Scene of Story World - Issue 4 - Editing - View Vyas books and stories free download online pdf in Gujarati

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 4 - સંપાદન - દર્શના વ્યાસ


પ્રકાશક પેજ -ઇ મેગેઝીન

આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.

રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.

સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના



'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ - સામાયિક અંક - ૪
સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@ gmail.com

એડિટર ટીમ:
સેજલ શાહ 'સાંજ'
નિષ્ઠા વચ્છરાજાની
ઝરણાં રાજા 'ઝારા'

ગ્રાફિક્સ : ઝરણા રાજા 'ઝારા'

ચેતવણી:
આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર, મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.






















સંપાદકની કલમે✍️

નમસ્કાર મિત્રો,

*વાર્તા વિશ્વ- કલમનું ફલક* ઇ -સમાયયિકનો ચોથો અંક આ વખતે વધુ એક નવા પ્રયોગ સાથે રજૂ થયો છે. કેટલાક ગુજરાતી ભાષાનાં ઉત્તમ ગીતો સાંભળીને એ ગીતનાં શબ્દોનાં પરિપેક્ષમાં વાર્તાનું સર્જન કરવાનું હતું. વાર્તાવિશ્વનાં સર્જકોએ આ પડકાર સુપેરે પાર પાડી ઉત્તમ વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો, જે આજે ચોથા અંક સ્વરૂપે વાચકો સામે ઉપસ્થિત છે. આશા છે આ અંકને સૌ વાચકો વહાલથી વધાવી લેશો.

અસ્તુ...
દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
📲 7405544547
Email: darshanavyas04@ gmail.com













પ્રસ્તાવના

લાગણી અને વિચારોને શબ્દોમાં ઢાળી વાર્તાનું સ્વરૂપ આપી વાર્તાકાર સમાજના વાચકવર્ગને એક ઉત્કૃષ્ઠ રચના પીરસવાનો અથાગ પ્રયાસ કરે છે. 'વાર્તાવિશ્વ કલમનું ફલક' પરિવારના સભ્યો પોતાની ઉત્તમ કૃતિઓનું નિર્માણ કરી વાચકોને ચોથા અંકની ભેટ આપવા જઈ રહ્યાં છીએ. વાચકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળતાં હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું. મા શારદાના આશિષની વર્ષા અમારા ઉપર સદા વરસતી રહે અને અમે સાહિત્ય જગતની સેવા અવિરત કરતા રહીએ એવી શુભેચ્છા. આશા છે કે આ વખતે પણ વાચકોને અમારી વાર્તાઓ લાગણીના વરસાદમાં તરબોળ કરી દેશે.

ઝરણા રાજા
'ઝારા'

















અનુક્રમણિકા
૧ માફી - ચિરાગ. કે. બક્ષી
૨ હવે મને સમજાય છે. - ભૂમિ પંડ્યા
૩ ઉદાસ આંખ - સ્વાતિ મુકેશ શાહ
૪ કેન્સલેશન - અર્ચિતા દીપક પંડ્યા
૫ સ્વયં સિધ્ધા - શૈલી પટેલ
૬ મારું સરનામું? - સેજલ શાહ 'સાંજ' (સત્યઘટના આધારિત)
૭ જંગલનો માણસ - દર્શના વ્યાસ 'દર્શ' (સત્યઘટના આધારિત)
૮ સોનરેખ - રસિક દવે
૯ અમર પ્રેમ - કૌશિકા દેસાઈ
૧૦ વિવશતા - વૃંદા પંડ્યા
૧૧ વિજેતા - ડૉ વિનોદ ગૌડ
૧૨ આઘાત - ઝરણા રાજા 'ઝારા'
૧૩ લીલું વાવેતર - સ્વીટી અમિત શાહ 'અંશ'
૧૪ સમણાંની રાહે - વિરલ વસાણી 'સુગંધી'











1
શીર્ષક : માફી.
લેખન : ચિરાગ કે બક્ષી

આજે 'અહમ ઈન્ફોટેક'માં ઉત્સવનો માહોલ છે. આજે અહીં ઈલેક્ટ્રોનિક્સ જગતના નિષ્ણાત એવા અભિજીત નેહરા નોકરી અર્થે જોડાઇ રહયા છે.
વિશાળ વ્યાપ ધરાવતી આંતરરાષ્ટ્રીય કંપનીમાં ત્રીસથી વધારે વર્ષ સેવા આપ્યાં પછી હ્રદયમાં સ્ટેન્ડ મૂકાવ્યાં પછીની શારીરિક મર્યાદાઓને કારણે અભિજીત નેહરાએ નિર્ધારિત નિવૃત્તિ સમય પહેલાં જ આ આંતરરાષ્ટ્રીય કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું ને છેલ્લાં કેટલાક વખતથી 'અહમ ઈન્ફોટેક' સાથે કામ કર્યું હોવાને કારણે 'અહમ ઈન્ફોટેક'ના માલિક શ્રી અહમ રાજની નજર અભિજીતસર ઉપર હતી કે જ્યારે અભિજીતસર એમની મૂળ કંપનીમાં ના હોય ત્યારે એ 'અહમ ઈન્ફોટેક'માં ઊંચા હોદ્દા ઉપર આવે અને 'અહમ ઈન્ફોટેક'ને વિશ્વસ્તરે પ્રસ્થાપિત કરે.
આજે એ દિવસ આવી ગયો છે. 'અહમ ઈન્ફોટેક' નવા શણગાર સજીને એના નવા સહસુકાનીને આવકારવા માટે સજ્જ છે. અભિજીતસર સમયના એકદમ પાક્કા એટલે નિર્ધારિત સમય કરતાં વીસ મિનિટ વહેલાં જ આવી ગયા છે. એમના સ્વાગતમાં ફુલહાર થયા, અલ્પાહાર થયો અને અહમ દ્વારા એમને એમની કેબિન સુપ્રત કરાઈ. થોડાં ડર અને વધારે ગર્વથી અહમે અભિજીતસરને પૂછ્યું,"સર, 'ડાયરેક્ટર ટેક્નિકલ'ની પદવી આપને અનુકૂળ રહેશે કે આપ બીજું કાંઈ સૂચન કરો છો?"
અભિજીતસર: "ભાઈ અહમ, તમે આ કંપનીના માલિક છો. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીં સમાવી લીધો અને મારી થોડી ઘણી આર્થિક જવાબદારીઓ જે નિભાવવાની બાકી છે એને નિભાવવા માટે મને મદદરૂપ થયા. પદવી કોઈ પણ હોય, મારે તો નિષ્ઠા અને વફાદારીથી કાર્ય કરવું છે અને તમારો ધ્યેય જે 'અહમ ઈન્ફોટેક'ને વિશ્વકક્ષાએ પહોંચાડવાનો છે એને સાર્થક કરવો છે. બીજી, એક ખાસ વાત જે આજે પહેલા દિવસે જ થવી જરૂરી છે તે એ કે મેં આજ સુધી કામ કરાવ્યું છે. ટેબલની પેલી બાજુથી ટેબલની આ બાજુ કામ કરવાનો અભિગમ જુદો હોય એ મને ખ્યાલ છે. આથી મારા નિર્ણયમાં ક્યારે પણ આ અભિગમનો તફાવત દેખાય તો મને તરત રોકી દેજો અને મારા ધ્યાન ઉપર એ વાત લાવજો જેથી ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ના થાય."
અહમ: "સર, આપથી કોઈ ભૂલ અજાણતાંમાં પણ ના થાય એ વાતની મને ખાતરી છે. ટેબલની બાજુ બદલાઈ જવાથી આપની નિપુણતામાં કોઈ ફેરફાર નથી આવવાનો એ મને ખબર છે સર. આ વિભૂતિ શર્મા છે જે આપના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવશે. આપના વિઝિટિંગ કાર્ડ્સ કરવા આપી દઉં છું જે બે દિવસમાં આવી જશે. સર! આપ અહીં સેટ થાઓ, મારે એકાદ બે દિવસ બહારગામ એક મિટિંગમાં જવાનું છે એટલે આપણે હવે શુક્રવારે મળીશું."
સમય વીતતો ગયો અને અભિજીતસરને 'અહમ ઈન્ફોટેક'ના અવિભાજ્ય અંગ બનતા વાર ના લાગી. દૂધમાં ખાંડ જેમ એકરસ થઈ જાય એમ અભિજીતસર 'અહમ ઈન્ફોટેક'માં સમાઈ ગયા. જેમ જેમ ઊંડા ઉતારતા ગયા તેમ તેમ અભિજીતસર 'અહમ ઈન્ફોટેક'માં કામ કરવાની પદ્ધતિ સમજતા ગયા. આંટીઘૂંટીઓને પચાવતા વાર જરૂર લાગી પણ 'ઓપ્ટિકલ ફાઇબર'ને 'ટાઈમર' સાથે જોડાવાની ક્રિયામાં રિસર્ચ કરીને પેટન્ટ મેળવી ચૂકેલા અભિજીતસરની વિચક્ષણ અને કુશાગ્ર બુદ્ધિ એમને આ એમના પારંગત વિષયની સમાંતર શાખા 'ઈન્ફોટેક' સમજવામાં ઘણી કામ આવી.

ધીરે ધીરે આ આંટીઘૂંટીઓમાં સમાયેલાં કાવાદાવા એમને સમજાવા લાગ્યા. કઈ રીતે ટેન્ડરમાં લખ્યા કરતા થોડું ઉપર-નીચે કામ કરીને પૈસા બચાવવા એનું ગુપ્ત જ્ઞાન જે અહમ રાજ એમના કાર્યકરોને આપતા હતા એની જાણ અભિજીતસરને થવા લાગી. અભિજીતસર આ વાતની ચોખવટ અહમ રાજ સાથે કરતા ત્યારે એક અથવા બીજા બહાને અહમ આ વાત ટાળી દેતા. ધીરે ધીરે અહમ રાજ પણ સમજવા લાગ્યા હતા કે અભિજીતસરથી આ ગુપ્ત રીતે થતું ખોટું કામ બહુ વધારે સમય સુધી છુપાવી શકાશે નહિ.
એવા જ સમયે 'અહમ ઈન્ફોટેક'માંની એક હલકી કક્ષાની વાતની અભિજીતસરને જાણ થ‌ઈ. 'અહમ ઈન્ફોટેક'ના સૌથી વિશ્વાસુ કર્મચારીઓમાંનો એક અને અહમ રાજની ખૂબ નજીક એવો લક્ષ્મણ જાદવ કલાયન્ટને મોકલેલું મટીરિયલ બારોબાર વેચી દેતાં ત્યાંની સિકયુરિટીની જાળમાં આવી ગયો. સિકયુરિટી ઇન્ચાર્જે જૂની ઓળખાણને લીધે આ વાતની અભિજીતસરને જાણ કરી.
અભિજીત નેહરા જેમનું નામ! આખી વાતમાં ઊંડા ઉતર્યા. પુરાવા એકઠા કર્યા અને એક દિવસ અહમ રાજને આ વાતની જાણ કરી. અહમ રાજ હક્કાબક્કા બની ગયા. એમણે ધાર્યું જ નહોતું કે આ અત્યંત ગુપ્ત વાત અભિજીતસરના ધ્યાનમાં આવી જશે કારણકે કમનસીબે આ ચોરીમાં અહમ પણ ભાગીદાર હતા અને એ જ કારણે એક તરફ 'અહમ ઈન્ફોટેક' ખોટમાં જતી બતાવવાનું અને બીજી તરફ, કંપનીના પૈસા ઘરભેગાં કરવાના - આવા ગંદા કાવતરાં અહમ અને લક્ષ્મણ દ્વારા ઘડાયાં હતાં. અભિજીતસર એકાએક અહમના દુશ્મન બની ગયા.
અહમ રાજ પરિપક્વ તો હતા જ એટલે એમણે આ દુશ્મનીની વાતનો અભિજીતસરને સહેજ પણ અણસાર ના આવે એનો ખ્યાલ રાખીને ધીરે ધીરે અભિજીતસરને હાંસિયામાં મૂકવાનું શરું કર્યું.
કંપનીના ઈ-મેલ અને બીજા પત્રવ્યવહારમાંથી એમની બાદબાકી થવા લાગી. અહમ રાજ મોટા ભાગે ઓફિસની બહાર રહેવા લાગ્યા અને અભિજીતસરની સામે આવવાનું ટાળવા લાગ્યા. વ્યવસાયિક જીવનમાં ગાંઠો પાડવા લાગી. અહમ રાજ અને અભિજીતસરની વચ્ચે સૂક્ષ્મ અંતર સ્થૂળ થ‌ઈને વધવા લાગ્યું.
અહમ રાજ એક દિવસ એમની બધી જ સીમાઓ વટાવી ચૂક્યા અને અભિજીતસર ચાર દિવસ રજા ઉપર ગયા હતા ત્યારે, એણે ઈ-મેલથી એમને કંપનીમાંથી છુટાં કરવાનો પત્ર મોકલી આપ્યો. એક જ ક્ષણમાં ગર્વથી બનેલાં અને વ્યવસાયિક ગઠબંધનથી સજાવેલાં સંબંધોનો અંત આવી ગયો. કોઈ જ વાત નહિ - કોઈ જ ફોન નહિ અને એકાએક જ છુટા થવાનો પત્ર મળવાથી અભિજીત નેહરા થોડાં અસ્વસ્થ થયા પણ એમની પરિપક્વતા એમને સ્વસ્થતા મેળવવામાં કામ આવી.
વર્ષો વીત્યાં. 'અહમ ઈન્ફોટેક' એકાએક ખૂબ નફો કરતી કંપની બની ગઈ. એનો ઈશ્યુ શેરમાર્કેટમાં આવ્યો અને સરસ પ્રીમિયમથી છલકાઈ ગયો. એ સાંજે ખૂબ ઉજવણી થઈ. દારૂ, ડાન્સ અને મનોરંજનના બધાં જ વિકલ્પોની રેલમછેલ થઈ. પાર્ટી પૂરી થતી જ નહોતી કારણકે બધાં હદથી વધારે જ ખુશ હતાં.
એકાએક ચાલુ પાર્ટીએ અહમ ઢળી પડયા. બધા જ અવાચક થઈ ગયા. એમ્બ્યુલન્સ આવી. તેમને શહેરની શ્રેષ્ઠ હોસ્પિટલમાં લઈ ગયા, પણ એમાં તેમની ટ્રીટમેન્ટ અશક્ય હતી એટલે અહમને શહેરની 'જીવનસાથી' હોસ્પિટલમાં ખસેડાયા. અહમ અત્યંત નાજુક સ્થિતિમાં હતા. એમને મગજમાં સ્ટ્રોક આવ્યો હતો. લકવાની અસર થાય અથવા શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ થઈ જાય એ બધી જ શક્યતા હતી.
'જીવનસાથી'ની સફળતાનો રેશ્યો સો ટકાની નજીક હતો અને જે
રીતે એના સ્ટાફ દ્વારા અહમની જે ત્વરાએ સારવાર કરાઈ એ જોઈને 'અહમ ઈન્ફોટેક'ના કર્મચારીઓ અને કુટુંબીજનોના શ્વાસ હેઠાં બેઠાં. આઈ. સી. યુ માંથી એમને સ્પેશિયલ રૂમમાં લઈ આવ્યા.
થોડી જ વારમાં એમના સગાઓને કહેવામાં આવ્યું કે અહમને માટે ડીલક્ષ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને અહમને ત્યાં ખસેડવાના છે. આ રૂમમાં સ્વામી વિવેકાનંદનો મોટો ફોટો હતો અને બીજી ઘણી ઉત્તમ સુવિધાઓ હતી. અહમ સ્વસ્થ થયા અને એમની નજર આ બધાં ઉપર પડી તો એમને લાગ્યું કે અહીં એમના શોખને જાણનાર કોઈ તો છે. એમની એક હદથી વધારે કાળજી લેવાતી હતી અને એમના કુટુંબીજનોને પણ ખાસ અલગ જ ટ્રીટમેન્ટ અપાતી હતી.

ડિસ્ચાર્જનો દિવસ આવ્યો. અહમનો દીકરો અહમનું ક્રેડિટ કાર્ડ લઈને બિલ ચૂકવવા કાઉન્ટર ઉપર ગયો, ત્યાં એને કાઉન્ટર ઉપરથી એક કવરમાં મૂકેલો જે જવાબ મળ્યો એ જોઈને તો એના હોશ જ ઉડી ગયા. એ દોડતો અહમ પાસે ગયો અને એ કવર અહમને આપ્યું. કવરમાંનાં કાગળમાં આ પ્રમાણે કાંઈક લખ્યું હતું.

"શ્રી અહમ રાજ,
તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીં તમને જાણનાર કોઈ તો છે, જે તમારી ઉત્તમ રીતે કાળજી લેવાય એનું ધ્યાન રાખે છે. હું અભિજીત નેહરા. (ફાઈબર નિષ્ણાત અભિજીત નેહરાએ ઈન્ફોટેકના રસ્તે મેનેજમેન્ટમાં પણ સારું નામ કર્યું હોવાથી) અહીંયાં 'ચીફ પી.આર.ઓ.' તરીકે ફરજ બજાવું છું. તમારા આવવાની જાણ થતાં મેં અહીંનાં ડોકટર અને સ્ટાફને ખાસ સૂચના આપી હતી કે, અહમ રાજ મારે માટે એક ખાસ વ્યક્તિ છે અને એમની ટ્રીટમેન્ટ વી.આઈ પી.તરીકે થવી જોઈએ. આશા છે કે હું અને મારી આખી ટીમ તમારી આ કાળજી રાખવામાં સફળ થયા હોઈશું. આ બધાં માટે તમારે કોઈ બિલ ચૂકવવાનું નથી. મેં આ ચૂકવણી કરી દીધી છે. તમે આ પત્ર વાંચતા હશો ત્યારે હું ભારતની બહાર દૂર જઈ ચુક્યો હોઈશ. (મારી થોડી બાકી રહી ગયેલી જવાબદારીઓ 'અહમ ઈન્ફોટેક' દ્વારા પૂરી થઈ ગઈ હોવાથી હવે મને આર્થિક સંકડામણ નથી) એટલે મને પ્રત્યક્ષ મળવાનો પ્રયત્ન કરશો નહિ.
તમારી કંપનીમાં મારી નોકરીનાં છેલ્લાં કેટલાક સમયથી તમે મારી સાથે સંપર્ક બંધ કર્યો હતો એટલે આજે તમને પહેલી અને છેલ્લી વાર જણાવવાની તક લઉં છું કે હું સજ્જનતાથી મારું અંગત જીવન જીવ્યો છું તથા પ્રામાણિકતાથી, વફાદારીથી અને નિષ્ઠાથી મારું વ્યવસાયિક જીવન જીવ્યો છું, જેનો મને આનંદ અને સંતોષ છે. પ્રલોભનોથી લલચાયા વગર મારા બધાં જ કાર્યો કર્યા છે. અજાણતાંમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી પણ હંમેશા માંગી છે. તમને ખ્યાલ હશે જ કે મેં તમને પણ હંમેશા કહ્યું છે કે, મારી કોઈ ભૂલ થતી હોય તો મને કહેજો. તમારો મને કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર અચાનક જ નોકરીમાંથી દૂર કરવાનો નિર્ણય તમારા દ્રષ્ટિકોણથી યોગ્ય હશે, પણ મને એ ગંભીર માનસિક ઈજાઓ પહોંચાડી ગયો. આમ છતાં પણ હું તમારી સાથે એ ઈજાઓ પહોંચાડવા માટે કોઈ દુર્વ્યવહાર નહિ કરું. હું તમને બલ્કે આ માટે માફ કરું છું, કારણકે તમને ખબર નહોતી કે તમે શું કરી રહયા હતા? મારી માફી આપવાની રીત આ છે કે તમારે તમારા ઉપચારનું કોઈ બિલ ચૂકવવું નહિ પડે.
ફક્ત એક સૂચન કરું છું. જે વાત અત્યાર સુધી મેં મારા સુધી જ રાખી હતી એ વાતને આજે વાચા આપું છું. આ બિલની રકમનો ક્યાસ તો તમને આવી જ ગયો હશે, જે મેં ચૂકવી દીધી છે. છેલ્લાં કેટલાક મહિનાનો પગાર ના આપીને તમે મને તો મુશ્કેલીમાં મૂક્યો, પણ તમારી કંપનીમાં કામ કરતાં મારા જેવા કોઈ કાર્યદક્ષ કર્મચારીને મારી જેમ અચાનક છુટા કરીને કોઈ ગંભીર મુશ્કેલીમાં મૂકો એના ઈલાજ માટે આ બિલના પૈસા બચાવીને રાખશો અને કોઈ કાર્યદક્ષ કર્મચારીની મારા જેવી દયનીય અને કફોડી પરિસ્થિતિ ઊભી થતી હોય તો આ પૈસા થકી ઉભી થતી એ હાય થી બચશો. મેં તો તમને માફ કર્યા પણ બીજું કોઈ તમને માફ નહિ કરે!

