Punjanm - 1 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 1

આ એક કાલ્પનિક નવલકથા છે . એના કોઈ પાત્રો , ઘટનાઓનો કોઈ વ્યક્તિ , જ્ઞાતિ , જાતિ , ધર્મ , સંસ્થા , સરકાર કે સરકારી સંસ્થા સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી .
** ** ** ** ** ** ** ** **
પુનર્જન્મ 01

જેલ ના દરવાજાની બહાર એણે પગ મૂક્યો. મન માં કંઈક આનન્દ અને કંઇક ખિન્નતાના ભાવ સાથે. આનન્દ એ વાતનો હતો કે પોતે હવે મુક્ત હતો. ક્યારે સૂવું , ક્યારે ઉઠવું , શું ખાવું , શું પહેરવું એ હવે એ પોતે નક્કી કરશે. હવે એ કોઈનો કેદી કે ગુલામ ન હતો. અને મન ખિન્ન એટલે હતું કે જીવનના સાત વર્ષ એણે જેલમાં કાઢયા હતા. પણ શા માટે ? પોતાની ભૂલ શી હતી? ખિન્નતા હતી આ સમાજ ઉપર , ખિન્નતા હતી આ સમાજવ્યવસ્થા ઉપર . બધું જ બરબાદ થઈ ગયું હતું. એનું ઘર , એની ઈજ્જત , એનું ભવિષ્ય.
હવે એનો પુનર્જન્મ હતો. નિરાધાર , સમાજથી તિરસ્કૃત . હવે બધું જ નવેસરથી સર્જવાનું હતું. નવું સર્જન કરવું સહેલું છે , પણ એક તિરસ્કૃત અને બદનામ ભૂતકાળના પાયા પર ભવિષ્યનું સર્જન કરવું અઘરું છે. પણ હવે એ મુક્ત હતો. કોઈ શું કહેશે , કોઈ શું કરશે એ બધા થી મુક્ત. કેમકે હવે એ કોઈના અહેસાન નીચે ન હતો. લોકો થી તિરસ્કૃત થયેલો એ હવે આખા જગત ને તિરસ્કારવાનો અધિકાર ધરાવતો હતો. એ હસ્યો.
એણે જેલના દરવાજાની બહાર પગ મૂક્યો. ઊંડા શ્વાસ લીધા અને બહારની દુનિયાને મન ભરીને જોઈ. એ જ દુનિયા હતી. એ જ માણસો હતા. પણ કદાચ એમના વચ્ચેનું પોતાનું સ્થાન બદલાઈ ગયું હતું. કદાચ હવે પોતાનું કોઈ સ્થાન જ રહ્યું ન હતું. સ્થાન ઉભું કરવાનું હતું. આ લોકો , આ સમાજની છાતી પર પગ મૂકી ને. એના મનમાં કડવાશ ઉભરાઈ આવી. પણ સાથે સાથે એને હસવું આવ્યું. મન ખુશ થયું કે પોતે આવા સમયે પણ હસી શકે છે.
બ્લ્યુ જીન્સનું પેન્ટ , ક્રીમ ટી શર્ટ , પગમાં સ્પોર્ટ્સ શૂઝ અને ખભે બગલથેલો. ગજવા માંથી એણે પાકિટ કાઢ્યું. રૂપિયા ગણ્યા . નવ હજાર સાતસો પાંસઠ રૂપિયા હતા. આજ સુધીની બચત. એ પાકિટ બંધ કરવા ગયો. અને એની નજર પાકિટ માંના ફોટા પર પડી. એ એક પળ ફોટાને જોઈ રહ્યો. પછી પાકીટ બંધ કરી ગજવા માં મૂકી દીધું.
જેલના દરવાજે કેદીઓને મળવા આવેલા એમના સગા સબંધીઓની ભીડ હતી. કેદીઓ માટે એ એક આનન્દનું પર્વ બનતું , જ્યારે કોઈ સગા એમને મળવા આવતા. ત્યારે એને યાદ આવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી એને એનો કોઈ સંબધી કે કોઈ મિત્ર , કોઈ જ મળવા આવ્યું ન હતું.
