Operation Cycle Season 2 - 29 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 29

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 29

ભાગ 29

કેવડિયા કોલોની, ગુજરાત

શેખાવત અને એમની સાથે મોજુદ તમામ સદસ્યો આજે દેશ માટે કંઈક કરી દેખાડવાના ઝનૂન સાથે આતંકવાદી ટોળકીની પાછળ લાગેલા હતા. પોતાનો પીછો થઈ રહ્યો છે એ વાતથી અજાણ નવાઝ, વસીમ અને બાકીનાં ત્રણેય સ્લીપર્સ સેલ પોતાના આકા એવા અફઝલના હુકમની રાહ જોઈ રહ્યા હતા. અફઝલના આદેશ મુજબ એમાંથી કોઈને પણ અફઝલના જણાવ્યા પહેલા કોઈ જાતનું ઉતાવળિયું પગલું ભરવાનું નહોતું..આથી એમાંથી કોઈપણ ઈચ્છવા છતાં કંઈ કરી શકે એમ નહોતો.

શેખાવત સતત સીસીટીવી રૂમમાં હાજર નગમા જોડે પણ કોન્ટેક્ટમાં હતા..નગમા જોડેથી જ તેઓ જાણી શક્યા હતા કે આ પાંચેય જાકીટધારી વ્યક્તિમાંથી કોઈ અફઝલ પાશા નથી..કેમકે, અફઝલના ચહેરાથી તેઓ સારી રીતે માહિતગાર હતા.

હજારોની જનસંખ્યા વચ્ચે હાજર આતંકીઓનું કામ તમામ કરવું ખૂબ જ કપરું કામ હતું પણ એને અંજામ આપ્યા વિના પણ છૂટકો નહિ હોવાથી શક્ય એટલી ઝડપે શેખાવતે એ પાંચેય જાકીટધારી વ્યક્તિઓનું કામ તમામ કરવાનો આદેશ સંભળાવી દીધો.

આહુવાલીયા એન્ડ કંપની તથા શેખાવત એન્ડ કંપની જેવી જ આતંકવાદીઓની બિલકુલ લગોલગ પહોંચી એ સાથે જ એમની ટુકડીઓમાં સામેલ સભ્યોમાંથી એક સભ્યએ પોતાની આગળ ચાલી રહેલા જાકીટધારી વ્યક્તિને સંબોધીને થોડા ઊંચા અવાજે નવાઝ કહ્યું.

એ બધાના આમ બોલતા જ વસીમ, નવાઝ અને નવાઝની જોડે જે બે સ્લીપર્સ સેલ હતા એમાંથી એક સ્લીપર્સ સેલે ગરદન ઘુમાવીને પાછળની તરફ આમ બોલનારા વ્યક્તિની તરફ જોયું.

અર્જુન અને નાયક જેની પાછળ લાગ્યા હતા એ નવાઝ હતો. જ્યારે શેખાવત, ગગનસિંહ વસીમની પાછળ હતા જ્યારે આહુવાલીયા એ ત્રીજા સ્લીપર્સ સેલની પાછળ જેને નવાઝ સાંભળતા જ હરકત કરી હતી. ત્રણ-ત્રણ લોકોના એક જ નામ પર આપવામાં આવેલા પ્રતિભાવનો અર્થ સમજી ના શકે એટલા મૂર્ખ ભારતીય સુરક્ષાબળનાં સભ્યો હોઈ જ કઈ રીતે શકે..!

"ફિનિશ ધેમ..!" વધુ વિચારવામાં સમય બગાડ્યા વિના શેખાવતે હુકમ છોડી દીધો.

શેખાવતે જ સૌથી પહેલા પોતાના જોડે રહેલી ગનમાં રહેલી મરક્યુરી સિરિન્જને વસીમની ગરદનનું નિશાન લઈને ચલાવી દીધી..વસીમ કંઈ સમજે એ પહેલા તો એની ગરદનની અંદર સિરિન્જ ખૂંપી ગઈ હતી..અન્ય ત્રણ સ્લીપર્સ સેલની પણ લગભગ એકસરખી દશા હતી..સિરિન્જમાનું મરક્યુરી શરીરમાં ઉતરતા જ એ તમામનાં હૃદયનાં ધબકારા અનિયંત્રિત થઈ ગયા. એ લોકો ઈચ્છે તો પણ એમના હાથ જાકેટની અંદર ફિટ બૉમ્બ સુધી જઈ શકે એમ નહોતા..કેમકે પોતાના શરીર પરનું નિયંત્રણ એ લોકો ચાર-પાંચ સેકંડમાં જ ખોઈ બેઠા હતા. અફઝલ દ્વારા બૉમ્બ વિસ્ફોટ એની આજ્ઞા વિના નહિ કરવાનો મળેલો આદેશ પણ એમને આ ચાર-પાંચ સેકંડ સુધી શું કરવું-શું ના કરવું એની દ્વિધામાં છોડી ગયો. બસ આટલા સમયમાં વસીમ સહિત બીજા ત્રણ સ્લીપર્સ સેલ બોત્તેર હૂરો જોડે પહોંચી ગયા; ફક્ત નવાઝને છોડીને.

