Red Ahmedabad - 19 books and stories free download online pdf in Gujarati

રેડ અમદાવાદ - 19

૨૦૨૦, જાન્યુઆરી ૧૬, સવારના ૦૯:૦૦ કલાકે

સોનલને મળેલ કાગળના શબ્દો “સેવા, સુરક્ષા, શાંતિ” મગજની ગલીઓમાં રચાતા મેળામાં ચકડોળે ચડ્યા હતા. વિચારો તાકતવર દરિયાના મોજાંની માફક અથડાઇ રહ્યા હતા. સોનલ જાણતી હતી કે “સેવા, સુરક્ષા, શાંતિ” એ ગુજરાત પોલીસનું સૂત્ર હતું, અને એનો સીધો ઇશારો એવો હતો કે ચોથી વ્યક્તિ જેની હત્યા થવાની હતી, તે પોલીસ સાથે જોડાયેલી હતી અથવા પોતે પોલીસ હતી. આથી જ સોનલના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. આ તોફાનને ધીમું પાડ્યું, સોનલના ફ્લેટના ડોરબેલે. રણકાર ચાલુ જ હતો. સોનલે દ્વાર ઉઘાડ્યા, ‘હવે સ્વીચ છોડ.’

‘શું વિચારતી હતી? ક્યારની બેલ મારી રહી છું.’, મેઘાવી ધડ દઇને સોફા પર બેઠી અને શ્વાસને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી.

સોનલ તેની પાસે આવીને બેઠી, ‘શું થયું છે? આમ બેબાકળી કેમ બની છે?’

‘પહેલાં તું મને કહે તો, ક્યાં ખોવાઇ હતી?’

‘કંઇ નહિ... મનહર પટેલવાળો કેસ, કમીશ્નર સાહેબે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. નહિતર કેસ બીજાને સોંપી મને ફરજ-મોકૂફ કરવાની સૂચના આપી છે.’, સોનલે પાણીનો પ્યાલો મેઘાવીને આપ્યો.

મેઘાવી એકશ્વાસે પાણી ગટગટાવી ગઇ, ‘આટલી ઉતાવળ કેમ?’

‘કારણ કે, ૨૪-૨૫ ફેબ્રુઆરી યુએસના પ્રેસિડન્ટ “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમ હેઠળ અમદાવાદની મુલાકાતે આવવાના છે, અને આપણા પ્રધાનમંત્રીશ્રી પણ હાજર હશે.’, સોનલ હાથ જોડી ચહેરા પાસે લાવી, ‘અને પાંચ દિવસ પછી, લગભગ બધા જ પોલીસ અધિકારીશ્રીઓને આ કાર્યક્રમના બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવવાની છે.’

‘ઓહ... એટલે કમિશ્નર સાહેબે ચીલઝડપ પકડી, તો અત્યાર સુધી શું કરતા હતા?’, મેઘાવી પલાંઠી વાળીને બેઠી.

‘હા... મને તે કાગળના શબ્દો ચેતવી રહ્યા છે, કે હવેની હત્યા કોઇ પોલીસવાળાની થવાની છે’, સોનલે મેઘાવીના ઢીંચણ પર હાથ મૂક્યો.

‘એવું કેમ કહી શકાય?’

‘કેમ કે... તે આપણું સૂત્ર છે, અને ચાર હત્યામાંથી ત્રણ થઇ ચૂકી છે. ચોથી આપણે રોકવાની છે.’, સોનલ આંખો બંધ કરી વિચારોની ખાણમાં ખાબકી.

થોડી ક્ષણો માટે દિવાન-ખંડે શાંતિની ચાદર ઓઢી. શ્વાસનો અવાજ પણ સંભળાવા લાગ્યો.

ઓરડાની શાંતિ મેઘાવીના અવાજના કારણે ડહોળાઇ, ‘પાછી આવ વિચારોમાંથી, ગાંડી થઇ જઇશ.’

