Anant Safarna Sathi - 25 in Gujarati Novel Episodes by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 25

અનંત સફરનાં સાથી - 25

૨૫.રંગ કે જંગ?ધૂળેટીની સવારે અમદાવાદ કેટલાંય અલગ-અલગ રંગોએ રંગાવા લાગ્યું હતું. એ સમયે રાહી હજું પણ સૂતી હતી. પણ તેનો ચહેરો તો કોઈએ પહેલેથી જ રંગી દીધો હતો. રાહી આઠ વાગ્યે આળસ મરડતી ઉભી થઈ. ત્યાં જ તેની નજર તેની સામે રહેલાં અરિસામાં ગઈ.
"આઆઆઆઆ...." અરિસામાં પોતાનો ચહેરો જોતાંની સાથે જ રાહી ચિલ્લાઈ ઉઠી. તે અરિસા નજીક જઈને તેમાં પોતાનો ચહેરો જોવાં લાગી. જેનાં પર કોઈ નાનું બાળક ડ્રોઈંગ નાં કરતાં આવડતી હોવાં છતાં ડ્રોઈંગ કરે, અને માત્ર લીટા જ તાણી શકે. એવી રીતે રાહીનાં ચહેરાં પર ત્રણ-ચાર રંગોથી લાઈનો બનાવવામાં આવી હતી. જાણે કોઈ કોરાં કાગળ પર જુદા-જુદા રંગોનાં છાંટણા કર્યા હોય.!! એવો રાહીનો ચહેરો લાગી રહ્યો હતો. રાહી પોતાનો ચહેરો સાફ કરવાં બાથરૂમ તરફ આગળ વધી. ત્યાં જ એક છોકરાએ તેની કમરેથી પકડીને રોકી લીધી.
"શિવાંશ..." રાહીથી અનાયાસે જ બોલાઈ ગયું.
"આ શિવાંશ કોણ છે બકા?" અચાનક જ એ છોકરાએ રાહીની સામે આવીને પૂછ્યું. સાડા છ ફૂટની ઊંચાઈ, દૂધ જેવો કાચો વાન, એને પણ ટક્કર આપે એવી વાયોલેટ રંગનાં લેન્સ લગાવેલી આંખો અને વ્હાઈટ કુર્તા નીચે બ્લૂ લોફર જીન્સ પહેરેલાં એ છોકરાંને જોતાં જ રાહી તો ખુશીથી ઉછળીને તેને ભેટતાં બોલી ઉઠી, "આર્યનનનન... તું!? તું તો સ્ટડી અને બિઝનેસ માટે તારાં પરિવાર સાથે જ અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો ને, તો અહીં કેવી રીતે? ક્યારે આવ્યો તું? તે મને કહ્યું પણ નહીં." રાહી સવાલ અને શિકાયતોનો પુલ બાંધવા લાગી. તો આર્યને તેનાં હોંઠો પર પોતાની આંગળી મૂકતાં કહ્યું, "બસ બેબી, ચુપ થઈ જા."
"ઓય, હવે હું નાની નથી. તો મને આ રીતે બેબી નાં બોલ. અને મારાં ચહેરાં પર આવી ડ્રોઈંગ બનાવવાની કારસ્તાની તારી જ હતી ને." રાહીએ આર્યનને ધક્કો મારતાં ખોટી નારાજગી બતાવતાં કહ્યું.
"જો બકા, આવું ખોટું નારાજ મારી સામે નહીં થવાનું. અને તને તો ખબર છે. મને અમદાવાદ સિવાય ક્યાંય નાં ફાવે. યુ નો આઈ લવ અમદાવાદ." આર્યનનાં ચહેરાં પર ખુશી આવી ગઈ, "એક અઠવાડિયા પહેલાં જ સ્ટડી વચ્ચે જ મૂકીને અમદાવાદ આવ્યો છું." આર્યને શાંતિથી બેડ પર બેસીને કહ્યું.
"તો તું આજે ઘરે આવી રહ્યો છે. એક અઠવાડિયા પછીઈઈ." રાહીએ ફરી નારાજ થતાં કહ્યું.
"અરે બેબી, તું પપ્પાને તો ઓળખે છે ને. આવતાવેંત જ તેઓ અંકલનો બિઝનેસ સંભાળવામાં લાગી ગયાં. સાથે મને પણ એ કામમાં ડૂબાડી દીધો. તેમને બિઝનેસ સિવાય ક્યાં કંઈ સૂજે છે."