અફઝલની ટીમમાં મોજુદ નવ સ્લીપર્સ સેલમાં નવાઝ સૌથી વધુ ટ્રેઈન અને અનુભવી હતો..હૈદરાબાદ અને અસામ બૉમ્બ બ્લાસ્ટમાં પણ એ સામેલ હતો..આથી અર્જુન દ્વારા જેવું જ નવાઝ બોલવામાં આવ્યું એ સાથે જ નવાઝનું શૈતાની મગજ કામે લાગી ગયું.

અર્જુન મરક્યુરી ગનનો ઉપયોગ કરવા જતો હતો એ વાત નવાઝની ચકોર આંખોએ નોંધી લીધી. અર્જુને યોગ્ય નિશાન લઈને ગનમાંથી ઝેરી સિરિન્જ નવાઝ પર છોડી..પણ, નવાઝે ખૂબ જ કુનેહથી અર્જુનનો હુમલો વિફળ બનાવી દીધો.

આ ગન એક ખાસ ગન હતી..જેનો ફક્ત એક જ વખત ઉપયોગ થઈ શકતો. આથી એકવાર ગનમાંથી સિરિન્જ છોડ્યા બાદ એમાં પુનઃ બીજી સિરિન્જ લગાવવી પડતી..અને આમ કરવામાં અડધી મિનિટનો સમય લગાવો સ્વભાવિક હતું. અહીં જે પ્રકારની તણાવભરી સ્થિતિ પેદા થઈ હતી એ અંગે વિચારીએ તો આ અડધી મિનિટનો સમય વ્યય કરવો પણ પોષય એમ નહોતો.

પોતે ભારતીય સુરક્ષાબળોની નજરમાં આવી ગયો છે એટલે એનું બચવું અશક્ય છે એ નવાઝ સારી પેઠે સમજી ગયો હતો. એ ઈચ્છત તો એ સમયે પોતાના જાકિટની અંદર રહેલા બૉમ્બને બ્લાસ્ટ કરી શકે એમ હતો. પણ, આમ કરવા જતા એ લોકોનો જે મુખ્ય ઈરાદો હતો એ પૂર્ણ થવામાં અડચણ ઊભી થવાની પૂરેપૂરી શકયતા હતી એ વાત પણ એ પીઢ આતંકી સમજતો હતો.

હવે સો-બસો લોકોને મારીને કઈ ઉકળવાનું નથી..એવું અફઝલનો ભાઈ અકબર પાશા એ લોકોને વારંવાર કહેતો..અને આથી જ એકસાથે વીસેક હજાર લોકોને મોતને ઘાટ ઉતારવાની ભયંકર યોજના ઘડાઈ હતી. પોતાની નાનકડી ભૂલ આ યોજના પર પાણી ફેરવી દેશે એ જાણતા નવાઝે બૉમ્બ બ્લાસ્ટ કરવો મુનાસીબ ના સમજ્યું અને ત્યાંથી ભાગી નીકળવા દોટ મૂકી.

લોકોની ભીડને ચીરતો નવાઝ ચિત્તા જેવી ઝડપે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ભાગી રહ્યો હતો..લી દ્વારા છોડવામાં આવેલી ગોળી બાદ ઈજાગ્રસ્ત અર્જુનનો પગ હજુ સંપૂર્ણ સાજો નહોતો થયો, છતાં કોઈપણ ભોગે નવાઝ છટકી ના જાય એવા નીર્ધાર સાથે અર્જુન એનો પડછાયો બની પીછો કરી રહ્યો હતો.

આ દરમિયાન બાકીનાં ચારેય મૃત આતંકવાદીઓનાં લોકોની નજરોમાં ચડ્યા વિના સ્થળાંતરીત કરવાની કામગીરી પણ સ્થાનિક સુરક્ષકર્મીઓની મદદથી વિજળીવેગે આરંભાઈ ચૂકી હતી. એ લોકોના જેકેટમાં રહેલા બૉમ્બ જોઈને શેખાવત અને આહુવાલીયાને ફડકો પેઠો.

