Anant Safarna Sathi - 30 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 30

૩૦.કહાનીની અંદરની કહાની

રાહી હોસ્પિટલનાં બેડ પર સૂતી હતી. રાતનાં સાડા નવ થઈ ગયાં હતાં. રાધિકા રાહીનાં બેડ પાસે જ સ્ટૂલ પર બેઠી હતી. શ્યામ તેની પાસે ઉભો હતો. બહાર લોબીમાં રહેલી બેન્ચ પર ગૌરીબેન બેઠાં હતાં. આર્યન લોબીમાં આમથી તેમ ચક્કર લગાવી રહ્યો હતો. મહાદેવભાઈ હજું સુધી આવ્યાં ન હતાં. તે ક્યાં ગયાં છે? એ પણ કોઈને ખબર ન હતી. તે કોઈને જણાવ્યાં વગર જ નીકળી ગયાં હતાં.
"તારાં અંકલ ક્યાં ગયાં છે? બેટા." ગૌરીબેને આખી લોબીમાં નજર કરીને પૂછ્યું.
"કંઈ કહીને નથી ગયાં." લોબીમાં ચક્કર લગાવી રહેલાં આર્યને ગૌરીબેન સામે ઉભાં રહીને કહ્યું. પછી તે ફરી ચાલવા ગયો. ત્યાં જ તેની નજર સામેથી આવી રહેલાં એક વ્યક્તિ પર પડી. જેને જોઈને આર્યનનાં પગ તે ઉભો હતો ત્યાં જ ચોંટી ગયાં. વધેલી દાઢી, વિખરાયેલા વાળ, થોડીવાર પહેલાં જ રડ્યો હોય એવી સૂઝેલી લાલ આંખો અને કસરતી શરીર સાથે અદબથી ચાલતો એ આર્યન તરફ જ આગળ વધી રહ્યો હતો.
"રાહી?" તેણે આર્યનની એકદમ લગોલગ ઉભાં રહીને આર્યનની આંખોમાં પ્રશ્નાર્થ સૂચક નજરે જોયું. તેનાં મોંઢેથી જે નામ નીકળ્યું. એ સાંભળીને ગૌરીબેન પણ પોતાની જગ્યાએથી ઉભાં થઈને એ છોકરાંને જ જોઈ રહ્યાં. પણ છોકરાંની નજર આર્યનનાં હોંઠો પર મંડાઈ હતી. એ આર્યનનાં જવાબની રાહ જોઈ રહ્યો હતો.
"શિવાંશ?" આર્યન તે છોકરાંને જોઈને પૂછી રહ્યો. છોકરાંએ ડોકું ધુણાવીને હાં પાડી. આર્યને જ શિવાંશને કોલ કરીને તેને અહીં બોલાવ્યો હતો. છેલ્લાં એક વર્ષથી બંને કોન્ટેક્ટમાં હતાં. પણ આર્યને શિવાંશને ક્યારેય જોયો ન હતો. નાં તો ફોટોમાં કે નાં રૂબરૂમાં.
ગૌરીબેનની આંખો શિવાંશને જોઈને પહોળી થઈ ગઈ. તે શિવાંશનું પગથી માથાં સુધી નિરિક્ષણ કરી રહ્યાં. ત્યાં જ એક બીજો છોકરો આવીને શિવાંશની પાછળ ઉભો રહી ગયો. આર્યને એ છોકરાં તરફ જોયું. ગૌરીબેન શિવાંશ પછી એ છોકરાંને જોઈ રહ્યાં.
"આ મારો મિત્ર ઋષભ છે." શિવાંશે ઋષભ સામે બંને હાથ કર્યા. આર્યને ઋષભ સાથે હાથ મિલાવ્યો. પછી શિવાંશ તરફ જોયું, "તારો કોલ આવતાં જ હું મુંબઈથી નીકળી ગયો હતો. રાહી ક્યાં છે?" શિવાંશે વાત કરતાં કરતાં ચારે તરફ એક નજર કરી લીધી. આર્યને તેની પાછળ રહેલાં દરવાજા તરફ આંગળી ચીંધી. શિવાંશ તરત જ એ તરફ આગળ વધી ગયો. પણ તેની ચાલ સહેજ ધીમી પડી ગઈ. પોતે રાહીને એ હાલતમાં જોઈ શકશે કે નહીં? એ જ વિચારે તેનાં પગ ધીરે ધીરે ઉપડી રહ્યાં હતાં. શિવાંશે રાહીનાં રૂમનાં દરવાજા સામે ઉભાં રહીને આંખો બંધ કરીને એક ઉંડો શ્વાસ લીધો. પછી હળવેથી દરવાજો ખોલ્યો. શિવાંશને જોતાં જ અંદર રહેલી રાધિકા અને શ્યામ ચોંકી ગયાં.
"શિવાંશ.!" બંને એક સાથે આશ્રર્યમાં ગરકાવ અવાજ સાથે બોલી ઉઠ્યાં. એ સાથે જ રાહીએ પણ આંખો ખોલી. તેની પહેલી નજર પોતાની પાસે બેસેલી રાધિકા પર પડી. જે રૂમનાં દરવાજા તરફ જોઈ રહી હતી. રાહીએ પણ રાધિકાની નજરની દિશામાં જોયું. દરવાજે ઉભેલાં શિવાંશને જોતાં જ રાહી બેડ પરથી ઉભી થઈ ગઈ. તેનું મગજ હજું પણ ચકરાતુ હતું. રાહીનું બેલેન્સ બગડતાં જ શિવાંશે મોટાં મોટાં ડગલાં ભરીને, આગળ આવીને રાહીને પકડી લીધી. રાહી શિવાંશની આંખોમાં જોઈ રહી. બંનેની નજર મળતાં જ એક વર્ષ પહેલાં બનારસમાં બનેલી તમામ ઘટનાઓ કોઈ ફિલ્મની રીલની જેમ બંનેની નજર સમક્ષ તરવરવા લાગી.
"તું તે દિવસે કેમ નાં આવ્યો?" રાહીએ એક વર્ષ પહેલાં પોતાનાં દિલમાં કંડારી રાખેલો એ એક સવાલ જ પૂછ્યો. જેનાં જવાબની તેને વર્ષોથી પ્રતિક્ષા હતી. પણ હજું એ જવાબ આપવાનો સમય આવ્યો ન હતો.