"તું કોલ કરી શકત. પણ એમ કહે ને તારે જ મળવું ન હતું." રાહીએ ગાલ ફુલાવીને કહ્યું.
"અરે યાર તું તો એવી રીતે નારાજ થાય છે. જાણે હું તારો બોયફ્રેન્ડ હોય." આર્યને રાહીની સામે ઉભાં રહીને તેની આંખોમાં જોતાં કહ્યું.
"તું.... અને મારો બોયફ્રેન્ડ!? હટ બે, તને તો હું સપનામાં પણ બોયફ્રેન્ડ નાં બનાવતી." રાહીએ આર્યનને ફરી ધક્કો મારી કહ્યું. અને કપડાં લઈને બાથરૂમ તરફ આગળ વધી ગઈ. આર્યન રાહીનો રૂમ જોવાં લાગ્યો.
"આજે પણ બધું એવું જ છે. જેવું એક વર્ષ પહેલાં છોડીને ગયો હતો. છોકરી આજે પણ બદલી નથી." રાહીનો રૂમ જોઈને આર્યન ખુદની સાથે જ વાતો કરવાં લાગ્યો. આર્યન મહાદેવભાઈનાં પાક્કા મિત્ર રાજેશભાઈનો છોકરો છે. જે એક વર્ષથી અમેરિકા સ્ટડી માટે ગયો હતો. સાથે જ તેનાં મમ્મી-પપ્પા પણ અમેરિકામાં સ્થિત તેમનો બિઝનેસ સંભાળવા ત્યાં જ સેટલ થઈ ગયાં હતાં. આજે એક વર્ષ પછી આર્યન તેનાં પરિવાર સાથે અમદાવાદ પરત ફર્યો હતો. આર્યનનાં મોટાં પપ્પાનું અચાનક જ મૃત્યુ થઈ જવાથી આર્યનનાં પપ્પાએ તેમનો બિઝનેસ સંભાળવા અમેરિકા જવું પડ્યું હતું. જેનાં લીધે આર્યને પણ પોતાની સ્ટડી ત્યાંથી જ કમ્પલિટ કરી. આર્યને જ રાહીનાં ચહેરાં પર રંગોથી એવી ડ્રોઈંગ કરી હતી. રાહીનો રૂમ જોતાં જોતાં જ આર્યનની નજર તેની ડાયરી પર પડી. જેને રાહી ગઈ કાલે રાત્રે ડ્રોઅરમાં મૂકતાં ભૂલી ગઈ હતી. જેનાં લીધે તે બહાર નાઈટ લેમ્પ પાસે જ પડી હતી. આર્યનને જાણે એ ડાયરી જોઈને રોમાંચનો અનુભવ થયો. "મેડમે, ડાયરી લખવાનું શરૂ કર્યું છે." એમ વિચારતાં આર્યન ડાયરી તરફ આગળ વધ્યો. ત્યાં જ રાહી બાથરૂમમાંથી બહાર આવી.
"આર્યનનન..." આર્યનને ડાયરી તરફ આગળ વધતો જોઈને રાહી તરત જ ચિલ્લાઈ ઉઠી અને દોડીને ડાયરી લઈને ડ્રોઅરમાં મૂકી દીધી.
"અરે..અરે...આ શું હતું? શું છે એવું એ ડાયરીમાં?" આર્યને રાહીની સામે આવીને પૂછ્યું.
"કંઈ નહીં, તું નીચે ચાલ. બધાં રાહ જોતાં હશે, અને ખબરદાર જો મારી ડાયરીને મારી પરમિશન વગર ટચ પણ કરી છે તો." રાહીએ હસીને ધમકી આપતાં કહ્યું.
"અરે, એક તો ધમકી એ પણ હસીને, હાયે તુમ્હારી યે અદાયે." આર્યને પોતાનાં દિલ પર હાથ મૂકીને કહ્યું.
"ચૂપ કર નોટંકી, હવે નીચે ચાલ." રાહી આર્યનનો હાથ પકડીને રૂમની બહાર નીકળી અને નીચે જવાં સીડીઓ ઉતરવા લાગી. મહાદેવભાઈ આર્યનનાં મમ્મી-પપ્પા સાથે નીચે હોલમાં જ બેઠાં હતાં. રાહીનાં હાથમાં આર્યનનો હાથ જોઈને તેમનાં ચહેરાં પર અનાયાસે જ સ્માઈલ આવી ગઈ.
