Ashvmedha - 9 books and stories free download online pdf in Gujarati

અશ્વમેધા - પ્રકરણ 9

મેધા આ તરફ બધું જ વિચારી રહી હતી. એવામાં એણે જોયું કે જે અગનજ્વાળાઓ અત્યાર સુધી સૂર્યાની આસપાસ ફરી રહી હતી, એ અચાનક શાંત થવા લાગી હતી. એ સાથે જ સૂર્યાની આંખો વધુનેવધુ ભયાનક થઈ રહી હતી. એ મેધાની સામે જ સતત જોઈ રહી હતી. અગ્નિના સંપૂર્ણ શાંત થયા બાદ સૂર્યા છરી લઈને ત્યાંથી ઉભી થઇ. અત્યાર સુધી મેધાને એના હાથની તકલીફ યાદ રહી નહતી. પણ એના હાથમાં પાછી એ જ નકશીકામ કરેલી મોટી છરી જોતા જ એને હાથ પરનો દુખાવો ફરી અનુભવાયો.
જેમ સૂર્યા નજીક આવતી ગઈ એમ મેધા એની સામે જ જોઈ રહી હતી. એના મનમાં આ પરિસ્થિતિ માટે ઘણા વિચારો ચાલી રહ્યા હતા. શુ કરવું એ સમજાઈ રહ્યું નહતું! એવામાં એ જોરથી બોલી, "જો મને કંઈ થયું તો અહીંના લોકો તને નહિ છોડે!"
સૂર્યા હસવા લાગી, "તને એમ લાગે છે કે તને કઈ થશે તો લોકોને કોઈ ફરક પડવાનો? હંહ... આમ નહિ, બીજી રીતે કહું, તને એમ લાગે છે કે જો તમે કઈ થઈ ગયું તો જાડેજાને કઈ ફરક પડવાનો? એણે તો જાતે જ તને મારી પાસે લાવવામાં મદદ કરી છે.... એ અને એનો પેલો કોન્સ્ટેબલ એ બંને તને પિશાચ સમજે છે. કાલે સવારે તો જાડેજાએ તને પોલીસ સ્ટેશન પણ લઈ જવાની વાત કરી. પણ તને શું લાગે છે? ત્યાં સુધી તું બચીશ ખરા??"

