Reincarnation - 5 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 5

પુનર્જન્મ 05

સુધીરના ચહેરા પર હાસ્ય આવ્યું. એણે સચદેવા સામે જોયું. સચદેવાના ચહેરા પર ગાંભીર્ય હતું.
સચદેવા : ' મી. અનિકેત. પચાસ લાખમાં કોઈનું પણ ખૂન કરનારા જોઈએ એટલા મળે છે. તમારે તો માત્ર અકસ્માત કરવા નો છે. તો તમારામાં એવું શું છે કે અમે તમને ત્રણ કરોડ આપીએ? '
' મારી પાસે અથવા મારા જેવા કોઈ વ્યક્તિ પાસે જે છે એના તમે ત્રણ નહિ પાંચ આપો તો પણ તમે ફાયદા માં છો. '
સચદેવા : ' કેવી રીતે ? '
' પ્રથમ તો હું પ્રોફેશનલ કિલર નથી. બીજું મારે આ સ્ત્રી સાથે કોઈ દુશ્મની નથી માટે સરળતા થઈ અકસ્માતનો સીન ઉભો કરી શકીશું. અને જરૂર પડશે તો બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કે અન્ય ગુનામાં જેલમાં જવું પડશે તો હું તમારું નામ લીધા વગર જતો રહીશ. અને અન્ય એક કારણ જે મને ત્રણ કે પાંચ માટે યોગ્ય બનાવે છે. '
સચદેવા : ' ઓહ.એવું કયું કારણ છે ?
સુધીર ઉત્સુકતા પૂર્વક અનિકેત સામે જોઈ રહ્યો...
' પલંગમાં રજાઈ ઓઢી ફિકર વિના ત્રણસો કરોડ કરતાં બધારે સંપત્તિના માલિક થવાતું હોય તો ત્રણ કરોડ આપવામાં કોઈ નુકસાન નથી. મને શું મળે છે એના ઉપર ધ્યાન આપવા કરતાં તમને કેટલો ફાયદો છે. તેના ઉપર ધ્યાન આપો. '
સચદેવા : ' તમે કેવી રીતે કહી શકો છો કે અમને કેટલો ફાયદો છે ? '
' તમે ગણતરી કરી લો. જો તમારો ફાયદો ઓછો હોય તો તમને કામ માટે બીજો માણસ મળી રહેશે. '
સચદેવા એ સુધીર સામે જોયું.
સુધીર : ' મી.અનિકેત , તમારે ઉતાવળ ન હોય તો અમે થોડું વિચારી લઈએ. '
' ઓકે , હું સંગીતનો આનન્દ લઉં છું. આપ ટાઈમ લઈ શકો છો. '
સચદેવા અને સુધીર બીજા રૂમમાં ચાલ્યા ગયા. અનિકેતે એક ડિશ માં મનગમતો નાસ્તો લીધો અને બેફિકર થઈ નાસ્તામાં ધ્યાન આપવા લાગ્યો...
***************************
અનિકેત ભૂતકાળના ઉંડાણમાં ડૂબકી લગાવતો રહ્યો. પ્રેમાળ , વાત્સલ્યમૂર્તિ મા, પ્રેમાળ બહેન , દોસ્તો થી ખૂંદેલ પાદર વાળું ગામ. અને એ ગામ માંથી હડધૂત થયેલો એ , અને વિખરાઈ ગયેલું એનું જીવન. એ ઉભો થયો. યુગલ ગીતો ની સીડી કાઢી નાંખી અને કલાસિકલ સોંગ ની સીડી ભરાવી પાછો સોફા માં બેઠો. ગીતો ની સીડી બદલવા થી વિચારો ની દિશા બદલાતી નથી. વિચારો એ જ દિશા માં ચાલતા રહ્યા. એ નાનકડું ગામ અને એ જુનવાણી ઘર. અને ઘરમાંથી આવતી છાણના લીંપણની મીઠી સુગંધ.