"પહેલાં તું આરામ કર." શિવાંશે રાહીને બેડ પર સુવડાવી દીધી, "એકવાર તું સાજી થઈ જાય. પછી નિરાંતે બધી વાત કરીએ." કહીને શિવાંશે રાહીનો પકડેલો હાથ છોડ્યો. એ સાથે જ રાહીએ ફરી શિવાંશનો હાથ મજબૂતીથી પકડી લીધો.
"પછી કદાચ વાત કરવાનો સમય નહીં રહે." રાહીની આંખો ભરાઈ આવી, "એકવાર સર્જરી થયાં પછી કદાચ આવો મોકો નહીં મળે. કદાચ હું તને ભૂલી..."
"આજ સુધી નાં ભૂલી શકી. તો હવે કેમની ભૂલી શકીશ." શિવાંશે રાહીની વાત વચ્ચે કાંપી નાખી અને તેની પાસે પડેલાં સ્ટૂલ પર બેસી ગયો. જ્યાં થોડીવાર પહેલાં રાધિકા બેઠી હતી. જે શિવાંશનાં આવતાં જ ઉભી થઈ ગઈ હતી, "તે મને સાચાં દિલથી પ્રેમ કર્યો છે. એક નાની એવી સર્જરી કદાચ મારું નામ ભૂલાવી શકે. પણ તે મને કરેલો પ્રેમ નાં ભૂલાવી શકે." કહેતાં શિવાંશે રાહીનો હાથ પકડીને ચુમી લીધો, "હવે હું એકવાર ડોક્ટર સાથે વાત કરી લઉં. પછી તારી પાસે આવું." કહીને શિવાંશ ઉભો થવા ગયો. ત્યાં જ રાહીને શિવાંશનો હાથ પકડીને તેને રોકી લીધો.
બહાર ગૌરીબેન અને આર્યન એકબીજાને જોતાં ઉભાં હતાં. ગૌરીબેનનાં મનમાં ઘણાં સવાલ હતાં. પણ તે આર્યનને કંઈ પૂછી નાં શક્યાં. આર્યન પણ ચૂપ જ રહ્યો. એક વર્ષથી આ બધું શું ચાલી રહ્યું હતું? એ વિશે શિવાંશ જ બધાંને જણાવે એવી આર્યનની ઈચ્છા હતી. એટલે કોઈ કંઈ પૂછે નહીં ત્યાં સુધી ચૂપ જ રહેવું એવું આર્યને મનોમન નક્કી કર્યું હતું. ગૌરીબેન આર્યનને મનમાં હજારો સવાલો સાથે જોઈ રહ્યાં હતાં. એ સમયે જ મહાદેવભાઈ ત્યાં આવ્યાં.
"તમે ક્યાં ગયાં હતાં?" ગૌરીબેને મહાદેવભાઈને જોતાં જ આર્યન પરથી નજર હટાવીને મહાદેવભાઈ તરફ જોયું.
"પ્રવિણભાઈની ઘરે." મહાદેવભાઈએ ઝૂકેલી નજરે કહ્યું.
"પ્રવિણભાઈ ચારોત્રા?" ગૌરીબેનનાં અવાજમાં સવાલ હતો. મહાદેવભાઈએ ડોકું ધુણાવીને હાં પાડી. એ સાથે જ ગૌરીબેને બીજો સવાલ કર્યો, "શિવાંશ ક્યાં છે? એ જાણવાં."
"હાં, પણ એ લોકોએ ઘર બદલ્યું છે." મહાદેવભાઈએ પરાણે ગૌરીબેન સામે જોઈને હતાશ ચહેરે કહ્યું, "હું શિવાંશ ક્યાં છે? એ નાં જાણી શક્યો. આજુબાજુ રહેતાં લોકોને પૂછ્યું. પણ એ લોકોને ખબર ન હતી, કે પ્રવિણભાઈ એ ઘર મૂકીને ક્યાં ગયાં છે?" કહેતાં મહાદેવભાઈએ વાત પૂરી કરી.
"શિવાંશ અહીં આવી ગયો છે." ગૌરીબેનની વાત સાંભળીને મહાદેવભાઈ તેમની સામે આશ્રર્ય ભરી નજરે જોઈ રહ્યાં. એ સમયે જ રાહી જે રૂમમાં એડમિટ હતી એ રૂમમાંથી શિવાંશ બહાર આવ્યો. મહાદેવભાઈની નજર ગૌરીબેન પરથી હટીને શિવાંશ પર ચોંટી. શિવાંશને જોયાં પછી મહાદેવભાઈએ ફરી ગૌરીબેન તરફ જોયું. મહાદેવભાઈની નજરમાં રહેલો સવાલ સમજીને ગૌરીબેને કહ્યું, "શિવાંશ.!" તેમનાં એક શબ્દમાં જ મહાદેવભાઈ બધું સમજી ગયાં. તે તરત જ શિવાંશ તરફ ગયાં.
"મારી દિકરીને બચાવી લે." મહાદેવભાઈ શિવાંશ સામે બંને હાથ જોડીને એટલું જ બોલી શક્યાં. ત્યાં જ તેમની આંખોમાંથી અશ્રુધારા વહી ગઈ. શિવાંશ તેમનાં ખંભે હાથ મૂકીને એક રહસ્યમયી સ્મિત કરતો ડોક્ટરની કેબિન તરફ આગળ વધી ગયો.
શિવાંશનાં બહાર આવતાં જ રાધિકા પણ સડસડાટ બહાર આવી. તેણે બહાર ઊભેલાં દરેક વ્યક્તિ પર એક ઉડતી નજર કરી. જેમાં આર્યનની નજર ઝૂકેલી હતી. રાધિકા આર્યન તરફ આગળ વધી અને આર્યનની સામે તેની લગોલગ ઉભી રહી ગઈ. આર્યન ઉંચુ નાં જોઈ શક્યો. રાધિકાની ગુસ્સાભરી નજર આર્યનને વીંધી રહી હતી.
"શિવા‍ંશ અહીં કેવી રીતે આવ્યો? તેને કોણે જાણ કરી?" રાધિકાએ બે સવાલ જ કર્યા. ત્યાં તો જાણે આર્યન અંદર સુધી હચમચી ગયો.