મેધાએ આ વિશે વિચાર કર્યો, એનું મગજ હાલ ચકરાવે ચઢ્યું હતું એણે ફરી એક કોશિશ કરી, "ભલે હાલ તું મને મારી દે, પણ મહિના પછી તને ફરી બલી આપવી પડશે. અને ત્યારે તો બધાને... અહ... જાડેજાને ખબર પડી જશે કે આ બધા પાછળ મારો કોઈ હાથ નથી. એ સમજી જશે અને એ વખતે તું નહિ બચી શકે."
સૂર્યાએ એક મોટો ઠહાકો લગાવ્યો. "તે ખરેખર મને મૂરખ સમજી છે નહીં! જે દિવસે તે માધવને મારાથી બચાવ્યો, હું સમજી ગઈ કે તું કોઈ સામાન્ય સ્ત્રી નથી. તારા ઘરમાં મેં મારા માણસો મોકલી આપ્યા, અને તારા સામાનમાં મને તારી કુંડળી મળી. સ્વાતિ નક્ષત્ર, સિંહ રાશિ, આરાધ્ય સૂર્ય, સૂર્ય લોહી અને હૃદયના દેવ... જો તારી બલી આજના દિવસે ચઢાવવામાં આવી તો એનાથી મને આ કર્મમાંથી મુક્તિ પણ મળશે, અને એ સિવાય આજ પછીની કોઈપણ અમાસ પર વેતાલદેવને કોઈ બલી પણ નહિ ચઢાવવી પડે.... હું એક સુખમય અને શાંતિપૂર્ણ જીવન જીવી શકીશ...."
એ વિશે વિચારતા જ એના ચહેરા પર એક મુસ્કાન છવાઈ ગઈ. એ સાથે જ મેધા બોલી, "તારા જેવા લોકોને ક્યારેય મુક્તિ નહિ મળે, જે લોકોએ માત્ર પોતાના ફાયદા માટે બીજાનો જીવ લીધો હોય. એમને ક્યારેય મુક્તિ ન મળે...."
સૂર્યા આ છેલ્લી વાતથી ખૂબ ગુસ્સે થઈ, મેધાનો ઘાયલ હાથ એણે જોરથી દબાવ્યો. આ સાથે જ મેધાના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.
એને દર્દમાં જોઈ સૂર્યા જોરથી બોલી, "કયો ફાયદો? કેવો ફાયદો? મારા પિતાએ આ ભૂલ કરી હતી. આ બધામાં મારો નહિ એમનો ફાયદો હતો. રાજા હતા એ આકલકોટના... જયારે 1947 પછી સરકારે રજવાડા ભારતમાં મેળવવાની શરૂઆત કરી. એ વખતે એમનું રાજ્ય જવાના ડરને કારણે એ એક તાંત્રિક પાસે ગયા અને જાયદાદ બચાવવાના બદલામાં દેવ પાસે મારો સોદો કરી દીધો. મારા 18 વર્ષના થયા બાદ જો મેં અમાસ પર બલી ન ચઢાવી તો વેતાલદેવ મને મારી નાખશે. માત્ર એટલું જ નહીં મારી આત્માને કેદ કરીને મને હેરાન કરશે. મારા પિતાએ લોકોના ડરના કારણે અહીંથી દૂર લંડન મને ભણવાના બહાને મોકલી દીધી. ત્યાં અઢાર વર્ષ થતા જ મને ચેતવણીઓ મળવા લાગી. લોહીની ઉલ્ટીઓ, હાડકા તૂટવા, શરીર પર મોટા કાપા અને એ સિવાય ઘણું-બધું. વિચાર કેટલો દર્દ સહયો હશે મેં! મારે મજબૂરીમાં મારા સાથે જ ભણતી બે છોકરીઓને મારવી પડી. અને એમનું લોહી દેવને ચઢાવવું પડ્યું. આ બધું જ એ ચોકીદાર જોઈ ગયો. અને લોકોને જણાવી દીધું. એ લોકો મને જીવતી સળગાવવા પણ આવી ગયા. પણ ત્યારે મને બચાવવા મારી આયાએ એનો જીવ આપ્યો. ત્યાંથી ભાગી કેટલી જગ્યાએ ગઈ, પણ બધે જ આ જ કારણથી ભાગવું પડ્યું. પિતાની જાયદાદ તો બચી ગઈ. પણ મારું જીવન નર્ક કરતા ખરાબ થઈ ગયું. છેવટે અહીં છેલ્લા દોઢ વર્ષથી હતી, પણ કોઈ મારા વિશે ન જાણી શક્યું. એ દિવસે મારે બલી આપવા માટે કોઈ વ્યક્તિને શોધવાનો હતો. માધવ મને મળી ગયો. હું એની ગાડી આગળ આવી એની