Anant Safarna Sathi - 28 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 28

અનંત સફરનાં સાથી - 28

૨૮.જીદ્દ

શિવમનાં પરિવારનાં ગયાં પછી નીલકંઠ વિલામાં એક ખુશીની લહેર દોડી ગઈ. છતાંય રાહીનાં મનનાં ખૂણે હજું પણ શિવાંશનાં વિચારો ચાલી રહ્યાં હતાં. ત્યાં જ રાધિકાએ તેનાં હાથમાં અમુક પેપર્સ પકડાવી દીધાં. રાહી એ પેપર્સ જોઈ રહી. નજર કાગળો પર ફરી રહી હતી. પણ મન તો બીજે જ અટવાયું હતું. રાધિકાને એમ હતું, કે રાહી પેપર્સ વાંચી રહી છે. પણ રાહી તો માત્ર એ પેપર્સ કોઈ જોવાલાયક વસ્તુ હોય એમ જોઈ રહી હતી. વાંચવાની વાત તો દૂર રહી. એ પેપર્સ તેને કોણે આપ્યાં? એ પણ રાહીને ખબર ન હતી.
"સ્કુલની જમીન માટેનાં પેપર્સ છે." રાધિકાએ ડાઇનિંગ પર ફ્રુટની ટોકરીમાં પડેલું સફરજન ઉઠાવીને, એક બટકું ભરતાં કહ્યું, "તમે એકવાર ચેક કરી લો અને પપ્પા સાથે પણ ડિસ્કસ કરી લો. જમીન તમારાં નામે કરાવવાની છે." રાધિકાએ ફોડ પાડી.
"શું કહ્યું?" રાહી જાણે તંદ્રામાંથી જાગી હોય એમ પૂછી રહી.
"જમીનનાં રૂપિયા તમે આપવાનાં છો. તો જમીન તમારાં નામે કરાવવાની છે." રાધિકાએ રાહીની લગોલગ ઉભાં રહીને કહ્યું, "પપ્પાને પેપર્સ બતાવીને તમે પણ એકવાર ચેક કરી લો. પછી આગળની કાર્યવાહી કરીએ." કહીને રાધિકા આરામથી પગ પર પગ ચડાવીને સોફા પર બેસી ગઈ. રાહી સોફાની ખુરશી પર બેસીને પેપર્સ ચેક કરવાં લાગી. ત્યાં જ મહાદેવભાઈ આવ્યાં તો તેમને પણ પેપર્સ બતાવી દીધાં. તેમણે બધું ચેક કરીને પેપર્સ રાહીને પરત કર્યા.
"તમને સુઝે એમ કરો." મહાદેવભાઈએ રાહી સામે જોઈને કહ્યું, "નિર્ણય તમારો છે. તમે બંને સમજદાર પણ ખરી! બાકી જરૂર પડે ત્યાં હું ઉભો છું." મહાદેવભાઈએ બધું રાહી અને રાધિકા પર છોડી દીધું.
"તો બધી પ્રોસેસ પૂરી થતાં જ કામ શરૂ કરાવી દઈએ." રાધિકાએ રાહી પાસેથી પેપર્સ લઈને કહ્યું. મહાદેવભાઈએ ડોકું ધુણાવીને સહમતિ આપી દીધી. રાધિકા પેપર્સ લઈને કોઈ સાથે ફોન પર વાતચીત કરવામાં લાગી ગઈ. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ રાહીનું દિમાગ બરાબર ચાલી રહ્યું ન હતું. એટલામાં જ તેનાં મોબાઈલની રિંગ વાગી.
"લંડનથી હૅરીએ ડિઝાઈનને લઈને એક લિસ્ટ તૈયાર કરીને આપ્યું છે. એ મને મોકલી દેજે." સામે છેડેથી રચનાનો અવાજ સંભળાયો.