‘એવું નથી. પોલીસને વકીલ કે રાજકારણીને ક્યાંક ને ક્યાંક મળવાનું થતું જ હોય, પરંતુ શિક્ષણવિદ કેવી રીતે જોડાયો, અને કેમ જોડાયો? તે ખબર નહિ પડે ત્યાં સુધી આ હત્યાઓ એક રહસ્ય જ બની રહેશે.’, સોનલ સોફા પરથી ઉઠીને ગેલેરી તરફ ગઇ. ગેલેરીમાં આવતો પવન સોનલના છુટા વાળ સાથે રમવા લાગ્યો. વાળ હવાના જોર સામે યુદ્ધ કરવા લાગ્યા, અને ટકી ન શકવાને કારણે પવનની દિશામાં લહેરાવા લાગ્યા.

મેઘાવી પણ ગેલેરીમાં આવી, ‘મને લાગે છે કે આપણે વિશાલે એકઠી કરેલી માહિતી એકવાર ચકાસી લઇએ, અને તે જૂના કેસમાંથી કદાચ આપણે જાણી શકીએ કે આખરે આ રમત છે શું?’

‘તારી વાત સાચી છે. બધી જ વિસ્તૃત માહિતી મારા ટેબલ પર જ પડી છે. કાલે રાત્રે ઘરે આવતા હું તેને સાથે જ લઇ આવી હતી.’, સોનલ ટેબલ તરફ ફરી, અને પવનને કારણે રમતા વાળ તેના ચહેરા પર પથરાઇ ગયા.

‘વેરી ગુડ...! તો કેસનો અભ્યાસ કરીએ.’, મેઘાવીએ ટેબલ પર પગ માંડ્યા.

સોનલે વાળ ચહેરા પરથી એક આંગળી વડે ખસેડ્યા, ‘મેં ચિરાગને પણ બોલાવ્યો છે. કદાચ તેની જાસૂસી સંસ્થા પણ જૂના કેસ બાબતે આપણને મદદ કરી શકે.’

‘એવું કેમ? આપણે ન કરી શકીએ?’, મેઘાવી અટકી.

‘એવું એટલા માટે કે તે જૂનો કેસ પણ હલ થયો નહોતો, અને આજનો કેસ પણ અટવાયેલો છે. તેની પાસે એવી કોઇ જૂની માહિતી હોય કે જે આપણને કામ લાગે...’, સોનલે મેઘાવીને તર્ક સમજાવ્યું.

‘સારૂં’, ડોરબેલ રણકી ઉઠી. મેઘાવી ટેબલને બદલે દરવાજા તરફ જવા લાગી, ‘ચિરાગ જ હશે.’

દરવાજો ખોલ્યો, ‘ચિરાગ તો નથી...વિશાલ આવ્યો છે.’

‘હા... વિશાલને દિપલ અને બારોટના કોલ હિસ્ટ્રી વિષે તપાસ કરવાનું કહ્યું હતું. તે જ માહિતી સાથે આવ્યો લાગે છે.’, સોનલ સોફા પર બિરાજી.

વિશાલે આવતાની સાથે જ ફાઇલ સોનલના હાથમાં મૂકી, ‘બન્નેનો ઇતિહાસ આ ફાઇલમાં છે. બન્નેના ફોન એક સાથે જ બંદ થયા, અને ત્યાર પછી બારોટ પાસે નવો નંબર હતો. દિપલ તો વિદેશમાં છે, એટલે નંબર બદલાઇ જ જાય પણ તેની માહિતી આપણી પાસે નથી. દિપલની માતાએ પણ તેના સંપર્ક વિષે કંઇ પણ જણાવ્યું નથી.’

‘દિપલ વિદેશમાં છે, તેવું તેની માતા કહે છે. આપણે તેની પુષ્ટિ કરવી જોઇએ. મને શંકા છે કે દિપલ અને તેણે જેના વિષે ફરિયાદ નોંધાવી હતી તે વ્યક્તિ, ભાવિન, એમ બન્નેનો ભૂતકાળ ખંખોળવો પડશે.’, સોનલે ફાઇલના પાના ફેરવવાનું ચાલુ રાખ્યું.

‘અને ભાવિનનો બારોટ સાથે શો સંબંધ છે? તે પણ...’, મેઘાવી પણ સોફા પર બેઠી.

‘મને આમાં એક નંબર એવો પણ મળ્યો છે, જેની પર દિપલનો નંબર બંધ થયા પહેલાં સળંગ ત્રણ દિવસ રોજના દસથી બાર કોલ થયા છે.’, વિશાલે પીળા રંગથી હાઇલાઇટ કરેલ નંબર પર આંગળી મૂકી.