"અંકલ-આન્ટી તમે તો કહ્યું પણ નહીં કે તમે અમદાવાદ આવ્યો છો. આવું કંઈ હોતું હશે." રાહીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.
"સોરી બેટા, તને તો ખબર છે. તારાં અંકલને બિઝનેસ સિવાય કંઈ સૂઝતું જ નથી. ત્યાં ભાઈનો બિઝનેસ અને અહીં આવતાં જ અમારા સહિયારા બિઝનેસમાં ઝંપલાવી દીધું. જે આમનો મોટો ભાઈ સંભાળે છે." નંદિનીબેને રાહીની પાસે જઈને કહ્યું. પછી તરત રાહીને ગળે લગાવી લીધી. રાહીએ પહેલાં નંદિનીબેન અને પછી રાજેશભાઈનાં આશીર્વાદ લીધાં. એક વર્ષ પછી આર્યન અને તેનાં પરિવારને મળીને રાહીનો પરિવાર ખૂબ જ ખુશ હતો.
"ચાલો, હવે બધાં રંગે રમીએ." અચાનક જ આર્યને રાહીનો હાથ પકડીને તેને બહાર ખેંચી જતાં કહ્યું.
"હેય આર્યન, તું ક્યારે આવ્યો?" આર્યન રાહીને લઈને બહાર જાય. એ પહેલાં જ રાધિકાએ તેમને રોકતાં કહ્યું.
"હેય ક્યૂટી, તને મળવાનું તો રહી જ ગયું." આર્યને રાધિકા તરફ જઈને તેને ગળે લગાવતાં કહ્યું. પછી રાહી અને રાધિકાનો હાથ પકડીને આર્યન બહાર જતો રહ્યો. ત્રણેય બહાર આવ્યાં. ત્યાં જ કાર્તિક અને સ્વીટી તેનાં પરિવાર સાથે તો શ્યામ તેનાં પરિવાર સાથે આવી પહોંચ્યાં. બીજાં બધાંએ તો રંગે રમવાનું શરૂ પણ કરી દીધું હતું. શ્યામને જોતાં જ રાધિકા અને શ્યામ પણ રમવા લાગી ગયાં. રાહીની નજર તો આ બધાંને અવગણીને ઘરનાં દરવાજે જ મંડાયેલી હતી. તેની આંખોને તો શિવાંશની જ રાહ હતી.
"દીદુ, શિવાંશ આવી જશે. ત્યાં સુધી તો આપણે મજા કરીએ." અચાનક જ રાધિકાએ આવીને કહ્યું.
"રાહી, આર્યન, તમે બંને અંદર આવો તો. એક જરૂરી વાત કરવી છે." અચાનક જ નંદિનીબેને આવીને કહ્યું. આર્યન અને રાહી બંને અંદર ગયાં. આ સમયે શું જરૂરી કામ હશે? એમ વિચારીને રાધિકા પણ તેમની પાછળ ગઈ.
"શું વાત છે મોમ?" આર્યને અંદર આવીને તરત જ પૂછ્યું.
"બેટા, મેં અને મહાદેવભાઈએ મળીને એક નિર્ણય લીધો છે." રાજેશભાઈએ કહ્યું, "અમે વિચાર્યું છે, કે અમારી દોસ્તીને રિશ્તેદારીમાં બદલી દેવી જોઈએ." રાજેશભાઈએ આર્યન તરફ જોયું.
"મતલબ? હું કંઈ સમજ્યો નહીં." આર્યને અસમજની સ્થિતિમાં કહ્યું.
"અમે તારાં અને રાહીનાં લગ્ન વિશે વિચારી રહ્યાં છીએ." રાજેશભાઈએ ચોખવટ પાડી, "આવતાં અઠવાડિયામાં સગાઈ કરીને લગ્ન તમે જ્યારે કહો ત્યારે નક્કી કરીશું." રાજેશભાઈએ વાત પૂરી કરતાં રાહી તરફ જોયું. એ સાથે જ રાહીનાં પગ તળેની જમીન સરકી ગઈ. રાધિકા પણ હેરાન બનીને રાજેશભાઈ અને મહાદેવભાઈ સામે જોઈ રહી. ત્યાં અચાનક જ તેની નજર ગૌરીબેન તરફ પડી. રાધિકા સાથે ગૌરીબેનની નજર મળતાં જ તેમણે નજર ચુરાવી લીધી. એ સાથે જ રાધિકાને વાતનો અંદાજો આવી ગયો. અત્યારે જે બની રહ્યું હતું. એ અચાનક ન હતું બની રહ્યું. આ બધું અગાઉ જ વિચારેલું હતું.