રોડ પર એ જ વાહનોની અને માણસોની અવરજવર હતી. પણ પોતે જે સમયે જેલમાં આવ્યો એના કરતાં અવરજવર વધી હતી. રોડ ક્રોસ કરી ડાબી બાજુ એક ચ્હાની કિટલી હતી. એ ત્યાં ગયો. એક મુડા પર બેસી એણે ચ્હાનો ઓર્ડર આપ્યો.
બાજુમાં રેલવે લાઈન પસાર થતી હતી. એક ગાડી ધડધડાટ કરતી આવી અને ચાલી ગઈ.
સામે દૂર એક મરસીડિઝ ગાડી ઉભી હતી. ક્રીમ કલરની સફારી પહેરેલો એક માણસ બહાર ઉભો રહી સિગારેટ પી રહ્યો હતો. એણે વિચાર્યું કદાચ કોઈ કેદીનો સગો હશે. કેટલાક માણસો ટોળામાં બેસી ગપ્પાં મારી રહ્યા હતા. એણે ત્યાં પડેલું છાપું હાથમાં લીધું અને ટાઈમ પાસ કરવા લાગ્યો. થોડીવારમાં ચ્હા આવી. એણે છાપું બાજુમાં મુક્યું. અને ધીમે ધીમે ચ્હા પીવા લાગ્યો. આજે કેટલા વર્ષો પછી એ આમ મુક્તપણે ચ્હાનો આનન્દ લઈ રહ્યો હતો. ચ્હા પી , પૈસા ચૂકવી , ખભે થેલો ભરાવી એ રોડ પર રેલવે સ્ટેશન તરફ ચાલ્યો.
એનો વિચાર સાંજે કોઈ સસ્તી હોટલ માં રોકાવાનો હતો અથવા રાતના અંધકારમાં પોતાના ગામ જઇ રાતના અંધકારમાં ઘરમાં ઘુસી જવાનો હતો. જેથી ગામના લોકો એને જોઈ ના શકે. હજુ મન એ નક્કી નહોતું કરી શકતું કે ગામ જવું કેવી રીતે.
એ ચાર રસ્તા ક્રોસ કરી આગળ ચાલ્યો. આગળ ટ્રાફિક ઓછો હતો.એ થોડો આગળ ગયો અને પેલી મરસીડિઝ એની બાજુમાં થઈ આગળ ગઈ અને આગળ જઇ ઉભી રહી. ક્રીમ કલરની સફારી પહેરેલો માણસ ગાડીમાંથી ઉતર્યો અને સિગારેટ ફૂંકતો બાજુમાં ઉભો રહ્યો. એ ગાડીની નજીક પહોંચ્યો. અને એક અવાજ કાને પડ્યો .
' મી. અનિકેત ,ગુડ મોર્નિગ . હેવ એ નાઇસ ડે. '
પોતાને કોઈ અજાણ્યો માણસ નામથી બોલાવે એ એના માટે આશ્ચર્યજનક હતું. એના પગ એકપળ માટે અટકી ગયા. એણે એ માણસ સામે જોયું. એ હસ્યો... કોઈ પણ ડર વગર , કોઈ પણ સંકોચ વગર.
પાંચ ફૂટ સાત ઈંચ ઉંચો એ માણસ આશરે 55 વર્ષનો હોય એવું લાગ્યું. પણ ઉંમર કરતાં એની શારીરિક ક્ષમતા વધારે હોય એવું એના ચહેરા પરથી લાગતું હતું. કદાચ એ માણસ ફિટ રહેવા કસરતનો સહારો લેતો હશે એવું લાગ્યું. સફાઈબંધ ઓળેલા વાળ અને સફેદ વ્યવસ્થિત કાપેલી મૂછો. આંખ પર ગોલ્ડન ફ્રેમના ચશ્મા. એ કોઈ કંપનીના એકઝીક્યુટિવ ઓફિસર જેવો લાગતો હતો. એણે અનિકેત સામે હાથ લાંબો કર્યો.
' હેલો , મી.અનિકેત . આઈ એમ બિપિન સચદેવા. '
એની સાથે અનિકેતે હાથ મિલાવ્યા , ચહેરા પર એક હાસ્ય સાથે અને બોલ્યો.
' પણ મેં આપને ઓળખ્યા નહિ. '
અનિકેતના હાસ્યની એણે કલ્પના ન હતી કરી. એ થોડો મુંઝાયો. પણ તરત સ્વસ્થ થતા બોલ્યો.