લિ.
તમારી સુખાકારી માટે અભિજીત નેહરાની પ્રાર્થના."

અહમ રાજ આજે પણ પોતાના અહમને પિગાળીને એ અભિજીત નેહરા નામના સંતને એમની માફી માંગવા માટે શોધી રહ્યો છે.



2
શીર્ષક : હવે મને સમજાય છે
લેખન : ભૂમિ પંડ્યા (રાજુલા)

મેં મારા બધાં જ મનગમતા સ્થળો ફરી લીધાં છે. અત્યારે, હું મારા કાનુડાની નગરી દ્વારકાના દરિયાને જોતો બેઠો છું. બેઠાં બેઠાં દરિયાની આવતી જતી લહેરો અને પવનના સૂસવાટા માણી રહ્યો છું અને યાદ કરું છું. માના સાડલાની કોર જેવાં લહેરાતાં લીલા ખેતરો, મોટા બાની રુક્ષ હથેળી જેવા રણ, બહેનની ઝાંઝરીના રણકાર જેવાં ખળખળ વહી જતાં ઝરણાં, વાર-તહેવારે ભેગાં મળીને મોજ-મજા કરતાં બાપુજી, કાકા અને પરિવારનાં બાળ-બચ્ચાં તો પંખીઓનો કલબલાટ સાંભળું અને તરત યાદ આવે છે. ઊંચા ડુંગરા જેવાં અડીખમ મારા પિતાજી, રસ્તે ઉગેલાં ઝાડી ઝાંખરાં તો જાણે મારા લંગોટિયા યાર! યાર કેમ ખબર છે? દોસ્ત તો એવાં જ હોય જે વીંધે પણ ખરાં અને વીંધાય પણ ખરાં! રસ્તામાં જેટલી નદીઓ જોઈ ત્યારે મને કોણ યાદ આવ્યું, ખબર છે? હું નવો નવો ગ્રેજયુએટ થયેલો હવે આ ઉંમરે નદી જેવી બીજી કોણ હોય?સમજી ગયાં ને? મારે જે સ્થળે ફરવું હતું એ બધાં જ સ્થળે હું ફરી આવ્યો અને આ છેલ્લું બાકી હતું એ પણ હું જોઈ રહ્યો છું. કેટલાંક લોકો પોતાના પરિવાર સાથે અહીં મજા માણે છે એ જોતાં જ મને ઘરની યાદ આવે છે. ઘરે જવા માટે હવે હું ત્યાંથી ચાલી નીકળું છું અને બસ સ્ટેન્ડ આવી ચુક્યો છું. હું જોઉં છું. મને સામે જ મારા ગામના પાટિયાવાળી બસ દેખાય છે અને હું એમાં બેસી જાઉં છું. બસ શરૂ થઈ અને ધીરે ધીરે ગતિ પકડે છે. આખું તો નહીં, પણ જેટલું થયું એટલું ભારત ભ્રમણ કરીને હું થાકેલો હોવાથી બસ જેમ જેમ આગળ વધે તેમ તેમ મારા પર નિંદ્રા દેવી વધુ ને વધુ પ્રસન્ન થતાં જાય છે. બસ અમારા ગામના સ્ટેશને ઊભી રહી રહે છે. હું નીચે ઉતરી જાઉં છું.

લખુ ભરવાડ એના ઢોર લઈને આવતો મને દેખાય છે. લાકડી ઉલાળતો 'હિ... હિ' કરતો તે મારી બાજુમાંથી નીકળી જાય છે. મને યાદ આવે છે કોઈ ઢોર બાબતે જરાક કૈંક કહે એટલે એનું મગજ છટકે! આજે પણ છટક્યું હશે એટલે લખુ છટકેલને છટક્તો જોઈ હું ત્યાંથી આગળ વધુ છું. રામજી મંદિરના વડલા નીચે જામતી મંડળીના સભ્યો આજે ત્યાં નથી. મને યાદ આવે છે કે આ મંડળી તો ગામમાં કોઈ પ્રસંગ હોય તો જ લગભગ ગેરહાજર રહેતી. હું આગળ ચાલું છું અને એક મોટર આવતી દેખાય છે. અમારા નાના ગામમાં કોઈ પાસે મોટર નહીં પણ મેં ગ્રેજયુએટ થઈને લીધી, એટલે હવે નોકરી કરીને મોટર લઈને હું જ્યાં જ્યાં ફરી આવ્યો ત્યાં બધે મા-બાપુ અને એને લઈ જવા એ નક્કી કરેલું. જે આ મોટર જોતાં જ ફરી યાદ આવે છે. મને સંભળાય છે મોટરવાળા મારા જ ઘરનું સરનામું પૂછી રહ્યા છે અને સામેથી આવતા ગામના જ કોઈ માણસને હાથથી ઈશારો કરે છે. અરે! આ તો રાધીનો ભાઈ...મારો ભવિષ્યનો સાળો! હું જરાક હરખાઈ જાઉં છું. ત્યાં જ પાછળથી ઝાંઝરી...આ તો રાધિનો જ પગરવ મારાથી મનમાં બોલી જવાય છે. એ મારી બાજુમાંથી પસાર થઈ રહી છે, વિખરાયેલાં વાળ અને લાલઘૂમ આંખો જોતાં જ મને એનામાં સાક્ષાત કાલિકાના દર્શન થાય છે. કેમ એ એના ભાઈને જોઈને એ ડૂસકાં ગળી ગઈ? એવું તે શું થયું હશે? હું સામે હતો છતાં એનાં ભાઈએ જોયું ન જોયું કર્યું. આ નામંજૂરીનો સંકેત હતો? હું એમ જીદ કરીને નીકળી ગયો એટલે બાપુએ મારા પર ગુસ્સે થઈને "આજથી એ મારો દીકરો નહીં." આવું જાહેર તો નહીં કર્યું હોય ને? કર્યું પણ હોય! મારે અને બાપાને ક્યાં મેળ ખાતો! આટલી ઉંમરે પહેલી વાર ફરવાની વાત કરેલી બાપા માન્યા? ન માન્યા. એટલે તો નીકળી ગયેલો હું. પછી તો ખારા થઈને આવું જ કરે ને! એ તો માની પણ જશે જેટલાં ગરમ એટલાં જ નરમ છે બાપુ..! વગેરે વિચારો એકીસાથે મને આવી જાય છે.

હું ફરી ઘર તરફ ચાલ્યો જાઉં છું. અમારી સાંકડી શેરીમાં ભીડ દેખાય છે. પેલી મોટર પણ ત્યાં જ ઉભેલી દેખાય છે. સફેદ કપડામાં ઉભેલાં લોકોને જોઈને મને ફાળ પડી છે! પડે જ ને! મોટા બા કેટલાં વર્ષોથી બીમાર હતા પણ આમ મારી ગેરહાજરી વખતે જ... મારાથી અંદર પગ મૂકાય છે. ચૂપચાપ ભાઈઓ બેઠા હતા ત્યાં બેઠક લેવાઈ જાય છે. અંદરથી બાએ મને શીખવેલું અને એમના પ્રિય ભજનનો ધ્વનિ ગુંજી રહ્યો. હું સાંભળી શકું છું. આવા સમયે વધારે ન બોલતા બધાં સાથે બેસી જવામાં જ મને સમજદારી અનુભવાય છે. બાજુમાં બેઠેલા ભાઈઓ અંદર અંદર વાત કરતા હતા જે મારા કાને પડે છે,"માડીની ભક્તિ સાચી પણ માંડેલું હોય તે શું થાય ક્યારેક પુણ્ય આડાં નોય આવે!"
મને મારા પર ખૂબ ગુસ્સો આવે છે. આ સમયે હું અહીંયા હોવો જોઈએ, પણ નહોતો એ વાતે. ફળિયામાં થોડે જ આગળ બાપુના હાથે વિધિ થઈ રહી છે. બાને જોવાં હતાં પણ બાપુજી ઊભા થાય તો દેખાય અત્યારે તો હવામાં ફરફર થતો હાર જ મને દેખાય છે. ગોરબાપાએ કહ્યું,"પુણ્ય દેવા આવી જજો." અહીંયાથી સડસડાટ મારાથી ઊભા થવાય છે પણ શરમનો માર્યો નીચે માથે જ તર્પણનો ખોબો ભરાય છે અને અવાજ સંભળાય છે. "હું એની મોટી બા. પહેલા હું પુણ્ય આપીશ. "આ શું? આશ્ચર્ય સાથે મારાથી ફોટો જોવાય છે અને તેમાં મારી જ છબીને પમાય છે! હવે મને સમજાય છે, પુણ્ય માટે પાણીનો ખોબો ભરેલાં મારા હાથ કોરાં કેમ હતા! હવે મને સમજાય છે, ભૂખ તરસનું ભાન કેમ નહોતું! લખુએ કેમ મને જોયો નહોતો, કંડક્ટરે ક્યાંય બસમાં કેમ મારી ટિકિટ ન કાપી? રાધિની લાલઘૂમ આંખો, મંદિરના દ્વારપાળ જેવાં બે સિક્યોરિટી ગાર્ડસ કેમ એવું બોલ્યા હતાં,"તમે વહેલાં છો. અહીંયાં સમયથી પહેલાં કોઈને પ્રવેશ નથી." હવે સમજાય છે.

ઘરેથી નીકળતી વખતે ગાયેલું ગીત ફરી મારા મનમાં પડઘાય છે...

"કેટલાં સૂરજ કેટલાં ચાંદા?
ગણવા તારે કેટલાં દહાડા?
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે ગણવા જા માં ટેકરા ખાડાં રે,
જાગ્યો તો એમ તું સોને રે..."










3
શીર્ષક :- ઉદાસ આંખ.
લેખક - સ્વાતિ મુકેશ શાહ.

"બેટા! પપ્પાને સૂવા દે. એમને ઠીક નથી. તું પણ પાસે ના જતો રીપોર્ટ એકવાર આવી જવા દે. આ કોવિડ બહુ ખરાબ ચીજ છે. આજે સાંજે નેગેટીવ રીપોર્ટ આવે તો સારું! અજાણ્યા ગામમાં આવીને તો વસ્યાં; પરંતુ, માંદગીમાં પરિવાર બહુ યાદ આવે."

સુહાસના શબ્દો સાંભળતાં જીગર બોલી ઊઠ્યો,"અરે ગાંડી! આમ ચિંતા કરે કંઈ ના ચાલે. હું બેઠો છું ને! તને તો આપણી બધી પરિસ્થિતિ ખબર જ છે. મને કંઈ થાય તો ગભરાયા વગર સારવાર કરીએ એટલે બધું સારું!

" તમે શું આમ બોલતા હશો? આ બે છોકરા અને મારો વિચાર કર્યો છે?" આમ હજી વાતો ચાલતી હતી ત્યાં જીગરના મોબાઈલમાં લેબોરેટરીનો મેસેજ આવ્યો કે તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

હવે શરું થઈ ખરી ગડમથલ. લગ્ન પછી એક દિવસ માટે પણ છુટા ના પડ્યાં હોય, તેવાં આ યુગલને માટે સ્પર્શથી વંચિત અને નજરથી દૂર રહેવું બહુ અઘરું હતું. છોકરાઓને સમજાવ્યાં, ફટાફટ બે ટંક ચાલે તેટલાં થેપલાં બનાવી તૈયાર થવા લાગી. હોસ્પિટલ માટેની જરુરી વસ્તુઓની બેગ ભરી તૈયાર થઈ. આંખમાંથી આંસુની ધારા અવિરત ચાલુ રહી.

"મુનિ! તું મોટો છું. સંજયને સાચવી લેજે." બાર વર્ષનો મુનિ એકાએક મોટો થયો. જીગર પણ હવે થોડો ઢીલો પડી ગયો હતો. તેના મોંમા એકદમ શબ્દો આવી ગયાં,"તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું. મારું ગજું નથી કે તને છેતરી શકું…!" હજુ આગળ કહેવા જાય છે ત્યાં જીગરને હોસ્પિટલમાં દાખલ કરવા માટે એમ્બ્યુલન્સ આવી જાય છે.

બાળકોને જરુરી સૂચના આપી સુહાસ એમ્બ્યુલન્સની આગળની સીટ ઉપર ગોઠવાઈ જાય છે. હોસ્પિટલમાં એડમિશન ફોર્મ ભર્યા પછી સુહાસને જાણવા મળે છે કે જીગરને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જીગરની તબિયત એકદમ બગડવા માંડી.

અચાનક, સુહાસના કાનમાં જીગરના શબ્દો ગુંજવા લાગ્યાં, 'તારી ઉદાસ આંખમાં સપના ભરી શકું, મારું ગજુ નથી કે તને છેતરી શકું..!'

ને ખરેખર, જીગર કોવિડનો ભોગ બની ગયો. આંખોમાંથી અશ્રુધારા સાથે હકીકતનો સામનો કઠણ હૃદયથી કેવી રીતે કરવો? આગળ શું કરવું? તે વિચારવા લાગતાં સુહાસના શરીરમાં લખલખું પસાર થઈ ગયું અને હથેળી ભીની ભીની.!






4
શીર્ષક :: કેન્સલેશન
લેખન : અર્ચિતા દીપક પંડ્યા


"માસી, પાકું આ જ સીટ છે ને તમારી?" "હા બહેન, લાસ્ટ મિનિટે કોઈએ કેન્સલ કરી હશે તો મારી ટિકિટ થઈ ગઈ. જરૂરી કામે જવાનું થયું છે. જ્યારે જવું જ પડે એવું હોય, ત્યારે આવી રીતે ટિકિટ મળી જાય! એ જ ભગવાનની કૃપા." બિનીતા અવાચક થઈ ગઈ. એણે તો શું ધાર્યું હતું ને શું થયું?

થોડી વારે બિનીતા સહેજ જાગૃત અવસ્થામાં આવી, કારણ એની આંખના ખૂણા ભીંજાઈ રહ્યાં હતાં. સામેની સીટ પર કોઈ આવ્યું! એ વાતે હરખાવાને બદલે એ થોડી વધુ મૂંઝાઈ, પણ એ ન આવ્યો. નામ તો એનું જ છે! એ નામનું બીજું કોઈ હશે? પણ ના, બોરીવલી સ્ટેશનથી જ બેસે છે તો એ જ હશે. આ બધાં વિસ્તારોમાં કેટલું સાથે ફર્યા છીએ! અજબ આકર્ષણ હતું! અવિ, આઈ મિસ યુ!' એને થયું કે સામેથી પણ અવાજ સંભળાશે. 'બિની, આઈ મિસ યુ ટુ..!' પણ અહીં તો ચિત્ર કંઈક જુદું જ ઉપસતું હતું.

વાત એમ હતી કે બિનીતાને મુંબઈથી અમદાવાદની ટ્રેન પકડવાની હતી. અંતે, પિયર છોડવાનો સમય આવી ગયો. ખરેખર, આકરી લાગી એ ક્ષણો! જીવનમાં મુખ્ય સંધાન તો ભવિષ્ય જોડે હોય, વર્તમાનમાં જાતને પુરવાર કરવાની હોય, પણ ભૂતકાળ ઘડી ઘડી આવી આપણાં મનમાં ડોકિયાં કરી જાય છે. માનવી માત્ર ખજાનો હોય છે અવનવાં અનુભવોનો! દરેકને અનુભવો એક જ રીતે નથી મળતાં કે બધાં જ નથી મળતાં, પણ આપણા ભાગે જે અનુભવોનું ભાથું આવે તેને જ આપણે કદાચ નસીબ કહીએ છીએ .

ઢગલાબંધ સામાન, નાનકડો યશ અને સ્ટેશને ભાઈ મૂકવા આવ્યો હતો. એ બધાંની આગળ બિનીતા ચાલી રહી હતી. હાથમાં ટિકિટ અને કોચ નંબર, સીટ નંબર ચેક કરવાનો હતો. ધક્કામુક્કી સાથે રેલ્વેએ લગાવેલાં લિસ્ટનાં કાગળની આજુબાજુ મધમાખી મંડરાય એમ બધા મંડરાતાં હતાં. એને થોડો કંટાળો આવ્યો. આપણામાં શિસ્ત ઓછી છે કે પછી આપણા માટે અવ્યવસ્થા બહુ જ સહજ છે! પણ એ પરિસ્થિતિમાંથી પણ પસાર થયા સિવાય છૂટકો જ નહોતો.

બિનીતાએ એકદમ સફળ સંઘર્ષ કર્યો. પોતાનો નંબર ચેક કર્યો અને બાજુના નંબર પર નજર ખોડાઈ ગઈ. એ વન ૩૨- અવિ કોઠારી, એનો શ્વાસ થંભી ગયો. અવિ, એ નામ સાથે જ મનની વિચારયાત્રા સમયરેખા પાર કરીને પહોંચી ગઈ, છેક કોલેજના કાળમાં. અવિ કોઠારી અને બિનીતા કોટક. રજીસ્ટરમાં નંબર સાથે જ રહેતો, ગ્રુપ એક, પ્રોજેક્ટ સાથે, પરીક્ષામાં સાથે અને બાકી બચતાં એ સમયમાં પણ સાથે રહેવાની ઈચ્છા તો એવી ને એવી જ રહેતી. બંનેનાં શોખ સરખાં, ક્રિકેટ ગમે, કરાઓકે સિંગિંગ ગમે. કોલેજ પિકનીક, સ્ટડી ટૂર. ઓહો! યાદોનું વાવાઝોડું ફરી વળ્યું. મારી સામેની જ સીટ! સંવેદના રણઝણી ઉઠી.

