Ashvmedha - 2 books and stories free download online pdf in Gujarati

અશ્વમેધા - પ્રકરણ 2

૧૯૮૫, જુલાઈ મહિનો. (ડાંગ – ગુજરાત)

“બેન બહાર ન નીકળો... બહાર અંધારું છે અને ઉપરથી વરસાદ પણ. આ જંગલનો રસ્તો છે. કઈક આવી જશે તો ખ્યાલ પણ નહી આવે.” એક પૂરપાટે જતી એમ્બેસેડર ગાડી રાત્રીના આ અંધકારને ચીરતી જંગલની વચ્ચેથી પસાર થઈ રહી હતી. અને અચાનક એક ખોફનાક ચીસને કારણે ગાડીને એક જોરદાર બ્રેક વાગી. પાછળ બેઠેલ સ્ત્રીએ ગાડીના દરવાજાના હેન્ડલને જેવો હાથ લગાવ્યો કે આગળ બેઠેલ ડ્રાઈવર આ વાક્ય બોલી ગયો.

એ સ્ત્રીએ એક પળ માટે પોતાનો હાથ પાછો કર્યો અને પાછો તરત દરવાજો ખોલ્યો. એણે ડ્રાઈવરની ચેતવણીને અનદેખી કરી. દરવાજો થોડોક ખોલતા જ ધોધમાર વરસાદના છાંટા એનો સફેદ ડ્રેસ ખરાબ કરવા લાગ્યા. એણે દરવાજો આખો ખોલ્યો અને બહાર નીકળી. ચારેતરફ અંધારું અને વરસાદ હતો. ગાડીની ફ્લેશ લાઈટ જ્યાં પડતી હતી એ રસ્તો પણ માંડ ૫-૭ ફૂટ સુધીનું જ દ્રશ્ય બતાવતો હતો. એ સિવાય બધે અંધકાર. એણે આસપાસ જોયું અને જાણે કોઈક વસ્તુનું નિરીક્ષણ કરવા લાગી. પણ એને નરી આંખેથી કઈ જ અજુગતું ન મળ્યું. વાતાવરણમાં થોડા સમય પહેલા ગુંજેલી ચીસ પણ હવે ગાયબ થઈ ગઈ હતી.
ડ્રાઈવર પણ એનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને તરત એ સ્ત્રીની નજીક જઈને એને અંદર ગાડીમાં પાછા બેસવા માટે વિનવવા લાગ્યો. એ સ્ત્રી આ શાંત વાતાવરણ જોઈ પાછી અંદર બેસી ગઈ. ડ્રાઈવર પણ ઝડપથી ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો. સીટની બાજુમાં રહેલ એક રૂમાલથી એણે પોતાનો ચહેરો સાફ કર્યો. અને પાછળની સીટ પર જોયું.
પાછળ બેસેલી સ્ત્રીના મુખ પર કોઈ હાવભાવ નહતા. એની આ મુર્ખામી પર ડ્રાઈવરને ખુબ ગુસ્સો આવ્યો પણ એ કઈ બોલ્યો નહી. ઇગ્નીશન ચાલુ કરી, સ્ટેરીંગ નીચેના ગેર પર પ્રથમ ગેર પાડી એણે ઝડપથી ત્યાંથી ગાડી આગળ નીકાળી. જો આ ફેરાથી એને હજાર રૂપિયા ન મળવાના હોત તો કદાચ એ ક્યારેય અહી ન આવત, આ મુર્ખ સ્ત્રી સાથે. જેને જંગલ અને શહેર અંગેનું ભાન પણ નથી. પણ હવે શું થઈ શકે? એની પત્નીની ના છતાં આટલા પૈસા ક્યાં જતા કરવા? એમ વિચારી એ સાંજના સમયે સુરતથી અહી આવવા તૈયાર થઈ ગયો. કદાચ જો સ્ત્રી વિષે થોડીક પણ જાણકારી એને હોત તો એ એની સાથે ન આવત.
આ બે મિનીટની નાનકડી કસરત – જેમાં એ લોકો આટલા વરસાદમાં બહાર નીકળ્યા. એમાં જ એ બંને વરસાદને કારણે ભીંજાઈ ગયા. ડાંગનો જોરદાર વરસાદ માત્ર ૧૦ જ સેકન્ડમાં શરીરની સાથે આત્મા પણ ભીંજવી નાખવાની ક્ષમતા ધરાવે છે. અને અહી તો એ સ્ત્રીની મુર્ખામીને કારણે એ લોકો સતત બે મિનીટ સુધી બહાર રહ્યા હતા. ખબર નહી હવે ભીના કપડામાં એ આ બચેલું અંતર કઈ રીતે કાપશે? ડ્રાઈવરની ચિતા એના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ આવતી હતી.
ગાડી જેમ-જેમ આગળ જતી ગઈ, તેમ-તેમ રસ્તો ડરામણો થઈ રહ્યો હતો. પાક્કો અને કાચા રસ્તા વચ્ચે અંતર મુશ્કેલ થઈ ગયું હતું. અને આ ધૂળ-માટીવાળા રસ્તે વરસાદને કારણે ખુબ કાદવ થઈ ગયો હતો. જો ગાડી ચલાવવામાં ધ્યાન ન આપવામાં આવે તો કદાચ ગાડીના પૈડા પણ આ કાદવમાં ફસાઈ જવાની ક્ષમતા રાખતા હતા. આગળ જતા એક તરફ આહવા જવાનો રસ્તો અને બીજી તરફ એક કાચો રસ્તો આવ્યો.
ડ્રાઈવરે એ સ્ત્રીને પૂછ્યું, “બેન આહવા નજીક છે. તમે સરનામું આપો. હું તમને એ જગ્યાએ પહોચાડી દઈશ.”
એ સ્ત્રી આટલા સમય પછી એક શબ્દ બોલી, “કાચો રસ્તો...”
ડ્રાઈવરે તરત ગાડી પર એક બ્રેક મારી. ગાડી એક તોફાની બાળકની જેમ સ્સ્સ્સસ... અવાજ કરીને ઉભી રહી. ડ્રાઈવર તરત બોલ્યો, “બહેનજી, માફ કરજો. પણ વાત આહવાની થઈ હતી અને હું તમારી સાથે આવા કોઈ રસ્તા પર નહી આવું. આ રસ્તો ઠીક નથી.” એ ખુબ ગભરાઈ રહ્યો હતો. એણે એ સ્ત્રીને કાચમાંથી જોઈ. એની આંખો હવે ખુબ ભયાનક લાગી રહી હતી. ડ્રાઈવરે કાચમાં જોવાનું બંધ કર્યું. અને સ્ટેરીંગ પર આંખો બંધ કરી બંને હાથ દબાવીને બોલ્યો, “બેન હું આગળ નહી આવું. તમે અહી જ ઉતરી જાઓ...”
એના બોલવાની સાથે જ એક ઠંડો પવન ડ્રાઈવરને અનુભવાયો. અને એ પહેલા કે પોતાના ડરમાંથી બહાર નીકળી એ પાછળ જુએ દરવાજો ‘ખટાક’ના અવાજ સાથે બંધ થઈ ગયો. પાછળની સીટ પર એણે ૧૦૦ની નોટોનું બંડલ જોયું. એ ક્યાય સુધી એ બંડલ તરફ જોતો રહ્યો. એ બંડલ ઉપાડવાની હિંમત ખબર નહી કેમ? એને થતી નહતી. એ પછી એણે હળવેકથી એ નોટો ઉપાડી અને હાથમાં લીધી. અને તરત સામે સ્ટેરીંગ પરના ડેસ્ક પર ફેંકી દીધી. એમાંથી એક નોટ ડ્રાઈવર તરફની થોડીક ખુલ્લી બારીના પ્રતાપે કાચ પર જઈ ચોંટી. અને એ નોટ નીચે મુકવા ડ્રાઈવરે એની તરફ હાથ લંબાવ્યો. તરત એ નોટ પર કઈક લખાણ જોતા એ નોટ નજીક લાવ્યો. એટલા અંધારામાં વરસાદ સાથે વીજળીનો એક કડાકો થતા એને એનું લખાણ સ્પષ્ટ દેખાયું, “સંભાળીને જજે.....”
અને એ ડ્રાઈવર ખુબ ડરી ગયો. તરત પોતાની ગાડી એણે આહવાના રસ્તા પર લીધી. સુરત પાછુ હાલ આવા રસ્તામાં જવામાં જોખમ છે, એમ સમજી એ આગળ વધ્યો. અને ત્યાંથી એ ગાડી વરસાદને ચીરતી આગળ નીકળી ગઈ.

