Premni Kshitij - 5 in Gujarati Novel Episodes by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 5

પ્રેમની ક્ષિતિજ - 5

સાંજનું સૌદર્ય...... પ્રકૃતિનું સુંદર હાસ્ય એટલે સાંજ.... સાંજનું સૌંદર્ય પોતાની અલગ આભા ધરાવે છે કોઈની રાહ જોતી કીકીઓ જાણે સાંજના સોનેરી સપના દ્વારા આંખો ને એક નવી ચમક આપે છે....,

આવી જ સાંજની રાહ માં વિરાજ અને ઉર્વીશ...... કુસુમ અને અનંત......... બાળકોના સપનાઓ અને ભવિષ્યમાં જ પોતાનું સુખ શોધતા હતા અને તે જ વિચારવામાં જાણે તેમને આનંદ આવતો હતો. અને એ સાંજ આવે તે પહેલાની બપોર જ આલય અને મૌસમને રોમાંચિત કરી ગઈ....

આલય પોતાના જ વિચારમાં ગીત ગણગણતો હતો, એક નવા જ માહોલમાં આજે જવાનું હતું અને ત્યાં તો ફોનની રીંગે વર્તમાનમાં લાવી દીધો.

આલય :-"હા,બોલ નિલ...".

નીલ :-"અરે આલય કઈ દુનિયા માં વસે છે યાર?"

આલય:-"તારી જ દુનિયામાં છું બોલ"

નિલ:-" આજે મળીએ તો lunch સમયે ?કોલેજ છુટી... હવે બધા વિખેરાઈ જશે પહેલા એકવાર જલસો થઈ જાય."

આલય:-" ચોક્કસ ક્યાં મળીએ બોલ?"

નિલ:-"હોટેલ પેરેડાઇઝ થોડું દૂર છે પણ આજે તો શહેરથી દૂર મજા આવશે.... ઠીક 12:30 ઓકે?"

આલય:-"ઓકે ડન."

વિરાજ:-"શું થઈ રહ્યું છે done?"

આલય:-"બસ મમ્મી નિલનો ફોન હતો બપોરે લંચમાં બધા મળીએ છીએ હોટલ પેરેડાઇઝ... જવું ને?

વિરાજ :-"બસ આજ વાત મને તારી ગમે છે બધું કરવું પણ પૂછી પૂછીને...."(હસતા હસતા)

આલય:-"સમયસર આવી જઈશ."

વિરાજ:-"જઇ આવ બેટા:-"

કુદરત હંમેશા માનવી થી આગળ પોતાની રીતે નવું નવું વિચારી ને માનવીને તે દિશામાં જવા પ્રેરે છે ઘણીવાર જાણી જોઈને તો ઘણીવાર અજાણતા.....

કે. ટી.:-"મૌસમ... ચાલ બેટા."

મૌસમ:-"ડેડ જઈ આવો ને હું નથી આવતી."

કે. ટી. :-"મૌસમ, મજા આવશે શહેરથી દૂર મારી મિટિંગ પણ થઈ જશે અને તારે આઉટિંગ પણ થઈ જશે.

મૌસમ :-"ત્યાં હું શું કરીશ?."

કે. ટી. :-"તારે છુટ્થી ત્યાં ફરવાનું ,મનગમતું જમવાનું અને વાતાવરણની મજા લેવાની મોસમ..."

મૌસમ:-"ખાલી તમારું માન રાખવા સાથે આવું છું ડેડ."

કે. ટી.:-"એમ તો એમ પણ તું આવ. .. તું એકલી રહીશ તો મને પણ નહીં ગમે."

મૌસમ :-"બસ હવે મારે વધારે લેક્ચર નથી સાંભળવું ચાલો આવુ છું."

અને કોઈ અદ્રશ્ય શક્તિ મૌસમ અને આલયને નજીક લઈ આવવા વધારે ને વધારે પ્રયત્ન કરવા લાગી.