"પણ પપ્પા તમારે એટલિસ્ટ મને અગાઉ કહેવું તો જોઈએ ને." આર્યને હેરાની ભર્યા અવાજે કહ્યું.
"તારી અને રાહી વચ્ચે સારી દોસ્તી..."
"એ જ ને અંકલ! અમારી બંને વચ્ચે સારી દોસ્તી છે. એથી આગળ અમે ક્યારેય વિચાર્યું પણ નથી." રાહીએ રાજેશભાઈની વાત વચ્ચે જ કાપતાં કહ્યું.
"તો અમે ક્યાં કાલે જ સગાઈ કરવાનું કહીએ છીએ. એક અઠવાડિયાનો સમય છે." મહાદેવભાઈએ વાતનો દોર હાથમાં લીધો, "ત્યાં સુધીમાં બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરો. પછી કોઈ નિર્ણય..."
"તમે તો એક અઠવાડિયા પછી સગાઈ વિશે વિચારી પણ લીધું છે." રાધિકાએ મહાદેવભાઈની વાત વચ્ચે જ કાપીને કહ્યું, "તમને બધી ખબર છે. દીદુનાં મનમાં કોણ છે. તો પણ તમે આટલો મોટો નિર્ણય દીદુને પૂછ્યાં વિના કેવી રીતે લઈ શકો?" રાધિકાનાં ચહેરાં પર ગુસ્સો સ્પષ્ટ નજર આવતો હતો.
"તું ચૂપ રહે રાધિકા." મહાદેવભાઈ ફરી બોલ્યાં, "રાહી જે વિચારે છે. એ શક્ય નથી. તો નાહક..."
"પપ્પા, તમે રાધિકાને તો ચૂપ કરાવી દેશો. પણ આજે હું ચૂપ નહીં રહું." આ વખતે રાહીએ મહાદેવભાઈની વાત વચ્ચે જ કાપતાં કહ્યું, "હું અને આર્યન માત્ર સારાં મિત્રો છીએ. એથી આગળ મેં તો શું આર્યને પણ ક્યારેય વિચાર્યું નહીં હોય. અને હું જે વિચારું છું. એ નાહક જ નથી વિચારતી. હું જેની શોધતી હતી. એ મને મળી ગયો છે."
રાહી અને રાધિકા બંનેએ મહાદેવભાઈ અને રાજેશભાઈની વાતો વચ્ચે જ કાંપવાનો દોર શરૂ કર્યો હતો. જે રાહી દ્વારા બોલાયેલ છેલ્લું વાક્ય સાંભળીને સમી ગયો. રાહી જેને શોધતી હતી. એ તેને મળી ગયો છે. એ સાંભળ્યાં પછી હવે મહાદેવભાઈનાં પગ તળેથી જમીન સરકવા જેવી પરિસ્થિતિ પરિણમી હતી. જે છેલ્લાં એક વર્ષમાં ન થયું. એ અચાનક કેવી રીતે થઈ ગયું? એ વિચારે મહાદેવભાઈને વિચારતાં કરી દીધાં હતાં.
"તારો કહેવાનો મતલબ શું છે?" મહાદેવભાઈએ સોફા પરથી ઉભાં થઈને રાહી સામે જોઈને પૂછ્યું.
"હું જે શિવને શોધતી હતી. એ મને મળી ગયો છે. અમારી મુલાકાત બનારસમાં થઈ હતી." રાહીએ ચોખવટ પાડતાં કહ્યું, "રાધિકાને બચાવવાં જે શિવાંશે અમારી મદદ કરી હતી. એ શિવાંશ જ શિવ છે. તે મુંબઈમાં તેનો ખુદનો બિઝનેસ ચલાવે છે. અહીં અમદાવાદમાં જ તેનાં નાના-નાની રહે છે. જેમનું નામ પ્રવિણભાઈ ચારોત્રા છે." રાહીએ આખી વાતની ચોખવટ પાડી.