'કેટલા વર્ષે જોઈશ એને! કેવી રીતે મળીશ? શું કહેશે એ મને?' પ્રશ્નો ઉગવા માંડ્યા, વાંસના જંગલમાં ફૂટ ફૂટની કૂંપળો નીકળે એમ અને ત્યાં જ એક બોદો અને મોટો અવાજ,"જરા ખસો બહેન, હવે મને જોવા દો."
બિનીતા છોભીલી પડી ગઈ ઝટપટ જાત અને વિચારોને સંકોરીને પર્સ અને હેન્ડબેગ સાથે ટિકિટ સાચવીને કોચમાં ચડી ગઈ. નાનકડા યશને ખોળામાં સૂવડાવતાં એની પોતાની યાત્રા શરું થાય, એ પહેલાં વિચારયાત્રામાં ખોવાઈ ગઈ.

'કેટલો સારો મિત્ર? સારી વ્યક્તિ, હોંશિયાર વિદ્યાર્થી અને માન થાય એવો માણસ! એ મને ગમતો હતો અને એને પણ હું. એના મોં પર આછું સ્મિત આવી ગયું. હા, આખી કોલેજ જાણતી હતી કે બંને જણાં પ્રેમમાં હતાં. ક્યારેય ક્યાં કશું જાહેર કરવું પડ્યું હતું? કે પ્રેમ પ્રદર્શિત કરવો પડ્યો હતો? અંતરનું ખેંચાણ એમનાં મને સ્વીકારેલું હતું. મળ્યાં ત્યારથી આંખો કહેતી હતી, વ્યવહાર કહેતો હતો. અવિ માટે તો જાણે નક્કી હતું,'તું દિવસ કહે તો હું રાત નહિ કહું, અને રાત કહે તો દિવસ નહિ કહું.' અને બિનીતા આવાં પ્રેમથી ફૂલીને ફાળકો થઈને ફરતી.

બંને પ્રેમનાં પ્રવાહમાં વહેતાં ગયાં, તણાતાં ગયાં. એકમેકને ગમતાં અને એકસરખાં સ્વપ્નાઓ જોતાં ગયાં પણ એક પ્રશ્ન આવ્યો કોલેજની અંતિમ પરીક્ષા વખતે. બિનીતા કાયમ ટોપ કરતી. અવધેશનો નંબર બીજો હોય, પણ છેલ્લાં વર્ષે કારકિર્દી વિશે જાગૃત હોવાને લીધે અવિ ફર્સ્ટ આવ્યો. બિનીતાને આનંદ થવાને બદલે દુઃખ થયું. ક્ષણિક થયું હોય, શક્ય છે, પણ એના પ્રતિભાવો થોડાં વધારે ચાલ્યાં. બિનીતાને થયું અવિને વધારે સમય આપવાથી એનો અભ્યાસ બગડ્યો અને ઉલ્ટું અવિ તો સરસ ભણ્યો! અવિએ તેને હંમેશની માફક મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ બિનીતાના છણકાને લીધે દુઃખી થઈ ગયો. અંતે વાંક એનો પોતાનો ક્યાં હતો? અવિની સફળતાનો બિનીતાને કોઈ આનંદ જ ન થાય? એવું ચાલે? 'દર વખતે એ પહેલો નંબર લાવતી, તો શું હું દુ:ખી થતો હતો?'

બિનીતાને થયું કે, 'એ રિસાયો તો છે, પણ એ તો દર વખતે સામેથી બોલાવે છે એમ બોલાવશે અને માની જશે! અને આમેય રીઝલ્ટના બીજે દિવસની મૂવીની ટિકિટો તો અમે લોકોએ લઈ રાખી છે. એ આવશે. જરુર આવશે.'

સમય સમયની વાત છે! પાંચ-સાત વર્ષ પહેલાંની એ બિનીતા હતી. જેનાં મનમાં કોઈવાર સમાધાનનો વિચાર જ નહોતો આવતો, અને આજે?
આજે એ કેટકેટલાંને સાચવી રહી છે પોતાના જ કુટુંબમાં! અભ્યાસ તો શું? પોતાની ઈચ્છાનું પણ મહત્ત્વ છોડીને આખા કુટુંબને વહાલી થાય એવું વર્તન છે, કેવી જવાબદારી નિભાવે છે? અહીં તો ઝઘડો કરવાની વાત જ નથી! આપીને, જતું કરીને અને છોડવાની ભાવના હોય તો જ જીતાય છે અને એ સમજણ સાસરે જતાં જ આવી જાય છે. કાશ..કાશ! આ સમજણ થોડી વહેલી આવી હોત! તો અવિને ગુમાવ્યો ન હોત! એનું મન ચકરાવે ચડી ગયું. તેનાં હૃદયમાં બેઠેલી પુત્રવધૂ બોલી ઉઠી..
"પણ રસેશ ક્યાં ખોટો છે?"
"અરે ! એમ ક્યાં વાત છે?"
કોલેજકાળની બિનીતા એ બળવો કર્યો.
"અવિ બહુ સારો ફ્રેન્ડ હતો એને કેમ ભૂલી શકાય? મેં એવું નહોતું ધાર્યું કે.."
"વાંક તારા પક્ષે હતો એ ન ભૂલીશ. હવે શું..? જે ગામ જવાનું જ નથી..!"

જગ્યા ખાલી જ હતી. ટ્રેઈન ઉપડવાની તૈયારીમાં જ હતી અને એક બહેન છેલ્લી ઘડીએ ચડ્યાં. શરીરે ભારે હતાં. સામાન સાથે એમને તકલીફ પડતી હતી. બિનીતાએ એમને મદદ કરી, હળવો આંચકો ત્યાં આવ્યો એમણે સામેની સીટ જ પોતાની હોવાનું કહ્યું.

'આ તો અવિની સીટ!'
'હવે હક્ક, અધિકાર, લાગણી ક્યાં જતાવું?'

એ ફિક્કું હસી. બિનીતાએ ભાવ છૂપાવ્યાં, પણ મન ચકડોળ થઈ ગયું. આજે પણ લાસ્ટ મિનિટનું 'કેન્સલેશન' નડ્યું! યાદ આવી ગઈ એને વર્ષો પહેલાંની સાંજ..રીઝલ્ટના દિવસે બંને ખૂબ ઝઘડ્યાં હતાં. કેમેય કરીને બંનેનાં વર્તનમાં ફરક જ ન પડ્યો. ગ્રહો જાણે અવળાં થયાં! પ્રેમ તો એવો ને એવો હતો પણ હક્ક અને અપેક્ષા વધી ગયાં અને કેમે કરી સમજણ આવી જ નહિ! આમ તો, બીજે દિવસની મૂવીની ટિકિટો તો હતી જ. સાંજ સુધીમાં બિનીતાને ખૂબ અફસોસ થયો એને થયું કે,'હું આ વખતે અવિને મનાવી જ લઈશ. અરે! દર વખત એ મનાવે છે. આ વખતે સરપ્રાઈઝ આપી, એકદમ હસી, બોલીને હું જ મનાવી લઈશ. સાથે બે મિત્રો છે કાનન અને શૈશવ. એ બંનેને તો ખબર પણ નહિ પડવા દઉં કે અમે ઝઘડ્યાં હતાં અને ઉત્સાહથી મોલ પર પહોંચી અને થીયેટર પાસે કાનન -શૈશવને જોયાં અને અચાનક ઋતા અને યજ્ઞેશને પણ..
"અરે, તમે ક્યાંથી?"
"અમને અવિનો ફોન આવ્યો કે મૂવી ટિકિટોનું કોઈએ 'કેન્સલેશન' કરાવ્યું છે, ટિકિટો પહોચાડું છું, પહોંચી જજો થીયેટર પર.., પણ અમને ખબર નહીં કે એ પણ નહોતો આવવાનો!"
"હા, મારે વાત થઈ હતી. અમારા પ્લાનમાં અત્યારે મળવાનું શક્ય નહોતું. મારે તો મારી માસીની જોડે શોપિંગ માટે આવવાનું હતું, માસી ડ્રેસનું 'ટ્રાયલ' લેવામાં બીઝી છે, એટલે જ હું તમને લોકોને મળવા આવી."

પોતે ખોટું બોલી રહી છે, એ બિનીતાએ પોતાને પણ ખબર પડવા ન દીધી. એ કેન્સલેશન સાથે જીવનભરનો સાથ પણ કેન્સલ થયો. દુઃખ તો થયું હતું, પણ એ મિત્ર તરીકે જ બરાબર હતો. બંને પ્રેમમાં હતાં પણ સમજણ નહોતી. જીવનમાં સમજણ પહેલાં જોઈએ, પ્રેમ તો સહજીવનથી પણ પ્રગટે! પરસ્પરની સમજણ જ હૂંફ અને પ્રેમની ગંગોત્રી બની જાય, પણ અતિપ્રેમ અને સમજણનો અભાવ, એવો મેળ, એનાં જેવું ઘાતક બીજું કંઈ નથી. જીવનમાં ગેરસમજણ અને સંવાદિતાનો અભાવ રહ્યો હોત તો એ રેલવેની ગિરદી કરતાં પણ વધારે કઠ્યાં કરત, એનાં કરતાં સમયસર યોગ્ય ટ્રેઈન મળી ગઈ એ જ સારું થયું. બિનીતાનું મન સાસરે પહોંચવા જાણે ઊડવા લાગ્યું ને એ વખતે, રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરની ચાની દુકાન પરથી ગઝલ સંભળાઈ રહી હતી..

"આપણે હવે મળવું નથી
વાતને રસ્તે વળવું નથી..."




5
શીર્ષક : સ્વયં સિધ્ધા
લેખન : શૈલી પટેલ

"પણ મમ્મી, મારો શું વાંક છે? મારે જ મહેણાં સાંભળવાના? કોઈ બીજાની ભૂલનું પરિણામ હું શું કામ ભોગવું?" પ્રશસ્તિ એક શ્વાસે બધું બોલી ગઈ. "દીકરી, હું જાણું છું કે તું નિર્દોષ છે પણ હું લાચાર છું. તારી કોઈ મદદ કરી શકું તેમ નથી. તું ચિંતા ન કર, સમય સાથે બધું ઠીક થઈ જશે." વનશ્રી એને સાંત્વના આપતાં બોલી, આગળ ઉમેર્યું,"તું બેસ હું તારા માટે કોફી લ‌ઈ આવું, તું ફ્રેશ થઈ જા પછી ડ્રાઈવર તને તારે ઘરે મૂકવા આવશે."
નિઃસહાય પ્રશસ્તિ ઉભી થઈ રસોડામાં ગઈ. અચાનક તેણે રેડિયો ઓન કર્યો. ગીતના શબ્દો સાથે એકાકાર રચાયું,
"અમસ્તી કોઈ વસ્તુ નથી દુનિયામાં,
ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિના,
વાદળ ઘેરાય પછી,
પછી જ વરસાદ આવે છે..."
ગીતની ચોથી લાઈને જ પાવર કટ થયો અને રેડિયો બંધ થઈ ગયો. તે કોફી પીને કશું જ બોલ્યા વિના સડસડાટ દાદરા ઉતરી ગ‌ઈ. બસસ્ટેન્ડ પર પહોંચી એવી તરત જ બસ મળી ગઈ. બસમાં બેસતાં જ ભૂતકાળની યાદોમાં સરી ગઈ.

ત્રણ વર્ષ પહેલાં દુર્ગાપૂજાના પંડાલમાં સુબ્રતોએ તેને જોઈ હતી, પ્રથમ દ્રષ્ટિએ જ ગમાડેલી અને પછી લાગતાં વળગતાં લોકો દ્વારા બંનેનાં વિવાહ ગોઠવાયાં હતાં. રોમેશ અને પ્રીતિલોતાનો એક નો એક દીકરો સુબ્રતો રોબોટિકસ વિષય સાથે ભણી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. એનો સબ્જેક્ટ જ એવો હતો કે જ્યાં માનવ સંવેદના સાથે એનો પનારો પડ્યો નહીં. લાખોની સેલેરી, પ્રેમાળ માતા-પિતા, ઢગલાબંધ દોસ્તો, મશીન અને ટૂલ્સ પર અજમાવવા સતત દોડતું દિમાગ એટલે સુબ્રતો. સામે છેડે ગ્રેજ્યુએટ થયેલી સહેજ શામળી પણ આકર્ષક બાંધાની અને ઓછાબોલી પ્રશસ્તિ.

પ્રશસ્તિ પોતે સરકારી નોકરી લેવા માંગતી હતી પણ પાંચ બહેનોમાં સૌથી મોટી હોવાથી માતા-પિતાને પરણાવવાની ઉતાવળ વધુ હતી આથી જેવો જ સુબ્રતો તરફથી લગ્નનો પ્રસ્તાવ મળ્યો એ લોકોએ સ્વીકારી લીધો. લગ્ન પહેલાં પ્રશસ્તિ, સુબ્રતોને મળવા માંગતી હતી. કંઈ કહેવા માંગતી હતી, પણ વનશ્રીને ડર હતો કે સત્ય જાણ્યાં પછી આટલું સરસ સગપણ હાથમાંથી જતું રહેશે તેથી તેણે બહાનાં કાઢીને બંનેને એકબીજાથી દૂર રાખ્યાં. આખરે લગ્ન એટલી બધી ઉતાવળમાં લેવાયા કે પ્રશસ્તિ કંઈ કહી શકી નહીં.

લગ્નની રાત્રે પહેલી વખત જ પ્રશસ્તિ અને સુબ્રતોને એકબીજા જોડે નિરાંત મળી. સુબ્રતો ઘણો પ્રેક્ટિકલ અને ઓપન માઈન્ડેડ પર્સનાલિટી હતો એટલે એણે વાતચીતની શરૂઆત કરી. પ્રશસ્તિ ઘણી ગભરાયેલી અને મૂંઝાયેલી હતી, પણ એ તરફ સુબ્રતોનું ધ્યાન જ ન ગયું. સુબ્રતો એની તરફ વળ્યો પણ પ્રશસ્તિએ તેને ધક્કો મારી દૂર કરી દીધો. સુબ્રતોને અપમાનજનક લાગ્યું અને કંઈ પણ બોલ્યા વિના એ સૂઈ ગયો. પ્રશસ્તિ પણ સૂઈ ગઈ.

થોડાં દિવસોમાં બંને વચ્ચે ધીમો સંવાદ શરૂ થયો અને પ્રશસ્તિએ તેને પોતાના ડરની વાત કરી. તે 11 વર્ષની હતી અને ઉનાળાની રજાઓમાં તેની ફોઈના ઘરે રહેવા ગઈ હતી. ફોઈના ઘરે પૈસાની છોળો ઉડતી એટલે તેને તેમની લાઈફ સ્ટાઈલ ખૂબ ગમતી. તે સાંજે ફોઈ અને તેમનાં સાસુ માર્કેટ ગયેલાં અને પ્રશસ્તિ હોલમાં ટીવી જોઈ રહી હતી. ફુઆ ત્યારે તેમના બેડરૂમમાં પેગ લગાવવામાં બીઝી હતા. બે કલાક થયાં પણ ફોઈ ઘરે ન આવતાં પ્રશસ્તિ ફૂઆને કહેવા ગઈ કે ફોઈને ફોન કરે પણ કાળઘડી એવી મંડાણી હતી કે દારૂના નશામાં ભાન ભૂલેલો પુરૂષ, કુમળી કન્યા અને સંબંધની ગરિમા બધું જ ચૂકી ગયો અને ફૂલ જેવી પ્રશસ્તિ ખૂનથી લથબથ રોળાઈ ગઈ.
ફોઈ ઘરે આવ્યાં અને બેડરૂમમાં ગયાં ત્યારે નશામાં ધૂત પતિ સૂતેલો હતો અને ગભરાયેલ કબૂતરી રડતી હાલતમાં સ્થિર થયેલી હતી. ફોઈ બધું પામી ગયાં અને એ ભત્રીજીને ભાઈના ઘરે પાછી મૂકવા ગયાં. ફોઈ પ્રશસ્તિના ન્યાય માટે પોતે પોતાના સંસારને કુરબાન કરવા તૈયાર થઈ ગયેલાં, પણ પ્રશસ્તિની દાદીએ આવું કંઈ ન કરવા જણાવી, પોતાની દીકરીને સમજાવીને પેલાં રાક્ષસના ઘરે પાછી મોકલી.

સમય જતો રહ્યો અને બધાં બધું ભૂલી ગયાં, પણ પ્રશસ્તિ આ આઘાત ક્યારેય ન ભૂલી શકી. ઘણી રાતો તેણે આ ઘટનાના ડરામણાં સપના સાથે વિતાવી અને આખરે લગ્ન પછી એણે હિંમત કરી સુબ્રતોને પોતાની હકીકત જણાવી. હકીકત જાણીને સુબ્રતોએ તેને તેનાં વર્તન માટે માફ કરી પણ એ એને સમજી ન શક્યો અને આ દુઃખમાંથી બહાર પણ ન લાવી શક્યો. પ્રશસ્તિના સરકારી નોકરી લેવાના સ્વપ્નને પણ તેણે સ્વીકારી લીધું. પ્રશસ્તિ ઘણો પ્રયત્ન કરતી પણ જયારે પણ બંને વચ્ચે નિકટતા સર્જાતી ત્યારે તે અજાણતાં જ સુબ્રતોને હડસેલી દેતી.

વખત જતાં, લોકો રીતસર બાળક માટે ઉઘરાણી કરતાં. પ્રીતિલોતા પ્રશસ્તિને ડૉક્ટર પાસે લઈ જતી. ત્યાં પ્રશસ્તિ ડોક્ટરના બધાં જ સવાલોના જવાબ આપતી અને દવાઓ પણ ગળતી. હવે, ત્રણ વર્ષ પછી પરિસ્થિતિ વધુ વિકટ થતી ગઈ અને સાસુની હિંમત ઘટતી ગઈ. એ હવે વહુને મેણાં-ટોણાં મારતી. પ્રશસ્તિ ચૂપચાપ વેઠતી. સુબ્રતો કંઈ ના કહેતો. એવામાં ટેક્ષ ડિપાર્ટમેન્ટની પરીક્ષામાં પ્રશસ્તિ પાસ થઈ ગઈ. જે દિવસે તેને ઓફર લેટર મળ્યો તે મીઠાઈ લેવા માર્કેટ ગઈ. આજે ખૂબ ખુશીનો દિવસ હતો તેને નાચવાનું, ઝૂમી ઉઠવાનું મન થતું હતું.