બોટલ ગ્રીન ટી શર્ટ અને બ્લેક જીન્સમાં શોભતો આલય પોતાનાં સ્વભાવ પ્રમાણે સમય કરતાં વહેલો પહોંચી ગયો..... જમવા તો આવી ગયો પરંતુ હજી મગજમાં સાંજ વિશેના વિચારો જ ચાલતા હતા....

કેવી હશે લેખા?
શું વાત કરીશ લેખા સાથે?
આ બધું જરા જલદી વધારે પડતું નથી થઈ રહ્યું?

પોતે જ પોતાના વિચારોને બ્રેક મારે તે પહેલાં તો પેરેડાઈસ હોટેલના મેન ગેટ માં પૂર ઝડપે પ્રવેશેલી લક્ ઝરિયસ કારના અવાજે તેના વિચારોને બ્રેક મારી દીધો.

જાણે સવારનું સપનું સાચું પડવાનું હોય તેમ કારમાંથી નીકળેલી સોનેરી વાળની ચમક થી સુંદર લાગતી આંખોની સુંદરતાથી બેહદ નમણા લાગતા સુંદર મુખે આલયનું બધું જ ધ્યાન હરી લીધું.

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.....
હરીન્દ્ર દવે

બપોરની ગરમીમાં પણ મૌસમની નમણાશે જાણે આજે પહેલીવાર આલયને ઠંડક અર્પી દીધી..... એકીટશે જોતો આલય જાણે બધું જ ભૂલી ગયો. મૌસમ તો ક્યારની પસાર થઈ ગઈ પણ આલય હજી એ જ તંદ્રાવસ્થામાં હતો. નિલે આવી તેની વિચારધારાને અટકાવી.

નિલ:- "એ આલય ક્યાં ખોવાઈ ગયો ?"

આલય :-" ક્યાંય નહીં."

નિલ:"કૃપા કરીને જણાવશો સામે ખાલી ગેટ પાસે શું જોઇ રહ્યા છો Mr આલય?"

આલય :-"કંઈ નહી જવા દે. હું તો બીજી વાત તને કહેવા નો વિચાર કરતો હતો તારી થોડી સલાહ જોઈએ"

નિલ :-"નેકી ઔર પૂછપૂછ?"

આલય ;-: મમ્મી પપ્પા સાંજે એક છોકરી જોવા જવાનુ ગોઠવે છે...."

નિલ :-"હા તો એ જ યોગ્ય છે. તારા સ્વભાવ પ્રમાણે તો તું અરેન્જ મેરેજ કરી ને જ ખુશ રહી શકીશ., કારણકે તને તારા મમ્મી જેવી છોકરી જ સાચવી શકે.... અને તેવી છોકરી તારા મમ્મીને શોધી શકે તો એમાં ખોટું શું છે?

આલય :-" હું વિચારું છું બધુ બરાબર છે પરંતુ હું તેને સાચો પ્રેમ આપી શકીશ આ બધું જલ્દી નથી થઈ જતું?"

નિલ:-"તું તો જાણે બધું નક્કી થઈ ગયું હોય એમ વિચારે છે આ અરેન્જ મેરેજ છે તેમાં તો 'ના' ની પણ પૂરતી શક્યતા હોઇ શકે સામે પક્ષેથી પણ.

આલય:-"બસ આમ જ મન હાલકડોલક થયા કરે છે હવે કોઈ વિચાર જ નથી કરવો.... જોયું જશે સાંજે થશે તે.

નિલ:-"આજે આપણે જલસો કરવા આવ્યા છે દોસ્ત એન્જોય.."

આલાય :-"યસ રાઈટ."

આલયે સાંજના વિચાર તો ખંખેરી નાખ્યા પરંતુ હમણાં જ અનુભવેલી મહેક, તીવ્રતા, એહસાસ તેને કેમ કરી ભૂલાય? અને મન જાણે ફરી પાછી એ આંખોને જોવા તલપાપડ બની ગયું.......

તો ચાલો આવતા ભાગમાં જોઈશું આપણા આલયને તેની મૌસમને એક નજર નિરખવા મળે છે કેમ?


(ક્રમશ)