પોતાના જાકીટમાં બૉમ્બ હોવા છતાં આ ચારેય આતંકીઓએ કેમ બ્લાસ્ટ ના કર્યો..? આટઆટલી જનમેદની વચ્ચે એ લોકો બૉમ્બ બ્લાસ્ટ કરત તો નક્કી હજારથી વધુ લોકોના મોત થાત છતાં એમને કેમ બ્લાસ્ટ ના કર્યો.? શું આમ નહિ કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ હશે? વેણુએ કહ્યા મુજબનો હાઈડ્રોજન બૉમ્બ ક્યારે બ્લાસ્ટ થવાનો હતો? આવા અમુક પ્રશ્નોનાં જવાબ શોધતા આહુવાલીયા અને શેખાવત આગળ શું કરવું એની વિસામણમાં પરોવાઈ ગયા.

વસીમ સહિત બીજા ત્રણ સ્લીપર્સ સેલના મૃતદેહોને ઠેકાણે પાડવાની કામગીરી ખૂબ જ ઉતાવળમાં પણ ચાલાકીથી પૂર્ણ થઈ ગઈ હતી..સ્થાનિક સુરક્ષાકર્મીઓની સહાયતાથી આ કાર્ય ગણતરીની મિનિટોમાં આટોપાઈ ગયું..અને એ પણ કોઈની નજરોમાં ચડ્યા વિના.

અર્જુનના હાથમાંથી છટકીને નવાઝ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાવ નજીક જઈ પહોંચ્યો હતો..જો એકવાર નવાઝને અંદર પ્રવેશ મળી જશે તો પછી કોઈકાળે એને પોતાનું ધાર્યું કરતો નહિ અટકાવી શકાય એ હકીકતથી વાકેફ અર્જુને વહેલી તકે નવાઝને રોકવા માટેની યુક્તિઓ દોડતા-દોડતા જ વિચારવાનું આરંભી દીધું.

અર્જુન અને નવાઝ વચ્ચેનું અંતર પંદર-વીસ ડગલાં વધ્યું હતું ત્યારે અર્જુને બાજુમાંથી પસાર થતી એક સ્ત્રીના હાથમાં રહેલ લીલા નાળિયેરને જોયું..નાળિયેર જોતા જ અર્જુનના દિમાગમાં ચમકારો થયો અને એને સ્ત્રીના હાથમાંથી નાળિયેર આંચકી લીધું..સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશદ્વારથી નવાઝ પચાસ મીટર દૂર હતો ત્યારે અર્જુને એના માથાનું આબાદ નિશાન લઈને નાળિયેરનો ઘા કર્યો..આ વખતે અર્જુનનું નિશાન સચોટ નીવડ્યું.

નાળિયેરનો પ્રહાર બિલકુલ નવાઝના માથાનાં પાછળ થયો અને એ કારમી ચીસ સાથે જમીન પર ફસડાઈ પડ્યો..આમ થતા લોકોનું ધ્યાન અર્જુન અને નવાઝ તરફ ગયું.

"આઈ એમ એસીપી અર્જુન..એન્ડ હી ઈઝ થિફ..!" ખિસ્સામાંથી પોતાનું ઓળખપત્ર નીકાળી લોકોને બતાવતા અર્જુન નવાઝ સુધી જઈ પહોંચ્યો.

અર્જુને નવાઝને બોચીમાંથી પકડીને ઊભો કર્યો અને અર્ધબેહોશીની હાલતમાં જ એને ઢસડીને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દુર લઈ જવાનું શરૂ કર્યું. એક આતંકવાદી જીવતો પકડાય તો એનું મહત્વ કેટલું હોય..એ વાતથી વાકેફ અર્જુન ભારે ઉત્સાહ સાથે નવાઝને લઈને શેખાવત અને બાકીના અધિકારીઓ ભણી લઈ જઈ રહ્યો હતો. ત્યાં ઉપસ્થિત લોકો આ તમાશાને જોતા-જોતા પોતાના રસ્તે આગળ વધી રહ્યા હતા.

અર્જુન એક આતંકવાદીનો પીછો કરતો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ગયો છે એવી માહિતી પ્રાપ્ત થતા જ શેખાવત, કેવિન અને આહુવાલીયા પણ નાયકની સાથે અર્જુન જે દિશામાં ગયો હતો એ તરફ ભારે બેચેની સાથે ચાલી નીકળ્યા હતા.

