Ashvmedha - 10 books and stories free download online pdf in Gujarati

અશ્વમેધા - પ્રકરણ 10 (અંતિમ ભાગ)

સૂર્યાએ એ ચાકુ લઈને મેધાને મારવા માટે હાથ ઉગામ્યો જ કે એ સાથે જ મેધાએ એની સામે રહેલ સૂર્યાના પગ પર જોરથી લાત મારી. અચાનક થયેલ આ હમલાથી સૂર્યા નીચે પડી ગઈ. અને એના હાથમાં રહેલ ચાકુ છૂટી ગયું. એના પડતાની સાથે જ એકાએક થયેલ વારથી દર્દના કારણે એની આંખો એક પળ માટે બંધ થઈ ગઈ. અને એની ચીસ નીકળી ગઈ. અને બીજા જ પળે એને પોતાના શરીર પર ભાર અનુભવાયો. એણે આંખો ખોલી ત્યારે જોયું કે મેધા એની પેટના ભાગ પર ચઢી બેઠી હતી. મેધાને લાગ્યું કે સૂર્યા હજુ એટલી મજબૂત નથી. કારણકે આટલો સામાન્ય વારનો એ જવાબ આપવા સક્ષમ નથી. એના મનમાં આ વિચાર ચાલુ જ હતા. પણ વધુ સમય પસાર ન કરતા એણે બીજા જ પળે પોતાની સાડીમા હાથ નાખ્યો, અને સાથળના ભાગે છુપાવેલ એક મોટું અને ધારદાર ચાકુ લઈને એના હૃદયના ભાગમાં ખોસી દીધું. આ બધું એટલી જલ્દી થઈ ગયું કે સૂર્યા કઈ સમજી શકે એ પહેલાં એ લોહીના ખાબોચિયામાં ડૂબી ગઈ.
એ ખૂબ તડપી રહી હતી. એનો દર્દ ચરમ પર હતો. એને આમ જોઈ મેધાએ પ્રશ્ન પૂછ્યો, "શુ લાગ્યું તને? હું તારી આવી બેકાર બાબતોમાં ભરોસો કરવાની ખરા? તું માત્ર લોકોના જીવ લઈ શકે છે. અત્યાર સુધીનો બધો દોષ તે તારા પિતા પર નાખી દીધો. પણ હું સારી રીતે જાણું છું કે આમાં એમનો નહિ, તારો ફાયદો છે. માત્ર એટલું જ નહીં. આ બધું જ તે તારા એ કહેવાતા ગુરુ અનાદિ માટે ચાલુ કર્યું, સાચું કહ્યું ને મેં!"
એ એટલું બોલી કે સૂર્યા પોતાનો દર્દ ભૂલી એની સામે જોવા લાગી. મેધાએ આગળ જવાબ આપ્યો, "તારે માત્ર પોતાનાથી મતલબ હતો. તારે ફક્ત પોતાની સુંદરતા જાળવવી હતી. પોતાનું રૂપ જાળવી રાખવું હતું. મને ખબર છે કે તું લંડન તારા ચહેરા માટે ગઈ હતી. પણ જ્યારે ડોક્ટરો કઈ ન કરી શક્યા, ત્યારે તે મંત્ર-તંત્રનો રસ્તો લીધો. દર મહિને લોકોના લોહી નીકાળી એને ગ્રહણ કરવાનો. ઉટી સુધી બધું બરાબર ચાલ્યું, પણ ત્યાં તે તારા ગુરુને ખોયા અને એ પછી તારી હાલત ખરાબ થઈ. સુંદરતા બચાવવાનો એકમાત્ર રસ્તો એટલે વેતાલદેવ. અને તે એમને બલી ચઢાવવાનો નિશ્ચય કર્યો. જેમાં હું તારા સામે આવી... સાચું કહું છું ને!" મેઘાની આંખો ખૂબ મોટી અને ગુસ્સાવાળી લાગી રહી હતી. હાલ સૂર્યા એની સામે જોઈ શકતી નહતી. સૂર્યાનો આ દર્દ એનું જીવવું મુશ્કેલ કરી રહ્યો હતો. આ બધું જ અસહ્ય હતું. એની હાર અને એની મોત એની આંખો સમક્ષ હતી.