બીજી સવારે આહવા નજીક એક વીસીમાં....
એક પોલીસની જીપ આહવા નજીકની આ એકમાત્ર વીસી આગળ આવીને ઉભી રહી. તેમાંથી એક હવાલદાર નીકળ્યો અને બહાર આવીને એ સીધો જ વીસી આગળ બેઠેલ એક શખ્સ પાસે ગયો. એને જોઇને તે શખ્સ તરત ઉભો થઈને બોલ્યો, “આવોને સાહેબ.. જે પણ જોઈએ એ જણાવો. અમે તરત તમને પીરસી દઈએ.”
એ હવલદાર એની તરફ લાલ આંખ કરીને જોવા લાગ્યો અને એ વ્યક્તિ ડરી ગયો. એણે પૂછ્યું, “અહીનો માલિક....”
સામેવાળો થોથવાતી જીભે બોલ્યો, “સર હું જેડો....”
હવલદારે તરત પોતાની પૂછપરછ ચાલુ કરી, “જેડા... અહી કોઈ નવી વ્યક્તિને તે જોઈ છે ખરા?”
“ના સર... અહી તો બધા સાહેબ લોકો જ આવે છે. અહીના દાક્તરો...” જેડો વિચાર કરીને બોલી રહ્યો હતો, “સર શું થયું? અમારાથી કોઈ ભૂલચૂક થઈ?”
સામેવાળો અધિકારી આંખો ઝીણી કરીને બોલ્યો, “તારાથી તો નહી, પણ અમે ભૂલ કરનારને જ શોધી રહ્યા છીએ...”
“એટલે???”
હવલદાર એની કડકાઈની ભાષામાં જ બોલ્યો, “એટલે અહીંથી પાંચ કિલોમીટર દુર અમને સવારે એક ટેક્સી મળી છે સુરતની. એ ટેક્સી ખાલી હતી. અને ડ્રાઈવર લાપતા... ઘણાને લાગે છે કે આ જાનવરનું કામ છે. પણ અમને લાગે છે કે આ કોઈ માણસનું કામ છે. એટલે જેડા જો કોઈપણ નવું વ્યક્તિ જુએ કે તરત અમને જાણ કરજે...”
“જી સાહેબ...” સામેવાળો હાથ જોડીને ઉભો રહી ગયો.
અને એ હવલદાર ત્યાંથી પોતાની જીપમાં બેસી નીકળી ગયો.
એ જયારે પોલીસ સ્ટેશન પહોચ્યો ત્યારે એના પી.આઈ. સાહેબની સામે ૧૦૦ની નોટો પડી હતી. અને સૌથી ઉપર ચેતવણીવાળી નોટ. અને આ કેસ ઘેરાવા લાગ્યો.

