The mystery of skeleton lake - 32 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૨)

ફ્લેશબેક

પાછળના પ્રકરણમાં આપડે જોયું કે લક્ષ્મણજુલા પાસે મળેલા સાધુ સ્વાતિને એના પૂર્વજન્મ વિશે જણાવે છે અને આ જન્મના એના લક્ષ્ય વિશે જણાવે છે . રઘુડો પૂર્વજન્મમાં જશવધન હતો , સ્વાતિ પૂર્વજન્મમાં બલમ્પા અને જશધવનની પુત્રી સોમવતી હતી . આ ઋષિ વરુણધ્વનિ હતા . પેલું રહસ્યમય પુસ્તક આ ઋષિએ પદ્મનાભ મંદિરના પૂજારીને આપેલું , વર્ષો સુધી ત્યાં સાચવાયા પછી ત્યાંથી ચોરી થઈ અને પાછું આ ઋષિ પાસે આવ્યું , ફરી એમની પાસેથી ચોરી થઈ અને પોળોના જંગલોમાં મળેલું જ્યાંથી આ વાર્તાની શરૂવાત થઈ . હવે આગળ ....


મહર્ષિ વરુણધ્વનિએ પેલું પુસ્તક આગળ લાવતા કહ્યું . " આ પુસ્તક પર નકશો છે , એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે . પરંતુ અમુક વાત છે જે નકશો નહીં કહી શકે . એ છે દિશા સૂચન.... એ ભાગ પર કોઈ ચુંબકીયબળ લાગતું નથી કે કોઈ તરંગો પસાર થઈ શકતા નથી . તેથી તમારા આધુનિક યંત્રો જેવાકે મોબાઈલ ફોન કે પછી હોકાયંત્ર પણ કશું કામ નહીં આપે . ત્યારે તમને કામ આવશે અવકાશી પદાર્થો , જે તમને દિશા જાણવામાં મદદ કરશે "

" કેવા પદાર્થો .....જેમ કે ....? " સોમચંદે આશ્ચર્યથી પૂછ્યું
" જેમ કે દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર અને અમુક તારાઓ અને તમારી આજુબાજૂની પ્રકૃતિનું અવલોકન કામ આવશે "
" એ કેવી રીતે ....? " સોમચંદે પૂછ્યું

"જુઓ ..." નકશો બતાવતા કહ્યું " જુઓ આ નકશો , આનો ઉપયોગ કરવાનો પહેલો નિયમ એ છે કે એને તમારા બે હાથમાં એવી રીતે પકડો જેથી ઉપર દેખાતો ભાગ તમારા નાકની દિશા સાથે સમાંતર હોય , સરળતા માટે તમારી નાભિને અડીને...."
" પછી ..."

" પછી દિવસના સમયે તમે સૂર્યનો ઉપયોગ કરી શકો છો , સવારે સૂર્યોદય સમયે પૂર્વ દિશા સરળતાથી જાણી શકાય છે અને સાંજે સૂર્યાસ્ત સમયે પશ્ચિમ દિશા ... બરાબરને ...? "
" જી હા બરાબર ..." સોમચંદે કહ્યું

" પરંતુ હાલ શિયાળાની શરૂવાત થઈ ગઈ છે ... તેથી સૂર્ય બરાબર પશ્ચિમમાં આથમવાને બદલે થોડો દક્ષિણ તરફ આઠમે છે ... ખબર પડી ...? "

" અંઅઅ ... હા આટલી તો ખબર પડી પરંતુ મધ્યાન સમયે અને તેની આજુબાજુના સમય માટે ...? જ્યારે સૂર્ય લગભગ માથા પર અને એની આજુબાજુ હોય ત્યારે ...? " સોમચંદે પૂછ્યું

" એના માટે પણ ઉપાય છે , દિવસમાં સૂર્યના પ્રકાશ દરમિયાન દિશા જાણવા માટેનો સરળમાં સરળ ઉપાય આ છે " એક નાની ૨..૩ ફૂટની લાકડી હાથમાં લેતા કહ્યું

" આ લાકડી....? આ લાકડી કેવીરીતે દિશા બતાવવાની હતી મહર્ષિ ...? " મહેન્દ્રરાયે શંકા વ્યક્ત કરી .