સૂર્યા જોરથી બોલી, "કોણ છે તું? આ બધું કઈ રીતે જાણે છે? મારો અંત એક જ રીતે શક્ય છે. તને એ રીતે કઈ રીતે ખબર?"
હજી સુધી એની પર બેઠેલી મેધા જોરથી બોલી, "મેધા, અશ્વમેધા.... એક ચેતવણી યુદ્ધની.... અંતિમ વિજય... એક યજ્ઞ- જેમાં તારા જેવાની આહુતિ આપવાની છે. એક માધ્યમ - તને અંત સુધી પહોંચાડવા. તું ઈચ્છે તો પણ મારાથી બચી નથી શકતી. કારણકે હું એ છું જે તને આટલા વર્ષોથી શોધી રહી છે...... હું એ છું જે તારા વિશે બધું જ જાણે છે...."
આ છેલ્લા વાક્ય સાથે એક બીજી વખત મેધાએ સૂર્યાના હૃદય પર ચાકુનો ઘા કર્યો. અત્યાર સુધી જે સૂર્યા દર્દમાં તડપી રહી હતી. આ વારથી એની આંખો પહોળી થઈ ગઈ. એ સાથે મેધા એના પરથી ઉઠી ગઈ. સૂર્યાના શરીરમાંથી જાણે લોહીની નદીઓ વહેતી હોય એમ ચારેય તરફ લોહી નીકળવા લાગ્યું. એનું શરીર પણ ધીમે-ધીમે એ લોહીમાં પરિવર્તિત થયું. અને ચારે તરફ વહેવા લાગ્યું. બીજા જ પળમાં એ લોહીની હવામાં એક ઘુમરી બની, એક અસ્પષ્ટ મુખોટુ બન્યું અને તરત ગાયબ થઈ ગયું.
મેધા જાણતી હતી કે મંત્ર-તંત્રના સાધકનો અંત આવો જ હોય છે. એટલે એ ત્યાંથી કયાંય દૂર ઉભી હતી. હવે એ ઝૂંપડીમાં એના સિવાય બીજું કોઈ નહતું. ત્યાં જ જમીન પર પડેલો સૂર્યાનો પાટલો એણે ઉઠાવ્યો કે જેની પર લાલ રંગના દોરા બાંધ્યા હતા. એ હવે કાળા પડવા લાગ્યા. મેધાએ એને સાંભળીને પોતાની પાસે રાખી દીધા. સૂર્યાની આ અંતિમ વસ્તુ જો કોઇના હાથ લાગી જાય તો એની આત્મા લોકોનું જીવવું હરામ કરી શકે એમ છે. એ મેધા જાણતી હતી. આ બધું થયા બાદ એ ત્યાંથી બહાર નીકળી કે સામે એક મોટી ફ્લેશલાઇટ એને દેખાઈ. એણે આંખો આગળ હાથ આડો રાખીને કોણ છે? એ જોવાની કોશિશ કરી. તો એને પોલીસજીપ નજીક આવતી દેખાઈ. એને લાગ્યું કે જાડેજા એને હવે નહિ છોડે. એટલે એ ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરવા લાગી. એટલામાં એ જીપ નજીક આવી ગઈ. વસાવા ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરતા જ એક રાઇફલ લઈને મેધા સામે ઉભો રહી ગયો. તરત જાડેજા પણ ગાડીમાંથી ઉતાર્યો. અને કોઈ કઈ જ સમજી શકે એ પહેલાં એ વસાવા નજીક ગયો અને એના હાથમાંથી એ રાયફલ લઈ લીધી. વસાવા ગુસ્સે થઈને બોલવા લાગ્યો, "સર જુઓ, આ ભાગવાની કોશિશ કરે છે. આણે કદાચ સૂર્યા અને પંડિતને પણ મારી દીધા હશે. ભલાઈ એમાં જ છે કે આપણે એને મારી નાખીએ...".
જાડેજા એક ભારે અવાજમાં બોલ્યા, "ના...."
આ સાથે જ મેધા ચોંકી, એ જાડેજા સામે જોવા લાગી. એને કઈક અજુગતું લાગ્યું. પણ એ બીજા જ પળે બોલી, "લાગે છે તમે બધું જાણી ચુક્યા છો. પણ કઈ રીતે?"