"મેં..." આર્યન ધ્રુજતા હોઠે એટલું જ બોલી શક્યો. ત્યાં તો રાધિકાએ તેનો કાંઠલો પકડીને તેને હચમચાવી નાંખ્યો, "બધું શિવાંશનાં કહેવાથી થયું હતું. તું તેને જ બધું પૂછી લેજે." કહીને આર્યને માંડ કરીને પોતાની જાતને રાધિકાની પકડમાંથી મુક્ત કરી. આર્યનનાં શબ્દો સાંભળીને ત્યાં મોજુદ બધાંને શિવાંશ પર ગુસ્સો આવ્યો. પણ હાલ સમય ગુસ્સાનો નહીં. રાહીનો જીવ બચાવવાનો હતો. જેનાં લીધે રાધિકા ચૂપ જ રહી. રાધિકા હજું પણ આર્યનને ગુસ્સા ભરી નજરે જોતી ઉભી હતી. ત્યાં જ શિવાંશ આવ્યો. તેણે પહેલાં બધાંનાં ચહેરાં જોઈને પરિસ્થિતિનો તાગ લીધો.
"મેં ડોક્ટર સાથે વાત કરી લીધી છે." પરિસ્થિતિનો તાગ લીધાં પછી શિવાંશે મહાદેવભાઈ સામે જોઈને કહ્યું, "કાલે સવારે બધાં ચેકઅપ કરીને રિપોર્ટ આવ્યાં પછી સર્જરી વિશે નિર્ણય લેવામાં આવશે." કહેતાં શિવાંશે વાત પૂરી કરી. મહાદેવભાઈ થોડીવાર શિવાંશ સામે જ જોઈ રહ્યાં. શિવાંશ રાહીનાં રૂમનો દરવાજો ખોલીને અંદર જતો રહ્યો. રાહી દવાની અસર હેઠળ ઉંઘી ગઈ હતી. શિવાંશ રાહીનાં બેડથી થોડે દૂર આવેલાં સોફા પર બેસી ગયો. એ એકીટશે ગાઢ નિદ્રામાં સૂઈ રહેલી રાહીને જોઈ રહ્યો. રાતનાં બાર વાગી ગયાં હતાં.
બહાર રહેલાં મહાદેવભાઈ, રાધિકા અને ગૌરીબેનનાં મનમાં કેટલાંય સવાલો ચાલી રહ્યાં હતાં. પણ હાલ કોઈ કંઈ પૂછી નાં શક્યું. બધાં વિચારોની માયાજાળ ગૂંથતા બેઠાં હતાં. એ સમયે જ ત્યાં બીજાં ત્રણ વ્યકિત આવ્યાં. રાધિકાની નજર એમાંથી એક છોકરી પર જઈને અટકી. પછી વારાફરતી તેની સાથે આગળ વધી રહેલાં બે ચહેરાં પર એક નજર કરીને રાધિકા ઉભી થઈ.
"તન્વી! તું અહીં?" રાધિકાએ પૂછ્યું. એક પછી એક અજીબ ઘટનાઓ ઘટી રહી હતી. જેમાં રાધિકાનું મગજ બહેર મારી ગયું હતું.
"હાં, ભાઈનો કોલ આવ્યો હતો." તન્વીએ રાધિકાને ગળે લગાવીને કહ્યું, "ભાઈએ કહ્યું એ અમદાવાદ આવવાં નીકળી રહ્યાં છે. તો અમે પણ આવી ગયાં." કહીને તન્વી તેની પાછળ ઉભેલાં બંને વ્યક્તિઓ તરફ ફરી, "આ મારાં મમ્મી-પપ્પા છે." તન્વીએ એક હાથ તેની મમ્મી તરફ કર્યો, "આ મારાં મમ્મી વંદિતા પટેલ." પછી બીજો હાથ તેનાં પપ્પા તરફ કરીને કહ્યું, "આ મારાં પપ્પા મલય પટેલ." રાધિકાએ તેમનાં આશીર્વાદ લીધાં. ગૌરીબેને પણ હાથ જોડીને નમસ્તે કર્યું. પણ મહાદેવભાઈ દૂર ઉભાં માત્ર વંદિતાબેનને જોઈ રહ્યાં. તેમની આંખોમાં વંદિતાબેન પ્રત્યે ભારોભાર ગુસ્સો નજર આવી રહ્યો હતો. જે વંદિતાબેન સમજી ગયાં.
"રાહી બિલકુલ ઠીક થઈ જાશે." મલયભાઈએ મહાદેવભાઈ પાસે જઈને તેમનાં ખંભે હાથ મૂકીને આશ્વાસન આપ્યું, "આપણે દુનિયાનાં બેસ્ટ ડોક્ટર પાસે રાહીનો ઈલાજ કરાવીશું."
"અહીં જે ડોક્ટર છે એ બેસ્ટ જ છે." મહાદેવભાઈએ સખ્ત અવાજે કહ્યું, "તમને રૂપિયા બાબતે ચિંતા હોય તો રહેવા દેજો. અમારી પાસે તમારાં જેટલો મોટો બિઝનેસ નાં સહી...પણ મારી દિકરીને બચાવી શકું એટલી કમાણી તો છે મારી.!" મહાદેવભાઈની એવી વાત સાંભળીને મલયભાઈને થોડો આંચકો લાગ્યો. સારાં ડોક્ટરથી તેમનો મતલબ એ રૂપિયાની ઠોસ જમાવતા હતાં. એવો બિલકુલ ન હતો. પણ આખરે મહાદેવભાઈ પરેશાનીના લીધે એવું બોલતાં હશે. એમ સમજીને મલયભાઈ આગળ કંઈ નાં બોલ્યાં.