તે સાંજે ઓફર લેટર બતાવી ખુશીથી મીઠાઈનું બોક્સ ધરી આશીર્વાદ લેવા સાસુમા તરફ ઝૂકી. પોઝિટિવ પ્રેગ્નન્સી રિપોર્ટની રાહ જોતાં સાસુ નોકરીનો લેટર જોઈ ધુવાંપુવાં થઈ ગયાં. "વાંઝણી, તારે નોકરી કરીને શું કરવું છે? રૂપિયાની છોળો મારો દીકરો રેલાવે છે, તું પારણું ય ભરી ન શકે તો તારું શું કામ મારા ઘરમાં કે મારી દિકરાની જિંદગીમાં.. બોલ?" કહી તેમણે રીતસર મીઠાઈનું બોક્સ હવામાં ઉલાળી નાખ્યું. પ્રશસ્તિ તો ડઘાઈ જ ગઈ. વધારે આંચકો તો તેને એ વાતનો લાગ્યો કે આજે પણ સુબ્રતો કંઈ ન બોલ્યો.

રડતી રડતી તે પેંડાનું બોક્સ અને ઓર્ડર લ‌ઈ બેડરૂમમાં આવી. સુબ્રતો પણ તેની પાછળ બેડરૂમમાં આવ્યો. કોઈ કંઈ બોલે તે પહેલાં સુબ્રતોના ફોનમાંથી મેસેજની બીપ વાગી. મેસેજ જોઈ સુબ્રતો ફોનને બેડ પર પ્રશસ્તિની બાજુમાં મૂકી બાલ્કનીમાં જતો રહ્યો. સિગરેટ સળગાવી તે ત્યાં જ ઊભો રહ્યો. પ્રશસ્તિએ ફોનમાં આવેલ મેસેજ વાંચ્યો, આજે તો તેની જિંદગીનો પનોતીનો દિવસ હોય તેમ તેને લાગ્યું. મેસેજમાં કોઈ છોકરીએ આઈ એમ પ્રેગનેન્ટ એવું લખ્યું હતું. પ્રશસ્તિ ફોન લઈને બાલ્કનીમાં આવી. સુબ્રતોને મેસેજ બતાવી પ્રશ્નાર્થ નજરે તાકી રહી. કંઈ પણ અજુગતું ન બન્યું હોય એમ સુબ્રતોએ ફોન પોતાના હાથમાં લઈ કહ્યું,"એ મારી ગર્લફ્રેન્ડ ચિત્રા છે. મારી ઓફિસમાં કામ કરે છે અને આપણા સમાજની પણ છે." પ્રશસ્તિ અવાક થઈ ગઈ. એને એમ હતું કે સુબ્રતો સાથેના સંબંધો સારા છે અને જે કાંઈ દૂરી છે તે થોડાં પ્રયત્નો પછી જતી રહેશે. એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ અફેર કરી પોતાની ઈચ્છાઓ પૂરી કરી લેશે.

ખોંખારો ખાઈને ગળું સાફ કરી એણે તેના પતિને પૂછી લીધું,"જો તમારી મમ્મીને બાળક જોઈતું હોય અને તમારી ગર્લફ્રેન્ડ પ્રેગનેન્ટ જ છે તો આ બધાંમાં મારું સ્થાન ક્યાં છે?"
પ્રેક્ટિકલ સુબ્રતો રોબોટ્સના પાર્ટ ભેગાં કરવામાં માસ્ટર હતો, પણ તૂટેલાં હૃદયને સમજવા કે સમારવામાં બહું કાચો હતો. તેણે બીજી જ ક્ષણે હસીને જવાબ આપ્યો,"બધું જ નોર્મલ થઈ જાય જો પ્રશસ્તિ નામની એરર(ભૂલ) સોલ્વ થઈ જાય."
પોતે એરર છે એવું તખલ્લુસ પામી પોતાના અસ્તિત્વને હવામાં અલોપ થતું જોઈ રહેલી પ્રશસ્તિના આંસુ થીજી ગયાં.

આખી રાત તેને ઊંઘ ના આવી. વિચારોનો વરસાદ અટકાવવા તેણે પોતાના ફોનમાં રેડિયો ચાલુ કર્યો અને ગીત રેલાયું,
"તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું,
મારું ગજું નથી કે તને છેતરી શકું"
તેના અંતરાત્માના શબ્દો હોય એવું તેને લાગ્યું. ગીત આગળ ચાલ્યું.
"મહેંદી ભરેલ હાથમાં એવી ભીનાશ કયાં?,
તરસ્યાં થયેલ હોઠને ભીનાં કરી શકું,
મારું ગજું નથી કે તને છેતરી શકું..,
તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે એના વિના હું કઈ રીતે પાછો ફરી શકું, મારું ગજું નથી કે તને છેતરી શકું..."

તેને લાગ્યું કે આ ગીત તેનું અસ્તિત્વ રહ્યું છે
"હું તો એકલો નીકળીને જાત પણ, ભેગાં થયાં છે લોક તો હું શું કરું...તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું..."

ગીત સાથે રસ્તો પણ મળી ગયો. તે સૂઈ ગઈ અને બીજા દિવસે ઓફર લેટર લઈ તેની મમ્મીનાં ઘરે ગઈ, બધી વાત કરી. મમ્મીએ પણ કોફી પીને વળી ખાડામાં પડવાની સૂચના આપેલી. હવે તેની પાસે રસ્તો નહોતો.

ત્યારે, અચાનક બસમાંથી એકદમ બહાર નજર પડી ત્યારે એક બોર્ડ દેખાયું અને એ બસમાંથી નીચે ઉતરી ગઈ. એ ઓફિસમાં જઈ ફોર્મ ભરી બધી ફોર્માલીટીઝ પૂરી કરી પાછી પોતાના સાસરે આવી ગઈ.

થોડાં દિવસોમાં ડિવોર્સ પેપર્સ ઘરે આવી ગયાં. તેણે પેપર સાઈન કરી અને સુબ્રતોની લાઈફના પ્રોપર પ્રોગ્રામને સફળ બનાવી દીધો. પોતાની બેગ લઈ, જે ઓફિસમાં ગઈ હતી એ દિશા તરફ આગળ વધી રિક્ષા ઉભી રાખી. જ્યારે રિક્ષાવાળાએ પૂછ્યું,"મેડમ, ક્યાં જવું છે?" ત્યારે બોલી,"વર્કિંગ વુમન હોસ્ટેલ, ભાઈ."
"ઓકે..મેડમ" કહી રિક્ષાવાળાએ ફુલ વોલ્યુમમાં ગીત વગાડયું અને પ્રથમ શબ્દો નીકળ્યાં..
"જો તોમ્હાર ડાક સુનીકે કોઈ ના આવે તો તુમી એકલા ચોલો રે..."

પ્રથમ વખત પોતાની જાતને ટેકો કરવાની હિંમત આવી અને સંતુષ્ટિની સ્માઈલ તેનાં ચહેરાને સુંદરતા બક્ષી ગઈ.

















6
શીર્ષક : મારું સરનામું?
લેખન : સેજલ શાહ ' સાંજ '

"કદી તું ઘર તજીને રે... કદી તું ઘર તજીને રે....." મિત્તલના ફોનમાં રીંગ વાગી એટલે એ ફટાફટ તૈયાર થઈને નીકળી. ક્યાં જવાનું હતું? એ તો એને પોતાને પણ ક્યાં ખબર હતી! જેવી એ ઘરની બહાર નીકળી કે ત્યાં જ મૌલિકે રોકી,"જો મિત્તલ તને છેલ્લી વાર કહું છું. આ રોજ રોજ તારું ઘરની બહાર ભટક્યાં કરવું મને નથી ગમતું. તને જરાય ભાન છે કે તું મહિનાના પંદર થી સત્તર દિવસ આખો આખો દિવસ ઘરની બહાર રહે છે. પહેલાં આપણે બે એકલાં હતાં એટલે હું તને રોકતો નહોતો, પણ હવે કિયારા પણ છે. એને તારી જરૂર છે. શું એનો તારા પર હક નથી?" મિત્તલ કશું બોલે એ પહેલાં જ ફરીથી એનો ફોન રણક્યો,"કદી તું ઘર તજીને રે...."
મિત્તલે ફોન ઉપાડી તરત પૂછ્યું,"આજે ક્યાં જવાનું છે? લોકેશન મોકલો એટલે હું નીકળું ઘરેથી. બસ..! દસ મિનિટ."

પોતાની વાત સાંભળી ના સાંભળી થતાં મૌલિક જરા ગુસ્સે ભરાયો,"તને છેલ્લી વાર કહું છું, આજે નિર્ણય કરી લેજે તને ઘર જોઈએ કે વિચરતી જાતિ?"
મિત્તલ મૌલિકના સવાલથી થોડી ક્ષણ માટે ધ્રુજી ગઈ. મનોમન વિચારી રહી કે,'કેટલીય સ્ત્રીઓ હોય છે જે પોતાની નોકરી કે વ્યવસાય માટે ઘરની બહાર રહેતી હોય છે. હું રહું એમાં મૌલિકને આટલો વાંધો કેમ છે? અને આટલી નાની બાબતમાં આટલો મોટો નિર્ણય! એણે બોલતાં પહેલાં એક વાર પણ ન વિચાર્યું. મિત્તલને થોડી ક્ષણો માટે પોતે અને વિચરતી જાતિના લોકો વચ્ચે સામ્યતા અનુભવાઈ. એ લોકો પણ ઘર વગરના અને હું પણ....'

મિત્તલનું મન અંદરથી ખૂબ વલોવાઈ ગયું, પણ મનને મજબૂત કરી ધીમે રહીને પ્રેમથી કહ્યું,"મૌલિક નિર્ણય તો તમારે લેવાનો. મને તો તમે બન્ને વહાલાં. હું તમારા બન્ને વગર નહિ જીવી શકું." એટલું કહી મિત્તલ પોતાના કામે નીકળી. ફોન પર લોકેશન આવી ગયું હતું. આજે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનાં કાંકર ગામના વાદીઓને મળવાનું નક્કી થયું હતું. આ વાદીઓ એટલે સાપનો ખેલ બતાવવાવાળા, ફૂલવાદીઓ પણ કહેવાય. આ વિચરતી જાતિઓનાં કોઈ પાકાં સરનામાં કે ઘર ના હોય. તેઓ કામ અર્થે એક ગામથી બીજા ગામ ફર્યા જ કરતાં હોય. એ લોકોનો વસવાટ પણ ગામથી દૂર હોય. આપણાં સમાજે ક્યારેય એમને સ્વીકાર્યા નથી. મિત્તલ આવી જ વિચરતી જાતિઓને સમાજમાં પોતાની ઓળખ અને સ્થાન અપાવવા પ્રયત્નો કરી રહી હતી.

મૌલિકના વિચારોમાં ખોવાયેલી મિત્તલને બનાસકાંઠા ક્યારે આવ્યું તે પણ ધ્યાન ન રહ્યું. જીગ્નેશભાઈએ "ચાલો, બેન આવી ગયું આપણું ગામ!" એમ કહ્યું ત્યારે તેની વિચારતંદ્રા તૂટી. મિત્તલ મનની મથામણ બાજુએ મૂકી પોતાના કામે વળગી. એક પછી એક ઘરની મુલાકાત, તેમનાં પ્રશ્નો, સમસ્યાઓ, જરૂરિયાતો વગેરે વિશે માહિતી એકઠી કરી રહી હતી. આવા સેવાભાવી જીવો સમાજ માટે કાર્ય કરતાં હોય ત્યાં મીડિયાથી આ વાત છુપી રહે એ શક્ય નથી. મિત્તલ જ્યાં હતી ત્યાં મીડિયાવાળા પહોંચી ગયાં.
બપોરના લગભગ એક વાગ્યો હતો.

આજે મૌલિકને 'વિકલી ઓફ' હતો એટલે એ ઘરે જ હતો. મૌલિકના મનમાં હજુ પણ એ જ ગડમથલ ચાલી રહી હતી. એટલામાં કિયારા દોડતી દોડતી આવી અને બોલી,"પપ્પા, મને બહુ ભૂખ લાગી છે."
"હા.. બેટા! હમણાં જ થાળી પીરસી લાવું આપણાં બન્નેની." એટલું કહી મૌલિક રસોડામાં ગયો. કિયારા ટીવી પર કાર્ટુન જોઈ રહી હતી. ચેનલ બદલતાં બદલતાં એની નજર એક ન્યુઝ ચેનલ પર અટકી અને એણે જોરથી બૂમ પાડી,"પપ્પા જલ્દી બહાર આવો. મમ્મી, ટીવી પર આવી.. જુઓ!"
મૌલિક પિરસેલી થાળી લઈને બહાર આવ્યો તો એણે જોયું તો મિત્તલનો લાઈવ ઈન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો.

મિત્તલ વાદીઓની વસાહતમાં રહેતાં ત્રણ બાળકો સાથે વાતચીત કરી રહી હતી. વાતચીત દરમિયાન જાણવાં મળ્યું કે એ ત્રણેય ભાઈઓ એકલાં જ અહીં રહેતાં હતાં. એમના માતા પિતા પૈસા કમાવવાનાં હેતુથી બીજે ગામ જઈને રહેતાં હતાં. એ ત્રણેય ભાઈઓમાં મોટા છોકરાની ઉંમર લગભગ તેર વરસની હશે અને નાના બે ભાઈઓ આશરે સાત અને નવ વરસના હશે. આટલી નાની ઉંમરમાં મા બાપ વગર રહેવું, જમવાનું પણ જાતે બનાવીને ખાવાનું, મા બાપનું કંઈ નક્કી નહિ, બે-ત્રણ મહિને આવે. આવે ત્યારે પચાસ-સો રૂપિયા આપીને જાય. એ પૈસા તો આઠ-દસ દિવસમાં પૂરાં થઈ જતાં. બાકીનાં દિવસોમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતાં. તેર-ચૌદ વરસની ઉંમરમાં આટલી બધી જવાબદારી? આ બધું જોઈ મિત્તલનું હૃદય દ્રવી ઊઠ્યું. આવાં તો એક-બે નહીં પણ બસો-અઢીસો બાળકો અહીં રહેતાં હતાં. એમને પૂછતાં ખબર પડી કે, તેઓ મા બાપ સાથે કેમ નથી જતાં રહેતાં? તો જવાબ મળ્યો કે અમારે ભણવું છે. એમની હારે ભટક્યાં કરીએ તો ભણવાનું છૂટી જાય. મિત્તલે ઈન્ટરવ્યૂ પતાવતાં કહ્યું,"મિત્રો! કેટલાં દુઃખની વાત છે ને? આપણે આપણાં બાળકોથી સાત-આઠ કલાક દૂર રહીએ છીએ તો પણ આપણાં બાળકો હિજરાતાં હોય છે. નોકરી કે વ્યવસાયના કારણે થોડાં સમય માટે આપણે ઘરથી દૂર રહેવું પડે છે તો આપણે બાળકો પ્રત્યે ચિંતિત થઈ જઈએ છીએ. તો શું આ બાળકો નહિ હિજરાતાં હોય? એમનાં મા-બાપને એમનાં બાળકો પાસે રહેવાનું મન નહિ થતું હોય? કેટકેટલી મજબૂરી? શું આપણે આ બાબતે કોઈ પગલાં લેવા ન જોઈએ? સરકાર એમની કોઈ મદદ ન કરી શકે? કંઈક તો કરવું પડશે અને એ હું ચોક્કસ કરીશ." એટલું કહી મિત્તલે ઈન્ટરવ્યૂ પૂરો કર્યો. એ સાથે એની આંખો ભીની થઈ ગઈ. (પાછળથી મિત્તલે 'વી.એસ.એસ.એમ' અને મિત્રોની મદદથી ત્યાં જ અઢીસો છોકરાઓ માટે હોસ્ટેલ બનાવી અને એમને પૂરતું ભોજન તેમ જ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવાનું કહ્યું.)
અહીં, ટીવી જોઈ રહેલા મૌલિકની આંખો પણ ભીંજાઈ.
ફરી એ જ ગીત ગુંજી ઊઠ્યું, કદી તું ઘર તજીને રે.......
મિત્તલનો ફોન રણક્યો.
મિત્તલે ફોન ઉપાડ્યો,"બોલો!"
"સોરી, હવે ક્યારેય તને કોઈ વાતે નહીં રોકું."
મિત્તલ મનમાં મલકાઈ, જાણે એને એનું સરનામું પાછું મળી ગયું.


(સત્યઘટના આધારિત)








7
શીર્ષક: જંગલનો માણસ
લેખન : દર્શના વ્યાસ 'દર્શ'


રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવૉર્ડ એનાયત થયો ત્યારે કેટલાંય કેમેરાની ચાંપો શ્રી જાદવ મોલાઈની છબી કેદ કરી રહી. સમારંભ હજુ તો પૂરો થાય ત્યાં પત્રકારોનું ટોળું તેમને ઘેરી વળ્યું. એક પછી એક સવાલ,"આટલું ઉમદા કામ કરવાની આપને પ્રેરણા ક્યાંથી મળી?" આ સવાલ સાંભળતાં જ જાદવ મોલાઈના મનમાંથી સમયપટ ખરી પડ્યો.

'ત્યારે સોળ વર્ષની કાચી પણ તરવરાટભરી ઉંમર હતી. ઓરિસ્સાનું સાવ છેવાડાનું નદી કિનારે આવેલું ગામ. એ દિવસે પવન બેકાબૂ અને નદી ગાંડીતુર. આખાય ગામને જાણે બાનમાં લીધું હોય તેમ નદીનાં ઘોડાપૂર ગામમાં ફરી વળ્યાં. એ સાથે ભલભલું તણાઈ ગયું. કાચી માટીનાં ઘરો તો એવાં ઓગળી ગયાં કે તેની સાથે કોણ કોણ વહયું તેનોય હિસાબ ન રહ્યો! મારી મા સાથે અમારું ઝૂંપડુંય વહી ગયું. મારા ફાટેલાં ખમીસની ચાળ બાપુએ ઝાલી મને ઝાડની ટોચે હજુ બેસાડ્યો ત્યાં તો બાપુય નદીનો રેલો થઈ ગયાં.

ક્યાંય સુધી ઝાડની ડાળીને વળગી રહ્યો કંઈ જ ભાન ન રહ્યું. આંખ ખૂલી ત્યારે ગામની એકમાત્ર નિશાળ જેનાં પગથિયાં હું ક્યારેય ચડ્યો નહતો ત્યાં રાહત શિબિરમાં પડ્યો હતો.

મા-બાપ અને ઘર ખોઈ દીધાં પછી શાળાના માસ્તર સાહેબ મને તેમના ઘરે લઈ આવેલાં. માસ્તર સાહેબ અને તેમના પત્ની ખૂબ પ્રેમ આપતાં પણ મારા મનમાં તો એક જ સવાલ ....જે સાહેબને તે દિવસે પૂછી જ લીધો,"સાહેબ આ પૂર કેમ આવે? બધું તાણી જાય તે તેને રોકાય નહીં?"

સાહેબ માથે હાથ ફેરવીને કહેતાં,"માણસોએ જંગલ કાપી શહેર, ગામ બનાવ્યાં. પશુપંખીના ઘર છીનવ્યાં. નદી કિનારે ઉપજાઉ જમીનમાં ખેતી થતી ત્યાં શહેરો, ગામ વસ્યાં. ઝાડની વાડ તૂટી તો નદી પૂર બની ગામમાં ઘૂસે. ઝાડ તો જીવન છે બેટા."