' યસ , પણ હું આપને બરાબર ઓળખું છું અને તમે પણ મને સારી રીતે ઓળખી જશો. જો તમારી ઈચ્છા હશે તો , અત્યારે તો મને તમારો મિત્ર જ સમજો.'
' હું એટલું જરૂર સમજુ છું કે જરૂરિયાત વગર મિત્રતા નથી થતી. '
' યસ , યસ.આઈ એસેપ્ટ. પણ અહીં રોડ પર ઉભા રહી વાત કરીએ એના કરતાં , જો તમને વાંધો ના હોય તો કોઈ સારી જગ્યાએ બેસીને વાત કરીએ.'
અને સચદેવા કારનો દરવાજો ખોલી ઉભો . અનિકેત એક પળ વિચાર કરી ઉભો રહ્યો , હસ્યો અને પછી ગાડીમાં બેસી ગયો.

****************************

ગાડી એક મોંઘી રેસ્ટોરન્ટની આગળ જઈને ઉભી રહી. ગાડી પાર્ક કરી બન્ને રેસ્ટોરન્ટમાં દાખલ થયા.
દરવાન દરવાજો ખોલી નમસ્કારની કરીને ઉભો રહ્યો. એરકન્ડિશન્ડ રેસ્ટોરન્ટની અંદર આછી લાઈટમાં સચદેવા એ કોર્નરનું એક ટેબલ પસંદ કર્યું.
અનિકેત મનમાં મુશકુરાતો હતો. પોતાની ચિંતા અસ્થાને હતી. કાલ કોણે જોઈ છે? પોતે પણ ભૂતકાળમાં કેટલાક સ્વપ્નાં જોયા હતા. ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરી હતી. પણ ક્યાં સાચી પડી ? એમ પોતાની ચિતાઓ પણ ખોટી પડી શકે છે.
વર્ષો પછી એ જેલના બંધિયાર , બદબુદાર , બંધનયુક્ત વાતાવરણથી મુક્ત થયો હતો. અને હવે એ એન્જોય કરવા માંગતો હતો. બધી ચિંતા ઓ છોડી ને.
અનિકેતે ખુરશી પર બગલથેલો મુક્યો અને વોશરૂમ તરફ ગયો. અને ફ્રેશ થઈ , તાજગીસભર થયો.. વર્ષો પછી એને વોશરૂમ ના વિશાળ અરીસામાં પોતાને જોયો. એકપળ એ ઉભો રહ્યો , હસ્યો . અને પછી સચદેવાની સામે આવી બેઠો.
જેલના ગરમીયુક્ત વાતાવરણ કરતાં અહીંનું વાતાનુકૂલિત વાતાવરણ એને આલ્હાદ્ક લાગ્યું. પણ એ હવે એટલું સમજતો હતો કે પોતાના બધા ભાવ છુપાવતા માણસે શીખી લેવું જોઈએ.
વેઈટર ઠન્ડા પાણીના ગ્લાસ અને મેનુ કાર્ડ મૂકી ગયો હતો. સચદેવા એ મેનુ કાર્ડ અનિકેત તરફ મુક્યું.
' મી.અનિકેત , શું ફાવશે ? '
અનિકેતે કોઈ સંકોચ વગર નફ્ફટ થઈ પોતાને ગમતી મોંઘી આઈટમોનો ઓર્ડર આપ્યો. અનિકેત સમજતો હતો કે સામેનો માણસ કંઈ પ્રેમથી લઈને અહીં નથી આવ્યો. એને કોઈ ગરજ છે.
' મી. સચદેવા , બોલો . આટલી મહેરબાનીનું કારણ ? '
સચદેવા હસ્યો.
' મી. અનિકેત , એક કામ હતું. અને મારું અવલોકન એ કહે છે કે તમારે કામ અને પૈસા બન્નેની જરૂર પડશે. અને એ બન્ને માટેના કોઈ રસ્તા હાલ તમારી પાસે નથી. અને હાલ તમે કદાચ તમારા ગામ જઇ રહેવાનું પણ પસંદ નહિ કરો. '
' ઓહ , સંશોધન સારું છે. પણ કોઈના મનની વાત એમ જાણવી આસાન નથી. '
' કદાચ તમે સાચા પણ હોવ. પણ અમે તમારી બધી જ વાત જાણીએ છીએ. અને એ વાતો ઉપરથી અમેં કરેલું અનુમાન સાચું જ હશે. અને જો અમારું અનુમાન સાચું હોય તો તમે અમારી વાત સ્વીકારશો તો , આપણા બન્ને નું કામ થશે. '
' તમારે મારું શું કામ છે ?