વસાવાને બધું જ અજુગતું લાગવા લાગ્યું. એવામાં જાડેજા એક મુસ્કાન સાથે બોલ્યો, "હા મોડું થયું જાણતા! પણ જેવું બધું સમજ આવ્યું કે મારતી ગાડીએ અહીં આવ્યો!"
હવે જઈને વસાવા સમજ્યો કે એના સર જે આહવાથી ઊંધા રસ્તે ચડી ગયા હતા, ત્યાં એકાએક ગાડી રોકીને આટલી ઝડપે અહીં પરત કેમ ફર્યા!
મેધાએ પૂછ્યું, "તો હવે તો હું આઝાદ છું ને!"
"હા... હા... પણ મને એ જાણવું છું કે તમે બચ્યા કેવી રીતે?"
"જેમ મારે જાણવું છે કે તમને આ બધું સમજ કઈ રીતે આવ્યું?"
"સૂર્યાની વાત યાદ આવી ગઈ. આહવાથી ઘોઘલી જતા એ આમ તો કોઈ એક જ ઘટનાની સાક્ષી બની શકે. એ એક્સિડન્ટ અને તમે જ્યાં ઉભા હતા, એ બંને જગ્યાએ ન હોઈ શકે. અને આ બાબત યાદ આવતા જ મેં બીજી બધી બાબતો પણ યાદ કરી. મને સમજાઈ ગયું કે આ બધી તમારી નહિ પણ એની કહાની છે. અને બસ.... હું અહી..."
"હમમ. સમજદાર છો તમે. આમ તો તમે હાલ મારી મોત જોવા ઇચ્છતા હોય પણ અહીં તો...." મેધાએ વસાવા સામે જોયું, એ હજુ પણ એમ જ આશ્ચર્યમાં ઉભો હતો. આગળ શું બોલવું? એ એને સમજાઈ રહ્યું નહતું. એની માટે મેધા અને હવે જાડેજા બંનેને સમજવા મુશ્કેલ થઈ ગયા હતા.
મેધાએ એની પરથી નજર હટાવી અને આગળ કહ્યું, "મારુ બચવું એ કોઈ મોટો પ્રશ્ન નથી. હાલ હું એટલું જ કહેવા ઈચ્છું છું કે ડોકટર હોસ્પિટલમાં પહોંચી ગયા છે અને માધવ સુરત માટે નીકળી ગયો છે. અને જ્યાં સુધી મારી વાત છે, મારે હવે અહીંથી નીકળવું જોઈએ...."
જાડેજાએ તરત પોતાના જમણા હાથથી મેધાને રોકી, "મેધા તમે ક્યાં જશો અત્યારે? અહીં જ રોકાઈ જાઓ. અહીંના બધાને હકીકત જાણવી જોઈએ. સૂર્યા કોણ હતી? એ જાણવાનો હક છે બધાનો..."
મેધાએ એક મુસ્કાન સાથે જવાબ આપ્યો, "ના મને નથી લાગતું. આ જાણીને એમની મુસીબતો જ વધશે. અને અમુક ખરાબ શક્તિઓ વિશે વાત કરવામાં ન આવે. તો જ યોગ્ય રહેશે. નહિતર એ વધુ આકર્ષિત થશે અહીંથી..."
"ઓહ... પણ તમે?" જાડેજાએ એક ભ્રમર ઊંચી કરીને પૂછ્યું.