"શું કહ્યું? પ્રવિણભાઈ ચારોત્રા? એ શિવાંશનાં નાના છે?" અચાનક જ મહાદેવભાઈએ થોડી હેરાની અને ગુસ્સા મિશ્રિત અવાજે પૂછ્યું.
"હાં." રાહીએ એકાક્ષરી જવાબ આપ્યો.
"હવે આ પ્રકરણ અહીં જ બંધ થાય છે. એટલું સમજી લે. તારે આર્યન સાથે જ લગ્ન કરવાં પડશે." મહાદેવભાઈએ તેમનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો, "હવે મારે તારાં જવાબની પણ કોઈ જરૂર નથી." અચાનક જ મહાદેવભાઈ ખૂબ ક્રોધિત થઈને કહ્યું.
"પણ પપ્પા, આજે શિવાંશ અહીં આવવાનો છે. તે કાલે જ અમદાવાદ તેનાં નાનાની ઘરે આવી ગયો છે. તમે એકવાર તેને મળી તો લો." રાહીએ થોડાં ડર મિશ્રિત અવાજે કહ્યું.
"શિવાંશ અહીં આવવાનો છે? અને પ્રવિણભાઈ ચારોત્રા તેને આવવાં દેશે." મહાદેવભાઈએ રહસ્યમયી અવાજ સાથે કહ્યું, "ઠીક છે ત્યારે, જો શિવાંશ આવે તો ઠીક અને જો એ નાં આવે. તો તારે આર્યન સાથે જ લગ્ન કરવાં પડશે. અને જો એ આવી પણ ગયો. તો મારી એક શરત છે. તેને તેનો બિઝનેસ છોડીને પોતાનાં પગભર થવું પડશે. જ્યાં સુધી મારું માનવું છે. એ બિઝનેસ તેનાં પપ્પાનો છે. જે એ સંભાળી રહ્યો છે. પણ તારી સાથે લગ્ન કરવાં તેણે પોતાનું ખુદનું અસ્તિત્વ કાયમ કરવું પડશે." મહાદેવભાઈ તેનો નિર્ણય સંભળાવીને સોફા પર બેસી ગયાં. તેમનાં અવાજનાં પડઘાં આખી નિલકંઠ વિલામાં પડવાં લાગ્યાં. એ સાથે જ રાહીની આંખમાંથી એક આંસુ સરી પડ્યું. એ આંસુને હાથ વડે સાફ કરતાં રાહી બહાર જઈને શિવાંશની રાહ જોવા લાગી. રાધિકા પણ ગુસ્સો કરીને બહાર આવી ગઈ.
"શું થયું રાધુ?" રાહી અને રાધિકા બંને થોડી પરેશાન જણાતી હતી. રાધિકાનાં બહાર આવતાં જ સ્વીટીએ પૂછ્યું.
રાધિકાએ સ્વીટીનાં સવાલનો જવાબ તો નાં આપ્યો. પણ તેની નજર કાર્તિક પર જઈને અટકી. જે રાધિકા સાથે નજર મેળવતાં ડરી રહ્યો હતો. રાધિકાએ તરત જ તેની પાસે જઈને પૂછ્યું, "તને પણ આ વિશે બધી ખબર હતી ને?"
"હાં, હું...બસ...તને..."
"એય ગધેડાં, માત્ર હાં કે નાં નો જવાબ આપ. તને બધી ખબર હતી ને?" કાર્તિક અટકી અટકીને બોલી રહ્યો હતો. તો રાધિકાએ તેનાં કુર્તાનો કોલર પકડીને ગુસ્સાથી પૂછ્યું.
"હાં, ખબર હતી." કાર્તિક રાધિકાને ધક્કો મારીને પોતાનાથી દૂર કરતાં આંખો બંધ કરીને થોડાં ઉંચા અવાજે બોલી ગયો.
"ઓહ, જસ્ટ અમેઝિંગ...તને ખબર હતી. મમ્મીને ખબર હતી. પપ્પાને ખબર હતી. બસ ખબર ન હતી. તો માત્ર મને અને દીદુને જ.!" રાધિકાએ કટાક્ષ ભર્યું સ્મિત કરતાં કહ્યું.