"હમમ." કહીને રાહીએ કોલ કટ કર્યો. પછી તરત જ પોતાનાં રૂમમાં જતી રહી. રૂમમાં આવતાં જ એ રચનાએ સોંપેલ કામ ભૂલી ગઈ. રૂમમાં આવીને રાહી બીજાં જ કામમાં લાગી ગઈ. રાહીનાં દિમાગ પર બીજું જ ફીતુર ચડ્યું હતું. ડિઝાઈનનું લિસ્ટ તૈયાર કરવાની વાત તો દૂર રહી. રાહી રાતનાં ડીનરનો સમય પણ ભૂલી ગઈ. રવિવારે બધાં એક સાથે ડીનર કરતાં. એ પણ રાહીને યાદ નાં રહ્યું.
"દીદુ, નીચે બધાં ડીનર માટે તમારી રાહ જુએ છે." અચાનક જ રાધિકાએ આવીને કહ્યું, "તમે જમવાનું કેવી રીતે ભૂલી શકો? જલ્દી ચાલો." કહીને રાધિકા રાહીનો હાથ પકડીને ચાલતી થઈ ગઈ.
"કાલે આપણે શિવમની ઘરે જવાનું છે." ગૌરીબેને રાહીની પ્લેટમાં જમવાનું પરોસતા કહ્યું, "બંને પરિવાર વર્ષો પછી મળ્યાં. તો એક નાનકડું ગેટ ટુ ગેધર રાખ્યું છે. તો કાલે બુટિક પરથી વહેલી આવી જાજે."
"ઓકે." રાહી જવાબ આપીને જમવા લાગી. જ્યારે રચના રાહી ડિઝાઈનનું લિસ્ટ ક્યારે મોકલશે? તેની રાહ જોઈ રહી હતી. પણ રાહી તો જમીને તરત જ સૂઈ ગઈ. જાણે તેનાં મગજમાંથી રચનાએ કહેલી વાત જ નીકળી ગઈ હતી. રાહી સવારે બુટિક પર જવાં નીકળી. ત્યારે પણ ગૌરીબેને તેને વહેલાં આવી જવાં ટકોર કરી. રાહી ડોકું ધુણાવીને નીકળી ગઈ. બુટિક પર રચના મોં ફુલાવીને રાહીની જ રાહ જોઈ રહી હતી.
"મેં તને કાલે હૅરીએ મોકલેલ લિસ્ટ મોકલવાનું કહ્યું હતું." રચનાએ ફરિયાદ ભાવે કહ્યું, "તે મોકલ્યું કેમ નહીં?"
"સોરી યાર! મગજમાંથી નીકળી જ ગયું હતું." રાહીનાં ચહેરાં પર માફીનાં ભાવ આવી ગયાં, "બસ બે મિનિટ આપ. હમણાં જ મોકલી આપું." કહીને રાહી પોતાની કેબિનમાં જતી રહી. પહેલાં તેણે ડિઝાઈનનું લિસ્ટ રચનાને મોકલી આપ્યું. પછી પોતાનાં કામમાં લાગી ગઈ. કામમાં જ રાતનાં સાડા આઠ વાગી ગયાં. પણ રાહીને ઘરે જવાની ખબર સુધ્ધાં નાં રહી. આજે ડીનર માટે શિવમની ઘરે જવાનું હતું. પણ રાહીને યાદ નાં રહ્યું. ઘરે બધાં રાહીની રાહ જોઈ રહ્યાં હતાં. આખરે કંટાળીને રાધિકાએ રાહીને મેસેજ કર્યો. ત્યારે રાહીની નજર સમય પર ગઈ.
"આટલી મોટી વાત કેવી રીતે ભૂલાઈ ગઈ?" કહેતાં રાહી ફટાફટ પોતાનું પર્સ અને મોબાઇલ લઈને ભાગી. બધાં ઘરેથી નીકળી ગયાં હોવાથી રાહી પોતાની ઘરે નાં જઈને સીધી શિવમની ઘરે પહોંચી ગઈ.