એ દિવસે સાંજે જ વીસીનો માલિક જેડા પોલીસ સ્ટેશન આવ્યો અને જંગલના એક ખૂણામાં એક અજાણી સ્ત્રીની બાતમી આપી ગયો. પી.આઈ. સતીશ જાડેજા અને કોન્સ્ટેબલ કેશુ વસાવા બંને એ ખૂણામાં જવા માટે તરત નીકળી ગયા. હવાલદાર વસાવા અહીંથી ૧૫ કિલોમીટર દુરના કોઈ ગામમાં જ રહેતો હતો. એટલે એ અહીંથી પરિચિત હતો.
એ લોકો આહવાના રસ્તાથી અલગ પડતા એક કાચા રસ્તા પર જીપ લઈને ગયા. એ રસ્તા પર અંદર ચાર કિલોમીટર દુર બે માળના ઘર પાસે જઈને ગાડી રોકી. જાડેજા અહી ત્રણ વર્ષથી ફરજ પર હતો. પણ એ જંગલના આ ભાગમાં હજુ સુધી આવ્યો નહતો. ફોરેસ્ટ અધિકારીઓના ક્ષેત્રમાં આ જગ્યા આવતી હોઈ એ અહીંથી દુર જ રહેતો. પણ વાત અહી એક લાપતા વ્યક્તિની હતી. એટલે એ આટલા સમય પછી અહી આવ્યો. અને આ ઘર જોઈ અચંબામાં પડી ગયો.
એટલામાં વસાવા જીપમાંથી નીકળ્યો અને બોલ્યો, “વિશ્વાસ નથી આવતો આ ઘર આટલા સમય પછી ખુલ્યું!”
જાડેજા એની સીટ પરથી નીચે ઉતરી એની સામે જોવા લાગ્યો. એટલે વસાવાએ બોલવાનું શરુ કર્યું, “સર આ અમારા રાજાનો મહેલ હતો. પણ રાજાશાહી પૂરી એટલે મહેલ છોડી એ શહેરમાં જતા રહ્યા. કદાચ એમનું કોઈ વંશજ આવ્યું લાગે છે....”
એ બંને વ્યક્તિ જીપથી થોડાક આગળ આવી ઘરના આંગણામાં પ્રવેશ્યા. આંગણામાં જંગલી ફૂલ-છોડ ઉગી ગયા હતા. આંગણું તો બદસુરત લાગતું જ હતું, પણ સાથે જ ઈમારત પણ થોડીક જર્જરિત થઈ ગઈ હતી. એ લોકો જંગલી છોડથી બચતા ઘરના દરવાજે પહોચ્યા. વસાવાએ સાગનો એ મોટો દરવાજો ખખડાયો. અંદર કોઈના દરવાજા તરફ આવતા પગરવ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. અને એક ઝટકા સાથે દરવાજો ખુલ્યો. સામેનું દ્રશ્ય જોઈ જાડેજા અને વસાવા બંને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

(વાર્તાના બે ભાગ કેવા લાગ્યા? પ્રતિભાવ આપવાનું ચુકતા નહી. અને આગળના ભાગ ખુબ રસપ્રદ છે તો વાંચવાનું ચાલુ રાખજો. કારણકે આ વાર્તા મારી અન્ય વાર્તાઓ કરતા આપણે જલ્દી-જલ્દી પૂરી કરી દઈશું.)