"જ્યાંથી આવી હતી ત્યાં જ જતી રહીશ...." એમ કહીને એ ત્યાંથી નીકળી ગઈ. જાડેજા કે વસાવા એને ન રોકી શક્યા. જંગલના રસ્તે થઈ મેધા રાજાની હવેલી તરફ ગઈ. એવામાં એને એક પછી એક ઘટનાઓ યાદ આવવા લાગી. 'ઉટીની હવેલીમાં જંગલ વચ્ચે એ માણસની ગાડીની આસપાસ જ્યારે રાખ હતી, ત્યારે ત્યાંના પોલીસકર્મીએ મેધાને બોલાવવા માટે એક કોન્સેબલ મોકલી આપ્યો. પિતાની રાહ બેંગ્લોરમાં જોઈ રહેલી મેધાને એક કોન્સ્ટેબલ આવવાથી ડર લાગ્યો. કોઈ અનહોનીનો ભણકાર થયો. એ વખતે એ માત્ર 14 વર્ષની હતી ગાડીની.પાસે પહોંચતા જ એને જંગલમાં અચાનક લાગેલી આગની બાતમી મળી અને એના પિતા એમાં જ મરી ગયા હશે અથવા કોઈ જાનવર ઉઠાઈ ગયું હશે. પોલીસકર્મી દ્વારા એ તારણ મળ્યું. પણ જયારે મેધાએ ગાડીને હાથ લગાવ્યો ત્યારે હકીકત સાથે એની ઓળખાણ થઈ. એનો ગુસ્સો સાતમા અસમાન પર હતો. એ બુઢ્ઢો વ્યક્તિ સૂર્યાનો નોકર નહિ, પણ ગુરુ હતો અને અંદર જતા જ સૂર્યાએ મેધાના પિતા પર હમલો કર્યો અને એમને મારી નાંખ્યા. આ જાણતા જ મેધાની અંદર જનમ થયો એક યોદ્ધાનો..... ક્યાંય ક્યાંયથી એ અહીં પહોંચી. અને સૂર્યાને બહાર નીકાળવા આ અફવાઓ ફેલાવવા દીધી. એ પણ જાણતી હતી કે એ કોઈ મોટા ખતરા તરફ વધી રહી છે. પણ બદલો લેવા અને સૂર્યાથી મુક્તિ મેળવવા આ જોખમો નજરઅંદાજ કર્યા. માધવને બચાવી પોતાના ઘરે રાખ્યો. પણ માધવ એને પિશાચ સમજી ત્યાંથી ભાગી ગયો અને જાડેજાને બેભાન અવસ્થામાં મળ્યો. માધવને હોસ્પિટલમાંથી પરત લાવ્યા બાદ એણે એને ઘરમાં જ રાખ્યો. જાતજાતની અફવાઓ સાથે શરૂ થઈ શિકાર ફસાવવા આ સફરની શરૂઆત...'

મેધા રાજાના ઘર આગળ પહોંચી. એણે દરવાજા પર પોતાની પાસે રહેલી એક નાનકડી બોટલમાંથી એક પાણી જેવો પદાર્થ છાટયો. એ પ્રવાહી પવિત્ર ગંગાજળ હતું. આ ક્રિયા પુરી કરી અને એ ત્યાંથી તરત મુખ્ય રસ્તા તરફ વળી ગઈ. જેવી એ રસ્તા પર પહોંચી કે એક એમ્બેસેડર ત્યાં ઉભી જ હતી. એ એમાં જઈને બેસી ગઈ. બેસતા જ એણે હુકમ કર્યો, "સુરત..."
"જી...." એમ કહીને એ વ્યક્તિએ ગાડીનું ઇગનીશન ચાલુ કરી બીજા હાથથી સ્ટેરિંગ નીચે રહેલો ગેર પાડ્યો. અને એ ગાડી ત્યાંથી ઉપડી ગઈ. એ વ્યક્તિએ બારીની બહાર એક વખત જોયું. થોડા દિવસો પહેલા સૂર્યાના કારણે એનો જીવ જતો રહેવાનો હતો. પણ આજે એ સહીસલામત અહીં એની ગાડી ચલાવી રહ્યો હતો.
એવામાં પાછળથી અવાજ આવ્યો, "માધવ, શુ થયું એમનું?"
"બેન, ડોકટર અને એ ત્રણેય એમના મુકા સુધી પહોંચી ગયા છે, પણ....."
"પણ....." મેધાએ ભ્રમર ઊંચી કરી. આ 'પણ' શબ્દ વાતાવરણમાં ગુંજવા લાગ્યો. અને જોતજોતામાં એ ગાડી પાછળ ધુમાડાના ગોટેગોટા ઉડાવતા ક્યાંય જતી રહી.

(તો મિત્રો, અશ્વમેધાનું આ અંતિમ પ્રકરણ છે. તમને કેવું લાગ્યું આ પ્રકરણ? એના પ્રતિભાવો ખાસ આપજો. એક અલગ પ્રકારની વાર્તા લખવાની આ એક શરૂઆત માત્ર હતી. સૂર્યાના અંત સાથે ભાગ 1 નો અંત થાય છે. આશા છે કે તમને આ નવલકથા ગમી હશે....)