પછી મને ક્યાં કંઈ સંભળાયું જ હતું. એક જ વાક્ય 'ઝાડ તો જીવન છે.'


ઘરે મને આનંદમાં રાખવા માસ્તર સાહેબ મને કહેતા,"જો આ ગીત મારી સાથે ગા અને મોજમાં રહે."
પછી તે મોટેથી ગાતાં,
"કદી તું ઘર તજી ને રે...
વગડે લીલા ઘાસમાં ઉગ્યાં ફૂલ,
ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે.."
આ ગીતમાં મને રસ્તો મળી ગયો. આ ગીત અને 'ઝાડ તો જીવ' એ મંત્ર સાથે માસ્તર સાહેબનું ઘર તજી દીધું. વગડે ભમી લીલું-સૂકું ખાઈને બસ વગડામાં ઝાડ વાવવામાં જીવતરના ત્રીસ વર્ષ હોમી દીધાં. બંજર તેરસો સાઈઠ હેકટર જમીનમાં લાખો ઝાડ વાવી મોટું જંગલ ઉભું કર્યું. લાખો પશુપંખીને ઘર મળ્યું.

એક દિવસ જંગલના જીવનની ફોટોગ્રાફી કરનાર માણસ મારા જંગલમાં આવી ચડ્યો. મને મળ્યો હકીકત જાણી મારા વિશે લેખ લખ્યો. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ મને 'ફોરેસ્ટ મેન'ની પદવી આપી. અમેરિકાની કોલેજમાં મારા જીવન વિશે ભણાવામાં આવે છે એ જાણ્યું. ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે મને અઢી લાખની સહાય કરી ત્યારે પહેલીવાર આટલી મૂડી જોઈ. આજે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવદાના હાથે 'પદ્મશ્રી..'

સમય ચીરી પાછો વર્તમાનમાં આવ્યો. હું ભીડ ચીરતો આગળ વધ્યો. 'ઝાડ એ જ જીવન' મંત્ર સાથે આ બધાંથી દૂર.. મારા જંગલમાં.


(સત્યઘટના આધારિત)









8
શીર્ષક : સોનરેખ
લેખન : રસિક દવે

જાન ઊઘલવાનો સમય થયો. ગોપાલકાકા અને ગોમતીકાકી પોતાની એક ની એક દીકરી સોનાને વિદાય આપવાની વસમી ઘડીમાં અંતરનાં વિષાદને પગલે, ભારી મોં પર પરાણે સ્મિત લાવી દીકરીને શિખામણના બે શબ્દો કહ્યાં ને પછી વેવાઈ-વેવાણને ઉદ્દેશી ભલામણ કરતાં કહ્યું,"આપની સરભરામાં કંઈ ખામી રહી હોય તો ઉદાર દિલે માફ કરજો અને સોનાથી ભૂલ થાય તો એનાં માબાપ બની માફ કરજો. ધીમેધીમે રહેણીકરણીનાં ઢાળા ઢળી જાશે. એક રોપાને બીજે રોપીએ તો એનેય ઉછરતાં સમય જોઈએ તો આ તો જીવંત રોપો છે આપની જમીનમાં જામવા થોડો સમય આપજો." "લો, હવે રામરામ.." કહી ગોમતીકાકીએ સોનાને બાથ ભરી રડતાં રડતાં સાસરીમાં રહેવાની 'બે શીખ' આપી ગળે મળ્યાં અને મોટરકાર હળવે હળવે ચાલી.
પરંતુ, સોનાની નજર આ બધાં વચ્ચે કૈંક શોધી રહી હતી. તેની મૂંઝવણ એ હતી કે સૌમ્ય, એનો નાનપણનો સખા, કોલેજ કાળનો અંગત મિત્ર અને નામ મુજબ ગુણ ધરાવતો, જેને પોતે પ્રેમ કરતી હતી, જે તેને સોનરેખ કહી સંબોધતો તે કેમ ક્યાંય દેખાતો નહતો? પોતે માતા-પિતાને પોતાનાં અંતરની વાત પણ કરેલી ત્યારે પોતાની જ જ્ઞાતિનો અને એક જ ગામના હોવા છતાં આર્થિક અસમાનતા હોઈ સંબંધ માટે માન્યતા ના આપી.
સૌમ્ય પણ વિચારતો કે,'ગરીબી એ સૌથી મોટો અવગુણ છે.' તમારા સઘળાં ગુણો એનાથી પરાસ્ત થઈ જાય છે. પોતે પણ સરકારી ખાતામાં ક્લાર્ક હતો. ખાધે-પીધે પરિવાર સુખી હતો. હા..ઘરનું ઘર હતું, પણ પરિવાર પાસે અન્ય કોઈ મૂડી નહોતી. જ્યારે ગોપાલકાકા એક શ્રીમંત વ્યક્તિ હતા.
ધીમે ધીમે ચાલતી કારની બારીની બહાર ફરતી નજર શેરીના છેવાડે ઊંચા ઓટલા પર અદબવાળી ઉભેલાં સૌમ્ય પર પડી. સોના અને સૌમ્યએ જાણે આંખોથી જ વાત કરી લીધી,"તું એક મિત્ર બનીને મને આવજો પણ નહીં કહે?"
જાણે સૌમ્યએ આંખથી પ્રત્યુત્તર વાળ્યો,"આવજો તો કહેવાનું હોય નહીં સોનરેખ, આવજો તો કીધું અમે આંખથી.

*પાંચસાત પાંચીકા જેવાં સંભારણાં*
*કૂંણી કૂંપળ શા રતુંમડા સંભારણાં*
*જીરવ્યાં જીરવાય નહીં એવાં સંભારણાં*
*મૂકતાં જાજો ગલીના નાકે*
*હ્દયાની માટીની સૂકકી ભીનાશમાં*
*સળકે તો ફેંકજો આ કાંઠે*
*જીવતરના કાંઠા તો ભાંગીને ભૂક્કો થઈ*
*ખરતાં રહેશે તમ યાદ થઈ*.
*આવજો તો.....*
*ઝાંપા સુધીની આ વારતા તો કહેવાતી*
*જાન ઉઘલીને તમે જાતા*
*રૂદિયા ઢોલ મારા વગડી* *વગડીને હવે*
*ફાટફાટ થઈને તરડાતા*
*તરડાતા ઢોલની દાંડી બનીને હવે*
*દહાડાઓ પડઘાશે શ્વાસથી....*
*આવજો તો.....*
ને સોનરેખ ધૂળની ડમરીમાં વિલિન થઈ ગઈ અને બે વર્ષ વીતી ગયાં.
આ બે વર્ષમાં સમયનું ચક્ર એવું ચાલ્યું કે સૌમ્યની તબિયત કૈંક ઠીક રહેતી ન હતી. શરીરમાં ધીમો- જીણો તાવ, હિમોગ્લોબીનનું ઘટવું, થાક અને શરીર પર અવારનવાર ઉપસી આવતાં ચકામાંનું નિદાન લોહીનું કેન્સર. ધીમે ધીમે તબિયત લથડતી ચાલી. એલોપથી સાથે આયુર્વેદના પણ ઉપચાર ચાલુ થયાં. પરંતુ, દર્દ મચક આપતું ન હતું.
સોના પણ આ બે વર્ષમાં સાસરીમાં બરોબર ગોઠવાઈ ગઈ હતી. સુખી હતી. હા..બે વર્ષમાં હજુ સંતાન સુખનો લ્હાવો મળ્યો નહતો. તે ઘણીવાર પિયરમાં આવતી-જાતી રહેતી હોવાથી સૌમ્યની સ્થિતિથી વાકેફ હતી અને એના માટે સૌમ્યને મળીને પોતાને દોષિત માનતી. સૌમ્યએ તેને પોતાના સંસારને સંભાળવાની અને દુઃખી ન થવાની શીખ આપેલી.
એક દિવસ ગોપાલકાકાને ત્યાં સમાચાર આવ્યાં કે,'અકસ્માતમાં તેમના જમાઈનું દુઃખદ અવસાન થયું છે.' બધી વિધિ થઈ ગયાં બાદ, સોનાને ખૂણો મેલાવવાની વિધિ અને શોક ભાંગવા પિયરમાં ગોપાલકાકા તેડી લાવ્યા.

દુઃખના ભારથી શોકાતુર એવી સોના શ્વેત સાડીમાં અને સેંથીમાં સિંદૂર અને ચાંદલા વગર સૌમ્યની તબિયતના ખબર અંતર પૂછવા તેના ઘરે ગઈ. તેને આવી સ્થિતિમાં જોઈ સૌમ્ય વધુ ઉદાસ બની ગયો, તો સાથે સોના, સૌમ્યની એક વખતની 'સોનરેખ' પણ સૌમ્યની લથડતી તબિયત જોઈ તેને એકીટશ જોઈ રહી.
સૌમ્યની પેનડ્રાઈવમાં સાઉન્ડ બારમાંથી મંદમંદ ગઝલ વાગી રહી હતી,
"તારી ઉદાસ આંખમા સપના ભરી શકું,
મારૂં ગજુ નથી કે તને છેતરી શકું.. "
બંનેની આંખો વિવશતાથી છલકાઈ ઊઠી...













9
શીર્ષક : અમર પ્રેમ
લેખન : કૌશિકા દેસાઈ

"નીર ઓ નીર ક્યાં છે તું? તું આમ સંતાઈ જઈશ તોપણ મારાથી બચવાની નથી. ચાલ હવે જલ્દીથી આવીજા નહીં તો પછી હું રિસાઈ જઈશ તો કદી પાછો નહી આવું. બહુ રાહ જોવડાવી હવે મારે તારી જોડે નથી રમવું કે નથી બોલવું......."
"ના નિલય ના, એવું ના કર હું તો એમ જ તારી જોડે મજાક કરતી હતી, નિલય તું મને મૂકીને ના જા, નિલય......"
એકદમ જ નીરની આંખ ખુલી ગઈ, તે આખી પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. તેણે આજુ બાજુ જોયું, પણ કોઈ ન હતું. આ સપનું એ રોજ જ જોતી. છેલ્લા પંદર વર્ષથી કદાચ આ સપનાથી જ એની સવાર થતી હતી.
નીર એટલે નીરવા, બધાં માટે નીરવા પણ નિલય એને નીર જ કહેતો.
આજે ધુળેટીનો દિવસ છે. છેલ્લા પંદર વર્ષથી તે આ દિવસે સરસ તૈયાર થઈને નીલયની રાહ જોતી. નિલય જ્યારે તેને છોડીને ગયો ત્યારે તે ફક્ત દસ વરસની જ હતી.
તે દિવસે પણ નીરવાને એની માએ સરસ મજાની તૈયાર કરી હતી, તેને જોઈને નિલયે તેને કહ્યું હતું કે," તું આજે આટલી તૈયાર થઈને આવી છે, તો હું તને રંગ નહી લગાવું, એમ વિચારતી હોય તો એ વાત ભૂલી જજે."
તે દિવસે ખૂબ હોળી રમ્યા પછી સાંજે નિલય નીરવાને મળવા આવ્યો હતો અને પોતાના ગામ છોડી શહેર જવાના સમાચાર આપ્યા હતા. તેના પિતાને શહેરમાં મોટા કારખાનામાં નોકરી મળી ગઈ હતી.
"તું કેમ જાય છે નિલય? અહીં જ રોકાઈ જા મારા ઘરે, આપણે બંને સાથે રહીશું, ભણીશું અને ખૂબ મજા કરીશું. તારા વગર મને નહીં ગમે, હું એકલી શું કરીશ? " નીરવા ખૂબ રડી અને રડતી જ રહી.
"નીર તું આમ રડે છે એ મને નથી ગમતું" એમ કહેતા નિલયે નીરના આંસુ લૂછ્યાં અને એને પોતાના નાનકડા હાથથી આલિંગન આપ્યું અને કહ્યું,"નીર તું રડ નહીં, હું પાછો ચોક્કસ આવીશ, તારા વગર મને થોડું ગમવાનું છે, તારા વિના હું થોડી રંગોથી રમવાનો છું, તું મારી રાહ જોઇશ ને? "
અને નિલય ત્યાંથી ચાલ્યો ગયો. તે વાતને આજે પંદર વર્ષ વિતી ગયા.
નીર તે દિવસથી રોજ ધુળેટીની રાહ જોતી. ધુળેટીને દિવસે આંખમાં સપના લઈને ઉઠતી અને રાત્રે આંસુ લઈ સૂઈ જતી.
આજે પણ એવો જ ધુળેટીનો દિવસ હતો. નિર ઉઠી ત્યારથી એક અલગ ઉથલ પાથલ એના મનમાં ચાલી રહી હતી, તે ખુશ હતી અને એને ક્યાંક એવું લાગતું હતું કે આજે કઇક બનવાનું છે. તે સમજી ના શકી એટલે વિચારોને પડતાં મૂકી તે પોતાના કાર્યમાં પરોવાઈ.
તેણે નાહીને પોતાની જાતને અરીસામાં જોઈ અને જાણે શરમાઈ ગઈ હોય એમ એના ગાલ પર લાલાશ ફરી વળી. તેણે લીલા રંગનો બાંધણીનો ડ્રેસ પેહર્યો એની ઉપર લાલ ચટક ઓઢણી ઓઢી, પોતાના ખુલ્લા વાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પછી પોતાના વાળમાં ગુલાબના ફૂલનો ગુચ્છો નાખ્યો. એને પોતાને મોગરા ખૂબ ગમતાં, પણ નિલયને તો ગુલાબ જ ગમતા. નિલય નીર માટે હંમેશા લાલ ગુલાબ ક્યાંકથી પણ તોડીને લાવતો ભલે પછી તેને જૂઠું બોલવું પડે કે માર ખાવો પડે, પણ તે ચોક્કસ લઈને આવતો.
નીર સરસ તૈયાર થઈ ગઈ અને પછી પોતાના કપાળ પર તેણે લાલ સરસ મજાની બિન્દી લગાવી અને મનમાં બોલી," નિલય આ બિંદી તારાં નામની લગાવી છે, હવે સેંથી પણ તારા નામની પૂરવી છે, તું આજે આવી મને તારા રંગમાં રંગી દેજે અને આ સેંથી પૂરી દેજે."
તે મનમાં મલકાઈ. તેને યાદ આવ્યું કે મમ્મીએ તેને વેહલા ઉઠી મદદ કરવાનું કહ્યું હતું, આજે કોઈ મહેમાન આવવાના હતા. તે હજી નીચે ઊતરતી જ હતી ત્યાં મમ્મીની બૂમ સંભળાઈ.
"આવી મમ્મી, જો આવી ગઇ ને તારી મદદ કરવા, ખાલી ખાલી બૂમો પાડે છે ને તું."
મમ્મી નીરને જોતી જ રહી, કેટલી સુંદર લાગતી હતી તે આજે! આમ તો તે સુંદર હતી જ, પણ આજે તેનું રૂપ ખૂબ ખીલ્યું હતું. માને ખબર હતી કે આજે ફરી નીર નિલય માટે તૈયાર થઈ હતી, પણ નીરને ક્યાં ખબર હતી કે આજે એને જોવા શહેરથી છોકરાવાળા આવવાના હતાં અને જો બધું પાર ઉતરે તો આજે તેના વિવાહ પણ થઈ જવાના હતા. માની આંખમાં આંસુ આવી ગયાં, તેને ખબર હતી કે નીરને આ વાત જાણ થતાં જ તે ઘર માથે લઈ લેશે. મમ્મીએ તેના ઓવારણાં લીધાં અને કહ્યું," આજે તો તુ કોઈ અપ્સરા જેવી લાગે છે." નીર જોરથી હસવા લાગી.
"મમ્મી આજે કોણ આવવાનું છે?"
"એ તો પપ્પાના મિત્ર તેમના કુટુંબ જોડે આવવાના છે."
"આજે કેમ આવવાના છે? તમને ખબર છે ને કે આજે હું કોઈને મળતી નથી. હું ક્યાંય બહાર પણ નથી જતી. આજે મારે નિલયની રાહ જોવાની છે. હું તે લોકોને મળવાની નથી એટલે મને ના બોલાવતી."
એમ કહી તે પાછી ઉપર જતી રહી. બારીમાં બેસી દૂર સુધી દેખાતાં રસ્તા પર નજર દોડાવતી રહી. સવારથી બપોર થઈ ગઈ. તે એમને એમ બેસી રહી. હજી તેનો ઉત્સાહ એવો ને એવો જ હતો. કેટલા બધા લોકો અને બાળકો રંગોથી રમતા અહીં તહી દોડતા હતા.
દરવાજે કોઈએ ટકોરા માર્યા. નીર એક પળ માટે ખુશ થઈ, પણ બીજી જ પળે તેને યાદ આવ્યું કે તે નિલય નહી હોય, નિલય તો પાછલા દરવાજે ચોરીથી જ આવતો અને એને રંગતો, એટલે તે પાછી નિરાશ થઈ ગઇ. એને ખ્યાલ આવ્યો કે ચોક્કસ મહેમાન આવ્યા હશે.
કોઈ જોર જોરથી દરવાજો ઠોકી રહ્યું હતું. મમ્મીએ દરવાજો ખોલ્યો, સામે ગામના મુખીકાકાનો નોકર ઊભો હતો, બહુ ગભરાયેલો અને બેચેન હતો.
"અરે સુખરામ ભાઈ તમે? કંઈ કામ હતું, કેમ એટલા ડરેલા લાગો છો?"
"જાનકી ભાભી, આપણા કરસન ભાઈનો નિલય ગામને પાદરે....."
એટલું કહી એ ચૂપ થઈ ગયા. નિલયનું નામ સાંભળતાં જ નીરે ગામના પાદર તરફ દોટ મૂકી.
"નીર ઊભી રહે ક્યાં જાય છે, પૂરી વાત તો સાંભળ આમ ક્યાં ભાગે છે?"
મમ્મી બૂમ પાડતી રહી, પણ નીર તો બસ ગઈ એ ગઈ. મમ્મી પણ પાછળ દોડી, ગામને પાદર તો જાણે મેળો ભરાયો હોય એમ આખું ગામ ત્યાં ભેગુ થયું હતું. આમાં કંઈ નવું ન હતું ગામને પાદર આવી ભીડ થતી રહેતી. નવું હતું તો ત્યાં સિપાહીઓની એક ટોળકી હતી અને જોડે એક તાબુદ પડેલું હતું. નીર નિલયના નામની બૂમો પાડતી ત્યાં આવી, પણ એને નિલય ક્યાંય દેખાયો નહીં.
"નિલય ક્યાં છે તું? હવે આવ્યો છે તો આમ સંતાઈ ના જા, બહુ રાહ જોવડાવી છે, હવે રાહ નથી જોવાતી હું ખૂબ થાકી ગઈ છું. જો હું તારે માટે કેટલી સરસ તૈયાર થઈ છું. તારા ગમતા ગુલાબના ફૂલો પણ નાખ્યા છે. નિલય ક્યાં છે તું?"
નીરની મમ્મીએ આવી એને સંભાળી.
સિપાહીઓમાંથી એક સિપાહી આગળ આવ્યો એણે તાબુદ તરફ આંગળી કરતાં કહ્યું કે આ નિલય કરસનભાઈ ગોહિલ છે, તે દુશ્મનો જોડેના યુદ્ધમાં શહીદ થઈ ગયા છે. એમણે આ ગામનું સરનામું આપ્યું હતું એટલે એમને અહીં લઈને આવ્યા છીએ. આ વાત સાંભળતાં જ નીર નિષ્પ્રાણ થઈને ઊભી રહી ગઈ તેની આંખમાંથી આંસુ સરે જતાં હતાં અને તે કંઈ પણ બોલી શકે એ હાલમાં ન હતી. ગામના મુખીએ તાબુદ ખોલ્યું અને અંદર નિલય ફૌજના ગણવેશમાં સજ્જ હતો. નીર ધીરે ધીરે એની નજીક આવી.
"નિલય તું આવ્યો! જો હું તને રંગવા રંગ લઈને આવી છું. તું તો આ ડ્રેસમાં કેટલો સરસ લાગે છે, પણ તને એમ લાગતું હોય કે હું તને આ કપડાં પેહર્યા છે તો રંગ નહી લગાવું, તો એ વાત ભૂલી જજે. એમ કહી એણે નિલયના ગાલ પર પ્રેમથી ગુલાલ લગાવ્યો અને પછી એને આલિંગન આપી ત્યાં જ એની છાતી પર માથું રાખી એના રંગમાં રંગાઈ ગઈ.