"રાધુ, શું બકવાસ કરે છે?? મમ્મીને કેમની ખબર હોય‌. એવું હોત તો એ આપણને જણાવે." રાહીએ અચાનક જ રાધિકાનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચીને ગુસ્સો કરતાં કહ્યું.
"તમે હજું પણ ભ્રમમાં જીવો છે. જો હું ખોટી છું. તો તમે જ મમ્મીને પૂછી લો. તેમને ખબર હતી કે નહીં." રાધિકાએ જેવાં ગૌરીબેનને બહાર આવેલાં જોયાં. એવું પોતાનો હાથ ઝાટકીને ગૌરીબેન તરફ જોઈને ગુસ્સો કરતાં કહ્યું.
રાહી થોડીવાર રાધિકા અને ગૌરીબેનને વારાફરતી જોઈ રહી. પછી અચાનક જ તેણે ગૌરીબેન પાસે જઈને પૂછ્યું, "મમ્મી, તમને આ વિશે ખબર હતી?"
"હ... હાં, તમે બંને બહેનો બનારસ ગઈ. ત્યારે જ તારાં પપ્પાએ બધી તૈયારી કરી રાખી હતી." ગૌરીબેન અચકાતાં અવાજે કહ્યું, "પણ તારાં પપ્પાએ તમને નાં જણાવવા માટે મારી પાસેથી વચન લઈ લીધું હતું." ગૌરીબેને ડરતાં ડરતાં કહ્યું.
ગૌરીબેનની વાત સાંભળતાં જ રાહી એકદમ તૂટી ગઈ. આટલી મોટી વાત ગૌરીબેન પણ રાહીથી છુપાવશે. એવું તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. હવે રાહીને શિવાંશ પાસેથી જ ઉમ્મીદ હતી. એ આંખમાં આંસુઓ સાથે નીલકંઠ વિલાના ગેટ પાસે ઉભી શિવાંશની રાહ જોવાં લાગી.
"જો તું બીજાં કોઈને પસંદ કરતી હોય. તો હું તારો સાથ જરૂર આપીશ. આમ પણ હું તને માત્ર એક સારી દોસ્ત જ સમજું છું. એથી આગળ મેં પણ વિચાર્યું નથી." આર્યને રાહીની પાસે જઈને કહ્યું. જેનાંથી રાહીમાં થોડી હિંમત આવી.
રાધિકા હજું પણ કાર્તિક અને ગૌરીબેનથી ગુસ્સે હતી. તે ગૌરીબેનને તો કંઈ નાં કહી શકી. પણ તેણે કાર્તિક પાસે જઈને કહ્યું, "મેં તને અહીંની એક એક વાત કોલમાં જણાવવા કહ્યું હતું. પણ તે મને આટલી મોટી વાત જ નાં કહી. આખરે શાં માટે આવું કર્યું?"
"એક દિવસ મેં અંકલને દુકાન પર આ વાત કરતાં સાંભળ્યાં હતાં." કાર્તિકે થોડાં દિવસો પહેલાંનું દ્રશ્ય યાદ કરતાં કહ્યું, "ત્યારે જ હું રચના પાસે ગયો હતો. મને થયું આર્યનનાં નંબર રચના પાસેથી મળી રહેશે. એ પણ તેને સારી રીતે ઓળખતી. તો મેં વિચાર્યું હું આર્યનને જાણે કરી દઉં. તો એ આગાઉ કંઈક વિચારી રાખે." કાર્તિકે તેણે શાં માટે રાધિકાને કંઈ નાં કહ્યું. એ અંગે જણાવતાં કહ્યું, "હું રચના પાસે ક્યાં ઈરાદાથી ગયો છું. અને મેં અંકલની બધી વાતો સાંભળી લીધી છે. એ ખબર નહીં અંકલને કેવી રીતે જાણ થઈ ગઈ. તે મારી પાછળ પાછળ બુટિક પર આવી પહોંચ્યાં. અને મને પણ આંટીની જેમ જ તમને લોકોને જાણ કરવાથી રોકી લીધો." કહેતાં કાર્તિકે વાત પૂરી કરી.
કાર્તિક પાસેથી હકીકત જાણ્યાં પછી રાધિકાનો કાર્તિક પ્રત્યેનો ગુસ્સો તો શાંત થયો. પણ મહાદેવભાઈ પરનો ગુસ્સો વધી ગયો. "બહું મોટી રમત રમી ગયાં તમે પપ્પા.!" રાધિકા ગુસ્સા અને ચિંતા મિશ્રિત અવાજે બોલી ઉઠી.