"મને રાહી પાસે લઈ જા." તન્વીએ રાધિકાનાં બંને હાથ પકડીને કહ્યું. રાધિકા તેનો હાથ પકડીને રાહીનાં રૂમ તરફ આગળ વધી. બંને દરવાજો ખોલીને અંદર ગઈ. રાહી સૂતી હતી. સોફા પર બેસેલો શિવાંશ રાહીને જોઈ રહ્યો હતો. દરવાજો ખુલવાનો અવાજ આવતાં શિવાંશે એ દિશામાં નજર કરી. દરવાજે રાધિકા સાથે ઉભેલી તન્વીને જોઈને શિવાંશ ઉભો થઈને તેને ભેટી પડ્યો. જીવનમાં હંમેશાં સખ્ત મિજાજમાં રહેતો શિવાંશ આજે રડી પડ્યો. પોતાની નાની બહેનને જોયાં પછી રાહીની જે હાલત હતી તેને શિવાંશ અવગણી નાં શક્યો. એક વર્ષથી પોતાની જાતને એકલાં હાથે સંભાળતો આવ્યો હતો. એ શિવાંશ આજે નાનાં બાળકની માફક પોતાની નાની બહેનને વળગીને રડી પડ્યો. તન્વી લાડથી તેની પીઠ પસવારી રહી. આ ક્ષણો પર માત્ર ભાઈ બહેનનો જ હક છે. એમ સમજીને રાધિકા દરવાજેથી જ પરત ફરી ગઈ. તન્વીએ હળવેથી શિવાંશને પોતાનાથી અળગો કર્યો અને તેને સોફા પર બેસાડીને પોતે પણ તેની પાસે બેસી ગઈ. બંને ભાઈ બહેન સોફા પર બેસીને રાહીને જોઈ રહ્યાં. શાંતિથી સૂતી રાહી કેવી બિમારીનો સામનો કરી રહી હતી એ જાણીને તન્વીની આંખ પણ ભરાઈ આવી. ઋષભ શિવાંશ સાથે અમદાવાદથી નીકળ્યો. ત્યારે તેણે અમદાવાદમાં રાહી સાથે શું થયું? એ બધું તન્વીને જણાવી દીધું હતું. એટલે તન્વી અત્યારે તેનાં મમ્મી-પપ્પા સાથે અહીં આવી પહોંચી હતી.
"ભાઈ! તમે એક વર્ષ પહેલાં જે નિર્ણય લીધો હતો. એનાં લીધે જ કદાચ રાહીની આ હાલત થઈ છે." તન્વી આ વાત કહેવા માંગતી ન હતી. છતાંય તેનાંથી કહ્યાં વગર નાં રહેવાયું. શિવાંશ ચુપચાપ તન્વી સામે જોઈ રહ્યો. પણ તન્વીનું ધ્યાન રાહી પર હતું. તન્વીને જોયાં પછી શિવાંશ પણ રાહીને જોવાં લાગ્યો.
"ત્યારે જે હાલાત હતાં. એ જોતાં હું એ જ નિર્ણય કરી શક્યો હતો." શિવાંશનો અવાજ દબાઈ ગયો, "ત્યારે વિચારવાનો સમય ન હતો. મગજમાં પહેલો જે વિચાર આવ્યો. એ મુજબ કરી દીધું."
"જેનું પરિણામ આવું આવ્યું." તન્વી એકાએક બોલી ઉઠી, "હવે જેનાં માટે એટલો કઠોર નિર્ણય લીધો હતો. એ જ તમને ભૂલી જાશે તો?" તન્વીએ અમદાવાદ આવતી વખતે રાહીની બિમારી વિશે લેપટોપ પર પૂરી રિસર્ચ કરી હતી. એમાંથી જે જાણવાં મળ્યું. એ પછી તન્વીનાં મગજમાં પહેલો જે સવાલ આવ્યો હતો. એ તેણે આખરે શિવાંશને પૂછી જ લીધો.
"ભગવાનને બધાં માને છે. પણ આજ સુધી કોઈએ તેમને જોયાં નથી." શિવાંશ શબ્દો જોડી જોડીને બોલવાં લાગ્યો, "રાહીએ પણ મને જોયો ન હતો. છતાંય તેણે મને શોધ્યો. દુનિયા કહે છે, શોધવાથી તો ભગવાન પણ મળી જાય. એમાં હું બહું માનતો નથી. ભગવાન મળી જાય તો શિવ પણ મળી જ જાશે. મને શોધતી વખતે રાહીએ આવું જ કંઈક વિચાર્યું હશે એ હું માનું છું, સ્વીકારું છું."કહેતાં શિવાંશ ઉભો થઈને રાહી પાસે ગયો, "અમે બંને મળ્યાં એમાં રાહીએ ભગવાનની મરજી માની હશે. અલગ થયાં એમાં પણ તેણે એવું જ વિચાર્યું હશે કે બધી ભગવાનની ઈચ્છા હતી. તો હવે જ્યારે ફરી મળ્યાં છીએ એમાં પણ ભગવાનની જ મરજી હશે અને સર્જરી પછી જે થાય એ પણ ભગવાનની મરજી હશે. જેને હું શિરોમાન્ય રાખીશ. બાકી સમય તેનું કામ કરે જ છે." કહેતાં શિવાંશે પોતાની વાત પૂરી કરી. જે શિવાંશ ભગવાનમાં વિશ્વાસ નાં કરતો. એ આજે જે થતું હતું. તેને ભગવાનની મરજી સમજી રહ્યો હતો. પ્રેમમાં જે વસ્તુ અને વાત પર વિશ્વાસ નાં હોય એમાં પણ વિશ્વાસ આવી જાય. એમ આજે શિવાંશ પણ એવી બાબતો પર વિશ્વાસ કરવાં લાગ્યો હતો. જેનાં વિશે તેણે આટલાં વર્ષોમાં ક્યારેય વિચારવાની તસ્દી પણ લીધી ન હતી.
શિવાંશને રહી રહીને તેની દુકાનમાં આવેલી સુજલની વાતો યાદ આવવાં લાગી. એ કહીને ગઈ હતી, 'સમયનાં ચક્રો ફરી ગતિમાન થયાં છે. જેની છેલ્લાં એક વર્ષથી રાહ જુઓ છો તેને મળવાનો સમય નજીક આવી ગયો છે.' શિવાંશ એ વાત પર વિચારવિમર્શ કરી રહ્યો. પોતે રાહીને આવી હાલતમાં મળશે, અને સમય નજીક આવી ગયો છે. મતલબ આજનો દિવસ જ રાહી અને શિવાંશનાં મિલન માટે નક્કી થયો હશે. એવું તો શિવાંશ કે રાહી બંનેમાંથી કોઈએ વિચાર્યું નહીં હોય.