" જુઓ , આ લાકડીને જમીન પર એકદમ સ્થિર ઉભી રાખો , જમીનથી એકદમ કાટખૂણે . પછી એનો પડછાયો પડે ત્યાં એક નિશાની કરો . અને થોડી મિનિટો સુધી રાહ જુવો . જેથી પડછાયો પહેલા નિશાનથી થોડે દૂર જાય .હવે થોડા સમય પછી લાકડીના પડતા બીજા પડછાયા પર બીજું નિશાન કરજો . આ બંને વચ્ચેનું અંતર તમને ઉત્તર તરફ લઈ જશે " વરુણધ્વનિએ કહ્યું

" અને રાત્રે .... ? રાત્રે તો સૂર્ય નહિ હોય ત્યારે ...? "

" ત્યારે પણ રસ્તો તો છેજ ...."

" અને એ કયો રસ્તો....? "

" પ્રથમ , ઉપર મૂજબ જ એક લાકડી લઈને ઉભી કરી દેવાની , પછી એક જગ્યા પર સ્થિર થઈને બેસી રહેવાનું . જો તારાઓ ઉપરની તરફ સરકતા દેખાય તો તમારી સામે પૂર્વ દિશા છે , જો નીચેની તરફ સરકતા દેખાય તો સામે વાળી દિશા પશ્ચિમ સમજવી ."

" પરંતુ મહર્ષિ ..... જો ડાબી અથવા જમણી બાજુ તારાઓ ગતિ કરતા જણાયતો ...? " સોમચંદે પૂછ્યું

" ઉતાવળો ના થા પુત્ર ... હું જણાવું છુ.... મારી વાત હંમેશા યાદ રાખવી ..... સમય પહેલા મીઠી મધુરી કેરી પણ ..."

"ખાટો સ્વાદ આપે છે " બધાએ સાથે મળીને વાક્ય પૂરું કર્યું

" જો તારાઓની ગતિ જમણી તરફ જણાય તો તમારું મોઢું દક્ષિણ તરફ છે અને જો ડાબી તરફ તારાઓ સરકતા દેખાય તો તમે ઉત્તર તરફ જઇ રહ્યા છો એમ જાણવું " વરુણધ્વનિએ વાત પુરી કરી .

" પરંતુ જો વાદળોને કારણે દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર ના દેખાય તો....?? કોઈ રસ્તો ખરો ...? મહર્ષિ ....? " સોમચંદે પૂછ્યું

" જી હા.... એનો પણ રસ્તો છે , પરંતુ એ એટલો બધો સચોટ તો નથી પરંતુ એનાથી દિશાનો અંદાજ જરૂર મળે છે "

" કેવો રસ્તો મહર્ષિ ... અમને કહો ..." સ્વાતિએ હાથ જોડીને પૂછ્યું

" વૃક્ષો સામાન્ય રીતે દક્ષિણ દિશા તરફ ઝુકેલા હોય છે , એટલે કે દક્ષિણ દિશા તરફ વધુ ઘટાદાર જણાય છે , જો આજુબાજુમાં ઘણાબધા વૃક્ષોનો સમૂહ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય , પરંતુ આગળ કહ્યું એમ આ એટલો અસરકારક માર્ગ નથી "

" ઠીક છે સાધુ મહારાજ આજ્ઞા આપો ...." સ્વાતિએ કહ્યું

" યશસ્વી ભવ , તમારો વિજય થાઓ " પોતાની સાથે જરૂરી બધો સામાન મહર્ષિએ બાંધી આપ્યો . પાણીની બોટલો , થોડો હળવો ખોરાક , રોપ અને છરી , આગ પ્રગટાવવા માટેની સામગ્રી , ટૉર્ચ લગભગ બધી જરૂરી વસ્તુઓ સાથે લેવાઈ ગઈ હતી . રાત્રે જ મહર્ષિએ બતાવેલા નકશા અનુસાર ત્રણે જણાએ ચાલવાની શરૂવાત કરી .