10
શીર્ષક: વિવશતા
લેખન : વૃંદા પંડ્યા
ભાર્ગવભાઈ આજે વ્યથિત હૃદયે બેઠા હતા. જાણે એકલતા એમના જીવનને ઘેરી વળી હતી. સમગ્ર પરિવાર એમની આસપાસ વીંટળાયેલો હતો, પણ લોકોની ભીડમાં પણ તેઓ એકલતાની ઊંડી ખાઈમાં ગરકાવ થઈ ગયા ને જાણે ઊંડે ઊંડે ઉતરતાં જતાં હતા. હૈયામાં વિહ્વળતા એટલી હદે છવાઈ ગઈ હતી કે આજુબાજુના કોઈપણ અવાજ એમને સંભળાતાં ન હતા.
ઘણા દિવસોના માનસિક અને શારીરિક થાક ને કારણે ભાર્ગવ ભાઈની આંખોમાંથી જાણે આંસુ સુકાઈ ગયા હતા.
એટલામાં બાજુમાંથી અવાજ આવ્યો,
"કાકા અમે તમારી સાથે જ છીએ, તમે કઈ ચિંતા ના કરતા." ભાણા ભત્રીજાઓ ભાર્ગવભાઈને સાંત્વના આપી રહ્યાં હતા.
ભાર્ગવભાઈ ગળગળા અવાજે જાણે સ્વગત બોલ્યા,"તમે બધા તો છો, પણ સુહાસી ક્યાં છે? એ તો નથી જ ને! બોલતાં બોલતાં ભાર્ગવભાઈની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા ને જાણે આંખોમાં તરી આવેલ અશ્રુ બુંદથી ધૂંધળી આંખે ભૂતકાળ સાફ સાફ જોવા લાગ્યા.

ઉંમરનો કેટલો સુંદર એ પડાવ હતો! જયારે હું અને સુહાસી એકબીજાના પ્રેમમાં પાગલ હતા.
ભવિષ્યની ભેખડમાં શું છુપાયેલું છે એની દરકાર કર્યા વગર જ એકમેકમાં ખોવાયેલા રહેતાં. અમારો પ્રેમ વસંતના સુગંધી વૈભવ જેવો મહેકતો હોવા છતાં પણ બંને પરિવાર રૂઢિચુસ્ત હોવાના કારણે પ્રેમને સ્વીકૃતિ મળતાં ઘણી જ વાર લાગી. પિતાજી તો જીવનના અંત સુધી અમારા લગ્ન સ્વીકારી શક્યા જ નહી. શું ખરેખર માતા પિતાના નિસાસા લાગતા હશે? શું માતાપિતા પોતાના સંતાનોનું અહિત ઈચ્છે ખરા? હજુ પણ કાનમાં પડઘાય છે પપ્પાના એ શબ્દો,'અમારી ઈજ્જત ધૂળમાં મેળવીને તમે બંને ક્યારેય સુખી નહીં થઈ શકો.'
શું ખરેખર અંતરની આહ હશે? કે પછી પપ્પાના મોઢેથી આ શબ્દો ગુસ્સામાં અનાયાસે નીકળ્યા હશે?
સમય જાણે પાણીના પ્રવાહની જેમ વીતતો ગયો. પિતાની નારાજગી સાથે પણ જીવન તો સુખેથી પસાર થવા લાગ્યું. પ્રેમના પરિણામ સ્વરૂપ ચાર ચાર વર્ષના અંતરાલે કેટલી સુંદર પરી જેવી બે દીકરીઓ જન્મી.
સ્વાતિના જન્મ પછી તરત સુહાસીને ઝેરી મેલેરિયા થયો એ સમયે તો એ મોતના મુખમાંથી બહાર આવી ગઈ, પણ ત્યાર પછીના સંજોગો કેટલા બધા બદલાઈ ગયા. સુહાસી ખૂબ બીમાર રહેવા લાગી હતી.
વાતાવરણમાં થતા સાધારણ બદલાવ પણ એને બીમાર કરી જતા. એની ડોક્ટર પાસે તપાસ કરાવી ને તપાસ અંગેના રિપોર્ટ આવતાં પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. કોઈને ના કહેવાય, ના સહેવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
શું ભૂલ હતી સુહાસીની? શું ભૂલ હતી મારી? જેની સજા અમને મળી. સ્વાતિના જન્મ સમયે સુહાસીને આપવામાં આવેલું લોહી એચ.આઈ.વી (HIV) પોઝિટિવ વ્યક્તિનું હતું અને એ જ લોહી મારી સુહાસીની રગોમાં ફરવા લાગ્યું હતું અને એનુ ઇન્ફેક્શન એને પણ લાગી ગયું હતુ. અરે!! માનવામાં આવતું નહતું કે સુહા એચ.આઈ.વી (HIV) પોઝિટિવ હતી.
"ભાર્ગવ!! હવે ચિંતા ના કરો..રિપોર્ટ આવી જશે એટલે ચોક્કસ નિદાન થશે ને પછી એના પ્રમાણે ઈલાજ, એટલે મારી તબિયત પણ સુધરી જશે."
સુહાસી હંમેશાથી હકારાત્મક ને આશાવાદી હતી. નિરાશા એના મુખ પર ભાગ્યે જ દેખાતી. એ દિવસે પણ એ એટલી જ આશાવાદી હતી. એ એકવાર પણ વિચાર નહતી કરતી કે રિપોર્ટમાં કઈ નેગેટિવ તારણ પણ હોઇ શકે છે.
આટલી આશાવાદી અને ઉમ્મીદથી ભરેલી જીવનની પ્રત્યેક પળને ઉત્સાહ પૂર્વક જીવવા વાળી જીવંત સુહાસીને કઈ રીતે કહું કે હવે તું દરરોજ તીલ તીલ મરશે. બધાં જ તહેવારમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેવા વાળી આ સ્ત્રીને કઈ રીતે સમજાવું કે તારા શરીરમાં ધીમે ધીમે શક્તિ ઓછી થશે. મૃત્યુ પર્યન્ત અંગ દાન કરી જીવનદાન આપવાની વાતો કરવા વાળી મારી સુહાને કઈ રીતે કહીશ કે જીવનના એક તબક્કે તારા બધા અંગ એક એક કરીને ખરાબ થતા જશે. આ બધું વિચારતાં મને જ કંપારી છુટી ગઈ હતી ત્યાં તો આ વાત હજુ મારે એને કહેવાની હતી.
કેટલી દયનીય અવસ્થામાંથી પસાર થયો હતો, એ કોણ સમજે? પણ આ કપરું કામ કાળજે પથ્થર મૂકીને પણ કરવાનું હતું જ.
એક દિવસ જયારે હિંમત કરીને મેં એને પાસે બેસાડીને જણાવ્યું, ને હકરાત્મકતાની માલકીન એણે આટલી મોટી બીમારીને પણ હવામાં ઉડાવી દીધી અને કહેવા લાગી,"ભાર્ગવ, કાલે થોડી મરી જવાની છું? દવા લઇને જીવાશે જ ને. હું દવા લીધા કરીશ.
મેં એને પૂછ્યું પણ હતું કે, "સુહા, તું જાણે છે આ બીમારી વિષે? પરિસ્થિતિની ગંભીરતા તને ખબર છે? હું અને તું કયારેય પણ....?
"ખબર છે મને, તમે શું કહેવા માંગો છો, પણ શું આપણો પ્રેમ સ્પર્શનો મોહતાંજ છે? સ્પર્શથી ઉપર ઉઠી આ આપણી દીકરીઓ જ આપણી જિંદગી બનશે."
જેના રૂપ રંગ પાછળ હું પાગલ હતો એને સ્પર્શથી પણ વંચિત કરી દીધો, હે કુદરત તારો આ કેવો ન્યાય હતો! આ અમારી તે કેવી નિયતિ નિર્મિત કરી હતી! જેને જિંદગીથી પણ વધુ પ્રેમ કર્યો એને રોજેરોજ મરતાં જોવાનુ!
અમારા બંનેના શોખ પણ સરખા હતા. અમને બંનેને ગઝલો સાંભળવી કેટલી ગમતી. આવી ફુરસદની પળમાં એણે કેટલી મોટી વાત કહી દીધી હતી જ્યારે આમે સંગીત સાંભળતાં હતા અને ગીત વાગ્યું....
"તારી ઉદાસ આંખોમાં સપના ભરી શકું,
મારુ ગજું નથી કે તને છેતરી શકું."

જાણે અંતરની ઉદાસી વાંચી લીધી હોય એમ જ બોલી ઉઠી
"મૃત્યુ તો અંતિમ સત્ય છે ભાર્ગવ! ચિંતા ના કરો."
એક દિવસ દરેક વ્યક્તિએ મરવાનું જ છે.
ને આમ જ સમય ઘડિયાળના કાંટા પર બેસીને સરરર વહેતો ગયો ને રોગ પણ એનું કામ કરતો રહ્યો. હરપીસ, ડેંગ્યુ, મેલેરિયા, ટાઈફોઇડ, કંઈ કેટલી બીમારી સુહાસીને સ્પર્શીને ચાલી ગઈ. હવે દીકરીઓ પણ મોટી થઇ રહી હતી ને એમને પણ પ્રશ્ન થવા લાગ્યા. હતા કે મમ્મી કેમ સતત બીમાર રહે છે?
જે દિવસે બન્ને દીકરીને પણ સચ્ચાઈ જણાવી હતી તે દિવસે અમે ચારે ભેગા થઈ ચોધાર આંસુ એ ખૂબ રડ્યાં હતા અને એકબીજાને સાંત્વના આપી હતી.
એ સમય પણ કેટલો કપરો હતો જયારે એની બીમારીએ શરીરનો ભરોડો લેવાનું શરૂ કર્યું હતું. એક સમય એવો પણ આવ્યો જ્યારે એક પછી એક અંગો ખરાબ થવા લાગ્યા.
કેટલો કારમો દિવસ હતો એ કે જ્યારે ઓફિસથી હું ને નિધિ ઘરે આવ્યા ને શુ જોયું! બેભાન હાલતમાં સુહાસી પથારીમાં પડી હતી મોઢામાંથી લોહીની ઉલટી પણ થઈ ગઈ હતી. ફટાફટ દવાખાને લઈ ગયા ને વેન્ટિલેટર ચડ્યું એ ચડ્યું.
કાકા, ચાલો સમય થઇ ગયો છે. ભત્રીજાના અવાજ થી ભાર્ગવભાઈની વિચાર તંદ્રા તૂટી.
લથડાતી ચાલે એ માંડમાંડ ઉભા થયા.
સુકાઇને કાંટા જેવી થઈ છે, સુહા! છતાં તારી ઠાઠડીનો ભાર લાગે છે. આને જ કદાચ મૃત્યુનો ભાર કહેવાતો હશે.
આખરે ભરખી ગયો આ રાક્ષસ તને....ને આખરે ભાર્ગવભાઈ છૂટી પોકે રડી પડ્યા.














11
શીર્ષક – વિજેતા
લેખન : ડૉ વિનોદ ગૌડ
હું સમય છુ. હું સદાય નિસ્પૃહી રહું છું. હું લોકોને હસાવું પણ ખરો અને ચૌધાર આંસુએ રડાવું પણ ખરો.
હું સનાતન કાળથી સાક્ષી છું જગતમાં ઘટિત અને ઘટનાર દરેક પ્રસંગનો. આજે મારે તમને એવાજ ઘટી ચુક્યા અને ભવિષ્યમાં ઘટનાર પ્રસંગોની વાત કરવી છે. કદાચ તમને તેમાંથી કોઈ વાર્તા મળી જાય.

રંગીલુ ગુજરાત સમગ્ર વિશ્વમાં તેની નવરાત્રી અને ગરબાઘેલી પ્રજા માટે જાણીતું છે અને રહેશે.
તેમાંય ‘યુનાઈટેડ વે ઑફ બરોડાના’ વિશ્વવિખ્યાત ગરબા ગ્રાઉંડ પર નવરાત્રીના નવ દિવસોમાંથી એક દિવસ પણ ગરબે ગાવા મળી જાય તો કારુનો ખજાનો મળ્યા જેટલો આનંદ થાય. સહુથી રોમાંચક ક્ષણ તો ગરબા પુરા થયા પછીની જાહેરાતની હોય છે. જયારે મંચ પરથી એનાઉન્સમેટ થાય “આજના ગરબા ક્વીનનો ખિતાબ જાય છે, કુમારી ......... અને ગરબા પ્રિન્સનો ઈલ્કાબ જીતે છે શ્રી .........”
ઈસ્વીસન્ 2019, દર વરસની જેમ ગરબાની રમઝટ ચાલી રહી હતી. ગાયક વૃંદના સુરીલા સ્વરમાધુર્ય અને સંગીતની તાલ પર, વડોદરા જ નહીં પણ ઠેઠ અમદાવાદ, ભરુચ, સુરત અને વાપીથી આવેલ ખેલૈયાઓ ભાન ભૂલીને ઝુમી રહ્યાં હતા.
હયૈહય્યુ દળાય તેટલી મેદની વચ્ચે, શૈલી પોતાની પારંપરિક વેશભૂષા અને ગરબા રમવાની લાક્ષણિક શૈલીના લીધે જુદી તરી આવતી હતી. ગરબા પુરાં થયા અને માઈક ઉપર જાહેરાત શરુ થઈ, “આજના ગરબા ક્વીન બને છે કુમારી શૈલી દેસાઈ અને ગરબા પ્રિન્સનો ખિતાબ જીતે છે શ્રી સારંગ દવે. બન્નેને વિનંતી કે તેઓ મંચ પર આવે અને પારિતોષિક સ્વીકાર કરે“
સારંગ દવે, દેખાવે સૌમ્ય, ગોરવર્ણ, સારુ શરીર સૌષ્ઠવ ધરાવતો, વડોદરામાં મામાને ધરે રહીને માસ્ટર્સ ઈન એન્જીનીયરીંગ પુર્ણ કરી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમીનિસ્ટ્રેશનનો અભ્યાસ કરતો યુવાન. યુનાઈટેડ વે ઑફ બરોડાના ગરબા ગ્રાઉન્ડ પર તેની પહલી નવરાત્રી.