"આટલું લેટ હોય કંઈ?" રાહી જેવી શિવમનાં ઘરનાં દરવાજે પહોંચી. પ્રેરણાએ શિકાયત કરી. બદલામાં રાહીએ પોતાનાં કાન પકડી લીધાં. પછી બધાંએ થોડીવાર વાતો કરી અને સાથે ડીનર કર્યું.
"પ્રિયાંશુ ક્યાં?" રાહીએ પ્રેરણા સામે જોઈને પૂછયું, "એ નથી આવ્યો?" રાહીનાં મોંઢે પ્રિયાંશુ નામ સાંભળીને બધાં હેરાન નજરે તેની સામે જોઈ રહ્યાં.
"કોણ પ્રિયાંશુ?" શિવમે રાહી સામે જોઈને પૂછયું.
"પ્રેરણાનો પતિ!" રાહીએ શિવમ તરફ જોયું.
"તેનું નામ પ્રિયાંશુ નહીં પ્રેયસ છે." પ્રેરણાએ ભવાં સંકોચીને કહ્યું. રાહી ધીમે-ધીમે બધાનાં નામ પણ ભૂલી રહી હતી. જે કોઈની નજરમાં ન હતું. પણ આર્યનની નજરમાં આવી ગયું હતું. રચનાને ડિઝાઈનનું લિસ્ટ નાં મળ્યું એટલે તેણે આર્યનને કોલ કર્યો હતો. આર્યન પણ એ જાણીને હેરાન થઈ ગયો કે જે રાહીનું સપનું હતું. તેને લગતું કોઈ કામ રાહી કેવી રીતે ભૂલી શકે? તેનાં પછી રાહી શિવમની ઘરે આવતાં ભૂલી ગઈ. જે શિવમ અને પ્રેરણાને રાહી ઉંઘમાં પણ ભૂલી નાં શકે. તેની ઘરે જવાનું રાહી ખુલ્લી આંખોએ ભૂલી ગઈ. તેનાં પછી પ્રેરણાનાં પતિનું નામ ભૂલી ગઈ. આ કોઈ નાની બાબત ન હતી.
"ઓહ! નામ જે હોય તે પણ એ કેમ નાં આવ્યો?" રાહીએ ફરી પૂછ્યું.
"તેને બિઝનેસનું કામ આવી ગયું એટલે એ નાં આવી શક્યાં." પ્રેરણાએ પોતાની બાજુમાં બેસેલી રાહીનાં હાથ પર હાથ મૂકીને કહ્યું, "પણ જ્યારે આવશે. ત્યારે તને મળાવવા જરૂર તારી પાસે આવીશ." પ્રેરણાની વાતથી રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. જમીને બધાં છૂટાં પડ્યાં. રાહી પોતાની કાર તરફ આગળ વધી. ત્યારે રાધિકા પણ તેની પાછળ ગઈ.
"તું અંકલ આન્ટી સાથે આવી જા." આર્યને રાધિકાને રોકતાં કહ્યું, "હું રાહી સાથે આવું છું. મારે તેનું થોડું કામ છે." કહીને આર્યને રાધિકાની આંખોમાં જોયું. જેમાં રાધિકાને એક ચિંતા નજર આવી. રાધિકા કોઈ દલીલ કર્યા વગર આર્યનની કાર તરફ ચાલવા લાગી. આર્યન રાહીની કાર તરફ આગળ વધી ગયો. રાહી ડ્રાઈવર સીટ પર બેઠી હતી.
"તું સાઈડમાં જતી રહે. કાર હું ડ્રાઈવ કરીશ." આર્યને ડ્રાઈવર સીટ તરફનો દરવાજો ખોલીને કહ્યું. રાહી ચુપચાપ ડ્રાઈવર સીટની બાજુની સીટ પર જતી રહી. આર્યન ડ્રાઈવર સીટ પર બેસીને કાર ડ્રાઈવ કરવાં લાગ્યો. બંને વચ્ચે ક્યારેય મૌન નાં રહેતું. જ્યારે આજે રાહી કંઈ બોલી જ નહીં. એ જાણે પોતાની અલગ દુનિયા વસાવી ચુકી હતી.