[તા:૨૨ , રાતનો સમય ] સફેદ દાઢી વાળા સાધુના આશીર્વાદ લઈને સોમચંદ સ્વાતિ અને મહેન્દ્રરાય રહસ્યમય પુસ્તકના રહસ્યને ઉકેલવા માટે આગળ વધી રહ્યા હતા .બધાના મોઢા પર એક આનંદ હતો કે આખરે સૌ એ રહસ્યમય પુસ્તક અને એ રાત્રીએ બનેલી રહસ્યમય ઘટનાનો નિવેળો લાવવાના હતા અને આખી ઘટનાના સાક્ષી બનવાના હતા . આશ્રમ માંથી નીકળતા જ જાણે મોબાઈલ ગાયબ જ હતો , અને એવી કોઈ વસ્તુનો આવિષ્કાર જ ન હોય એમ કોઈને યાદ પણ નહોતું કે મોબાઈલ નામની કોઈ વસ્તુ પણ પોતાની પાસે છે . કદાચ આ પેલી ઐતિહાસિક સફરની અસર હોઈ શકે છે . પેલા રહસ્ય ઉજાગર કરવાના મોહમાં ને મોહમાં સૌ આગળ ચાલતા જતા હતા .

આજે પૂનમની આગળની રાત હોવાથી ક્ષિતિજ પર ચંદ્રનો પ્રકાશ પથરાયેલો હતો . આ એક સારો સંકેત હતો .ત્રણેય પેલા પુસ્તકના નક્શાને અનુસરીને આગળ વધી રહ્યા હતા . હજી એમની સાથે રહેલું હોકાયંત્ર કામ આપી રહ્યું હતું . વાતાવરણ એકદમ ચોખ્ખું હતું અને તારાઓ પણ ટમટમી રહ્યા હતા . પોતે કઈ જગ્યાએ છે ..!? એ બસ અંદાજ જ મળી રહ્યો હતો . હાલ કેટલા વાગ્યા છે એ કોઈ જાણતું નહોતું બસ માત્ર એક વાતની જાણકારી હતી , પેલા આશ્રમ માંથી બહાર નીકળ્યા એ વખતે રાત પડી ગઈ હતી ...!! આખી મુસાફરી દરમિયાન સાથે જરૂરી તમામ સામગ્રી પેલા સફેદ દાઢી વાળા સાધુ મહારાજે પહેલા જ આપી દીધી હતી . કોઈ જાણતું નહોતું પોતે કેટલું ચાલ્યા ..!!? બસ એક યંત્રની જેમ ચાલતા જ જતા હતા ... ચાલતા જ જતા હતા .