એ ઉભો થયો. બારી પર લટકતો પડદો હટાવ્યો. ઉપરના માળેથી બન્ધ બારી માંથી દેખાતી લીલોતરી થી દૂર મેઈન દરવાજે ઉભેલો દરવાન... આટલા સરસ ફાર્મ હાઉસ ની સુગંધ બંધ દરવાજા માંથી આવવા સક્ષમ ન હતી.
દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. અનિકેત પાછળ ફર્યો. સુધીર અને સચદેવા અંદર આવ્યા.
સુધીર : ' મી.અનિકેત , કેવું લાગ્યું ફાર્મ હાઉસ. '
સોફા માં બેસતાં બેસતાં અનિકેત બોલ્યો. 'સરસ... ખૂબ સરસ. '
સુધીર : ' મી.અનિકેત , તમારો સોદો મંજુર છે. ટર્મ એન્ડ કન્ડીશન નક્કી કરીશું. '
' શ્યોર , મી. સુધીર. પચાસ લાખ એડવાન્સ. કામ થાય ત્યાં સુધી દર મહિને એક લાખ. બાકીના કામ પતે એટલે તરત. પણ એક વાત સમજમાં ના આવી. કામ એક મહિનામાં પણ થઈ શકે. તો છ મહિના પછી કેમ ? '
સુધીર : ' મી. અનિકેત , તમારી પૈસાની શરત મંજુર છે. બીજી વાત છ મહિના એટલા માટે કે મારે બીજા કેટલાક કામ પતાવવાના છે. એ પતે પછી હું કહીશ ત્યારે તમારે કામ કરવાનું રહેશે. '
' ઓ.કે. , કામ કેવી રીતે અને ક્યાં કરવાનું એ નક્કી કર્યું છે? '
સચદેવા : ' હજુ એ નક્કી નથી. પણ બને ત્યાં સુધી બહાર જ કામ થાય તો સારું . એ બધું પછી સમય આવે નક્કી કરીશું. પણ આપણે તૈયારી બધી જ રાખીશું. '
' ઓ.કે.. '
સચદેવા : ' આજે હું તમને આખું ઘર અને બીજી ઘણી વાતો સમજાવીશ. જે તમને કામ લાગે. તમે ઘરની ભૂગોળ અને બીજી બાબતોથી વાકેફ થાવ તો તમને સરળતા રહેશે. '
અનિકેતે મકાનની ભૂગોળને સમજવા એક પોકેટ ડાયરીમાં કેટલાક મુદ્દા લખવાનું ચાલુ કર્યું.
સચદેવાના અવાજ માં કંઇક અંશે નારાજગી હતી. કદાચ કિંમતનો વધારો એને ગમ્યો ન હતો.
ત્રણે જણ સાથે જે રૂમમાં સુધીર અને સચદેવા ગયા હતા , તે બાજુના રૂમમાં ગયા. સ્ટડીરૂમ થી કનેક્ટેડ એ સુધીરનો રૂમ હતો.અતિ ભવ્ય.સ્ટડીરૂમ થી અતિ ભવ્ય. અનિકેત એને ઝીણવટથી જોઈ રહ્યો. અનિકેતનું જેટલું ધ્યાન એની ભવ્યતા પર હતું એટલું જ ધ્યાન એની ભૂગોળ હતું. મકાનના રુમોના દરવાજા , બારીઓ , બાથરૂમ , એમાં બનાવેલ વેન્ટીલેટર્સ , રૂમો માં ગોઠવેલ ફર્નિચર દરેક વસ્તુ એ નોટ કરતો હતો અને ક્યા રૂમમાંથી ક્યા રૂમમાં જવાય એ દરેક મુદ્દો એ નોટ કરતો જતો હતો.