"એનિ પ્રોબ્લેમ?" આખરે આર્યને મૌન તોડતાં પૂછ્યું.
"નાં, મને શું પ્રોબ્લેમ હોય." રાહીએ આર્યન તરફ જોઈને સ્માઈલ કરી, "બધું બરાબર ચાલે છે." રાહીનાં શબ્દો તેનાં ચહેરાનાં હાવભાવ સાથે મૅચ થતાં ન હતાં.
"તું થોડાં દિવસથી નાની નાની વાતો ભૂલી રહી છે." આર્યને વાતનો દોર આગળ વધાર્યો.
"એ તો કામનું થોડું ટેન્શન છે." રાહીએ આર્યનનાં હાથ પર હાથ મૂકીને કહ્યું, "કામમાં ઘણી બાબતો ભૂલી જવાય. રિલેક્સ! હું બિલકુલ ઠીક છું." આર્યને ત્યારે તો રાહીની વાત માની લીધી. પણ પાછળથી તેણે ઉલટતપાસ શરૂ કરી. જેમાં ખાસ કંઈ હાથ નાં લાગ્યું. એક-બે ડોક્ટરો સાથે વાત કરી જોઈ. પણ ટેન્શનનાં લીધે એવું થાય. એમ કહીને વાત પૂરી થઈ જતી. રાહી ડોક્ટર પાસે જવા તૈયાર ન હતી. એવામાં આર્યન પણ મજબૂર થઈ ગયો. ધીમે-ધીમે આમ જ એક મહીનો પસાર થઈ ગયો. રાહીની નાની-નાની વાતો ભૂલી જવાની બાબત આજે પણ એમ જ હતી. કોઈને કંઈ નવું નાં લાગતું. જેમ ડોક્ટરે કહ્યું એ જ સત્ય બધાંએ સહર્ષ સ્વીકારી લીધું હતું. પણ આર્યન સ્વીકારવા તૈયાર ન હતો. તે સમજતો હતો કે રાહી જેવું બહારથી વર્તન કરે છે. એવું એ અંદરથી અનુભવતી નથી. હકીકત પણ એવી જ કંઈક હતી.
રાહી બધાંની સાથે હોવાં છતાંય બીજાં જ વિચારોમાં ખોવાયેલી રહેતી. બોલતી કંઈ, કરતી કંઈ અને વિચારતી પણ કંઈ અલગ જ એવી એની મનઃસ્થિતિ થઈ ગઈ હતી. રાહી પોતાની એક અલગ દુનિયા વસાવી ચુકી હતી. જેમાં તે શિવાંશ વિશે જ વિચારતી રહેતી. સ્કુલનું કામ શરૂ થઈ ગયું હતું. રાધિકા અને શ્યામ તેની પરિક્ષાની તૈયારીમાં લાગ્યાં હતાં. રાહી લંડનથી મળેલાં ઓર્ડર પર ધ્યાન આપતી. પણ હંમેશાં કંઈ ને કંઈ ભૂલી જવાથી રોજ નવી પ્રોબ્લેમ્સ ઉભી થતી.
"રાહી! હું અહીંનું કામ સંભાળી લઈશ. તારી તબિયત ઠીક નાં હોય. તો તું આરામ કર." રાહી તેની કેબિનમાં બેસીને કામ કરી રહી હતી. ત્યારે અચાનક જ રચનાએ આવીને કહ્યું. રાહી પોતાનું કામ પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરવાની કોશિશ કરતી. પણ ખરેખર, તો રાહીની ભૂલવાની આદતને લીધે કામમાં ઘણું નુકશાન થઈ રહ્યું હતું. ઓર્ડર યોગ્ય સમયે તેનાં સ્થળે નાં પહોંચતા. ક્યારેક કામ પૂરું નાં થતું. તો ક્યારેક કામ પૂરું થઈ ગયાં છતાં ઓર્ડર બુટિકમાં જ પડી રહેતો.