[તા:-૨૩ , સમય ૧:૦૦ ] રાઘવકુમાર અને ઝાલાને આ રમેશચંદ્રમાં કોઈ ગડબડ લાગી તેથી એના મકાનમાં છુપી રીતે તપાસ કરવા જવાનું નક્કી કર્યું . ઝાલા પોતાના વિશ્વાસુ માણસોને લઈને પેલા રમેશચંદ્રના ઘરે પહોંચ્યા . મકાનનું તાળું તોડીને અંદર જતા જ દુર્ગંધ આવી રહી હતી . કદાચ વર્ષો પછી મકાન ખુલ્યું હોવાથી વાસ આવતી હતી . અંદર ટૉર્ચ કરતા જ દેખાયું કે બધે ધૂળની ચાદર પથરાયેલી હતી , સોફાનું કપડું બારીમાંથી વરસાદમાં પડતા પાણીના લીધી સડી ગયેલું હતું , ત્યાં ટેબલ પર ઉધઈ જામી ગઈ હતી અને એના પર હજી ચા પીધેલા બે કપ પડ્યા હતા . ધીમેધીમે ઝાલા અને બીજા માણસો વિશાળ હોલમાંથી અંદર રસોડા તરફ જઇ રહ્યા હતા , ત્યાં અત્યંત દુર્ગંધ આવી રહી હતી . નજીક જઈને જોતા એક જગ્યાએ ખૂબ માખીઓ બણબણી રહી હતી , નજીક જઈને ટોર્ચ કરતા દેખાયું કે કોઈ કોહવાઈને સડી ગયેલી લાસ પડી હતી ! એમા હાલ તો માત્ર હાડપિંજરને સાડી વિટાવી હોય એમ જ લાગતું હતું . બાકી શરીરનું માસ તો જીવજંતુઓ આરોગી ગયા હતા અને એ પોતે પણ કદાચ વર્ષો પહેલા મરી ગયા હશે. ગેસ ઉપરના વાસણો હજી સ્ટવ પર હતા . કદાચ આ સ્ત્રી રસોઈ બનાવી રહી હતી અને પાછળથી કોઈએ ... કદાચ રમેશચંદ્ર એજ એને મારીને ફરાર થઈ ગયો હોય એવું બને ! આ નક્કી રમેશચંદ્રની પત્નિ હોવી જોઈએ . હોલમાં પાછા આવી દીવાલ પર લટકતી ફોટોફ્રેમ જોઈ એમાંથી એક ફોટો કાઢી પોતાની પાસે રાખી ઝાલા અને બીજા માણસો બહાર નીકળી ગયા . હવે એમની પાસે રમેશચંદ્રનો ફોટોગ્રાફ હતો . આ ચહેરો....ક્યાંક તો જોયેલું લાગતો હતો ....પરંતુ ક્યાં ...? આનો જવાબ આખી કહાણીનો અંત લાવી દેવાનો હતો


[ તા:-૨૩ રાતના ૨:૦૦] ધીમીધીમે પગદંડીના રસ્તે સૌ આગળ વધતા જતા હતા .સોમચંદ થોડા થોડા અંતરે પોતાના કપડાં જેવા કે હાથ રૂમાલ , મોજા વગેરેનો નાનો નાનો ટુકડો કરીને નાખી રહ્યા હતા . આની પાછળ જરૂર કૈક ગહેરુ કારણ હતું . ક્યાંક નાના નાના લાકડાના મકાનો જોવા મળતા હતા , પૂનમની આગળની રાત્રી એક ઇતિહાસ સર્જવાની હતી . ચંદ્રનો પ્રકાશ દુરરર ... દેખાતી બરફથી ઢંકાયેલી બરફની ચોંટી પર પડતો અને જાણે કુદરતે સર્જેલો વિશાળ કોહિનૂર હોય એમ ચમકી રહી હતી . હાલનું તાપમાન ૧૦-૧૨℃ ની આજુબાજુ હતું પરંતુ એ ત્રણ માંથી કોઈ અત્યંત ભાગ્યશાળી હતું કે આજે વાતાવરણ ચોખ્ખું હતું , હિમવર્ષાની સંભાવના નહિવત હતી .નહિતર તાપમાન ૪/૫ ની આજુબાજુ થઈ જતું .