"શાંત થઈ જા રાધિકા." શ્યામે રાધિકાને શાંત કરતાં કહ્યું, "એકવાર શિવાંશ આવી ગયો. પછી બધું સરખું થઈ જાશે."
શ્યામની વાત સાંભળીને રાહી ખુદને પણ એવો જ દિલાસો આપતી રહી. સવારની બપોર થઈ. પણ શિવાંશ નાં આવ્યો. રાહી હવે ખુદને હિંમત આપવાની સ્થિતિમાં ન હતી. તેની અંદર કંઈક એવું તૂટી રહ્યું હતું. જે તેને કમજોર કરી રહ્યું હતું. એ રાહીનું દિલ હતું. જે હવે હિંમત હારી ચુક્યું હતું. પણ કહે છે ને, જ્યારે દિલ કંઈ ન વિચારી શકે. ત્યારે મન વિચારવાનું શરૂ કરે છે. હવે રાહીનું મન જ હતું. જે હજું પણ રાહીને કમજોર પડતાં રોકી રહ્યું હતું.
"હવે રાહ જોવાનો કોઈ ફાયદો નથી. એ નહીં આવે." રાહીનાં સતત વહી રહેલાં આંસુ અને તેનો ફીકો પડી ગયેલો ચહેરો જોઈને આખરે મહાદેવભાઈએ બહાર આવીને કહ્યું.
"બહું થયું પપ્પા! તમે દીદુને હિંમત નાં આપી શકો તો કંઈ નહીં. પણ એટલિસ્ટ તેમની હિંમત તોડવાની કોશિશ તો નાં કરો." રાધિકાએ મહાદેવભાઈ તરફ ગુસ્સાથી જોઈને કહ્યું.
મહાદેવભાઈ કંઈ પણ બોલ્યાં વગર અંદર જતાં રહ્યાં. આર્યન રાહી પાસેથી એક મિનિટ માટે પણ દૂર ખસ્યો નહીં. રાધિકા પણ રાહીની પાસે ખડે પગે ઉભી હતી. શ્યામ પણ રાધિકા પાસે રહીને રાધિકાની હિંમત વધારી રહ્યો હતો. કાર્તિકે રાધિકાથી હકીકત છુપાવી. એ વાતનો તેને પણ અફસોસ હતો. પણ હવે તે અફસોસનો કોઈ ફાયદો ન હતો. સ્વીટી કાર્તિકની હાલત સમજી શકતી હતી. એ પણ કાર્તિકની સાથે જ હતી.
"હવે આપણે પણ જવું જોઈએ બેટા." મંજુબેને શ્યામ પાસે જઈને કહ્યું.
"પણ મમ્મી, રાધિકા..."
"તું મારી ચિંતા નાં કર. અહીં જે પણ થાશે. હું તને કોલમાં જણાવતી રહીશ. તું અત્યારે અંકલ આન્ટી સાથે ઘરે જા." રાધિકાએ શ્યામની વાત વચ્ચે જ કાપતાં કહ્યું. બધાં આજે રંગે રમવા એકઠાં થયાં હતાં. પણ બધાં કોરાં જ ઘરે જવાં લાગ્યાં.
"તારું અને દીદુનું ધ્યાન રાખજે." કહેતાં શ્યામ જવાં નીકળ્યો. મંજુબેન રાહી અને રાધિકાનાં માથાં પર પ્રેમથી હાથ મૂકીને શ્યામ અને સુનિલભાઈ સાથે નીકળી ગયાં. રાહીની આંખનાં આંસુનું વહેવાનું ચાલું જ હતું. હવે તો તેને પણ ડર લાગી રહ્યો હતો. તેને અચાનક જ કંઈક સૂઝતાં એ શિવાંશને કોલ કરવાં લાગી. "ધ નંબર યુ હેવ ડાયલ, ઈટસ્ કરંટલી સ્વીચ ઓફ." રાહીનાં કાનમાં કેસેટ વાગી. એ સાંભળતાં જ રાહી જાણે સુધબુધ ખોઈ બેઠી. એ પાગલની જેમ ઉપરાઉપરી શિવાંશને કોલ કરવાં લાગી. પણ દર વખતે બસ એક જ કેસેટ વાગતી. રાહીએ આખરે મોબાઈલનો ગુસ્સાથી ઘા કરી દીધો. એ મોબાઈલની તૂટેલી સ્ક્રીન રાહીનાં તૂટેલાં દિલ જેવી જ માલૂમ પડતી હતી.