' મી. અનિકેત , અત્યારે તમને હું દસ હજાર રૂપિયા આપીશ. ફક્ત વિચારવા માટે. ત્રણ દિવસ. જો તમારી હા હોય તો છ મહિના સુધી દર મહિને એક લાખ રૂપિયા . પણ એક વખત હા પાડ્યા પછી તમે ના પાડશો તો તમારે ત્રણ ગણા રૂપિયા પાછા આપવા પડશે. છ મહિના પછી તમને ત્રણ મહિના મળશે કામ પૂરું કરવાના. એ ત્રણ મહિનાના ત્રણ લાખ વતા કામ પૂરું થયાના પચાસ લાખ એમ ત્રેપન લાખ રૂપિયા છ મહિના પછીના ત્રણ મહિનામાં જ્યારે કામ પૂરું થાય એટલે તરત જ.'
' મી. સચદેવા . આમાં ક્યાંય કામનો ઉલ્લેખ થયો નથી. '
સચદેવા હસ્યો.
' મી. અનિકેત. પહેલાં લાભ સમજી લો , તો કામ કરવાનો ઉત્સાહ વધતો હોય છે. '
' હા , પણ હવે કામ કહો તો ખબર પડે કે લાભ કામના સંદર્ભ માં પૂરતો છે કે નહિ ? '
' કામના સંદર્ભમાં લાભ ઘણો વધારે છે. '
' ઓહ , તો વધારે લાભ આપવાનું કારણ. ? '
' એક એવું કામ કરવું છે. જેને અકસ્માતનો ઓપ આપી શકાય . અને લાભ વધારે હોય તો તમને કામ કરવાની પણ ઈચ્છા થાય.'
' ઓ.કે. , કામ બોલો. '
' મી. અનિકેત એક સવાલનો જવાબ આપો. તમે કોઈ વાહન લઈને જઇ રહ્યા છો. તમામ કાગળિયા ઓ.કે. છે અને કોઈ અકસ્માત થાય.તો શું થાય ? '
' શું થાય. ? '
' કદાચ એ પાર્ટીને નુકસાનના રૂપિયા આપવા પડે. અને ઇન્શ્યોરન્સ હોય તો એ પણ ઇન્શ્યોરન્સ કંપની આપે. અને વધુ તો અકસ્માત કરનારનો વાંક હોય તો એનું લાઇસન્સ રદ થાય.એથી વિશેષ કંઈ નહીં. '
' ઘણાને સજા પણ થાય છે. '
' પણ એમને સજા નથી થતી જે કાયદાના દાયરા માં હોય છે.'
' તો.. ? '
' બસ. છ મહિના પછી એક ટાર્ગેટેડ અકસ્માત કાયદાના દાયરા માં રહીને કરવાનો છે.'
' આટલા કામ માટે તો તમને કોઈપણ મળી રહે.'
' હા , પણ અમારે એવો માણસ જોઈએ જે ગુનેગારના હોય , ઇનોસન્ટ હોય , જેના ઉપર અમે વિશ્વાસ મૂકી શકીએ. અને અમે જાણીએ છીએ કે તમને ભલે જેલની સજા થઈ હોય. પણ તમે ગુનેગાર ન હતા.. '
' ઓહ. '
' જો થોડી પણ ઈચ્છા હોય તો દસ હજાર એસેપ્ટ કરો. ત્રણ દિવસ વિચારીને જવાબ આપજો. જો તમે ના પાડશો તો આ રકમ તમારે પાછી આપવાની નહિ રહે. '
અનિકેત બે મિનિટ વિચાર માં પડ્યો. ત્રણ દિવસ વિચારવા માટે દસ હજાર લેવાય.
' ઓ.કે. હું વિચારવા માટે તૈયાર છું.'
સચદેવા એ એક કવર ટેબલ પર મુક્યું. સાથે એક કાર્ડ મુક્યું. કાર્ડ પર નામ અને એક નમ્બર લખ્યા હતા.અનિકેતે કવર અને કાર્ડ લઈ ગજવા માં મુકયા.

( ક્રમશ :)