સુધીર ના રૂમ માંથી એક બીજા રૂમમાં જવાતું હતું. એ એમનો માસ્ટર બેડરૂમ હતો... એ રૂમ માં પ્રવેશતાં જ અનિકેત છકક થઈ ગયો. મોંઘા ડબલબેડ એની ઉપર બિછાવેલ મોંઘી બેડશીટ , પાછળ ની સાઈડ વિશાળ અરીસો અને એના ઉપર ઝૂલતો મોંઘો પડદો , જે ડબલબેડની સાઈડની એક દોરીથી ખસેડી શકાય તેમ હતો. ડબલબેડને આવરી લેતી મોંઘી અલગ અલગ કલર ની લાઇટો અને બેડની સાઈડમાં એની સ્વિચો. કદાચ બેડ પર સુનારા વ્યક્તિ પર અલગ અલગ લાઇટોના શેડની વ્યવસ્થા હતી. બન્ને બાજુ મોંઘી સિસમની ટીપોઈ , જે અત્યારે ખાલી હતી. સામે વિશાળ ટી.વી. મોંઘી સાઉન્ડ સિસ્ટમ , ડબલબેડ ઉપર મોંઘા ઝુમ્મર , અને એમાં પણ ઘણી બધી લાઇટો. ડબલબેડ કોઈ આધુનિક શહેનશાહ નો ડબલબેડ હોય એવું લાગતું હતું.
એક દિવાલ પર એક વિશાળ ફોટો હતો. કોઈના લગ્નનો , નવદંપતીનો , નવયુગલનો. અને અનિકેતને આશ્ચર્ય થયું. એનું અનુમાન સાચું પડ્યું. ફોટા માં સુધીર હતો અને સાથે જે સ્ત્રીનો ફોટો હતો , એ સ્ત્રી સુધીરે જે કામ સોંપ્યું હતું એ હતી. અનિકેત સુધીર સામે જોઈ રહ્યો.
સુધીર : ' મી.અનિકેત આ છે મોનિકા રોય. મારી પત્ની. તમારે આ વિષય માં ઉંડા ઉતરવાની જરૂર નથી. તમારે કામ કરવાનું છે એ કોણ છે , કેમ છે , કામ શા માટે છે એ તમારો વિષય નથી. તમારે કામ માટે ઉપયોગી માહિતીથી જ મતલબ છે. '
' આઈ નો મી. સુધીર. મને એવો કોઈ રસ પણ નથી. '
સુધીર : ' સુંદર સ્ત્રી જોઈને ઘણા વિચારો આવે છે અને ક્યારેક સહાનુભૂતિ પણ થઈ જાય છે.'
' મને કોઈ સહાનુભૂતિ નહિ થાય , અને મને સુંદર ચહેરા કરતાં રૂપિયા માં વધારે રસ છે. '
' ફાઇન.. '
એ રૂમ ની બાજુ નો રૂમ મોનિકા રોય નો હતો. સૌથી મોટો અને ભવ્ય. ચારે બાજુ અસંખ્ય ફોટા હતા. સુધીર અને મોનિકા ના. મોંનિકા ખૂબ જ સુંદર દેખાતી હતી. એની આંખો માં એક અજબ ચમક હતી. દરેક ફોટા માં એનો એક લહેકો દેખાતો હતો. એક અદા છલકતી હતી. જે એની કલાકાર હોવાની પ્રતીતિ કરાવતી હતી. દરેક ફોટામાં એની આંખોમાં સુધીર પ્રત્યેનું અજબ ખેંચાણ વ્યક્ત થતું હતું. કદાચ એ સુધીરને ખૂબ પ્રેમ કરતી હશે. એક તરફ વિશાળ અને ભવ્ય ડ્રેસિંગ ટેબલ હતું. ડ્રેસિંગ ટેબલ પરના સુવાસિત દ્રવ્યો આખા રૂમમાં માદક સુગંધ ફેલાવી રહ્યા હતા.
*****************************
કોનફરન્સ રુમના સોફા પર અનિકેત આરામથી બેઠો હતો. એક હાથમાં કોફીનો મગ પકડી એ કોફીના સ્વાદને વાગોળી રહ્યો હતો. સામે ટીપોઈ ઉપર એક બેગ મુકેલી હતી. રૂપિયા થી ભરેલી.