ગાડી તો રોકાવી શકી, પણ એને મારી સાથે લાવતા પહેલા તું વચ્ચે આવી ગઈ. અને એને બચાવીને લઈ ગઈ. તારા ડરને કારણે લોકો બહાર આવતા બંધ થઈ ગયા અને મારી પ્રક્રિયામાં ખલેલ પહોંચ્યો. માધવની બલી ન મળતા પહેલી ચેતવણી મળી. મને દેવે મારા ચહેરા પર સાચી ઉંમર આપી દીધી. મને સમજાઈ ગયું કે બચવા માટે મારે કોઈ રસ્તો તો નિકાળવો જ પડશે. તારા વિશે જાણવા જતા તારી કુંડળી મળી ગઈ. અને મને આમાંથી નીકળવાનો રસ્તો પણ મળી ગયો. તારો અને મારો જન્મ એક જ નક્ષત્રમાં, એક જ દિવસે અને એક જ સમયે થયો છે. જો તારી બલી આપીશ તો આ ક્રિયા અહીં જ પુરી થશે. તારી અને મારી વચ્ચે ઝાઝો ફરક નથી. તારી બલી મળતા જ મારી આત્માને પણ મુક્તિ મળી જશે. અને તે તો જોઈ જ લીધું કે તારા લોહી માટે એ કેટલા તરસી રહ્યા છે! તારા મરતા જ મારી બધી સમસ્યાઓનો અંત આવશે. હવે મારે જીવતા રહેવા માટે અન્ય કોઈનો જીવ નહિ લેવો પડે...."
મેધા આ સાંભળી ખૂબ આશ્ચર્યમાં આવી ગઈ, એને સ્વપ્નેય વિચાર નહતો કે એની બલીનું આ કારણ પણ હોઈ શકે છે. દરેક અમાસે એણે બલી આપી અને લંડનની વાત, સ્વતંત્ર ભારતની વાત અને જાયદાદની વાત પણ કરી, એનો મતલબ તો થયો કે આ વ્યક્તિ 1947માં હાજર હતી. 1985નું વર્ષ હતું આ, મતલબ તો એ જ થયો કે સૂર્યાની ઉંમર વધુ હતી. એણે જાતે પોતાની ઉંમરની વાત કબૂલી છે. પણ લોકોનું લોહી લઈને એનું કરે છે શું? એ બાબત એને ન સમજાઈ. એણે આ બાબતે ઘણો વિચાર કર્યો.
જવાબ ન મળતા મેધાએ સીધો જ સવાલ પૂછ્યો, "તું લોકોની બલી કઈ રીતે ચઢાવે છે? શું કરે છે એમની સાથે?"
સૂર્યા એકદમ સામાન્ય રીતે કોઈ સવાલનો જવાબ આપતી હોય એમ બોલી, "કઈ ખાસ નહિ, બસ એમના શરીરમાંથી લોહીનું એક-એક ટીપું નીકાળી લઉં છું. અને એ દેવને ચઢાવું છું. એ પછી એ પી લઉં છું...."
મેધાને આ સૌથી છેલ્લી વાત વધુ અસર કરી ગઈ, લોહી પીવાનો સીધો મતલબ એ થયો કે એને એની આદત પડી છે. અને આજે નહીં તો કાલે એ પોતાના આ શોખને જીવંત રાખવા બીજા કોઈની હત્યા તો કરશે જ. મેધાને માર્યા પછી પણ એની બલીનો આ સિલસિલો ચાલુ જ રહેશે. એ અટકશે નહિ. અત્યાર સુધી દેવના નામ પર લોકોને માર્યા, હવે એ લોકોને પોતાના માટે મારશે. એક રીતે આવા લોકોનું જીવવું માનવજાતિ માટે ખતરા સમાન છે. અહીં મેધાને સૂર્યા પર ખૂબ ગુસ્સો આવ્યો. એણે પોતાના વહેતા લોહીવાળા હાથની મુઠ્ઠી જોરથી બંધ કરી દીધી.

સૂર્યાએ પોતાની કહાની પુરી કરી, "તો મારા મોતના ભયથી હું દૂર થઈને, મારી સુંદરતા જવાના ભયથી દૂર થઈને મારા જીવનને એક તક આપું છું. એ સાથે જ હું અહી મેધાની આત્માને મુક્તિ અપાવું છું" કહી એણે એ નકશીકામ કરેલી છરી ઉપર હવામાં ઉગામી અને એક જોરદાર ઘા કરવા માટે હાથ વીંઝ્યો..........

(મેધાનો અંત..... સૂર્યાની જીત..... સાચા પર ખોટાનો ભાર.... ઘણું બધું થશે છેલ્લા ભાગમાં, વાંચતા રહો, "અશ્વમેધા....")