‘કોનો નંબર છે?’, સોનલે વિશાલ સામે જોયું.

વિશાલે ફાઇલના પાના ઉથલાવ્યા અને છેલ્લા પાના પર અટક્યો, ‘આ વ્યક્તિનો...’

મેઘાવીએ નજર નામ પર કેન્દ્રિત કરી, ‘આ તો....’

સોનલની આંખો નામ પર ચોંટી ગઇ.

*****

બરોબર તે જ સમયે, રેડ જાસૂસી સંસ્થાનું કાર્યાલય

‘જય, સોનલને મળેલ કાગળની તપાસ કરી?’, ચિરાગે જય તરફ જોયું.

‘હા..., અને ઘણું બધું જાણવા મળ્યું છે.’, જયે કોમ્પ્યુટરની સ્ક્રીનને ચિરાગ તરફ ફેરવી.

‘૨૦૧૭ના વર્ષની તારીખનું સીસીટીવી રેકોર્ડીંગ કેમ બતાવે છે?’, ચિરાગે સ્ક્રીન પરના વિડિઓની તારીખ જોઇ.

‘એટલા માટે કે પટેલના ઘર તરફ જવાના માર્ગ પરનો આ વિડિઓ છે. તે માહિતી કોઇ રીતે નાશ કરવામાં આવેલી. પરંતુ તારા આ જીનિયસ દોસ્તે તે શોધી કાઢી.’, જયે કોલર ઊંચા કર્યા.

‘તને આ મળી કેવી રીતે?’, ચિરાગ ચિત્તાની માફક કૂદીને જયની નજીક આવ્યો.

‘મેં કોઇ તીર નથી માર્યું. તે જ્યારે મને ૨૦૧૭ના દિપલના કેસની વાત કરી...મારૂં માથું ભમવા લાગ્યું. બારોટ કોર્પોરેટર, તેની દિકરી દિપલ-તેના પિતાની જ સામે કેસ દાખલ કરે, એક સામાન્ય ઘરના યુવાન ભાવિનના ગુમ થવા બાબતે...’, જયે કી-બોર્ડ પર સ્પેસ આપી વિડિઓ રોક્યો, ‘તો મેં દિપલના ફોન નંબર અને બારોટના ફોન નંબર પરથી તેમની પ્રત્યેક ક્રિયાઓ જે ફોન સાથે જોડાયેલી હોય તે ચકાસી, જેમ કે, તેમનું સ્થાન, સોશીયલ મીડિયા એકાઉન્ટ અને તેના પર તેમની એક્ટિવીટી. સાથે સાથે મેં ભાવિનના નંબર વિષે પણ એકસરખી જ તપાસ કરી. મને મળ્યું શું?’, જયે એક ફાઇલ ચિરાગને આપી, ‘આઇ.એમ.ઇ.આઇ. નંબર પરથી એ પણ જાણ્યું કે ત્રણેય એક જ દિવસે એક જ જગા પર હાજર હતા, અને ત્યાર પછી આ ત્રણેયના ફોન સ્વીચ ઓફ છે. જે આજ દિન સુધી ચાલુ નથી થયા. વળી, જાણવા જેવી બાબત એ છે કે, તે પછી બારોટે ફોન નંબર બદલી દીધો હતો અને ફોન પણ.’

‘તે તો ઘણી બધી જાણકારી મેળવી લીધી.’, ચિરાગ ફાઇલનો અભ્યાસ કરવા લાગ્યો, ‘આમાં લગાવેલ કોલ માહિતી તો એવું દર્શાવે છે કે...’

‘કે... ભાવિન અને દિપલ ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા.’, જયે ચિરાગની વાત પૂરી કરી, ‘અને હા... ભાવિન બીજા બે નંબરમાં સંપર્કમાં પણ વધુ હતો, જેમાંથી એક નંબર કોઇ હાર્દિક અને બીજો નંબર મુકેશનો છે.’

‘આ બન્ને કોણ છે?’, ચિરાગે પાના ઉથલાવ્યા.