ઘણા સમય સુધી ચાલતા રહેવાથી હવે થોડો આરામ કરવાની જરૂર હતી , સાથે જ થોડા ભોજનની જરૂર પણ હતી . તેથી થોડી સમતળ જગ્યા મળતા ત્યાં રોકાયા . સતત ચાલવાના કારણે ઠંડીનો અહેસાસ થતો નહતો . થોડો સમય માંડ વીત્યો હશે ત્યાં ઠંડી હવાના સુસવાટા જાણે હાડ થીજવે નાખે એવા લાગવા લાગ્યા . તેથી સ્વાતિ અને મહેન્દ્રરાયને ત્યાં જ છોડીને સોમચંદ લાકડા ગોતવા માટે ગયા જેથી તાપણું કરી થોડીવાર આરામ કરી શકાય . જે જગ્યા પર તેઓ બેઠા હતા એની એક તરફ ઉંચો પર્વત હતો ,જેના પર ઉંચા નજર પહોંચે ત્યાં સુધીના ઉંચાઈ વાળા પાઈના વૃક્ષો હતા પછી થોડી સમતળ જગ્યા હતી અને પછી ખીણ હતી . આ સમતળ ભાગ પર હાલ સ્વાતિ અને મહેન્દ્રરાય બેસીને વાતો કરી રહ્યા હતા . ઠંડી હવાની લહેરો એકબીજાને નજીક લાવવા એક માધ્યમનું કામ કરી રહી હતી . બંનેના હાથ એકબીજાના ગળાને ક્યારે વીંટળાઈ ગયા હતા બંને માંથી કોઈને ભાન નહતું . હવે બંનેના મોઢા વચ્ચેનું અંતર એટલું ઓછું હતું કે જાણે હવાના સુસવાટા પણ જાણે ચિલ્લાયને પોતાની તમામ શક્તિ વાપરીને એ પાતળી બે મોઢા વચ્ચેની તિરાડ માંથી નીકળવાની કોશિશ કરતી હતી .એકબીજાના શ્વાસોશ્વાસ એકબીજાને જાણે ગરમી આપી રહ્યા હતા બસ હવે બે હોઠો મળીને સ્વર્ગરૂપી અનુભૂતિ થવાની બસ તૈયારી જ હતી ત્યાં પાછળ થી લાકડા લેવા ગયેલા સોમચંદનો અવાજ આવ્યો
"ઉંહું ...ઉહુ ....." સોમચંદ ખૂંખારો ખાધો અને બોલ્યા " હું થોડો જલ્દી નથી આવી ગયો બરાબરનો !? ..... "

" હમ્મમ્ ...ના ..ના " સ્વાતિ શરમાઈ ગઈ હતી એવું એના લાલ થઈ ગયેલા ગાલ સ્પષ્ટ કહી રહ્યા હતા . આટલું બોલી એ થોડી આગળ ચાલી ઉભી રહી અને સોમચંદ અને મહેન્દ્રરાય સૂકા લાકડા ભેગા કરી એમાં સ્પિરિટ છાંટી તાપણું કરવાની કોશિશ કરી રહ્યા હતા .

ત્યાં થોડી જ વારમાં સ્વાતિ દોડતી દોડતી આવી , " બચાવો ....બચાવો... ...સસ....સ..સફેદ રીંછ .... બચાવ... મ..મહેન્દ્ર ...મહેન્દ્રરાય.....બચાવ..." સફેદ રીંછ નામ સાંભળતા જ સોમચંદ અને મહેન્દ્રરાયના પગ ધ્રુજવા લાગ્યા . આજ સુધી ઠંડા પ્રદેશમાં રહેતા રીંછ વિશે બસ સાંભળ્યું જ હતું આજે એમની પ્રત્યેક્ષ મુલાકાત થવાની હતી . સ્વાતિ ચંદ્રના પ્રકાશમાં ભાગતી આવી રહી હતી અને પાછળ મહાકાય સફેદ રીંછ ..... એને જોઈને જ મહેન્દ્રરાય અને સોમચંદના ડોરા ફાટી ગયા કાસ ....આ એક દુવાસ્વપ્ન હોય ....!! એવી લાગણી થઈ રહી હતી .

સ્વાતિ પાછળ ભાગીને આવતું રીંછ કોઈ જંગલી ભેંસ જેટલું કદાવર હતું . સફેદ રંગે રંગલી જંગલી ભેંસ જ જોઈ લો....!! આવી મુસીબતો માં વિજય એમનો જ થાય છે જે જલ્દી નિર્ણય લઈ શકે છે . પરંતુ ત્રણ માંથી કોઈ સત્વરે નિર્ણય લઈ શકે એવી પરિસ્થિતિમાં નહોતો . સ્વાતિ પણ હવે લગભગ એમનાથી એકદમ નજીક આવી ગઈ હતી સામેથી ભાગીને આવતા મોતને સૌ આવકારી રહ્યા હોય એમ ઉભા હતા ત્યાં અચાનક રીંછ અને એમની વચ્ચે એક આદમી હાથમાં મસાલા લઈને જાણે આકાશ માંથી પ્રગટ થયો....! .મસાલમાં ભડભડ બળતી આગ સામે રીંછ જોઈ રહ્યું હતું આ ક્ષણનો લાભ લઈને પેલો માણસ બોલ્યો

" અપને દોનો હાથ ઓર પૈર ફેલાઓ જૈસે તુમ ઉસસે બળે હો , ઔર મેરે હર બાર તીન ગીનને પર હો શકે ઉતની આવાજ કરો ...."