શિવાંશની આખી રાત વિચારોમાં જ પસાર થઈ ગઈ. તન્વીની સોફા પર બેઠાં બેઠાં જ આંખ લાગી ગઈ હતી. શિવાંશ આખી રાત રૂમમાં આંટા મારતો રહ્યો. સવારે જ્યારે ડોક્ટર આવ્યાં. ત્યારે તેમણે રાહીને ચેક કરી. પછી શિવાંશને પોતાની સાથે આવવાં ઈશારો કર્યો. ત્યાં સુધીમાં તન્વી પણ ઉઠી ગઈ હતી. શિવાંશ આંખનાં ઈશારે જ તન્વીને રાહીનું ધ્યાન રાખવાનું કહીને ડોક્ટર પાછળ ગયો. ડોક્ટરની કેબિનમાં જતી વખતે શિવાંશે એક ઉડતી નજર હોસ્પિટલમાં મોજુદ બધાં લોકો પર કરી. બધાનાં ચહેરાં ગંભીર હતાં. ડોક્ટર શું કહેશે? એ જાણવાની તાલાવેલી દરેકનાં ચહેરાં પર જણાતી હતી. ડોક્ટર કેબિનમાં આવીને પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠાં અને શિવાંશને સામે પડેલી ચેર પર બેસવા ઈશારો કર્યો.
"અત્યારે જ રાહીનાં જરૂરી ચેકઅપ કરીને રિપોર્ટ તૈયાર કરવાં પડશે." ડોક્ટરે ગંભીર ચહેરે કહ્યું, "રિપોર્ટ આવ્યાં પછી સર્જરીનો દિવસ નક્કી થશે. જો રાહીની હાલત બહું ખરાબ નહીં જણાય તો સર્જરી માટે સમય મળી રહેશે. પણ જો તેની તબિયત ક્રિટિકલ જણાઈ તો..." ડોક્ટરે તેમનું વાક્ય અધૂરું જ છોડ્યું.
"તમે ચેકઅપ કરીને રિપોર્ટ બનાવવાની તૈયારી શરૂ કરો." શિવાંશ એટલું જ કહી શક્યો. તે જાણતો હતો તેની પાસે વિચારવાનો વધું સમય ન હતો. ડોક્ટર શિવાંશનો જવાબ મળતાં જ તેની ચેર પરથી ઉભાં થઈને શિવાંશનાં ખંભે હાથ મૂકી તેને દિલાસો આપીને ચેકઅપની તૈયારીમાં લાગી ગયાં. ડોક્ટરની પરમિશન મળતાં જ નર્સ રાહીને ઇલેક્ટ્રોએન્સફેલોગ્રામ (EEG) નું મગજ ચેક કરવાનું મશીન હતું એ રૂમમાં લઈ જવાં લાગી. રાહી કંઈ સમજી નાં શકી. તેની નજર તો બસ શિવાંશને શોધી રહી હતી. શિવાંશ પોતાની જાતને સંભાળીને ડોક્ટરની કેબિન બહાર નીકળ્યો. ત્યાં જ રાધિકા તેની સામે આવી ગઈ. તે થોડી ડરેલી જણાતી હતી. સાથે એ દોડતી દોડતી કેબિન તરફ આવી હોય એમ હાંફી રહી હતી.
"દીદુને ચેકઅપ માટે લઈ જાય છે." રાધિકાએ હાંફતા હાંફતા કહ્યું, "દીદુને હોસ્પિટલનાં સાધનોથી બહું ડર લાગે છે. એ બને તેટલું હોસ્પિટલમાં આવવાનું ટાળતાં. તે સર્જરી નહીં કરાવી શકે. એ મેન્ટલ રીતે તૈયાર નથી. મશીન જોતાં જ એ ડરી જશે." રાધિકાની વાત પૂરી થઈ એ સાથે જ શિવાંશ પણ રાહી પાસે જવાં ભાગ્યો.
નર્સ રાહીને ઇલેક્ટ્રોએન્સફેલોગ્રામ ધરાવતાં મશીન વાળાં રૂમમાં લઈને આવી ગઈ હતી. તે રાહીને વ્હીલચેર પરથી ઉભી કરીને એ મશીન પર સુવડાવવા માટે આગળ વધી ત્યાં જ રાહીએ નર્સે પકડેલા પોતાનાં બંને હાથ છોડાવી દીધાં. રાહી હેરાન બનીને એ મશીન જોઈ રહી. ત્યાં પડેલાં કેટલાંય અલગ-અલગ સાધનો પર રાહીની નજર ફરી વળી. જેમાં કેટલાંયનાં તો નામની પણ રાહીને ખબર ન હતી. એ નજારો જોયાં પછી રાહી ત્યાંથી બહાર જવાં દરવાજા તરફ ભાગી. નર્સ કંઈ સમજે એ પહેલાં રાહીએ દરવાજો ખોલી નાખ્યો એ સાથે તેની સામે શિવાંશ આવીને ઉભો રહી ગયો.
"તું ક્યાં હતો?" રાહીનાં અવાજમાં એક શિકાયત હતી, "હું ક્યારની તને શોધતી હતી. ફરી મને એકલી મૂકીને જવાનો ઇરાદો તો નથી ને?"
"નહીં! એવું કંઈ નથી." શિવાંશે પોતાનાં બંને હાથ પ્રેમથી રાહીનાં બંને ગાલ પર મૂકીને કહ્યું, "હવે ક્યાંય પણ જઈશ તને સાથે જ લઈને જઈશ."
"પહેલાં તું પહેલી વખત શાં માટે જતો રહ્યો? તેનો જવાબ તો આપ." રાહીએ એકદમ નિર્દોષ બનીને પૂછ્યું.
"એ બધું પછી કહું." શિવાંશ રાહીનો હાથ પકડીને તેને મશીન તરફ લઈ ગયો, "પહેલાં તારો ચેકઅપ થઈ જાય. પછી આપણે બહું બધી વાતો કરીશું. હું તારાં દરેક સવાલનો જવાબ આપીશ." કહેતાં શિવાંશે રાહીને મશીન પર સુવડાવી દીધી.
"નહીં, મારે કોઈ ચેકઅપ નથી કરાવવો." કહેતાં રાહી એક ઝટકા સાથે ઉભી થઈ ગઈ. એ બસ મશીનની નીચે ઉતરીને જવાની જ હતી. ત્યાં જ શિવાંશે પોતાનાં બંને મજબૂત હાથથી રાહીને પકડી લીધી.