સામેથી એમને નવાઝને લગભગ ખેંચીને પોતાની સાથે લાવતા અર્જુનને જોયો એ સાથે જ એમના ચહેરા પરની ચિંતા ખુશીમાં બદલાઈ ગયું..નવાઝના શરીરમાં થતી હલનચલન પરથી સાફ હતું કે એ હજુ જીવિત હતો...અને આ વિકટ પરિસ્થિતિમાં એક જીવિત આતંકવાદીનું મહત્વ કેટલું હતું એ વાત અર્જુનની માફક એ બધા પણ સમજતા હતા આથી અર્જુનને શાબાશી આપવા એ બધા અર્જુનની તરફ આગળ વધ્યા.

આ દરમિયાન પોતે જીવિત પકડાઈ ગયો છે એનું ભાન ધીરે-ધીરે નવાઝને થઈ રહ્યું હતું.

"અર્જુન, એના જાકીટમાં બૉમ્બ છે.." શેખાવતે અર્જુનને ચેતવણી આપતા કહ્યું..જે સાંભળી અર્જુન ફટાફટ નવાઝના હાથને પકડવા ગયો પણ એમ કરવા જતા અર્જુને નોંધ્યું કે નવાઝના હાથ શિથિલ થઈ ગયા છે..એના મોંમાંથી ફીણ નીકળી રહ્યું છે અને એની આંખો પહોળી થઈ ચૂકી છે.

**********

પોતાના સાગરીતો પોતાની મદદે આવે અને આતંકવાદી હુમલાને વધુ વિકરાળ સ્વરૂપ આપે એ પહેલા એમનું કામ તમામ થઈ ચૂક્યું છે એ બાબતથી સાવ અજાણ એવો અફઝલ પૂરા ખંત અને લગન સાથે ગ્રીન ડ્રેગનના વિવિધ પાર્ટ્સને જોડી રહ્યો હતો.

લગભગ અડધા કલાકની એકધારી કોશિશ બાદ અફઝલે સ્ટેન્ડ પર ગ્રીન ડ્રેગનની જે મુખ્ય ટ્યુબ હતી અને સફળતાપૂર્વક જોડી દીધી..આ ટ્યુબનું કનેક્શન થતા જ અફઝલે સૌપ્રથમ નવાઝને કોલ લગાવ્યો..પણ આમ કરતા એના ધ્યાને આવ્યું કે એના મોબાઈલમાં નેટવર્ક જ નથી. પોતાની જોડે એમ્બ્યુલન્સમાં મોજુદ બે સ્લીપર્સ સેલમાંથી સૈયદ નામક સ્લીપર્સ સેલનો મોબાઈલ માંગી અફઝલે એમાં પણ ચેક કર્યું તો સૈયદના ફોનમાં પણ નેટવર્ક ગાયબ હતું.

"એની માં ને...આ કાફીરો કોઈ મોટી ગેમ રમી ગયા લાગે છે..!" અકળાઈને અફઝલ બબડયો.

"સૈયદ..તું ફટાફટ ડ્રાઈવિંગ સેટમાં જઈને બેસ...અકીબ તું પણ એની જોડે જા.."સૈયદ અને એની સાથે રહેલા અન્ય સ્લીપર્સ સેલને ઉદ્દેશી અફઝલ બોલ્યો. "બહાર પેલા બે ઊભા છે એમને પણ તમારી જોડે બેસાડી દો.."

અફઝલનો આદેશ માથે ચડાવી સૈયદ, અકીબ અને બાકીના બંને સ્લીપર્સ સેલ એમ્બ્યુલન્સના અગ્રીમ ભાગમાં જઈને બેઠા..જેવો સૈયદ એમ્બ્યુલન્સની ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાયો એ સાથે જ એમ્બ્યુલન્સનાં અગ્રીમ ભાગ અને પૃષ્ઠ ભાગ વચ્ચે આવતી બારી ખોલીને અફઝલે કહ્યું.

"એમ્બ્યુલન્સને ઝુલોજીકલ પાર્ક તરફ હંકારીને યુટર્ન લઈ...સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ લઈ લે..!"

જેવું એમ્બ્યુલન્સનું એન્જીન ચાલુ થયું એ સાથે અફઝલે ગ્રીન ડ્રેગન પર રહેલું કાળા રંગનું ગોળ બટન દબાવી દીધું..આ સાથે જ 20.00 નું કાઉન્ટિંગ મશીનની નીચે રહેલા સ્ટેન્ડમાં ગોઠવેલા ડિજિટલ સાઈન બોર્ડ પર ચાલુ થઈ ગયું.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

Rate & Review

V Dhruva

V Dhruva Matrubharti Verified 2 months ago

milind barot

milind barot 3 months ago

Amit Paghadar

Amit Paghadar 6 months ago

Ronak Patel

Ronak Patel 1 year ago

Parmar Geeta

Parmar Geeta 1 year ago