"મને કંઈ નથી થયું." રાહીએ સ્વસ્થ અવાજે કહ્યું, "હું મારું કામ પૂરું કરી લઈશ. તું ચિંતા નાં કર." રાહીનો અવાજ તો સ્વસ્થ હતો. પણ તેનું મન સ્વસ્થ ન હતું. જે તેનાં ચહેરાં પરથી જણાતું હતું. રચના ચૂપચાપ જતી રહી. એ રાહીને કંઈ કહી નાં શકી. રાહી ફરી તેનાં કામમાં લાગી ગઈ.
"હેય પ્રિન્સેસ! ચાલ મારી સાથે." રાહીએ કેબિનનાં દરવાજે જોયું. તો આર્યન ત્યાં ઉભો હતો.
"ક્યાં જવું છે?" રાહીએ ઉભાં થઈને એક ફાઈલ ટેબલ પર મૂકીને પૂછ્યું.
"તું ચલ તો સહી." આર્યન રાહી કંઈ સમજે એ પહેલાં જ તેનો હાથ પકડીને સડસડાટ બહાર નીકળી ગયો. તેણે રાહીને કારનો દરવાજો ખોલીને અંદર બેસાડી દીધી. પછી પોતે પણ ડ્રાઈવર સીટ પર બેસીને કાર ડ્રાઈવ કરવાં લાગ્યો.
"આપણે ક્યાં જઈએ છીએ?" રાહીએ ફરી પૂછ્યું. એ જાણવાં ઉત્સુક હતી. રાહીની ઉત્સુકતાની વચ્ચે કાર સીટી હોસ્પિટલની સામે ઉભી રહી. રાહી હોસ્પિટલની ઉપર લાગેલો બોર્ડ જોઈ રહી. તેની આંખોમાં રહેલું આશ્રર્ય આર્યને વાંચી લીધું. છતાંય એ ચૂપ રહ્યો. આર્યન કારનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો. તેણે રાહી તરફ જોઈને તેની સાઈડનો કારનો દરવાજો ખોલ્યો. પણ રાહી બહાર નાં ઉતરી. એ બસ આર્યનને જોઈ રહી.
"આપણે અહીં શાં માટે આવ્યાં છીએ?" રાહીએ તરડાઈ ગયેલાં અવાજે કહ્યું, "મને કંઈ નથી થયું. હું બિલકુલ ઠીક છું." એટલું કહેતાં જ તેની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં.
"આઈ નો.. તને કંઈ નથી થયું." આર્યને આત્મવિશ્વાસ સભર અવાજે કહ્યું, "તું એકદમ ઠીક છે. આપણે તો બસ અહીં મારાં મિત્રને મળવા આવ્યાં છીએ." કહીને આર્યને રાહીને બહાર નીકળવાનો ઈશારો કરતો પોતાનો હાથ રાહી તરફ લંબાવ્યો.
"તો તેને અહીં બહાર જ બોલાવી લે." રાહી બંને હાથ ભેગાં કરીને, અદબ વાળીને, સીટને ટેકો આપીને બેસી ગઈ. તેણે અંદર નાં જવાનો નિર્ણય લઈ લીધો હતો.
"આપણે તેને મળવાં આવ્યાં છીએ. આપણે જ અંદર જવું પડે." આર્યને રાહીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, "હું તેને સરપ્રાઈઝ આપવા માગું છું. એન્ડ યૂ નો સરપ્રાઈઝ આપવા આપણે જ અંદર જવું પડે. કોઈ જાતે આપણી પાસે નાં આવે." કહેતાં આર્યન પણ રાહી સામે અદબ વાળીને ઉભો રહી ગયો. રાહી કંઈક વિચારવા લાગી.