"શું થયું દીદુ?" રાહીને ગુસ્સામાં જોઈને રાધિકાએ તરત જ તેને ગળે લગાવીને પૂછ્યું.
"શિવાંશનો...ફોન...બંધ આવે છે." રાહી રડતાં રડતાં તૂટક શબ્દોમાં માત્ર એટલું જ બોલી શકી.
"ચાર્જ કરતાં ભુલી ગયો હશે. આપણે તન્વીને કોલ કરીએ." રાધિકાએ શિવાંશનો ફોન કેમ બંધ આવતો હતો? તેનું કારણ અને સમાધાન બંને આપતાં કહ્યું.
રાધિકા તરત જ તન્વીને કોલ કરવાં લાગી. તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. આ કોઈ સંજોગ હતો કે બીજું કંઈ? એ રાધિકાની સમજમાં નાં આવ્યું. બપોરથી સાંજ થવા આવી હતી. રાહી સવારથી સાંજ સુધી કંઈ પણ જમ્યાં વગરની બસ રડતી જતી હતી. તેને શાંત કરીને, જમાડીને થોડી વાર આરામ કરાવવો ખૂબ જરૂરી હતું.
"તમે જમીને આરામ કરો. હું ફરી તન્વી અને શિવાંશને કોલ ટ્રાય કરૂં છું." રાધિકાએ રાહીને સમજાવીને આર્યન અને ગૌરીબેનને રાહીને અંદર લઈ જવાં ઈશારો કર્યો. ગૌરીબેન અને આર્યન રાહીને લઈને અંદર ગયાં. આર્યને મહામહેનતે રાહીને જમાડી અને તેને તેનાં રૂમમાં આરામ કરવા લઈ ગયો.
રાધિકા બહાર આમથી તેમ આંટા મારતી શિવા‍ંશ અને તન્વીને કોલ કરી રહી હતી. એ બીજું કરી પણ શું શકવાની? થોડાં દિવસો પહેલાં જ રાહી અને શિવાંશની મુલાકાત થઈ હતી. એ પણ બનારસમાં...રાહી શિવાંશ મુંબઈમાં રહે છે‌. અને તેનાં નાના-નાની અમદાવાદમાં....એ સિવાય બીજું કંઈ જાણતી પણ ન હતી. એક તન્વી વિશે જાણતી હતી. તેનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો હતો.
"શું થયું? કોલ લાગ્યો?" આર્યને રાહીને તેનાં રૂમ સુધી મૂકી આવીને ગાર્ડનમાં બેઠેલી રાધિકા પાસે આવીને પૂછ્યું.
આર્યનનાં સવાલ પર રાધિકાએ માત્ર ડોક નકારમાં હલાવી. આર્યન ઉદાસ ચહેરે રાધિકા પાસે બેસી ગયો. એક વર્ષથી રાહીએ જે સપનાંઓ સમેટીને રાખ્યાં હતાં. એ બધાં પર એક જ પળમાં પાણી ફરી વળ્યુ હતું. રાહીને શિવાંશ મળ્યાં. તેને હજું થોડાં જ દિવસો થયાં હતાં. ત્યાં જ તેમની શરૂ થયેલી કહાનીનો આવો અંત આવશે‌. એવું વિચારવું સરળ નાં હતું. રાહીનાં મનમાં એક જ વાત ઘુમી રહી હતી.

कितने सपने देखें थे, साथ जीने के
सभी टूट गए
सच कहते है, लोग
सपने कभी साकार नहीं होते
हम ही पागल थे, जो बैठे रहे उम्मीद लगाएं

રંગોનાં તહેવારમાં આવી કોઈ જંગ પણ લડવી પડશે‌. એવી ક્યાં કોઈને ખબર હતી.(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 10 months ago

Sheetal

Sheetal 11 months ago

Parash Dhulia

Parash Dhulia 1 year ago

Anjna Manavadaria
Tapan Joshi

Tapan Joshi 1 year ago