"મેડમ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમારો ચેકઅપ કરવો જરૂરી છે." નર્સે રાહીને સમજાવવાની કોશિશ કરી.
"કંઈ જરૂરી નથી. હું કોઈ ચેકઅપ નહીં કરાવું." રાહીએ એટલાં ગુસ્સાથી કહ્યું કે નર્સ ડરીને બે કદમ પાછળ હટી ગઈ. શિવાંશે નર્સને ઈશારો કરીને ધીરજ રાખવા સમજાવી દીધી.
"શાં માટે ચેકઅપ નહીં કરાવે?" શિવાંશે રાહીનો ચહેરો પોતાની તરફ ઘુમાવીને પ્રેમથી પૂછ્યું. રાહી કંઈ નાં બોલી. એ ચૂપચાપ શિવાંશ સામે જોઈ રહી, "તું ડરી રહી છે ને?" શિવાંશે રાહીની આંખોમાં જોયું. રાહીએ માસૂમિયત સાથે ડોક હલાવીને નાં પાડી, "નાં! તું ડરી રહી છે." શિવાંશની વાતમાં એક આત્મવિશ્વાસ છલકાયો. તે રાહીનો ડર સમજી શકતો હતો. તેણે રાહીને મશીન પર સુવડાવીને આગળ કહ્યું, "પહેલાં આંખ બંધ કર અને વિચાર...તે બનારસમાં ગુંડાઓથી તારી બહેનને બચાવી હતી. તારાં સપનાં માટે તું આખી દુનિયા સામે તારાં ખુદનાં પરિવાર સાથે લડી ગઈ હતી. તું ડરી જ નાં શકે. જે આટલાં બધાં બહાદુરીનાં કામ કરે એ કેવી રીતે ડરી શકે." શિવાંશ રાહીને હિંમત આપવા બોલતો રહ્યો. વચ્ચે જ તેણે નર્સને ઈશારો કરી દીધો એટલે નર્સે મશીન શરૂ કરી દીધું હતું. શિવાંશ રાહીને તેની બહાદુરીનાં જૂનાં કિસ્સા યાદ કરાવતો રહ્યો. એની વચ્ચે રાહીનો ચેકઅપ થઈ ગયો. રાહીએ આંખો ખોલી ત્યારે તેને શિવાંશનો હસતો ચહેરો દેખાયો. રાહી તરત જ ઉઠીને શિવાંશને ગળે વળગી ગઈ. નર્સ પણ બંનેને જોઈને સ્માઈલ કરવાં લાગી. નર્સ રાહીને જે નાં સમજાવી શકી એ શિવાંશે સમજાવી દીધું. બંનેનો પ્રેમ અને સમજ જોઈને નર્સ મનોમન બંને ક્યારેય અલગ નાં થાય એવી પ્રાર્થના કરી રહી.
શિવાંશ રાહીને વ્હીલચેર પર બેસાડીને તેને બીજાં રૂમમાં લઈ ગયો. ત્યાં તેને બેડ પર સુવડાવીને શિવાંશ તેની પાસે રહેલાં સ્ટૂલ પર બેસી ગયો. રાહી તેનો હાથ પકડીને તેને અવિરતપણે જોઈ રહી. શિવાંશ પણ ક્યાંય સુધી રાહીને જોઈ રહ્યો. બંને વચ્ચે ઘણો સમય ગંભીર મૌન છવાઈ રહ્યું. આંખોથી જ ઘણી વાતો થઈ ગઈ. પણ અમુક સવાલો હતાં. જે પુછવા પણ જરૂરી હતાં.
"તે મારાં સવાલનો જવાબ નાં આપ્યો. તું મને છોડીને કેમ જતો રહ્યો હતો?" રાહીએ ફરી એ જ સવાલ કર્યો. આ વખતે તેની આંખોમાં નારાજગી હતી. શિવાંશે આંખો બંધ કરીને એક વર્ષ પહેલાંની કહાની કહેવાની શરૂઆત કરી.

હોળીનાં દિવસે રાહી અને મહાદેવભાઈ જ્યારે શિવાંશ વિશે વાત કરી રહ્યાં હતાં. ત્યારે શિવાંશ દરવાજે જ ઉભો હતો. બધાં રંગે રમવામાં વ્યસ્ત હોવાથી કોઈની નજર શિવાંશ પર પડી ન હતી. શિવાંશ રાહી અને મહાદેવભાઈ વચ્ચેની બધી વાતચીત સાંભળી ગયો હતો.
"હું જે શિવને શોધતી હતી. એ મને મળી ગયો છે. અમારી મુલાકાત બનારસમાં થઈ હતી." રાહીએ ચોખવટ પાડતાં કહ્યું, "રાધિકાને બચાવવાં જે શિવાંશે અમારી મદદ કરી હતી. એ શિવાંશ જ શિવ છે. તે મુંબઈમાં તેનો ખુદનો બિઝનેસ ચલાવે છે. અહીં અમદાવાદમાં જ તેનાં નાના-નાની રહે છે. જેમનું નામ પ્રવિણભાઈ ચારોત્રા છે." રાહીએ આખી વાતની ચોખવટ પાડી.
"શું કહ્યું? પ્રવિણભાઈ ચારોત્રા? એ શિવાંશનાં નાના છે?" અચાનક જ મહાદેવભાઈએ થોડી હેરાની અને ગુસ્સા મિશ્રિત અવાજે પૂછ્યું.
"હાં." રાહીએ એકાક્ષરી જવાબ આપ્યો.
"હવે આ પ્રકરણ અહીં જ બંધ થાય છે. એટલું સમજી લે. તારે આર્યન સાથે જ લગ્ન કરવાં પડશે." મહાદેવભાઈએ તેમનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો, "હવે મારે તારાં જવાબની પણ કોઈ જરૂર નથી." અચાનક જ મહાદેવભાઈએ ખૂબ ક્રોધિત થઈને કહ્યું.
"પણ પપ્પા, આજે શિવાંશ અહીં આવવાનો છે. તે કાલે જ અમદાવાદ તેનાં નાનાની ઘરે આવી ગયો છે. તમે એકવાર તેને મળી તો લો." રાહીએ થોડાં ડર મિશ્રિત અવાજે કહ્યું.