" ઠીક હૈ ...." બસ આનથી વધારે એક શબ્દ પણના બોલી શક્યા તેઓ . આ દરમિયાન એ માણસ પેલી મસાલાને એક હાથમાંથી બીજા હાથમાં ફેરવી પેલા રીંછનું ધ્યાન ભટકાવી રહ્યો હતો . રીછે એક ઘુરકિયું કર્યું

" ઘુહુહુહુ.........ઘુહુહુહું.........." આટલી વારમાં ત્રણે જણાએ પોતાના ફેલાવી પોતાને શક્ય એટલા વિશાળ બતાવવાની કોશિશ કરી ત્યાં પેલા મસાલ વાળા આદમીનો ફરી અવાજ સંભળાયો

" તીન...દો....એક......"

"હુઆ.....હુઆ .....હુઆઆઆઆ........"

" તીન ....દો.....એક ..... "

"હુઆઆ......હુઆઆઆ.....હુઆઆઆ......"

રીંછ થોડું વધારે નજીક આવતા પેલા મસાલા વાળા માણસે મસાલ રીંછના માથા પર ઝીંકી અને સાથે જ ફરી એકવાર ગણતરી કરી " તીન ...દો......એક..."

"હુઆઆઆઆ........હુંઆઆઆઆઆ....... હુંઆઆઆઆઆઆ........" પોતાની તમામ તાકાત પેલા કદાવર પ્રાણીને ભગાડવા માટે કરી . આ છેલ્લી વારનો તીવ્ર અવાજ અને પેલી મસાલ રીંછને મારવાની ઘટના એકસાથે બની તેથી રીંછ થોડું ગભરાયો જાણે એનો સામનો એનાથી પણ શક્તિશાળી ચાર પ્રાણીઓ સાથે થયો હોય એવું લાગ્યું . બસ રીંછથી બચવા માટે આ પૂરતું હતું . રીંછ ગભરાઈને ભાગી ગયું .હવે સ્વાતિ , મહેન્દ્રરાય અને સોમચંદના જીવમાં જીવ આવ્યો . હજીતો હેમખેમ બચી ગયા એ વાતની ખુશી મનાવે ત્યાં પેલો માણસ ક્યાંક ગાયબ થઈ ગયો . આજુબાજુમાં જઇને જોયું પરંતુ કોઈ ના મળતા જલ્દી જલ્દી પાણી પીને થોડા સાધુએ આપેલા ફળ ખાઈને આગળ ચાલવા લાગ્યા .

( ક્રમશ )

●વાર્તાનો અંત કેવી રીતે આવશે ?
●પેલા નકશા વાળા રસ્તે જવાથી આખરે શુ મળશે ?
●શુ ત્યાં કોઈ ખજાનો હશે ? પેલા ભટકતા લોકોને સ્વાતિ મુક્તિ અપાવી શકશે ?
● પેલા રમેશચંદ્રના ઘરમાં મળેલી લાસ કોની હશે ? અને ત્યાં મળેલી ફોટોફ્રેમનો ફોટો કોના જેવો લાગતો હતો ?

બસ હવે ચંદ ભાગો બાકી રહ્યા છે , તમને તમારા બધા સવાલોના જવાબ ટુક સમયમાં મળી જશે . છેલ્લે તમારી પાસે બસ એક વસ્તુ માંગુ છું .

જો તમને મારી આ નવલકથા ગમી હોય તો કોમેન્ટ માં જરૂર જણાવો જેથી હું તમારા માટે આવી બીજી નવલકથા લખી અપલોડ કરી શકું .

પ્રતિભાવ વોટ્સએપ પર પણ આપી શકો છો .
9601164757 .