"ઓકે, તું પહેલાં જા." રાહીએ આંખોમાં ચમક ભરતાં આર્યન સામે જોયું, "હું પાછળથી આવી." કહેતાં રાહીએ સીટ બેલ્ટ પણ ખોલી નાખ્યો. આર્યનનું મન તો નાં માન્યું. છતાંય એ રાહી પર ભરોસો કરીને અંદર ગયો. આર્યન અંદર આવ્યો. તેને દશ મિનિટ થઈ છતાંય રાહી નાં આવી. તો આર્યન જ ફરી બહાર આવ્યો. તેણે કાર પાસે જઈને અંદર જોયું. તો રાહી અંદર ન હતી. એ તો આર્યનને ચકમો આપીને જતી રહી હતી. આર્યને તરત જ રાહીને ફોન જોડ્યો.
"ક્યાં છે તું?" આર્યને થોડાં ગુસ્સા સાથે પૂછ્યું.
"હું રિક્ષા કરીને ઘરે જવાં નીકળી ગઈ છું. તું પણ આવતો રહે‌." રાહીએ એકદમ શાંત અવાજે કહ્યું, "પણ જો હવે મને ક્યારેય હોસ્પિટલ લઈ જવાનો વિચાર નાં કરવો હોય તો જ ઘરે આવજે. નહીંતર ફરી અમેરિકા જતો રહેજે. બાકી આજ તો હોસ્પિટલેથી ઘરે આવવાં નીકળી છું. ફરી આવું થયું તો ક્યાંક દૂર ભાગી જઈશ." આ વખતે રાહીનાં અવાજમાં ધમકી હતી. રાહી કોઈ નાની બાળકી ન હતી. જેને ફોસલાવીને કે જૂઠ્ઠાણું બોલીને આર્યન તેનો ચેકઅપ કરાવી લે. રાહી ભણેલીગણેલી મેચ્યોર છોકરી હતી. જે આર્યનનો ચહેરો અને સીટી હોસ્પિટલનો બોર્ડ જોઈને જ બધું સમજી ગઈ હતી. આર્યન થોડાં દિવસથી તેની સાથે જે રીતે વાત કરતો. એ પરથી એ રાહીને હોસ્પિટલમાં તેનાં કોઈ ફ્રેન્ડને મળાવવા ન હતો લઈ ગયો. એ રાહી જાણી ગઈ હતી. એમાંય સીટી હોસ્પિટલમાં આર્યનનો કોઈ ફ્રેન્ડ નથી. એ પણ રાહી જાણતી હતી. એટલે આર્યનની ટ્રીક નાકામયાબ નીવડી હતી.
આર્યન ગુસ્સામાં ઘરે આવવાં નીકળી ગયો. રાહી એવું કેવી રીતે કરી શકે? એ જ તેની સમજમાં આવતું ન હતું. છેલ્લાં એક મહિનાથી તે નાની-નાની બાબતો ભૂલી રહી હતી. એકવાર બેહોશ પણ થઈ ગઈ હતી. એવામાં તેનો ચેકઅપ કરાવવો જરૂરી હતો. પણ રાહી છે કે કંઈ સમજવાં તૈયાર જ ન હતી. જેનું એક કારણ તેનો હોસ્પિટલ પ્રત્યેનો ડર હતો. ગૌરીબેને રાહીની જવાબદારી આર્યનને સોંપી હતી. તેમની જ પરમિશનથી આર્યને આ નિર્ણય લીધો હતો. જેમાં રાહી આર્યનને ચકમો આપીને જતી રહી હતી.
"રાહી..." આર્યને ઘરમાં પગ મૂકતાં જ મોટાં અવાજે બૂમ પાડીને રાહીને બોલાવી.