‘હાર્દિકનો નંબર પણ બંદ આવે છે, અને બીજો નંબર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી રીટાર્યડ થયેલા ડૉ. મુકેશ પટેલનો છે. સોરી... રીટાયર્ડ નહિ, તેમણે સેવાનિવૃત્તિ લીધી અને આજે તેઓ વિદેશમાં ક્યાંક છે... હું તપાસ કરી રહ્યો છું.’, જયે ચિરાગની સામે જોયે રાખ્યું.

‘ઠીક છે... તું મને સીસીટીવીમાં શું બતાવી રહ્યો હતો?’, ચિરાગે સ્ક્રીન સામે જોયું.

જયે સ્પેસ આપી અને વિડિઓ ચાલવા લાગ્યો, ‘ધ્યાનથી જોજે, બારોટની કાર... ભટ્ટની કાર... પટેલના ઘર તરફની ગલીમાં દાખલ થઇ... હવે પાંચેક મિનિટ પછી આ ત્રીજી કાર દાખલ થઇ, જેના પર પોલીસ જીપના સ્ટીકર લાગેલા છે...એટલે કે ત્રીજી વ્યક્તિ પોલીસ છે. જે પટેલના ઘર તરફ ગઇ.’

‘તો શું? આ રસ્તો તો ઝેવિયર્સ કોર્નર તરફ જાય છે... ઘણા બધા વાહનો અહીંથી પસાર થતા હોય...’, ચિરાગે ફાઇલ ટેબલ પર મૂકી અને સ્ક્રીન તરફ આંખો ફેરવી.

‘હા... ઘણા બધા જતા હોય, પણ આ ત્રણ વાહનો દર રવિવારે જ આ તરફ જાય છે, એટલે મને શંકા ગઇ.’, જયે તારીખની સામે સ્ક્રીન પરના કેલેન્ડરમાં દિવસ દર્શાવ્યો.

‘તો, તું એમ કહેવા માંગે છે કે, બધા પટેલને મળવા જાય છે. વળી, તારી તપાસ પ્રમાણે ભાવિન, દિપલ અને બારોટના ફોન અહીં જ સ્વીચ ઓફ થયા છે. એટલે ઘરમાં જ કોઇ ગરબડ થઇ હશે.’, ચિરાગે જયના ખભા પર હાથ મૂક્યો.

‘નાઉ... યુ આર ઓન ધ રાઇટ ટ્રેક… હું એ જ કહેવા માંગું છું જે તે વિચાર્યું.’, જયે ચપટી વગાડી.

‘પણ તને આટલી બધી માહિતી અને આ વિડિઓ, જે બે વર્ષ પહેલાના છે, મળ્યા કેવી રીતે?’, ચિરાગે જયનો ખભો દબાવ્યો.

‘ધેટ્સ વાય, આઇ એમ જીનિયસ...’,જય હસવા લાગ્યો, ‘તારા ૨૦૧૭ બોલતાંની સાથે જ હું કામે લાગી ગયો હતો. આ ત્રણેય નામ જે આપણી સામે વિશાલ શોધી લાવ્યો, તેમની જુની માહિતી સોશીયલ મીડિયા એકાઉન્ટ પરથી મેળવી અને તેના આધારે ભાવિને દિપલને મોકલેલ એક વિડિઓ ક્લીપ મેં શોધી કાઢી, જે અત્યારે તે જોઇ.’

‘વાહ...’, ચિરાગે જયની પીઠ થપથપાવી, ‘બીજું કંઇ તે શોધ્યું હોય...’

‘હા... ચાર જણા એટલે કે ભાવિન, દિપલ, હાર્દિક અને બારોટ સાથે સાથે તે જ વિસ્તારમાં એક નંબર એવો પણ છે કે તે આ બધાના નંબર સાથે જ સ્વીચ ઓફ થયેલો... અને તે નંબર વિષે કોઇ જ માહિતી નથી. ફક્ત તે કોના નામે લીધેલો હતો તે જ જાણી શકાયું છે.’, જયે ફાઇલ ખોલી, તે નંબર પર આંગળી પછાડી. તેની આંગળીની સહેજ ઉપર જ નામ લખેલું હતું.

ચિરાગે જયની આંગળી ખસેડી, ‘ઓહ... પણ આ તો...’

*****