શૈલી, ચાઈલ્ડ સાઈકોલોજીમાં પી.એચ.ડી. કરીને બાળકો માટેનુ કાઉન્સેલિંગ સેન્ટર ચલાવતી વડોદરાના ગણમાન્ય ઉધોગપતિ શ્રી અશ્વિન દેસાઈની એકમાત્ર સંતાન. પાણી માંગે ત્યાં દૂધ હાજર કરે તેવા હેતાળ માતા-પિતા. નાનપણથી જ શૈલીની ઈચ્છા તેમને મન સર્વોપરી, કોઈ વાતે તેને ઓછું ના આવવા દે. કયારેક તેમના ધર્મપત્ની ટકોર કરતા, “અશ્વિન, દીકરીની જાત છે થોડા ઓછા લાડ લડાવો કાલે ઉઠીને સાસરે વળાવી પડશે.“
જવાબમાં તેમને સાંભળવા મળતું, “નિષ્ઠા, દીકરી ગણો કે દીકરો મારુ સર્વસ્વ તો શૈલી જ છે, તેને જે ગમે તે કરવા દયો."
શૈલીને બે વસ્તુઓ ખુબ ગમે, બાળકો અને ગરબા. રસ્તે જતી હોય અને કોઈ પણ અજાણ્યુ બાળક દેખાય તો તેની સામે એક મધુર મુસ્કાન સાથે હાથ હલાવી દે. જરુરતમંદ બાળકોને નોટબુકો, પુસ્તકોં, રમકડાં વિગેરે અપાવીને તેને અવર્ણનીય આનંદ મળે. બાળકો જાણે તેનુ જીવન.
ગરબા માટે તો તે ગાંડી ગાંડી થઈ જાય. તેના સમાજમાં કોઈ પ્રસંગ હોય અને ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હોય તો શૈલીની હાજરી અચૂક હોય. નવરાત્રીની તો ચાતક જેમ વાટ જોવાય. ત્રણ મહીના પહેલાથી નવે નવ દિવસના ડ્રેસ, મેચીંગ ઘરેણા, હેયર સ્ટાઈલ વિગેરેનુ લિસ્ટ બની જાય ને તૈયારી થઈ જાય.
બીજા દિવસે પણ વિજેતા તરીકે શૈલી અને સારંગના નામની જાહેરાત થઈ. લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. શૈલી જરીક વિચારમાં પડી, સતત બીજા દિવસે પણ ગરબા પ્રિન્સનો ખિતાબ જીતનાર છોકરો, દેખાવમાં તો હેન્ડસમ છે.
ત્રીજા દિવસે પણ વિજેતા તરીકે શૈલી અને સારંગના નામની જાહેરાત થતાં જ, શૈલી વિચારવા લાગી બંદે મેં દમ હૈ. મંચથી ઉતરતી વખતે બન્ને વચ્ચે સ્મિતની આપ લે થઈ. આગલા દિવસે શૈલી થોડી વહેલી આવી. તેની નજર સાંરગને શોધી રહી. દૂર કૉફીના સ્ટૉલ પાસે સારંગ, કોલ્ડ કૉફીની ચુસકીઓ લઈ રહ્યો હતો.
શૈલી ઝડપથી તેની પાસે પહોંચી ગઈ.
“હેલ્લો સારંગ! અભિનંદન હું શૈલી, ડૉ. શૈલી દેસાઈ “
“હેલ્લો શૈલી, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કૉફી લેશો? હોટ કે કોલ્ડ?"
“થેન્ક્સ, શ્યોર હું હોટ કૉફી લઈશ, હોટ એન્ડ સ્ટ્રોંગ.“
શૈલીએ તેની હોટ કૉફી પૂરી કરી ત્યાં સુધી સારંગનુ કોલ્ડ કૉફી પીવાનુ ચાલું જ હતું .
કૉફી પિવાઈ ગયા પછી થોડીવાર સુધી બન્ને એકબીજાને જોઈ રહ્યાં, જાણે પહેલ કોણ કરે તેનો ઈંતેજાર હોય.
અંતે શૈલીથી ના રહેવાયું “ચાલો, ગરબા પ્રિન્સ સારંગબાબુ આજે થઈ જાય આ ગરબા ક્વીન સાથે ગરબાની રમઝટ! લોકોને પણ ખબર પડે ને કે ગરબા કોને કહેવાય."
થોડા સંકોચ સાથે સારંગે ગ્રાઉંડભણી ડગ માંડ્યા. ગાયકવૃંદે ગરબો શરુ કર્યો.
‘આંખ્યુંના આંજણમાં ફાગણનો કૈફ અને અંબોડે કેસુડો લાલ, રંગની સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ’
જોગાનુજોગ રોજ લાંબા, કાળા ધટાદાર વાળોને છુટ્ટા રાખીને ગરબા રમતી શૈલી, તે દિવસે સરસ મજાનો અંબોડો વાળીને આવી હતી. તેમાં મોગરાનો ગજરો જાણે અષાઢી બીજ. સુંદર મજાનું હળવુ મેકઅપ, શૈલીના રૂપમાં અપ્રતિમ વૃઘ્ધિ કરી રહ્યો હતો. આંખોમાં આંજેલ કાજળની કોર કટારની જેમ દિલમાં સોંસરવી ઉતરી રહી હતી. સપ્રમાણ શરીર પર શોભતાં ભાતિગળ ચણિયા ચૉળી લોકોની નજરોંને તેની કામણગારી કાયા પર ચીટકી રહેવા મજબૂર કરી રહ્યાં હતા .
શૈલી અને સારંગના કદમોને તે દિવસે જાણે નવી ઉર્જા મળી હોય તેમ થનગનાટ કરી રહ્યાં હતા. વચ્ચે વચ્ચે તેમની નજરોનુ મિલન, તેમના હૃદયમાં એક આહલાદક ઉન્માદ ઉમેરી રહયું હતું. પ્રેક્ષકો ભાવવિભોર થઈને તેમને વધાવી રહ્યાં હતા. ગરબા પૂરા થતા સુધીમાં શૈલી અને સારંગ પરસેવે રેબઝેબ થઈ ચુક્યા હતાં. બન્ને જણા એકબીજાને અઢેળીને ગ્રાઉંડમાં બેસી પડ્યાં.
“સારંગ, યુ વર સુપર્બ. તમારા અમુક મુવ્ઝ તો કાતિલ હતા, આઈ એમ ફ્લેટર્ડ.”
“શૈલી હું પણ એ જ કહીશ કે તમે અજોડ છો. તમને ગરબા રમતાં જોઈને ભલભલા ઘાયલ થઈ જાય.”
“તમે થયા?”
થોડા સંકોચ અને મંદ મંદ સ્મિત સાથે સારંગે હકારમાં માથુ નમાવ્યુ.
મંચ પરથી જાહેરાત થઈ “આજના વિજેતા ફરી એક વાર શૈલી દેસાઈ અને સારંગ દવે”
સાંભળતાંવેત ભાવાવેશમાં શૈલી સારંગને ભેટી પડી, તેના ધ્રુજતાં હોઠોંમાંથી શબ્દો સરી પડ્યા, “અભિનંદન પ્રિન્સ”
ધડીભર માટે સારંગ ડધાઈ ગયો. હળવેકથી શૈલીને પોતાનાથી અળગી કરીને કહ્યુ,“તમને પણ અભિનંદન ક્વીન”
પારિતોષિક લેવા મંચ પર જતાં સમયે અનાયાસે શૈલીએ સાંરગનો હાથ પકડી લીધો.
“સારંગ, ચાલો આજે હું તમને ધર સુધી મુકી જાઉં”
“થેન્ક યુ શૈલી, હું બાઈક લઈને આવ્યો છું."
“કાલે બાઈક ના લાવતાં, હું તમને ધરેથી પીકઅપ કરી લઈશ. બાય દ્ વે મને તમારુ સરનામુ મળશે?”
બીજા દિવસે શૈલી સારંગને પોતાની બ્લેક મર્સીડિઝમાં સાથે લઈને આવી. બન્નેને ગાડીમાંથી સાથે ઉતરતા જોઈને ઘણા યુવાન હૈયાઓના નિશ્વાસ ચારેકોર ગુંજી રહ્યાં. પછી તો આ તેમનો રોજીંદો ક્રમ બની ગયો. શૈલી સારંગ મર્સીડિઝમાં સાથે આવે, ગરબા રમે, વિજેતા તરીકે બન્નેના નામની જાહેરાત થાય, કોલ્ડ – હોટ કૉફીના કપ હાથમાં રાખી અલકમલકની વાતો થાય અને સાથે ઘરે જાય.
આ નવરાત્રી શૈલી અને સારંગને એકબીજાની નજીક લઈ આવી. જીવનભર દરેક નવારાત્રીમાં સાથે ગરબા રમવા સુધીના વચનોં અપાઈ ગયા.
આજે નવરાત્રીનો નવમો દિવસ, ગરબા શરૂ થયા. શૈલી અને સારંગ મન મુકીને ગરબા રમી રહ્યાં હતા. અચાનક શૈલીની નજર તેનાથી થોડી દૂર ગરબા રમતી ત્રણ – ચાર વર્ષની સુંદર પરી જેવી બાળકી પર પડી. શું એની વેશભુષા! શું એના મેચિંગ ઘરેણા! શું એનુ મેકઅપ – ગાલો પર ગુલાબી રુઝ, હોઠોં પર લાલચટક લિપસ્ટિક, આંખોમાં કાજળ, નાનકડો અંબોડો તેમા કેસુડાના નકલી ફુલોની એક શેર, જાણે સાક્ષાત્ મા ભવાની ગરબે રમવા ના આવ્યા હોય.
શૈલી તાલ ચુકી ગઈ અને અનિમેષ નજરે તેને જોઈ રહી. ધીમે ધીમે તે બાળકી પાસે પહોંચી અને ગરબા રમવા લાગી . થોડીવારમાં બાળકી થાકીને તેના મમ્મી-પાપા પાસે જઈને ઉભી રહી ગઈ. સૌના આશ્ચર્ય વચ્ચે શૈલી પણ ગરબા રમવાનુ છોડી તેની પાસે જઈને વાતો કરવા લાગી. બાળકીના મમ્મી પાસેથી તેમનો નબંર લઈને પોતાના મોબાઈલમાં બાળકીના નામ (શૈલજા) અને ફોટા સાથે સેવ કરી લીધુ. સારંગ પણ તેમની પાસે પહોંચી ગયો ને આશ્ચર્યથી જોઈ રહ્યો. તેને માનવામાં નહોતું આવી રહ્યું કે શૈલી, જે ગરબા ક્વીનનો ખિતાબ જીતવા ટેવાયેલી છે તેણે પોતાની વિજયકૂચને અધવચ્ચે છોડી .
ગરબા પૂરા થયા. નવ દિવસમાં પહેલીવાર વિજેતા તરીકે શૈલી અને સારંગના નામની જાહેરાત ના થઈ.
સારંગના ચહેરા પર થોડી ઉદાસી, પણ શૈલી તો પોતાની મસ્તીમાં હજુ પેલી બાળકી સાથે વાતોમાં ઓતપ્રોત હતી. રોજના નિયમ પ્રમાણે કૉફી તો પિવાણી, પણ તે દિવસે સાંરગને કોલ્ડ કોફી પણ ગરમ લાગી.
પાછા ફરતાં સારંગે પુછી જ લીધુ “શૈલી આજે કેમ આવુ કર્યુ? ‘યુનાઈટેડ વે ઑફ બરોડાના’ ગ્રાઉંડમાં નવે નવ દિવસ એક જ યુગલ વિજેતા બને એવુ વિશ્વ વિક્રમ બની જતાં અટકાવ્યુ.”
“સારંગ તને તો ખબર છે મારો પ્રથમ પ્રેમ નાના બાળકો છે. એટલે તો હું ચાઈલ્ડ સાઈકોલોજીનું ભણી. તૂ એને મારી ઘેલછા પણ ગણી શકે અને હાં અત્યારથી કહી રાખું છું મને બાળક વગર નહીં ચાલે હોં” આટલુ બોલતાં તો તે શરમાઈ ગઈ.
સારંગે આંખ મિચકારી અને લુચ્ચું હસતા બોલ્યો, “શૈલી હું તારી લાગણી સમજું છું અને વચન આપું છું કે ભવિષ્યમાં આપણી પોતાની આઈ.પી.એલ. ટીમ હશે”
શૈલીએ સારંગને ધીમેથી ઘુમ્મો માર્યો “ધત્ત્ લુચ્ચા મારે ટીમ નથી જોઇતી. બસ એક કે બે.“
“ઓકે માય ક્વીન,જેવી આપની આજ્ઞા.”
સારંગ સાંજના સમયે શૈલીના કાઉન્સેલિંગ સેન્ટર પર મળવા જતો અને તેને બાળકો સાથે બાળક બનીને વાતો કરતી જોઈને એક સુખદ આનંદનો અનુભવ કરતો. ગરબા રમતી શૈલીમાં તેણે એક અલ્લડ યૌવના જોઈ અને કાઉન્સેલિંગ કરતી શૈલીમાં તેને એક મા નજરે પડી. અત્યાર સુધીમાં આટલુ તો તે સમજી ચુક્યો હતો કે શૈલીની નસેનસમાં બાળકો પ્રત્યે અસીમ પ્રેમ વહે છે. શૈલીનો પ્રથમ પ્રેમ બાળક છે.
સારંગની છેલ્લા સત્રની પરીક્ષાનો સમય નજદીક હોવાથી હવે બન્નેનું મળવાનુ ઓછુ થયુ. જોકે દિવસમાં ફોન પર એકવાર વાત કરવાનો નિયમ અકબંધ હતો.
યુનિવર્સિટી ટૉપર તરીકે માસ્ટર્સ થયા પછી સારંગને ‘હાવર્ડ સ્કુલ ઑફ મેનેજમેન્ટ’ તરફથી સ્કોલરશીપ સાથે એક વરસના ઉચ્ચ અભ્યાસ માટે આમંત્રણ મળ્યું.
બન્નેના વાલીઓની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો ને સારંગ વિદેશ જાય તે પહેલા સગાઈની વિધી આટોપી લેવામાં આવી.
ટિકીટ, વીઝા આવી ગયા અને સારંગના જવાનો દિવસ પણ. ફ્લાઈટ મુબંઈથી હતી. શૈલી તેને એરપોર્ટ સુધી મુકવા આવી.
બોર્ડિંગ માટેની એનાઉન્સમેંટ થઈ ને શૈલીએ સારંગને બાથભરી અને ગણગણી, “માય પ્રિન્સ, ઑલ ધી બેસ્ટ. જલ્દી પાછો આવજે. તારે આઈ.પી.એલ. ટીમનુ વચન પુરૂ કરવાનુ છે.
સારંગ સિક્યુરિટી ચેક માટે રવાના થયો. શૈલીએ પાછા ફરી તેની આંખના ઝળઝળિયા રૂમાલ વડે લુછ્યા.
-----×----

ઈસ્વીસન 2020 નો ગોઝારો વરસ.એક દિવસ શૈલીને, સારંગને એક અકસ્માત થયાના સમાચાર મળ્યા. યુનિવર્સિટીના સહયોગી મિત્રોંના સહયોગથી સમયસર સારવાર મળી ગઇ. સારંગે પણ સમાચાર આપ્યા કે ચિંતા કરવાની જરુર નથી .
ઈસ્વીસન 2021’ જન્યુઆરી, સારંગ પોતાનો અભ્યાસ પૂરો કરીને હેમખેમ ભારત આવી ગયો. વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘હેડ ઓફ ધી ડિપાર્ટમેંટ - મેનેજમેન્ટ સ્ટડીઝ’ તરીકે જોડાઈ ગયો.
શૈલી અને સારંગ પહેલાની જેમ, કાઉન્સેલિંગ સેન્ટર પર મળવા લાગ્યા. કોણ જાણે વિદેશથી આવ્યા પછી, શૈલીને સારંગ તેની કોલ્ડ કૉફીની જેમ કોલ્ડ લાગ્યો. બન્નેના ઘરે લગ્નની તૈયારીયોં થઈ રહી હતી.
એક સાંજે સિંધરોટના ઉમેટા બ્રીજ પરથી મહી નદીના અર્ધા સુકાયેલા પટને જોતાં જોતાં થોડું હંસીને શૈલી પુછી બેઠી, “પ્રિન્સ શું વાત છે? તું મને ક્યાંક ખોવાઈ ગયેલો લાગે છે. કોઈ ગોરી મેમનો ચક્કર તો નથી?”
“ના શૈલી કોઈ ગોરી મેમનો ચક્કર નથી, પણ મને લાગે છે કે મોડું થઈ જાય તે પહેલા આપણે અહિયાંથી અટકી જઈએ.”
“કેમ એવું તો શું.........?”
આગળના શબ્દોં ત્યાંથી પસાર થતી કારમાંથી આવતી ગઝલના મિસરા: ‘મારું ગજુ નથી કે તને છેતરી શકું...’માં ખોવાઈ ગયા.
સારંગે અર્થપુર્ણ નજર શૈલી તરફ નાખી એક મોટો નિસાસો ભર્યો ને અશ્રુભીની આંખે બોલ્યો,“શૈલી, અકસ્માતમાં મારી ટેસ્ટીજ ડેમેજ થતાં વેસેક્ટોમી જરુરી થઈ ગઈ હતી. તને અંધારામાં નહિ રાખું, હું તને બાળક આપવા સક્ષમ નથી રહ્યો.
શૈલી સ્તબ્ધ થઈને સારંગને જોઈ રહી, થોડી વારે સ્વસ્થ થઈ અને બોલી “મારા પ્રિન્સ, ચાલો અત્યારે તો ઘરે જઈએ. આ બાબતની ચર્ચા પછી કરીશું."
કોવીડ – 19 ની બીજી લહેરે ફરી માથું ઉચકયું અને પ્રથમ લહેર કરતા વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ. કોઈના પિતા, કોઈની માતા, કોઈનો ભાઈ તો કોઈની બહેન કાળનો કોળિયો બન્યા. ધણા માસુમ બાળકોએ માતા-પિતા બન્નેની છત્રછાયાં ગુમાવી અને અનાથ થઈ ગયા.
દુર્ભાગ્યવશ શૈલજા પણ તેમાંની એક હતી. તેણીના માતા-પિતા બન્ને કાળમુખા કોવીડના ખપ્પરમાં હોમાઈ ગયા. શૈલીને આ વાતની જાણ થઈ. સારંગ સાથે થોડી ચર્ચાને અંતે બન્નેએ લગ્નપછી શૈલજાને દત્તક લેવાનો નિર્ણય કર્યો. સાદગીથી ઘડીયા લગ્ન લેવાયા. જરુરી કાયદાકીય કાર્યવાહી પુર્ણ થઈ અને શૈલજાને પ્રેમાળ માતાપિતાની છત્રછાયાં મળી.
-----×-----
2021 ની નવરાત્રી આવી પંહોચી, ‘યુનાઈટેડ વે ઑફ બરોડાના’ ગ્રાઉંડ પર નવરાત્રીના આયોજનની તૈયારીઓ થવા લાગી.
નવરાત્રીનો પહલો દિવસ, ગરબા ગ્રાઉંડ સોળે શણગાર સજીને ખેલૈયાઓને આવકારવા તૈયાર.
આજની રાત્રીની શરુઆતમાં ગાયક વૃંદે શરુઆત કરી ‘આંખ્યુંના આંજણમાં ફાગણનો કૈફ અને અંબોડે કેસુડો લાલ, રંગની સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ’
ગરબા પૂરા થયા. વિજેતાઓના નામની ઘોષણા થઈ “આજના વિજેતા છે ગરબા ક્વીન શ્રીમતી શૈલી દવે અને ગરબા પ્રિન્સ શ્રી સારંગ દવે અને વિશિષ્ઠ પુરસ્કાર વિજેતા ગરબા પ્રિન્સેસ કુમારી શૈલજા દવે. તેઓને વિનંતી કે, તેઓ મંચ પર આવે અને પુરસ્કાર ગ્રહણ કરે.“
શૈલી અને સારંગના હાથ પોતાના હાથમાં પકડીને નાનકડી શૈલજાએ મંચ તરફ પગલા ભર્યા.
હું સમય છુ. હું સદાય નિસ્પૃહી રહું છું.
-----×-----












12
શીર્ષક: આઘાત
લેખન : ઝરણા રાજા 'ઝારા'

"હેલો, વિરેશ ક્યાં છે તું? કેમ ફોન રિસીવ નથી કરતો?" રેવાએ વિરેશને ફોનમાં કહ્યું.
"કામમાં છું. હવે ફોન ના કરતી." વિરેશનો જવાબ આવ્યો.
"પણ સાંભળ તો ખરા! તું ક્યાં છે? કાલની તારા ફોનની રાહ જોઉં છું. કહ્યાં વગર તું ક્યાં ગયો છે?"
"મારે તને બધું કહેવાની જરૂર નથી. કંપનીના કામથી બહારગામ છું. પ્લીઝ મગજ ના ખા."
"વિરેશ માફ કર. વાત કર. હું મળવાનું નહીં કહું."
"મારે પણ હમણાં નથી મળવું. મારુ મન થશે ત્યારે કહીશ. વારંવાર ફોન ના કરતી." વિરેશે ઉદ્ધતાઈથી જવાબ આપી ફોન કાપી નાખ્યો.
'વિરેશ આવું કેમ વર્તે છે? પહેલા એ ક્યાંય પણ જાય તો કહીને જતો અને આજે કહે છે મને બધું કહેવાની જરૂર નથી.' રેવા વિચાર કરતી રડવા લાગી.

દિવસમાં કેટલીય વાર યાદ કરી મેસેજ કરતા વિરેશનો વ્યવહારમાં અચાનક બદલાવ જોઈ રેવા ચિંતા કરવા લાગી. એને વિરેશ વગર જિંદગી અધૂરી નહીં પણ અશક્ય લાગતી.

'એકદમથી જરૂરી કામ આવ્યું હશે અને ત્યાં કામ પણ બહુ હશે એટલે વિરેશ ગુસ્સે થયો હશે. કામ પતશે એટલે જરૂર ફોન કરશે.' એમ વિચારી રેવા મનને કામમાં પરોવવા લાગી. કામ કરતાં કરતાં અચાનક વિરેશે ભેટમાં આપેલી પેન હાથમાં આવી અને રેવા ભૂતકાળના વહેણમાં વહી ગઈ.

સિમકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એચ આર ઓફિસરની ફરજ બજાવતી રેવા મહેતા વિરેશને કંપનીના એક કાર્યક્રમમાં મળી. ઘઉંવર્ણો, ઊંચો અને વાંકડિયા વાળ, લાબું નાક અને મળતાવળા સ્વભાવનો વિરેશ રેવા પાસે આવ્યો અને પોતાનો પરિચય આપ્યો. કંપનીમાં કામ કરવાનો રસ ધરાવી રેવા સાથે ફોન નંબરની આપ લે થઇ.

વિરેશ જે કંપનીમાં હતો એ કંપની સાથે ધંધો શરુ થતા પરચેઝ મેનેજર તરીકે અવાર નવાર સિમકો પ્રાઇવેટ કંપનીની ઓફિસમાં આવતો. રેવા મળતી તો હસીને વાત કરતો. હવે વિરેશ મેસેજ થકી રેવાનાં સંપર્કમાં રહેતો. ધીરે ધીરે મેસેજની આપ લે વધી ગઈ અને અંગત જીવનની વાતો પણ થવા લાગી.
એક દિવસ સવારમાં રેવાના મોબાઈલ પર વિરેશનો મેસેજ આવ્યો અને મેસેજ થકી વાત શરૂ થઇ
"એક વાત કહેવી છે."
" હા બોલો."
" મનમાં સતત એવો અહેસાસ થાય છે કે..."
"શું? કેવો અહેસાસ?"
" આઈ લવ યુ."
"શું! તમને ખબર છે તમે શું કહો છો?"
"હા રેવા, હું તને ખુબ ચાહું છું."
"વિરેશ, તમે એકવાર પ્રેમમાં નિષ્ફ્ળ થયા છો અને હવે તમને પ્રેમ પર વિશ્વાસ છે જ નહીં. તમે કહ્યું છે મને તો હવે આજે એકદમ ફરી?"
"રેવા, સોરી હું આજથી તમે નહીં તું કહીશ. મે તને મારી જિંદગીનું એકેએક પાનું કહી દીધું. મેં ખૂબ પ્રયત્ન કર્યો, પણ તું મારા દિલના ખૂણામાં ઘર કરી ગઈ છે. આઈ કાન્ટ સ્ટોપ લવીંગ યુ. હું તને અનહદ ચાહવા લાગ્યો છું. મને તારી જિંદગીમાં, તારા દિલમાં જગ્યા આપીશ?"

"સાચું કહું તો તમે પણ મને ગમવાં લાગ્યાં છો, પણ તમે ફરી પ્રેમ સ્વીકારશો કે નહીં એ અસમંજસમાં હું ચૂપ રહી, પણ આજે તમે પૂછ્યું એટલે કહું છું કે હું પણ તમને ચાહું છું."
ખુબ સંયમ રાખવા છતાં વિરેશ ખુદને પ્રેમનો એકરાર કરતા રોકી ન શક્યો. રેવતી વિરેશનો કદી ન ભુલાય એવો ભૂતકાળ છે. નામમાં સામ્યતા જોઈ પહેલીવારમાં જ વિરેશ રેવાથી દૂર રહેવા માંગતો હતો. ફક્ત નામ જ નહીં, પણ એની જ્ઞાતિ પણ એ જ. બન્નેની સામ્યતાઓ જોઈ વિરેશ એક સમય માટે તો અવાક થઇ ગયો હતો. એ મનોમન વિચારતો,'નામ, જ્ઞાતિ બધું સરખું છે. આ પણ એવી જ હશે? આની નજીક નથી જવું. ફરી ભૂલ નથી કરવી. ફરી દગો નથી ખાવો. ભલે એ આંખોને ગમવા લાગી, પણ દિલમાં ઘર નહીં કરવા દઉં. કંઈ જ કહ્યાં વગર રેવતી મને અધવચ્ચે મૂકી ચાલી ગઈ. આ પણ એવું કરશે તો, હવે હું તૂટી જઈશ. સહન નહીં થાય.'
પણ, આખરે રેવાએ વિરેશના હૃદયના દ્વાર ખોલી જ દીધા પણ આ વખતે વિરેશે નક્કી કર્યું કે પ્રેમ અનહદ નહીં કરું. એની પાછળ ભાન ભૂલી પાગલ નહીં બનું. બધું જ માપમાં રાખીશ. ખોટી ટેવ નહીં પાડું.
વિરેશ રેવાને કહેતો,"એકવાર દિલ તૂટ્યું છે હવે તું એને સંભાળી શકે તો જ આગળ વધજે. હું કદાચ તને એવો પ્રેમ નહીં આપું પણ તું મને સમજીશ તો જિંદગી આખી તારા નામે કરી દઈશ. રેવાએ ધીરજ રાખી અને વિરેશને એના ગળાડૂબ પ્રેમમાં ડુબાડી દીધો.
રેવાના પ્રેમને જાણે નજર લાગી હોય એમ એક દિવસ મળવાની બાબતમાં વિરેશ ગુસ્સે થઇ ગયો. એને ખ્યાલ આવ્યો કે એ પહેલા જેવો જ પ્રેમ કરી બેઠો છે. વિરેશને લાગ્યું જો રેવા એને છોડી દેશે તો એ તૂટી જશે ને ફરી ઉભો નહીં થઇ શકે. એણે નક્કી કર્યું કે એ રેવતીને અમુક દિવસે જ મળશે. રોજ કલાકોની વાતો છોડી અમુક સમયે જ ફોન કરશે. બીજી તરફ રેવા એના વગર રહી શકે નહીં એટલી જોડાઈ ગઈ. એને જોયા વગર કે વાત કર્યા વગર દિવસ કલ્પી જ ન શકે.

ભૂતકાળના વિચારોના વહેણમાંથી રેવા અચાનક બહાર આવી. સાંજ ઢળી અને રાત થઇ, પણ વિરેશનો ફોન ન આવ્યો. એથી રેવાએ ફરી ફોન કર્યો અને પાંચ-છ કોલ પછી ફોન ન લાગ્યો. રેવા સમજી ગઈ કે હવે એનો નંબર બ્લોક કરી દીધો. રેવા એના વગર પાગલ થઇ જશે એમ લાગવા માંડ્યું.

બીજે દિવસે રેવા વિરેશના ફોનની રાહ જોવા લાગી અને ફોન ન આવતા ફોન કર્યો તો વિરેશે ફોન કટ કરી બ્લોક કરી દીધી. રેવા એના વગર બેબાકળી થઇ ગઈ. એ વિરેશને જોવા અને સાંભળવા તડપવા લાગી. આમને આમ બે દિવસ થયા પણ વિરેશનો કોઈ મેસેજ કે ફોન ન આવ્યો. ખાવા પીવાનું છોડી રેવા ફોન પકડી બેસી રહેતી. ઓફિસ જવાનું છોડી રેવા સતત વિરેશને યાદ કરી રડ્યા કરતી. રાતે ઊંઘ ન આવતા ઘરમાં આંટા મારતી. આખરે જે ડર હતો એ જ થયું. રેવાને આઘાત લાગ્યો અને એ એનું માનસિક સંતુલન ખોઈ બેઠી.

મા વગરની રેવાને એના પિતા માટે સંભાળવું મુશ્કેલ થયું. રેવા આખો દિવસ બબડ્યા કરતી,"આપણે હવે મળવું નથી ખાલી ફોન પર વાત જ કરીશું. હું તને મળવા માટે જરાય હેરાન નહીં કરું. બસ તું એકવાર વાત કર, વાત કર પ્લીઝ." આ સિવાય રેવા બીજું કંઈ ન બોલતી. બારીમાં બેસી એકીટશે આકાશમાં જોયા કરતી. એક દિવસ લઘરવઘર હાલતમાં ચાલતી ચાલતી ઘરેથી નીકળી પડી. રસ્તામાં કામવાળી બાઈએ જોયું અને એને પટાવી ઘરે લઇ આવી. પિતા ગિરીશભાઈ ઘર માટે જરૂરી વસ્તુ લઇ પાછા આવ્યા ત્યારે કામવાળી રમાએ હકીકત જણાવી. ચિંતિત ગિરીશભાઈએ આખરે રેવાને દવાખાને દાખલ કરી. ગાંડાના દવાખાને રેવાની હાલત જોઈ બધાને દયા આવી. સદાય હસતી અને મદદ કરતી રેવા આજે લોકોની મદદ અને દયાનું પાત્ર બનીને રહી ગઈ.

એક દિવસ વિરેશને રેવા યાદ આવી. એના જેવો પ્રેમ ક્યાંય નહીં મળે એ અહેસાસ થતાં રેવાને ફોન લગાડ્યો ત્યારે ફોન પર એના પિતાએ એ મેન્ટલ હોસ્પિટલમાં છે એમ જણાવ્યું. વિરેશ દોડીને હોસ્પિટલ પહોંચ્યો ત્યાં રેવાને જોઈ એની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો, પણ ખબર પડી કે બે દિવસથી રેવાએ બોલવાનુંય બંધ કરી દીધું છે અને એકીટશે બારીની બહાર જોયા કરે છે. રેવા વિરેશનેય ઓળખી ન શકી. વિરેશે આવવામાં એટલું મોડું કર્યું કે રેવા પુરેપુરી પાગલ થઇ ગઈ. પોતાની જાતને દોષી માની વિરેશ પાસે અફસોસ કર્યા સિવાય કંઈ બચ્યું ન હતું.

રેવાના મિત્રો, સગા અને ઓળખીતા કહેતા કે ખબર નહીં એ નિર્દય છોકરો કોણ હશે જેણે રેવા જેવી પ્રેમાળ છોકરીને તરછોડી અને એ સાચે પાગલ થઇ ગઈ. વિરેશ મૂક બની સાંભળી લેતો.
ત્યારથી વિરેશ રોજ રેવાને મળવા જાય છે અને એ ફરીથી પહેલાની રેવા થઇ જાય એની રાહ જુએ છે.









13
શીર્ષક : લીલું વાવેતર
લેખન : સ્વીટી અમિત શાહ 'અંશ'
પવનની ઉષ્માભરી લહેરખીઓ સાથે બહારના વાતાવરણની સુગંધને હું અનુભવી રહી. એ જ સાંકડા રસ્તા... પણ એટલું ખરું, કાચી માટીની જગ્યાએ પાક્કી સડક બંધાઈ ગઈ હતી. આજુ બાજુ ખેતરો... .હું આજે પણ એ આકાશને તાકી રહી. કેટલા વર્ષો પછી! જે આકાશ મને બંધાયેલું લાગતું, આજે ખુલ્લું લાગ્યું. વિચારોના વાયરે હું અતિતમાં પહોંચી ગઈ.
ખેતરમાં પાકની કાપણી કરતાં હું આકાશને જોઈ રહી. ત્યાં પાછળથી માએ બુમ મારી! "મેધલી ઝટ કર. મારે ઘેર રોટલા ઘડવાનાય બાકી છે."
"હા, મા, ઝટ જ કરું છું. લે બસ, પતી ગયું ચાલ હવે." માથે ભારો ઉપાડતાં મેધા બોલી.
"પંદર વરસની થવા આવીશ. કાલે તારા લગ્ન કરવા પડશે. તારા જેવડી તો બધી પરણી પરણીને સાસરે જતી રહી."
"મા, મારે તેમના જેવું નથી થવું. મારે મારા સપનાં છે." મેઘાએ, આજે હિંમત કરી માને કહી દીધું.
"સપનાં બપનાં આપડે ના જોવાય અને એમાંય સ્ત્રી જાત, આપડે તો આપડું ઘર ભલું."
"મા, તે, પણ ક્યારેક કોઈ ઈચ્છાઓ સેવી હશે ને? તું, એક સ્ત્રી થઈને મને સમજી ના શકે? અને મારે ક્યાં કંઈ ખોટું કરવું છે? મારે આગળ અભ્યાસ કરવો છે. બાપુને, કહીશ તો મને અબ ઘડીએ પરણાવી દેશે. તું મને સમજીશ એમ વિચારીને તારી આગળ બોલવાની આજે મે હિંમત કરી છે."
કમુ, જાણતી હતી કે, તેની મેધા અભ્યાસમાં હોશિયાર હતી. એક વાર માસ્તરે પણ તેને કહ્યું હતું. આ છોકરીને ભણાવજો આગળ આવશે....
"બે ચોપડી ભણેલીને મને અભ્યાસ વિષે તો કંઈ સમજણ ના પડે. પણ સપનાં વિષે તો હું પણ જાણું! પણ તારા બાપુને આ વાત કેવી રીતે કરું? ઉપરથી મારા પર બળાપો કરશે." કમુ, જરા વિલા મુખે બોલી.
"મા, મે બધું વિચારીને રાખ્યું છે. આપડા પોસ્ટમેનકાકા સાથે મારે બધી વાત થઈ ગઈ છે."
"મારે તો તારી રજા જોઈએ. અહીંથી બાપુની જાણ વગર નીકળવામાં મારી મદદ કરીશ મા?" મેધા, કમુ સામે આશાભરી નજરે જોઈ રહી. "બીજું હું ફોડી લઈશ."
"કમુ, ચમકી! શું? તું, ક્યાં જઈશ?" "આટલી મોટી ભોમમાં તારું કોણ ધણી થાહે."
"ખબર નથી પણ મારી જાત અને ઉપરવાળા બન્ને પર વિશ્વાસ છે."
માને, મારી મક્કમતા પર વિશ્વાસ બેઠો અને, બીજા દિવસે પોસ્ટમેનકાકાની મદદથી ગામ છોડી દીધું.
ટ્રેનમાંથી બધા પેસેન્જર ઉતરી ગયા. હું સ્ટેશન પર છેલ્લી ઉતરી. માઈકમાં 'અનાઉન્સ' થયું. "પૂણે, સ્ટેશન પર આપકા હાર્દિક સ્વાગત હૈ." મે સપનાની મેઢીને સજાવવા ગૃહત્યાગ તો કરી દીધો, પરંતુ હવે જવું ક્યાં? કોઈ સરનામું નહોતું. હું એક બાંકડા પર બેઠી. એક કલાક... બે કલાક... આવતાં જતાં લોકો મને ધુરી રહ્યાં હતા. લોકોની નજરો મારા અંદરના ભયને વધારે ભયભીત કરી રહી હતી. માના એ શબ્દો વારેઘડીએ ખૂંચે જતાં હતાં, બેટા દુનિયા તું સમજે એટલી સરળ નથી. તારી જાત ક્યાંક ખોવાઈ ના જાય. ભર ઠંડીમાં પણ હું પરસેવે રેબઝેબ થઈ ગઈ. છેલ્લી ટ્રેન પણ આવી ગઈ. હવે શું? ક્યાં જવું?
મારા વિચારોની ગાડી દિશા શોધી રહી. લોકોની ચહલપહલ પણ ઓછી થતી જતી હતી. ભયની લકીરો મારા ચહેરાને વધુ બોદો બનાવી રહી હતી. ત્યાં એક પંજાબી પહેરવેશમાં, ચહેરા પરથી થોડી કઠોર લાગતી લેડી મારી તરફ આવી.
"એકલી છો બેટા? કોઈના આવવાની રાહ જોવે છે?"
તેમનો મૃદુ સ્વર સાંભળી મારી અંદરના ભયમાં થોડું ચેતન આવ્યું.
" જી, હું..... હું હજી પણ થોડી ગભરાતી હતી.
"ગભરાઈશ નહિ બેટા જે હોય તે કહે."
તેમના અવાજમાં મને એક પોતીકાપણું દેખાયું, એટલે મારા હૈયામાં હામ આવી.
"હું ઘર છોડીને આવી છું." મારી અંદરના ઉકળાટને તેમની સામે ઠાલવી દીધો. મારી તમામ દુવિધાઓ તેમને કહી દીધી.
તેઓ મને તેમની સાથે લઈ ગયા. આવ બેટા, મને પાણી આપ્યું. મારી હથેળીમાં તેમનો હાથ મૂક્તાં કહ્યું,"મારું નામ સુહાસ છે. તું એક ચોક્ક્સ સરનામે છે. હું નારી નિકેતન સંસ્થામાં કામ કરું છું. તારા જેવી અનેક નારીઓના ઉધ્ધાર માટે હું સદાય પ્રયત્ન કરતી રહું છું."
ત્યાં મને મારી નિશાળમાં ગવાતું ગીત યાદ આવી ગયું.
"તારી હથેળીને, કોઈ દરિયો માનીને,
કોઈ ઝંખનાને, સોંપે સુકાન"
સુહાસદીદીએ મને રહેવા અને ભણવાની સગવડ કરી આપી. સુહાસદીદી મારા માટે ભગવાનથી ઓછા નહોતા. બી.એસ.સી એગ્રીકલ્ચરમાં પી.એચ.ડી. કરી આજે મારા ગામ તરફ જઈ રહી છું. મારા સમાચાર ચીઠ્ઠી મારફતે માને મોકલતી રહેતી. આજે પણ! હું આવવાની છું તેના સમાચાર માની પાસે છે જ. મારી ઓરડી આવી ગઈ. હું ઉમળકાભેર દોડી માને વળગી પડી. ગામ વાળા ઢોલનગારાં વગાડવા મંડી પડ્યા. મારી આવવાની ખુશીમાં જલસો રાખ્યો હતો.
એકાંત પડતાં મા બોલી. "ક્યારે જવાની સો તું?"
"આ ધરતીનું અને તારું ઋણ ચૂકવી દેવા દે."
"એટલે મેધલી?"
"મા, મેધા નામ પડ્યું છે તો, મારા ગામમાં 'લીલી હરિયાળી' વાવીને જઈશ."
"લે એ વળી કેવી રીતે?"
"મારી ભોળી મા...બધાને ખેતીની સાચી રીત શીખવીને. હું એટલે તો આગળ અભ્યાસ કરવા ગઈ હતી. માના હાથમાં હાથ મૂકતાં કહ્યું, "મા, તારા અને સુહાસદીદીના સાથ વગર બધું અશક્ય હતું."
"ચાલ હવે વેવલી, બહુ મોટી થઈ ગઈ છે." કહી માએ મીઠી ટપલી મારી.
મા દીકરી એક બીજાને બાજી પડ્યાં.
મેધાનું હૈયું તેના સપનાનું 'લીલું વાવેતર' ઉગી નીકળ્યું હોય તેવું વરસી રહ્યું.










14
શીર્ષક : સમણાંની રાહે
લેખન : વિરલ વસાણી 'સુગંધી'


આવજે! અને હા, ખાસ તો તારી તબિયતનું ધ્યાન રાખજે અને દિવસમાં બે વાર મને કોલ કરવાનું ના ભુલતી.” આટલું બોલતાં બોલતાં તો દિપક અને શ્રીની આંખો ભીની થઈ ગઈ. ગળામાં ડુમો ભરાઈ ગયો અને હ્રદયના ધબકારાની ગતિ વધી ગઈ. બસ રવાના થઈ એ સાથે જ દિપક પોતાના ઘરે પાછો વળ્યો અને શ્રી પોતાના સપનાં તરફ.
દિપક ઘરે આવ્યો અને જેવો ઘરની અંદર દાખલ
Show quoted text