત્યાંથી નીકળી ગયાં.

કાર ઝડપથી સુરત તરફ આગળ વધી રહી હતી. વિકાસને અત્યારે એક એવી ઘટના યાદ આવી રહી હતી જેને લીધે ત્રણેય મિત્ર વચ્ચે એક તિરાડ ઊભી થઇ હતી. પણ વિકાસને ત્યારે નહોતી ખબર કે આ તિરાડને લીધે કબીર આવડુ મોટુ પગલુ ભરશે. વિકાસ ચૂપચાપ બેઠો હતો અને ભૂતકાળમાં ખોવાઇ ગયો હતો.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Vishwa

Vishwa 7 months ago

Saroj Bhagat

Saroj Bhagat 12 months ago

Parash Dhulia

Parash Dhulia 12 months ago

Bijal Patel

Bijal Patel 12 months ago

Pari Gajjar

Pari Gajjar 1 year ago