"શિવાંશ અહીં આવવાનો છે? અને પ્રવિણભાઈ ચારોત્રા તેને આવવાં દેશે." મહાદેવભાઈએ રહસ્યમયી અવાજ સાથે કહ્યું, "ઠીક છે ત્યારે, જો શિવાંશ આવે તો ઠીક અને જો એ નાં આવે. તો તારે આર્યન સાથે જ લગ્ન કરવાં પડશે. અને જો એ આવી પણ ગયો. તો મારી એક શરત છે. તેને તેનો બિઝનેસ છોડીને પોતાનાં પગભર થવું પડશે. જ્યાં સુધી મારું માનવું છે. એ બિઝનેસ તેનાં પપ્પાનો છે. જે એ સંભાળી રહ્યો છે. પણ તારી સાથે લગ્ન કરવાં તેણે પોતાનું ખુદનું અસ્તિત્વ કાયમ કરવું પડશે." મહાદેવભાઈ તેનો નિર્ણય સંભળાવીને સોફા પર બેસી ગયાં.
શિવાંશ મહાદેવભાઈ અને રાહીની બધી વાતચીત સાંભળી લીધાં પછી રાહીને મળ્યાં વગર જ નીકળી ગયો. ત્યાંથી તે તેનાં નાનાની ઘરે આવી પહોંચ્યો. શિવાંશને હતાશ ચહેરે આવેલો જોઈને પ્રવિણભાઈ તેની પાસે ગયાં. તેમણે શિવાંશનાં ખંભે હાથ મૂકીને તેને સોફા પર બેસાડ્યો અને ખુદ પણ તેની પાસે બેઠાં.
"શું કહ્યું મહાદેવે?" પ્રવિણભાઈનાં મોંઢે મહાદેવભાઈનું નામ સાંભળીને શિવાંશ હેરાન રહી ગયો. તેણે રાહી સિવાય પ્રવિણભાઈને કોઈ વિશે કંઈ જણાવ્યું ન હતું. પ્રવિણભાઈને શિવાંશે એ કોઈ રાહી સિનોજા નામની છોકરીને પ્રેમ કરે છે. એટલું જણાવ્યું હતું. છતાંય તેમને રાહીનાં પપ્પાના નામની કેમ ખબર પડી? એ શિવાંશ નાં સમજી શક્યો. છતાંય પ્રવિણભાઈ જાણે તેમને રાહીની ઘરે શું થવાનું હતું? એ બધી ખબર હોય એમ પૂછી રહ્યાં.
"મતલબ તમારું નામ સાંભળીને મહાદેવ અંકલનાં ચહેરાં પરની રેખાઓ બદલાઈ અને તેમણે જે હાથ પગ વિનાની શરત મૂકી એ બધાનું તમારી સાથે કોઈ કનેક્શન છે." શિવાંશ પ્રવિણભાઈ સામે કોઈ નવો જ કિસ્સો સાંભળવાના ઈરાદાથી જોઈ રહ્યો.
"કેવી શરત મૂકી? એમણે." પ્રવિણભાઈએ શિવાંશ સામે જોયું.
"એ જ કે મારે રાહી સાથે લગ્ન કરવાં હોય તો મારો બિઝનેસ છોડીને મારે મારું ખુદનું અસ્તિત્વ કાયમ કરવું પડશે." શિવાંશે મહાદેવભાઈનાં કહેલા શબ્દો દોહરાવ્યા, "કારણ કે હું જે બિઝનેસ ચલાવું છું. એ તો મારાં પપ્પાનો છે. રાહી સાથે લગ્ન કરવાં મારે ખુદનું કોઈ કામ કરવું પડશે." શિવાંશ થોડો ચિડાયો, "એક બાપ તેની દિકરી સારાં ખાનદાની કુટુંબમાં લગ્ન કરે. છોકરાનું મોટું નામ હોય. તેમની દિકરી તેનાં સાસરિયામાં સુખી રહે એવું ઈચ્છતો હોય છે. જ્યારે મારી પાસે એ બધું છે છતાં અંકલ મને એ બધું છોડીને એક નવી શરૂઆત કરવા કહે છે. આ કેવી શરત?" કહેતાં શિવાંશ ગુસ્સે થઈને ઉભો થઈ ગયો. પણ પ્રવિણભાઈનાં ચહેરાં પર રહસ્યમયી સ્મિત આવી ગયું. તેઓ થોડીવાર ચુપ જ રહ્યાં. શિવાંશ તેમની ચુપ્પી સહન નાં કરી શક્યો. તેણે પલટીને પ્રવિણભાઈ તરફ જોયું. તેમનાં ચહેરાં પરનું સ્મિત જોઈને શિવાંશને આશ્રર્ય થયું.
"આવી રીતે ના જો. આ વાતને વર્ષો વિતી ગયાં." પ્રવિણભાઈએ જરાં હસીને ઉમેર્યું, "તારી મમ્મી અને મારી દિકરી ગાયત્રી અને મહાદેવનાં લગ્ન મેં જ નક્કી કર્યા હતાં. તારી નાની કાન્તાની જાણ બહાર.!" કહીને એ ઉભાં થયાં, "જ્યારે મહાદેવ તેનાં બાપ સાથે ગાયત્રીને જોવાં આવ્યો. ત્યારે તારી નાનીને બધી વાતની જાણ થઈ. મહાદેવ માત્ર બે દુકાનો જ ચલાવે છે અને પૂરતું ભણેલો પણ નથી. એ જાણીને તારી નાનીએ એ બંનેનાં લગ્ન કરાવવાની નાં પાડી દીધી. ગાયત્રી અને મહાદેવને મળવાં પણ નાં દીધાં. સાથે જ તેમની અમારાં પરિવાર સાથે સંબંધ જોડવાની ઔકાત નથી. મહાદેવની તો ગાયત્રીનો પડછાયો જોવાની પણ હેસિયત નથી. એવું એવું કહીને તારી નાનીએ તેમનું અપમાન કર્યું. એ બધું તો અલગ.!" કહેતાં પ્રવિણભાઈનો ચહેરો ગંભીર થયો, "મહાદેવનો બાપ મારો મિત્ર હતો. મારાં કહેવાથી એ તેનાં દિકરાને લઈને મારી ઘરે આવ્યો હતો. મારી દિકરીનો હાથ માંગવા.! પણ અહીં તેનું અપમાન થશે એવી ક્યાં તેને ખબર હતી. પણ એ બાપ દિકરો માત્ર મારાં માન ખાતર એ અપમાનના ઘૂંટ પણ પી ગયાં." કહીને પ્રવિણભાઈએ સહેજ હસીને ઉમેર્યું, "પણ કહે છે ને સમયને બદલતાં સમય નથી લાગતો. ત્યારે તારી નાનીએ તેમનું અપમાન કર્યું હતું. આજે મહાદેવ પાસે મોકો છે. પણ મને ખબર છે. મારાં મિત્રનું લોહી જેની રંગોમાં વહેતું હોય. એ મહાદેવ તારું કે મારું ક્યારેય અપમાન નહીં કરે. પણ હવે તારે જો રાહી સાથે લગ્ન કરવાં હોય તો તારે જ કંઈક કરવું પડશે. તેઓ જે ઈચ્છે છે. એ ઈચ્છા તારે પૂરી કરવી પડશે." કહેતાં પ્રવિણભાઈ સોફા તરફ આગળ વધ્યાં અને તેમની વાત સાંભળી રહેલાં શિવાંશ પાસે બેસી ગયાં.