"શું થયું? આર્યન." આર્યનનો અવાજ સાંભળીને ગૌરીબેન દોડતાં કિચનમાંથી બહાર આવ્યાં. તેમણે ડરેલા અવાજે પૂછ્યું, "કેમ આટલી રાડો પાડે છે? બધું ઠીક તો છે ને?" તેમનાં અવાજમાં ચિંતા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
"એ પૂછો તમારી લાડલી દીકરીને!" આર્યને દાદરે ઉભેલી રાહી તરફ ગુસ્સાથી જોયું. આર્યનનો અવાજ સાંભળીને તે તરત જ નીચે દોડી આવી હતી. આર્યન અને ગૌરીબેનને વાત કરતાં જોઈને એ દાદરે જ ઉભી રહી ગઈ હતી.
"શું કર્યું તે? રાહી." ગૌરીબેને પણ દાદરે ઉભેલી રાહી તરફ જોયું. રાહી ધીમી ચાલે ગૌરીબેન સામે આવીને ઉભી રહી ગઈ.
"તમે જમવાનું તૈયાર કરો. કંઈ નથી થયું. આની તો આદત છે." રાહીએ વાતને હવામાં ઉડાવી દેતાં આર્યન તરફ જોયું.
"પાગલ! તે તો મને ડરાવી જ દીધી હતી." ગૌરીબેને પ્રેમથી આર્યનનાં ગાલે હળવી થપાટ મારીને કહ્યું. પછી એ કિચન તરફ જવાં અગ્રેસર થયાં.
"મમ્મીને કંઈ નાં કહેતો." રાહીનાં અવાજમાં ધમકી હતી, "મમ્મીને ખબર પડી તો એ નાહકનાં પરેશાન થશે. જે મને નહીં પોસાય." કહીને રાહી આર્યનની આંખોમાં જોઈ રહી. રાહી સ્વભાવે થોડી જીદ્દી હતી. જે કહેતી એ કરીને બતાવતી. તે ક્યારેય પોતાનું મગજ નાં ગુમાવતી. પણ પોતાની વાત પર અટલ રહેતાં તેને આવડતું હતું. રાહી અને આર્યન બંને દરવાજે જ ઉભાં હતાં. ત્યાં જ રાધિકા અને મહાદેવભાઈ આવ્યાં. રાધિકા સ્કુલનાં કોઈ કામે ગઈ હોવાથી એ ઘરે પરત ફરતી વખતે પોતાની એક્ટિવા પર મહાદેવભાઈને સાથે લેતી આવી હતી. મહાદેવભાઈએ થોડાં દિવસથી રાહી અને આર્યનનાં લગ્નની વાત કરી ન હતી. પરિણામે રાધિકાનો મગજ શાંત હતો.
ગૌરીબેન જમવાનું ટેબલ પર ગોઠવવાં લાગ્યાં એટલે બધાં જમવા બેસી ગયાં. આર્યનનાં મનનો ઉચાટ ઓછો થયો ન હતો. પણ પોતાની મિત્રનાં સ્વભાવને જાણતો હોવાથી એ ચૂપ હતો. રાહીએ પણ આર્યને જે કર્યું. એ કોઈને જણાવ્યું નહીં. તે કોઈને પરેશાન કરવાં માંગતી ન હતી. સમયનાં વહેણ સાથે મહાદેવભાઈમાં પણ ઘણું પરિવર્તન આવ્યું હતું. બધું હેમખેમ ચાલી રહ્યું હતું. જેમાં રાહી કોઈ અડંગો નાંખવા માંગતી ન હતી. સમયની સાથે રાહી પણ આગળ વધી રહી હતી. પણ શિવાંશની જગ્યા આજે પણ રાહીનાં દિલમાં ત્યાં જ હતી જ્યાં પહેલાં હતી. પણ રાહીની જે જીદ્દ હતી. ડોક્ટર પાસે ચેકઅપ નાં કરાવવાની... એનું શું પરિણામ આવશે? તેનાંથી બધાં અજાણ હતાં. જ્યારે સમય તેનું કામ બખૂબી કરી રહ્યો હતો.(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