સામે સુધીર એક પેગ હાથમાં રમાડતો બેઠો હતો. સચદેવા કંઇક વિચારોમાં હતો. કદાચ એના મત પ્રમાણે સુધીર વધારે રૂપિયા આપી રહ્યો હતો.
સચદેવા : ' મી.અનિકેત , પચાસ લાખ બહુ મોટી રકમ છે. એકવાર લીધા પછી છકટવા ની કોશિશ ના કરતાં. '
' મી. સચદેવા , બાકીના અઢી કરોડ પણ મોટી રકમ છે. કામ પત્યા પછી તમે છટકવાની કોશિશ ના કરતા.'
સુધીર : ' ડોન્ટ વરી...એન્ડ ફરગેટ ઇટ. એન્ડ ટ્રાય ટુ ફોક્સ ઓન પ્લાન. '
સચદેવા : ' મી. અનિકેત , તમે કેવી રીતે આગળ વધવાનું પસંદ કરશો. '
' મી.સચદેવા હું મારી રીતે આગળ વધુ છું. હજુ ખૂબ સમય છે. પણ મારે એમની દિનચર્યા અને આછી જાણકારી જોઈશે. '
સુધીર : ' ઇટ્સ ઓકે. તમે આગળ વિચારો. પછી જોઈએ છીએ. '
અનિકેતને બેગ સાથે હોટલ પર જવા સચદેવા એ ગાડી મોકલી.....
******************************

અનિકેત રસ્તામાં એક હોટલ આગળ બેગ લઈ ઉતરી ગયો. એણે સિગારેટ સળગાવી અને સચદેવાની ગાડી ચાલી ગઈ. સિગારેટ પૂરી થઈ ત્યાં સુધી એ ત્યાં ઉભો રહ્યો. સિગારેટ પૂરી કરી રિક્ષા પકડી એ હોટલ પર આવ્યો.
બપોરના બે વાગવા આવ્યા હતા. કાઉન્ટર પર ઘનશ્યામ બેઠો હતો. બેગ મૂકી અનિકેત ઉભો રહ્યો. હસી ને હાથ મિલાવ્યા અને સિગારેટ નું પેકેટ કાઢી ઓફર કર્યું. ' સોરી સર , ડ્યુ ટુ એ.સી. '
' ઓહ યસ , ડોન્ટ વરી.. પેકેટ રાખો પછી પીજો. '
' ઓ.કે. સર , જમવાનું બાકી છે? '
' અરે હાં , નાસ્તો ખૂબ થયો છે. પણ થોડું જમીશ. રૂમમાં મોકલી આપો. '
થોડીવારમાં મોહન પ્લેટમાં જમવાનું લઈ આવ્યો અને મૂકી ને ચાલ્યો ગયો.
*****************************

રાતના દસ વાગ્યા હતા. સ્નાન કરી , જમવાનું પતાવી , નાઈટડ્રેસ પહેરી અનિકેત હોટલના પોતાના રૂમ ની બાલ્કનીમાં બેઠો બેઠો નવા મોબાઈલ ને જોઈ રહ્યો હતો. મન માં હાસ્ય આવતું હતું. મોબાઈલ હતો. પણ સેવ કરવા માટે એકપણ નમ્બર એની પાસે ન હતો. એણે પાકિટ માંથી એક કાર્ડ કાઢી એક નમ્બર લગાવ્યો.
' હેલો આઈ એમ અનિકેત... કેન આઈ ટોક વિથ મી. દેશપાંડે '
' સોરી... રોંગ નમ્બર.. '
' ઓહ , સોરી સર... '
અનિકેતે કાર્ડ પાછું પાકિટમાં મુક્યું. કાર્ડ પર નમ્બર સાથે નામ લખ્યું હતું. બિપિન સચદેવા.

( ક્રમશ : )