"તમે કહેવા માંગો છો કે હું બિઝનેસ છોડીને બીજું કામ કરું. જેની શરૂઆત હું મારાં કમાયેલા રૂપિયાથી કરું." શિવાંશ પ્રવિણભાઈની વાતમાંથી જેટલું સમજી શક્યો. એટલું એ બોલ્યો.
"હાં, તે તારી અને રાહીની જે કહાની સંભાળાવી હતી. એ મુજબ એ તને બહું પ્રેમ કરે છે. એટલું હું જાણી ગયો છું." પ્રવિણભાઈએ શિવાંશનાં ખંભે હાથ મૂક્યો, "પ્રેમની પરીક્ષા તો કઠિન જ હોય છે. તો હવે તારો પણ એ પરીક્ષા આપવાનો સમય આવી ગયો છે." કહીને પ્રવિણભાઈએ ગંભીર અવાજે ઉમેર્યું, "પહેલાં તારો બિઝનેસ કોઈ સુરક્ષિત હાથોમાં સોંપી દે. પછી તું કોઈ નોકરી શોધી લે અને એમાંથી રૂપિયા કમાઈને ખુદનું કોઈ કામ કર. પછી જ મહાદેવ પાસે તેવી દિકરીનો હાથ માંગવા જજે." કહીને પ્રવિણભાઈએ તેમની વાત પૂરી કરી. ત્યાં જ તેમની નજર દરવાજે ઉભાં તેમની અને શિવાંશની વાત સાંભળી રહેલાં શિવાંશનાં નાની કાન્તાબેન પર પડી. તેમણે કદાચ પ્રવિણભાઈની બધી વાત સાંભળી લીધી હતી. તેઓ ધીમાં પગલે અંદર આવ્યાં. તેમને જોઈને શિવાંશ અને પ્રવિણભાઈ ઉભાં થઈ ગયાં. કાન્તાબેનની ઉંડી ઉતરેલી અને વાત્સલ્યથી ભરપૂર આંખોમાં શિવાંશ ઉંડે સુધી ઝાંકી રહ્યો.
"મારી લડાઈ તારાં બાપ સાથે છે. મેં તારી અને તન્વી સાથે ક્યારેય કોઈ વેર નથી રાખ્યું." કાન્તાબેન ભૂતકાળમાં ડોકિયું કરીને બોલ્યાં, "વર્ષો પહેલાં તારાં બાપને એક શિખામણ આપી હતી. જ્યારે તે બિઝનેસમાં ખોટ ખાઈ રહ્યો હતો. ગાયત્રી ભણેલીગણેલી હતી. તો મેં તારાં બાપને કહ્યું હતું, કે ગાયત્રીને પોતાની સાથે બિઝનેસમાં લઈ લે. બંને મળીને કામ કરે. તો બિઝનેસ પણ સરખો ચાલે." કહીને કાન્તાબેન સહેજ હસ્યાં, "તારાં બાપે મારી સલાહ પોતાનાં ઈગો પર લઈ લીધી. પરિણામે તેણે અહીં આવવાનું જ બંધ કરી દીધું. એ મને ભૂલી ગયો. પણ હું તમને બંનેને કેમની ભૂલી શકું. કહે છે ને દિકરી કરતાં એક માઁ ને દિકરીનાં સંતાનો વધું વ્હાલા હોય છે. એમ મને પણ તું અને તન્વી વ્હાલા છો." કાન્તાબેને પ્રેમથી શિવાંશનાં માથે હાથ મૂક્યો, "મેં વર્ષો પહેલાં મહાદેવનું અપમાન કર્યું હતું. જેનાં લીધે આજે તેનું પણ અમદાવાદમાં એક નામ થઈ ગયું છે. તેની દિકરી તો તેનાંથી પણ આગળ નીકળી. માણસ ઠોકર ખાઈને આગળ વધે એમ મારાં અપમાનની ઠોકરથી મહાદેવ પણ આગળ વધી ગયો. પણ તારે તારાં પ્રેમ માટે પાછળ હટવું પડશે. તેની પાસે બહું રૂપિયા અને બંગલો ન હતો એટલે મેં તેનાં લગ્ન મારી દિકરી સાથે નાં કરાવ્યાં. આજે એ તારી પાસે રૂપિયા અને બંગલા છે એટલે તેની દિકરીનાં લગ્ન તારી સાથે કરાવવાં નથી માંગતા. તે આપણું અપમાન નહીં કરે. પણ મેં તેનું અપમાન કર્યું. તેની માફી માંગવાનો સમય આવી ગયો છે. જેનાં માટે તારે થોડો ત્યાગ કરવો પડશે. તારાં પ્રેમ સાથે આખી જિંદગી વિતાવવા તારે તારાં પ્રેમથી થોડો સમય દૂર રહેવું પડશે." કહીને કાન્તાબેને પોતાની વાત પૂરી કરી. શિવાંશ બધું સમજી ગયો.


(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